Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

2 March 2017

તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો

તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો

‘ટેસ્ટ ભી હેલ્થ ભી’ એવા સૂત્ર સાથે જેની જાહેરખબર દર્શાવાતી હતી અને માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જવાની લાલચ અપાતી હતી તે મેગી લોકોને ખૂબ પસંદ પડી ગઈ હતી. ખાસ કરીને મમ્મીઓ માટે. બે મિનિટમાં તૈયાર થઈ જાય અને બાળકોને સ્વાદમાં ભાવે એ અલગ. આથી ઘરમાં નાસ્તામાં મેગી બનવા લાગી. ધીમેધીમે જનરેશન બદલાઈ. અને નવી મમ્મીઓ કાં તો નોકરીના કારણે અથવા રસોઈ કરવાની આળસના કારણે તેનાં બાળકોને હવે જમવામાં મેગી આપવા લાગી. ઘણી જગ્યાએ ઊંધું પણ થતું. રોટલી-શાક બનાવ્યાં હોય તે ખાવાની બાળકો ના પાડે અને તેમને પૂછવામાં આવે ત્યારે તેઓ મેગી બનાવવાનું કહે.
આપણા માટે જે શ્રેય હોય છે તે આપણને ગમતું નથી. આપણને પ્રેય ગમે છે. જેમ કે બાળક હોય તો તેને રમવું ગમશે, ભણવું નહીં. આવું જ ખાવાની બાબતમાં પણ છે. ઉનાળાની ગરમીમાં આપણને ફ્રિઝનું ઠંડું પાણી ગટગટાવવાની તીવ્રતમ ઈચ્છા થાય પરંતુ તેના કરતાં માટલાનું પાણી સારું. આપણને જે ભાવતું હોય તે આપણા માટે મોટા ભાગે નુકસાનકારક હોય છે. ડાયાબિટીસના ઘણા દર્દીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. એસિડિટીની ફરિયાદ એવા લોકો વધુ કરતા હોય જેઓ તીખું તમતમતું ખાવાના શોખીન હોય. હા, જે ખૂબ મજૂરી કરતા હોય તેમને, લોકભાષામાં કહીએ તો, પથરા પણ પચી જાય. આપણે ત્યાં નાસ્તા અને ભોજનની એટલી બધી વિવિધતા છે, તેમ છતાં, ગુજરાતમાં હવે તો ગુજરાતી સિવાય બધી જ પ્રકારની વાનગીઓ માતાઓ-વહુઓ બનાવવા લાગી છે.  પંજાબી, દક્ષિણ ભારતીય, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ. આપણે ત્યાં ઝડપથી તૈયાર થતો નાસ્તો પણ છે જેમ કે સેવમમરા. સિંગદાળિયા, ચણા. ખાખરા. ચવાણુ. પરંતુ આજકાલ પેકેજ્ડ ફૂડનું ચલણ વધ્યું છે. કોઈને કંઈ ઝંઝટ કરવી નથી. અને મેગીનો ફાયદો (!) એ ખરો કે થોડા મોટાં બાળકો હોય- દસ બાર વર્ષના તો જાતે પણ મેગી બનાવી શકે.
હવે આપણને ખબર પડી છે કે વર્ષોથી જે મેગી આપણામાંના કેટલાક ખાતા હતા તે તો સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. ઘણી વાર આપણને કોઈ અધિકૃત સંસ્થા ન કહે ત્યાં સુધી અને જ્યાં સુધી તેની સામે ઝાઝો હોબાળો ન મચે ત્યાં સુધી આપણે એ બાબત માનતા નથી. બાકી, મેગી વિશે આરોગ્ય નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં મેંદો આવતો હોવાથી તે બહુ ખાવી સારી નથી. મેગી ઉપરાંત અન્ય ચાઇનીઝ વાનગીઓમાં પણ વપરાતા આજીનોમોટો વિશે પણ ઘણા સમયથી આ નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં સ્વાદ જ મળે છે, પરંતુ પોષણ નથી મળતું. હવે બધું વૈજ્ઞાનિક અને આરોગ્યની રીતે બહાર આવી રહ્યું છે ત્યારે આપણને ખબર પડી કે આ આજીનોમોટો કેટલો નુકસાનકારક છે.
આજીનોમોટો છે શું? નામ પરથી તે ગુજરાતી હોવાની ભૂલ ન કરવી. તે જાપાનીઝ શબ્દ છે. હકીકતે એક જાપાનીઝ કંપનીનું નામ છે. ઘણી વાર કોઈ ચપલ બનાવતી કંપનીનું નામ ચપલ સાથે જોડાઈ જાય તેમ એક પદાર્થ સાથે આજીનોમોટોનું નામ જોડાઈ ગયું છે. આ પદાર્થ એટલે મોનો સોડિયમ ગ્લુટામેટ જેને ટૂંકમાં એમએસજી તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થ ઉમામીની સુનામી સર્જે છે. ઉમામી પણ એક જાપાનીઝ શબ્દ છે. તેનો અર્થ થાય છે ચટપટો, મજા પડી જાય, ટેસડો પડી જાય તેવો સ્વાદ. આ સ્વાદને આમ તો સ્વાદની એકેય શ્રેણીમાં ફિટ બેસાડી ન શકાય. ન તે ખાટો હોય, ન તે ખારો, ન મીઠો હોય ન કડવો. તેનું રાસાયણિક સૂત્ર છે – C5H8NO4Na. જાપાનના બાયોકેમિસ્ટ કિકુનાએ ઈકેદાએ પહેલી વાર તેને તૈયાર કર્યું હતું. જાપાનમાં ઘણાં સૂપોમાં કોમ્બુ નાખવામાં આવે છે. કિકુનાભાઈ આ કોમ્બુ જેવો પદાર્થ બનાવવા મથતા હતા અને તેમાં તેઓ સફળ રહ્યા.
આ એમએસજી ટમેટાં, બટેટાં, મશરૂમ, ચીઝ, અન્ય ફળો અને શાકભાજીઓમાં કુદરતી રીતે મળી આવે છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે આ એમએસજી એ એક્સાઇટોટોક્સિન છે. તમને થશે કે આ એક્સાઇટોટોક્સિન વળી કઈ બલાનું નામ છે? માનો કે એમએસજી દાઉદ ઈબ્રાહિમ જેવી વ્યક્તિ છે તો એક્સાઇટોટોક્સિન એ ગુંડા છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે એક્સાઇટોટોક્સિન એ એક શ્રેણી છે અને તે એવાં રસાયણોની શ્રેણી છે જે સામાન્ય રીતે એમિનો એસિડ હોય છે. તેઓ ન્યૂરોન રિસેપ્ટરને ઉત્તેજે છે. (એક્સાઇટોટોક્સિન નામમાં જ સ્પષ્ટ છે કે ઉત્તેજતાં ઝેરી તત્ત્વો) આ ન્યૂરોન રિસેપ્ટર મગજના કોષોને એકબીજા સાથે સંદેશો પહોંચાડવા દે છે. મતલબ કે જો તમારા પગ પર મચ્છર બેઠું હશે તો તમારું મગજ હાથને આદેશ આપશે કે પગ પરથી મચ્છર ઉડાડ.
એક્સાઇટોટોક્સિન ન્યૂરોન રિસેપ્ટરના સંપર્કમાં આવે છે ત્યારે આવેગમાં એક તીવ્ર ઉછાળો આવે છે. પરંતુ તે પછી તેઓ થાકી જાય છે. કેટલાક કલાકો પછી આ ન્યૂરોન મરી જાય છે. આ અસર મગજના એવા ભાગમાં થાય છે જે આપણા વર્તન, લાગણીઓ, યૌવન, ઊંઘનું ચક્ર અને રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે.
અમેરિકાના ન્યૂરોસર્જન અને લેખક ડૉ. રસેલ બ્લેલોકે ‘એક્સાઇટોટોક્સિન: ધ ટેસ્ટ ધેટ કિલ્સ’ પુસ્તકમાં સમજાવ્યું છે કે મોનોસોડિયમ ગુલ્ટામેટ એક એક્સાઇટોટોક્સિન છે જે તમારા કોષને ઓવરએક્સાઇટ એટલે કે વધુ પડતા ઉત્તેજે છે. એટલી હદ સુધી કે તેનાથી તેને નુકસાન પહોંચી શકે અથવા તેનું મૃત્યુ થઈ શકે. આમ મગજને નુકસાન કરે છે.
આ એક્સાઇટોટોક્સિન માત્ર ન્યૂરોન સાથે જ રમત નથી રમતાં, પરંતુ જીભ સાથેય રમત રમે છે. તેમાં રહેલાં રસાયણો જીભમાં રહેલાં સ્વાદ કોષોને ઉત્તેજિત કરે છે. આથી આપણે જે ખાઈએ છીએ તેનો સ્વાદ આપણને બહુ સારો લાગે છે. આથી જ તો સૂપ, નાસ્તા, સોસ, ગ્રેવી અને બીજા અનેક ફૂડમાં આ એમએસજી (એમએસજી) અથવા એક્સાઇટોટોક્સિન નાખવામાં આવે છે.
એક્સાઇટોટોક્સિન માત્ર ચાઈનીઝ પ્રકારનાં વ્યંજનોમાં જ હોય છે એવું નથી, કેમ્પબેલના સૂપથી લઈને વેઇટ વોચર્સ અને મેકડોનાલ્ડના અમેરિકન પ્રોસેસ્ડ ફૂડમાં પણ એમએસજી તેમજ એસ્પર્ટેમ નામના એક્સાઇટોટોક્સિન હોય છે. એટલે તમે કોઈ માર્ટ, ફ્રેશ કે મોલમાં કરિયાણું લેવા જાવ અને ત્યાં પેકેજ્ડ ફૂડ, સૂપ, ચિપ્સ, વેફરના પડીકાં ખરીદો તો તેમાં, ફ્રિજમાં રાખેલા ખાદ્ય પદાર્થોમાં એક્સાઇટોટોક્સિન હોવાની પૂરી સંભાવના છે. સ્વાદમાં તો ‘કુરકુરા’ લાગે પણ પછી તેની અસરો વર્તાય.
અને આ એક્સાઇટોટોક્સિનથી કેવી અસરો થવા સંભવ છે? અગાઉ કહ્યું તેમ મગજના ન્યૂરોન સેલને તો તે મારી નાખે જ છે. ‘ધ હેલ્થ સાઇટ’ના કહેવા મુજબ, આ એમએસજી જેવા એક્સાઇટોટોક્સિનથી તમારી યાદશક્તિ અને તમારી શીખવાની પ્રક્રિયા પર અસર થાય છે (એનો અર્થ એ કે બાળકોએ આવા ખાદ્ય પદાર્થો બિલકુલ ખાવા ન જોઈએ). ડૉ. રસેલ બ્લેલોકના કહેવા પ્રમાણે, આ એમએસજીથી લર્નિંગ ડિસએબિલિટી, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ, લોઉ ગેહરિગ રોગ (જેમાં મગજ અને કરોડરજ્જુના કોષોને નુકસાન થાય છે), હંટિગ્ટન્સ ડિસીઝ થઈ શકે. પ્રયોગશાળામાં પ્રાણીઓ પર ગ્લુટામેટનાં ઇંજેક્શન આપવાથી તેમના મગજના નર્વ કોષોને નુકસાન પહોંચ્યું હતું. તેનાથી તમને આંચકીઓ, ચક્કર આવી શકે. બાળકોનાં વર્તન તો બદલાય જ સાથે મોટી ઉંમરની વ્યક્તિને પણ હાઇપરએક્ટિવિટીને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે. જેમને એમએસજીની એલર્જી હોય તેનું તો મોત પણ થઈ શકે.
ડૉ. રસેલ બ્લેલોક મુજબ, જ્યારે વધુ પડતું એમએસજી લેવામાં આવે ત્યારે કાર્ડિઆક અર્હાઇથમિયા (હૃદયના ધબકારા અનિયમિત થવા)ની સ્થિતિ થાય છે. એમાંય જ્યારે મેગ્નેશિયમનો સંગ્રહ ઓછો હોય ત્યારે (જેમ કે એથ્લેટમાં) ત્યારે ઓછા પ્રમાણમાં એમએસજી લો તો પણ કાર્ડિયાક અર્હાઇથમિયા ઉત્પન્ન થાય અને મોત પણ નિપજી શકે. આ સિવાય, એમએસજી લેનારને, ભૂખ ન લાગવી, પાચનની ક્રિયામાં ગરબડ થવી, સ્થૂળતામાં વધારો, આંખને નુકસાન, માથાનો દુખાવો, વધુ પડતો થાક, વિસ્મૃતિ, નિરાશા જેવી આરોગ્ય સંબંધી હેરાનગતિઓ થઈ શકે છે.
કેટલાક લોકો એમ કહે છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ તો એમએસજીને ખાવા માટે સલામત ગણ્યું છે પણ આવા લોકો સિફતપૂર્વક ભૂલી જાય છે કે એફડીએ પણ જો અને તોની રીતે તેને સલામત ગણે છે. ઉપરાંત તે એમ તો કહે જ છે કે તેનાથી ટૂંકા ગાળાનાં રિએક્શન આવી શકે જેમ કે હાથ-પગમાં ખાલી ચડી જવી, પેટમાં બળતરા થવી, ઝણઝણાટી થવી, મોઢું તણાવું, છાતીમાં દુખાવો થવો, માથું દુખવું, ઉલટી થવી, હૃદયના ધબકારા  વધી જવા, તંદ્રા, નબળાઈ, ખૂબ પરસેવો થવો.
તો કેવી રીતે ખબર પડે કે તમે જે બહારથી પેકેજ્ડ ફૂડ લાવ્યા તેમાં એમએસજી છે કે નહીં. આવાં ખાદ્ય પદાર્થો બનાવનારા હોંશિયાર હોય છે. તેઓ એમએસજી લખવાથી બચે છે. વળી, ફૂડ બનાવતી વખતે કે તે બન્યું હોય ત્યારથી તમે ખરીદો કે ઘરે લાવીને ફ્રિજ વગેરેમાં મૂકો ત્યાં સુધીમાં તેમાં એમએસજી બની ગયું  હોવાની શક્યતા છે. એટલે પ્રોસેસ્ડ ફૂડ ખરીદો તો તેમાં સામાન્ય રીતે એમએસજી છે જ તેવું માની લેવું. તાજો ખોરાક લેવો. ઘરમાં બનેલો ખોરાક લેવો. (મમ્મીઓએ ખાસ યાદ રાખવું. થોડી મહેનત થશે પરંતુ ઘરમાં બનેલો ખોરાક બાળકોને આપશો તો તેનું આરોગ્ય અને ભવિષ્ય સુધરશે.) રેસ્ટોરન્ટમાં બને ત્યાં સુધી ખોરાક લેવાનું ટાળવું. જવું જ પડે તેમ હોય તો ત્યાં પૂછી શકાય કે એમએસજી વગરની કઈ ચીજો છે. હવે તમને ખબર પડી જ ગઈ છે કે ચાઈનીઝ અને અમેરિકન પ્રકારના, સ્ટોર કરેલા, પ્રોસેસ કરેલા, પેકેટમાં આવતા ખાદ્ય પદાર્થોમાં એમએસજી હોવાની શક્યતા છે. (અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનીઝ ફૂડનો ચસકો લાગી ગયો હતો, તેથી તેઓ પણ એમએસજી પાછળ ગાંડા થઈ ગયા, પરંતુ ધીમે ધીમે સત્ય સમજાઈ રહ્યું છે.)
એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે જો એમએસજી આટલું ખરાબ હોય તો ચીન અને જાપાનના લોકો તો ભરપૂર તેને ખાય છે. તેમને કેમ કંઈ થતું નથી? (નેસ્લેનું પીઆર કેમ્પેઇન ચાલશે તો આવા અનેક સવાલો કેટલાક અખબારોમાં અને ન્યૂઝ ચેનલોમાં આવવા લાગવાના) એનો જવાબ એ છે કે દરેકની સંસ્કૃતિ જેમ અલગ હોય છે તેમ પચાવવાની તાસીર અલગ હોય છે. ચીનાઓ તો વાંદા-ગરોળી-ઉંદર ખાય છે. તમે તે ખાઈ શકવાના? ખાશો તો પચાવી શકવાના? અગાઉ કહ્યું તેમ મજૂર સૂકો રોટલો- ડુંગળી ને મરચા ખાય તો તેને કંઈ ન થાય કારણ કે તે એટલી મહેનત કરે છે કે તેને તે પચી જાય છે. આપણું ખાણું ઘણા વિદેશીઓને બહુ મસાલેદાર- તીખું- સ્પાઇસી લાગે છે. તેમને તે માફક આવતું નથી. એમ, આ એમએસજીવાળા ખાદ્ય પદાર્થો ટેસ્ટી લાગે, પરંતુ અંતે તે હિતકર નથી હોતા. એમએસજીવાળા જ શું કામ, ઉપર કહ્યું તેમ પેકેજ્ડ, પ્રોસેસ્ડ અને સ્ટોર્ડ ફૂડ, જંક ફૂડ આ બધા હિતકર નથી જ.
(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૧૩/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!

ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સિસકારા ન ભરો! એટલિસ્ટ કારવાળાએ તો ન જ ભરવા જોઈએ. અમેરિકાના ન્યૂ યોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં એવી શોધ કરી છે કે જેથી તમારા મગજની કાર ફટાફટ દોડવા માંડશે. તમારી કલ્પનાનું વિશ્વ ખુલી જશે. તમને થશે કે લે આવું થાય તો કેવું સારું! ઘણી ખરી શોધ પહેલાં નાના પાયે જ થઈ હોય છે, પરંતુ એ શોધ અથવા એ વિચારના પાયા પરથી મોટી શોધો થતી હોય છે. કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોની શોધ આવી જ લાગે છે. તેમણ એવી નાની કાર બનાવી છે જે પાણીની વરાળથી ચાલે છે. ખુલ ગયા ના મુંહ!
પાણીની વરાળથી ચાલે તો તો મજા પડી જાય ને. પેટ્રોલ કે ડિઝલ કરતાં પાણી કેટલું સસ્તું. વાત સાચી છે, પણ અત્યારે આ શોધ નાની રમકડાની કાર પૂરતી જ છે અને તેમાં શું કીમિયો અજમાવાયો છે તે જોવા જેવું છે. પાણીનો સ્વભાવ હોય છે બાષ્પ બનવાનો. બાષ્પીભવનનો. હજુ ખાસ વરસાદ પડ્યો નથી, એટલે ગરમી ચાલુ જ છે અને ગરમી દૂર કરવા તમે આંગણામાં, ચોકડીમાં કે અગાશી પર પાણી છાંટતા હશો તો ખબર જ હશે કે થોડી વારમાં તો એ પાણી ગાયબ થઈ જાય છે. ઓઝગર સાહીનના નેતૃત્વમાં સંશોધકોએ આ વાતને પકડીને સંશોધન કરવાનું વિચાર્યું.
હવે આ સાહીને ગયા વર્ષે એવું સંશોધન કર્યું હતું કે માટીમાં જે બૅક્ટેરિયા રહેલા હોય છે તે બૅક્ટેરિયાના સ્પોર (એક જાતના કોષ જે ઉત્પાદન અથવા પ્રજનન માટે જવાબદાર હોય છે) ભેજવાળા વાતાવરણમાંથી ભેજ શોષી લે છે અને તેના કારણે તે ફૂલી જાય છે. પછી તેઓ હવા છોડે છે જેથી તેમનું સંકોચન થાય છે. આમ, સ્પોરના કદમાં થતા ફેરફાર પરથી ચીજોને ખેંચી કે ધકેલી શકાય ખરી. શાહીને અને તેમના સાથીઓએ એક પાતળી પ્લાસ્ટિક ટેપની બંને બાજુએ સ્પોરની લાઇન કરી. જ્યારે આ ટેપને સૂકી હવામાં ખુલ્લી રાખવામાં આવી ત્યારે સ્પોર સંકોચન પામ્યા અને તેનાથી ટેપ સ્પ્રિંગની જેમ પાછી ફરી. ભેજવાળી હવામાં ટેપનું વિસ્તરણ થયું. એક રીતે આ કૃત્રિમ સ્નાયુ જેવું થયું. વૈજ્ઞાનિકોએ તેને નામ આપ્યું કૃત્રિમ સ્નાયુ અથવા હાઇડ્રા.
આવા બારેક હાઇડ્રાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ પ્રાથમિક પિસ્ટન એન્જિન બનાવ્યું. હાઇડ્રાને એક પ્લાસ્ટિક કેસની અંદર મૂકવામાં આવ્યા જેના પર નાનકડાં શટર હતાં. જ્યારે પાણીમાં મૂકવામાં આવતા ત્યારે ભેજના કારણે હાઇડ્રા ફૂલતા અને તેના ઉપરનાં શટર ખુલી જતાં. આના કારણે ભેજ છૂટતો અને હાઇડ્રા સંકોચાતા જેના કારણે શટર બંધ થઈ જતાં. આ ચક્ર આમને આમ ફર્યા રાખતું.
આ પદ્ધતિથી મોઇશ્ચર મિલ બનાવાઈ. મશીનમાં એક પ્લાસ્ટિકનું વ્હીલ હોય છે જે પ્લાસ્ટિકની ટેપથી આવરાયેલું હોય છે. પ્લાસ્ટિક ટેપ પર અગાઉ કહ્યું તેમ એક બાજુએ સ્પોર રાખી દેવામાં આવે છે. અડધું પૈડું સૂકી હવામાં રાખવામાં આવે છે. તેના કારણે પટ્ટી વળે છે. બીજો અડધો ભાગ ભેજવાળી હવામાં હોય છે. તેના કારણે પટ્ટી ફૂલે છે. પરિણામે પૈડું ગોળ ગોળ ફરે છે. તેનાથી એટલી શક્તિ તો મળે છે કે તે એક નાનકડી રમકડાની કારને ચલાવી શકે.
આ પદ્ધતિથી એટલી વીજળી પણ ઉત્પન્ન થઈ કે એક એલઇડી બલ્બ પ્રકાશિત થઈ શકે. આ મશીનનો ઉપયોગ નાની તરતી લાઇટને વીજળી આપવા માટે, દરિયાના તળિયે સેન્સર ચલાવવા માટે થઈ શકે છે.
આમ, આ પદ્ધતિએ ફરી વૈકલ્પિક ઈંધણનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તેમજ તેના પર થોડાક દેશોના કબજાના કારણે વાહનો વૈકલ્પિક ઈંધણથી ચાલે તેવા પ્રયાસો થતા આવ્યા છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે કાર તાજી હવા પર ચાલી શકે છે. તમે પર્યાવરણવાદી હો કે ન હો, ખુશ થવા જેવી બાબત આ સમાચારમાં એ પણ હતી કે આ રીતે ચાલતી કારમાં જે ઉત્સર્જન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રદૂષણ કરતા વાયુનું નથી થતું પરંતુ પાણીનું થાય છે!
જાપાનની એક અગ્રણી કંપનીએ આ પ્રકારની કાર બનાવી પણ નાખી છે. તેમાં પેટ્રોલ કે ડિઝલ નાખવું પડતું નથી પરંતુ બ્રહ્માંડમાં સૌથી સામાન્ય એવું તત્ત્વ હાઇડ્રોજનથી તે ચાલે છે. કારની ટાંકીમાં ગેસ નાખી દો. પછી હવામાં રહેલા ઑક્સિજન સાથે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, જેનાથી કાર ચાલે છે. પરિણામે તેમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે તે કારમાંથી બહાર છૂટે છે. એમ તો બીજી અનેક ઇલેક્ટ્રિક કાર છે પરંતુ તે થોડાક કિમી જ ચાલી શકે છે. તેની ઝડપ પણ ૬૪ કિમી પ્રતિ કલાકથી વધુ હોતી નથી. પરંતુ જાપાનની આ કારની ગતિ ૧૭૮ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. એક વાર ટાંકી ભરાવી દો એટલે તે ૪૮૨ કિમી આરામથી ચાલી શકે છે.
એવો સવાલ થઈ શકે કે આ કાર સળગી તો નહીં ઉઠે ને? ૧૯૩૭માં જર્મનીથી અમેરિકાના લેકહર્સ્ટ આવી રહેલું વિમાન હિડનબર્ગ સળગી ઉઠ્યું તેની પાછળનાં જે કારણો ચર્ચાયાં તેમાં એક કારણ એ પણ મનાતું હતું કે ટેન્કમાંથી હાઇડ્રોજન લિક થયો તેના કારણે દુર્ઘટના થઈ. ૨૦૧૩માં તપાસકારો અંતિમ તારણ પર આવ્યા કે દુર્ઘટના માટે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જવાબદાર હતી. હાઇડ્રોજન લિક થયો અને વાદળોની ગર્જના અને વીજળીના ચમકારાના સંપર્કમાં વિમાન આવ્યું. જ્યારે મેદાન પરના ક્રુ સભ્યો લેન્ડિંગ રોપ્સ લેવા દોડ્યા ત્યારે અર્થિંગ થઈ ગયું અને તેના પરિણામે તણખા થયા.
આમ, હાઇડ્રોજનથી ચાલતી કારમાં પણ આવું કંઈ તો નહીં થાય તેવો સવાલ સ્વાભાવિક છે. આ કારમાં જોકે આવું થવાની ઓછી શક્યતા છે કારણકે તેમાં ફ્યુએલ ટેંક બુલેટપ્રૂફ હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટાંકીમાં પેટ્રોલ હોય તો કાર ફૂંકાઈ જવાની તકો વધુ છે.
બધી રીતે અનુકૂળ લાગતી આ કારની કિંમત તેનું સૌથી મોટું નબળું પાસું છે. ૬૩,૧૦૪ પાઉન્ડ (અંદાજે રૂ. ૬૩,૫૫, ૭૭૬)માં આ કાર પડે! વળી, હાઇડ્રોજન ભરવાનાં સ્ટેશન પણ હોવા જોઈએ ને. હજુ વિશ્વમાં જ ૩૦૦થી ઓછાં સ્ટેશનો છે. જાપાનમાં અત્યારે ૧૭ સ્ટેશન છે. ૨૦૧૫ સુધીમાં નવાં ૧૯ સ્ટેશન ખુલવાની ધારણા છે. જર્મનીમાં ૧૫, અમેરિકામાં અંદાજે પાંચ, દક્ષિણ કોરિયામાં ૧૧, ડેનમાર્કમાં બે, યુકેમાં ૧૨ છે. ભારતમાં ત્રણ સ્ટેશન છે. જોકે જાપાનમાં સરકાર બહુ જાગૃત છે અને તે આવી કાર ખરીદવા માટે સબસિડી આપે છે જેના કારણે આ કાર ત્યાંના લોકોને ૧૭ હજાર પાઉન્ડમાં (અંદાજે રૂ. ૧૭ લાખ) જ પડે છે.
ભારતની સરકારે પણ પ્રદૂષણ ઘટાડવા માટે ખરેખર ચિંતિત હોય તો આ પ્રકારનાં વાહનોને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ ભારતની કાર કંપનીઓ બનાવે અને તે ગ્રાહકોને પરવડે તેવા ભાવમાં મળે તે જોવું જોઈએ.
વૈકલ્પિક ઈંધણની વાત નીકળી છે તો ૧૯૯૬નો એક કિસ્સો પણ યાદ આવે છે. એ વખતે આ કિસ્સો બહુ ચગેલો. તમિલનાડુના ૩૦ વર્ષીય રામર પિલ્લાઈ નામના ભાઈ, જે શાળામાંથી ભણતા ઉઠી ગયેલા તેમણે પાણીને ઈંધણમાં પરિવર્તિત કરવાનો દાવો કર્યો હતો. એ વખતે તેમણે વૈજ્ઞાનિકો સમક્ષ પ્રયોગ કરીને આ સાબિત કર્યું હતું અને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હતા. તેમણે જોયું કે રામરે ઝાડનાં પાંદડાં અને છાલને પાણીમાં નાખ્યાં. તેને ૩૦ મિનિટ સુધી ઉકળવા દીધાં. તેમાં મીઠું, સાઇટ્રિક એસિડ અને અન્ય રસાયણો નાખ્યાં. તેના કારણે ટોચ પર કેરોસીન જેવું એક સ્તર ઉપસી આવ્યું. તે વખતના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલયના સચિવ વાલાંગિમણ રામમૂર્તિ પણ પ્રભાવિત થઈ ગયા હતા. પિલ્લાઈના ગામવાળા તો પિલ્લાઈની દેશી પ્રયોગશાળામાં બનેલા આ ઈંધણથી જ મોટરબાઇક ચલાવતા હોવાનો દાવો થયો હતો. જોકે બાદમાં વૈજ્ઞાનિકોએ તેમની વાત સ્વીકારી નહોતી અને તે હર્બલ ફ્યુઅલના નામે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનિક કેમિકલ્સ વેચતો હોવાના આરોપસર સીબીઆઈએ વર્ષ ૨૦૦૦માં તેની ધરપકડ પણ કરી હતી.
જોકે જે રીતે તત્કાળ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ નિવેદન આપ્યું હતું કે દરેક પેટ્રોલિયમ પ્રધાને ઇમ્પોર્ટ લોબી તરફથી ખતરો હોય છે, તે જોતાં એવું પણ અશક્ય નથી કે રામરની શોધને સમર્થન ન અપાયું હોય અને તેને ખોટો સાબિત કરી દેવાયો હોય.
હાઇડ્રોજનથી ચાલતા વાહનની વાત પર પાછા ફરીએ તો ભારતે સાવ નિરાશ થવા જેવું નથી. ટાટા મોટર્સ અને ઇસરોએ અનેક વર્ષોનાં સંશોધન પછી હાઇડ્રોજનથી ચાલતી ભારતની પહેલી બસ બનાવી છે. આના છેડા પણ  પિલ્લાઈની જેમ તમિલનાડુ અડે છે કેમ કે આ બસનું પહેલું નિદર્શન તમિલનાડુના મહેન્દ્રગીરીમાં ૩૦ જુલાઈ ૨૦૧૩ના રોજ થયું હતું. આ જ વર્ષમાં રિનોલ્ટ-નિસાન તેમજ ડેમલરે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં તેઓ પોસાય તેવા અને મોટી સંખ્યામાં ફ્યુએલ સેલ વિહીકલ બનાવશે. બીએમડબ્લ્યુ અને ટોયોટાએ પણ સંયુક્ત રીતે આવાં વાહનો બનાવવા જાહેરાત કરી છે.
ભારતમાં પણ ગયા મે મહિનામાં કોલકાતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઇઆર) અને પૂણે સ્થિત સીએસઆઈઆરએ પણ ફોટોવોલ્ટેઇક સેલ્સમાં સૂર્યશક્તિ સંગ્રહિત કરી, કાર ચલાવી શકાય છે તેવું સંશોધન કર્યું હતું.
વૈજ્ઞાનિકોનું કામ તો હોય છે સંશોધન કરવાનું, પરંતુ તેને સફળ રીતે લોકો સુધી લાવવામાં સરકારે રસ લેવો જોઈએ જેવો જાપાનની સરકાર લઈ રહી છે. સરકાર રસ લે કે ન લે, કંપનીઓની ઉપરોક્ત જાહેરાતો જોતાં, ભારતમાં પણ એક બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના બદલે હાઇડ્રોજન પર કાર દોડતી હોય તો નવાઈ નહીં.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની સાયન્સ પૂર્તિમાં તા.૨૦/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

પૃથ્વી પર જીવનનું મરણ નજીક વી રહ્યું આછે?

પૃથ્વી પર જીવનનું મરણ નજીક વી રહ્યું છે?

હમણાં અખબારોમાં એક સમાચાર ઝળક્યા: પૃથ્વી વિનાશના છઠ્ઠા તબક્કામાં. પૃથ્વીના વિનાશની વાતો સમયાંતરે આવતી રહે છે. ૨૦૧૨માં પણ પૃથ્વીનો નાશ થવાનો છે તેવી વાતો બહુ ચગેલી, પરંતુ તે પછી ત્રણ વર્ષ વિતી ગયાં. કંઈ થયું નહીં, તમે કહેવાના.
કંઈ થયું નહીં? ખરેખર?
તો પછી આ નેપાળમાં ભૂકંપમાં હજારો લોકો મરી ગયા, સિંધમાં ગરમીના મોજાંએ સેંકડો લોકોનો ભોગ લીધો, કાશ્મીરમાં પૂરના કારણે અનેકોનાં મોત થયાં, મલેશિયામાં પૂર આવ્યાં. અમેરિકાના લુઇઝિયાનામાં પૂર આવ્યા. કોલમ્બિયામાં ભૂસ્ખલનો થયાં. આ બધું ક્રમશ: વિનાશ નથી તો શું છે?
આ બધાનું કારણ આપણી જીવનશૈલી, આપણા વ્યવહારો અને પર્યાવરણની સાથે આપણે કરી રહેલાં ચેડાં છે અને આ બધું કંઈ અધ્યાત્મની રીતે કે ગપ્પાબાજીની રીતે નથી, પરંતુ વૈજ્ઞાનિકો આવું કહે છે. તેમણે આગાહી કરી છે કે જો આપણે બદલાઈશું નહીં તો આગામી ૩૦ વર્ષમાં વૈશ્વિક પ્રલયની સ્થિતિ સર્જાશે. તેનાં કારણો આપણે એક પછી એક જોતા જઈએ.
પહેલું કારણ. વસતિમાં કૂદકે ને ભૂસકે વધારો. સરકાર ગમે તેટલો પ્રચાર કરે પરંતુ બાળકો બે બસનો નિયમ પળાતો નથી. શિક્ષિતોમાંથી પણ ઘણા આ નિયમ પાળતા નથી, તો પછી અભણની શું વાત કરવી? ભારતની વાત નથી, અમેરિકા જેવા મહાસત્તામાં ઘણા સેલિબ્રિટી બેથી વધુ બાળકો કરી રહ્યાં છે.  ભારતમાં તો હવે ધર્મવાળા જ કહેવા લાગ્યા છે કે બચ્ચે ચાર હી અચ્છે. પરિણામે વસતિ સતત વધી રહી છે. વસતિ વધે એટલે સ્વાભાવિક જ વધુ અનાજ જોઈએ. જરૂરિયાતો વધુ જોઈએ. સ્પર્ધા પણ વધે. રહેવા માટે જગ્યા પણ વધુ જોઈએ.
પરિણામે મેદાનો ઓછાં થતાં જવાનાં. વૃક્ષો ઓછાં થતાં જવાનાં. ખેતરો પણ ઓછાં થતાં જવાનાં. (ખેતરની જમીન વેચીને કરોડો રૂપિયા એકસામટા મળી જતા હોઈ ઘણા ખેડૂતો રાતોરાત કરોડપતિ થવામાં જ મજા જુએ છે અને ખેતરની જમીન વેચી રહ્યા છે.) ઔદ્યોગિકરણના લીધે પણ ખેડૂતો જમીન વેચી રહ્યા છે. આનું સીધું પરિણામ એ આવે છે કે ખેતી ઓછી થઈ રહી છે. વળી, અનાજ કરતાં રોકડિયા પાકમાં ખેડૂતોને વધુ રસ પડી રહ્યો છે. પરિણામે અનાજની તંગી થઈ રહી છે.
એક અંદાજ પ્રમાણે, ઈ. સ. ૨૦૫૦માં વિશ્વની વસતિ નવ અબજે પહોંચી જશે. અત્યારે સાત અબજે આ સ્થિતિ છે તો નવ અબજે શું થશે? એ તો ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક પણ કહી ગયા છે કે અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. તો પછી આટલી વસતિ થશે એટલે રહેણાંક, શિક્ષણથી લઈને નોકરી સુધી બધામાં સંઘર્ષ વધવાનો જ, તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.
બીજું કારણ. અનાજની તંગી. વીમા કંપની લોઇડ્સ ઑફ લંડને બ્રિટનની ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી પાસે એક અભ્યાસ કરાવ્યો. તે મુજબ, ગરમીનું મોજું,  પાકને થતા રોગ અને અલ નીનો (ટૂંકમાં સમજીએ તો, પ્રશાંત મહાસાગર પર થતી વાતાવરણમાં બદલાવની) અસર –  આ ત્રણ પરિબળોના કારણે વિશ્વભરમાં ખાવાનાં સાંસા પડવાની સંભાવના છે.
ઈ. સ. ૨૦૫૦ની વસતિને જોતાં ૨૦૦૯માં જેટલું અન્ન ઉત્પાદન હતું તેને બમણું કરવું પડે. ઘઉં, મકાઈ, સોયાબીન, અને ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે તેમ વૈજ્ઞાનિકોને લાગે છે. સ્વાભાવિક છે કે અછત હંમેશાં ભાવ વધારે. ડાંગરની વાત કરીએ તો તેના ભાવ ૫૦૦ ટકા વધશે તેમ મનાય છે. ભાવ વધે એટલે શું થાય? આંદોલનો થાય. ઝઘડા થાય. રોટી રમખાણો થાય. માણસનું મન અશાંત રહ્યા કરતું હોય ત્યારે આવું બધું થવું સ્વાભાવિક છે. આ બધું ક્યારે ન થાય? નૈતિકતા વધુ હોય તો. નૈતિકતા હોય તો ભાવ વધારવાના બદલે, એક સમયે દુકાળ વખતે ઘણા ઉદાર શેઠ મફત અનાજ વહેંચતા, તેવું કરે, ભલે મફત ન વહેંચે, પણ એટલિસ્ટ, ભાવ તો પ્રમાણસર જ રાખે. પરંતુ અત્યારે વિશ્વભરમાં અર્થ અને કામ તરફ જ દોટ હોય ત્યાં ધર્મ અને મોક્ષ એક તરફ જ રહી જવાના.
ત્રીજું કારણ. પર્યાવરણને પહોંચાડાતું નુકસાન. અત્યારે કેટલી બધી સજીવ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. અમેરિકાની સ્ટેનફોર્ડ, પ્રિન્સટન અને બર્કલી યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ પ્રમાણે, પૃથ્વી સામૂહિક વિનાશના છઠ્ઠા તબક્કામાં પ્રવેશી રહી છે. કરોડવાળા પ્રાણીઓ (વર્ટીબ્રેટ) સામાન્ય કરતાં ૧૧૪ ગણી ઝડપે લુપ્ત થઈ રહ્યાં છે. આવો તબક્કો ૬.૫ કરોડ વર્ષ પહેલાં આવ્યો હતો, જ્યારે ડાયનાસોર લુપ્ત થઈ ગયાં હતાં. તેના અગ્રણી અભ્યાસકાર જીરાર્દો સિબાલોસ કહે છે કે આપણી પ્રજાતિ પણ લુપ્ત થઈ જશે અને જો આ ચાલુ રહેશે તો કરોડો વર્ષ પછી પાછું જીવન શરૂ થશે.
વૈજ્ઞાનિકોએ કરોડવાળાં પ્રાણીઓના લુપ્ત થવાના ઇતિહાસનો દર તપાસ્યો. આમાં તેમને જણાયું કે વર્ષ ૧૯૦૦થી ૪૦૦થી વધુ પ્રજાતિઓ લુપ્ત થઈ છે. સાયન્સીસ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં આ લુપ્ત થવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ અને જંગલોનો નાશ ગણાવાયું છે.
વળી, ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી તો એવું ભવિષ્ય ભાખે છે કે પૂર, દુકાળ, વનમાં આગ, ખેતીમાં જીવાતો અને રોગો આ બધું વધતું જ જવાનું છે. ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ભયંકર દુકાળ પડશે. આના કારણે અનાજની ખૂબ જ તંગી થવાની છે. ઑસ્ટ્રિલયામાં દુકાળના કારણે ઘઉંનું ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું છે. પાણીની તંગી પણ ચિંતાનો વિષય છે. પાણીનો ધંધો કરતા માફિયાઓ આ તંગીને ઓર વણસાવવાના છે. સ્થિતિ તો એવી આવવાની છે કે, ઉપરોક્ત યુનિવર્સિટી મુજબ, ૨૦૨૫માં વિશ્વની બે તૃત્તીયાંશ વસ્તી પાણીની તંગી ભોગવતી હશે. આ બધું થાય એટલે સ્વાભાવિક જ વિરોધ પક્ષો સત્તાધારી પક્ષ સામે લોકોનો રોષ ભડકાવવાની પૂરી સ્થિતિમાં હોય અને એટલે રાજકીય અસ્થિરતાનું પ્રમાણ પણ વધવાની શક્યતા જોવાય છે.
થોડું વિજ્ઞાનની બહાર જઈએ અને આર્થિક રીતે વિચારીએ, તો ભોગવાદી જીવનશૈલી અને ઘટતી જતી બચતના લીધે અમેરિકા-યુરોપ જેવા દેશોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ગ્રીસ તો ઘણા સમયથી આર્થિક કટોકટી અનુભવી રહ્યું છે. ભારત જેવો આધ્યાત્મિક દેશ વધુ ને વધુ ભોગવાદી બનતો જઈ રહ્યો છે. કંપનીઓ માર્કેટિંગ અને જાહેરખબરો પાછળ તોતિંગ ખર્ચા કરી રહી છે અને તેના કારણે ઉત્પાદનોના ભાવ પણ આસમાને હોય છે. લોન અને ક્રેડિટ કાર્ડ પર જીવન વધી રહ્યું છે. સામાજિક રીતે એકલતા આવી રહી છે. સ્માર્ટ ફોન અને સોશિયલ મિડિયાએ સામાજીકરણ કરવાના બદલે વધુ એકલા બનાવી દીધા છે. આ પરિસ્થિતિ લોકોના તણાવમાં ઓર વધારો કરનારી છે. પરિણામે કુટુંબના સભ્યો વચ્ચે, રસ્તા પર મુસાફરી કરતી વખતે, એક જ ઑફિસમાં કામ કરનારા લોકો વચ્ચે સંઘર્ષ અને તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે.
ધર્મના નામે લોકોનું નેતૃત્વ કરવા હાલી નીકળેલા કેટલાક લોકો સામાન્ય જનને શાંતિ આપવાના બદલે ભડકાવી રહ્યા છે અને સતત ભય દેખાડી રહ્યા છે. પરિણામે, સીરિયા હોય કે યમન, ઈરાક હોય કે સુદાન કે નાઈજીરિયા કે પછી પાકિસ્તાન, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, ચીન બધે જ સાંપ્રદાયિક હિંસા વધી રહી છે. યમન, સીરિયા, ઈરાક જેવા દેશમાં તો મુસ્લિમો જ સામસામે ઝઘડી રહ્યા છે. આમ, એક જ ધર્મના લોકો વચ્ચે પણ મોટા પાયે હિંસાચાર ચાલી રહ્યો છે.
નાઈજીરિયામાં હિંસાનું એક કારણ ખાદ્ય પૂરવઠાનો અભાવ પણ મનાય છે. સોમાલિયાના લોકો ચાંચિયા બનીને વિદેશોનાં જહાજોનું અપહરણ કેમ કરે છે? સોમાલિયામાં એક તો ગૃહયુદ્ધ ચાલે છે. અતિ ગરીબ દેશ પણ છે. વળી તેના દરિયા કાંઠે વિદેશી જહાજો ઝેરી કચરો નાખી જાય છે. તેના કારણે ત્યાંના માછીમારોની રોજી પડી ભાંગી છે, જેથી તેમણે સશસ્ત્ર જૂથો બનાવ્યાં છે જે જહાજોનું અપહરણ કરે છે. પાકિસ્તાન તો ભારત માટે કાયમનું શિરોદર્દ બની ગયું છે. પાકિસ્તાનમાં રાજકારણીઓ ભ્રષ્ટાચારી હોય છે, ચાહે તે લોકશાહી રીતે આવેલા હોય કે લશ્કરી રીતે. તેઓ જનતાનું ધ્યાન ભટકાવવા ભારત સામે ઝેર ઓકતા રહે છે અને ત્રાસવાદીઓને પોષતા રહે છે. હવે દેશો વચ્ચે યુદ્ધો ઘટી ગયાં છે, એટલે અમેરિકા જેવા શસ્ત્રનો ધંધો ચલાવતા દેશોને શસ્ત્રો વેચવા માટે ત્રાસવાદીઓને ઊભા કરવા પડે છે, પોષવા પડે છે, અને પછી તેઓ જ તેમનો ખાત્મો કરે છે.
આના વિકલ્પો શું? પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હોય અથવા કહો કે માનવોને ટકાવી રાખવા હોય તો શું થઈ શકે? આ કૉલમ વિજ્ઞાનની છે અને આપણે બધી વાત વિજ્ઞાનના આધારે જ કરવાના છીએ એટલે આ વિકલ્પો પણ વૈજ્ઞાનિક રીતે આપવાના છીએ. એક તો, પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણ બચાવવું પડશે, ખેતીને ટકાવી રાખવી પડશે, અનાજ ઉત્પાદનને રોકડિયા પાકની જેમ વધુ વળતર આપતા પાક બનાવવા પડશે. પ્રદૂષણ ઘટાડવા માટે સખ્ત ઉપાયો અજમાવવા પડશે. નહીં તો એ સમય પણ દૂર નથી કે જેમ પાણી ગલી ગલીએ પડીકે વેચાય છે તેમ ઑક્સિજન પણ ગલી ગલીએ બોટલમાં વેચાતો લેવો પડે.
એક સુદૂરનો ઉપાય છે અને તે એ કે ચંદ્ર કે મંગળ જેવા ગ્રહ પર જીવન શક્ય બને. આ અંગેની સંભાવનાઓ તો સમયે-સમયે બહાર આવતી જ રહી છે, પરંતુ ખોંખારીને હજુ કહી શકાય એવું નથી. પણ હા, અત્યારથી ચંદ્ર, મંગળ અને શુક્ર પરનાં પ્લોટ વેચાવા લાગ્યા છે! કેટલાક લેભાગુ લોકો આ કામ કરી રહ્યા છે અને આ અંગે સંયુક્ત રાષ્ટ્રોએ સમજૂતી કરી છે કે બહારના ગ્રહ પર કોઈ રાષ્ટ્રનો અધિકાર નથી એટલે આ તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે. પરંતુ માનો કે, બહારના ગ્રહ પર રહેવું શક્ય છે તેમ ખબર પડશે પછી ત્યાં જવા માટે પણ એ જ સ્પર્ધા થવાની જે અહીં પૃથ્વી પર થાય છે, કેમ કે ત્યાં જનારા તો પૃથ્વીના જ લોકો હોવાના ને. પરંતુ ત્યાં રહી શકાય છે કે નહીં, રહી શકાય તો કેટલા લોકો રહી શકે, કેટલો સમય રહી શકે આ બધું હજુ ભવિષ્યના ગર્ભમાં છે. એટલે આપણી પાસે બે જ વાતો હાથમાં છે – પર્યાવરણ અને ખેતીને બચાવો. સૌરાષ્ટ્રમાં જેમ સાચવીને પાણીને વપરાય છે તેમ વાપરો.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૨૭/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

સપનું કહેશે, ભવિષ્યમાં માણસ ક્યાં જશે?

સપનું કહેશે, ભવિષ્યમાં માણસ ક્યાં જશે?

સપનાં જોવાં એ માણસનો જન્મસિદ્ધ હક છે કે નહીં તે ખબર નથી, પરંતુ સપનાં આવવા પર કોઈ ટૅક્સ નથી એટલે માણસ ઢગલાબંધ સપનાં જોતો હોય છે. સપનાં જોવાનું સુખ પણ હોઈ શકે ને દુઃખ પણ. ગરીબ માણસ સપનામાં કરોડપતિ બનવાનું સુખ માણી શકે. કર્મચારી સપનામાં પોતે માલિક બને અને માલિકને પોતાનો કર્મચારી બનાવીને તેના પર બોસગીરી કરી શકે. પતિ સપનામાં નોન સ્ટોપ પત્ની સાથે વાતો કરી શકે અને પત્ની મૂંગીમૂંગી સાંભળી રહે! રમૂજ છોડો, સપનાં ઘણી વાર દુઃખની બાબત પણ બની જાય છે.  માણસને સપનામાં પણ પોતાનો બોસ સતાવતો હોય તેવું બની શકે. ઘણાને એવાં સપનાં આવતા હોય છે કે પોતે કંઈ વાંચ્યું નથી, પરીક્ષા છે અને પરીક્ષામાં પોતે મોડો પહોંચે છે. કેટલાક માને છે કે સપનાં સાચા હોઈ શકે. ખાસ કરીને એવી માન્યતા છે કે વહેલી સવારે આવેલું સપનું સાચું પડી શકે છે. સ્વપ્નનું જ્યોતિષની દૃષ્ટિએ એક આખું શાસ્ત્ર છે જેને સ્વપ્નશાસ્ત્ર કહે છે. સપનામાં સાપ જુઓ તો શું થાય, સપનામાં કોઈને મરેલા જુઓ તો તેનું આયુષ્ય વધે છે તેમ કહે છે. આવી તો અનેક બાબતો આપેલી છે, પરંતુ વિજ્ઞાન સપનાં વિશે શું કહે છે? સપના અંગે વૈજ્ઞાનિકોએ કરેલાં પ્રાચીનથી લઈને તાજેતરના સંશોધનની વાત કરીશું.
વર્ષો પહેલાં માત્ર હિન્દુ સભ્યતા જ નહીં, પરંતુ વિદેશી અનેક સભ્યતાઓ પણ માનતી કે સપનાં એ આપણા ભૂલોક અને ઈશ્વર વચ્ચેનું માધ્યમ છે. ગ્રીક અને રોમન દૃઢ પણે વિશ્વાસ ધરાવતા હતા કે સપનાં એ ઈશ્વરીય સંકેત છે. ૧૯મી સદી સુધી આવું બધું ચાલતું રહ્યું. ૧૯મી સદીમાં એક ઑસ્ટ્રિયન ન્યૂરોલોજિસ્ટ સિગમંડ ફ્રોઇડ અને ફ્રોઇડના શિષ્ય તથા સ્વિસ સાઇકિયાટ્રિસ્ટ કાર્લ જંગે સપનાં અંગે આધુનિક થિયરીઓ રજૂ કરી. ફ્રોઇડની થિયરી દબાયેલી, છુપાયેલી લાગણીઓ અંગે હતી. સપનાંમાં આપણે અવ્યક્ત, અતૃપ્ત વાસનાઓ (ઈચ્છાઓ) પૂરી કરીએ છીએ. કાર્લ જંગ મુજબ, સપનાનું મનોચિકિત્સાની રીતે મહત્ત્વ છે. તેણે સપનાંના અર્થ અંગે અલગ-અલગ થિયરી રજૂ કરી.
સમય જતાં જતાં આગળ ઉપર અનેક થિયરીઓ આવતી ગઈ. એમાંની એક ન્યૂરોબાયોલોજિકલ થિયરી છે ‘એક્ટિવેશન સિન્થેસિસ હાઇપોથિસિસ’. આ થિયરી તો સાફ કહી દે છે કે તમે જે સપનું જુઓ છો તેનો કોઈ અર્થ નથી. ઇલેક્ટ્રિકલ બ્રેઇન આવેગો હોય છે જે મનમાં પડેલા વિચારો અને સ્મૃતિઓને યાદેચ્છિક રીતે (રેન્ડમલી) ઉપાડે છે. આપણે તે સપના રૂપે જોઈએ છીએ. તમે જાગો ત્યારથી તમારા સપનાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેની તમને જાણ હોતી નથી. જોકે માનસશાસ્ત્રીઓ માને છે કે સપનાં જરૂર અર્થપૂર્ણ હોય છે. તેમની એક થિયરી છે, ‘થ્રેટ સિમ્યુલેશન થિયરી’. ઘણાં સપનાં આપણને ભય પમાડે તેવા હોય છે. સપનાં બીજું કંઈ નથી પણ એક જૈવિક બચાવની પ્રણાલિ છે. એટલે તે ભય પમાડનારા પ્રસંગોની આગમચેતી આપી દે છે.
જર્નલ ઑફ ન્યૂરોસાયન્સમાં વર્ષ ૨૦૧૧માં પ્રકાશિત એક સંશોધન મુજબ, આપણાં સપનાં અને આપણી યાદશક્તિને ગાઢ સંબંધ છે. રોમ યુનિવર્સિટીમાં ક્રિસ્ટિના માર્ઝાનો અને તેના સાથીઓએ એ સમજાવ્યું કે માણસો કઈ રીતે સપનાં યાદ રાખી શકે છે. આ માટે તેમણે મગજના તરંગોનો સહારો લીધો. તેમણે ૬૫ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યા હતા. આ વિદ્યાર્થીઓને સતત બે રાત્રિ તેમની સંશોધન પ્રયોગશાળામાં સૂવડાવ્યા. પહેલી રાત્રે વિદ્યાર્થીઓ સૂતા ત્યારે તેમને સાઉન્ડ પ્રૂફ અને તાપમાન કંટ્રોલ થઈ શકે તેવા રૂમમાં અનુકૂળ થવા દીધા. તેઓ તેને એડ્જસ્ટ થઈ ગયા પછી બીજી રાત્રે તેમણે વિદ્યાર્થીઓ સૂતા ત્યારે તેમના મગજના તરંગો માપ્યા. આપણા મગજના તરંગો ચાર પ્રકારના હોય છે: ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા. દરેક તરંગ ઇલેક્ટ્રિકલ વૉલ્ટેજની કંપનની ગતિ દર્શાવે છે. અને સાથે મળીને તેઓ ઇલેક્ટ્રોએન્સીફેલોગ્રાફી (ઇઇજી) બનાવે છે.
હવે એક વાત સમજી લઈએ. આપણા સૂવાના અલગ-અલગ તબક્કા હોય છે. પહેલો તબક્કો કાચી ઊંઘનો છે. તેમાં તમને સહેલાઈથી જગાડી શકાય છે. બીજો તબક્કો હળવી નિંદરનો હોય છે. તે વખતે તમારા હૃદયના ધબકારા ધીમા પડે છે અને શરીરનું તાપમાન ઘટી જાય છે. તમારું શરીર ગાઢ નિદ્રા માટે તૈયાર થાય છે. ત્રીજો તબક્કો ગાઢ નિદ્રાનો હોય છે. આ તબક્કામાં વ્યક્તિને જગાડવી અઘરી હોય છે. જો કોઈ તમને આ ઊંઘમાંથી જગાડે તો તમને સુસ્તી રહે છે. કેટલાક લોકો માને છે કે આ તબક્કામાં જો તમને ઊંઘ આવી જાય તો એટલી ઊંઘ પણ પૂરતી છે. આ ત્રણેય તબક્કા એનઆરઈએમ તબક્કાના છે. દરેક તબક્કા ૫થી ૧૫ મિનિટના હોય છે. ચોથો તબક્કો આરઇએમ છે. આરઇએમ એટલે રેપિડ આય મૂવમેન્ટ. જ્યારે એનઆરઇએમ એટલે તેનાથી વિરોધી. આરઇએમ તબક્કો તમે સૂવો તે પછી ૯૦ મિનિટે આવે છે. તેનો પહેલો ગાળો દસ મિનિટનો હોય છે. તે પછીના ગાળા ક્રમશઃ વધતા જાય છે. અંતિમ ગાળો એક કલાકનો હોઈ શકે છે. બાળકો સામાન્યતઃ તેમની પચાસ ટકા ઊંઘ આરઇએમ તબક્કામાં લે છે. જ્યારે પુખ્ત વયના લોકો માત્ર ૨૦ ટકા ઊંઘ આરઇએમ ગાળામાં લે છે. આરઇએમ ગાળા પછી ફરી નોનઆરઇએમ ગાળો શરૂ થાય છે અને આ રીતે આખું ચક્ર ચાલે છે.
આ અલગ-અલગ તબક્કાઓમાં તરંગોમાં શું ફેરફાર થાય છે તે આ સંશોધકોએ માપ્યું તો જણાયું કે આરઇએમ તબક્કામાં આપણને મોટા ભાગનાં સપનાં આવે છે. આ પ્રયોગ દરમિયાન વિદ્યાર્થીઓને વારંવાર ઉઠાડાતા અને તેમને લખવાનું કહેવામાં આવતું કે તેમને સપનું આવ્યું છે કે કેમ અને જો આવ્યું છે તો યાદ છે કે કેમ. આ પહેલાં જે અભ્યાસ થયા હતા તેમાં એ પૂરવાર થઈ ચુક્યું હતું કે આરઇએમ તબક્કા પછી જો આપણે તરત જ જાગી જઈએ તો આપણને આપણું સપનું યાદ રહે છે. પરંતુ ક્રિસ્ટિના માર્ઝાનો અને તેમની ટીમે કરેલા સંશોધનમાં આનું કારણ અપાયું છે. મગજના આગળના ભાગમાં જેને થીટા તરંગની ઓછી આવૃત્તિ હતી તેઓ સપનાંને યાદ રાખી શકતા હતા.
આપણે જ્યારે જાગતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનમાં જે જે કંઈ બન્યું હોય છે તેની સ્મૃતિઓનું સાંકેતિકરણ (એનકોડિંગ) થઈ જાય છે અને તે વખતે આ થીટા તરંગોની પ્રવૃત્તિ વધુ હોય છે. આ જ સંશોધકોએ બીજું એક સંશોધન કર્યું અને સપનાં તેમજ મગજના માળખા વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો. દા.ત. માણસને સામાન્ય રીતે જે યાદ રહે તેવાં હોય તે સ્પષ્ટ, વિચિત્ર અને લાગણીસભર તીવ્ર સપનાં એમીગ્ડાલા અને હિપ્પોકેમ્પસ નામના મગજના ભાગ સાથે જોડાયેલાં છે. આ હિપ્પોકેમ્પસ કમ્પ્યૂટરની રેમ પ્રકારનું કામ કરે છે. તે ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાની યાદોમાંથી માહિતી ભેગી કરે છે.
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેથ્યુ વોકર અને તેના સાથીઓએ એક અભ્યાસમાં જણાવ્યું છે કે જો તમે આરઇએમ તબક્કામાં ઓછી ઊંઘ લો તો તમે રોજિંદા જીવનની જટિલ લાગણીઓ વધુ સારી રીતે સમજી શકશો. આરઇએમ તબક્કામાં ઓછી ઊંઘ લેવી અર્થાત્ ઓછાં સપનાં જોવાં.  આમ વર્ષો વર્ષથી વિદ્વાનો પ્રયાસ કરી રહ્યા છે કે માણસોને આવતાં સપનાં પાછળનું રહસ્ય તેઓ ઉકેલી શકે.
આવો એક સૌથી તાજો પ્રયાસ લંડનના ન્યૂરોસાયન્ટિસ્ટ હ્યુગો સ્પિયર્સે અને તેમના સાથીઓએ કર્યો છે. ‘ઇ-લાઇફ’માં પ્રકાશિત તેમના અભ્યાસ મુજબ, ઉંદર તેના સપનામાં એ સ્થળ જુએ છે જ્યાં તે જાગતા જવા માગતો હોય છે અને આ અભ્યાસ દ્વારા આપણા મગજમાં સ્થળોનું જે મેપિંગ (નકશાંકન) થાય છે તેનો ખ્યાલ આવે છે. અભ્યાસમાં ઉંદરોને ત્રણ પ્રકારની પરિસ્થિતિઓમાં મૂકવામાં આવ્યા. પહેલી, તેમણે ખોરાક જોયો પણ ત્યાં સુધી તેઓ પહોંચી શક્યા નહીં. બીજી, તે પછી તેમને અલગ ચેમ્બરમાં આરામ કરવા દેવામાં આવ્યો. ત્રીજી, તેમને ખોરાક સુધી પહોંચવા દેવામાં આવ્યા. જ્યારે ઉંદર આરામ કરતા હતા ત્યારે તેમના મગજમાં પ્રવાસ સાથે સંકળાયેલા કોષો પ્રવૃત્ત બન્યા. તે દર્શાવતું હતું કે તેઓ સપનામાં ખોરાક સુધી પહોંચ્યા હશે અને ત્યાંથી પાછા વળ્યા હશે. જે ખોરાક તેમને જાગતા નહોતો મળ્યો.
સંશોધકોનું કહેવું છે કે આના લીધે આપણને હિપ્પોકેમ્પસને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. અભ્યાસમાં પ્રયોજાયેલા ઉંદરો હિપ્પોકેમ્પસનો ઉપયોગ માત્ર તેમણે જોયેલા ખોરાકને યાદ રાખવામાં જ નહોતા કરતા પરંતુ ત્યાં પહોંચવા માટેનો નકશો બનાવવામાં પણ કરતા હતા. જ્યારે માણસ પણ ક્યાંય જાય છે ત્યારે તેના મગજના હિપ્પોકેમ્પસમાં નકશો બની જાય છે. માણસ જ્યારે ઊંઘે છે ત્યારે આ હિપ્પોકેમ્પસમાં સંઘરાયેલો નકશો બહાર આવે છે અને માણસ જેતે સ્થળે ગયો હોય તેમ લાગે છે. એટલે માનો કે તમે અત્યારે જે ઘરમાં રહો છો તેના બદલે સપનામાં તમને તમારું ભૂતકાળનું ઘર યાદ આવે તો તેને માટે આ હિપ્પોકેમ્પસને જવાબદાર માનવું.
આ હિપ્પોકેમ્પસમાં ખાસ કોષો હોય છે જેને વૈજ્ઞાનિકોએ ‘પ્લેસ સેલ્સ’ એવું નામ આપ્યું છે. જ્યારે તમે કોઈ સ્થળે જાવ ત્યારે હિપ્પોકેમ્પસના પ્લેસ સેલ્સનાં ન્યૂરોન  ઉત્તેજિત થાય છે અને તે સ્થળને નોંધી લે છે. બીજા સ્થળે જાવ ત્યારે બીજા પ્લેસ સેલ્સનાં ન્યૂરોન તેને નોંધી લે છે. આમ, મગજમાં એક નકશો બની જાય છે. સ્પિયર્સ આ અભ્યાસમાં એ પણ જોવા માગતા હતા કે મગજની પ્રવૃત્તિના કારણે એ આગાહી કરી શકાય કે ઉંદર જાગતા હશે ત્યારે ભવિષ્યમાં ક્યાં જશે? આ માટે મગજમાં ઇલેક્ટ્રોડ મૂકવા પડે. આવું નૈતિક કારણોસર માણસ પર કરવું શક્ય નથી. એટલે ઉંદરો પર આ પ્રયોગ કરાયો. તેમને ટી જંક્શનવાળા એક ટ્રેક પર મૂકવામાં આવ્યા. તેમાં એક શાખામાં કંઈ નહોતું. જ્યારે બીજી શાખામાં ખોરાક હતો. હવે આમાં વચ્ચે એક આડશ જેવું મૂકાયું હતું. આથી જે ઉંદરો ટી જંક્શનની ખોરાકવાળી શાખા તરફ ગયા હતા તેમના પ્લેસ સેલ્સમાં પ્રવૃત્તિ જણાઈ જે કદાચ તેમને ખોરાક તરફ જવાનો નકશો આપવાનો હતો. પરંતુ જે ઉંદરોને ટી જંક્શનની ખાલી બાજુ તરફ મોકલાયા હતા તેમના મગજમાં આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ નહીં. આમ, આ વાતનો સૂચિતાર્થ એ પણ ખરો કે જો મગજમાં ભાવિ નકશો આકાર લઈ શકે તો ભાવિ ઘટનાઓ કેમ નહીં. ન્યૂરોબાયોલોજિકલ થિયરી કહે છે કે સપનાનો કોઈ અર્થ નથી. જ્યારે આ સંશોધન સંકેત આપે છે કે માણસનું મગજ ભાવિ ઘટનાઓ સપના રૂપે જણાવી શકે.
(ગુજરાત ગાર્ડિયનની સાયન્સ પૂર્તિમાં તા. ૧૮/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ત્રણ શહેર, ત્રણ પુરુષ, એક શોધ

ત્રણ શહેર, ત્રણ પુરુષ, એક શોધ

INTERVAL-16-03-2016-Page-1-page-001
(મુંબઈ સમાચારની ‘ઇન્ટરવલ’ પૂર્તિની કવરસ્ટોરી તરીકે આ લેખ તા.૧૬/૦૩/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.)
પહેલાં આ નગરની ઓળખ એ રીતે હતી કે ત્યાં ટ્રેન બદલવી પડતી. તે પછી બે યુવાન ચહેરાઓએ આંદોલન જગાડી આ નગરને નવી ઓળખ આપી. હવે આ નગરની ઓળખ સાપ થકી બદલાઈ છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વિરમગામની. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર થકી ઓળખાતા વિરમગામને પાયથોન ફ્રી પણ કહેવાય છે. અહીંના લોકો પહેલાં અજગરને જોતાં તો લાકડી લઈને મારવા દોડતા. પણ હવે જો કોઈ અજગરને મારવા જાય તો તેમની સામે લાકડી લઈને અહીંના લોકો ઊભા રહી જાય છે. આ જાગૃતિ લાવી છે જયદીપ મહેતાએ.
ગુજરાત સરકારના ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના પ્રૉજેક્ટમાં કામ કરતા જયદીપ મહેતાએ વિરમગામને એક બીજી ઓળખ પણ આપી છે. સાપની નવી પ્રજાતિ વિરમગામથી મળી આવી છે અને આ સાપ શોધ્યો જયદીપે. સાપની નવી પ્રજાતિ વેલેસૉફિસ ગુજરાત અને મુંબઈની ટીમે સાથે મળીને શોધી એ સમાચાર તો વાંચ્યા જ હશે, પણ કઈ રીતે આ ટીમ ભેગી થઈ?
ધો. ૧૨થી વાઇલ્ડલાઇફનો શોખ પોષતા અને સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતના સરિસૃપ-ઉભયજીવી પ્રાણીઓ પર પીએચ.ડી કરતા હર્ષિલ પટેલ કહે છે, “અમે સમાન શોખ ધરાવતા લોકો એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. હું બેંગલુરુના નેશનલ સેન્ટર ફૉર બાયોલોજિકલ સાયન્સીસ (એનસીબીએસ)ના ઝીશાન મિર્ઝાના સંપર્કમાં ઘણાં વર્ષોથી હતો અને વડોદરામાં મગરના સંરક્ષણનું કામ કરતા રાજુભાઈ વ્યાસના પણ સંપર્કમાં ઘણા સમયથી હતો. રાજુભાઈને ભાવનગરથી આવા એક સાપનો ફોટો આવ્યો હતો. પરંતુ ફોટા પરથી ઓળખી ન શકાય. તોય તેમણે તે વખતે પોતાના લેખમાં તે ફોટો છાપ્યો હતો. આ ફોટો ઝેનિશ મિર્ઝાએ પણ જોયો હતો. પરંતુ તે વખતે તેના પરથી કોઈ અનુમાન કરી શકાયય તેમ નહોતું.”
રાજુભાઈ વ્યાસ વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટમાં કામ કરે છે. તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી સરિસૃપ જીવો પર અભ્યાસ કરે છે. તેમણે ટીમની રચના વિશે સરળ ભાષામાં કહ્યું કે એક ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવી જ જતા હોય છે તેમ અમે પણ સંપર્કમાં રહીએ છીએ. હર્ષિલ કહે છે, “અમારી આ ટીમ કાયમી નથી. હું સુરત છું, રાજુભાઈ વડોદરા છે, જયદીપ વીરમગામ આસપાસ કામ કરે છે. અમારું કામ પણ અલગ-અલગ છે. અમે માત્ર આ કામ માટે એકત્ર આવ્યા. જોકે એનો અર્થ એવો પણ નથી કે ભવિષ્યમાં સાથે નહીં આવીએ.”
અત્યારનો સમય એવો છે કે મોટા ભાગની વ્યક્તિઓ પોતે એકલા જ કામનો જશ ખાટવા પ્રયાસ કરે. બધું પોતે જ કર્યું છે તેવું સાબિત કરવા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતના આ ત્રણ ‘પુરુષો’ની ટીમમાં આવું નથી. હર્ષિલ કહે છે, “આ કામ એકલદોકલથી થાય તેવું નથી. જયદીપને સાપ મળ્યો. મને તેની ખબર પડી. રાજુભાઈએ છેલ્લાં ઘણા સમયથી તેના વિશે ડેટા એકત્ર કરીને રાખ્યો હતો. મને મૉર્ફોલૉજી વગેરે બાબતોની ખબર પડે. રાજુભાઈ ફિઝિયૉલૉજિકલ એટલે કે વર્તન ઉપરથી માહિતી આપી શકે. તો ડીએનએ એનાલિસિસ વગેરે ઝીશાનને ફાવે છે.”
આ પ્રકારના સાપ તો હતા જ તો અત્યાર સુધી ઓળખાયા કેમ નહીં? જયદીપ કહે છે, “અત્યાર સુધી તેને બીજા સાપ ગણી લેવાતા હતા એટલે કે તેની ખોટી ઓળખ થતી હતી.” જયદીપ અજગરની વસતિ પર અભ્યાસ કરે છે. તેને પહેલી વાર આ પ્રકારનો સાપ વર્ષ ૨૦૧૧માં મળ્યો હતો. ત્યારે તેને કલરટૉન વગેરે પરથી શંકા લાગી. તેણે હર્ષિલને વાત કરી.
તો પછી ૨૦૧૧થી ૨૦૧૬- આટલાં વર્ષો કેમ લાગ્યાં? જયદીપ કહે છે, “એક સાપ પરથી નક્કી ન થઈ જાય તે તેની પ્રજાતિ નવી છે. તેના માટે ઓછામાં ઓછા બીજા બેત્રણ સાપ આવા શોધવા પડે. એના કારણે આટલો સમય ગયો. બાકી અમારું ખરું કામ તો વર્ષ ૨૦૧૪થી ચાલુ થયું હતું.”
આ લોકોને ખરેખર ખંતીલા અને અભ્યાસુ લોકો કહી શકાય કારણકે તેમણે અને ઝીશાન મિર્ઝાએ ગાંઠનું ગોપીચંદન કરીને બેંગલુરુના એનસીબીસીમાં તેનું ડીએનએ એનાલિસિસ વગેરે પ્રક્રિયા કરાવી. આ કામમાં સરકારની તેમને કોઈ મદદ મળી નથી. જયદીપ તો રાજ્ય સરકારની હેઠળ પ્રૉજેક્ટમાં કામ કરે છે. રાજુભાઈ પણ રાજ્ય સરકારના પ્રૉજેક્ટમાં કામ કરે છે. તો આવું કેમ? હર્ષિલ એક સૂરમાં કહે છે, “ગ્રાન્ટ મળે તે માટે પ્રપોઝલ આપવી પડે. પુરાવા આપવા પડે. વળી આ ફિલ્ડમાં પણ સ્પર્ધા છે. તેથી સંશોધન બહાર ન પડી જાય તે ધ્યાન રાખવું પડે.” પરંતુ હા, અમારા આ સંશોધન પર ભવિષ્યમાં અમને સરકારની મદદ મળવાની પૂરી શક્યતા છે.
આ સાપની પ્રજાતિનું નામ આ લોકોએ ધાર્યું હોત તો પોતાનાં નામ પરથી પાડી શક્યા હોત, પરંતુ તેમણે રસેલ વૉલેસના નામ પરથી આ પ્રજાતિના સમૂહનું નામ વેલેસૉફિસ પાડ્યું. રસેલ વૉલેસે ચાર્લ્સ ડાર્વિન સાથે સંયુક્ત રીતે ઉત્ક્રાંતિનો વાદ પ્રકાશિત કર્યો હતો. પરંતુ ડાર્વિને વધુ પ્રસિદ્ધિ મળી. આ વાદને ડાર્વિનનો વાદ તરીકે જ ઓળખવામાં આવે છે. રસેલ વૉલેસનું નામ બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે પ્રજાતિનું નામ ગુજરાતેન્સિસ પાડવામાં આવ્યું. આ પ્રકારના સાપ ક્યાં મળી આવે છે? હર્ષિલ કહે છે, “મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા સૂકા પ્રદેશોમાંથી.” આ પ્રકારની નવી પ્રજાતિ મળે એટલે તેને આંતરરાષ્ટ્રીય જર્નલ ‘પ્લોસ વન’માં પ્રકાશિત કરાય છે. તેની ઝૂ બૅંકમાં નોંધણી કરાય છે જેમાં પ્રજાતિની સામે સંશોધકોનાં નામ અને વર્ષ લખાયેલા હોય છે. www.zoobank.orgમાં જશો અને તેમાં સર્ચ કરશો તો વેલેસૉફિસ સામે આ બધાનાં નામો વાંચવા મળશે.
હર્ષિલને પૂછવામાં આવે કે આવા કારકિર્દીની રીતે સૂકા વિષયને શા માટે પસંદ કર્યો? તો તે નિખાલસતાથી કહે છે, “હું એવો કોઈ તેજસ્વી વિદ્યાર્થી નહોતો કે હું મેડિકલમાં જઈ શકું કે નહોતું મારાં માતાપિતાનું દબાણ. મને આ જ વિષયમાં રસ હતો. જે થશે તે જોયું જશે એમ વિચારીને ઝંપલાવ્યું. મજા પડે છે એ મુખ્ય વાત છે.”
મજાની વાત એ પણ છે કે જયદીપ અને અત્યારે રાજદ્રોહના કેસમાં જેલમાં અંદર હાર્દિક પટેલ બંને સાથે ભણતા અને ક્રિકેટ પણ સાથે રમતા. જોકે તેનાથી વિશેષ જયદીપનું તેના વિશે કંઈ કહેવું નથી. હાર્દિક રાજકીય વિચારધારા ધરાવે છે જ્યારે જયદીપને તો અજગર અને સાપમાં જ રસ છે.
આ સંશોધન પછી કોઈ ઑફર મળી? શું મોટિવેશન મળ્યું? રાજુભાઈ વ્યાસ કહે છે, “લોકો અભિનંદન આપે એ જ અમારું મોટિવેશન.” હર્ષિલ કહે છે, “પહેલાં તો લોકોને આ પ્રકારના સમાચારમાં જ ઓછો રસ હોય છે. મારા વિષય ઝૂલોજીમાં ભણનારા જ કેટલા? સામાન્ય માણસોને આમાં રૂચિ નથી.” જોકે જયદીપ પોતાના અનુભવ પરથી કહે છે કે લોકોની રૂચિ બદલી શકાય છે. “વિરમગામમાં અજગરથી ડરતા લોકોને મેં તેમની ભાષામાં સમજાવ્યા તો આજે સ્થિતિ જુદી છે.” મજાની વાત એ છે કે જયદીપે બી.એ. કરેલું છે પરંતુ શોખના કારણે તે આ વ્યવસાયમાં છે!
જયદીપ કહે છે, “ગીર અને સિંહોની પાછળ ગુજરાતમાં ઘણું કામ થાય છે. પરંતુ હર્પિટોલોજીની બાબતમાં અન્ય રાજ્યોની સરખામણીએ આપણું રાજ્ય ઘણું પાછળ છે. આ અંગે ગુજરાતીમાં સાહિત્ય પણ ઘણું ઓછું છે. આ ક્ષેત્રે કામ કરનારા લોકોને મુશ્કેલી પડે. તેમના વિશે લોકોમાં એવો મત હોય કે આ લોકોના અવળા ધંધા છે. વળી આર્થિક હેરાનગતિ પણ થાય.” જોકે તે આશાવાદી છે. “પહેલાં દેશી સ્ટાઇલથી કામ થતું. સાપ પકડાતો અને તેને છોડી મૂકાતો. અત્યારે યુવા પેઢી વૈજ્ઞાનિક અભિગમથી કામ કરે છે.”
આવા સંશોધનોથી સમાજને લાભ શું? હર્ષિલ કહે છે, “જ્યારે એરિયા કન્ઝર્વેશન કરવું હોય ત્યારે આવી જાણકારી કામમાં લાગે છે. ગીર સિંહના કારણે તો જાણીતું છે, પણ ઘણા ઓછાને ખબર હશે કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં ગરોળીની એક જાત શોધાઈ જે માત્ર ગીરમાં જ જોવા મળે છે.”
રાજુભાઈ વ્યાસ કંઈક આવા શબ્દોમાં આ વાત મૂકે છે, “જુઓ, આવા પ્રાણીઓ માનવજાતને સીધી રીતે મદદરૂપ નથી. પરંતુ જીવવૈવિધ્ય (બાયોડાઇવર્સિટી) જરૂરી છે. ડોલ્ફિન અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે છે જે આપણને સોનોગ્રાફી શોધવામાં મદદરૂપ થાય છે. ડોલ્ફિન પરથી પ્રેરણા મેળવી આપણે નવી રડાર પ્રણાલિ વિકસાવી. આમ, આ બધા પ્રાણીઓનું અસ્તિત્વ આપણા માટે સીધી કે આડકતરી રીતે જરૂરી છે.”
પરંતુ હમણાં હમણાંથી હાથી, દીપડા, અજગર વગેરે શહેરોમાં ઘૂસી જવાના કિસ્સા વધી રહ્યા છે, તેનું શું? રાજુભાઈ વેધક શબ્દોમાં કહે છે, “આ પ્રાણીઓનું કોઈ નેટવર્ક નથી. તેમને કોઈ ભાષા નથી. તેમના કુદરતી નિવાસ્થાનો, જંગલ આપણે માનવજાતે પચાવી પાડ્યાં. તેઓ ક્યાં જાય? આપણે ત્યાં કહેવાય છે- જીવો જીવસ્ય ભોજનમ્ . ઉલટું તેમની ફરિયાદ છે, આપણે તેમનાં રહેઠાણો પચાવી પાડ્યાં. પરંતુ તે કોને કહે? તેઓ તો મૂંગા છે.”

હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું?

હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું?

હસવું અને હસાવવું એ સારી વાત છે. પરંતુ કેટલીક બાબતો પર જૉક થાય ત્યારે તેમાં જો માહિતીના અભાવવાળી જૉક હોય તો આવા જૉક બનાવનારા પર હસવું આવે છે. ‘ઉડતા પંજાબ’ પર સેન્સર બૉર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાની પર રમૂજ માન્ય છે પણ જેમ્સ બૉન્ડની ‘સ્પેક્ટ્રે’એ ‘એ’ સર્ટિફિકેટ નહીં, યુએ સર્ટિફિકેટ માગેલું તેથી તેમાં કિસિંગ સહિતનાં સીન પર કાતર ફેરવવી પડેલી તેવો નિહલાનીનો પક્ષ જાણ્યા વગર રમૂજ થાય તે નિહલાની સાથે અન્યાય છે. પત્રકારત્વ હવે ટીવી કેન્દ્રિત થતું જાય છે અને હઈશો-હઈશોમાં બધા જ તૂટી પડે છે. આરુષિ હત્યાકાંડ હોય, શીના બોરા હત્યા કેસ, કે પછી તાજેતરમાં સલમાન ખાને અત્યંત થાક માટે આપેલી ઉપમા હોય, બે-ચાર ટીવી ચૅનલ પર ચાલે એટલે પછી એ જ ગાજ્યા રાખે. કોઈ આમાં સિક્કાની બીજી બાજુ જોવાનો પ્રયાસ કરતું નથી. હવામાન ખાતું પણ આવા જ એક તરફી પ્રચારનો શિકાર બન્યું છે.
હવામાન ખાતા વિશે જૉક કહેવાય છે કે  જો વેધશાળા વિભાગે આગામી ૨૪ કે ૪૮ કલાકમાં ઝાપટા કે ભારે વરસાદની આગાહી કરી હોય તો આજે બિન્ધાસ્ત છત્રી કે રેઇનકોટ લીધા વિના નીકળજો, કારણ કે આજે જોરદાર વરસાદનો વરતારો છે એવું આપસમાં કહેવામાં આવે અને વેધશાળા વિભાગની હાંસી ઉડાડવામાં આવે. બીજી તરફ જો ૨૪ કે ૪૮ કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદ નહીં પડે એવી આગાહી કરવામાં આવી હોય તો ભાઇસાબ રેઇનકોટ, છત્રી લઇને નીકળજો, કારણ કે વરસાદ નહીં પડવાની આગાહી છે એવી મજાક પણ કરવામાં આવે. જોણું તો ત્યારે થાય જ્યારે આગાહી સચોટ સાબિત થાય અને લોકો ઉંઘતા ઝડપાય, પણ ત્યારેય ‘ક્યારેક તો વેધશાળા તો સાચી પડે ને’ એવી દલીલ કરવામાં આવે. ટૂંકમાં વેધશાળા વિભાગ એક ઠેકડી ઉડાડવા માટેનો વિભાગ બની રહે.
હમણા હવામાન ખાતાએ મુંબઈમાં ૨૬મીએ ભારે વરસાદની આગાહી કરી, પણ રવિવારે મુંબઈ કોરુંધાકડ જ રહ્યું અને ફરી એક વાર હવામાન ખાતું લોકોની ઝપટે ચડી ગયું. જોકે હવામાન ખાતું માત્ર લોકોની રમૂજનો શિકાર જ નથી બન્યું, ન્યાયાલયમાં તેની સામે ફરિયાદ પણ થઈ હતી.
ગયા વર્ષે મુંબઈ હાઇ કોર્ટે આઇએમડી (ઇન્ડિયન મીટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ – હવામાન ખાતું)ને સવાલ કર્યો હતો કે તેમની હવામાનની આગાહી કેમ ખોટી પડે છે? ગયા વર્ષે આવેલા પૂરના સંદર્ભમાં અટલ દુબે નામના વકીલે જાહેર હિતની અરજી કરતા ડિવિઝન બેન્ચ દ્વારા આ સવાલ કરવામાં આવ્યો હતો. આ બાબત માટે જવાબદાર વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ માટે દુબેએ મુંબઇ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. આ બાબત અત્યંત ગંભીર સ્વરૂપની છે અને તેઓ ૨૦૦૫ના મહા પૂરમાંથી પાઠ નથી ભણ્યા એવી દલીલ સુદ્ધાં દુબેએ કરી હતી.
જાગૃત નાગરિક તરીકે અટલ દુબેને બિરદાવવા પડે. તેમણે ન્યાયાલયમાં જઈને હવામાન ખાતાને જવાબદારી તળે લાવવા પ્રયાસ કર્યા. પણ પ્રશ્ન એ છે કે મિડિયા જેનું કામ જાગૃતિ લાવવાનું હોવું જોઈએ તેણે ક્યારેય પ્રયાસ કર્યા કે સિક્કાની બીજી બાજુ પણ રજૂ થાય? ન તો હવામાન ખાતાએ ક્યારેય આ બાબતે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યા. એ બાબતે ‘મુંબઈ સમાચાર’ને અભિનંદન આપવા ઘટે કે તે પ્રશ્નના મૂળમાં જવા માટે આવા પ્રયાસ કરે છે.
આપણું મિડિયા મોટા ભાગે ભારત પ્રત્યેની-સરકાર પ્રત્યેની-પોલીસ પ્રત્યેની કે અન્ય વિભાગોની નેગિટિવ બાબતો જ રજૂ કરવા ટેવાયેલું છે એટલે આપણને થાય છે કે ભારતમાં જ બધું આવું છે. હકીકત એ છે કે માત્ર ભારતનું જ નહીં, દુનિયાભરના હવામાન ખાતાં આગાહી કરવામાં ખોટા પડતા રહે છે. વર્ષ ૨૦૦૯માં બ્રિટનના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે “આ વર્ષે ભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહેજો.” ઓછા સૂર્યપ્રકાશવાળો દેશ હોઈ બ્રિટિશરો તો બિચ પર રજા માણવા નીકળી પડેલા. પરંતુ થયું એવું કે મૂશળાધાર વરસાદ પડ્યો. તંબુઓ તણાઈ ગયા. લોકોને ભારે હાલાકી પડી.
આપણા દેશમાં બીબીસી એટલે સમાચાર માટે વિશ્વસનીયનો પર્યાય મનાય છે, પણ બીબીસીએ વર્ષ ૨૦૧૨માં ખોટી હવામાન આગાહી માટે માફી માગી હતી. બીબીસીએ આગાહી કરી હતી કે ૧૯ ઑગસ્ટનો રવિવાર સૂકો અને ગરમ દિવસ રહેશે. તેના બદલે તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો. પહેલાંના લોકો બ્રિટિશરોથી અંજાયેલા હતા. અત્યારના કેટલાક બુદ્ધુજીવીઓ અમેરિકાથી અંજાયેલા છે. તેમના માટે અમેરિકા કરે અને કહે તે સત્ય, પણ અમેરિકાના હવામાન ખાતાએ પણ ગત વર્ષના જાન્યુઆરીમાં ભયંકર હિમપ્રપાત થવાનો છે તેવી આગાહી કરી અને પછી થયું કંઈ નહીં, તેથી તેમણે ટ્વિટર પર માફી માગી હતી.
પ્રશ્ન એ થાય કે હવામાન માટે આટલા સેટેલાઇટ છોડાતા હોય તો પણ કેમ સાચી આગાહી થઈ શકતી નથી? હવામાન આગાહી કેવી રીતે કરાય છે તે જાણવા જેવું છે. હવામાનની આગાહી કરવા માટે વાતાવરણની વર્તમાન સ્થિતિ અત્યારે કેવી છે તે માટે મળે તેટલા તમામ આંકડાઓ- ખાસ કરીને તાપમાન, ભેજ અને પવન સંબંધિત આંકડાઓ- એકઠા કરવામાં આવે છે. તેમાં પવનની ઝડપ, દિશા, હવાનું દબાણ વગેરે ધ્યાનમાં લેવાય છે. વિમાનો, વેપારી જહાજો, વેધર બલૂન (રેડિયોસૉન્ડ), ઉપગ્રહો વગેરેથી આંકડા ગ્રાઉન્ડ સ્ટેશનને મળે છે. ગ્રાઉન્ડ સ્ટેશન આ માહિતીને વૉશિંગ્ટનમાં આવેલા નેશનલ સેન્ટર્સ ફૉર એન્વાયરમેન્ટલ પ્રીડિક્શન (એનસીઇપી)ને મોકલે છે. ત્યાંથી અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને અન્ય દેશોના હવામાન આગાહી કેન્દ્રોમાં આ ડેટા મોકલવામાં આવે છે. આ કેન્દ્રોમાં ખૂબ જ ઝડપી સુપરકમ્પ્યૂટરો હોય છે. તેમાં પ્રૉગ્રામ નખાયા હોય છે જે સમીકરણ બનાવે છે. પ્રૉગ્રામને ‘ન્યૂમરિકલ વેધર ફૉરકાસ્ટ મોડલ’ કહે છે. આ સમીકરણો થ્રીડી ગ્રિડમાં વર્ણવે છે કે અમુક બિંદુઓ પર વાતાવરણ કઈ રીતે બદલાઈ રહ્યું છે. તેના પરથી તે બિંદુઓ પર તાપમાન, પવન, વરાળ, વરસાદ વગેરે કેવા રહેશે તેની ગણતરી માંડવામાં આવે છે.
સુપરકમ્પ્યૂટર હવામાન નકશાઓ તૈયાર કરે છે. તેને ભૂતકાળમાં નોંધાયેલી હવામાન પેટર્ન સાથે મેળવવામાં આવે છે. હવામાન શાસ્ત્રીઓ કમ્પ્યૂટર દ્વારા થયેલી આગાહીને આંકડાઓ પર ગાણિતિક સૂત્રો (ફૉર્મ્યૂલા) લાગુ કરીને થતી આગાહીઓ સાથે સરખાવે છે. અને પછી અંતિમ આગાહી તૈયાર કરવામાં આવે છે. હજુ હમણાં સુધી જે કંઈ મોડલ હતાં તે ગમે તેવી આધુનિક ટૅક્નૉલૉજી છતાં સચોટ આગાહી કરી શકતા નહોતા (હજુ પણ નથી કરી શકતા) કારણકે તેઓ પૃથ્વીની સપાટી પર ખરેખર શું થઈ રહ્યું છે તેની જટિલતાને સમજીને આગાહીમાં પરિવર્તિત કરી શકતા નહોતા.
આવું કેમ થતું હતું? સામાન્ય રીતે એકથી માંડીને ૧૦ દિવસ સુધીની હવામાન આગાહીઓ કરાતી હોય છે. પરંતુ તેમની એક મર્યાદા છે અને આ મર્યાદાને વર્ષ ૧૯૬૧માં એડ લૉરેન્ઝે આકસ્મિક રીતે શોધી હતી. લૉરેન્ઝને ‘ચાઓસ થિયરી’ (આ થિયરીને અમલી બનાવવા માટે અરવિંદ કેજરીવાલને યશ આપવો ઘટે! :-))નો એક જનક માનવામાં આવે છે. તે કમ્પ્યૂટર વેધર ફૉરકાસ્ટ મોડલ પર પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે જોયું કે જો મોડલને અટકાવ્યા વગર કામ કરવામાં દેવામાં આવે તો તે જે આગાહી કરે છે તે આગાહી મોડલને અધવચ્ચે અટકાવી દેવામાં આવે અને પછી ફરી શરૂ કરવામાં આવે તો ત્યારે કરાતી આગાહી કરતાં તે જુદી હોય છે. આંકડાઓમાં એકદમ સૂક્ષ્મ તફાવત આવી જાય તો પણ આગાહી બદલાઈ જવાનો સંભવ રહે છે!
વિજ્ઞાન ક્યારેય એવો દાવો નથી કરતું (અને ગુજરાતી છાપાઓથી વિરુદ્ધ અંગ્રેજી અને વિદેશી છાપાઓ તો હંમેશાં ‘કેન’ના બદલે ‘મે’નો જ ઉપયોગ કરે છે, આંકડાઓમાં પણ ક્યારેય ‘ફૂલ ફિગર’ નથી બનાવી દેવાતા.) કે તે હંમેશાં સાચું જ છે. વિજ્ઞાનમાં જે-તે સમયે જે થિયરી સાચી ઠરેલી હોય તે બાદમાં ખોટી ઠરી શકે છે. વિજ્ઞાનમાં હંમેશાં પ્રયોગો થતા રહે છે. અને તેના લીધે સુધારા પણ થતા રહે છે. જોકે એ નવાઈની વાત ગણાય જ કે વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી હોવા છતાં હજુ સચોટ હવામાન આગાહી કરવાનું મોડલ કેમ વિકસાવી શકાયું નથી.
પરંતુ વિજ્ઞાન સામે ઘણી વાર દેશી વિજ્ઞાન અકસીર પૂરવાર થતું હોય છે. નક્ષત્રો, હોળીની ઝાળની દિશાથી માંડીને ટીટોડીનાં ઈંડાં સુધીનાં અનેક નિરીક્ષણો સચોટ પૂરવાર થયાં છે.
ભારતમાં વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે. ઈસરો ૨૦ ઉપગ્રહો એક સામટા છોડી બતાવે છે. મંગળયાનની સફળતા છે ત્યારે હવામાન ખાતું પાછળ કેવી રીતે હોઈ શકે? એમાંય ગત વર્ષે પૃથ્વી વિજ્ઞાન ખાતાએ હવામાન આગાહી સુધારવા માટે રૂ. ૪.૫ અબજ ખર્ચીને નવ ડૉપ્લર રડાર, ૨૦ મિની રડાર અને ૨૩૦ ઑટોમેટિક વેધર સ્ટેશન નાખવાની જાહેરાત કરી છે. અત્યારે હવામાન ખાતા પાસે ઓલરેડી ૭૦૦ ઑટોમેટિક વેધર સ્ટેશન છે જ. રાજકોટમાં તો અશોક પટેલ જેવા ઉત્સાહી ભાઈએ પ્રાઇવેટ વેધર સ્ટેશન ઘરે બનાવ્યું છે. તેની વેબસાઇટ પણ બનાવી છે.
ટૂંકમાં, હવામાન ખાતું ખોટું નથી હોતું, હા, મોડલ હજુ પર્ફેક્ટ નથી, તેમ જરૂર કહી શકાય.

દુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો છે?

દુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો છે?

(સંકલન શ્રેણી પાક્ષિકની તા. ૭/૨/૧૭ના અંકની કવરસ્ટોરી)
ઘણાં વર્ષો બાદ પહેલી વાર એવું બની રહ્યું છે કે ભારત દુનિયામાં રાજકીય રીતે કાઠું કાઢી રહ્યું છે. અમેરિકામાં ચૂંટણી લડાઈ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુઓએ અમેરિકામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી. ભારતમાં નરેન્દ્ર મોદીએ જે સૂત્ર ચૂંટણી લડવા વાપર્યું હતું તેની નકલ કરી અને તે પણ હિન્દીમાં જ અને સૂત્ર આપ્યું, ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’. અત્યાર સુધી ભારતના લોકો અંગ્રેજી ન આવડે તોય ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા હતા, પહેલી વાર વિદેશી વિદેશમાં ચૂંટણી જીતવા ભાંગ્યુ તૂટ્યું વિદેશી બોલી રહ્યા હતા! આ જાદુ માત્ર અમેરિકા પૂરતો સીમિત નહોતો. લંડનમાં મેયરની ચૂંટણી દરમિયાન પણ ભારતનો જાદુ દેખાયો હતો. એ અલગ વાત છે કે અમેરિકાની જેમ લંડનમાં એ જાદુ સફળ ન રહ્યો. આ હિન્દુવાદની બહુ મોટી જીત છે અને તે રાજકીય નેતાઓએ-પંડિતોએ સમજવું પડશે.
સાથે સાથે એ વાત પણ નોંધવી રહી કે એક સમયે સમગ્ર વિશ્વમાં વૈશ્વિકરણનો પવન ફૂંકાયેલો. ભારતને પણ ‘ગાટ’ કરાર પર સહી કરવાની થયેલી ત્યારે ભારતમાં તેનો ખૂબ જ વિરોધ થયેલો. જોકે આજે પરિસ્થિતિ એવી છે કે આ ‘ગાટ’ કરારના પ્રેરકબળ સમાન દેશોને વૈશ્વિકરણ ભારે પડ્યું છે! ડોનાલ્ડ ટ્રમ્પને સૂત્ર આપવું પડ્યું, ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’. જોકે અમેરિકામાં આ પ્રકારની ચળવળ નવી નથી. પહેલાં સૂત્ર હતું ‘
બી અમેરિકન બાય અમેરિકન’. આ રાષ્ટ્રવાદ છે, પણ તેનો અમેરિકનો ગર્વ કરે છે, જ્યારે ભારતમાં? ભારતમાં ભારતીય હોવું એ શરમની વાત છે. આનું કારણ એ છે કે ભારતીય પ્રસાર માધ્યમોમાં નેગેટિવિટી એટલી પ્રસારાય છે કે ઘણા ભારતીયોને ભારત પ્રત્યે માન રહેતું નથી. તેમાં જોકે અગાઉ આવી ગયેલી સરકારો-અધિકારીઓના ભ્રષ્ટાચાર અને અણઆવડતથી વિકાસમાં આવી ગયેલી મંદતા પણ જવાબદાર ખરી.
ભારતના-ભારતીયોનાં સારાં કાર્યોને ટીવી ચેનલો પર પ્રમુખતાથી દર્શાવાતા નથી. આ જ રીતે સમાચારપત્રોમાં પણ સારાં કાર્યોને અગ્રણી પૃષ્ઠો પર ધ્યાનાકર્ષક રીતે સ્થાન મળતું નથી. તેને પબ્લિસિટી કે જાહેરખબર કે સરકારની ચમચાગીરીનો ભાગ ગણી લેવામાં આવે છે. હવે તો સ્થિતિ એ થઈ છે કે સરકારની મહત્ત્વની જાહેરાત થાય તો તેને કેટલાક સમાચારપત્રો છાપતા જ નથી! સરકાર તો જાહેરાત આપશે જ ને, એમ માનીને. સમાચારપત્રોના લુચ્ચા માલિકો-તંત્રીઓનું તો ખિસ્સું સરકારની જાહેરખબરો છપાવવાના કારણે ભરાઈ જાય છે પણ નાગરિકોનું કેટલું અહિત થાય છે! નાગરિકો મહત્ત્વની જાણકારીથી વંચિત રહે છે અને સરકારની જાહેરખબરો પાછળ જે નાણાં ખર્ચાય છે તે જાય છે તો સરેરાશ નાગરિકોના ખિસ્સામાંથી ને. દા.ત. સમાચારપત્રોમાં આદિવાસીઓના વિરોધના આંદોલનના સમાચાર ધ્યાનાકર્ષક રીતે અગ્રણી પૃષ્ઠો પર છપાયા, પરંતુ ગુજરાત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો કે આદિવાસી ગામમાં કુદરતી સંપદાનો હક-લીઝ તે ગામના આદિવાસીને જ મળશે- આ સમાચાર એક સમાચારપત્રમાં છપાયા જ નહીં! સરકારની વાજબી ટીકા-વિરોધ કરવી એ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસાર માધ્યમોની જવાબદારી છે તેમ સરકાર વિષયક સાચી માહિતી પહોંચાડવી એ પણ પ્રસાર માધ્યમની ફરજમાં આવે કે નહીં?
જોકે બદમાશ મિડિયા અને રાજનેતાનો ઝઘડો વિદેશોમાં પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ વિશે ખોટી માહિતી પ્રસાર માધ્યમોમાં અપાતા તેમના તંત્રએ ખોટાં માધ્યમો અને પત્રકારો સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરવા કે તેમને સાચા ઠેરવવાનો ઉપક્રમ નથી, પરંતુ દિવસે ને દિવસે મિડિયાની વિશ્વસનીયતાનું ધોવાણ થતું જાય છે તેની સામે લાલ બત્તી ધરવાનો મિડિયાના જ એક ભાગ તરીકે પ્રયાસ છે. વૈશ્વિકરણના ફાયદા તરીકે આજે વિશ્વ ગામડું બની ગયું છે તે પણ સ્વીકારવું રહ્યું. તેના કારણે જે પરંપરાગત માધ્યમો છે- મુદ્રિત સમાચારપત્રો, સામયિકો અને ટીવી ચેનલો- તે જે સમાચાર આપે તે વાચક કે દર્શક સાચા માની લે તેવું નથી બનતું કારણકે ઇન્ટરનેટ અને ખાસ તો સોશિયલ મિડિયા થકી સાચા સમાચાર તેના સુધી પહોંચી જ જાય છે.
અમેરિકામાં સ્વદેશીનો નારો ફરીથી કેમ ફૂંકાયો? અમેરિકામાં સૌથી પહેલાં ભારતીયો જ પહોંચેલા. તેના પુરાવા છે. અમેરિકામાં તેને નેટિવ ઇન્ડિયન્સ તરીકે ઓળખાય છે. તેઓ ૧૨ હજાર વર્ષ પહેલાં એશિયા-ભારતમાંથી આવેલા. કૉલંબસ પણ ભારત જવાનો નવો રસ્તો શોધવાના પ્રયાસમાં જ અમેરિકા પહોંચી ગયેલો. અને અમેરિકા પર યુરોપીયનોએ કબજો કરી લીધેલો, આ યુરોપથી આવેલા ગોરા લોકો અને તેમના વંશજો એમ જ માને છે કે અમે જ ખરા અમેરિકનો. એટલે તેમને વિદેશથી આવતા સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટ્સ) પસંદ પડતા નથી. મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો કે અગાઉ દક્ષિણ ભારતીયો તેમજ ગુજરાતીઓ સામે જેમ શિવસેના અને મનસે દ્વારા આંદોલન અને મારપીટની ઘટના બનેલી તેમ જ અમેરિકામાં સ્થળાંતરિતો સામે રોષ છે. સ્થળાંતરિતોને ગરજ હોવાથી તેઓ સસ્તા ભાવે કામ કરવા તૈયાર થઈ જાય છે. પરિણામે સ્થાનિકો નોકરી ગુમાવે છે. વળી, સંસ્કૃતિની રીતે પણ બદલાવ થાય છે. આ બદલાવ સારો હોય તો તેને સ્વીકારવા સામે વાંધો નથી પરંતુ તેનાથી અપરાધો વધે તે સ્વીકાર્ય બનતું નથી.
બીજું એ પણ કારણ કે અમેરિકાની કંપનીઓ તેમને ઓછો ખર્ચ પડે તે માટે ભારત, ચીન, મલેશિયા જેવા દેશોમાં પોતાનું કામ સોંપી દે છે (આઉટસૉર્સ કરી દે છે). જે ટૅક્નૉલૉજી આ વિકસિત દેશોએ શોધી એ ટૅક્નૉલૉજી જ હવે તેમને ભારે પડી રહી છે! કારણકે ટૅક્નૉલૉજીની મદદથી ભારતના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ કમ્પ્યૂટરની મદદથી અમેરિકાની કંપનીનું કામ કરી આપે છે. બીજું એ કે અમેરિકાની કંપનીઓને પણ એ દેશોમાં પોતાનું બજાર જોઈતું હોય છે. આથી ‘મેક ઇન ભારત’ કે ‘મેક ઇન ચીન’ તેમને સરળ પડે છે. વૈશ્વિકરણ પોતાની સાથે ટૅક્નૉલૉજી અને સ્પર્ધા પણ લાવે છે. આ સ્પર્ધા હવે અમેરિકનોને ભારે પડવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પાછળ આ પણ એક બહુ મોટું કારણ હતું. તેમણે સૂત્ર આપ્યું, ‘મેક યુએસ ગ્રેટ અગેઇન’. અર્થાત્ અમેરિકનોમાં એવી ભાવના હતી કે અમેરિકા કરતાં બીજા દેશો આગળ નીકળી રહ્યા છે. કહેવાતા ઉદારતાવાદી બરાક ઓબામાના સમયમાં જે નીતિઓ અપનાવાઈ તે અમેરિકનોની કહેવાતી ‘મહાનતા’ કે ‘સુપરપાવર’ને નીચી કરનારી હતી. ઓસામા બિન લાદનને મારી નખાયો તેને બાદ કરતાં કોઈ મોટી સિદ્ધિ ઓબામાના ખાતે નહોતી. ખ્રિસ્તીઓને પણ નિર્દયતાથી મારતા આઈએસઆઈએસ જેવા ત્રાસવાદી સંગઠન કે ત્રાસવાદની સતત નિકાસ કરતા સાઉદી અરેબિયા પ્રત્યે કૂણું વલણ ઓબામાને ભારે પડી ગયું. કહેવાતા ઉદારતાવાદીઓ જેમાં ફિલ્મ કલાકારો- ટીવી સ્ટારો-રિયાલિટી સ્ટારો અને મિડિયાનો બહુ મોટો વર્ગ હોય છે તેમને ઓબામા જેવા લોકો પસંદ પડે તે સ્વાભાવિક છે. ભારતમાં જેમ હિન્દુવાદી નેતાઓની ખરાબ છબી બનાવીને રજૂ કરાય છે તેમ અમેરિકામાં રિપબ્લિકનોની સાથે મિડિયાના એક વર્ગમાં આવું કરાતું હોય છે- ચાહે તે જ્યોર્જ બુશ સિનિયર હોય, જુનિયર બુશ હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય અપરાધોના અને લફરાંના આક્ષેપો થયેલા તો ડેમોક્રેટિક બિલ ક્લિન્ટન પણ મોનિકા લેવિન્સ્કી સહિત નવ સ્ત્રીઓ સાથેના સંબંધો બહુ ગાજેલા. ગત  પ્રમુખ બરાક ઓબામા કે આ વખતના પ્રમુખપદનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પણ આવા આક્ષેપોથી બાકાત નથી રહ્યાં. પરંતુ મિડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આક્ષેપો જ ગાજ્યા. અરે! બહુમતી ભારતીય માધ્યમોમાં પણ આવું જ બન્યું. આપણે ત્યાં હિલેરી ક્લિન્ટન પ્રત્યે કૂણું વલણ અને ટ્રમ્પ પ્રત્યે નકારાત્મક વલણ ઉપજાવવાનો પ્રયાસ મિડિયામાં થયો. ઓબામાના સમયમાં બેરોજગારી, અર્થતંત્રને નુકસાન, હિલેરીનાં કૌભાંડો, હિલેરી દ્વારા સત્તાના દુરુપયોગ વગેરેના કારણે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હિલેરી જીતી ન શક્યાં. વૈશ્વિકરણની ભાવના સારી છે અને વૈશ્વિકરણ એટલે ઉદાર નજરિયો. એ વાત સાચી છે પરંતુ ‘ઘર બાળીને તીરથ ન કરાય’ તેવી કહેવત છે.
આપણે ત્યાં હજારો વર્ષોના દાસત્વના કારણે પ્રસાર માધ્યમો અને શિક્ષણના લીધે એક માનસિકતા ઘર કરી ગઈ છે કે વિદેશી એટલું સારું અને આ વિદેશીમાંય પાછું અમેરિકા-બ્રિટન વગેરે દેશો. અર્થાત્ મૂળ બ્રિટનના લોકો હોય તે સારું. વિદેશોમાંથી આવતી ચીજોને આયાત કરેલી ચીજો કહેવાય. અર્થાત્ ઇમ્પૉર્ટેડ ચીજો. પરંતુ આપણી ભાષામાં આ ‘ઇમ્પૉર્ટેડ’ શબ્દ સારી ગુણવત્તાની ચીજનો પર્યાય બનીને રહી ગયો. એમાં મોટો વાંક નબળી ગુણવત્તા અને ખરાબ ‘આફ્ટર સેલ સર્વિસ’ આપતી આપણી કંપનીઓનો પણ ખરો. આના લીધે ‘દેશી’ અથવા ‘સ્વદેશી’ શબ્દને હિણપતભરી નજરે જોવાવા લાગ્યો. દેશી એટલે ખરાબ. સ્વદેશી એટલે સંકુચિત માનસિકતા. અને સ્વદેશીની વાત કરનારાને ટોણા મારવામાં આવે કે તમે ટૅક્નૉલૉજી વિદેશી કેમ વાપરો છો? સ્વદેશીની વિચારસરણીને સમજ્યા વગર જ આવા બુદ્ધુજીવીઓ પોતે કુવામાંના દેડકાની જેમ તર્ક વગરના સવાલ કરે છે. ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની વાત હોય કે અન્ય વિદેશી ચીજોનો બહિષ્કાર, તેમાં પ્રશ્ન એ નથી આવતો કે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના કે અમેરિકાની એપલના ફોનનો પણ બહિષ્કાર કરવો કારણકે તેના કેટલાક ભાગો ચીનમાં બને છે. ચીન જે સસ્તું ડંપિંગ કરે છે કે પાકિસ્તાનને ત્રાસવાદી મુદ્દે સાથ આપે છે તેના લીધે ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની હવા જાગેલી. ભારતમાં જે ચીજો સારી ગુણવત્તાની અને પોષણક્ષમ ભાવે મળતી હોય તે વિદેશી કંપનીની શું કામ ખરીદવી જોઈએ? દા.ત. ખાણીપીણી કે કપડાંની બાબતે અહીંની ચીજો સસ્તી અને ટકાઉ હોય તો વિદેશી બ્રાન્ડનો મોહ શું કામ રાખવો જોઈએ? રાધર, બ્રાન્ડનો જ મોહ શું કામ રાખવો જોઈએ? રસ્તા પર પણ સસ્તી અને ટકાઉ ચીજ મળે તો ખરીદી જ શકાય.
અમેરિકા પણ આ ‘સ્વદેશી’ની ભાવનાથી અછૂતું નથી રહી શક્યું. ત્યાં તો છેક વર્ષ ૧૯૩૩થી ‘બાય અમેરિકન ઍક્ટ’ બનાવાયેલો છે! પણ અમેરિકાની ખરાબ માનસિકતાને અહીં પ્રસરાવતા બુદ્ધુજીવી કૉલમિસ્ટો આ વાત ક્યારેય નહીં કરે. અમેરિકા તો ઠીક, બ્રિટનમાં પણ સ્વદેશી અને રાષ્ટ્રવાદની ભાવના પ્રસરેલી જ છે. એટલે તો તેણે યુરોપીય સંઘમાંથી નીકળી જવાનું પસંદ કર્યું. આ ઘટના ‘બ્રિદાય’ (બ્રિટન+ વિદાય) અથવા અંગ્રેજીમાં ‘બ્રેક્ઝિટ’ (બ્રિટન+એક્ઝિટ) તરીકે ઓળખાય છે. યુરોપીય સંઘોમાંથી આવતા સ્થળાંતરિતો સામે યુરોપના જ એક દેશ સ્વિત્ઝર્લેન્ડને વિરોધ છે. તેથી તો તેમાં જનમત (પ્લેબિસાઇટ) લેવાયેલો! સ્વીડનમાં પણ યુરોપીય સંઘમાંથી નીકળી જવા દબાણ છે. ફ્રાન્સમાં આ વર્ષે થનારી પ્રમુખ પદની ચૂંટણીમાં જમણેરી મનાતા મરીન લી પેન, ફ્રાન્કોઇસ ઓલાન્દે સામે જીતી જાય તેવી પ્રબળ સંભાવના છે. નેધરલેન્ડમાં પણ મવાળ જમણેરી (રાઇટ ટૂ સેન્ટર) પક્ષો ઓપિનિયન પોલમાં કાઠું કાઢી રહ્યા છે. બુદ્ધુજીવી કૉલમિસ્ટો વારંવાર અમેરિકાના માધ્યમોને ટાંકીને ફલાણું આમ ને ફલાણું તેમ એવી વાત સિદ્ધ કરતા હોય છે પરંતુ અમેરિકાની જાણીતી સંશોધન સંસ્થા ‘પ્યૂ’ના સંશોધન પ્રમાણે, કહેવાતા ઉદારતાવાદીઓ ખરેખર તો સંકુચિત હોય છે. સોશિયલ મિડિયા પર તેઓ વિરોધી વિચારવાળાને બ્લૉક કરી નાખે છે. તેમની સાથે સંબંધ તોડી નાખે છે. આ વાત ભારતના કહેવાતા ઉદારતાવાદીઓ રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, રવીશકુમાર જેવા પત્રકારો અને શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન વગેરે ફિલ્મ કલાકારોના કિસ્સામાં જોવાયેલી જ છે.
સ્વામી વિવેકાનંદે મિશિગન યુનિવર્સિટીમાં વિદેશી પત્રકારોના એક સમૂહને કહેલું, “૨૧મી સદી (ખરેખર તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે, બાવનમી સદી) ભારતની સદી છે.” આ વાત રાજકીય રીતે, આર્થિક રીતે અને વિચારોની રીતે સાચી પડી રહી છે, ભલે ભારતના બુદ્ધુજીવીઓ માને કે ન માને.

એકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય

એકલા રહેતાં વૃદ્ધોની સમસ્યા: ન કહેવાય, ન સહેવાય

સમાજમાં સમય સાથે પરિવર્તન આવતું હોય છે. પરંતુ એ પરિવર્તન સારું પણ હોઈ શકે અને ખરાબ પણ. અત્યારનો સમય અર્થપ્રભાવી છે. તમામ લોકોના જીવનમાં અર્થ એટલે કે ધન/પૈસો/નાણાં અને તેના દ્વારા ભૌતિક સુખ મેળવવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સારા અર્થોપાર્જન માટે યુવાનો અન્ય શહેરમાં જાય છે. તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ આજે મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે યુવાનના લગ્ન મોડી ઉંમરે થાય છે. અને તેનાં સંતાનો પણ તેનાથી મોટી ઉંમરે થાય એટલે વૃદ્ધ માબાપને યુવાન દીકરા અને પુત્રવધૂ સાથે ફાવતું નથી. પુત્રવધૂને પણ સાસુ-સસરા સાથે રહેવું ગમતું નથી. વૃદ્ધ માબાપ હોય એટલે બી.પી., ડાયાબિટિસ વગેરે સમસ્યા હોય.
સંયુક્ત કુટુંબમાં રહેવું પુત્રવધૂઓને ફાવે નહીં. પરિણામે એકલા રહે અને તેથી હવે મોટા ભાગે કોઈ પુત્રવધૂ ચારથી વધુ માણસની રસોઈ અને અન્ય ઘરકામ કરવાની શારીરિક અને માનસિક ક્ષમતા ધરાવતી નથી. વળી, પાછી રસોઈ એકસરખી કરવાની હોય તો વાત અલગ છે. બીમારીના કારણે સાસુ-સસરાનો આહાર અલગ (મીઠા વગરનો, ઓછો ગળ્યો) હોય. બાળકોને પિત્ઝા, મેગી જેવો આહાર જોઈતો હોય. પહેલાં પણ આવું બનતું હતું, પરંતુ ત્યારે પુત્રવધૂઓ અલગ-અલગ રસોઈ બનાવતી (કપડાં-વાસણ-નાસ્તા-ભરતકામ-સ્વેટર-ગોદડા વગેરે કામો પાછાં અલગ!). હવે પુત્રવધૂઓ માટે કરવાનાં કેટલાં બધાં કામો? વૉટ્સએપ જોવું પડે, ફેસબુક જોવું પડે, ટીવી પર ઓછામાં ઓછી ચાર-પાંચ સિરિયલો જોવી પડે. ફિલ્મ જોવી પડે. ન્યૂઝથી પણ માહિતગાર તો રહેવું જ પડે. પિયરમાં માતા સાથે રોજ વાત કરવી પડે. ભાઈ અને પરણેલી બહેન સાથે રોજ વાત કરવી પડે. સંતાનની સાથે ભણતા લોકોની માતાઓને ફ્રેન્ડ બનાવી હોય તેમની સાથે પણ વાત કરવી પડે. (પરણ્યા પહેલાંના બોયફ્રેન્ડ સાથે ચક્કર ચાલુ હોય તો તો વાત જ અલગ.) વળી, દિવસમાં બે-ત્રણ સેલ્ફી તો ખેંચવી પડે અને ફેસબુક પર મૂકવી પડે ને. વૉટ્સએપ પર પ્રોફાઇલ પિક્ચર મૂકવાં પડે.
સામે પક્ષે વર્ષોથી ચોક્કસ ઢબે રહેવા, ખાવાપીવા અને ઘરનાં કામ કરવા ટેવાયેલાં વૃદ્ધ માતાપિતા પણ અપેક્ષા રાખે કે તેમની પુત્રવધૂ તેમની ટેવો મુજબ ઢળી જાય. આ પણ વધુ પડતું છે કારણકે હવે પુત્રવધૂ પણ ૨૫-૩૦ વર્ષે લગ્ન કરીને આવી હોય. તેથી તેની પણ ઘણી બધી ટેવો બદલવી અઘરી પડે. વળી, તેને નાની ફરિયાદ હોય તો પણ મમ્મીનો સપોર્ટ મળે. મમ્મી સીધું કહી દે કે બેટા, પાછી આવતી રહે. પહેલાંના સમયમાં થોડું આત્યંતિક વલણ રહેતું કે લગ્ન પછી તારી અર્થી પણ તારા સાસરિયેથી જ ઉઠવી જોઈએ. દીકરી રિસાઈને પિયર આવતી રહે તો પિયરવાળા માટે થૂથૂ થતું. આ તો ઠીક, પણ દાદા-દાદીને ટીવી પર કઈ ચેનલ જોવી તે અંગે દસથી લઈ વીસ વર્ષનાં પૌત્ર-પૌત્રી સાથે ઘર્ષણ થાય. યુવાન દીકરો અને પુત્રવધૂ પણ તેમનાં સંતાનોને સમજાવે નહીં કે દાદા-દાદીને જે જોવું હોય તે જોવા દે. માનો કે, દાદા-દાદી જતું કરે અને પૌત્ર-પૌત્રીને જે જોવું હોય તે જોવા દે તો પણ ટીવીનો મોટો અવાજ કે પછી પૌત્ર-પૌત્રી રમતા હોય તે અવાજ પણ બીપી, હૃદય રોગ વગેરે બીમારીથી પીડાતા કે ન પીડાતા હોય તો પણ ઉંમરના કારણે દાદા-દાદીને ત્રાસ આપે. સામે પક્ષે દાદા-દાદી વહેલા ઊઠીને પૂજા-પાઠ કરવા ટેવાયેલાં હોય તો તે પુત્રવધૂ કે પૌત્ર-પૌત્રીને ડિસ્ટર્બ કરનારું પરિબળ બની રહે. ઘણી વાર એવું પણ બને કે દાદા-દાદીને ઉંમરના કારણે ઓછું સંભળાતું હોય અને તેમને ટીવી મોટા અવાજે જોવા-સાંભળવા જોઈએ. બીજી તરફ પૌત્ર-પૌત્રીઓને ભણવામાં આ અવાજ ખલેલ પહોંચાડે. આ મુદ્દે પણ ઘર્ષણ થતું હોવાના કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.
ઘણા કિસ્સામાં પુત્રવધૂ નોકરી પણ કરતી હોય. આવા સંજોગોમાં દાદા-દાદીને આખો દિવસ એકલા રહેવાનું થાય તો ઘણા કિસ્સામાં દીકરો કમાવવા માટે ભાવનગર-રાજકોટ-સુરેન્દ્રનગરથી અમદાવાદ-વડોદરા કે સુરત જેવા શહેરમાં ગયો હોય. અમદાવાદ રહેતા હોય તો દીકરો અમેરિકા, લંડન કે પૂણે, મુંબઈ જેવા શહેર ગયો હોય. આવા સંજોગોમાં વૃદ્ધ માબાપ દીકરા સાથે જવાના બદલે પોતાના ઘરમાં એકલા રહેવાનું પસંદ કરે છે.
આના કારણે તકલીફો આવવાની શરૂ થાય. ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ શરીરને ઘસારો પહોંચે. તેના કારણે પણ તકલીફો આવે. તેમાંય જો ખાવાપીવાની ટેવો, દિનચર્યા ઉંમરના હિસાબે બદલાઈ ન હોય તો તો હૃદયરોગ, ડાયાબિટીસ, કિડની વગેરે અનેક મોટા રોગો ઘર કર્યાં હોય. બૅન્કોનાં કામો કરવાં, ઘરનું મેઇનટેનન્સ, વીજળીનું બિલ, મિલકત વેરો, પાણી વેરો વગેરે ભરવા જવું આ બધું કરવું પડે. વળી, ઘરના નોકર કંઈ વર્ષના ૩૬૫ દિવસ કામ ન કરવા આવે. તે રજા પાડે એટલા દિવસ ઘરનાં કામો કરવાં.
આનાથી પણ વધુ ચિંતાની બાબત ઘરઘાટીની અથવા ઘરનોકરની છે. ઘરનાં કામો કરવા આવતા નોકર કે ડ્રાઇવર દ્વારા પૈસાદાર પરંતુ એકલા રહેતા વૃદ્ધ-વૃદ્ધાની લૂંટના ઈરાદે અથવા તો માત્ર ઠપકો આપ્યો હોય તો પણ હત્યા કરાઈ હોય તેવા કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વૃદ્ધોને એટીએમમાં કાર્ડથી નાણાં ઉપાડવામાં પણ તકલીફ પડતી હોય છે. મોટી ઉંમરે ટૅક્નૉલૉજી શીખવી અઘરી છે અને તેમાં પાસવર્ડ ખોટો નખાઈ જાય તો કાર્ડ સ્થગિત થઈ શકે છે. અથવા કોઈ વૃદ્ધ બાજુમાં ચોકીદાર કે પૈસા ઉપાડવા આવેલાને જો પાસવર્ડ કહીને નાખવાનું કહે તો તો ઓર મુસીબત!
તેમાં જો વૃદ્ધો એકલા રહેતા હોય (અર્થાત્ વૃદ્ધ પતિ અને પત્ની તેમનાં સંતાનોથી જુદા એક જ શહેરમાં અથવા બીજા શહેરમાં રહેતાં હોય) તો તેમાં જો એક જણ બીમાર પડે તો બીજા માટે મુશ્કેલીઓનો પાર રહેતો નથી. ઘરનાં કામ ઉપરાંત ડૉક્ટરને ત્યાં જીવનસાથીને લઈ જવા, દવાઓ લાવવી, ઘરમાં જીવનસાથીનું ખાણી-પીણીથી લઈ દવા અંગે ધ્યાન રાખવું, તેમને બાથરૂમ-શૌચાલય લઈ જવા અને આવા સંજોગોમાં કોઈ કામમાં મદદરૂપ થવા આવવાના બદલે ખબર કાઢવા આવીને ભારરૂપ બને ત્યારે તેમના માટે ચાપાણીની વ્યવસ્થા કરવી. વળી, માંદગી સમયે જીવનસાથીનો સ્વભાવ ચીડચિડિયો થઈ જાય તો તેમને સહન કરવા.
આવા બધા સંજોગોના લીધે આજે આટલી બધી સુવિધા અને સરળતા છતાં વૃદ્ધોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આવું ન બને તે માટે શું કરી શકાય? પહેલાં તો બને તો વૃદ્ધોએ અલગ રહેવું જ ન જોઈએ. આપણી કુટુંબ વ્યવસ્થા સંયુક્ત કુટુંબની હતી. તેના લીધે નાનાં સંતાનો સચવાઈ જતાં અને ક્યારે મોટા થઈ જતાં તે ખબર પણ યુવાન માતાપિતાને નહોતી પડતી. અને આ જ રીતે વૃદ્ધ માતાપિતા પણ સચવાઈ જતા. પરંતુ હવે સમય બદલાયો છે. બે-ત્રણ ભાઈ હોય તો પણ એક માતાપિતા સચવાતાં નથી. માતાપિતાને મહેમાનની જેમ દીકરાના ઘરમાં રહેવું પડે છે. થોડો સમય થાય એટલે એક દીકરાના ઘરેથી બીજા દીકરાના ઘરે જવું પડે છે. એટલે દીકરા-વહુએ સમજવું પડશે કે આપણે જો વૃદ્ધ માબાપને નહીં સાચવીએ તો આપણાં સંતાનો પણ આપણી વૃદ્ધાવસ્થામાં આપણને નહીં સાચવે. પૌત્ર-પૌત્રી અને દાદાદાદી વચ્ચે ટીવી અંગે ઘર્ષણ થાય તો પૌત્ર કે પૌત્રીને સમજાવવા જોઈએ. દાદાદાદીએ પણ પૌત્ર માટે જતું કરવું જોઈએ. ટીવી પર કાર્યક્રમો તો દિવસ-રાત આવતા રહેતા હોય છે. થોડી બુદ્ધિપૂર્વકની ગોઠવણ થઈ શકે? પૌત્ર-પૌત્રી શાળા કે ટ્યૂશનમાં ગયાં હોય ત્યારે દાદાદાદી ટીવી જોઈ લે. પૌત્ર-પૌત્રીની પરીક્ષા હોય ત્યારે ટીવી ન જુએ અથવા અવાજ ધીમો રાખીને જુએ. અને હવે તો ટૅક્નૉલૉજી પણ આ બાબતમાં સાથ દે છે. એવાં ટીવી આવે છે જેમાં તમે મોબાઇલમાં જેમ હેન્ડ્સ ફ્રી આવે છે તેમ ટીવીનો અવાજ માત્ર હેડફોન ભરાવેલી વ્યક્તિને જ સંભળાય. દાદાદાદી બીજા શહેરમાં કે એક જ શહેરમાં આવેલા બીજા ઘરમાં રહેતા હશે તો  દીકરાને જેટલી દોડાદોડી થશે તેના કરતાં દાદાદાદી ઘરમાં હશે તો દોડાદોડી ઓછી થશે. દાદાદાદીનું દીકરા-વહુ ધ્યાન રાખી શકશે એટલું કોઈ પગાર દઈને રાખેલા બહેન કે ભાઈ નહીં રાખી શકે. વળી, સંતાનને પણ દાદા-દાદીના કારણે સારા સંસ્કાર મળશે. સંતાન નાનું હોય ત્યારે કે મોટું થાય ત્યારે ડગલે પગલે જે તકલીફો આવે તે અનુભવની એરણે ઘડાયેલ દાદાદાદીની સૂજબૂજથી દૂર થશે. દીકરા-વહુ બંને નોકરી કરતા હોય તો દાદાદાદી વગરના ઘરમાં આયાના ભરોસે સંતાનને છોડવું જોખમી છે. સંતાન નાનું હોય કે કિશોર કે પછી યુવાન, શારીરિક શોષણના બનાવો આજકાલ વધી રહ્યા છે. શારીરિક શોષણ ન થાય તો પણ કિશોર કે યુવાન વયે સંતાનનો પગ લપસી શકે છે. દાદા-દાદી હોય તો અઘટિત થતું અટકશે. ખાસ કરીને દીકરીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પોતે તો તેમના ભાઈ-ભાભીની ખામી શોધી શોધીને માતાપિતાને ન કહે અને જો તેમનાં વૃદ્ધ માતાપિતા દીકરા કે વહુની ફરિયાદ તેમની આગળ કરે તો માતાપિતાને પોઝિટિવ રીતે સમજાવે કારણકે દીકરીઓ પણ કોઈકની તો ભાભી જ છે અને બીજું એ કે દીકરીઓ સાસરેથી દોડી દોડીને માતાપિતાની સેવા કરવા આવી શકવાની નથી કે નથી માતાપિતાને પોતાની સાથે રાખી શકવાની. તો પછી તેમણે પ્રયાસો એવા જ કરવા જોઈએ કે જેથી માતાપિતા અને ભાઈ-ભાભી સંપીને રહે.
પરંતુ માનો કે આ બધું શક્ય નથી. દીકરાને નોકરી જ એવી જગ્યાએ છે જ્યાં દાદા-દાદીને ફાવે તેમ નથી તો શું કરવું? કેટલાંક સૂચનો: એટીએમમાં પૈસા ઉપાડવા જતી વખતે કોઈને પાસવર્ડ કહેવો જ નહીં. બને તો દીકરો જ્યારે આવે ત્યારે પૈસા ઉપાડીને આપે તે જ ઉત્તમ. અથવા પરંપરાગત રીતે ચેકથી પૈસા ઉપાડવા. ઘરનોકરનો ફોટો પાડી, તેનું પૂરું નામ, સરનામું લઈ લેવું. તેની જાણ પોલીસમાં પણ કરી રાખવી. ઘરનોકર માનવ છે તે વાત સાચી પરંતુ વધુ પડતી આત્મીયતા પણ નુકસાનકારક છે. તેની સામે પૈસાથી લઈને ઘરમાં દીકરા-વહુ સાથે ચાલતા ઝઘડા કે અન્ય કોઈ ભેદ ખોલવા નહીં. તો, આનાથી વિરુદ્ધ તેને ઠપકો આપતી વખતે પણ ભાષા સંયમ રાખવો. પોતે કે પોતાના જીવનસાથી બીમાર ન જ પડે તેવી કાળજી રાખવી. સમયાંતરે શરીરની તપાસ કરાવતા રહેવી. દવા સમયે સમયે લેવાનું યાદ રાખવું. અડોશપડોશમાં સારા સંબંધો હોય તે જરૂરી છે. દીકરા-વહુ દૂર હોય ત્યારે પડોશી જ કામે આવતા હોય છે. યુવાનોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમની આજુબાજુ કોઈ વૃદ્ધ પતિ-પત્ની રહેતાં હોય તો તેમના રોજ ખબરઅંતર પૂછતા રહેવું. કોઈ દિવસ તેમના ઘરનો દરવાજો ન ખૂલે તો તેમની ચિંતા કરવી. તેમને શાક, દવા જેવી નાનીમોટી વસ્તુ લાવવી હોય કે બિલ ભરવાનું હોય તો તેવા કામ પોતે જતા હોય ત્યારે એક ધક્કે જ પતાવી શકાય છે. તેના માટે તમારે કોઈ વિશેષ તસ્દી લેવાની નથી. તો પછી આવાં નાનામોટાં કામ કરવામાં શું વાંધો? તમને ઘરડા લોકોના આશીર્વાદ મળશે. જોકે ઈન્ટરનેટના કારણે હવે તો એક જ શહેરમાં અલગ રહેતા કે બીજા શહેરમાં રહેતા દીકરા-વહુ પણ તેમનાં માતાપિતાના બિલ ભરી દઈ શકે છે. દીકરા-વહુએ યાદ રાખવું જોઈએ કે કારકિર્દી અને ભૌતિક સુખ પાછળ આંધળી દોટમાં વૃદ્ધ માબાપના આશીર્વાદ હશે તો જ સફળ થવાશે, બાકી જો તેમનો હાયકારો હશે તો પછડાટ મળતા વાર નહીં લાગે. તેઓ મરી જશે પછી તેમના નામે હૉસ્પિટલ બનાવવી કે મંદિર બનાવવાનો કોઈ અર્થ નથી. માબાપને જીવતાં પૂજવા જોઈએ. સામે પક્ષે વૃદ્ધ માબાપ પણ યાદ રાખે કે હિન્દુ શાસ્ત્રમાં પચાસની ઉંમર પછી વાનપ્રસ્થાશ્રમ અને ૭૫ની ઉંમર પછી સન્યાસ્તશ્રમની જોગવાઈ છે. અર્થાત્ તમારે દીકરા-વહુને સોંપીને સંસારમાં રહેવા છતાં અલિપ્ત બનીને રહેવાનું છે. મોહમાયા અને સ્વાદ વગેરે ધીમે ધીમે છોડતા જઈ ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાનું છે. આના માટે વનમાં જવાની કે સન્યાસ લેવાની જરૂર નથી. ઘરમાં રહીને, દીકરા-વહુ અને પૌત્ર-પૌત્રીને મદદરૂપ બનીને પણ રહી શકાય છે. બંને પક્ષે આવું થાય તો પરિવારથી અલગ સ્વર્ગ બીજે ક્યાંય નથી.

ગધેડાઓના બચાવમાં ….. થોડું મરક… મરક ….

 ગધેડાઓના બચાવમાં ….. થોડું મરક… મરક ….

donkey-on-peytrol-pump

ગધેડાઓના બચાવમાં ..... 

હમણાં હમણાં રાજકારણમાં ગધેડાઓ ખુબ ચર્ચામાં છે !

વાત એમ બની છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાયબરેલીની એક ચૂંટણી સભામાં ગુજરાત ટુરિઝમની એક જાહેરાત" ખુશ્બુ હૈ ગુજરાત કી"માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના ખાસ પ્રકારના ગધેડાઓની વિશેષતાઓ જણાવતા દર્શાવવામાં આવ્યા છે, એના પર કટાક્ષ કર્યો હતો.

અખિલેશ યાદવે અમિતાભ બચ્ચનને વિનંતી કરતાં કહ્યું હતું કે તમે ગુજરાતના ગધેડાઓની જાહેરાત કરવાનું બંધ કરો.ગધેડાઓની પણ શું જાહેરાત હોઈ શકે?અખિલેશે સભામાં આ આખી જાહેરાત વાંચી સંભળાવી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં તો ગધેડાઓનો પણ પ્રચાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન મારા પર આરોપ લગાવે છે. અખિલેશ યાદવ આવું નિવેદન આપીને ટ્વિટર પર અળખામણા બની ગયા છે.અખિલેશના આ નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે જેના કારણે મોટો હોબાળો મચ્યો છે.

મોદીનો અખિલેશને જવાબ

ગુજરાતના ગધેડાવાળા નિવેદન સામે અખિલેશને જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે "અખિલેશને સૈકડો કિલોમીટર દૂર રહેતા ગધેડાઓથી ભય લાગે છે.હું મારી તમામ ટીકાઓ હસીને સ્વીકારી લઉં છું.પરંતુ અખિલેશને જણાવવા માગું છું કે ગધેડાઓ પાસેથી પણ પ્રેરણા લઇ શકાય છે. ગધેડુ મહેનતથી કામ કરે છે,બીમાર હોય તેમ છતાં પણ મહેનતથી કામ કરે છે, હું પણ ગર્વથી ગધેડાઓ પાસેથી પ્રેરણા લઉ છુ અને થાક્યા વગર, પૂરી મહેનત સાથે કોઇ પણ રજા વગર સતત કામ કરતો રહું છું.દેશની સવા સૌ કરોડની જનતા મારી માલિક છે અને તેઓ જે આદેશ આપે છે  તે પ્રમાણે હું થાક્યા વગર, અટક્યા વગર મારું કામ પુરું કરું છું."

democratic-symbolગધેડાઓના બચાવમાં એ કહેવાનું છે કે રાજકારણમાં ગધેડાઓને સંડોવીને બિચારા ગધેડાઓને ખુબ અન્યાય થઇ રહ્યો છે.લેવા દેવા વગર તેઓ ખોટી રીતે વગોવાઈ રહ્યા છે.તેઓમાં ઘણીવાર માણસો કરતાં વધુ બુદ્ધિ હોય છે અને એટલે તો અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે ચુંટણીનું નિશાન ગધેડાનું રાખ્યું છે.

વડા પ્રધાન મોદી સાથે હું સંમત છું કે ગધેડા પાસેથી મહેનત કરવાની પ્રેરણા મળે છે.ગધેડા માલિકને વફાદાર હોય છે અને એના માટે સતત સમય જોયા વિના કામ આપે છે. એની આવી મજુરી પરથી તો "ગધ્ધા મજુરી " શબ્દ પર્યાય આવ્યો છે.અમારું તો માનવું છે કે ભલે ગધેડા માણસ બનતા નહિ હોય પણ માણસને ગધેડા બની જતાં વાર લાગતી નથી.

રાજકારણમાં ચાલતા ગધેડા પુરાણએ કવિઓને પણ કવિતાઓ બનાવવાની પ્રેરણા આપી છે.એક સહૃદયી મિત્રે ઈ-મેલમાં એક વિડીયોની લીંક મોકલી છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.હાસ્ય કવિ સંમેલનનો આ વિડીયો જોઇને હાસ્ય સાથે તમને પણ ગધેડાઓ પર હમદર્દી થાય તો નવાઈ નહિ.

गधो पर कवी सम्मेलन .. हस्ते हस्ते लोट पोट | 
Donkey Kavi Sammelan

કોઈ માણસમાં ઓછી બુદ્ધિ હોય તો ઘણીવાર લોકો એને “ તું તો સાવ ગધેડા જેવો છે “એમ કહેતા હોય છે.પરંતુ ગધેડાઓ પણ બુદ્ધિશાળી હોય છે એ વાતની પ્રતીતિ કરાવતી એક બોધ કથા"ધનજી કુંભારનો ગધેડો" એ નામે ૫મી ડીસેમ્બર ૨૦૧૧ ના રોજ વિનોદ વિહારમાં પોસ્ટ કરી હતી. આ બોધકથા વાંચ્યા પછી “ તું તો સાવ ગધેડા જેવો છે “ એમ કહીને કોઈએ પણ સમગ્ર ગધેડા જાતિનું નું અપમાન કરવું ના જોઈએ !

"ધનજી કુંભારનો ગધેડો ... બોધ કથા ....વિનોદ પટેલ 

donkey-politics

સુપ્રસિદ્ધહાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતા હવે નથી રહ્યા…હાર્દિક શ્રધાંજલિ

 સુપ્રસિદ્ધહાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતા હવે નથી રહ્યા…હાર્દિક શ્રધાંજલિ

Tarak Mehta
                        Tarak Mehta

સ્વ.તારક મહેતાને હાર્દિક શ્રધાંજલિ

”પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં,એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા અને થોડું કમાયા પણ ખરા.હવે થોડા વખતથી તકલીફ છે.મને પોતાને હસવું આવતું નથી.”

“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”

તારક મહેતા

” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે.

આપણા હાસ્ય સાહિત્યમાં હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે.હું હજી આજેય સર્જી શક્યો નથી. ”

– જ્યોતીન્દ્ર દવે

(સૌજ્ન્ય.ગુજરાતી પ્રતિભા પરિચય.તારક મહેતા)

૨૬ મી ડીસેમ્બર, ૧૯૨૯માં અમદાવાદમાં જન્મેલ પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતા  નું 88 વર્ષેની વયે અમદાવાદ ખાતેના એમના નિવાસસ્થાને આજે ૧લી માર્ચ,૨૦૧૭ ના રોજ લાંબી માંદગી બાદ નિધનથયું છે. પરિવારજનોએ સદગતની ઇચ્છા અનુસાર તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતાં તેમના દેહને વી.એસ હોસ્પિટલ લઈ જવાયો હતો.

પદ્મશ્રી તારક મહેતાના નિધનથી સાહિત્ય જગતમાં અને એમના અનેક પ્રસંશકોમાં શોકની લાગણી ફેલાઇ છે.

તારક મેહતા કા ઉલટા ચશ્મા ના સર્જક પદ્મશ્રીથી સંમાનિત

તારક મહેતાના જીવનની ઝાંખી જૂઓ આ બે વીડિયોમાં ...

TARAK MEHTA | Gujarat Sahitya Academy |
સર્જક અને સર્જન | તારક મહેતા

Tarak Mehta - One of the most famous humorist in Gujarati literature. 
Hear him in his own words.

વિનોદ વિહારમાં તારીખ ૨૦મી ફેબ્રુઆરી ૨૦૧૭ ની પોસ્ટ નંબર ( 1019 ) માં તારક મહેતાનાં ધર્મપત્ની ઇન્દુબેનનો એમના પતિ તારક મહેતા વિશેનો એક રસપ્રદ લેખ પ્રસિદ્ધ થયો છે. આ લેખ નીચેની લીંક પર વાંચી શકાશે.

khabarchhe.com
સૌજન્ય-khabarchhe.com

ઇન્દુ તારક મહેતાની નજરે દુનિયાને ઊંધાંચશ્માંનું સર્જન   

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી