ગુરુપુર્ણીમા એટલે ? ગુરુની ભક્તી નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ
‘ગુરુપુર્ણીમા એટલે ?
ગુરુની ભક્તી નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ’
–રોહીત શાહ
ગયા વર્ષે ગુરુપુર્ણીમાના પર્વપ્રસંગે મેં એક લેખ લખ્યો હતો, એનું શીર્ષક હતું: ‘ગુરુપુર્ણીમા ગુરુની પુજા કરવા માટેનો દીવસ નથી; એ તો ગુરુની પરીક્ષા કરવા માટેનો દીવસ છે.’
આજે એ જ અનુસન્ધાનમાં આગળ વધવાનો ઈરાદો છે. ગુરુ એટલે સૌથી આદરપાત્ર વ્યક્તી. ગુરુ એટલે હૈયાના ઉમળકાપુર્વક ભક્તી કરવા યોગ્ય પાત્ર. આદર અને ભક્તી બન્ને અનલીમીટેડ કમ્પનીઓ જેવાં છે. કોઈક એક જ ફીક્સ દીવસે જ અને કોઈ એક જ ફીક્સ ટ્રેડીશન પ્રમાણે ભક્તી અને આદર વ્યક્ત કરી દેવાનાં ન હોય. ગુરુને જોઈને તેમના ગંધાતા પગમાં આળોટવા મંડી પડવું એ કાંઈ ગુરુભક્તી નથી. ગુરુને જોતાં જ આપણા ચહેરા પર કૃતજ્ઞતા છલકાય અને આંખો આદરભાવનો અભીષેક કરવા લાગે એ સાચી ગુરુભક્તી છે. બીજા લોકો ગુરુભક્તી કરે છે એટલે મારે પણ કરવી જોઈએ એમ સમજીને અથવા ગુરુજી સ્વયમ્ આગ્રહ કરે છે માટે હું તેમની સેવા–પુજા–ભક્તી કરું એમ નથી સોચવાનું. એમાં તો દમ્ભ, ભય, લાલચ, પ્રદર્શનવૃત્તી, ગુપ્ત અહંકાર ઘણું બધું પ્રવેશી જશે. શુદ્ધ ભક્તી અને સાચો આદર બહાર રહી જશે અને ગુરુભક્તીનાં ધતીંગોનો વીકૃત સેલાબ આવશે !
ગુરુની પરીક્ષા કરો
ગુરુની ભક્તી માત્ર ગુરુપુર્ણીમાના એક જ દીવસ માટે કરીએ તો આપણે અધુરા–વામણા ગણાઈએ. ગુરુભક્તી તો સતત, નીરન્તર કરવાની હોય. આજનું પર્વ તો ગુરુની પરીક્ષા કરવાનું પર્વ છે. જે ગુરુની આપણે હવે પછી લાઈફટાઈમ સેવાભક્તી કરવા ઉત્સાહી–હરખપદુડા છીએ, તે ગુરુ આપણી સેવાભક્તી માટે સુપાત્ર છે કે નહીં; કાબીલ છે કે નહીં એ ચકાસવાનું પર્વ એટલે ગુરુપુર્ણીમા. ઘરકામ માટે એક નોકર રાખીએ તોય તેની ટેસ્ટ લઈએ છીએ. કોઈ બીમારીનો ઈલાજ કરવામાં ડૉક્ટર નીષ્ફળજાય તો તરત આપણે બીજા ડૉક્ટરની પાસે જઈને તેની ટ્રીટમેન્ટ લઈએ છીએ. સોનું ખરીદતી વખતે કોઈ શાણો માણસ જરાય બેદરકારી ન રાખે. હૉલમાર્કનો સીક્કો હોય તોય પોતે છેતરાઈ તો નથી રહ્યોને, એની ચકાસણી કરે છે. યસ, ગુરુપુર્ણીમા એટલે ગુરુની ભક્તી કરવાનું નહીં, તેમની કસોટી કરવાનું પર્વ ! હવે તમે આ સત્ય સમજીગયા હશો.
જો તમને કોઈ પાખંડી ગુરુ ભેટી ગયો હશે તો તે તમને બીવડાવશે, નરકનો ભય બતાવીને પોતાનાં નેત્રો લાલઘુમ કરીને કહેશે : ‘મુર્ખ ! તું ગુરુની પરીક્ષા કરવા નીકળ્યો છે ? તારી ઓકાત શી છે ? ગુરુની કસોટી કરવા જઈશ તો રૌરવ નરકમાંય તને જગ્યા નહીં મળે ! તું મહાપાપી પુરવાર થઈ જઈશ.’
મુની કે મુનીમ ?
આવી ધમકી કે ભય આપે તેવા ગુરુના નામ પર ચોકડી મુકી દેવાની. ગુરુનું કામ જ્ઞાન આપવાનું છે, ધમકી આપવાનું નથી. ગુરુનું કામ માર્ગ બતાવવાનું છે, ભય પમાડવાનું નથી. સાચો ગુરુ તો તે છે જે આપણને ભયમુક્ત કરે, નીર્ભય અને નીર્દંભ બનાવે. જે ગુરુ પોતાના નામે કે ગુરુના નામે ટ્રસ્ટો ચલાવીને બારે મહીના ફંડફાળા ઉઘરાવ્યા કરતો હોય તે તો મુની નથી; મુનીમ છે. ગુરુ તે નથી, જે ચપટીઓ વગાડીને ફાલતુ આજ્ઞાઓ કરતો હોય અને શીષ્ય તે નથી, જે ગુરુની વાહીયાત આજ્ઞાઓને માથે ચઢાવ્યા કરતો હોય. ફંડફાળા કરનારા અને ફાલતુ આજ્ઞાઓ કરનારા ગુરુથી સાવધ રહેવું જોઈએ. લાંબો–મોટો પલાંઠો લગાવીને ઉંચા આસને ગોઠવાઈ જાય અને પોતાની નવ અંગે પુજા કરાવે, કીમતી ભેટ સોગાદો સ્વીકારે, વધારે કીમતી ભેટ આપનાર ભક્તને વધારે વહાલ કરે અને મોં પર કડવું સત્ય ઉચ્ચારનારને આઘો રાખે તેવા ગુરુથી તો આપણે સ્વયમ્ જ આઘા રહેવું જોઈએ. એમાં જ આપણી સેફ્ટી છે.
ગુરુ દ્રોણથી નફરત
જ્યારે–જ્યારે ગુરુની વાત નીકળે છે ત્યારે–ત્યારે મને ગુરુ દ્રોણ યાદ આવે છે. ગુરુદ્રોણનું ચીત્ર જોઈનેય મારું તો લોહી ઉકળી ઉઠે છે. એકલવ્ય રાજકુમાર નહોતો એટલે તેને ધનુર્વીદ્યા શીખવાડવાની ના પાડનાર ગુરુ દ્રોણને પછીથી ખબર પડે છે કે આ એકલવ્ય તો મારા પ્રીય શીષ્ય અર્જુનના સામર્થ્યને ઓવરટેક કરી શકે તેવો સમર્થ છે, ત્યારે તેના જમણા હાથનો અંગુઠો ગુરુદક્ષીણા રુપે માગી લઈને તેની સાથે ઘોર અન્યાય અને અત્યાચાર કર્યો હતો. અર્જુન તેમને એટલા માટે પ્રીય હતો કે તે રાજકુમાર હોવા ઉપરાન્ત આજ્ઞાકારી અને નીશાનબાજ હતો. હોશીયાર અને સમર્થ શીષ્ય પ્રત્યે પક્ષપાત કરે તે સાચો ગુરુ નથી. નબળા અને ગરીબ શીષ્ય પ્રત્યે વહાલ વહાવે, સમભાવ રાખે તે સાચો ગુરુ હોઈ શકે છે.
કૌરવો–પાંડવોની વચ્ચે જુગાર ખેલાયો, દ્રૌપદીને દાવ પર મુકવામાં આવી અને દુ:શાસન દ્વારા દ્રૌપદીનું ચીરહરણ થયું એ સમગ્ર ઘટનાક્રમ વખતે ગુરુ દ્રોણ સભામાં ઉપસ્થીત હતા છતાં; તેમણે કોઈને રોક્યા–ટોક્યા નહીં. કાયરતાભર્યું મૌન સેવીને બેસી રહ્યા. આવા સ્વાર્થી અને કાયર ગુરુઓ હોય તોય શું અને ન હોય તોય શું? મીંઢા અને લુચ્ચા, લાલચુ અને ડરપોક ગુરુથી દુર રહે તે સાચો ગુરુભક્ત છે.
ગુરુદ્રોણે એકલવ્યનો અંગુઠો દક્ષીણામાં માગી લઈને એકલવ્યને સામર્થ્યહીન કરી દીધો તથા દ્રૌપદીની લાજ લુંટાતી જોઈનેય પોતે મૌન રહ્યા આ બે બાબતો માટે તેમને કદી માફ ન કરી શકાય. આમેય શીષ્ય ભુલ કરે તો માફ કરી શકાય (કારણ કે તે અજ્ઞાની છે); કીન્તુ ગુરુ કોઈ ગુસ્તાખી કરે તો તેને માફ ન કરી શકાય(કારણકે તે તો જ્ઞાની છે, જાણકાર છે).
શીષ્ય ભોળાભાવે ગુરુ માટે ગીફ્ટ લાવે તો તેને માફ કરી દેવાય; પણ ગુરુએ તેને કહેવું જોઈએ કે હું આ બધું ત્યાગીને સંયમને માર્ગે ચાલી રહ્યો છું. તું મને કોઈ પણ ગીફ્ટ આપે તો તને દોષ (પાપ) લાગે. ભક્ત તરફથી મળતી ગીફ્ટ વખતે ભક્તને આવી ચેતવણી આપીને, કોઈ પણ સંજોગોમાં ગીફ્ટનો અસ્વીકાર કરનારા ગુરુઓ કેટલા ?
ગુરુઓ કાયર બનીને કેમ બેઠા છે ?
દ્રૌપદીના વસ્ત્રહરણ પ્રસંગે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય જેવા ગુરુઓ કાયર બની રહ્યા હતા. આજે પણ હજારો ગૅન્ગ–રેપની ઘટનાઓ સામે હજારો ગુરુઓ કાયર બની બેઠા છે. ત્યાગી–સંયમી, કહેવાતા મહાત્માઓ વગેરેને માથે નોકરી–વ્યવસાયની કે ફૅમીલીની કોઈ જવાબદારીનું બર્ડન તો હોતું નથી ! એવા લોકો દુરાચારીઓને સજા કરાવવા કેમ મેદાનમાં ઉતરતા નથી ? શ્રેષ્ઠ ગોચરી અને છપ્પનભોગ આરોગનારા ગુરુઓ સરકાર સામે ભુખહડતાળ કરે, મરણાંત અનશન કરે તો અન્યાય–અત્યાચારના ટાંટીયા ઢીલા પડે જ.
ઉંચા આસને બેસીને ભક્તોને વાહીયાત ઉપદેશો આપવા,પોથી–વૈકુંઠનાં અવાસ્તવીક ખ્વાબો બતાવવાં, ફંડફાળા ઉઘરાવવા – આ બધાં કામ સહેલાં છે અને અર્થહીન પણ છે. જે ગુરુઓ આવાં કાર્યો કરતાં ફરે છે તે ગુરુઓ સ્વયમ્ નરકના અધીકારી બનશે એવી ખુલ્લી ચેતવણી આપણે અવશ્ય આપી શકીએ.
ચમત્કારો કરીને વહેમો ફેલાવવાનો કારોબાર કરતાં ગુરુઓથી વેગળા રહેવું એ અધ્યાત્મનો સાચો માર્ગ છે. આટલું નાનકડું સત્ય ગુરુપુર્ણીમાના પર્વપ્રસંગે પ્રત્યેક આત્માર્થીએ આત્મસાત્કરવું જોઈએ.
–રોહીત શાહ
મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (12 જુલાઈ, 2013
નામ આશિષ અશોક ગોયલ. હાલ લંડનમાં રહેતો આ મુંબઈના પરા મલાડનો યુવાન જે. પી. મોર્ગનનો પહેલો પ્રજ્ઞાચક્ષુ ટ્રેડર બન્યો. કદાચ વિશ્ર્વની કોઈ પણ બૅન્કનો એ પહેલો પ્રજ્ઞાચક્ષુ બૅન્કર હોય તો પણ નવાઈ નહિ. હાલ આ હિંમતબાજ જે. પી. મોર્ગનની ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસમાં પોર્ટફોલિયો મેનેજરની કામગીરી બજાવે છે.



