Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 July 2015

વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વિશાલ ડડલાણી એવા જૂજ લોકોમાં આવે છે જે બહુમુખી પ્રતિભા કહેવાય. સંગીતકાર એ તેની મુખ્ય ઓળખ, શેખર રાવજિયાણી સાથે તેણે વિશાલ-શેખર તરીકે બનાવી છે, પણ છેલ્લા કેટલાય સમયથી તે સ્વતંત્ર રીતે પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે. ગાયક તરીકે પણ તે સફળ છે. તે સારો ગીતકાર પણ છે. આજકાલની ભાષામાં જેને એક્ટિવિસ્ટ કહેવાય તે પણ છે. પરંતુ તે પોલિટિકલ એક્ટિવિસ્ટ છે. તે આમ આદમી પાર્ટીનો ચુસ્ત ટેકેદાર છે. ટ્વિટર પર તે ખૂબ જ સક્રિય છે અને તેનું ટ્વિટ વિવાદ પણ સર્જી ચુક્યું છે. ટીવીના સંગીત શોમાં નિર્ણાયકો તરીકે પણ આવતો રહ્યો છે. હાલમાં તે ‘ઇન્ડિયન આઇડોલ જુનિયર’માં તે નિર્ણાયક તરીકે દેખાઈ રહ્યો છે.
મુંબઈમાં તા. ૨૮ જૂન, ૧૯૭૩ના રોજ જન્મેલા વિશાલ ડડલાણીનું કુટુંબ સિંધથી આવેલું છે અને તેના પિતા બિલ્ડર છે. તેને એક બહેન છે. તેનાં માતાપિતા જબરા સંગીતપ્રેમી હતાં. વિશાલને જે પ્રકારનું  સંગીત સાંભળવું હોય તે સાંભળવાની છૂટ હતી. તે વૂડસ્ટોક આલબમથી માંડીને જગજીતસિંહ અને ડિસ્કો એમ તમામ પ્રકારનું સંગીત સાંભળતો. ઘરમાં તમામ સુખ હતાં, પરંતુ વિશાલ નાનપણથી જ ગુસ્સાવાળો હતો. કૉલેજમાં તે ગુંડા જેવો હતો. પરંતુ તેને ગિટાર વગાડવાથી ખૂબ જ શાંતિ અને મજા મળતાં હતાં. વિશાલે સંગીતમાં જ કારકિર્દી બનાવવાનો  વિચાર કરી લીધો. પિતાને વાત કરી, પિતાએ કહ્યું, “તને લાગે છે કે તને સંગીત ફાવે છે?” વિશાલે કહ્યું, “હા, મને લાગે છે.” પિતાએ લીલી ઝંડી આપી દીધી. કોઈ દબાણ ન કર્યું કે પોતાની જેમ તેનો દીકરો પણ બિલ્ડિંગ લાઇનમાં આવે.
વિશાલે તેના ત્રણેક મિત્રો સાથે ૧૯૯૩ કે ૯૪માં પેન્ટાગ્રામ નામનું સંગીત બેન્ડ બનાવ્યું હતું. તેની સાથે રણડોલ્ફ કોરૈયા (ગિટાર), ક્લાઇડ ડીસોઝા (ગિટાર), પાપલ માને (બાસ) અને શિરાઝ ભટ્ટાચાર્ય (ડ્રમ) હતા. એક શોમાં ડડલાણી અને શિરાઝ ભટ્ટાચાર્યની મુલાકાત થઈ હતી. એ વખતે તે નોસ્ટાલ્જિયા નામના બેન્ડમાં હતો. એ શોમાં ડડલાણી બાસ પર હતો અને શેખર રાવજિયાની કી બોર્ડ પર. આ મુલાકાત પેન્ટાગ્રામ નામનું બેન્ડ બનાવવામાં પરિણમી. ૧૯૯૬માં તેમનું પહેલું આલબમ આવ્યું ‘વી આર નોટ લિસનિંગ’. ૧૯૯૯માં શિરાઝે વિશાલની મુલાકાત ‘પ્યાર મેં કભી કભી’ના નિર્દેશક રાજ કૌશલ સાથે કરાવી ત્યારથી વિશાલની બોલિવૂડ કારકિર્દી શરૂ થઈ.
જરા અટપટી લાગે તેવી વાત છે, પરંતુ શેખરે પોતે કહેલી છે તેથી માનવી પડે તેમ છે. વિશાલ-શેખર હતા તો બાળપણના મિત્ર, પરંતુ તેમને ‘પ્યાર મેં કભી કભી’ અલગ-અલગ મળી હતી. (વિશાલે ઇન્ડિયા ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે બંનેની મૈત્રી ‘પ્યાર મેં કભી કભી’ના પાંચ વર્ષ પહેલાં જ થઈ હતી) ૧૯૯૮માં ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ફિલ્મથી ફિલ્મમાં બે કે ત્રણ સંગીતકાર હોય તેવો દૌર શરૂ થયો હતો. ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં જતીન-લલિત, હિમેશ રેશમિયા અને સાજીદ-વાજીદનું સંગીત હતું. એટલે ‘પ્યાર મેં કભી કભી’માં બે ગીત શેખરે કરવાના હતા તો બે ગીત વિશાલને કરવાનાં હતાં. બંનેને ખબર પડી કે તેઓ એક જ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે એટલે ફિલ્મનું છેલ્લું ગીત બંનેએ ભેગા મળીને કર્યું. આમ બની વિશાલ-શેખરની જોડી.
પહેલી ફિલ્મ ખાસ ચાલી નહીં, પરંતુ તેનાં ગીતો ઘણાં ચાલ્યા. ‘મુસુ મુસુ હાશી’ ગીત તો નેપાળી બેન્ડનું કોપી કેટ ગીત હતું પરંતુ લોકપ્રિય ઘણું બન્યું. શાને ગાયેલું આ ગીત ઉપરાંત બીજું ગીત ‘વો પહેલી બાર જબ હમ મિલે’ પણ ખૂબ ચાલ્યું.
વિશાલ-શેખરની બીજી ફિલ્મ ‘ઝંકાર બીટ્સ’ ચાર વર્ષ પછી એટલે કે ઈ. સ. ૨૦૦૩માં આવી. પરંતુ તેના નિર્દેશક સુજોય ઘોષ સાથે તે અગાઉ જ મિત્રતા થઈ ગઈ હતી. ત્રણેય સાથે ફરતા હતા. આમ, વિશાલ-શેખરે કામ ૨૦મી સદીમાં શરૂ કર્યું, પરંતુ તેની ગતિ ૨૧મી સદીમાં વધી. ‘ઝંકાર બીટ્સ’માં સંગીતકાર આર. ડી. બર્મનને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ ફિલ્મથી જ વિશાલ ગાવા લાગ્યો. તેનું શાને ગાયેલું ગીત ‘તેરા મુસ્કુરાના’, ‘દિલ ને તુમ કો ચુન લિયા હૈ’,  કેકેએ ગાયેલું ગીત ‘તૂ હૈ આસમાં મેં’, સુદેશ ભોસલેએ આર. ડી. સ્ટાઇલમાં ગાયેલું શીર્ષક ગીત, આર. ડી. વિશે શબ્દશઃ શ્રદ્ધાંજલિ આપતું અને તેમની જીવનકથા ટૂંકમાં કહેતું ગીત ‘બોસ કૌન થા માલૂમ હૈ ક્યા’ બધાં એક એકથી ચડિયાતાં હતાં, પરંતુ શાને ગાયેલાં પ્રથમ બે ગીતો અને કેકેનું ગીત આજે પણ લોકપ્રિય છે.
તે પછી તો બસ, વિશાલ-શેખરની જોડી જામી ગઈ. બંનેએ ‘દસ’, ‘બ્લફમાસ્ટર’,  ‘સલામનમસ્તે’, ‘ટેક્સી નં. ૯૨૧૧’, ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રા. લિ.’, ‘ગોલમાલ’, ‘ઓમ્ શાંતિ ઓમ્’, ‘દોસ્તાના’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘ચેન્નાઈ એક્સ્પ્રેસ’, , ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘હેપ્પી ન્યૂ યર’ જેવી સફળ ફિલ્મોમાં સંગીત આપ્યું.
વિશાલ ગાયક કઈ રીતે બન્યો તેની પાછળની વાત મજેદાર છે. આમ તો તે નાનો હતો ત્યારે શાળામાં શિક્ષક બધાને વારાફરતી ગાવા ઊભા કરતા ત્યારે બીજા સહાધ્યાયીઓને સાંભળીને વિશાલને લાગતું કે તે ઘણું સારું ગાઈ શકે છે. વિશાલ-શેખરનું બેન્ડ ચાલતું હતું, ત્યારે એક કાર્યક્રમના રિહર્સલમાં એક જણ બહુ ખરાબ ગાતો હતો અને વિશાલે તેને મોઢામોઢ કહી દીધું. આથી પેલાએ કહ્યું, “તો શું તું મારા કરતાં વધુ સારું ગાઈ શકે?” વિશાલ કહે, “હા બિલકુલ” અને આમ, વિશાલ ગાયક બન્યો.
વિશાલે પોતાના સંગીતમાં તો ગીતો ગાયાં જ છે, પરંતુ હરીફ સંગીતકારોના નિર્દેશનમાં પણ ગીતો ગાયાં જેમ કે શંકર-અહેસાન-લોયના સંગીતમાં ‘જમે રહો’ (તારે ઝમીં પર), વિશાલ ભારદ્વાજના સંગીતમાં ‘ઢેનટેણન’ (કમીને), અમિત ત્રિવેદીના સંગીતમાં ‘હુઆ છોકરા જવાં રે’ (ઈશકઝાદે), પ્રીતમના સંગીતમાં ‘બલમ પિચકારી’ (યે જવાની હૈ દીવાની) તેમજ ‘ટીવી પે બ્રેકિંગ ન્યૂઝ ઘાઘરા’, સચીન-જિગરના સંગીતમાં ‘ભંવરા બગિયન મેં ખો ગયા’ (ક્યા સુપર કૂલ હૈં હમ) અને ‘સેલ્ફી લે લે રે’ (બજરંગી ભાઈજાન) ગાયાં છે. જ્યારે કટ્ટર હરીફાઈ હોય અને હિન્દી ફિલ્મોદ્યોગમાં બધા સ્વાર્થનાં સંબંધો રાખતા હોય ત્યારે સંગીતકાર તરીકે પણ કામ કરવું અને સાથે પોતાના હરીફ સંગીતકારના નિર્દેશનમાં ગાવું એ વિશાલ ડડલાણીએ કરી બતાવ્યું છે. જોકે સામે શંકર-અહેસાન-લોય પૈકી શંકર મહાદેવને પણ વિશાલ-શેખર માટે ગીત (દેસી ગર્લ, ફિલ્મ: દોસ્તાના) ગાયું છે, અહેસાને વિશાલ-શેખર માટે ગિટાર વગાડ્યું છે. વિશાલે મરાઠી, કન્નડ અને તમિલ ભાષામાં પણ ગીતો ગાયાં છે.
વિશાલ-શેખરની કામ કરવાની રીત આવી છે.  તેઓ બંને ફિલ્મની વાર્તા સાથે સાંભળે છે. વાર્તા સાંભળી લીધા પછી તેનાં ગીતો પર કામ કરવાનું શરૂ કરે. પાંચ-છ ધૂનો બનાવે. શેખર કીબોર્ડ વગાડે જ્યારે વિશાલ ગિટાર. તેમાંથી જે ધૂન બંનેને પસંદ પડે તેને રાખે અને બાકીની ફગાવી દે. મોટા ભાગે પહેલાં તેઓ ધૂન રચી નાખે, તેમાં શબ્દો બાદમાં પૂરાય.  વિશાલ-શેખર એક સમયે એક ફિલ્મ પર કામ કરવાનું જ પસંદ કરે છે. તેથી સામાન્ય રીતે  વર્ષમાં પાંચથી છ ફિલ્મો જ કરે છે.
વિશાલ પોતાની જાતને બહુ પ્રેમ કરે છે. આ કારણે કેટલાકને લાગે કે તે અહંકારી છે. તે જે કહે તેમાં તે માનતો હોય છે અને તે માનતો હોય તે જ તે કહે છે. જો કોઈની સામે કોઈ વાંધો હોય તો તે મોઢે જ કહી દેશે (ઉપર આપણે તે ગાયક કઈ રીતે બન્યું તે ઘટનામાં જોયું જ.) સાથે તે લાગણીશીલ અને સંવેદનશીલ પણ છે. કૉલેજકાળમાં તે ગુંડા જેવો હતો, પરંતુ હવે તે અહિંસક બની ગયો છે. નવમા ધોરણ સુધી તે સારો બાળક હતો, પરંતુ તે પછી તે સારાપણાથી કંટાળી ગયો. તેની પાસે કોઈ રમકડું હોય તો તેનાથી રમવાના બદલે તે કઈ રીતે કામ કરે છે તે જોવા તેને ખોલી નાખે અને પછી તેને તે પાછું જોડી શકે છે કે નહીં તે તે જોતો. તેને તેમાં રોમાંચ આવતો.
દસમા ધોરણમાં હતો ત્યારે તે શાળામાં તો ભણતો જ સાથે ટ્યૂશનમાં પણ જતો. તે વિજ્ઞાનમાં ઘણો તેજસ્વી હતો. તેથી તેને તેજસ્વી વિદ્યાર્થીઓના એક્સ્ટ્રા ક્લાસમાં પણ રાખવામાં આવ્યો. આમ, એક ને એક અભ્યાસક્રમ ત્રણ વાર ભણી તે કંટાળી ગયો અને તેણે ભણવાનું છોડી દેવાનું વિચાર્યું. ત્યારે તેનાં માતાપિતા અને શિક્ષકોને લાગ્યું કે વિશાલને થોડી નિરાંત આપવાની જરૂર છે.
વિશાલ અને તેના પિતા બંને જિદ્દી હતા. પિતાને કોઈ ભેટે તે ગમતું નહીં, પરંતુ વિશાલ તેમને ભેટતો. પિતાને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું અને તેઓ કરાવતા નહોતા. તો વિશાલે સામે કહ્યું કે હું સિગારેટ પીવાનું છોડી દઉં તો તમે ઓપરેશન કરાવશો? પિતાએ હા પાડી અને વિશાલે સિગારેટ છોડી દીધી. વિશાલ સ્વતંત્ર મગજનો હતો અને આ વાત તેના પિતાને પસંદ હતી.
વિશાલ-શેખરની દોસ્તી નિર્દેશક સુજોય ઘોષ, ફરાહ ખાન, તરુણ મનસુખાણી, કરણ જોહર, સિદ્ધાર્થ આનંદ અને પુનીત મલ્હોત્રા સાથે છે અને એટલે તો તેમની ફિલ્મોમાં વિશાલ-શેખરનું જ સંગીત હોય છે. ફરાહ ખાન સાથેની મૈત્રી તો કારકિર્દીની બહુ શરૂઆતથી છે. જ્યારે વિશાલ-શેખર પેન્ટાગ્રામ બેન્ડ ચલાવતા હતા ત્યારે તેઓ નિર્દેશક સ્વ. મુકુલ આનંદની એક જાહેરખબરમાં સંગીત આપતા હતા. તેમને કોઈ સાધન ખરીદવા માટે પૈસા જોઈતા હતા ત્યારે ફરાહ ખાન તેમાં કોરિયોગ્રાફર તરીકે હતી અને તેણે વિશાલ-શેખરને મદદ કરી. ગીતકારોમાં જાવેદ અખ્તર, અમિતાભ ભટ્ટાચાર્ય, અન્વિતા દત્ત, કૌસર મુનીર, ઈર્શાદ કામીલ અને કુમાર સાથે વિશાલ (અને શેખર)ને સારું જામે છે.
વિશાલે પોતે પણ ગીતકાર તરીકે ઘણું કામ કર્યું છે. તેણે ‘તૂ આશિકી હૈ’ (ઝંકાર બીટ્સ), ‘અલ્લાહ કે બંદે હંસ દે’ (વૈસા ભી હોતા હૈ), ‘એક મૈં ઔર એક તૂ હૈ’ (બ્લફમાસ્ટર), ‘દિલ ચાન્સ મારે’ (ટશન), ‘એક નઝર મેં ભી પ્યાર હોતા હૈ’  (ટેક્સી નં. ૯૨૧૧) ‘આંખોં મેં તેરી અજબ સી’ (ઓમ્ શાંતિ ઓમ્), ‘તૂ ન જાને તેરે આસ સ ખુદા હૈ’ (અન્જાના અન્જાની) જેવાં અનેક ગીતો તેણે લખ્યાં છે. આમ, ‘અલ્લાહ કે બંદે હંસ દે’માં એકદમ ઊંચી વાત કરી તો ‘દિલ યે ચાન્સ મારે’માં ઉત્તર ભારતીય સ્ટાઇલમાં રમતીયાળ ગીત લખ્યું.  ‘તીસ માર ખાં’ માટે ફરાહ ખાને વિશાલ-શેખરને ત્રણ શબ્દો જ આપ્યા હતા – શીલા કી જવાની. તેના પરથી વિશાલે ગીત લખી નાખ્યું.
વિશાલની પત્ની પ્રિયાલી દિલ્હીની છે. વિશાલે સમાચાર ચેનલો દ્વારા ઘણી વાર ખોટી રીતે અમુક સમાચારો (જેવા કે મુંબઈ હુમલા)ના જીવંત પ્રસારણ સામે બોલકો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિશાલ ભલે કહેતો હોય કે તે હવે અહિંસક બની ગયો છે, પરંતુ તેણે ૨૦૦૫માં મુંબઈમાં એક કાર્યક્રમમાં દર્શક પર છૂટું માઇક ફેંક્યું હતું. જોકે બાદમાં તેણે માફી માગી હતી. વિશાલે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ સ્ટેજ પર ‘બચના એ હસીનો’ ગીત પર ડાન્સ કરવા લાગતા તેને સ્ટેજ પરથી ઉતારી દીધો હતો અને બાદમાં ગધેડો કહી દીધો હતો. તેણે નરેન્દ્ર મોદીને હત્યારા અને રાહુલ ગાંધીને મૂર્ખ કહેતી ટીપ્પણી ટ્વિટ કરી હતી જેને બાદમાં અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરી હતી. આથી વિશાલ ડડલાણી તો ઠીક, પરંતુ કેજરીવાલની સામે પણ સોશિયલ મિડિયા અને અન્ય મિડિયામાં ભારે તડાપીટ થઈ હતી.
(ગુજરાત ગાર્ડિયનની શુક્રવારની પૂર્તિમાં ‘બર્થ ડે બેશ’ કૉલમમાં તા.૨૬/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

અનાવૃત - જય વસાવડા

અનાવૃત - જય વસાવડા

સંશોધનાસન અને બુદ્ધિ યોગ : યોગ હિન્દુ નહિ, હિન્દુસ્તાની છે... પ્રાચીન પરંપરા જ નહિ, મોડર્ન ફ્યુઝન છે !

આ દુનિયામાં રિજીયોનલ અને રિલિજીયસ આઇડેન્ટીટીનો ઇગો ન હોત, તો અડધોઅડધ કોન્ફ્લિક્ટસ ન હોત


પેટ કે બલ લેટ કે.. બદન સીધા ટેક કે... એડિયાં જોડો ! ધરતી પર હથેલી રખ કે, ધીરે સાંસ અંદર ખીંચો.. ધીરે બાહર છોડો !.. સાંસો કી સફાઈ દેગી, સીને કી ધુલાઈ હોગી, કદ કી લંબાઈ હોગી.. અંગ અંગ બસ મેં હોગા ! યોગા !
પૂરા ૩૨ વર્ષ પહેલાની હિન્દી ફિલ્મ 'હાદસા'ના એક આઇટમ સોંગના આ શબ્દો છે ! આખું સોંગ એકદમ ફન્કી મૂડમાં યંગથીંગ્સ માટે લખાયેલું. 'વાય... ઓ... જી... એ કરો યોગા યોગા...!' એવું એનું કેચી મુખડું લલકારવામાં આવતં ચૂંટણી સભાના કોઈ વાયદાની જેમ એમાં ગેરન્ટી અપાઈ હતી તન મેં લચક આયે, મન કી કસક જાયે... ચેહરે ચમક આયેગી ! નજરો મેં નયા નૂર હોગા ! યોગા ! વાય... ઓ... જી....એ... કરો યોગા યોગા !
વેલ, અને આ ફિલ્ના હીરો- ડાયરેક્ટર હતા ફિરોઝખાન અને સંજયખાનના લઘુબંધુ અકબરખાન ! નરેન્દ્ર મોદી કે બાબા રામદેવે પોપ્યુલર પ્લેટફોર્મ પર યોગાને મૂક્યો, એથી પહેલાં તો એક ફિલ્મી મુસલમાને યોગા જીંગલ રચી કાઢેલું ! યે હિન્દુસ્તાન હૈ. એની તબિયતમાં જ સાહજીક સમન્વયની ફિતરત છે. ગીત લખ્યું પણ એમ. જી. હશ્મતે હતું અને કમ્પોઝ આપણા ગુજરાતી કલ્યાણજી- આણંદજીએ કરેલું.
આ જ કલ્યાણજીભાઈના પ્રિય એવા રજનીશનું સ્મરણ મુસ્લિમોના એક વર્ગે ૨૧ જૂને ભારતના કહેવાથી યુનોએ સ્વીકારેલા વિશ્વ યોગ દિવસની ઉજવણીનો ધાર્મિક કારણથી વિરોધ કર્યો, ત્યારે થઇ આવે છે. ઓશોએ છેક ૧૯૮૧માં બાબા રામદેવનું અસ્તિત્વ બાબલાકાળમાં હતું ત્યારે શું કહેલું ? લો વાંચો આ ઝલક :
'યોગ કોઈ ધર્મ નથી. યોગ હિન્દુ નથી, યોગ મુસ્લિમ નથી યોગ એક વિશુદ્ધ વિજ્ઞાાન છે. ગણિત, ફિઝીક્સ, કેમેસ્ટ્રી જેવું. ફિઝિક્સ કંઈ ખ્રિસ્તી કે બૌદ્ધ હોય ? ઘણા ખ્રિસ્તીઓએ ભૌતિકશાસ્ત્રના નિયમો શોધ્યા એટલે શું ભૌતિકશાસ્ત્ર ખ્રિસ્તી થઈ ગયું ? આ તો એક સંયોગ છે કે હિન્દુઓએ યોગ શોધ્યો (પણ હિન્દુઓએ તો ગણિતના અંકો પણ શોધ્યા, ને સંગીતના રાગ પણ- એટલે એ શું હિન્દુ પૂરતા મર્યાદિત થઈ ગયા ?) એક મુસ્લિમ પણ યોગી હોઈ શકે, ખ્રિસ્તી, જૈન કે બૌદ્ધ પણ. યોગનું અસ્તિત્વ ધર્મ સાથે જોડાયેલું નથી. (ઇસ્લામ પહેલાં પણ લીલો રંગ હતો, જીસસ પહેલા પણ ક્રોસ તો હતો જ એવું કંઈક')
અને બીજા કોઈની સરખામણી પતંજલિ સાથે શક્ય નથી. માનવ ઇતિહાસમાં એમણે પહેલી વખત ધર્મને વિજ્ઞાાનની આસ્થાએ લાવી દીધો. જેના નિયમો મહત્ત્વના હોય, તથાકથિત શ્રદ્ધા નહિ ! બધા ધર્મો કોઈને કોઈ ઇશ્વર કે વિધિ પર ભરોસો મૂકવાનું કહે છે. પતંજલિનો યોગ તો આવી કોઈ કડાકૂટને બદલે ચોક્કસ રૃપરેખા આપીને કહે છે અનુભવ કરો ! યોગ ધર્મ નથી, દર્શનશાસ્ત્ર નથી. શરીર અને મનથી અનુભવ કરવાનું વિજ્ઞાાન છે અને એ કોઈનું ઇન્વેન્શન (આવિષ્કાર) નથી, ડિસ્કવરી (શોધ) છે.
પતંજલિ પ્રબુદ્ધ ધર્મ પ્રવર્તકોની દુનિયાના આઇન્સ્ટાઇન છે. એ કવિ નથી, એમણે બહુ નીતિમત્તાનો ઉપદેશ પણ આપ્યો નથી. બસ, સૂત્રો અને આસનો. અનુશાસનનું ગણિત. યોગ કોઈ મેડિકલ થેરપી નથી, સાધના છે. થેરેપી તો બીમારો માટે હોય. યોગ તો સ્વસ્થ વ્યક્તિઓ માટે પણ છે. એ પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું અનુસંધાન છે. હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી પરંપરામાં ધર્મ એ કેવળ અકસ્માત છે, સત્ય વ્યક્તિગત શોધવાનું છે. યોગ કેવળ શારીરિક મુદ્રા નથી ચિત્તને સમાપ્ત કરવાનો સાક્ષીભાવ છે. મનની ક્રિયા- પ્રતિક્રિયાથી મુક્ત થઈ મળતી ઊર્જા છે. એટલે પતંજલિ આસ્તિક કે નાસ્તિક પણ નથી. કોઈ ભગવાન કે દેવદૂતની કાલ્પનિક કહાની એ કહેતા નથી. બસ સાધના અને સમર્પણથી શૂન્યતા સુધી પહોંચી, અંદરના અંધારા ઉલેચવાની પ્રકાશમય વાત છે.''
આ જ્ઞાાન- વિચાર- સહજતા ઉદારતાના યોગ સુધી તો ભલભલા યોગગુરુઓ ફણ નથી પહોંચ્યા રીડર બિરાદર !

સોમનાથના મંદિરમાં પ્રવેશવા માટે બિનહિન્દુઓએ પરવાનગી લેવી જોઈએ એ પાટિયું જેટલું હાસ્યાસ્પદ છે એટલો જ હાસ્યાસ્પદ અમુક જડસુ રેડિકલ મુસ્લિમોનો સૂર્યનમસ્કાર સામેનો વિરોધ છે. દિલ્હી એરપોર્ટના ભવ્ય ટર્મિનલ પર સૂર્યનમસ્કારની મુદ્રાઓ છે, તો એનો બહિષ્કાર કરશો ? અસલામતીથી પ્રેરાઈને અગાઉ વંદે માતરમ્નો વિરોધ કરી આમ જ સામે ચાલીને ધર્માંધ મુસ્લિમો અળખામણા થઈ ચૂક્યા છે. એ. આર. રહેમાને વટથી વંદે માતરમ ગાયું તો શું ખાટુંમોળું થઈ ગયું કે અનેે એ કવી રીતે અલ્લાહથી દૂર જતો રહ્યો ? (ખુદાએ તો એને બબ્બે ઓસ્કાર અને અપરંપાર સર્જકતા, લોકપ્રિયતા, સંપદા બક્ષી એ પછી !)
સરકારે ચોખવટ કરી જ છે, સૂર્ય નમસ્કાર અઘરા છે, આગોતરી પ્રેક્ટિસ વિના કે ઇન્સ્ટ્રક્ટરની તાલીમ વિના એક ધડાકે થઈ શકે તેમ નથી. અને મનમાં જેની પ્રાર્થના બોલવી હોય એ બોલો ને ? દુનિયાના કયા ટીચર પાસે મન વાંચવાનું 'ડિજીટલ રીડર' છે ? બાકી, જેમ અમેરિકામાં રખડતા હો તો છાશ કરતા કોલા જ વધારે મળે, એમ ભારતમાં પ્રાધાન્ય બહુમતી વસતિના રીતરિવાજો, ચિત્રો કે ધ્વનિનું જ રહે ને ! એમાં ધર્મની વાત જ નથી. ફિલ્મોમાં પંજાબીઓની બહુમતી છે. તો દર બીજા ગીતે સોણા સોણા, શાવા શાવા નથી આવી જતું ?
પ્રિન્સિપલી આવી ફ્લેક્સિબલ થયા વિના સાતમી સદીમાં ચોંટી જવાની રીજીડિટીને લીધે જ ઇસ્લામ જગતમાં વધુ વગોવાયો છે. કોઈ ધાર્મિક વિધિ ફરજિયાત કરાવે એ જુદી વાત કઈ. કોઈ ખાનનપાનના નામે, માંસાહાર કે ડુંગળી લસણના નામે રહેવા મકાન ન આપે, ને આમ મોટી મોટી મુખ્ય પ્રવાહમાં ભળી જવાની શીખામણ આપે એ ચોક્કસ અન્યાયી અને ખોટી વાત થઈ. પણ બે ઘડી માનો કે સૂરજને કે ફોર ધેટ મેટર વૃક્ષને, નદીને, પર્વતને નમસ્કાર કરી લીધા તો કયો પ્રલય આવી જવાનો છે ? એમાં ય અલ્લાહ મોજૂદ નથી ? અલ્લાહની જ એ કરામત નથી ? હવે આમાં ગ્રંથોના પાના ઉથલાવીને વકીલો જેવા સાઇટેશન કરવાના ન હોય, પૂછો આપણા દિલને. ત્યાં ય અલ્લાહમિયાં બેઠા બેઠા મુસ્કુરાય છે. યા ઐસી જગહ બતા દો, જહાં ખુદા ન હો. અમારું માથુ અલ્લાહ સિવાય કોઈ સામે ઝૂકે નહિ એ કહેવામાં સારું લાગે બાકી દુકાનના ગ્રાહકથી કોલેજના ફ્રેન્ડ સામે ય પ્રેક્ટિકલી ઝૂકે. આ દુનિયા જ આખી કુદરતની છે, માનવી તો મહેમાન છે તો પ્રકૃતિના તત્ત્વોમાં પરમાત્મા જોઈને સજદા કવરામાં તોબા શું કરવાની ?
પણ ધર્મની વાત આવે એટલે ભલભલા કહેવાતા ડાહ્યા કે શિક્ષિત લોકોના વિચારદ્વાર પર મલ્ટી કોમ્બિનેશન લોક લાગી જતા હોય છે. આપણે ત્યાં આગળ જવાને બદલે પેલા અનામતવાળા ગુર્જરોની જેમ પાછળ જવાની હોડ લાગેલી હોય છે. અમીર ખુશરોએ મૃદંગમાંથી તબલા બનાવ્યા એમ કેટલાય ભારતીય વાદ્યોને મુસ્લિમ કલાકારોએ દિલથી વગાડયા છે. સિતાર હોય કે ઢોલ. એ ય એક ઇબાદત છે, કળાના સ્વરૃપે. તો સૂર્ય યોગી આદિત્યનાથે કહ્યું એમ વળી ક્યાં હિંદુ છે કે ફક્ત હિન્દુઓ માટે જ એનો પ્રકાશ રિઝર્વ્ડ છે ?
આ દુનિયામાં રિજીયોનલ અને રિલિજીયસ આઇડેન્ટીટીનો ઇગો ન હોત, તો અડધોઅડધ કોન્ફ્લિક્ટસ ન હોત. જેમ સાન્તાક્લોઝ સંપૂર્ણ ખ્રિસ્તી નથી અને હવે બધાં બાળકોના યુનિવર્સલ છે. એવું જ યોગનું છે. ઇનફેક્ટ, હિન્દુ સંસ્કૃતિની લવચિકતા (ઇલાસ્ટીસ્ટી) અને સર્વસમાવેશકતા (બ્રોડ એક્સેપ્ટન્સ)ને લીધે જ એ સમથિંગ સ્પેશ્યલ છે એને બદલે તાલિબાની માઇન્ડસેટની અક્કલ વગરની નકલના ચાળે અમુક (બધા નહિ) હિન્દુઓ ચડયા છે. હોંશિયારની પ્રેરણાને બદલે ઠોઠની નકલ કરે છે. બાકી હિન્દુ જીવન બંધિયાર ખાબોચિયાને બદલે બધા પ્રવાહ સમાવતી નદી જેવું હતું એમાં તો યોગની યાત્રા અહીં સુધી થઈ !

અભ્યાસ વિના અભિપ્રાયોને સત્ય માની લેવાની ટેવ વોટ્સએપ કાળમાં ચરમસીમાએ પહોંચી છે. (ઘોર કળિયુગ !) એટલે આપણને ઝટ દઈને ગળે ઉતારવામાં ઘસરકા પડે કે યોગનું વર્તમાન સ્વરૃપ સંપૂર્ણ ભારતીય નથી, અને એ પૂરી રીતે હિન્દુ ધર્મપરંપરા પણ નથી, અને જેટલો માની લેવાય છે એટલો પ્રાચીન પણ નથી ! પણ રિસર્ચ સ્કોલર જેવા શબ્દોની એલર્જી ધરાવતા સમાજને આવા કટ્ટુસત્યોનું પાચન કરવા જેટલી સ્થિતપ્રજ્ઞાતા હજુ કેળવાઈ નથી.
વિશ્વ યોગદિવસે ચેનલમાઈની કૃપાથી દેશ આખો જેના હિલોળે ચડશે એ યોગાસન છે. સંપૂર્ણ યોગ નથી. જો ભગવદ્ ગીતા અને ઉપનિષદોમાં આવતા યોગ શબ્દને પકડીએ, તો એ 'યુગ્મ' - જોડાયેલું, કશાક સાથે એટેચ/ સંલગ્ન થવાની અવસ્થાના અર્થમાં છે. યોગની જ મૂળ ધાતુ 'યુજ્' (યજ્ઞાનું પણ કશુંક કનેક્શન ખરું કે ?) આ અર્થમાં છે એમાં કોઈ શારીરિક કસરતોનો ઉલ્લેખ સુધ્ધાં નથી.
વ્યાસની જેમ સંસ્કૃતના અડાબીડ જંગલ જેવા ઇતિહાસમાં પતંજલિ પણ એકથી વધુ છે. એક વ્યાકરણશાસ્ત્રી છે. બીજા ભોજના સમકાલીન મનાય છે. પતંજલિના ૧૯૫ યોગસૂત્રોમાં શ્વાસ અને ધ્યાનમાં બેસવાની શારીરિક મુદ્રા જેવા આસનો સિવાય આજે પ્રચલિત છે એવા કોઈ આસનોનો ખાસ ઉલ્લેખ જ નથી ! એ અષ્ટાંગ યોગા તો સાક્ષાત્કારના સ્ટેપ્સરૃપે છ. જેમાં આઠ પગથિયા યમ (મોરલ પ્રિન્સિપલ્સ), નિયમ (ઇનર મોરાલીટી), આસન (ફિઝીકલ પોઝિશન ફોર મેડિટેશન), પ્રાણાયામ (બ્રેધિંગ કન્ટ્રોલ), પ્રત્યાહાર (ફ્રીડમ ફ્રોમ રેગ્યુલર મટીરીયલ વર્લ્ડ), ધારણા (ફોક્સ), ધ્યાન (મેડિટેશન ઝીરો થોટ્સ) અને સમાધિ (સાલ્વેશન ડિઝોલ્વિંગ ધ સેલ્ફ) જેવા છે જેમાં 'શાંતિ અષ્ટાંગી' લલકારી યોગને ફિટનેસ સિક્રેટ ગણાવતી મેડોનાથી લઈ ટીવી પર સવારે બાબા રામદેવની સાથે ઠેકડા મારવાના પ્રયાસો કરનારા મેનામાસી સુધી કોઈને ટપ્પા પડે એમ નથી.
આવો યોગ જે કરે, એ દુનિયાને દેખાડી દેવાના કે વસ્તુઓ વેચી બ્રાન્ડિંગ કરવાના મોહમાંથી મુક્ત થયો હોય. એ સિદ્ધયોગી. બાકી બધા સર્કસના કસરતબાજ. શરીર તો રશિયન જીમ્નાસ્ટનું પણ સતત અને સખત મહેનતથી રબ્બરની જેમ વળે અને ક્લીન્ટ ઇસ્ટવૂડ જેવા જીમમાં જઈને પણ આયુષ્યના નવમા દાયકે કડેધડે ફિટમફિટ રહે. પછી જેમ બાબા રામદેવને આવડયું, એમ ટીવીનો ઉપયોગ કરી હેરીટેજ કોન્સેપ્ટ સેલિંગ કરતા આવડવું જોઈએ !
ભલે, શ્રમજીવીઓને બાદ કરતાં ખેલની બાબતે બેઠાડુ ભારતીય પ્રજા ધાર્મિકતાના બહાને પણ સવારે ઉઠી આસન પ્રાણાયામ કરે એમાં જ સાયન્ટીફીકલી પણ હેલ્થનો ફાયદો જ છે. ચાવતા અને શ્વાસ લેતા આવડે, શરીરની કેલરી બાળતા અને કરોડરજ્જુને ટટ્ટાર કરી સ્નાયુઓને સ્ટ્રેચ કરતા ફાવે તો ઓક્સિજીનેશન, સ્ફૂર્તિ, ઇમ્યુનિટી, મસલ લોજેટિવિટી વધવાની જ.
પણ વેદમાં વર્તમાન યોગાસનનું નામોનિશાન નથી. એ નોંધી લેવું. અત્યારના 'યોગા' અમેરિકનો માટે ઇન્ડિયાથી આવેલું મેકડોનાલ્ડ કે કોકોકોલા છે. (૧૧ વર્ષ પહેલાનું સ્પેક્ટ્રોમીટર 'શિકાગોમાં શીર્ષાસન, મેનહટનમાં મકરાસન'માં વિગતે આ વાત ચર્ચી છે.) યોગની પેરેલલ પાઇલેટ્સ પણ છે. ભારત સાથે જોડાયેલા ચમત્કારોના રહસ્યમાં વેસ્ટર્ન વર્લ્ડ યોગને જાદૂઈ બાબત સમજી એનાથી પીસ કે મહારાજા જેવી સેક્સલાઇફ ફોરએવર મળશે એમ માની તૂટી પડે છે અને અમેરિકામાં જે ફાવે એ દુનિયાને ભાવે. પટ્ટાભી જોઇસ પછી તો યોગા સ્ટુડિયો, મસાજ પાર્લર કે સ્પાની જેમ ફૂટી નીકળ્યા છે. હોટયોગા વાળા વિક્રમ ચૌધરી સોનાબાથમાંથી હોટહોટ સુંદરીઓ સાથેના સેક્સ સ્કેન્ડલમાં આવી ગયા છે. ભૂમિકા ચાવલાને પરણી જનાર ભરત ઠાકુર ખભા પર સુંદરીઓ બેસાડી એ ગળા ફરતે પદ્માસન લગાવે એવા પોસ્ટર બનાવતા. મહેશ યોગી એક્ટ્રેસ મિયા ફેરો પાછળ કેવા ભોગી બનેલા એ બીટલ્સના ઇન્ટરવ્યૂઝમાં વાંચજો ! પાવર યોગાના નામે ચાલતા યોગામાં આસનો સાથે મોડર્ન એરોબિક્સ, જીમની એક્સરસાઇઝ વગેરેની કોકટેલ થઈ ગઈ છે ! હવાઈ ટાપુમાં વિન્યાસયોગના રિસોર્ટસ છે.
'૫૦૦૦ વરસ જૂની મેજીક મેથડ'ના નામે યોગનું ગ્લોબલ માર્કેટિંગ થાય, પણ 'યોગ ઇન્ડસ્ટ્રી'ના લાઉડક્રાઉડથી દૂર ખસીને સંશોધન કરો, તો એટલું જડે કે ટાઇટલ સંસ્કૃતમાં રાખી દેવાથી દરેક બાબત રામ કે કૃષ્ણના જમાનાની નથી બનતી જતી. વર્તમાન યોગ શિબિરોમાં થતા યોગાસનો ૧૬મી સદીની હિંદુ જાગરણ ઝુંબેશની બાયપ્રોડક્ટસ છે. જેની ક્રેડિટ સ્વામી શિવાનંદ કે ટી. ક્રિષ્નામાચાક્રીર્ય (જેના મશહૂર શિષ્ય એટલે વર્લ્ડ ફેમસ રિયલ યોગગુરૃ બી.કે.એસ. આયંગર) જેવાઓને આપી શકાય. અમુક આસન- શ્વાસ પદ્ધતિઓ તો એમની જ શોધેલી / વિકસાવેલી છે.
મધ્ય યુગમાં તાંત્રિક શક્તિઓ પ્રાપ્ત કરવા માટે અને સાત્ત્વિક અધ્યાત્મમાં 'પ્રતિબંધિત' ગણાતા હઠયોગમાંથી એમણે પતંજલિ કરતા વધુ પ્રેરણા લીધી. નાથ સંપ્રદાયના સિદ્ધોના હઠયોગને વળી ગીતા કે પતંજલિ સાથે ખાસ સંબંધ નથી. ચીનના તાઓઇસ્ટ આવી શારીરિક રીતે કઠિન સાધના કે શ્વાસનું તપ કરતા. પણ ૧૪મી સદીની મનાતી 'હઠયોગ પ્રદીપિકા'માં ગણીને ૧૫ જ આસનોનું વર્ણન છે ! પણ બી.કે.એસ. આયંગર 'લાઇટ ઓફ યોગા' ૨૦મી સદીમાં લખે એમાં ૨૦૦ યોગાસન આવી જાય છે !
યોગના અભ્યાસુઓ જે બે ગ્રંથોના નામો ટાંકે છે, એ 'યોગ કુરૃંત' અને 'યોગ રહસ્ય'ની કોઈ ફિઝિકલ કોપી તાડપત્રીમાં ય સચવાયેલી નજરે જોવા મળતી નથી. માટે માની લેવાનું જે કહેવાય તે. જેમ વૈદિક મેથેમેટિક્સ પ્રાચીનના નામે ચાલેલું અર્વાચીન તૂત છે, એવું જ અમુક યોગાસનોનું કે એના હવામાં કપડા સાથે લટકવાના કે અંગ કસરતના અસાધારણ દાવ કરવાની પોપ્યુલર પ્રેક્ટિસનું ય છે.
ભારતમાં યોગને નવજીવન આપવાની શરુઆત આઝાદી નજીક આવતા થઈ હતી એ કાળમાં મૈસુરના મહારાજા કૃષ્ણરાજ વાડિયાર ચોથાએ કરેલી. વેસ્ટર્ન સ્કૂલ કોન્સેપ્ટ મુજબ એ ફિઝિકલ ટ્રેનિંગ (પી.ટી.)ને ફરજિયાત બનાવવા માંગતા હતા. એમણે જ ટી. ક્રિષ્નામાચાર્યને ફંડ આપ્યું. મૈસુરના પૂર્વ મહારાજા મુમ્માદી વાડિયાર ત્રીજા (૧૭૯૯- ૧૮૬૮) એ એક સચિત્ર ગ્રંથ 'શ્રીનાથ નિધિ' નામનો તૈયાર કરાવેલો જેમાં તાંત્રિક હઠયોગ, વ્યાયામ, અખાડાની કસરતો અને પોતે જોયેલી, જાણેલી, વિચારેલી કસરતો હતી. ક્રિષ્નામાચાર્યે એની સાથે બ્રિટિશરોને લીધે ભારતમાં આવેલ વેસ્ટર્ન જીમ્નાસ્ટિકનુ કોમ્બિનેશન કર્યું. ક્રોસ લેગ્ડ જમ્પબેક, વોકિંગ હેન્ડઝ ડાઉન વગેરેનું 'ભારતીયકરણ' થઈ ગયું. 'વાયએમસીએ' સંસ્થામાં ત્યારે સ્વીડિશ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર નીલ્સ બૂખ (૧૮૮૦- ૧૯૫૦) આવેલો એના પ્રિન્ટેડ મેન્યુઅલની ૨૮ એક્સરસાઇઝ આયંગર, જોઇસ (બેઉ ક્રિષ્નામાચાર્યના શિષ્યો)ના યોગના પુસ્તકમાં આસન તરીકે છે ! યોગ નામ તેવો જ ફ્યુઝન પાવર !
આમ પણ પ્રાચીન ભારતીય શિલ્પોમાં નટરાજ શિવની ઘણી યોગમુદ્રાઓ જોવા મળે છે અને શિવ સાથે તાંત્રિક ધારા વૈદિક કરતા વધુ નજીકથી જોડાયેલી છે. ટૂંકો સાર એટલો કે યોગાસનોનું મૂળ અને કૂળ ઓમ પ્રિન્ટ કરેલા ટીશર્ટ જેવા ફ્યુઝન જેવી હિસ્ટ્રી અને મિસ્ટ્રી ધરાવે છે, અને એનું ઓરિજીનલ તત્ત્વજ્ઞાાન ઇગોસેન્ટ્રિક નેગેટિવિટી ધરાવતા પોલિટિશ્યન્સને પચે એમ નથી. બેઠાડુ રાજકારણીઓ અને અધિકારીઓને ૨૧ જૂને યોગ કરતા જોવાની ગમ્મત આવશે ! દેશી સિગ્નલ આત્મા બનેગે મહાત્મા ! યોગા !
ઝિંગ થિંગ
દિલ ધડકને દો : કૃત્રિમ દંભી દેહમાં કેદ પ્રેમ, આઝાદી અને પાર્દર્શકતાના દિલનો ધીંગો ધબકાર. પોલીસકર્મીની આખરે ધરપકડ

ભીક્ષાવૃત્તીનું મુળ ગરીબી કે પછી ભ્રમીત માનસીકતા ?

ભીક્ષાવૃત્તીનું મુળ ગરીબી કે પછી ભ્રમીત માનસીકતા ?

વ્યંઢળની લાક્ષણીક અદા
ઉજ્જૈનના કાલભૈરવ મન્દીરના દરવાજા ઉપર જ હાથમાં મોરપીંછ લઈને બેઠેલા એક વ્યંઢળને જોતાં જ મને તેનું ચીત્ર ખેંચવાનું મન થઈ આવ્યું. જેવો હું તેનું ચીત્ર ઝડપવાની તૈયારી કરું કે તરત જ તે વ્યંઢળ બનાવટી ગુસ્સા સાથે મને કહેવા લાગ્યો કે : “जो तुमने मेरा फोटो खिंचा तो मैं पचास रुपयें का दंड करुँगी।” આવું સંભાળીને, મેં આ વ્યંઢળની લાક્ષણીક અદાનું અદભુત ચીત્ર નહીં મેળવી શકવાનાં વસવસા સાથે, ચાલતી પકડી. ખબર નહીં; પણ મારા આવા અણધાર્યા બેફીકરા પ્રતીભાવને પામી જઈ એક સફળ ભીખારીના લચીલાપણાના ગુણ બતાવીને તેણે મને પ્રેમથી બોલાવ્યો અને હસતાં હસતાં કહેવા લાગ્યો કે : “मैं तो मज़ाक कर रही थी । अब तुझे मेरा फोटो खींचना ही होगा; नहीँ तो मैं फिर से दंड करुँगी ।” અને અહીંયાં જે તસ્વીરમાં દેખાય છે તે લાક્ષણીક ‘આશીર્વાદ મુદ્રા’ની આવી તસ્વીર મારી પાસે ખેંચાવીને મારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા એટલે હું પણ ખુબ રાજી થયો ! વ્યંઢળનાં આશીર્વાદથી નહીં; પણ તેની ‘આશીર્વાદ-મુદ્રા’ની આ તસ્વીર મળવાથી. આ પ્રસંગથી મને ભીક્ષાવૃત્તી અને તેનાં મુળ કારણો વીશે લખવાની ઈચ્છા થઈ.
બીજા લોકોનું ભલું કે કલ્યાણ કરવાનાં કાલ્પનીક આશીર્વાદ અને દુઆના બદલામાં, તમારી પાસેથી જેટલું પડાવી શકાય તેટલું ધન માગીને કે માગ્યા વગર પડાવવાનાં કસબને ભીક્ષાનો ગોરખ-ધંધો કહેવાય. ઘણા સમાજશાસ્ત્રીઓ અને અભ્યાસુઓ ભીખારી કે ભીક્ષા–વૃત્તીની સમસ્યાને ગરીબી સાથે જોડે છે; પરન્તુ આ ગરીબી અને ભીક્ષા વૃત્તીને જોડવાની ચેષ્ટામાં કોઈ આધારભુત તર્ક દેખાતો નથી. જો ખરેખર આવું જ હોય તો ભીખારી બધાં જ ગરીબ હોવા જોઈએ. તેને બદલે આપણા દેશ ભારતમાં રસ્તે ચીંથરેહાલ અવસ્થાએ ખુલ્લા આકાશ તળે આખો દીવસ ટાઢ–તડકામાં ભીક્ષાવૃત્તી કરતા એક અદના ગરીબ ભીખારીથી લઈને દેશ–વીદેશમાં આપેલી પોતાની ભીક્ષા–ફ્રેન્ચાયસીઓમાં પોતાના આન્તરરાષ્ટ્રીય ભીક્ષા–વ્યાપારનાં ઉત્તેજન સારું ભીખથી(પ્રસાદી તરીકે) મળેલી આલીશાન દેશી–વીદેશી ગાડીઓ તેમ જ વીમાનોમાં ઉડાઉડ કરતાહાઈપ્રોફાઈલ કોર્પોરેટ ભીખારીઓની એક વીશાળ શ્રેણી જોવા મળે છે. દરીયા જેવા વીશાળ આ ભીક્ષા–વ્યાપાર ક્ષેત્રે કોઈ ભીખારી પોતાની વ્યક્તીગત કમજોરીના કારણે ગરીબ કે નીષ્ફળ રહે અને એટલે આ‘ભીખારી–સમસ્યા’ને ગરીબી સાથે જોડવી એ ખરેખર ભારતના ભદ્ર ભીખારીઓનું અપમાન કહેવાય.
કાઉન્સીલ ફોર હ્યુમન વેલ્ફેરના ડાયરેક્ટર હૈદ્રાબાદના ડૉ. મોહમ્મદ રફીઉદ્દીન નામના સમાજશાસ્ત્રીએ સતત બે વર્ષ સુધી દેશભરમાં ઘુમીને ભીખારીઓની જીવનશૈલી, તેમની કમાણી તેમ જ તેને વાપરવાની ‘પેટર્ન’નો એક વીશદ્દ અભ્યાસપુર્ણ સર્વે કરેલો છે. ડૉ. રફીઉદ્દીનનાં તારણોને વીગતવાર આપણે જો સમજીએ તો એવું માનવું જ પડે કે, આ ભીક્ષા અને ભીખારી સમસ્યાના મુળ ગરીબીમાં નહીં; પણ આપણી ભ્રમીત માનસીકતામાં જ છે. ભારતમાં ગરીબીરેખા નીચે જીવતાં લોકો અને ભીખ માંગતા ભીખારીઓની સંખ્યાની તુલના કરવાથી પણ આ માન્યતાનો સ્પષ્ટ છેદ ઉડી જાય છે. ડૉ. રફીઉદ્દીનના સર્વે પ્રમાણે ભારતમાં આશરે 7.3 લાખ લોકો પોતાનું જીવન ભીક્ષાવૃત્તી ઉપર ગુજારતા ભીખારીઓનું વાર્ષીક ટર્નઓવર છે રુપીયા 180 કરોડ ! આ ભીખારીઓની ખર્ચ કરવાની ‘પેટર્ન’ પણ ભીક્ષાવૃત્તી અને ગરીબીને જોડતાં સીદ્ધાન્તનું ખંડન કરે છે. ભારતનો ભીખારી સરેરાશ પોતાની આવકના માત્ર વીસ ટકા જ ખોરાક અને કપડાં પાછળ ખર્ચ કરે છે; ત્રીસ ટકા પાન–મસાલા, બીડી–સીગારેટ, દારુ અને અન્ય નશાઓ કરવાની ખરાબ આદતો પાછળ વેડફે છે. બાકી રહેલી પચાસ ટકા રકમ તેઓ ક્યાં વાપરે છે એ જાણીને તમને આશ્ચર્ય થશે.. આ રકમની તેઓ બચત કરે છે.ઈસ્લામ, ક્રીશ્ચીયાનીટી, બૌદ્ધ અને હીન્દુ ધર્મમાં દાન આપવાનો અલગ અલગ રીતે ઘણો મહીમા કહેવાયો છે અને તેના ઉપરની લોકોની શ્રદ્ધા અને ધાર્મીક ભાવનાની રોકડી કરી લેવાનો આ ધંધો એટલે અત્યારનો બેશુમાર ફુલેલો-ફાલેલો આ ભીખ–વ્યવસાય.      
તથાગત બુદ્ધે પોતાના સંઘમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તીને પોતાનું દીવસનું એક જ વખતનું ભોજન માંગીને ખાવાની આજ્ઞા કરેલી. આમાં સંગ્રહ કરવાનો બીલકુલ નીષેધ જ હતો. આપણા શાસ્ત્રોમાં પોતાની પેઢી દર પેઢી આજીવીકા જળવાઈ રહે તે હેતુથી એક ખાસ ભીખારી વર્ગે ઘણાં બધાં વૈવીધ્યપુર્ણ દાનનો મહીમા બતાવતાં ઉપદેશો લુચ્ચાઈપુર્વક ગોઠવેલા છે. તમે સવારે જાગો ત્યારથી જ તમારા ઘરની બહાર કોઈ સડક છાપ ભીખારી હોય કે દેશવીદેશમાં આશ્રમોની વીશાળ શ્રેણી ધરાવતો કોઈ કહેવાતો મહાત્મા હોય. તમને આગ્રહ કરી કરીને તમારા મોક્ષ કે કલ્યાણની લાલચ અને ભગવાન તમારું ખુબ ખુબ ભલું કરશે એવી ફોગટની આશાઓ બંધાવતો હોય, ત્યારે તેની મીઠી નજર તો તમારા પરસેવાની કમાણી ઉપર જ હોય છે.
હવે તો ભીખ પણ સમય સાથે હાઈટૅક થતી જાય છે. ઉદયપુરના એક સંસારી મહારાજ તો ઘણી લોકપ્રીય ચેનલોનો ટાઈમ સ્લોટ પોતાની ભીખ–મંગાઈ કાર્યક્રમ માટે ખરીદી લે છે અને પોતાની બનાવટી કરુણાભરી શૈલીમાં પોતાના ભક્તોને એટલા તો ભોળવે કે કાર્યક્રમને અન્તે બતાવવામાં આવતા બેંક એકાઉન્ટસ દાનની રકમોથી છલકાવા લાગે. આ મહારાજનના પોતાના આશ્રમમાં પગારદાર અશક્તો અને વીકલાંગો રાખવાની વાસ્તવીક કથાઓ તમે જો સાંભળો તો આંચકો લાગે કે આવા મહાઠગ ભીખારીઓ પણ હોઈ શકે ? પોતાના સાધુઓના અહંકારને નાથવા અને ફક્ત એક સમયના પેટનાં ખાડાને પુરવા બતાવેલી ભીક્ષાને અત્યારે આ જ સાધુઓ પોતાના આશ્રમોમાં બેસી, સંસારી ભક્તોને ખભે ઝોળી નંખાવી, એક ખાસ દીવસે મંગાવતા જોઈને એવું થાય કે આ ભીખ માંગનાર લોકોમાં તો સંવેદના મરી પરવારે; પણ કોઈક બીજાની પાસે ભીક્ષા મંગાવનારની મહાભીખારીઓની સંવેદના વીશે શું કહેવું ? આજે ગરીબી આપણો પ્રાણપ્રશ્ન છે પણ વીકાસ અને અન્ય સુધારાઓ થતાં આ ગરીબીને તો આપણે એક સમયે જરુર નાથી શકીશું; પરન્તુ જ્યાં સુધી દાન અને દાનનો મહીમા ગાવાની બેફામ સામુહીક પ્રવૃત્તી ઉપર કોઈ અંકુશ નહી આવે ત્યાં સુધી, ભીક્ષા અને વધી રહેલા ભીખારીઓની સમસ્યા ભારતમાં તો બંધ નહી જ થાય; કારણ કે આ ભીક્ષાવૃત્તીનાં અસલ મુળ દાનને દેવા-લેવાની ભ્રમીત માનસીકતામાં જ છે.
એક સમય એવો હતો કે લોકો ભીખને ભુખથી પણ ભુંડી ગણતા, આજના ભીખારીઓનું ‘સ્ટેટસ’ જોઈ લો તેઓ જ બધે ‘ટૉપ’ ઉપર છે ! આમાં કોઈ મત માંગનાર(રાજકારણી) છે તો કોઈ ટોળાબંધ મત અપાવનાર(ધર્મગુરુ). આજે તેઓ જરુર હશે ‘ટૉપ’ ઉપર; પણ છે તો આખરે ભીખારીઓ જ ને !
–હીમ્મતરાય પટેલ
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી