‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?

સલમાન ખાન, અક્ષયકુમાર, આમીર ખાન, ઋત્વિક રોશનની ફિલ્મને જો સારી કહેવામાં આવે તો વિવેચકોને પાપ લાગે! શાહરુખ ખાન, ઈરફાન ખાન, આદિત્ય ચોપરા, કરણ જોહર, મહેશ ભટ્ટ, એકતા કપૂર, સન્ની લિયોન, વિશાલ ભારદ્વાજ, મેઘના ગુલઝાર, ગુલઝાર આ બધાની ગમે તેવી વાહિયાત ફિલ્મો હોય તો પણ ચાર સ્ટાર આપવા ફરજિયાત છે! બૌદ્ધિક આતંકવાદ ફિલ્મ સમીક્ષકો અને ટ્રેડ એનાલિસ્ટમાં પણ પ્રવર્તે છે. પોપ્યુલર ફિલ્મ હોય એટલે સારી નથી હોતી એવી એક છાપ ઉપસાવી દેવાઈ છે. જોકે લોકોને એનાથી કોઈ ફરક પડતો નથી. લોકોને જે ગમે છે તે જુએ છે.
‘પ્રેમ રતન ધન પાયો’ વિશે આવું જ થયું ને? સમીક્ષકો છાપામાં બીજા દિવસે લખે એનો વાંધો નથી, પણ હવે તો ફેસબુક પર તરત જ મૂકી દઈને ફિલ્મ વિશે પ્રચાર કે દુષ્પ્રચાર કરવાનો એકેય મોકો છોડતા નથી. આજના સમયમાં સંસ્કાર અને સભ્યતા હોવા એ ગુના છે. એટલે જ જુઓ ને, વચ્ચે આલોકનાથને સંસ્કાર માટે થઈને એની કેટલી મજાક ઉડાવાઈ? ટ્વિટર પર સતત જોક ચાલુ થઈ ગયા ને હઇશો હઇશોમાં બધા જોડાઈ ગયા. સારી અને નિર્દોષ ચહેરાવાળી અભિનેત્રી આલિયા ભટ્ટના માથે તો કાયમી બબૂચકનું લેવલ થોપી દેવામાં આવ્યું! સાન્તા બાન્તાની જેમ આલિયા ભટ્ટના જોક પણ સતત બનતા જ રહે છે. આલિયા ભટ્ટ પોતે પણ તેની સામે જોક થાય તો હળવાશથી લે તેટલી ખેલદિલ છે. આપણે વાત ‘પ્રે.ર.ધ.પા.’ની કરવી છે.
એ તો ખબર જ હતી કે રાજશ્રી પ્રૉડક્શન, જેની પરંપરા સૂરજ બડજાત્યાએ પણ થોડા ફેરફાર સાથે ચાલુ રાખી છે, ની ફિલ્મ હોય એટલે એમાં પારિવારિક ભાવના, લાગણી, સંસ્કાર આ બધી વાત આવવાની જ. એનાં ગીત-સંગીત ઉત્તમ હોવાના પણ એમાં આન્ટી પુલીસ બુલા લેગી કે પાર્ટી ઓલનાઇટ, નાચો જી ફાડકે જેવા પાર્ટી, દારૂ અને અપશબ્દોવાળાં ગીતો નહીં હોય. હા, એના શબ્દો રમતિયાળ-હળવા જરૂર હશે. પરંતુ એમાં બહેકાવે તેવું કંઈ નહીં હોય.
જે એફએમ રેડિયોએ જૂનાં કર્ણપ્રિય સંગીતનો એકડો કાઢી નાખ્યો છે, જેણે ગુજરાતમાં હોવા છતાં હિન્દી ભાષા જ જાણે બોલાતી હોય તેવું કરી નાખ્યું છે, તેવા એક જાણીતા એફએમ રેડિયો સ્ટેશન પર ફિલ્મ સમીક્ષા કરતા એક ભાઈએ લખ્યું કે રાજારાણી સ્માર્ટ ફોન વાપરે છે તેમ છતાં સગા ભાઈ સામે ક્રૂરતા આચરે છે.
તેમની આખી વાત નથી કરતા, પણ આ અને બીજા આવા સમીક્ષકો અને ફિલ્મ સિવાયના બીજા ક્ષેત્રે લખતા લોકોની એક ખાસિયત હોય છે પહેલાં ડિસ્ક્લેમર મૂકી દે છે- જો વિવેચકની દૃષ્ટિએ જોશો તો,….અરે ભાઈ, સામાન્ય માનવી વિવેચકની દૃષ્ટિએ શા માટે જુએ? આખા લેખમાં ટીકા કરી નાખે પછી છેલ્લે લખશે કે આમ તો એક વાર જોવા જેવી છે. પોલિટિકલ લેખો લખતા લોકો પણ નરેન્દ્ર મોદીની કોઈ વાત સાથે સંમત થતા હોય તો લખશે કે હું કંઈ નરેન્દ્ર મોદીનો સમર્થક નથી પરંતુ…કેમ? ભાજપનો વિરોધી હોવું શક્ય છે તો ભાજપના અમુક બાબતોમાં સમર્થક હોવું કેમ શક્ય નથી?
‘પ્રે.ર.ધ.પા.’ની મૂળ વાત પર પાછા આવીએ. દગાફટકાની વાર્તા, સેક્સનાં દૃશ્યો, હિંસા, અપશબ્દો, પાર્ટીનાં ગીતો, દારૂનાં ગીતો, કોઈ જૂના ગીતને સાવ વાહિયાત રીતે રિમિક્સ કરીને મૂક્યું હોય આવી ફિલ્મો સતત આવતી હોય અને ત્યાં ‘પ્રે.ર.ધ.પા.’ જેવી ફિલ્મ આવી જાય ત્યારે સુખદ આશ્ચર્ય લાગે છે. સૂરજ બડજાત્યા પોતે પ્રચારમાં ઓછા માને છે. પોતે શરમાળ અને અંતર્મુખી છે. વળી, એને શાહરુખ ખાન, મહેશ ભટ્ટ કે ગુલઝારની જેમ સારું બોલતા આવડતું નથી. મિડિયા મેનેજ કરતાં આવડતું નથી. શાહરુખ ખાને તાજેતરમાં કેટલીક ઘટનાઓ પરથી દેશમાં અસહિષ્ણુતા હોવાની વાત કરી, પરંતુ વર્ષ ૨૦૧૩માં રાજદીપ સરદેસાઈ (જેના ઇન્ટરવ્યૂમાં શાહરુખે અસહિષ્ણુતાની વાત કરેલી) જેના હેડ હતા તે સીએનએન-આઈબીએન ચેનલે તે વખતે જમ્મુ-કાશ્મીરમાં સ્ત્રીઓના ખાસ બેન્ડ- પ્રગાશ પર કટ્ટરવાદી મુસ્લિમોએ પ્રતિબંધ મૂક્યો અને પછી ધમકી મળી એટલે બેન્ડ જ સાવ બંધ થઈ ગયું તેમજ કમલ હાસનની ‘વિશ્વરૂપમ્’ સામે મુસ્લિમોના વિરોધ પછી અનેક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ લાગ્યો હતો તે અંગે વારંવાર સવાલ પૂછાયો તો શાહરુખે ત્યારે પોતાની ફિલ્મની જ વાત કરવા કહ્યે રાખ્યું હતું! (એ વિડિયો જોવા આ લિંક પર ક્લિક કરો: https://www.youtube.com/watch?v=V-5ZrYMbaaI)
એટલે સૂરજ બડજાત્યાની ફિલ્મની મજાક ઉડાવવાનું શરૂ થઈ ગયું. ‘હમ આપ કે હૈ કૌન!’ વખતેય મજાક ઉડાવાયેલી. આ ફિલ્મ તો લગ્નનું આલબમ છે. વગેરે વગેરે. પણ દર્શકોએ શું કરેલું? ‘હમ આપ કે હૈ કૌન!’ને એ વર્ષની જ નહીં, હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં સૌથી સુપરડુપર હિટ ફિલ્મો પૈકીની એક બનાવી દીધેલી. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. અત્યારે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ગણીગાંઠી ફિલ્મો આવે છે અને પરિવારમાં વિભક્ત કુટુંબોમાંય વિભક્તતા આવી રહી છે ત્યારે પરિવારમાં ભાઈ-બહેનો વચ્ચે થોડું જતું કરીને પણ સંપ રાખવાનો સંદેશો આપીને શું સૂરજ બડજાત્યાએ ગુનો કર્યો છે? ફિલ્મ સમીક્ષકો લોજિકની વાત કરે છે. એ તો અનેક હિન્દી ફિલ્મોમાં નથી હોતું? શું ‘રાગિણી એમએમએસ-૨’ કે ‘ગુડ્ડી કી ગન’માં એ છે? ‘માંઝી’ અને ‘મસાન’ જેવી ફિલ્મોમાં એ હોય તો પણ કેટલા લોકોને પસંદ પડે છે? હકીકત એ છે કે ‘મધર ઇન્ડિયા’ જેવી અપવાદ ફિલ્મોને બાદ કરતાં ૨૦૦થી લઈને ૨૫૦ જેટલા રૂપિયા ખર્ચીને વાસ્તવિક ફિલ્મોને જોવાનું દર્શકો પસંદ કરતા નથી. લોકોને મનોરંજન જોઈએ છે. એટલે લોજિકની દલીલ પણ હંમેશાં ખોટી સાબિત થઈ છે.
કદાચ કોન્વેન્ટિયા સમીક્ષકોને ફિલ્મના નામ સામે પણ વાંધો છે જેને ટ્વિસ્ટ કરીને મીરાના ભજન ‘રામ રતન ધન પાયો’માંથી ‘પ્રેમ રતન ધન પાયો’ કરી નખાયું છે. અત્યારે મોટા ભાગે ‘મુંબઈ કેન ડાન્સ સાલા’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ઓહ માય ગોડ’, ‘ઓલ ઇઝ વેલ’, જેવા અંગ્રેજી મિશ્રિત હિન્દી નામોવાળી ફિલ્મો આવતી હોય ત્યારે શુદ્ધ રાજસ્થાની નામ કેવી રીતે રાખી શકાય?
અત્યારે લાંબા લેખો કે લાંબી ફિલ્મો જોવાતી નથી એ પણ એક ‘મિથ’ જે ઉપરના સ્થાને બેઠા છે તેમણે લોકોના માથે ઠોકી બેસાડ્યું છે. સારું હોય તો લાંબા લેખ પણ વંચાય જ છે અને લાંબી ફિલ્મ પણ જોવાય જ છે. એનું સૌથી મોટું ઉદાહરણ જય વસાવડા કે નવલકથાકાર મહેશ યાજ્ઞિકથી બીજું કયું હોઈ શકે? ડેઇલી મેઇલ નામના બ્રિટનના ટેબ્લોઇડ પ્રકારના સમાચારપત્રની વેબસાઇટ પર મોટા ફોટા સાથે લાંબા લાંબા સમાચાર હોય છે અને ગુજરાતી પત્રકારોથી લઈને હિન્દી-અંગ્રેજી પત્રકારો માટે સમાચારનો એ એક મોટો સોર્સ છે. ઘણી વાતો ટૂંકાણમાં નથી કહી શકાતી. એને નિરાંતે કરવી જરૂરી હોય છે.
દરેક વાતમાં સેક્સ ટર્મિનોલોજીને ઘસડી લાવવી, ફિલ્મને એ એંગલથી જ જોવી, હિન્દુ પરંપરાને મજાક બનાવી ઉતારી પાડવી એ આ કોન્વેન્ટિયા સમીક્ષકોની રીત બની ગઈ છે.http://www.hindustantimes.com/bollywood/prem-ratan-dhan-payo-sonam-s-sanskari-orgasm-salman-khan-s-dance/story-ZgcKLTMAbvgmzjABnGJtdJ.html આ વાંચો. એમાં સંસ્કારી ઓર્ગેઝમ શબ્દ વપરાયો છે. એ કહે છે કે તમારા હત્યારાને ટોલરેટ (સહવો) કરવો કેટલો યોગ્ય છે? અને આ જ લેખમાં પાછો સલમાન ખાન અને અનુપમ ખેરની ઇન્ટોલરન્સ કહી કહીને જે બૌદ્ધિકોએ એવોર્ડ પાછા આપ્યા તેની સામેની કૂચની હાંસી ઉડાવાઈ છે. અંગ્રેજી મિડિયા પાકિસ્તાન અને આતંકવાદીઓને ટોલરેટ કરવાની વાત કરે છે, પણ જ્યારે પરિવારમાં કોઈ ઝઘડા થાય, હત્યાના પ્રયાસ થાય તો તેને ટોલરેટ નહીં કરવાના, એમ?
તે કહે છે કે રાજતિલક આ જમાનામાં ન થાય એ રાજશ્રીને ખબર છે છતાં તે આ બતાવે છે. એનું કારણ છે કે આજે પણ રાજવી પરિવારના વંશજોમાં આ બધું થાય છે. એ જ સમીક્ષક શ્વેતા કૌશલે ‘ખૂબસૂરત’ની સમીક્ષામાં (http://www.hindustantimes.com/movie-reviews/movie-review-fawad-khan-kirron-kher-impress-but-fail-to-save-khoobsurat/story-YrBeFx9YJ0MThMQTsAwO5I.html) આ મુદ્દો કેમ ન ઉઠાવ્યો? ફિલ્મમાં ફવાદ ખાનનો ચાર્મ કે અભિનય બેમાંથી એકેય નહોતો પરંતુ એ પાકિસ્તાનનો હતો એટલે તેના વિશે લખ્યું કે તે ઇમ્પ્રેસ કરે છે? જ્યારે સલમાન ખાન ઘરનો કહેવાય. એને તો ઉતારી જ પાડવાનો હોય?
જ્યારે કોઈ ગામડા કે નાના શહેરની વ્યક્તિ કોઈને મળવા જાય ત્યારે તેના માટે કોઈ ને કોઈ ભેટ સોગાદ લેતા જાય છે. સલમાન ખાન તેની પ્રિય વ્યક્તિ રાજકુંવરી મૈથિલી માટે કંઈક લઈ જવા માગે છે, પરંતુ શું તે ખબર નથી. એટલે એ કહે છે ક્યા ક્યા ખરીદે હમ ક્યા ના ખરીદે હમ ક્યા દે નિશાની યે હૈ મુશ્કિલ. એમાં એ ચીજવસ્તુઓ વેચતો ફેરિયા જેવો ક્યાંથી બની ગયો?
‘પ્રે.ર.ધ.પા.’માં સૂરજ બડજાત્યાએ એક એક વાતનું બારિકીથી ધ્યાન રાખ્યું છે. એ વાતનો કોઈ ઈનકાર નહીં કરી શકે કે રજવાડાં ચાલ્યાં ગયાં પરંતુ રાજાઓના વંશજોમાં આજે પણ રાજતિલક થાય છે, ગાદી સોંપાય છે. રાજાઓ પાછા ક્રાંતિ કરવા માગે છે તેવા મતલબની વાર્તા કહેતી ‘ગુલાલ’ ફિલ્મ પણ અનુરાગ કશ્યપની આવી ગઈ. તાજેતરમાં ‘પ્રે.ર.ધ.પા.’ની હિરોઇન સોનમ કપૂરની જ ‘ખૂબસૂરત’ ફિલ્મ પણ રાજાની વાર્તા પર જ હતી ને! સૂરજભાઈએ એ ધ્યાન રાખ્યું છે કે ફિલ્મમાં રાજકુમાર-રાજકુમારી-દીવાનની બોલવાચાલવાની ઢબ કેવી હોય. એ વાતનો પણ ઈનકાર ન થઈ શકે કે ઘણા રાજાઓના વંશજો પાસે આજે પણ બેશુમાર સંપત્તિ છે. અને સંપત્તિ હોય ત્યાં ઝઘડા હોવાના જ.
અને એક કહેવાતા સમીક્ષકે લખ્યું છે કે અહીં સગા ભાઈની ગેમ થાય છે, પણ એવું નથી. અજયસિંહ (નીલ નીતિન મૂકેશ)ને તેના ભાઈ પ્રત્યે પ્રેમ છે જ, પણ ચિરાગસિંહ (અરમાન કોહલી)ના ડબલ ક્રોસના કારણે તેના મનમાં સલમાન ખાન પ્રત્યે દ્વેષ ભરાઈ ગયો છે. એ વાત સાચી કે વૃદ્ધના ભરોસે રાજકુંવરની સુરક્ષા છોડીને જવાઈ નહીં, પરંતુ દીવાન (અનુપમ ખેર) એવા આત્મવિશ્વાસમાં રહ્યા કે બધા એમ સમજે છે કે રાજકુંવર તો મરી ગયા છે, એટલે તેમની સુરક્ષા વૃદ્ધના ભરોસે મૂકી શકાય. બહેનો મહેલ આપવાની વાતથી માની જાય છે, એ વાત પણ કેટલાકના ગળે ઉતરી નથી. એમનો વિરોધ તેમને ન મળેલા હક સામે હતો. પરિવારના સભ્ય તરીકે ગણવા જ ઈનકાર કરી દેવાયો હતો. અને સ્ત્રીઓ આમેય લાગણીની વધુ ભૂખી હોય છે. એવામાં રાજકુમાર તરીકે ગોઠવાયેલા પ્રેમ દિલવાલેએ મહેલની ઓફર કરી તેમાં તે મહેલ કરતાંય તેણે જે પ્રેમ દેખાડ્યો તેના લીધે તે માની ગઈ. નાની બહેન તો ફૂટબોલ રમવામાં જ માની ગઈ હતી.
આ ફિલ્મ ખરેખર તો સલમાન ખાનનો રાજ કપૂર પ્રકારના રોલમાં બીજી વાર પ્રવેશ છે. રાજ કપૂરનાં પાત્રો જેમ પ્રેમથી બધી વાતો મનાવતા (જિસ દેશ મેં ગંગા બહતી હૈ) તેમ સલમાને પહેલાં ‘બજરંગી ભાઈજાન’માં પાકિસ્તાનમાં પ્રગટપણે જઈને ત્યાંની બાળાને એનાં માબાપને સોંપી. અને અહીં એ પ્રેમના શસ્ત્ર વડે જ મનથી દૂર થયેલાં ભાઈ-બહેનોને એક કરે છે.
સલમાન ખાનનો સોનમ સાથે રોમાન્સ અને અનુપમ ખેર સાથે કોમેડી એ બંને માણવાલાયક છે. પરંતુ શુદ્ધ દેશી રોમાન્સ આજના અર્બન ફિલ્મ રિવ્યૂઅરને પચતો નથી. એમને તો ચુમ્માચાટી અને એગ્રેસિવ સેક્સનાં દૃશ્યો જ જોવા ગમતા હોય તેવું લાગે છે. એમને મન કુલા પર ફાઇલ મારવી કે ફૂલોની પથારી પર સૂવું એ કોઈક અલગ દુનિયામાં લટાર મારવા જેવું છે. તેઓ સલમાન અને સોનમની ઉંમરને પણ ટાંકે છે. સલમાનની ઉંમર ભલે ગમે તે હોય, તેનો દેખાવ, તેની પર્સનાલિટી શાહરુખ ખાનની જેમ ઘરડી નથી લાગતી. આ સમીક્ષકો હંમેશાં પોતાના રિવ્યૂમાં સલમાન ખાન, અક્ષયકુમાર, અજય દેવગનના બીજા કોઈ વાંક નહીં કાઢી શકે એટલે તેમની અને તેમની હિરોઇનોની ઉંમરનો વાંક કાઢશે. પરંતુ શાહરુખ ખાન ‘ચેન્નાઇ એક્સ્પ્રેસ’માં દીપિકા સામે કે ‘રઈશ’માં માહિરા ખાન સામે કામ કરે છે તે તેમને નહીં દેખાય. ભૂતકાળમાં પણ દિલીપકુમાર, અમિતાભ, જિતેન્દ્ર, શત્રુઘ્ન, ધર્મેન્દ્ર જેવા હીરોએ તેમની અડધી ઉંમરની હિરોઇનો સાથે કામ કર્યું જ છે. અને જ્યારે ફિલ્મ સારી હોય તો દર્શકોએ આ વાતને ઇગ્નોર કરી છે. અને સલમાન ખાને તો અગાઉ પણ કેટરીના કૈફ, સોનાક્ષી સિંહા, કરીના કપૂર, જેક્વેલીન ફર્નાન્ડિઝ, ડેઇઝી શાહ, અસીન, ઝરીન ખાન, આયેશા ટકિયા સાથે કામ કર્યું જ છે. તેમાં મોટી વાત શું છે? આ પ્રકારના કોન્વેન્ટિયા પત્રકારોને દિગ્વિજયસિંહ અમૃતા રાય સાથે લગ્ન કરે તેનો વાંધો ન હોય તો પછી યુવાન દેખાતા સલમાન પડદા પર તેનાથી નાની ઉંમરની સોનમ સામે રોમાન્સ કરે તેમાં વાંધો શું છે?
ગ્રીન સલાડ જેવું ડાયેટ ફૂડ છરી કાંટાથી ખાવા કરતાં નીચે બેસીને હાથેથી જમતા દેખાડવું અને તેને મહત્ત્વ આપવું એ આ સમીક્ષકોને પચ્યું નથી.
‘તેરે નામ’ પછી લગભગ ૧૨ વર્ષના ગાળે હિમેશ રેશમિયાએ પણ ઉત્તમ કર્ણપ્રિય સંગીત આપ્યું છે. (વચ્ચેના ગાળામાં અનેક સુપરહિટ આલબમ આવ્યાં પણ કર્ણપ્રિય સંગીત નહીં) એકએક ગીત એકએકથી ચડિયાતું! ફિલ્મના સંગીતની સ્વતંત્ર પોસ્ટ અગાઉ લખેલી જ છે. (એ વાંચવા અહીં ક્લિક કરો:(Prem Ratan Dhan Payo Music: Full Of Surpriseshttp://jaywantpandyasblog.blogspot.in/2015/11/prem-ratan-dhan-payo-music-full-of.html)
‘જબ વી મેટ’, ‘લવ આજ ઔર કલ’, ‘આશિકી ૨’માં સારાં સારાં ગીતો આપનાર ઈર્શાદ કામિલ પાસે પણ સુંદર અર્થપૂર્ણ શબ્દોવાળાં ગીતો લખાવ્યા છે. જેમાં કોઈ મૌલા, ખુદા, બંદગી, ઈબાદત, કુબૂલ, અલ્લાહ, રહેમ જેવા શબ્દો આવતા નથી. આ શબ્દો સામે વાંધો નથી, પરંતુ જો એ માટે એવી ફિલ્મ કે એવું પાત્ર હોય. પણ અત્યારે તો ગમે તે ફિલ્મમાં સૂફી સંગીતના નામે હિન્દુ પાત્ર હોય તો પણ આવાં શબ્દો ઘૂસાડી દેવાય છે.
રહી વાત સોનમ કપૂરની. એ ડિરેક્ટરની અભિનેત્રી છે. એનો અર્થ એ કે જો ડિરેક્ટર સારા હોય તો એની પાસે ઉત્તમ કામ કઢાવી શકે. સંજય લીલા ભણશાળીએ ‘સાવરિયા’માં અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ‘દિલ્લી ૬’માં એની પાસે ઉત્તમ કામ કઢાવેલું જ છે. સૂરજ બડજાત્યાએ પણ ‘હમ સાથ સાથ હૈ’માં, એ સમયગાળામાં કરિશ્મા કપૂર ‘ખુદ્દાર’ અને ‘રાજાબાબુ’માં જેવા રોલ કરતી, તે કરતાં અલગ ભૂમિકા કરાવડાવેલી. સોનાલી બેન્દ્રે અને તબુને અલગ રૂપમાં રજૂ કરેલી. તેમ અહીં સોનમ કપૂરના પાત્ર, તેના અભિનય પર સૂરજની છાપ દેખાય છે. બાકી પ્રોડક્શન વેલ્યૂ, કેમેરાવર્ક, સેટ બધું તો ભવ્ય છે.
સમીક્ષકો જે કહે તે, પણ દર્શકોને ફિલ્મ ગમી છે (દર્શકોની પ્રતિક્રિયા જુઓ:http://indianexpress.com/videos/entertainment-video/viewers-react-to-prem-ratan-dhan-payo/). અને તેમણે વધુ એક વાર સલમાનને ટોચના સુપરસ્ટાર તરીકે મૂકી દીધો છે. મોટા ભાગે હિન્દી બોલતાસલમાનની સામે આ અંગ્રેજી મિડિયા અને તેના કારણે અન્ય મિડિયા ભલે અંગ્રેજી ફાંફડુ બોલી શકતા શાહરુખને સુપરસ્ટાર તરીકે ચિતર્યા રાખે.
અહીં બીજા કેટલીક સમીક્ષાઓની લિંક પણ આપીએ છીએ અને જુઓ કે એમાં હિન્દુ પરંપરા, રીતિરિવાજ, સંસ્કાર, સભ્યતાને કેટલી અને કઈ હદે ઉતારી પાડવામાં આવી છે.
(૧) ઇન્ડિયન એક્સ્પ્રેસ – http://indianexpress.com/article/trending/trending-in-india/5-reasons-why-sooraj-barjatyas-prem-ratan-dhan-payo-is-not-sanskari-enough/
(૨) મુંબઈ મિરર- http://www.mumbaimirror.com/entertainment/bollywood/Film-review-Prem-Ratan-Dhan-Payo/articleshow/49774631.cms