બહાર મસ્ત વરસાદ વરસતો હતો. ઑફિસમાં દાળવડાની પાર્ટી કરી બધા રવાના થયા. આજે કામ ઓછું હતું. દાળવડાની લાલચ દિવ્યેશે જતી કરી હતી કેમ કે તે આવા મસ્ત રોમેન્ટિક વાતાવરણમાં પત્નીને સરપ્રાઇઝ આપવા માગતો હતો. ઘરે જઈને પત્નીને ભજિયા, ગોટા કે દાળવડા બનાવવાની ફરમાઇશ આપવાના બદલે પોતે જ લેતો જાય તો? એય ને ગરમાગરમ ચા સાથે ભજિયા, ગોટા ને દાળવડાની જ્યાફત ઉડાવશું. છોકરાઓ તો સ્કૂલે ગયા હશે.
આજ મૌસમ બડા બેઇમાન હૈ બડા…ગીત લલકારતો દિવ્યેશ બાઇક પર પલળતો પલળતો દુકાને પહોંચ્યો. દુકાન અને બાઇક વચ્ચે ગારો જામેલો હતો. એ ગારામાં જઈ કાદવવાળા બૂટ પહેરેલા દિવ્યેશે ઑર્ડર આપ્યો.
“સાહેબ, ગરમ જોઈતા હોય તો અડધો કલાક રાહ જોવી પડશે. તમારા પહેલાં આવેલા આ લોકો ક્યારના રાહ જોવે છે.” “વાંધો નહીં”. દિવ્યેશે કહ્યું ને એ વૉટ્સએપમાં આવેલા વરસાદના સુંદર ફોટા, રમણીય સુંદરીઓની તસવીર સાથે લખાયેલી કવિતા જોતો રહ્યો. તેનું મન ઘરે પહોંચવા તલપાપડ બન્યું. “લ્યો સાહેબ, આ ભજિયા, ગોટા ને દાળવડા.”
દિવ્યેશે બાઇક ચાલુ કરવા કિક મારી પણ વરસાદથી ભીની કિક છટકી ને પગે જોરદારની વાગી. દિવ્યેશને ઘડીકભર તમ્મર ચડી ગયા પણ “પિયા મિલન કો જાના”ની લગનીએ એ દર્દને નજરઅંદાજ કર્યું. ને કિક મારી બાઇક ભગાવી. પલળેલા રસ્તા પર બે વાર સ્લિપ થતાં બચ્યો. એક વાર તો સામેથી થોડી રોંગ સાઇડ આવતી કારથી બચવા એને પાણીમાં બાઇક ચલાવવી પડી જેથી એના છાંટા પણ પેન્ટને ઉડ્યા.
ઘરે પહોંચ્યો ત્યાં લિફ્ટ બંધ કારણકે પાણી ભરાઈ ગયું હતું! ચાર માળ દાદરા ચડીને પહોંચ્યો તોય એના મનમાંથી રોમાન્સની આશા ઓછી નહોતી થઈ. તરત તેણે બેલ વગાડી. બેલ બંધ હતી. પત્ની ક્યારેક ભૂલમાં બેલ બંધ કરતી ને પછી ચાલુ કરવાની ભૂલી જતી. એણે દરવાજો ખખડાવ્યો. જવાબ ન મળ્યો એટલે ફરી ખખડાવ્યો. એની સાથે જ…
“શું મંડી પડ્યા છો? આવું છું હવે…” એમ કહીને પત્નીએ દરવાજો ખોલ્યો ને હજુ દિવ્યેશ નાસ્તાની થેલી પત્નીને હાથમાં પકડાવી બૂટ બહાર જ કાઢવા જતો હતો ત્યાં એ થેલી લેવાના બદલે…
“ભાઇસાબ, બૂટ બહાર જ કાઢજો. પોતું કરીને દમ નીકળી જાય છે.” દિવ્યેશને ખબર હતી કે કામવાળી કચરાપોતા ને કપડા ધોઈ જાય છે.
દિવ્યેશે નાસ્તાની થેલી જાળીના આગળીયા પર ટીંગાડી. અને બૂટ કાઢ્યા. અને થેલી લઈ અંદર જાય ત્યાં
“આ શું? પેન્ટ તો જુઓ. કેવા છાંટા ઉડાડ્યા છે. પાણીથી તારવીને બાઇક ન ચલાવાય? કપડાં ધોતા નાકે દમ આવી જાય છે. અને અહીં જ ઊભા રહેજો. ટુવાલ આપું છું. આખું ઘર પાણી પાણી કરશો. પોતું કરીને..” અધૂરું વાક્ય દિવ્યેશે મનમાં પૂરું કર્યું.
ટુવાલથી તે થોડો કોરો થયો. હજુ પણ મનમાં આશા બચી હતી ત્યાં પત્નીએ કહ્યું:
“અને હા, સીધા બાથરૂમ જ જજો. ને બહાર નીકળી કપડાં નીચોવી સૂકવી દે જો. તમારે તો ઠીક છે. ઑફિસમાં હા હા હી હી કરવાની. વરસાદ પડે એટલે ગોટા ને ચાની જ્યાફત ઉડાવવાની. અરે હા, સારું યાદ આવ્યું. કહી દઉં છું…ભજિયા ગોટા કંઈ નહીં બને. ચણાનો લોટ ખલાસ થઈ ગયો છે. ને મારી કમર પણ દુખે છે…તમને શું ખબર? ઘરનાં કામ કરતાં દમ નીકળી જાય છે ”
ને દિવ્યેશના પગમાં સબાકો ઉપડ્યો જે હૃદય સુધી પહોંચ્યો.
આજે આખું વિશ્વ આતંકવાદના ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ક્યારે,કઈ જગાએ,કેવી રીત અજમાવી છુપાયેલા આતંકવાદીઓ એકલા કે સમુહમાં ત્રાટકશે અને મોટી સંખ્યામાં નિર્દોષ લોકોની જીવ હાની કરશે એ કશું નક્કી નથી.
પેરિસ, બ્રુસેલ્સ, ઓરલાન્ડો, ઇસ્તંબુલ, ઢાકા,બગદાદ, મુંબઈ એમ અનેક જગાઓએ આતંકવાદીઓએ કારમો કેર વર્તાવ્યો છે અને જન જીવન ડહોળી નાખ્યું છે. આતંકવાદીઓ દ્વારા લડાતું આ વિશ્વ યુદ્ધ કોઈ લશ્કરી નિયમો કે સૈનિકો વિનાનું નવી રીતનું યુદ્ધ છે.
દિવ્ય ભાસ્કરમાં શ્રી નગીનદાસ સંઘવીએ એમના નીચેના લેખમાં આવા આતંકવાદી હુમલાઓ વિષે સરસ માહિતી આપી છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
દુનિયાભરમાં હલ્લાઓ કોણ કરે છે?...
પેરિસ, બ્રુસેલ્સ, ઓરલાન્ડો, ઇસ્તંબુલ, ઢાકા, બગદાદ, મદીના અને હવે યમનનું એડન શહેર, ઇસ્લામી રાજવટ(ISIS)અને અલ કાયદાની ત્રાસવાદી પ્રવૃત્તિઓનાં શિકાર બન્યાં છે. કોઈ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ, કોઈ જગ્યાએ આત્મઘાતી હલ્લાઓ તો કોઈ જગ્યાએ શસ્ત્રધારી ધાડપાડુઓએ ત્રાટકીને ત્રાસ ફેલાવ્યો છે. પઠાણકોટ, ગુરુદાસપુર અને કાશ્મીરમાં સતત ચાલી રહેલાં ધીંગાણાંઓનો આ યાદીમાં સમાવેશ નથી, કારણ કે આ ત્રાસવાદનાં મૂળ અને ડાળ પાંદડાંની જવાબદારી ઇસ્લામી રાજવટ કે અલ કાયદાની નથી. ભારતમાં થયેલા ત્રાસવાદી હલ્લાઓ માટે આ બંને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંસ્થાઓને દોષ આપી શકાય તેમ નથી.
ઇસ્લામી રાજવટ(ISIS) ને ઇરાક પર કબજો જમાવવો છે જ્યારે ઓસામાએ કોઈ દેશને કબજામાં રાખવાની રાજકીય મહત્ત્વાકાંક્ષા દર્શાવી નહોતી
પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિની કારણમીમાંસા કરીને ઇસ્લામી રાજવટે અને અલ કાયદાએ પોતે વેર વાળે છે તેવા દાવા કર્યા છે. સીરિયા, ઇરાકમાં ચાલી રહેલા આંતરવિગ્રહમાં દખલગીરી કરીને અમેરિકા અને તેનાં સાથીદાર રાષ્ટ્રો જે વિઘાતક પ્રવૃત્તિ ચલાવે છે તેના બદલા રૂપે આ હત્યાકાંડ ચાલી રહ્યો છે. તેવી દલીલ કરવામાં આવે છે. ઇસ્લામી રાજવટ અને અલ કાયદાનું ધ્યેય એક જ હોવા છતાં આ બંને સંસ્થાઓ એકબીજાની હરીફ છે અને રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે પોતે જ આ હલ્લાઓ કરાવ્યાનો જશ લેવાની મથામણ કરે છે. ઘાતકીપણામાં ચડિયાતા થવાની આ ગળાકાપ સ્પર્ધામાં કરવામાં આવેલા દાવા ખોટા હોઈ શકે છે. ઢાકામાં થયેલો હલ્લો પોતે કરાવ્યાનો ઇસ્લામી રાજવટનો દાવો બાંગ્લાદેશની સરકારે નકારી કાઢ્યો છે અને તેમાં હણાયેલા ત્રાસવાદીઓ બધા બાંગ્લાદેશીઓ જ છે અને સ્થાનિક જમાત સાથે જોડાયેલા છે.
સીરિયામાં સ્થપાયેલી ઇસ્લામી રાજવટે ઇરાક પર કરેલી ચડાઈ નિષ્ફળ નીવડી છે અને ઇરાકની સંસદ સરકાર સામે તેમણે પીછેહઠ કરવી પડી છે. દુનિયાભરમાં વધી પડેલી ત્રાસવાદી પ્રવૃત્તિ તે હોલવાઈ રહેલા હુતાશનનો છેલ્લો ભડકો છે તેવું અર્થઘટન પણ કરવામાં આવ્યું છે, તેથી ત્રાસવાદી હલ્લાઓમાં થયેલો વધારો તાકાતની નિશાની છે અથવા નબળાઈનું પરિણામ છે તેવા પરસ્પર વિરોધી અર્થ કાઢી શકાય છે.
ઇસ્લામી રાજવટ અને અલ કાયદાની કાર્યવાહીમાં અતિશય મહત્ત્વનો તફાવત વિસારે પાડવામાં આવે છે. અલકાયદા અને તેના આગેવાન ઓસામા બિન લાદેને કરેલા આયોજનની સંખ્યા ઓછી અને તેમાં દુશ્મનોની ખુવારી ઘણી વધારે થતી. અમેરિકા પર એકસામટી બે જગ્યાએ આત્મઘાતી વિમાન હુમલો થયો તેમાં સામટા 3000થી વધારે લોકો માર્યા ગયા. ઇસ્લામી રાજવટે અલગ અલગ દેશોમાં કરેલા હુમલાઓની સંખ્યા વધારે છે, પણ તેમાં થયેલી ખુવારીનો કુલ આંકડો હજુ હજારથી વધ્યો નથી.
બિન લાદેન હણાયા પછી અલ કાયદાનું માળખું, તેનાં સાધનો, ભંડોળ અને લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયો છે. જ્યાં ત્રાસવાદી હલ્લાઓ થયા તે પોતે કરાવેલા છે તેવા અલ કાયદાનો દાવો મોટા ભાગે પોકળ હોય છે. ઓસામાએ પોતાના મુખ્ય દુશ્મન અમેરિકા અને અમેરિકન રાજદૂતો પર નિશાન સાધ્યું, પણ ઇસ્લામી રાજવટ યુરોપ-અમેરિકા સામે લડે છે તેટલા જ બલકે તેનાથી પણ વધારે ઝનૂનથી શિયા સંપ્રદાયવાદી મુસલમાનો સામે લડે છે. આનું એક કારણ એ પણ છે કે ઇસ્લામી રાજવટને ઇરાક પર કબજો જમાવવો છે જ્યારે ઓસામાએ કોઈ દેશને કબજામાં રાખવાની રાજકીય મહત્ત્વાકાંક્ષા દર્શાવી નહોતી.
બીજી રીતે કહીએ તો અલ કાયદાની જેહાદ ધાર્મિક જેહાદ હતી. ઓસામાએ ઇસ્લામની શાંતિપ્રિયતા સ્વીકારી નથી, પણ મહમ્મદ પયગંબર સાહેબની શાંતિપ્રિયતા તેમના સાથીઓએ પણ કબૂલ રાખી નથી અને પયગંબર સાહેબ જન્નતનસીન થયા પછી માત્ર બે વરસ પછી ઇસ્લામની લશ્કરી વિજયયાત્રા શરૂ થઈ, પણ અલ કાયદાએ જે કંઈ કર્યું તે પોતાનો ધર્મ સમજીને કર્યું. મુસ્લિમ કોમ (ઉમ્મા)ના હિતની રક્ષા માટે કર્યું. ઓસામા બિન લાદેને રાજકીય સત્તા મેળવવા કે ટકાવવા માટે જેહાદનો આશરો લીધો નથી. યુરોપ અમેરિકાના વિદ્વાનો ઓસામાને જે રીતે અને જેટલા પ્રમાણમાં વગોવે છે તે પૂરેપૂરું સ્વીકારી લેવા જેવું નથી.
ઇસ્લામી રાજવટની સ્થાપના જ રાજકીય હેતુસર થઈ છે. આ સંસ્થા ચુસ્ત ધાર્મિક અભિગમ અપનાવે છે. શરીયતના તમામ નિયમોનું અક્ષરશ: અને સતત પાલન કરવાનો આગ્રહ રાખે છે, પણ તેમનો હેતુ રાજકીય છે. અલ કાયદાએ કોઈ મુસ્લિમ દેશોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી નથી. ઇસ્લામી રાજવટે છેલ્લા છ મહિનામાં જે હલ્લાઓનું આયોજન કર્યું, તે બધાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશો છે. તુર્કીથી માંડીને ઢાકા સુધીના હલ્લાઓ મુસ્લિમ દેશોમાં થયા છે.
વધારે ખરાબ વાત એ છે કે આ હલ્લાઓ પવિત્ર રમજાન માસમાં થયા છે. આ ઇબાદતનો મહિનો છે. મુસ્લિમ સત્તા અને સંસ્કૃતિ દુનિયામાં સરટોચ પર હતી ત્યારે પરંપરા એવી હતી કે બે મુસ્લિમ દેશો વચ્ચે લડાઈ ચાલતી હોય તો તે પણ રમજાન દરમિયાન તહકૂબ રાખવામાં આવે. રમજાનમાં બંને પક્ષો શાંતિ જાળવે. ખલીફા યજીદે હુસૈન સાથેના યુદ્ધમાં આ પરંપરા જાળવી નહીં તેથી તેની નીંદા કરવામાં આવે છે. ઇસ્લામી પરંપરાના ઠેકેદાર હોવાનો દાવો કરનાર ઇસ્લામી રાજવટે આ પરંપરા જાળવી નથી.
ઇસ્લામ અને ઇસ્લામી દેશોના શત્રુ ગણાતા અમેરિકા સામે શરૂ થયેલી આ જેહાદ હવે મુસ્લિમ સંપ્રદાયો વચ્ચેનો આંતર વિગ્રહ બની ગયો છે. શિયા અને સુન્નીઓ વચ્ચેનું સદીઓ જૂનું વૈમનસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે અને શિયા સંપ્રદાયના લોકો અને ધર્મસ્થાનોને ઉદ્્ધ્વસ્ત કરવાના ઝનૂનમાં મહમ્મદ સાહેબના જીવન સાથે જોડાયેલા અતિ પવિત્ર શહેર મદીના પણ ત્રાસવાદી આતંકમાંથી બાકાત રહ્યું નથી. મક્કા તે જમાનામાં અને આજે પણ ઇસ્લામનું સૌથી વધારે પવિત્ર ધર્મસ્થાન છે, પણ મક્કાએ તો હઝરત મહમ્મદ પયગંબર સાહેબને હિજરત કરવી પડે તેવી સ્થિતિ પેદા કરી ત્યારે થોડે દૂર આવેલા પથરીલા કસ્બામાં પયગંબરે નિવાસ કર્યાે અને આ શહેર નબીનું નિવાસસ્થાન કહેવાયું અને મદીના કહેવાયું.
આ શહેરની પવિત્રતા અને શાંતિમાં ખલેલ પડે તો દરેક મજહબી મુસલમાનનું દિલ દુખાય. ઇસ્તંબુલ, ઢાકા, બગદાદ, મદીના અને હવે યમનના એડન શહેરમાં થયેલા ધમસાણમાં પરદેશીઓ અને અમેરિકન દુતાવાસ પર હલ્લા થયા છે, પણ તેના ફટકા તો મુસ્લિમ રાષ્ટ્રોએ અને મુસ્લિમ રાજકર્તાઓએ ભોગવવા પડશે. સતત ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિના કારણે સીરિયાથી અને અન્ય મુસ્લિમ દેશોમાંથી ભાગી છૂટેલ નિરાશ્રિતોને આશ્રય આપવાની બાબતમાં યુરોપિય સંઘમાં જોડાયેલાં રાજ્યો આનાકાની કરી રહ્યાં છે.
આતંકવાદ જેહાદ નથી અને યુદ્ધ પણ નથી, કારણ કે તેમાં જેહાદની પવિત્રતા અને યુદ્ધના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. પહેલી નજરે યુદ્ધ માત્ર પશુબળનો પ્રયોગ છે અને બંદૂકો બોલે ત્યારે કાયદાએ ચૂપ થઈ જવું પડે છે, પણ યુદ્ધના નિયમો હોય છે અને ગમે તેવા ભીષણ યુદ્ધમાં પણ આ નિયમો પાળવામાં આવે છે.
શરણે આવેલા દુશ્મન સૈનિકોને હણી શકાય નહીં. તેમને ત્રાસ આપી શકાય નહીં. બંદીવાન બનાવેલા આ સૈનિકો ભાગી છૂટવાનો હક્ક ધરાવે છે. ઇસ્પિતાલો, અનાથાશ્રમો પર બોમ્બ ફેંકી શકાય નહીં. ઝેરી ગેસ કે જીવાણું શસ્ત્રો વાપરી શકાય નહીં અને એકબીજાના પ્રતિનિધિઓને અથવા તટસ્થ રાજ્યોના નાગરિકો કે માલમિલકતને નુકસાન પહોંચાડી શકાય નહીં. યુદ્ધના નિયમોની યાદી ઘણી લાંબી છે અને તેનો અનાદર કરનારને વોર ક્રાઇમ માટે તકસીરવાર ઠરાવીને આંતરરાષ્ટ્રીય અદાલત સજા કરી શકે છે. ત્રાસવાદમાં આવી કશી આચારસંહિતા પાળવામાં આવતી નથી, તેથી આતંકવાદ તે નરી જોરતલબી છે, નર્યો સંહાર છે.
|
નવજોતસિંહ સિદ્ધુ. માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર. બોલવામાં ચપચપ બોલે. અંગ્રેજી ને હિન્દીમાં પ્રભુત્વ. કોણ જાણે કેમ એને કોમેડી કાર્યક્રમ ‘લાફ્ટર ચેલેન્જ’ના નિર્ણાયક બનવાનું આવ્યું જેમાં એણે મોટેથી હસવા અને ‘ઠોકો તાલી’ સિવાય કંઈ કરવાનું નહોતું.રાજકારણમાં તેનો ઉપયોગ ડાયરા અને મહેશનરેશ પાર્ટીમાં મુખ્ય વક્તા બોલે કે મુખ્ય ગાયકો ગાય તે પહેલાં કોમેડિયન ટાઇમ પાસ કરાવવા આવે તેનાથી વિશેષ નહોતો. એ કંઈ મધુસૂદન મિસ્ત્રી, ગુરુદાસ કામત કે યોગેન્દ્ર યાદવ જેવા રણનીતિકાર નથી. કે એના જવાથી ભાજપ માટે આભ તૂટી પડે.
કપિલ શર્માના શૉમાં તાજેતરમાં જ (૨ જુલાઈએ) એમનાં પત્નીને ગેસ્ટ બનાવવામાં આવ્યાં ત્યારથી જ કંઈક રંધાતું હોવાની ગંધ આવી હતી.
બે વાત છે: (1) પહેલી મિડિયાની. મિડિયા માટે ભાજપમાંથી છગન, મગન કે ચમન કોઈ વિરુદ્ધ બોલે કે પક્ષ છોડે એ મુખ્ય સમાચાર છે.
કૉંગ્રેસના પૂર્વ કાયદા પ્રધાન હંસરાજ ભારદ્વાજે ઘણા ઘટસ્ફોટ કર્યા. માર્ગારેટ આલ્વાએ તો ઑગસ્ટા વેસ્ટલેન્ડના વચેટિયા સાથે સંજય ગાંધીના સમયથી સંબંધ હોવાનું જાહેર કર્યું. અજિત જોગીએ પક્ષ છોડ્યો. આમ આદમી પાર્ટીના નેતાએ કુરાનના પાના ફાડી પંજાબમાં સાંપ્રદાયિક તણાવ સર્જવા પ્રયાસ કર્યો. આપના ઘોષણાપત્રમાં સુવર્ણમંદિરની તસવીર સાથે ઝાડુ મૂકાયાનો વિવાદ થયો. દિલ્લીમાં ‘આપ’ના એક ધારાસભ્યએ એક બિલ્ડર પાસેથી 15 લાખની ખંડણી માગી. બિલ્ડરે ના પાડતા એની ધારાસભ્યના સમર્થકોએ ધોલધપાટ કરી. કેજરીવાલે 200 કરોડમાં પીઆર એજન્સી રાખી.
પણ મિડિયાએ આ સમાચારો કાં તો છાપ્યા જ નહીં અથવા અંદર ક્યાંક સિંગલ કૉલમમાં છાપ્યા.
(2) મિડિયા તો એનું કામ કરે પણ ભાજપના નેતાઓ શું કરે છે? મિડિયાને ગણકારતા નથી.પોતાનું મિડિયા બનાવવું નથી. જે મિડિયા ને પત્રકારો પોતાના છે એમને સાચવવા નથી ને સુધીન્દ્ર કુલકર્ણી તેમજ એમ. જે. અકબર ને માથે ચડાવવા છે. ભાજપના નેતાઓ વિપક્ષમાં હતા ત્યારે પાકિસ્તાન-કાશ્મીર અંગે જે રાજકુમાર શૈલીમાં ડાયલૉગબાજી કરતા હતા તે હવે કેસ્ટો મુખર્જી શૈલીમાં બોલી રહ્યા છે. બધે રણનીતિ ઉલટી પડી રહી છે. દિલ્લી અને બિહારમાં ઊંધેકાંધ પડ્યા. ઉત્તરપ્રદેશ, પંજાબમાં હાર પાકી છે. ગુજરાતમાં છે એટલી બેઠકો જાળવવી મુશ્કેલ છે પણ અહીં ‘ટિના’ ફેક્ટર છે અને પ્રજા શાણી છે. ઓછા ખરાબને પસંદ કરી જાણે છે. ઉત્તરાખંડ હોય કે અરુણાચલ, કૉંગ્રેસની જેમ મોટા ઉપાડે સરકાર ઉથલાવવા ગયા પણ ભૂલી ગયા કે ન્યાયતંત્રમાં કૉંગ્રેસ પ્રેરિત ન્યાયાધીશો બેઠા છે. ગુજરાતમાં સુરેશ મહેતાના નેતૃત્વવાળી ભાજપ સરકાર હતી ત્યારે કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં માઇક ફેંક્યા તેના પરથી રાજ્યપાલના રિપોર્ટ પરથી વિધાનસભાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
મૂળ વાત સિદ્ધુની હતી. પહેલાં શત્રુઘ્ન હવે સિદ્ધુ દુઃખી થઈ ગયા. આમ ને આમ પક્ષના નેતાઓ દુ:ખી થઈ નિષ્ક્રિય બની જાય કે પક્ષ છોડે એ સારું નથી. ભાજપ નેતાઓ પહેલેથી અહંકારી રહ્યા છે. પોતાનાને સાચવે નહીં. એની અવગણના કરે. શંકરસિંહ વાઘેલા જેવા સક્ષમ નેતા જાય ત્યારે એની ખૂબ બદનામી કરાય. એવા હાલ કરાય કે પેલી વ્યક્તિ ક્યારેય પાછા ફરવાનું ન વિચારે. આની સામે કૉંગ્રેસના આયાતીઓને માથે બેસાડે. પરિણામ એ આવે કે ન ઘરના ન ઘાટના એવી સ્થિતિ થાય. એટલે મિડિયાવિરોધ અને ભાજપના નેતાઓના અહં બ્રહ્માસ્મિના મિજાજને જોતાં આજના હાલે 2019માં મોદી ફરી વડાપ્રધાન બને તો ચમત્કાર ગણવો. જોકે હજુ ત્રણ વર્ષ છે સુધરવા માટે.