જીવનનાં મૂલ્યો શીખવશે કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ
‘અરે શું મમ્મી ! આમ તો ઘણું આવડતું હતું, પણ બે પ્રશ્નો એવા પૂછી નાખ્યા હતાં કે તે આવડ્યાં નહીં… ગઈ વખતે તે પૂછાયા હતાં અને એટલે અમે બધાએ એમ માન્યું હતું કે આ વખતે કંઈ એ પ્રશ્નો ફરી નહીં પૂછાય અને વળી સાહેબે પણ એવું જ કહ્યું હતું કે ‘એની પર બહુ ધ્યાન નહીં આપો તો ચાલશે.’ એટલે તો મેં વળી એ સાવ જ નહોતું વાંચ્યું. એમાંથી જ પૂરા બે પ્રશ્નો પૂછાયા મને તો પેપર જોઈને જ એવી ચિંતા થઈ…. પહેલી દસ મિનિટ તો સમજ જ ન પડી કે શું કરવું. જરા ગભરાઈ પણ ગઈ…. પણ પછી પાણી મંગાવ્યું ને પછી આવડતા હતા તે પ્રશ્નો લખવા માંડ્યા….’‘તે બધાંને જ એવું થયું હશે ને ?’
‘હા મમ્મી, થોડું ઘણું તો એવું ખરું જ પણ અમારા કલાસમાં તો બધાં એટલી ચોરીઓ કરે છે કે ન પૂછો વાત….’
‘કેમ ચોરી કેવી રીતે કરે ? સુપરવાઈઝર ન હોય ?’
‘અરે ! જવા દે ને વાત… મમ્મી…. સુપરવાઈઝરને તે વળી શું પડી હોય ? ક્યાં વર્ગની બહાર છેક બારણા આગળ જઈને ઊભા ઊભા બહાર શું થાય છે તે જોતાં હોય…. સપ્લીમેન્ટરી જોઈતી હોય અને કેટલીય વખત બેન્ચ પર ઠકઠક કરીએ ત્યારે માંડ સાંભળે ને તેય સપ્લીમેન્ટરી આપવા અંદર આવે તો આવે ને નહીં તો કહે કે જાતે ઊભા થઈને લઈ લો.’
‘શું વાત કરે છે ? ચાલુ પરીક્ષાએ તમારે ઊભા થઈને સપ્લીમેન્ટરી લેવાની ? સમય ન બગડે ? અમે ભણતાં હતાં તો એક વખત બેઠાં તે બેઠાં. પછી ન જરા ખસીએ કે ન વાત કરીએ ને તોય હંમેશાં મને ટાઈમ ખૂટે… એટલું બધું લખવાનું હોય… હવેની પરીક્ષાઓ તો કંઈક જુદી જ થઈ ગઈ છે !’
‘અરે મમ્મી, તું આવીને જુએ તો તને ખબર પડે… પેલો કેયૂર, ખિસ્સામાંથી વારાફરતી કાપલીઓ કાઢતો જાય અને લખતો જાય…. સુપરવાઈઝર વર્ગમાં હાજર રહે તો તેમને ખબર પડે ને ! અને એની પાછળ બેઠેલી નિકિતા, કેયૂર લખી લખીને સપ્લીમેન્ટરી નીચેની પાટલી પર મૂકે એટલે એમાં જોઈને નિકિતા ધડાધડ પેપર લખ્યે જ જાય…. પકડાવાની કંઈ ચિંતા વિના જ…. બિન્દાસ થઈ તે કોપી કરતી હતી…. હું એની પાછળ હતી, મેં પણ કીધું, તું લખીને સપ્લીમેન્ટરી મૂકતી જા ને, કેયૂરની જેમ ! તો એણે શું કહ્યું ખબર છે ? “હું પકડાઈ ન જાઉં ?” – કેયૂરમાંથી કોપી કરતાં એને પકડાવાની બીક નથી લાગતી અને મને લખવાનું જોવા દેતાં એને બીક લાગે છે. ને મેં જરા ઊંચા થઈને જોવાનો પ્રયત્ન કર્યો તો આખા પેપર ઉપર એવો તો હાથ ઢાંકી દીધો…. ચાંપલી નહીં તો, સાવ કંજૂસ છે એ તો, થોડું એનામાંથી જોઉં તો એમાં એના માર્ક્સ કંઈ ઓછા ઘટી જવાના હતા ! બહુ હોશિયાર ન જોઈ હોય તો !’
‘નિકિતાય ખરી છે ને ! એટલું જોવા દે એમાં શું ફેર પડે ?…. પરીક્ષામાં નંબરે ય કોણ જાણે એવો આવી જાય છે કે ક્યારેક બધી બાજુથી તકલીફ પડી જાય છે. કોઈનું કંઈ ભલું થતું હોય તો એમાં શું વાંધો ?’ નિમિત્તાના મમ્મીએ પણ નિમિત્તાને સાથ આપ્યો ને મને આશ્ચર્ય થયું !
દિવસે દિવસે આપણાં મૂલ્યો કેટલા બદલાતાં જાય છે !…. મને બરાબર યાદ છે. મારો નાનો ભાઈ રૂચિર, તેને ચાર પાંચ વર્ષ પહેલાં પરીક્ષા હતી. એ અંગ્રેજી મિડિયમમાં ભણતો હતો ને પ્રશ્નપત્રમાં કંઈક પ્રાર્થના પૂછાયેલી જે તેમને શિખવાડેલી નહીં. પણ કેટલીક સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવવામાં આવતી હતી. એટલે થોડાંક છોકરાંઓએ તો તે ધડાધડ લખવા માંડી, એમાં જોઈને વર્ગનાં બીજા કેટલાંક છોકરાંઓએ પણ તે લખી નાંખી.
‘સર તો કંઈ જ બોલે નહીં. મમ્મી સાચું કહું ? ત્યારે મને પણ થયું કે હુંય શું કામ ન લખું ? આટલા માર્ક્સ નકામા શું કામ જવા દઉં ?’ રૂચિરે કર્યું, ‘પણ ત્યાં તો મમ્મી મને તારું મોં દેખાયું ને હું એકદમ અટકી ગયો. ભલે ઓછા માર્ક્સ આવે, પણ હું ચોરી નહીં જ કરું.’ એવો મનોમન નિશ્ચય કર્યો, ‘મમ્મી મને મનમાં ડર તો છે જ કે ઓછા માર્ક્સ આવશે, પણ તો પછી હું શું કરું મમ્મી ? અમારા બેન તો વર્ગમાં કંઈ પણ ધ્યાન આપતાં જ નથી. બધું આવું જ ચાલતું હોય છે. મનેય બહુ મન થઈ જાય છે, મમ્મી.’
‘બેટા ! તું ચિંતા ન કર, ભલે ઓછા માર્ક્સ આવે…. એમ ચોરી કરીને વધુ માર્ક્સ આવે એનો શો અર્થ છે ? આપણને એવું ન પોસાય…. ચોરી તો કરવાની જ નહીં…. આપણને આવડતું ન હોય, આપણે પૂરી મહેનત ન કરી હોય ને એમ બીજામાં જોઈને લખીએ એટલે આપણા મનને ખોટો સંતોષ થાય કે કાંઈ નહીં બધું લખ્યું તો છે ને ! અને વળી વધુ માર્ક્સ આવે એટલે આપણે નિશ્ચિત બની જઈએ અને એટલે આપણો અભ્યાસ કાયમ કાચો રહી જાય….. મનને એવો ખોટો સંતોષ આપવાથી સૌથી મોટું નુકશાન તો આપણને પોતાને જ થાય છે, એમાં બીજાને એનો મોટો ગેરલાભ થતો નથી, બેટા !’ રૂચિરને તેની માએ વહાલથી માથે હાથ ફેરવી શિખામણ આપી. રિઝલ્ટ આવ્યું. રૂચિરને ઓછા માર્ક્સ આવ્યા તેનું દુ:ખ ચોક્કસ થયું, પણ તેણે ખોટું કામ નહોતું કર્યું. પરીક્ષામાં ગેરરીતિ આચરી ન હતી, તેનો તેના મનમાં સંતોષ હતો. તેનામાં આત્મવિશ્વાસ હતો. તેના જીવનનું એ જ સાચું ઘડતર હતું, પણ આજે આવા વિદ્યાર્થીઓ કેટલા ? પરીક્ષાના માર્ક્સને જ ફક્ત પારાશીશી તરીકે અવગણીને સંતાનના ઘડતરને જ વધુ મહત્વ આપનાર માબાપ કેટલા ?
આજે તો ચારેકોર અનીતિનો એટલો બધો પવન ફૂંકાયો છે કે વિદ્યાર્થીમાં સત્યનિષ્ઠા અને જીવનના આવા મહામૂલાં મૂલ્યોને જાળવી રાખવા એ પણ બહુ કપરું કામ છે. માબાપ પણ યેનકેન પ્રકારેણ વધારે માર્ક્સ કેમ આવે તે માટે સંતાનને પ્રેરણા આપતા હોય છે. ‘એમાં શું ? બાજુવાળી છોકરી જોવા ન દે ? કંજૂસ નહીં તો… એમ થોડું જોવા દે ને લખવા દે તો એમાં એનું બગડી જવાનું હતું ?’ આવી શિખામણ અને દોરવણી આપતાં માબાપોને હું જોઉં છું ને મનોમન ધ્રૂજી ઊઠું છું. હે ભગવાન ! આ નવી પેઢીનું શું થશે ? જેનો તમને અધિકાર નથી એ યેનકેન પ્રકારેણ મેળવનાર ચારેકોર આજે પથરાઈને પડ્યા છે અને એટલે જ એ સિદ્ધિની આજે કિંમત કેટલી ? સાધના વિના સિદ્ધિ હોય જ કેવી રીતે ? પણ આજે તો એવું વિચારવાનું જ ક્યાં છે ? મનમાં જે ધાર્યું તે થવું જ જોઈએ.
પેપર ખરાબ ગયું છે ?…. તે વાંચ્યું નહીં, મહેનત ન કરી એટલે હવે એ ફળ તો તારે ભોગવવું પડશે જ ને ! એવું કહેતાં આજે માબાપ જોવા મળે છે ખરા ? ‘પરિશ્રમ એ જ પારસમણિ’નો પાઠ શીખવનાર આજે માબાપ કેટલા જોવા મળે છે ? ઉપરથી બાળક આવી ફરિયાદ કરે, ત્યારે બીજું ચક્કર ચાલુ કરી દે છે. પેપર ક્યાં તપાસવા ગયું છે… પાછલે બારણેથી માર્ક્સ કેવી રીતે વધારવા તેનાં પૂરજોશમાં પ્રયત્નો ચાલુ કરી દે છે. ‘કંઈ નહીં બેટા ! ચિંતા ન કરીશ એ તો આપણે બધું બરાબર કરી દઈશું…. તારા બાપ પાસે પૈસા છે, ફિકર શું કરે છે ? પૈસાથી આ દુનિયામાં બધુંય થાય છે.’ કહી એ પોતાનાં જ સંતાનને ઊંઘા પાટે ચડાવે છે.
એના જ સંતાનની કર્તવ્યનિષ્ઠા તો તૂટે જ છે, પણ સાથે પ્રમાણિકતા પણ નષ્ટ થાય છે. પરીક્ષાનાં વધારે માર્ક્સની ઘેલછા પાછળ ધમપછાડા કરતાં આવાં માબાપો તેમના જ સંતાનોમાં જીવનનાં મૂલ્યોને અડફેટે ચડાવીને પોતાનાં જ પગ પર કુહાડો મારે છે. એ જ સંતાનો ભવિષ્યમાં તેના પોતા માટે પણ પછી એવી અપ્રમાણિકતા આચરતા અટકાવ્યા અટકતાં નથી ને ત્યારે માબાપને માટે પશ્ચાતાપના અગ્નિમાં શેકાયા કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી ને ત્યારે બહુ મોડે તેમને સમજાય છે કે આ તો ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં….’ પણ બાજી હાથથી ગયા પછી શું ? નવી પેઢીના આવા ઘડતર માટે આપણે પોતે જ આમ અવરોધ બનીને ઊભા રહી જઈએ તો કોઈ બીજું શું કરી શકે !!!




















































