પ્રગતીરોધક માન્યતાઓ – 3
નસીબવાદ
–સુબોધ શાહ
(ગત લેખાંક : 10 ના અનુસન્ધાનમાં)
પ્રગતીરોધક માન્યતાનું ત્રીજું પાસું છે એની સાથે જોડાયેલો પ્રારબ્ધવાદ.
‘નસીબમાં હશે તે થશે’, ‘લખ્યા લેખ કોણ ટાળી શકે?’, ‘પુર્વ જન્મનાં જેવાં
કરમ’ આવી વાતો આપણે બધા નાનપણથી વારમ્વાર એટલી બધી વાર સાંભળીએ છીએ કે
જાણ્યે અજાણ્યે એને ચીરકાલીન વીશ્વ–સીદ્ધાન્ત માની લઈએ છીએ. ભારતીઓને મન
પુરુષાર્થ વ્યર્થ છે; કારણ કે આપણે કશું કરી શકતા નથી, બધું આગળથી નક્કી
થયેલું હોય તે જ થાય છે. ગીતામાં ભગવાને જાતે કહ્યું છે તે કંઈ ખોટું હોય ?
પરીશ્રમ કે પુરુષાર્થ કરવાની કોઈ પ્રેરણા; ઉદ્યમ કરવાનો કોઈ હેતુ; પ્રયત્ન જારી રાખવાનું કારણ કે પ્રેરકબળ (Motivation) ભારતીય માનસમાં જન્મતું નથી, કદાચ જન્મે તો પોષાતું નથી.
પરન્તુ પરદેશી આક્રમણો સામે કે મુશ્કેલ પ્રશ્નો સામે તો Motivationની જ
જરુર સૌથી વધારે હોવાની. ગીઝની જેવો મોટો શત્રુ આવ્યો ત્યારે આપણે શરુઆતમાં
માન્યું કે સોમનાથ ભગવાન એને નષ્ટ કરશે. એથી ઉલટું જ કંઈ થયું; ત્યારે
માન્યું કે આપણું નસીબ જ એવું હશે. આપણાં આ કે તે જનમનાં પાપોની આ શીક્ષા
હશે, એનો કાંઈ ઉપાય નથી. આ પ્રકારની માન્યતાઓ
ખોટી તો છે જ; પણ વધુ ગંભીર પરીણામ એ છે કે એના લીધે આપણે આગળ વીચાર કરતા
અટકી જઈએ છીએ કે આપણા પરાજયનાં સાચાં કારણો શાં હતાં? હથીયારોની ખામી હતી? સૈનીકો ઓછા પડ્યા? શીસ્ત તુટી? વ્યુહરચના ખોટી હતી? કે પછી એ બધું જ? આવા પ્રારબ્ધવાદની સામે ખ્રીસ્તી ધર્મની પસન્દગી કરવાની છુટ (Free Will) ની માન્યતાની સરખામણી કરો. ‘તમે ચાહે તે રસ્તો લેવા મુક્ત છો’ The choice is yours.’ ઉપરાંત, ઈસ્લામની આક્રમક ફીલસુફી અને મહમદ પયગમ્બરનું જીવન સરખાવો. એ બન્ને સામે ભારતીય સમાજ કેમ નમી પડ્યો એ સ્પષ્ટ થઈ જશે.
નાની વયમાં મારી તન્દુરસ્તી વીષયક કોઈક
બાબતમાં શ્રદ્ધાળુ માતાપીતાએ ધર્મગુરુની સલાહ માગી. નીદાન મળ્યું કે મેં
પુર્વજન્મમાં કોઈ ગુરુની નીન્દા કરી હશે, એનું જ આ પરીણામ હોય. ઉપાય ? કોઈ
નહી. કર્મનું ફળ ભોગવ્યે જ છુટકો. જેવું જેનું નસીબ ! પ્રાયશ્ચીત્ત થાય ?
હા, ભગવાનની મુર્તીના અભીષેકનું જલ પુરી શ્રદ્ધાથી દવા તરીકે વાપરો. આ દવાથી બે ફાયદા થાય : રોગ મટે તો ધર્મમાં શ્રદ્ધાભક્તી વધે; ના મટે તો શ્રદ્ધા ઓછી હતી એમ સાબીત થાય !
નીષ્ક્રીયતા કે આળસ કરતાં નસીબવાદ વધારે
હાનીકારક છે. આપણી આળસ કે નીષ્ફળતાને સૈદ્ધાન્તીક પીઠબળ પુરું પાડીને એ
વાજબી ઠરાવે છે; નીષ્ક્રીયતાને એ ઉચ્ચ દરજ્જો પ્રદાન કરે છે; અને આપણને
ઉદ્યમ કરવાથી દુર રાખે છે. ‘મારી જીન્દગી જો મારા હાથમાં જ ના હોય તો
ઉદ્યોગ, મજુરી, મહેનત, એ બધી ઝંઝટમાં પડવાની શી જરુર? એવું કરીને પણ ફાયદો
થશે ખરો ?’ જે સમાજનું કલ્ચર આ જાતની વીચારસરણીનો પુરસ્કાર કરે, એ સમાજ
પ્રગતી, ધ્યેય કે વીજય ખાતર મરી ફીટવાની તમન્ના પ્રગટાવી શકે ખરો ?
કુદરત આગળ મનુષ્ય નીર્બળ છે. આકસ્મીક અને
અણધાર્યું પણ બને જ છે. હકારાત્મક વલણ, યોગ્ય અભીગમ અને ઉદ્યમ દાખવીને આ
બધામાં સુધારો કરી શકાય છે. માનવજીવનની ચડતીપડતીમાંથી છુટકારો નથી એ
નસીબવાદને શરણે જવાનું કારણ ન બનવું જોઈએ. આપણા ભવીષ્યનું ઘડતર આપણે ત્યારે
જ કરી શકીએ, જ્યારે આપણી જાતને નસીબનો શીકાર કે રમકડું કલ્પવાનું છોડી
દઈએ. બધી બાબતોમાં આપણુ જ ચાલવાનું નથી, એનો અર્થ એવો તો નથી જ કે કોઈ પણ
બાબતમાં આપણું ચાલવાનું નથી; એટલે આપણે એને છોડી દઈએ. સંપુર્ણ નીયન્ત્રણ
આપણા હાથમાં ના હોય છતાં; વધુ સારાં પરીણામોની શક્યતા વધારવા ખાતર આપણે
ઘણું બધું કરી શકતા હોઈએ છીએ. સક્રીયતા ને સુધારણા, ફરી કાર્ય, ફરી વધુ
સુધારણા, એ જ યોગ્ય રીતી છે. અગમચેતી લીધા પછી પણ નીષ્ફળતા મળે, તો એનો
નીર્ણાયક પ્રત્યુત્તર એ જ શ્રેષ્ઠ નીતી છે. આપણો પ્રબળ પ્રારબ્ધવાદી સમાજ આ
વ્યવહારુ સીદ્ધાન્ત કદી સમજ્યો નથી.
પ્રારબ્ધવાદ વીશે ત્રણ વાતો નોંધવા લાયક છે :
- તમે એને કદી ખોટો ઠરાવી ના શકો : જે કાંઈ
થાય તે જ થવા નીર્માયું હતું ! તમે ક્યાં જઈ રહ્યા છો એ તમને ખબર ન હોય,
ત્યારે બધા રસ્તા તમને ત્યાં જ પહોંચાડે.
- પ્રારબ્ધવાદ સ્વનીર્મીત ભાવી (
Self–fulfilling prophecy) ભાખે છે; શેરબજારની જેમ. એમાં બધાનો ઝોક મન્દી
તરફ હોય ત્યારે મન્દી જ થવાની.
- પ્રારબ્ધવાદ સાચો હોય તો નીતીની કે
ઈશ્વરની કૃપાની કે સ્વ-પસન્દગી (Free Will)ની જરુર જ નથી. જે થવાનું હતું
તે જ થઈને રહેવાનું હોય, તો આ ત્રણેય નીરર્થક છે. આ તો તદ્દન સહેલું
તર્કશાસ્ત્ર છે.
વીચારશુન્યતા :
અધ્યાત્મ અને પુનર્જન્મ વીશેની માન્યતાઓ એટલી બધી શ્રદ્ધા માગી લે છે કે ઘણીવાર એ વીચારશુન્યતાની હદમાં પહોંચી જાય છે.
મારા એક સુશીક્ષીત મીત્ર કહે, ‘ત્રણ જન્મો પુર્વે હું ફીન્લેન્ડમાં
માછીમાર હતો એમ એક જ્યોતીષીએ મને કહેલું’. એમને કોઈ કહે કે મારા ગામમાં
સાતમાળી મકાન છે, તો એ નહીં માને. પરન્તુ સાત સ્વર્ગ અને સાત નરકના
અસ્તીત્વ વીશે એમને કોઈ શંકા નથી. એ દરેકનાં નામ સુધ્ધાં એ જાણે છે.
વીચારશક્તીને ઘેર મુકીને જાઓ તો જ આપણાં મન્દીરોમાં પ્રવેશીને વાર્તાઓને
માણી શકો. ગયા જન્મનાં કે આવતા જન્મનાં રંગીન સપનાં ગુરુ તમને ખાતરીપુર્વક
બતાવી શકે; કારણ એની ખાતરી કરવા કોઈ જવાનું નથી એની ગુરુજીને ખાતરી છે.
ખાતામા બીલકુલ બેલેન્સ ન હોય તો પણ; 1૦૦ વરસ પછી જ વટાવી શકાય એવો એક કરોડ
રુપીયાનો ચેક આજે કોઈ પણ તમને આપી શકે છે.
ધર્મમાં શ્રદ્ધા હોવી એમાં કંઈ ખોટું નથી,
પરન્તુ યાદ રહે કે એ શ્રદ્ધા ફક્ત ઈશ્વરમાં નહીં; પણ એના નામે ધંધો કરનારા
ભક્તોમાં, સાધુઓમાં, પુરાણોમાં, પુનર્જન્મમાં, ચમત્કારીક વાર્તાઓમાં અને
વીધીઓ ને રીવાજોના બખડજન્તરમાં તમને દોરી જાય છે. આ બધાંમાં સારાપણાના અલ્પાંશ સાથે મુર્ખતાનો અધીકાંશ હોય છે.
શ્રદ્ધાનો સુતરનો તાંતણો સામાન્ય સમજથી દુર દુર માઈલો જેટલો ખેંચો ત્યારે
તે તુટી જશે. તુટશે નહીં તો દરેક પ્રકારની વીચારશુન્યતા અપનાવી લેવાની ટેવ
પાડશે. પરંતુ દુન્યવી વાસ્તવીકતા હજી સુધી ઘણાના માનસમાં પ્રવેશી શકી નથી.
કેટલીક હાનીકારક ને સુપ્રચલીત એવી
માન્યતાઓની આ નાનકડી અને અપુર્ણ યાદી હતી, જેણે ભારતીય સમાજને સદીઓથી જકડી
રાખ્યો છે. એમનો પ્રચાર–પ્રસાર કરનાર હજારો કથાઓ, પુરાણો, ફીલ્મો, ગુરુઓ,
આશ્રમો, દેશમાં ઠેરઠેર પથરાયેલાં છે. એમની રુઢીગ્રસ્ત કથાઓ, ચીલાચાલુ વાતો,
બીબાંઢાળ સુત્રોચ્ચારો, એ બધાં જનતાનાં રોજનાં ખોરાક–પાણી બની ગયાં છે. આ
બધાંના તાણાવાણા વણાઈને આપણા સંસ્કારોનું પોત પ્રગટ્યું છે. એ વસ્ત્રની
મજબુતી ને ગુણવત્તા તપાસીને એને માપવા ને મુલવવાની આજે તાતી જરુર છે.
–સુબોધ શાહ