યુ-ટ્યુબ પર પ્રકાશિત વિડીયો ….અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ …વિનોદ પટેલ
સ્વ. મકરંદ દવે ..સાંઈ
મારા પુસ્તક સંગ્રહમાં સાંઈ મકરંદ દવે લિખિત મને ગમતું એક સરસ પુસ્તક ” ભજન રસ ” છે. એમાં ઘણાં જુનો ભજનો ઉપર એમણે જે ટીકા એટલે કે રસદર્શન કરાવ્યું છે એ ખુબ જ મનનીય અને પ્રેરક છે.
આ પુસ્તક માંથી નરસિંહ મહેતાનું એક પદ ” અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ” ને નિવૃત્તિમાંશરુ કરેલ એક નવી પ્રવૃત્તિ તરીકે તારીખ 3 ઑગ, 2015 ના રોજમેં અપલોડ કરેલ પાંચમા યુ-ટ્યુબ વિડીયોમાં મને આવડ્યું એવું મેં ગાયું છે અને એ પછી આ ભજનના મકરંદ દવે ના રસસ્પદ રસ દર્શન નું પઠન પણ કર્યું છે.
મને આશા છે આ વિડીયો આપને ગમશે.
(વિડીયોમાં અવાજ કાને સાંભળવામાં ધીમો લાગે તો ઈયર ફોનની મદદથી એ સારી રીતે સાંભળી શકાશે.)
તત્વવેત્તા નરસિંહ મહેતાના આ જાણીતા ભજનનો પૂરો પાઠ નીચે વાંચો અને મારી સાથે તમે પણ ગાવાનો આનંદ લો.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,… નરસિંહ મહેતા
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે; મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈયો એ જ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…