જો જો અભરાઈ પુસ્તકોનું કબ્રસ્તાન ન બની રહે ! – દિનેશ પંચાલ
‘તોફાનો થાય છે ત્યારે બધું લૂંટાય છે પણ પુસ્તકોની દુકાન લૂંટાતી નથી!’ એવું શ્રી વિનોદ ભટ્ટે કહ્યું છે. વિનોદભાઈ, ટેસ્ટની વાત છે. બગલો કદી મોતીને ચાંચ મારતો નથી પણ માછલીને તુરત ઝડપી લે છે. અહીં જ્ઞાનની લૂંટમાં કોઈને રસ નથી. લાઈબ્રેરીને હું જ્ઞાનનું લોકર કહું છું. બૅંકના લોકર લૂંટાય છે, લાઈબ્રેરી લૂંટાતી નથી ! જે દિવસે માણસની મનોભૂમિ પર વિચારોનું તોફાન જાગશે તે દિવસે પુસ્તકો શસ્ત્રો જેટલાં ઉપયોગી બનશે. હુલ્લ્ડો કે રમખાણોમાં ભાલા, તલવારોની જરૂર પડે છે, તેટલી જરૂર વૈચારિક યુદ્ધમાં પુસ્તકોની પડે છે. વકીલોના ઘરોમાં કાયદાઓના થોથાંઓથી આખું કબાટ ભરેલું હોય છે. કવિ યા લેખકોના ઘરમાં ય નાનકડી લાઈબ્રેરી હોય છે. પુસ્તકો સાહિત્યકારોનો ખોરાક હોય છે ! જર્મન મહાકવિ ગેટે તેના ઓરડામાં કવિ કાલિદાસનું ‘શાકુન્તલ’ માથે મૂકીને નાચ્યો હતો.
પુસ્તકો કોઈ કુશળ પ્રોફેસરની જેમ આપણને જીવનનાં કડવાં મીઠાં રહસ્યો સમજાવી જાય છે. જેમણે પુસ્તકો જોડે દોસ્તી કેળવી હોય એવો એકાકી માણસ કદી એકલવાયો હોતો નથી. એને તો કવિ ‘આનંદે’ લખ્યું છે તેમ ‘એકાન્તે પણ મેળા હોય છે!’ એક સારું પુસ્તક વંચાઈ ગયા બાદ અભરાઈ પર ધૂળ ખાતું પડી રહે તેમાં એના અસ્તિત્વનો ઉદ્દેશ માર્યો જાય છે. આપણી અભરાઈ પુસ્તકોનું કબ્રસ્તાન ન બની રહે તે માટે પુસ્તકો મિત્રોના હાથમાં ફરતાં રહેવાં જોઈએ. (શરત એટલી કે મિત્રોના હાથ ફેવિકોલયુક્ત ના હોવા જોઈએ !)
પુસ્તકો મધની શીશી જેવાં હોય છે. મધમાખીની મહેનતમાં માણસનું મૅનેજમેન્ટ ભળે ત્યારે થોડુંક મધ શીશીમાં ઠલવાય છે. કલ્પના કરો એક શીશી મધ માટે કેટલી મધમાખીઓ કામે લાગતી હશે? લેખકની કેટલીય રાતોની મહેનત પર પ્રકાશક ઈંડા સેવતી મરઘીની જેમ મહેનત કરે છે ત્યારે એક પુસ્તક તૈયાર થાય છે. હા, એટલું સ્વીકારવું રહ્યું કે ઘણાં પુસ્તકોમાં લેખકની મૌલિકતાનું મધ ઓછું અને ખાંડની ચાસણીનું પ્રમાણ વધુ હોય છે. એવાં પુસ્તકોનાં પૂંઠાં પાકાં હોય છે અને તેમાંથી નીપજતો કંટાળો પણ પાકો હોય છે.
પુસ્તકો આ સંસારના સળગતા લાક્ષાગૃહમાંથી બચવાનું છૂપું ભોંયરું છે. એનો લાભ મેળવવા માટે કોઈએ સહદેવ બનવાની જરૂર પડતી નથી. માણસને પોતાનો ચહેરો જોવાની ઈચ્છા થઈ અને એણે દર્પણ શોધ્યું. પણ એ ચહેરાની ભીતર ઊતરવાની ઈચ્છા થઈ અને પુસ્તકનો જન્મ થયો. લેખક મર્યા પછી ય પોતાનાં પુસ્તકો દ્વારા જીવતો રહી શકે છે. પણ ક્યારેય એથી ઊલટું બને છે. સલમાન રશ્દી અને તસ્લીમા નરસીન આ વાત ઠીક રીતે સમજી શકશે.
પુસ્તક લેખકનું મનાસસંતાન છે. એક ઉત્તમ પુસ્તકથી ચઢિયાતું લેખકનું કોઈ સ્મારક ન હોઈ શકે ! હેનરી બીચરે પુરુષો વિષે એક માર્મિક વિધાન કર્યું છે – ‘કેટલાક પુરુષો પરણીને પતિ બનાવવા જેટલા સારા હોય છે. કેટલાકને કેવળ મિત્રો બનાવીને થોડા છેટા રાખવા જેવા હોય છે!’ પુસ્તકો વિષે પણ એવું કહી શકાય – ‘કેટલાંક પુસ્તકો જીવનમાં ઉતારવા જેવાં હોય છે. અને કેટલાંક કેવળ લાઈબ્રેરીમાં ગોઠવી રાખવા જેવા હોય છે !’ એક સુંદર ચીની કહેવતનું સ્મરણ થાય છે. ‘એક વર્ષના સુખની યોજના કરતાં હો તો અનાજ વાવો. દશ વર્ષના સુખની યોજના કરતાં હો તો શિક્ષણ મેળવો !’ અહીં એટલું ઉમેરી શકાય, ‘શિક્ષણ મેળવ્યા પછી ય સુખી ના થઈ શકો તો પુસ્તકો વાંચો !’
પુસ્તકો શિક્ષણથી ય સાત ડગલાં આગળ હોય છે. શિક્ષણમાં સીલેબસનું માહિતીલક્ષી જ્ઞાન હોય છે. પુસ્તકમાં જીવનનાં અનુભવોનો નીચોડ હોય છે. શિક્ષણમાં ગણિત, ભૂમિતિ શીખવાડાય છે. પુસ્તકોમાં જિંદગીના અનેક અઘરા દાખલાઓનો જવાબ તૈયાર હોય છે. શિક્ષણમાં ફ્રીઝ, ટીવી, વિડિયો, સ્કૂટર, કાર વગેરેનાં યાંત્રિક સિદ્ધાંતો જાણવા મળે છે. પુસ્તકોમાં એ સઘળી ભૌતિક સુવિધાઓ વિના કેવી રીતે જીવી શકાય તેની રીત જાણવા મળે છે. શિક્ષણ કેવળ પ્રશ્નપત્ર છે, પુસ્તકો જીવનની ગાઈડ છે. ઘણા પંડિતોનું માનવું છે – ‘શાળા-મહાશાળાનાં પગથિયાં ચડ્યા વિના માણસ મહાન બની શક્તો નથી !’ પુસ્તકોએ સાબિત કરી આપ્યું છે શાળાનો ક્ક્કો ગોખ્યા વિના ય માણસ પુસ્તકની સોબતમાં મહાન બની શકે છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા હતા. જે.કૃષ્ણમૃર્તિ ચાર વાર નાપાસ થયા હતા. સ્વામી સચ્ચિદાનંદજી પણ સ્કુલ-કૉલેજોનાં પગથિયાં ચઢયા નહોતા. હાથમાં ફક્ત સવા રૂપિયો લઈ ગુરુની શોધમાં ઘરથી ભાગી ગયા હતા. સતત વાંચન, મનન અને પુસ્તકોના અભ્યાસથી તેઓ જ્ઞાની બની શક્યા. તેમની પાસે ડિગ્રીનું કોઈ ફરફરિયું નથી. કોઈ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ નથી. પણ યુનિવર્સિટીઓના કુલપતિઓ પણ તેમનાં વકતવ્યો સાંભળવા આવે છે. એ પુસ્તકનો પુણ્યપ્રતાપ છે. તેમણે સેંકડો પુસ્તકો લખ્યા છે.
પુસ્તકોમાં પા ભાગનો ય રસ હોય તો પુસ્તકો ‘પારસ’ બની શકે છે. પુસ્તકોની બે લીટીઓ નિર્જીવ હોય છ. પણ એ બે લીટીઓ વચ્ચે વિચારોનો વિદ્યુતપ્રવાહ જીવંત હોય છે. તે ક્યારેક માણસની જિંદગી ધરમૂળથી બદલી નાખે છે. શ્રી કાનજીભાઈ પટેલ એક જમાનામાં અમારા શિક્ષક હતા. એમણે પુસ્તકના પ્રભાવની એક વાત કહેલી. મારા અભ્યાસકાલ દરમિયાન હું હરિજન પ્રત્યે ભારે છૂતાછૂતનો ભાવ રાખતો. તેમનો પડછાયો પણ લેતો નહોતો. પણ એક દિવસ ગાંધીજીના પુસ્તકમાં મને વાંચવા મળ્યું – ‘આપણી મા પણ આપણું મેલું ઉપાડે છે. આપણે તેને અછૂત નથી ગણતા, તો હરિજનને શીદ ગણીએ છીએ ? શું હરિજનો ઈન્સાન નથી?’ ગાંધીજીની આ વાત મારા દિલોદિમાગ પર એવી અસર કરી ગઈ કે તે દિવસથી મેં હરિજનો પ્રત્યેનો છૂતાછૂતનો ભાવ સદંતર કાઢી નાખ્યો, અને તેમને મેં મારા મિત્રો બનાવી લીધાં !’ પુસ્તકો ક્યારેક માણસના અંતરના અંધારા ઓરડામાં જ્ઞાનનો દીવડો પ્રગટાવી માણસનો જીવનપથ ઉજાળે છે !
