Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

10 December 2015

માનવતાનું સિંચન – સંકલિત

માનવતાનું સિંચન – સંકલિત

[1] આરક્ષણ – રવિ પટેલ
[ રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા માટે શ્રી રવિભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.]
બે વર્ષ અમેરિકામાં અભ્યાસ માટે રહ્યા બાદ હું ઉનાળુ વેકેશનમાં બે મહિના માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમેરિકાના અનુભવોથી મારામાં ઘણો મોટો માનસિક બદલાવ આવ્યો હતો. જ્યારે વિમાન અમદાવાદની ધરતીને સ્પર્શ્યું ત્યારે રાત્રિના આઠ વાગ્યા હતા. ભરઉનાળે અમદાવાદમાં પગ મૂકવાનું મારા માટે જરા આકરું થઈ પડ્યું હતું. શરૂઆતના બે અઠવાડિયા તો હું ક્યાંયે બહાર ન નીકળ્યો કારણ કે ગરમી અને હવાફેરને કારણે બીમાર પડવાની પૂરી શક્યતાઓ હતી. આમ છતાં, અંદરોઅંદર પરિવારજનોને પૂરા બે વર્ષ પછી મળવાનો આનંદ તો હતો જ.
આમ તો હું કોઈના ઘરે રહેવા જવાનું ટાળતો હતો પરંતુ અમારા સ્મિતાકાકીના અત્યંત આગ્રહને વશ થઈને મારે થોડા દિવસો બાદ એમના ઘરે રહેવા જવું પડ્યું. સ્મિતાકાકીનું ઘર દસ માળના ગગનચૂંબી એપાર્ટમેન્ટમાં હતું. એ એપાર્ટમેન્ટમાં હું રોજ સવારે એક છોકરીને કચરો સાફ કરતાં જોતો. એનું નામ ગીતા હતું. છેક દસમા માળેથી શરૂ કરીને એપાર્ટમેન્ટના ટાવરની ચારેબાજુનો વિસ્તાર એ બરાબર સાફ કરતી. રોજ સવારે છ થી તે છેક દસ વાગ્યા સુધી તે આકરી મહેનત કરતી. વળી, એટલું ઓછું હોય તેમ આટલું કામ કર્યા બાદ તે ઘરે-ઘરે કચરો લેવા જતી. આ તનતોડ મહેનત માટે એને મહિને એક હજાર રૂપિયા મળતા હતા.

એક દિવસે સવારે હું મોડો ઊઠીને જરા આરામ ફરમાવતો ટીવી જોતો હતો અને તે આવી. મને નવાઈ લાગી કારણ કે તે થોડા સમય પહેલા જ કચરો ઉઘરાવીને ગઈ હતી. એ ફરીથી કેમ આવી હશે એમ હું વિચારતો હતો ત્યાં જ એણે સ્મિતાકાકીને પૂછ્યું : ‘બેન, કંઈક ખાવાનું પડ્યું હોય તો આપશો ? બહુ ભૂખ લાગી છે. આજે હું મારા ઘરેથી કંઈ નથી લાવી.’ ગીતાના આવા સવાલથી હું ચોંકી ઊઠ્યો. મને થયું કે માણસને જે વસ્તુ સરળતાથી મળી જતી હોય, એની એને કિંમત નથી હોતી. આપણા માટે જમવાનું કામ કેટલું સરળ છે ! ઘણીવાર તો આપણે ન ભાવતી વાનગી હોય તો અન્નનું અપમાન પણ કરીએ બેસીએ છીએ. પરંતુ આ લોકો માટે તો ખાવાનું મળે એ જ કેટલી મોટી વાત હોય છે ! આપણા જેવા રજવાડી શોખ એમને ક્યાંથી હોય ? ગમે તેમ પણ મને ગીતા પર દયા આવી. ટીવીમાંથી ધ્યાન બાજુ પર હટાવીને હું એ જોવા લાગ્યો કે કાકી હવે શું કરે છે. કાકીએ તેને કહ્યું :
‘જરા બે મિનિટ ઊભી રહે, રસોડામાં જોઈને કહું.’
સ્મિતાકાકીનો સ્વભાવ આમ પાછો દયાળુ. રસોડામાં જઈને એમણે જોયું તો ત્રણ ભાખરી વધેલી. એમણે વધેલી ભાખરી હાથમાં પકડીને ઉપરના માળિયામાંથી પેપરડિશ કાઢી. મને મનમાં થયું કે શું કાકીના ઘરમાં સ્ટીલની ડિશ નહીં હોય ? એમણે પેપરડિશમાં ત્રણ ભાખરી અને અથાણું આપ્યા. મારા માટે જે ચા મૂકેલી એમાંથી થોડી વધેલી ચા એમણે થર્મોકોલના કપમાં ભરી અને ગીતાને આપી. ગીતા ચા-નાસ્તો કરીને પ્રસન્નતાથી વિદાય થઈ પછી મેં કાકીને પૂછ્યું :
‘હેં કાકી, તમે ગીતાને સ્ટીલના વાસણમાં નાસ્તો કેમ ન આપ્યો ?’
કાકીની મુખમુદ્રા થોડી બદલાઈ. કમને જવાબ આપતાં બોલ્યાં : ‘એ તો આ ટાવરમાં કચરો વાળે છે. એને સ્ટીલના વાસણમાં આપીએ તો વાસણ ખરાબ થઈ જાય.’
‘અરે કાકી, પણ સ્ટીલના વાસણ ધોઈ નાખો પછી શું ? એ તો ચોખ્ખા થઈ જાય ! જે વ્યક્તિ તમારા ટાવરની ગંદકી સાફ કરે છે, એની સાથે તમારો આવો વ્યવહાર ?’
‘એ તો આ લોકો સાથે એમ જ હોય. એમને બહુ ઘરમાં ન બેસાડાય, ઘર અભડાઈ જાય. એમની વસ્તુ ન અડકાય.’
‘પરંતુ કાકી, એના શરીરમાં વહેતા લોહીનો રંગ શું જુદો છે ? એ શું સમાજમાં રહેવાને લાયક નથી ? એમાં એનો શું વાંક છે. એ મજબૂરીથી સફાઈનું કામ કરે એટલે શું એ ખરાબ છે ?’
આ પ્રસંગથી મને ખૂબ દુઃખ થયું. મને એ વાતની ખાતરી થઈ કે હજુ આપણે ત્યાં અમુક કોમની વ્યક્તિઓને ખૂબ સહન કરવું પડે છે. ખાસ કરીને નિમ્નકૂળની વ્યક્તિઓ સાથે આવા તો લાખો પ્રસંગો બનતા હશે. ગીતાને આંખ સામે રાખીને અનેક ગરીબોના જીવનની આ હાલત વિચારતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. ગાંધીજી શા માટે સફાઈનું કામ કરતાં હતાં એ વાત હવે મને સમજાઈ. આ પ્રકારના વ્યક્તિઓ માટે તેમણે ‘હરિજન’ શબ્દ શા માટે વાપર્યો હતો એ પણ ખ્યાલ આવ્યો. ડોક્ટર ભીમરાવ આંબેડેકરે અનામતનો કાયદો સંવિધાનમાં શા માટે ઉમેર્યો તે આ ઘટના પરથી વધારે સ્પષ્ટ થયું. આજે કદાચ આ આરક્ષણની પદ્ધતિનો દૂરઉપયોગ થતો હશે, પરંતુ મને લાગે છે કે સો માંથી પચાસ ખરેખરી જરૂરિયાતવાળાને પણ જો એનાથી સુયોગ્ય જીવનધોરણ પ્રાપ્ત થતું હોય તો આ કાયદો સફળ છે. હા, એનો ખોટો ઉપયોગ ન થાય એ પણ એટલું જ આવશ્યક છે. નરસિંહ મહેતાથી લઈને ગાંધીજી સુધીના મહાપુરુષોએ દૂરંદેશી અને દીર્ઘદષ્ટિ વાપરીને જો આવું થોડુંક પણ કાર્ય આ લોકો માટે ન કર્યું હોત તો સમાજના ઉચ્ચ વર્ગોએ તો આ લોકોને પૂરેપૂરા કચડી નાખ્યાં હોત. સાચા અર્થમાં જો આ વ્યવસ્થાનો લાભ સમાજના શ્રમજીવી વર્ગને પ્રાપ્ત થાય તો ગીતા જેવા અનેક લોકોનું જીવન વધારે ઊજળું બને.
.
[2] વિકલ્પ – મોહનલાલ પટેલ
[ આ લઘુકથા ‘બાલમૂર્તિ’ સામાયિક ઓક્ટોબર-2011માંથી સાભાર લેવામાં આવી છે.]
સ્કૂલ છૂટવાના સમયે જ વરસાદ શરૂ થઈ ગયો. શાળાનાં લગભગ બધાં જ બાળકો ભાગંભાગ કરતાં નીકળી ગયાં. પહેલા વરસાદની ઝડીનો આનંદ લૂંટતાં હોય એમ સ્તો ! ભીંજાઈ જવાની કશી તમા રાખ્યા સિવાય કોઈ સાઈકલ પર તો કોઈ ઊભા પગે દોડતાં…. પણ ત્રણ કિશોરો પડાળીમાં થોભી ગયા હતા. ભાર્ગવ, સુનિત અને રમેશ. પહેલા બે એમની ગાડીઓની રાહ જોતા હતા અને રમેશ વરસાદ બંધ થવાની પ્રતીક્ષા કરતો હતો.
ત્રણેયના વર્ગો જુદા હતા. પણ ધોરણ એક હતાં. શાળમાં થતી વિવિધ પ્રવૃત્તિઓને લીધે એ બધાં એકબીજાના પરિચયમાં હતા. ભાર્ગવે રમેશને પૂછ્યું, ‘બધાં ચાલુ વરસાદમાં ભાગી ગયા અને તું કેમ ન ગયો ? અમારે તો ગાડી આવવાની છે એટલે રોકાઈ જવું પડ્યું.’ કિશોરાવસ્થામાં દંભનો રંગ જવલ્લે જ ચડ્યો હોય છે. એટલે કિશોર કે કિશોરીને અંદરોઅંદર કંઈ છુપાવવાનું હોતું નથી. રમેશે જવાબ આપ્યો, ‘મારી પાસે એક જ ગણવેશ છે. અત્યારે પલળતો જાઉં અને વરસાદ ચાલુ રહે તો કપડાં સુકાય નહીં, કાલે શું પહેરું ? વરસાદ બંધ થાય એ પછી જ ઘેર જઈશ.’
‘તારા મમ્મી-પપ્પા ચિંતા નહીં કરે ?’
‘ના રે, હું કેમ ન આવ્યો એનો એમને ખ્યાલ આવી જ જાય.’
‘તું ગામડેથી આવે છે, નહીં ?’
‘હા.’
‘ચાલતો ?’
‘હા.’
‘તારું ગામ કેટલું દૂર છે ?’
‘અહીંથી ચાર-સાડા ચાર કિલોમીટર જેટલું.’
‘માય ગોડ !’ સુનિલે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ‘આવવા-જવાના થઈને રોજ નવ કિલોમીટર ચાલવાનું !’
‘એમાં શું ? ચાલી નાખીએ.’
ભાર્ગવ બોલ્યો : ‘અમારે તો એક કિલોમીટર જેટલુંય અંતર નથી, તો પણ ગાડી મૂકી જાય અને લઈ જાય.’
સુનિલે પોતાની વાત કરતાં કહ્યું : ‘મારા પપ્પાનો તો સખત ઓર્ડર, કે ચાર ડગલાં પણ નહીં ચાલવાનું. થાકી જવાય.’
ભાર્ગવ બોલ્યો : ‘મારા પપ્પા પણ એવું જ કહે. જ્યાં જવાનું હોય ત્યાં ગાડી અને ડ્રાઈવર તૈયાર !’
સુનિતે રમેશને પૂછ્યું : ‘તું થાકી ન જાય એનું તારા પપ્પા કંઈ વિચારતા નથી ?’
‘વિચારે છે ને ?’
બંને કિશોરોને રમેશના જવાબથી આશ્ચર્ય થયું. બંને રમેશ તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા. એટલે એ બોલ્યો : ‘રોજ રાત્રે સૂઈ જાઉં ત્યારે મારા પપ્પા મારા પગ દાબે છે. હું ઘણુંય ના કહું, તોય પગ દાબે. હું કહું, મને જરાય થાક નથી લાગ્યો, તોય દાબતા જ રહે. ઊંઘ આવી જાય અને મને ખબર ન રહે કે ક્યાં સુધી….’ રમેશ બોલતો હતો એ વખતે બે ગાડીઓનાં હોર્ન સંભળાયાં. એ એની વાત પૂરી કરે એ પહેલાં તો ભાર્ગવ અને સુનિત પડાળીમાંથી ભાગીને પોતપોતાની ગાડીઓમાં ભરાઈ ગયા. અને રમેશ વરસાદના થોભી જવાની રાહ જોતો ઊભો જ રહ્યો.
.
[3] લાખેણો માનવી નૂરો – ડૉ. દીપક આર. લંગાલિયા
[ સત્યઘટના પર આધારિત, ‘અખંડ આનંદ’ ઓગસ્ટ-2011માંથી સાભાર.]
ગોંડલ તાલુકાનું નાનકડું ગામ સીસક. એક અલગારી વૃદ્ધ, ઉંમર આશરે 70 વર્ષ, હાથમાં કાવડ લઈને ચાલ્યો જાય છે. ભૂતકાળના પડછાયા કે ભવિષ્યની ઉપાધિને છોડીને ચાલતા વૃદ્ધનું નામ છે નૂરો જુસબ. મનનો અલગારી, ખુદાનો બંદો, નેકી અને ઈમાનનો માણસ. સાફ દિલ એ ઈન્સાનના મગજમાં એવી તે ધૂન સવાર થઈ કે માંડ માંડ ખેતમજૂરી કરીને બે છેડા ભેળા કરતો નૂરો કુદરતે આપેલ ચીજોનું પ્રેમથી જતન કરવામાં લાગી પડ્યો. વૃક્ષોનું જતન, પંખીડાંને ચણ અને પાણી અને તરસ્યાંને શીતળ જળ. બસ, એ જ એનું જીવન.
સીસક ગામની વસ્તી માંડ હજાર-પંદરસોની. તેમાં નૂરો મજૂરી કરતાં કરતાં સાંજ પડે એટલે ગામને પાદર દરગાહની જગ્યામાં પડ્યોપાથર્યો રહે. એ જ એનું કાયમી સરનામું. દરગાહ પાસે બે ઘેઘૂર ડાલામથ્થા વડલાની વચ્ચે એણે પક્ષીઓની ચણ માટે પતરાની ચોકી બનાવીને બાંધી જેથી બિલાડાથી બચી શકાય. પક્ષીઓ માટે પાણીનાં કૂંડા બાંધે અને સંતાનોથી અધિક ચાહે. મને બેત્રણ મહિને અચૂક ફોન આવે અને ફોનમાં ફક્ત ત્રણ જ વાત, ‘સાહેબ, ચકલાની ચણ ખલાસ થઈ ગઈ છે, આવતાંજતાં જાર મોકલાવજો.’ બસ, આટલો જ સંવાદ પણ ઓળખાણ ફક્ત ફોનથી મળવાની ને હક્કથી માગી લેવાનું. એ ધન્ય ઘડી હજુ મારા મનમાં સ્મરે છે. સીસક ગામની એ દરગાહની આસપાસ ખડકાળ અને પથરાળ જમીન કે જ્યાં ઝાડ તો શું તણખલું પણ ના ઊગે. નૂરો એ જમીનમાં કોસ-કોદાળી લઈને ખાડા કરે, પછી કાવડમાં કાળી માટી લઈ ખાડો ભરે અને તેમાં લીમડા, આંબળા, પીપળા, વડલા વગેરે વૃક્ષોને વાવીને સંતાનથી અધિક ઉછેરે. કોઈ દાતાએ રેંકડી આપેલી તેમાં પાણીના બૅરલ સીંચીને ભરે અને ઝાડવે ઝાડવે પાણી સીંચે. કેવો અદ્દભુત વૃક્ષપ્રેમ ! તેનાં વાવેલ વૃક્ષો આજેય અડીખમ ઊભાં છે, નૂરાની યાદમાં.
ગામને પાદર બસસ્ટોપ, એની આજુબાજુની જમીન પથરાળ. તેને સમથળ કરીને પાણીનાં બે માટલાં ભરીને ઉનાળામાં નૂરો બેસે. રેંકડીમાં સીંચીને પાણી દોરી લાવે અને ગોળા ભરે. બસ આવે એટલે અચૂક બસને રોકીને બે હાથ જોડીને બધાંને પાણી પિવડાવે. કેવી નિઃસ્વાર્થ સેવા ! પરોપકારને જીવનમાં ઉતારવો હોય તો નૂરાને નિહાળીએ એટલે સાક્ષાત થઈ જાય છે કે કુદરતને પ્રેમ એ જ ઈશ્વરને પ્રેમ છે. કૂળનો સીંધી પરંતુ ઓલિયાથી પણ મૂઠી ઊંચેરો. નૂરાની કબર આજે પણ સીસક ગામમાં તેનાં વાવેલ વૃક્ષો વચ્ચે પક્ષીઓના કલરવમાં ધબકે છે.

ગણિતવિહાર – બંસીધર શુક્લ



ગણિતવિહાર – બંસીધર શુક્લ

[ ગણિત એ માત્ર અભ્યાસક્રમનો એક વિષય નથી. એને સાહિત્ય, રમૂજ તેમજ અન્ય તમામ કલાઓ સાથે જોડી શકાય છે. ‘ગણિતવિહાર’ નામનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક એ બાબતને વધારે સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં પ્રમેય, ભૂમિતિ, બીજગણિત, સંખ્યાપદ્ધતિઓ, ત્રિકોણમિતિ જેવી ગણિતની પાયાની બાબતો તો સરળ રીતે સમજાવી જ છે પરંતુ એ સાથે ગણિતનો શબ્દકોશ, છેતરપિંડીનું ગણિત, ખગોળ ગણિત જેવા અવનવા વિષયોનો સમાવેશ પણ કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] લગ્નસંબંધનું ગણિત
આપણા સમાજમાં લગ્ન એક સંસ્કાર છે. પ્રાચીનકાળથી લગ્નપ્રથા અને તેના શાસ્ત્રીય નિયમોનું પાલન થતું આવ્યું છે. શ્વેતકેતુ નામના ઋષિએ લગ્નસંસ્કારની પ્રતિષ્ઠા કરી. ઘણા ઋષિઓએ તેના વિષયમાં નીતિનિયમો આપ્યા. એવો એક નિયમ છે : સપિંડો વચ્ચે વિવાહસંબંધ થઈ શકે નહીં. સપિંડ એટલે સમાન પિંડ, સમાન દેહ. જે બે જણના દેહમાં પારિવારિક સંબંધની રીતે બીજાં પરિવારજનનો અંશ ઊતરતો હોય તો તે બે જણ સપિંડ ગણાય. તેઓ લગ્ન કરી શકે નહીં. અહીં બે પ્રશ્નો ઉદ્દભવે છે. એક, સપિંડ વચ્ચે નિષેધ શા માટે ? બે, સાત પેઢી પછી સપિંડતા રહેતી નથી, તેથી સાત પેઢી પછીનાં માટે નિષેધ નથી. અહીં સાત જ કેમ ? પાંચ કે દસ કેમ નહીં ?
પહેલા પ્રશ્નનો ઉત્તર સરળ છે. સ્ત્રી પુરુષ સાથે સમાગમથી એટલે કે પુરુષનો શુક્રકોશ પોતાના શરીરમાં પ્રવેશે તે પછી જ સગર્ભા બને છે. આમ, માતાપિતા સપિંડ બને છે. ગર્ભનું શિશુ માતાના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. શિશુમાં માતાના પિંડનો અંશ આવવાથી શિશુ પિતા ઉપરાંત માતા સાથે પણ સપિંડતાથી જોડાય છે. પ્રાચીનકાળથી વિજ્ઞાનીઓ-ઋષિઓ એ જાણતા આવ્યા છે કે નિકટના સગાંમાં લગ્નથી માઠાં લક્ષણો, આનુવંશિક રોગો, વિકૃતિઓ તથા અપ્રતિકારિતા સંતાનોમાં ઊતરે છે. આથી તેમણે નિકટના- સપિંડ વચ્ચે વિવાહ વર્જિત ઠરાવ્યો.
બીજા પ્રશ્નમાં સરળ ગણિત લાગુ પડે છે. તેને એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. એક મોટો ચોરસ કે લંબચોરસ કાગળ લો. શક્ય એટલો મોટો અને લંબચોરસ હોય તો સારું. છાપાનો કાગળ ચાલે. તેની લાંબી બાજુને બરાબર વચ્ચેથી વાળીને ગડી કરો. ગડીના સળને વચ્ચેથી કાટખૂણે વાળીને બીજી ગડી બનાવો. કાગળ ચોથા ભાગનો થઈ જશે. આ પ્રમાણે બંને બાજુ વચ્ચેથી વાળીને ગડી કરતા જાઓ. કેટલી વાર વાળો છો, તેની નોંધ રાખો. કાગળ ગમે તેટલો મોટો લીધો હોય, તમે આઠેક વારથી વધારે વાર તેને નહીં વાળી શકો. કારણ કે વાળવાની પ્રક્રિયા અડધાનું અડધું…એ ઝડપે ભૌમિતિક શ્રેણીમાં તીવ્રતાથી ગતિ કરે છે. આઠમા વળે તે એટલો જાડો અને નાનો થઈ જાય છે કે તેને પકડીને આગળ વાળવાનું અશક્ય બને છે. હવે આ જ પદ્ધતિએ સંતાનોમાં માતાપિતાનો વારસો કેવી રીતે ઊતરે છે અને કેવી રીતે ક્ષીણ થતો લગભગ નહીંવત બની જાય છે, તે જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક સંતાન માતાપિતાનો અડધો-અડધો વારસો લઈને જન્મે છે. આ વારસો જેમ એક-એક ચરણ આગળ ઊતરે તેમ તે ફરી અડધો-અડધો થતો જાય છે. આ રીતે….

100-0 ચરણ (વર્તમાન પેઢી)
50-પહેલું ચરણ (તે પછીની પહેલી પેઢી)
25-બીજું ચરણ (બીજી પેઢી)
12.5-ત્રીજું ચરણ (ત્રીજી પેઢી)
6.25-ચોથું ચરણ (ચોથી પેઢી)
3.125-પાંચમું ચરણ (પાંચમી પેઢી)
1.56-છઠ્ઠું ચરણ (છઠ્ઠી પેઢી)
0.78-સાતમું ચરણ (સાતમી પેઢી)
આમ, 7મી પેઢીથી પહેલી પેઢીનો વારસો ઘટતો જઈ એક ટકાની અંદર-આશરે 0.78 ટકા થાય છે. આટલો પ્રભાવ એટલે નહિવત- શૂન્યવત પ્રભાવ. એટલે 7 પેઢીએ સપિંડતા સમાપ્ત થયા પછી જો બે વ્યક્તિ લગ્ન કરે, તો તેમને આનુવંશિક વિકૃતિ, રોગ, અપ્રતિકારિતા આદિનો ભય નડે નહીં.
.
[2] લૂંટફાટનું ગણિત
સામાન્ય સમજ એવી છે કે ગણિતનો મુખ્ય ઉપયોગ વૈજ્ઞાનિક કામોમાં થાય છે. ગણિતનો ઉપયોગ લૂંટફાટના ક્ષેત્રે પણ થાય છે. અહીં ટેલિફોનવાળા તમને કેવી રીતે લૂંટી શકે તેનું દષ્ટાંત જોઈએ. (1) માસિક ભાડું વધારવું. (2) કોલની સંખ્યા ઘટાડવી (3) બિલની અવધિ ઘટાડવી (4) કોલમાં પલ્સની મર્યાદા લાદવી. (5) ક્ષેત્રવિસ્તારના નામે પ્રમાણસર ભાડું કરવું. (6) ક્ષેત્રવિસ્તાર ઘટાડવો. (7) સેવાકર લાદવો. આવાં પગલાં તમારું ટેલિફોન બિલ ઝડપથી વધારી દે છે. નીચેનાં ચરણો જુઓ :
(1) 100 કોલનું ભાડું રૂ. 100 લધુત્તમ
(2) 100 કોલનું ભાડું રૂ. 150
(3) 50 કોલનું ભાડું રૂ. 150
(4) 50 કોલ (પલ્સસુધાર)નું ભાડું રૂ. 150
(5) 50 કોલ (ઘટાડેલી પલ્સ)ના નું ભાડું રૂ. 200
(6) 25 કોલ (પલ્સ એ જ)નાનું ભાડું રૂ. 200
(7) ટેલિફોન ક્ષેત્રવિસ્તારથી પ્રમાણસર વધારો ભાડું રૂ. 300
(8) ભાડું રૂ. 300 યથાવત પણ ક્ષેત્રમાં કાપ
(9) ભાડું રૂ. 300 ત્રણ મહિનાનું ઘટાડીને બે મહિનાનું
(10) ભાડું એ જ, કોલ એ જ, અવધિ એ જ, પણ કોલ બેના બદલે એક મહિના દીઠ ગણવાથી કોલમુક્તિની સીમામાં ઘટાડો.
હવે આ દરેક ચરણે દર કેવી રીતે વધે છે, તે જોઈએ. પ્રથમ ચરણે આરંભે એક કોલનો દર 1 રૂપિયો છે. બીજા ચરણે તે રૂ. દોઢ થાય છે. ત્રીજા ચરણે કોલદર રૂ. 3 થાય છે. ચોથા ચરણે (ધારોકે સરાસરી કોલ મિનિટનો છે, તેમાં પલ્સથી 3 મિનિટ કરવામાં આવે છે.) દર વધીને રૂ. 6 થાય છે. પાંચમા ચરણે ફરી પલ્સઘટાડાથી કોલની એ જ સંખ્યા વધારે ગણવાથી કોલનો દર રૂ. 9 થાય છે. છઠ્ઠા ચરણે કોલ અડધા થઈ જવાથી ભાડું રૂ. 18 થઈ જાય છે. સાતમા ચરણે 500ના ક્ષેત્રનો વિસ્તાર બમણો કરવાથી ભાડું પણ બમણું રૂ. 36 થાય છે. આઠમા ચરણે ભાડું ઘટાડ્યા સિવાય તમારા મુક્ત ક્ષેત્રમાં કાપ મૂકવાથી ધારો કે ભાડું 33 ટકા વધે છે. રૂ. 48 થાય છે. નવમા ચરણે બધું સમાન રાખીને ભાડાની અવધિ ત્રણ મહિનાને બદલે બે મહિનાની કરવાથી 50 ટકા વધે છે. રૂ. 72 થાય છે. બીજું બધું બરાબર રાખી મુક્ત કોલની અવધિમાં ભાગ પાડવાથી ભાડું વધે છે. ઉદાહરણ : તમને બે મહિનામાં 50 મુક્ત કોલની છૂટ છે. તમે એક મહિનામાં 0 કોલ અને બીજામાં 50 કોલ કરો, ત્યાં સુધી વધારાની ચુકવણી લાગુ પડતી નથી. પણ, બે મહિનાના 50ના બદલે એક મહિનાના 25 કરવામાં આવે ત્યારે, જો તમે એક મહિનામાં પાંચ કોલ કરો અને બીજામાં 30 કરો, તો તમે આગલા મહિને જતા કરેલા 20 કોલ મજરે મળતા નથી. તમારે 5 વધારાના કોલના રૂપિયા વધારા રૂપે ચૂકવવા પડે છે. બીજાં ક્ષેત્રોમાં પણ પશ્ચિમની નફાખોરીની નીતિને અનુરૂપ લૂંટફાટના ગણિતનો ભરપૂર ઉપયોગ થાય છે. રૂ. 100ના બદલે 99.95 ભાવ, 1 પર 5 ભેટ, વિના વ્યાજના હપ્તા આદિ તેનાં દષ્ટાંતો છે.
.
[3] છેતરપિંડી : એકના બે ગણા
માર્ગે જતા બે વટેમાર્ગુ વચ્ચે વાતવાતમાં નિકટતા વધી. અચાનક એકે કહ્યું : ‘અહીં વનમાં એક સ્થળે જૂના ખંડેરમાં એક જાદુઈ ગોખ છે. તેમાં તમે જે પૈસા મૂકો, તે, સો ગણતામાં બમણા થઈ જાય છે.’ બીજો લલચાયો. તેને તેના પૈસા બમણા કરવા ઈચ્છા કહી. પહેલાએ કહ્યું : ‘થઈ શકે. પણ, એમાં થોડી દક્ષિણા આપવી પડે.’
‘કોને ? કેટલી ?’
‘મને…. અને વધારે નહીં, કેવળ 120 રૂપિયા.’
પહેલા પાસે કેટલાક રૂપિયા હતા. તેણે વિચાર્યું બમણામાંથી હું ખુશીથી ચૂકવી શકીશ. ખોટનો ધંધો નથી. એ સંમત થયો. બેઉ જણા જાદુઈ ગોખ પાસે પહોંચ્યા. પહેલાએ તેના બધા રૂપિયા ગોખમાં મૂક્યા. આંખો બંધ કરી અને સો ગણ્યા, ત્યાં તો ચમત્કાર ! તેની રકમ બમણી થઈ ગઈ ! ઉત્સાહમાં એણે ફરી પૈસા મૂક્યા. ફરી બમણા થયા. દરેક વેળા તેણે પેલાને દક્ષિણા 120 આપવી પડતી, બસ. પણ, આ શું ? ત્રીજી વાર બમણા કરીને પૈસાની દક્ષિણા ચૂકવતાં પહેલા પાસે કંઈ ના વધ્યું ! આમ કેમ ? તેણે હિસાબ કરી જોયો. હિસાબમાં ક્યાંય ભૂલ નહોતી. પેલા ધૂતારાએ એકના બમણા કરી આપવા છતાં પોતાને ચાલાકીથી લૂંટી લીધો હતો, તે વાત સમજાતાં તેને ભારે પસ્તાવો થયો. સાદા ગણિતની સહાયથી જ ગામડિયા જેવા લાગતા માણસે સાથીને લૂંટી લીધો હતો. ગણિતની કઈ યુક્તિ અહીં કામ કરે છે ?
જુઓ, ગઠિયાઓ વાતવાતમાં જાણી લે છે કે તમે વધારેમાં વધારે કેટલા પૈસા લગાવી શકો તેમ છો. તેની દક્ષિણા એના કરતાં થોડી વધારે રાખે છે. હવે, તમે ઝટ પૈસાદાર થઈ જવાની ઉતાવળમાં લગભગ પૂરા પૈસા લગાવી દો છો. ધારો કે, તમારી પાસે 105 રૂપિયા છે. તમે મનમાં ગણિત માંડો છો : 105 x 2 = 210-120 દક્ષિણા = 90 વધ્યા. તે ફરી લગાડતાં જઈ બમણા કરીને પુષ્કળ કમાઈ લઈશું. ખરેખર શું થાય છે ? જુઓ…
પ્રથમ ચરણ : 105 x 2 = 210 – 120 = 90 વધ્યા !
બીજું ચરણ : 90 x 2 = 180 – 120 = 60 વધ્યા !
ત્રીજું ચરણ : 60 x 2 = 120-120 = 0 વધ્યા !
ત્રીજા ચરણે તો તમારા બધા પૈસા ગઠિયાના ખીસામાં જતા રહે છે. આમ કેમ થયું ? ગઠિયાએ તમારી પાસે રૂ. 105 છે તે જાણી લીધું. પછી, તેણે દક્ષિણા થોડી ઊંચી રાખવી પૂરતું હતું. રૂ. 120 અહીં આ પ્રસંગે. કારણ કે તમારાં નાણાં એ બે ગણા કરીને આપે તોય દરેક વખતે તે તેમાંથી અડધા કરતાં વધારે લઈ લેતો હોવાથી તમારી જમા ઘટતી જઈ થોડાં ચરણમાં 0 થઈ જાય છે. હવે પછી જો તમને આવો કોઈ ભેટી જાય તો બે વાતનું ધ્યાન રાખો. એક, તમારી પાસે કેટલાં નાણાં છે, તે તેને જણાવશો નહીં. બે, તેની દક્ષિણા તમારી સિલક કરતાં સદા ઓછી હોય તે જોજો. તે કદી તમને છેતરી શકશે નહીં. હિસાબ માંડી જુઓ. અને, સાવધાન. બીજા કોઈ ઉપર આવી પ્રયુક્તિ અજમાવવાનું સાહસ કરતા નહીં.
[‘કુલ પાન : 244. કિંમત રૂ. 175. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


જીવન એક ઝંઝાવાત છે….. – મોહમ્મદ માંકડ

જીવન એક ઝંઝાવાત છે….. – મોહમ્મદ માંકડ


અહીં એક લેખકના જીવન-ઝંઝાવાતની એવી વાત હું રજૂ કરું છું- જે એવી બીજી અનેક વાતોમાંની માત્ર એક જ વાત છે. એ વાત છે લેખક દિનકર જોશીના જીવનની. એમના પોતાના શબ્દોમાં જ એમની એ સ્થિતિનું વર્ણન વાંચીએ : ‘દોઢ ફૂટ પહોળું અને સાડાપાંચ ફૂટ લાંબું એવું એક વિશિષ્ટ પ્રકારનું ટેબલ અને ટેબલ ઉપર એક બાળક ચત્તુંપાટ સૂતું છે. એના બંને પગ ટેબલના પાયા સાથે બાંધી દેવામાં આવ્યા છે અને છાતીથી કમર સુધીના ભાગમાં એક કપડું એવી રીતે વીંટાળી દેવામાં આવ્યું છે કે જેથી એનું શરીર ટેબલ સાથે બંધાઈ જાય અને એ હલન-ચલન કરી શકે નહીં. આ સિવાય દેહ ઉપર બીજું એકેય વસ્ત્ર નહીં. અધોવસ્ત્ર તરીકે માત્ર ચાદર ઓઢાડી રાખવાની. સ્ટ્રેપ્ટોમાઈસીન અને પેનીસીલીન આ બંને ઈન્જેકશનો રોજેરોજ ડૉક્ટર આવીને આપી જાય. સામેની ખુલ્લી બારીમાંથી જે આકાશ દેખાય એ નાનકડો ટુકડો આ બાળકનું બ્રહ્માંડ.’
દસ-બાર વર્ષની ઉંમરે તો છોકરાઓ ખૂબ જ ચંચળ હોય છે. ઉંમર જ એવી છે કે હરવા-ફરવાની તો વાત જ ક્યાં છે, છોકરાંઓ તો આખો દિવસ ઊછળતાં-કૂદતાં જ હોય. પણ બાળક દિનકરને તો એ વયે પથારીમાં હલન-ચલન કરવાની પણ મનાઈ હતી. અને દિવસો કે મહિનાઓ નહીં પણ પથારીમાં પડ્યાપડ્યા બે-ત્રણ વર્ષ કાઢવાનાં હતાં. આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે ઘરમાં સહુ પોતપોતાના રોજિંદા કામમાં વ્યસ્ત રહેતાં હોય એ બિલકુલ સ્વાભાવિક હતું. ભાઈ-બહેનો શાળાના અભ્યાસમાં વ્યસ્ત હોય, માતા ઘરકામમાં ડૂબેલાં હોય અને પિતા ઘરખર્ચની જવાબદારી નિભાવવા માટે નોકરીએ ગયા હોય. સંજોગવશાત એકલાઅટૂલા થઈ ગયેલા પથારીવશ બાળકને આપણે દુર્ભાગી સિવાય બીજું શું કહી શકીએ ? પરંતુ એ દુર્ભાગ્ય પાછળ ક્યાંક સૌભાગ્ય છુપાયેલું હતું. બીમારી અને એકાંતની એ પીડાએ જ કદાચ એમને વાચનનો શોખ લગાડ્યો – ભુખાળવા વાચક બનાવ્યા, નાની વયથી જ સાહિત્યસર્જક પણ બનાવ્યા.

ઘરમાં એક દૈનિક અખબાર આવે. ગાંધીજીનું સાપ્તાહિક ‘હરિજનબંધુ’ પણ આવે. મહિને એક વાર સામાયિક ‘રમકડું’ પણ ખાસ આ કિશોરને માટે મંગાવવામાં આવે. આ સિવાય કોઈક કુટુંબીજનને નવરાશ મળે ત્યારે થોડીક વાતો થાય, કોઈક પરિચિત જન મહેમાન બનીને આવે ત્યારે થોડાંક ખબરઅંતર પૂછે અને નવીન દવે (‘ઈમેજ’) બાલગોઠિયા તરીકે અવારનવાર ડોકિયું કરે ત્યારે વાતચીત દ્વારા શબ્દનો સથવારો સાંપડે. આ સિવાય મૌન, અફાટ મૌન. બંધ ઓરડાની બારીમાંથી આકાશનો જે ટુકડો દેખાય એ જ બ્રહ્માંડનું અનુસંધાન. એ ટુકડા વચ્ચેથી ક્યારેક ઊડતાં પંખીનું દશ્ય નજરે પડે ત્યારે કશુંક પામ્યાનો અદ્દભુત રોમાંચ થાય. એવામાં ઘરના માળિયાની સાફસૂફી કરતાં કોઈકના હાથમાં ગિરધરકૃત ‘રામાયણ’ની પૂર્વજોએ સાચવેલી એકાદ નકલ હાથમાં આવી ગઈ. આ નકલ કિશોરવયના દિનકરને આપતાં કહેવામાં આવ્યું : ‘લે, આમાં ચિત્રો છે, એ તું જોજે, ગમે તો વાંચજે, મજા આવશે.’
કિશોરે સાચેસાચ વાંચ્યું. સમજાયું ઓછું પણ એમાં આર્ટ પેપર ઉપર રામાયણનાં કથાનકો વિશે જે ચિત્રો છપાયાં હતાં એણે એની કલ્પનાશક્તિને અનહદ ઉશ્કેરી મૂકી. એને ‘રામાયણ’નાં પાત્રો વચ્ચે એકાકાર થતો જોઈને એક પડોશી વડીલે એના હાથમાં નાનાભાઈ ભટ્ટ રચિત ‘મહાભારતનાં પાત્રો’ મૂક્યાં. આ પાત્રોના વિશ્વે એની આંખ આગળ જાણે બ્રહ્માંડનાં દર્શન કરાવ્યાં. આ બ્રહ્માંડમાં તણખલાની જેમ ગડથોલિયાં ખાતા કિશોરને કેટકેટલી વાતો કોઈને કહેવાનું મન થઈ આવતું. ભાઈબંધ નવીન જ્યારે આવે ત્યારે થોડીક વાતો થાય અને પછી ઓરડામાં અંધારું કરીને દીવાલ ઉપર ફિલ્મોની નેગેટિવ ઉપર પ્રકાશ પાથરીને પ્રતિબિંબો ઉપસાવવાની રમતનો આરંભ થાય. એવામાં પડોશીની નવમા કે દશમા ધોરણમાં ભણતી એક કન્યાએ શાળામાં ઈતરવાચન તરીકે એના અભ્યાસક્રમમાં સ્થાન પામેલું એક પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની એક નકલ વાંચવા આપી. આ આત્મકથામાં બીજું કંઈ તો ન સમજાયું પણ એટલું સમજાઈ ગયું કે પોતાને જે કંઈ કહેવું હોય એ સાંભળનાર કોઈ ઉપસ્થિત ન હોય તો આત્મકથા લખી શકાય.
અને તેર વર્ષની ઉંમરે તો બાળ દિનકરે ચત્તાપાટ સૂતાંસૂતાં આત્મકથા લખવાનું શરૂ કર્યું. કશુંય સમજ્યા વિના આત્મકથા લખી કાઢી. 40 પાનાંની આખી નોટબૂક પેન્સિલથી લખાયેલા અક્ષરો વડે ઊભરાઈ ગઈ. સૂતાંસૂતાં જ છાતી ઉપર જૂના કૅલેન્ડરનું પૂઠું રાખ્યું અને એ પૂંઠા ઉપર પેલી નોટબૂક ડાબા હાથે સજ્જડ પકડી અને જમણા હાથે અક્ષરો ઉતારવા માંડ્યા…. જે ત્રણ જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. દિનકરભાઈ આજે પણ આ ઘટનાને યાદ કરીને પોતાની જાત ઉપર હસી લે છે. પરંતુ આ લખવાનો અનુભવ એમને લાભદાયી નીવડ્યો. ‘રમકડું’ બાળમાસિકે બાળસર્જકો દ્વારા જ લખાયેલો અંક પ્રગટ કર્યો હતો અને એમાં જોશીએ ઐતિહાસિક નાટિકા લખી અને બીજું ઈનામ પ્રાપ્ત કર્યું. આમ લેખક બનવાની શરૂઆત થઈ ગઈ. એમના કુટુંબનો પરિચય કરાવતાં જોશી કહે છે, પિતાજી એમના ભાઈઓમાં સહુથી વધારે ભણેલા ગણાતા હતા. આ સહુથી વધુ ભણતર એટલે સાત ગુજરાતી ધોરણ સુધીનો અભ્યાસ. શિક્ષણનું પ્રમાણ બધા ભાઈઓમાં ઘણું ઓછું અને ગરીબીનું પ્રમાણ એટલું જ ઊંચું. એવું કહેવાય છે કે કેટલાક વડીલોને તો વીસ સુધીના આંકડા જ ગણતાં આવડતું હતું. વારસમાં મળેલી મિલકત એટલે ખેતીની જમીન. એ બાબતમાં તેઓ કહે છે કે જમીનનું વારસદારોમાં જો વિભાજન કરીએ તો વીસ-ત્રીસ ફૂટથી વધારે જમીન કોઈને મળે નહીં. આમ આ લેખકે બચપણથી જ નાણાભીડ જોયેલી અને પછી ભોગવેલી. તેમના પિતા મગનલાલ જોશીએ મુંબઈ શહેરમાં કમાવા જવા વતન છોડ્યું હતું. બહુ ટૂંકા પગારમાં મૂળજી જેઠા માર્કેટમાં એક કાપડના વેપારીને ત્યાં તેઓ કામ કરતા હતા.
દિનકર જોશીની શરૂઆતની જિંદગીમાં એમની સર્જનપ્રક્રિયા અને નાણાભીડ રેલવેના બે પાટાની જેમ સમાંતર ચાલતી રહી. તેઓ દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે નાણાભીડ ભાંગવા બીજા ધોરણના એક વિદ્યાર્થીને ટ્યુશન આપવા જતા- પોતાના વિદ્યાર્થીને ભણાવવા એ ચડ્ડી પહેરીને જતા. આ ટ્યુશન પણ એમના વર્ગશિક્ષકે જ એમને રખાવી આપ્યું હતું. એ વખતના મૅટ્રિક (અગિયારમા ધોરણ)નું પરિણામ આવ્યા પહેલાં તો એમણે ભાવનગર કલેક્ટર ઑફિસમાં નોકરી કરવા માંડી હતી. ત્યાર પછી રેલવેમાં નોકરી કરી અને સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રની ચોટીલા શાખામાં પણ નોકરી કરી અને આખરે દેના બૅન્કમાં સ્થાયી થયા. આ બધું નાણાભીડે જ એમની પાસે કરાવ્યું હતું. નાણાભીડને કારણે એમણે એમ.એ. થવાનું માંડી વાળવું પડ્યું હતું. જો એ બેજવાબદાર વ્યક્તિ તરીકે વર્ત્યા હોત અને કુટુંબનાં સભ્યોની દરકાર ન કરી હોત તો કદાચ એમની ઈચ્છા મુજબ તેઓ એમ.એ. થઈને પ્રોફેસર થઈ શક્યા હોત. પણ કુટુંબની વત્સલ, લાગણીશીલ વ્યક્તિ તરીકે એવું વર્તન કરવાનું એમના માટે શક્ય નહોતું.
‘એક્સટર્નલ સ્ટુડન્ટ’ તરીકે એમણે બી.એ.ની પરીક્ષા નોકરી કરતાં કરતાં આપી અને છતાં આગળ અભ્યાસ કરી શક્યા નહીં એનો વસવસો પણ એમના મનમાં ખાસ્સો રહી ગયો છે. નાણાભીડને કારણે, શરૂઆતની જિંદગીમાં ઈચ્છા મુજબનાં પુસ્તકો વાંચવા માટેનો (વસાવવા માટેનો નહીં) ખર્ચ પણ તેમને પોસાતો નહોતો. પુસ્તકવાચનનો એમનો શોખ કેવો હતો અને એને પૂરો કરવા માટે એમણે શું-શું વેઠવું પડ્યું હતું એના ઘણા પ્રસંગો તેમણે આલેખ્યા છે, જે કોઈ પણ વાચકના દિલને સ્પર્શી જાય તેવા છે. એમનું જીવન અકસ્માતોથી ભરેલું છે. જેવી રીતે બીમારીની પીડાએ લેખક બનાવીને એમને પ્રસિદ્ધિ આપી, એવી જ રીતે એમની આર્થિક સંકડામણે એમને માનવતા આપી. દિલમાં દર્દ આપ્યું, મક્કમતા આપી, એમને વહેવાર-પુરુષ બનાવ્યા. એમની નોકરીઓ વિશે, ખાસ કરી દેના બૅન્કની એમની નોકરી વિશે લખવું જોઈએ પરંતુ એ હું છોડી દઉં છું, (39 વરસ સુધીની બૅંકિંગ કારકિર્દીના અનુભવોની દાસ્તાન એમના ‘મહાલક્ષ્મીના મંદિરમાં’ પુસ્તકમાં આલેખાઈ છે.) કારણ કે મૂળ વાત જીવનની વિટંબણાઓ પાર કરીને આગળ વધેલી વ્યક્તિની છે, એટલે વધારે લખવાનું જરૂરી નથી.
વિદ્યાર્થી હોય કે બીજાં કોઈ પણ યુવાનયુવતી હોય, એમણે એક વાત યાદ રાખવી જોઈએ : જે વ્યક્તિ પોતાના માર્ગમાં પડેલી, ખસેડી ન શકાય એવી મહાકાય શિલાનો ‘સ્ટેપિંગ સ્ટોન’ તરીકે – આગળ વધવાના પગથિયા તરીકે ઉપયોગ કરી શકે છે એ જ જીવનમાં આગળ વધી શકે છે અને કશુંક પ્રાપ્ત કરી શકે છે.

જાણવા જેવું – સંકલિત

જાણવા જેવું – સંકલિત

[1] પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર – હિતેશ જોશી
વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે !
ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે. એમીલની જે લકી ડૉટરનું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! અને એ કંપની એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું. જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત. ક્યારેક ‘જો’ અને ‘તો’ ની વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય ! (‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] કળશપૂજા કેમ ? સં. – આદિત્ય વાસુ
આજથી બે સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાનાં ગામડાંઓ અને નાનાં નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતો હતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છતાંય તે પાણીને ભરી રાખવા માટે તો ઘડા-કળશની તો જરૂર પડે જ છે.
યુગોથી જળ ભરેલા ઘડા-કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક – પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. તેને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી જ્યારે તે કોઈ શુભ કાર્ય – સારું કામ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે સર્વપ્રથમ તે કળશને યાદ કરે છે. આજની સામાન્યમાં સામાન્ય વિધિમાં તે કુંભ સ્થાપના કરવાની વિધિ સર્વ પ્રથમ કરે છે. લગ્ન પ્રસંગ હોય, ગૃહપ્રવેશ હોય, કોઈનું સ્વાગત કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવાનું હોય ત્યારે સર્વપ્રથમ શણગારેલા કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય જગતના કોઈ દેશમાં નથી. જેનો યશ આપણા જ્ઞાની પૂર્વજો અને ઋષિમુનિઓને જાય છે. અત્યંત સુંદર રીતે શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્નપત્રિકા, નિમંત્રણપત્રિકા કે જાહેરાતમાં જોઈએ છીએ ત્યારે આપણને આપણી આ પરંપરા માટે ગૌરવ થયા વગર રહેતું નથી. સમગ્ર જીવન દરમિયાન કળશ દ્વારા જળને મહત્વ આપનાર મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ઠિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવન જળ હવે ખૂટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર પહેલાં જળ ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે.
જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા તેને સમજાઈ. ધન-ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ તેણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમાં જળ ભરવાનો જ તેનો આશય હતો. માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા-કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેણે તેમાં વૃક્ષનાં પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો. કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક છે. (‘આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર.)
.
[3] ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં સામેલ થતા શબ્દો – હેમેન ભટ્ટ
ઓરેન્જ (Orange), પાયજામા (Pajama), ઠગ (Thug), બેંગલ્સ (Bangles), જંગલ (Jungle), કૉટ (Cot) આ બધા શબ્દોના અર્થ તો તમે જાણતા હશો, પણ આ બધા શબ્દોમાં શું સામ્ય છે, જાણો છો ? વિચારો…. નથી સમજ પડતી ? તો જાણી લ્યો કે, આ બધા શબ્દ ભારતીય ભાષામાંથી અંગ્રેજીમાં આવ્યા છે. દર વર્ષે અંગ્રેજી ભાષામાં ભારતીય ભાષામાંથી કોઈ ને કોઈ શબ્દ સામેલ કરવામાં આવે છે. તે એક બાજુ આ ભાષાનું મહત્વ દર્શાવે છે, બીજી બાજુ અંગ્રેજી ભાષાના આંતરરાષ્ટ્રીય મહત્વ પણ દર્શાવે છે. અંગ્રેજી ભાષાની ઑક્સફોર્ડ કન્સાઈઝડ ડિકશનરીએ ગયા વર્ષે પોતાની 11મી આવૃત્તિમાં ભારતના 50 કરતાં પણ વધુ શબ્દોને સામેલ કર્યા છે. તાજેતરમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા સૌથી વધુ છે. ઑક્સફોર્ડની નવી આવૃત્તિમાં આપણા જે શબ્દો સામેલ કરવામાં આવ્યા છે, તે છે; બદમાશ (Badmash), ઢાબા (Dhaba), હવાલા (Hawala), બંધ (Bandh), ભેળપૂરી (Bhelpuri), ચમચા (Chamcha) વગેરે. આ બધા શબ્દો ઉપરાંત યોગ (Yoga), મંત્ર (Mantra), પંડિત (Pandit), કર્મા (Karma) વગેરે ઘણા અગાઉથી અંગ્રેજીમાં પ્રચલિત છે જ.
ભારતનું નામ દુનિયામાં મસાલાઓ માટે મશહૂર છે. હવે ખાણીપીણીની દુનિયામાં ભારતીય ભોજનમાં લોકોની રુચિ એ વાતથી જણાય છે કે, અંગ્રેજીમાં કેટલાંક નામ એમાંથી પણ આવ્યા છે, જેમ કે, ચટણી (Chutney), તંદૂર (Tandoor), કરી-કઢી (Curry) વગેરે. Orange – ઓરેંજ એટલે નારંગી. સંસ્કૃતમાં આ ફળને નારંજ કહેવાતું, ત્યાંથી આ શબ્દ અરબી ભાષામાં ગયો, જ્યાં તે નારંજહ થઈ ગયો. અરબોનું જ્યારે સ્પેન પર આધિપત્ય છવાયું ત્યારે આ શબ્દ સ્પેની ભાષામાં નારનહાના ઉચ્ચારણ સાથે આવ્યો. સ્પેનિશથી તે અંગ્રેજીમાં A Naraj ના રૂપમાં ચાલ્યો ગયો. અંગ્રેજીમાં ‘જે’ અક્ષર પર ખૂબ મુશ્કેલીથી કોઈ શબ્દ પૂરો થાય છે, આથી તેનો સ્પેલિંગ Narange થઈ ગયો, અને લોકો તેને A Narange કહેવા લાગ્યા. પછી તે A Narange બોલતાંબોલતાં An Arange થઈ ગયું. પછી Arangeના શરૂઆતના ‘એ’ ને ‘ઓ’ના ઉચ્ચારણમાં લઈ લેવાયો. આ રીતે તે An Orange બની ગયો. મતલબ કે નારંગીમાં રંગ લાવવા માટે ઘણી લાંબી સફર કાપવી પડી. આ શબ્દ માટે એ વાત પણ યાદ રહેવી જોઈએ કે આ પ્રકારનો અંગ્રેજીમાં કોઈ બીજો શબ્દ નથી.
Cheese – ચીઝ, એક ચીઝ કે જેને આપણે પનીરના રૂપમાં ઓળખીએ છીએ. સમગ્ર દુનિયામાં તેનું પ્રચલન છે પરંતુ છેલ્લી એક સદીથી ચીઝ શબ્દનો પ્રયોગ ઉર્દૂ ભાષાના ચીઝ શબ્દના રૂપમાં જ થઈ રહ્યો છે. જેમ કે, He is a big cheese. (તે બહુ મોટી ચીઝ એટલે કે હસ્તી છે.)
Mango – મેંગો, આપણી કેરી માટે દુનિયાભરમાં જાણીતો આ શબ્દ મલયાલયના ‘માંગા’માંથી આવ્યો છે. સ્પેનીશમાં પણ મેંગા, મેંગો માટે વપરાય છે.
Bangles – બેંગલ્સ, આ શબ્દ હિન્દીમાંથી આવ્યો છે. તેનો અર્થ છે, બંગડીઓ કે કડા. હકીકતમાં આ હિન્દીના શબ્દ બાંગડીનું રૂપ છે, જેનો અર્થ કાચ થાય છે.
Shampoo – શેમ્પૂ. આ લોકપ્રિય શબ્દ ચમ્પૂમાંથી આવ્યો છે, જેને આપણે ચમ્પીથી પણ જાણીએ છીએ. Thug- ઠગ, મતલબ કે ચોર પણ ભારતમાંથી લેવામાં આવ્યો છે. આપણી લોકકથાઓમાં ઠગભગતના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. આનાથી જ શબ્દ ઠગી બન્યો છે. અંગ્રેજીમાં તેનો પણ ઘણી જગ્યાએ પ્રયોગ જોવા મળે છે. બીજા કેટલાક શબ્દો, જે ભારતીય ભાષામાંથી અંગ્રેજી ભાષામાં લેવામાં આવ્યા તે છે; (Sentry) – સંતરી, (Teapoy) – ટિપોય, (Sepoy) – સિપાઈ, (Toddy) – તાડી, (Pukaa) – પક્કા, પાકું જેમ કે તમારું કામ પાક્કું. (Chai) – ચા, (Bidi) – બીડી. આમ ભારતની જુદીજુદી ભાષાઓના સેંકડો શબ્દ અંગ્રેજી ભાષાના શબ્દકોશમાં છે. આ કામ ખૂબ અગાઉથી ચાલી રહ્યું છે. (‘નૉલેજ-ગાર્ડન’ પુસ્તકમાંથી સાભાર.)
.
[4] વર્તમાનપત્રોમાં કાર્ટૂન ચિત્રની શરૂઆત ક્યારે થઈ ? તેના પ્રકારો કેટલા છે ? અત્યારે શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ છે ? – બંસીધર શુક્લ
કાર્ટૂન કે કટાક્ષ ચિત્ર કે ઠઠ્ઠાચિત્ર અતિ પ્રાચીન કલા છે. ત્યારે ચિત્રકારો મોટે ભાગે વ્યક્તિનાં રમૂજી ચિત્રો બનાવતા. 15મી સદીમાં યુરોપમાં દેવળોની ભીંતો ઉપર કટાક્ષ ચિત્રો આલેખવાની પ્રથા ચાલી. નવજાગૃતિ સમયે રાજા, મંત્રી, સેનાપતિ, પાદરી આદિનાં કુરૂપ ચિત્રો દોરવાની શરૂઆત 16મી સદીના જર્મનીમાં થઈ. તેમને કેરિકેચર કહેતા. 18મી સદીમાં અંગ્રેજી વર્તમાનપત્રો તથા સામાયિકોમાં કટાક્ષ ચિત્રો નિયમિત છપાતાં થયાં. 19મી સદીમાં ફ્રાન્સમાં શાસનના ભ્રષ્ટાચાર સામે પ્રજાનો આક્રોશ કટાક્ષ ચિત્રો રૂપે વ્યક્ત કરાયો. અમેરિકામાં 1870ના દસકામાં હાર્પર્સ વીકલીનાં કટાક્ષ ચિત્રોએ વિલિયમ ટ્વીડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી તેને કારાગૃહ ભેગો કર્યો. બ્રિટનમાં કટાક્ષ ચિત્રોના સામાયિક ‘પંચે’ કાર્ટૂન શબ્દ પ્રચલિત કર્યો. પહેલી કટાક્ષ ચિત્ર-પટી યલો કિડ ‘ન્યૂ યૉર્ક જરનલ’માં 18-10-1896ના દિવસે પ્રગટ થઈ.
ગુજરાતીમાં મુંબઈના પારસી ‘ગપસપ’ માસિકમાં 1930 આસપાસ કટાક્ષ ચિત્ર દેખાયાં. આ જ સમયે ગુજરાતમાં પ્રથમ કટાક્ષ ચિત્રો રવિશંકર રાવળે ‘અફલાતૂન’ ઉપનામે તેમના કુમાર માસિકમાં છાપ્યાં. અમદાવાદના ‘રેખા’ માસિકે બંસીલાલ વર્મા (ચકોર)નાં વિશ્વ કક્ષાનાં કટાક્ષ ચિત્રો નિયમિત પ્રગટ કર્યાં. શંકર પિલ્લૈએ દિલ્હીથી અંગ્રેજી ‘શંકર્સ વીકલી’ કાઢ્યું. તેમાં તેમનાં કટાક્ષ ચિત્રો લોકપ્રિય થયાં. કટાક્ષ ચિત્રના મુખ્ય બે પ્રકારો છે. રાજકીય અને સામાજિક. કેટલીક વાર મળતી રજૂઆતને કારણે માહિતી ચિત્રને કાર્ટૂન કહે છે. સ્વરૂપ પ્રમાણે બે પ્રકાર એકલ તથા ચિત્રવાર્તા પટી છે.
ભારત તથા ગુજરાતના કેટલાક કટાક્ષ ચિત્રકારો આ પ્રમાણે છે : અબુ અબ્રાહમ, આબિદ સુરતી, ઈંદ્રદેવ આચાર્ય, કુટ્ટી, ગોપી ગજવાણી, ચંદ્ર ત્રિવેદી, જયંતી પટેલ, તુષાર તપોધન, દલસુખ શાહ, દીપક ચૌહાણ, દેવ ગઢવી, નટુભાઈ મિસ્ત્રી, નારદ, પ્રફુલ્લચંદ્ર લાહિડી, પ્રમોદ સોની, બલિ, બંસીલાલ વર્મા, ભદ્રેશ, મારિયો, મિલન, રણછોડભાઈ પુરાણી, રમેશ બૂચ, રવીન્દ્ર, રાજેન્દ્ર પુરી, રાસીપુરમ લક્ષ્મણ, રૂપમ, લક્ષ્મણ વર્મા, લલિત બૂચ, શનિ, શંકર પિલ્લૈ, શારદ, શિવ પંડ્યા, સુધીર દર આદિ કટાક્ષ ચિત્રકારો થયા. આમાં કેટલાક વિદ્યમાન નથી. 1958થી દસેક વર્ષ સુધી મારાં કટાક્ષ ચિત્રો ‘જનસત્તા’ દૈનિક તથા ‘રંગતરંગ’ માસિકમાં પ્રગટ થયાં. બીજાં કેટલાંક સામાયિક આદિમાં પણ છૂટાંછવાયાં પ્રગટ થયાં. (‘અખંડ આનંદ’ માંથી સાભાર.)

બહુ ગણતરીઓ ન માંડો – મોહમ્મદ માંકડ

બહુ ગણતરીઓ ન માંડો – મોહમ્મદ માંકડ

[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ચાલતા રહો, ચાલતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
મારી એક લાંબી વાર્તા ‘અંકુર’માં એવી વાત આવે છે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલ એક માણસનો જુવાનજોધ મોટો દીકરો એની પહેલી નોકરીમાં હાજર થવા જતો હોય છે ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામે છે. એ દીકરા ઉપર સ્વાભાવિક જ માતાપિતાએ મોટી મોટી આશાઓ બાંધી હોય છે. સમાચાર સાંભળતાં જ વૃદ્ધો પર આકાશ તૂટી પડે છે. અને છતાં એ જીવે છે. જિંદગી જીવવા માટે ફરી નોકરી કરવાનું શરૂ કરે છે. બીજો એક દીકરો છે, પણ એ નાનો છે. એના વિશે તો બાપે ક્યારેય કશો વિચાર પણ કર્યો નથી. એને કાયમ સામાન્ય જ ગણ્યો છે. મોટા દીકરા ઉપર જ બધો દારોમદાર બાંધ્યો હતો. એ જ હોશિયાર હતો, ઘરનો મોભ હતો. મોભ તૂટી પડ્યો. જિંદગી ખળભળી ગઈ. છતાં એનો નાશ ન થયો. એ વેરાન ન થઈ ગઈ.
જિંદગીનો છોડ એક સદાબહાર લીલોછોયો છોડ છે. એને ક્યારે નવો અંકુર ફૂટશે, ક્યાંથી ફૂટશે એ કોઈ જાણતું નથી. જે દીકરા ઉપર બાપે મદાર રાખ્યો હતો એને મૃત્યુ ઉપાડી ગયું. પણ જેને સામાન્ય ગણ્યો હતો એ ધીમે ધીમે ખીલી ઊઠ્યો. માણસમાત્રની જિંદગીમાં એક યા બીજા રૂપે બનતી આ કથા છે. બધાની જિંદગીમાં મોભી દીકરા મૃત્યુ પામતા નથી, બધાની જિંદગીમાં એવું દુઃખ આવી પડતું નથી, બધાની જિંદગીમાં નહિ ધારેલ દીકરો પાણીદાર નીકળતો નથી; પરંતુ બધાની જિંદગીમાં, એક નહિ તો બીજી રીતે, ધાર્યું ન હોય એવું તો બન્યા જ કરે છે. ધાર્યું હોય એવું બનતું નથી ને ધાર્યું જ ન હોય એવું બની જાય છે. આળખી રાખ્યું હોય એ ભૂંસાઈ જાય છે અને જેનો વિચાર પણ ન કર્યો હોય એવું અચાનક બની જાય છે.
એટલે જ, જિંદગીનો નકશો અગાઉથી તૈયાર કરી શકાતો નથી અને એવો નકશો તૈયાર કરવો પણ ન જોઈએ, કારણ કે નકશા પ્રમાણેની જિંદગી શક્ય નથી. ધરતી ઉપરથી મોટામાં મોટી ઈમારત માટેના નકશાઓ તૈયાર કરી શકાય છે અને એ પ્રમાણે ઈમારત પણ બનાવી શકાય છે, પરંતુ બાહોશમાં બાહોશ અને નિષ્ણાતમાં નિષ્ણાત વ્યક્તિ પણ પોતાની જિંદગીની ઈમારત પોતે વિચારી કાઢેલ નકશા પ્રમાણે તૈયાર કરી શકતી નથી. દુનિયા આખીની પ્રદક્ષિણા કરવી હોય કે અવકાશી સફર કરવી હોય તો એ માટેની રૂપરેખા તૈયાર કરી શકાય છે. માત્ર જિંદગીની સફરની કોઈ ચોક્કસ રૂપરેખા તૈયાર કરી શકાતી નથી. જિંદગી એક એવું રહસ્યમય, રોમેન્ટિક, અદ્દભુત, અસાધારણ નાટક છે કે તેમાં બીજી પળે શું બનશે તે કોઈ જાણતું નથી. ‘પ્રબીન-સાગર’માં આ વિષય ઉપર એક સુંદર સવૈયો છે :

સીત હરી દિન એક નિસાચર,
………….. લંક લહી દિન ઐસો હી આયો;
એક દિનાં દમયંતી તજી નલ,
………….. એક દિનાં ફીર હી સુખ પાયો.
એક દિનાં બન પાંડવ કે,
………….. અરુ, એક દિનાં શિરછત્ર ધરાયો;
સોચ પ્રબીન કરો ન કછુ
………….. કિરતાર યહી બિધિ ખેલ રચાયો.
જિંદગીના વળાંકોને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. જે બનાવ બને છે એ બનાવની પાછળ છુપાયેલ બનાવને માણસ જોઈ શકતો નથી. સીતાજીનું હરણ કરીને લંકા લઈ જનાર રાવણને ખબર પણ નહિ હોય કે એક દિવસ એને માત્ર લંકા જ નહિ, પણ પોતાનો જીવ પણ ખોવો પડશે. નળ રાજા પર એટલી આપદા પડી કે પોતાની પ્રિય પત્નીને પણ છોડી દેવી પડી, પાંડવોને વનમાં ભટકવું પડ્યું, પણ સમયનું ચક્ર ફર્યું અને એ જ નળ રાજા કે એ જ પાંડવોના માથે રાજછત્ર શોભવા લાગ્યું. એટલે, કોઈ વ્યક્તિએ જિંદગીને પોતાની સમજણમાં કેદ કરવાની ચેષ્ટા ન કરવી જોઈએ.
દિવસે દિવસે આપણે સૌ સભ્ય માનવીઓ વધુ ને વધુ સલામતી શોધતા થયા છીએ. પક્ષીઓ માળા બાંધે છે અને પ્રાણીઓ રહેવા માટે ગુફાઓ પસંદ કરે છે એ પણ એક રીતે સલામતીની જ શોધ છે. સલામતી શોધવી એ જ જીવમાત્રની મૂળભૂત વૃત્તિ છે, પરંતુ કોઈ પણ કુદરતી વૃત્તિનો અતિરેક નુકશાન કરે છે. વધારે પડતાં આહાર, નિદ્રા, ભય કે મૈથુન નુકશાન કરે છે એ જ રીતે વધારે પડતી સલામતી પણ વિકાસને કુંઠિત કરે છે, વ્યક્તિને પંગુ અને નિર્બળ બનાવી દે છે. અને ખાસ તો એ કે, વ્યક્તિના ગમે તેટલા પ્રયત્નો છતાં પણ એવી ચુસ્ત સલામતી ક્યારેય મળી શકતી નથી. જિંદગીનું સ્વરૂપ જ એવું છે કે તેને કોઈ ગણતરીમાં બાંધી શકાતું નથી. બધી જ ગણતરીઓ પછી પણ બનાવો એ ગણતરી પ્રમાણે જ બનશે એમ કોઈ કહી શકતું નથી. એનું કારણ એ છે કે, ગણતરી કરનાર જિંદગીના વ્યાપને કે અગાધ ઊંડાણને સમજી શકતો નથી. જે વ્યક્તિ ગણતરી કરે છે તે માત્ર સત્યના એક અંશને જ જોઈ શકે છે. ધંધામાં આવેલી ખોટથી આઘાત પામીને આપઘાત કરનાર, પ્રેમમાં નિષ્ફળતા મળતાં જ જીવનથી કંટાળી જનાર, કૅન્સર જેવા અસાધ્ય રોગનું નામ સાંભળતાં જ હિંમત હારીને સામેથી મૃત્યુના ખાડામાં કૂદી પડનાર, બેકારીથી કંટાળીને જીવાદોરી ટૂંકાવવા તૈયાર થનાર, ઉપરાઉપરી નિષ્ફળતાઓ મળતાં સફળતા માટેની આશા કાયમ માટે છોડી દેનાર માણસો સત્યની માત્ર એક જ બાજુ જોઈ શકતા હોય છે. એમના વિચારની પરિસીમા બહાર પણ કશુંક હોઈ શકે છે એમ માનવા તેઓ તૈયાર નથી હોતા. પરંતુ એમના વિચારની સીમા બહાર તો ઘણું જ હોઈ શકે છે.
ધંધામાં આવેલી ખોટ ગમે ત્યારે નફામાં પલટાઈ શકે છે. જે પ્રેમ માટે માણસ જીવ કાઢી દેવા તૈયાર થાય છે એ પ્રેમ તરકટી પણ હોઈ શકે છે અથવા તો સંજોગો બદલાતાં તેમાં નિષ્ફળતાના બદલે સફળતા પણ મળી શકે છે. બેકારી અને નિરાશાનું પણ એવું જ છે. સમય અને સંજોગો તેમાં ગમે ત્યારે પલટા લાવી શકે છે. ખાડામાં ફસાઈ ગયેલું વાહન કાયમ ખાડામાં જ ફસાયેલું રહેતું નથી. આફતમાં સપડાઈ ગયેલ વ્યક્તિ કાયમ આફતમાં સપડાયેલી રહેતી નથી. બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો તો જરૂર હોય જ છે. – અને સૌથી અગત્યની વાત તો એ છે કે એવો રસ્તો દેખાતો ન હોય છતાં રસ્તો હોય જ છે. આજે જે રોગનો કોઈ ઈલાજ ન હોય એનો ઈલાજ કાલે મળી પણ આવે છે. માણસની ગણતરીમાં એક પાયાની ખામી એ છે કે, જે માર્ગે એ વિચારતો હોય ત્યાંથી અલગ ફંટાઈને ક્યારેય વિચારી શકતો નથી. એટલે તો ભલભલા વૈજ્ઞાનિકો અને વિચારો પણ ભૂલો કરતા હોય છે. આજના વિચારકો કે વૈજ્ઞાનિકોને જે બિલકુલ દેખાતું ન હોય તે પછીની પેઢીને અચાનક જ મળી આવે છે. આજની એન્ટિબાયોટિક દવાઓ વિશે ગઈ સદીમાં કોણ વિચારી શકતું હતું, કે ચંદ્ર ઉપર માનવી સદેહે જઈ શકે એવું કોણ માની શકતું હતું ? સળગી શકે એવા ખનિજ તેલ વિશે અગાઉ પણ માણસો જાણતા હતા. માર્કોપોલોએ એના પ્રવાસવર્ણનમાં એનો ઉલ્લેખ કર્યો છે, પણ એનો ઉપયોગ વાહનો ચલાવવામાં કે વિમાનો ઉડાડવામાં થઈ શકે એમ કોણ જાણતું હતું ? વાહનો ચલાવવા માટે તો માણસ પાડા, બળદ, હાથી, કૂતરાં, રેઈનડિયર કે ઘોડા વિશે જ વિચારી શકતો હતો. ઘોડા કે બળદ વિના ચાલતાં વાહનોની વાત તો તદ્દન નવી, માની પણ ન શકાય તેવી હતી.
એટલે, ક્યારેય જિંદગીને આપણા વિચારોની મર્યાદામાં ન બાંધી દેવી. આપણી ગણતરીઓથી એને માપવાની કોશિશ ક્યારેય ન કરવી. આમ બની ગયું, માટે હવે પછી પણ આમ જ બનશે એવાં તારણો ક્યારેય ન કાઢવાં. એના બદલે જે કાંઈ સામે આવે એને સ્વીકારીને જીવવાની અને એમાંથી નવું શીખવાની કોશિશ કરવી અને છતાં આપણે શીખ્યા હોઈએ કે જાણતા હોઈએ એ જ સાચું છે એમ પણ ક્યારેય ન માનવું, કારણ કે બિલકુલ સાચી વાત પણ જ્દુઆ સંદર્ભમાં અને જુદા સંજોગોમાં જુદી રીતે સાચી હોઈ શકે છે. આ બાબતમાં રાલ્ફ, સોકમાને કહેલી એક વાત કાયમ યાદ રાખવા જેવી છે : ‘જહાજના જુદા જુદા ભાગોને સમુદ્રમાં મૂકવામાં આવે તો તે ચોક્કસ ડૂબી જાય. એન્જિન ડૂબી જાય, લોખંડનાં પતરાં ડૂબી જાય; અરે લોખંડના નાના ખીલા પણ ડૂબી જાય. પરંતુ જો એમને એકસાથે એક જ એકમમાં બાંધવામાં આવે તો તે તરતા રહી શકે.’
જિંદગી વિશે આપણે જ્યારે ગણતરી કરવા બેસીએ છીએ ત્યારે આવી જ ભૂલ કરીએ છીએ. દરેક અલગ અલગ ભાગનો આપણે અલગ રીતે વિચાર કરીએ છીએ અને દરેક ભાગ એવો દેખાતો હોવાથી તે ડૂબી જ જશે એમ આપણે માનીએ છીએ. પરંતુ બીજા સાથે જોડાઈ જવાથી એમાં કેવા અજબ ફેરફારો થઈ જશે તે આપણે જાણતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં નિરાશા અને નિષ્ફળતાના પ્રસંગો આવે છે. એવું બને ત્યારે એકાદ ખીલાનો કે પતરાનો વિચાર કરવાને બદલે કે એ બાબતમાં ચોક્કસ પ્રકારની ગણતરીઓ કરવાને બદલે, જિંદગીના આખા જહાજનો વિચાર કરવો જોઈએ અને આપણી ગણતરીઓ ભલે સાચી લાગતી હોય, છતાં જહાજ જ્યાં સુધી આખું હશે ત્યાં સુધી ડૂબવાનું નથી એવી શ્રદ્ધા રાખવી જોઈએ, કારણ કે છેવટનું સત્ય તો એ જ છે.

યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – જય વસાવડા



યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – જય વસાવડા

[ પ્રતિવર્ષ યોજાતા અસ્મિતાપર્વનો અહેવાલ આપણે રીડગુજરાતી પર માણીએ છીએ. આ વર્ષથી આ અહેવાલ એક સળંગ લેખને બદલે ચૂંટેલા વક્તવ્ય જુદા જુદા લેખો રૂપે અમુક સમયાંતરે મુકવાનું નક્કી કર્યું છે જેથી સૌ વાચકમિત્રોને વાંચનમાં સરળતા રહે. મહુવા ખાતે તાજેતરમાં યોજાયેલ ‘અસ્મિતાપર્વ : 15’માં શ્રી જયભાઈ વસાવડાએ આપેલ વક્તવ્ય ‘યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય’નું આ શાબ્દિક રૂપાંતર છે જે અત્રે પ્રથમ પ્રસ્તુત છે. આપ તેમનો આ નંબર પર +91 9825437373 અથવા આ સરનામે jayvaz@gmail.com સંપર્ક કરી શકો છો. આજે એક જ લેખ આપવામાં આવ્યો છે જેની નોંધ લેશો. – તંત્રી. ]
પૂજ્ય બાપુ અને સૌ સૃહદો.
મને અહીં આવવાનો બહુ આનંદ છે. જાણે સ્મૃતિઓ તાજી થઈ ગઈ. કાજલબેન, શરદભાઈ… બધા રંગરંગીન વક્તાઓ અને રંગીન સંચાલક અહીં બેઠા છે. થોડા વર્ષો પહેલાં શ્રી હરીશકાકાના આમંત્રણથી સીનેમા પર વાત કરવા આવ્યો હતો. એ સમયે પણ આવો જ સરસ મજાનો માહોલ જામેલો. બહુ મજા પડી હતી.
1951માં એક માણસ કે જે પાછળથી યુવાનોમાં બહુ લોકપ્રિય થયો હતો અને ક્રાંતિકારી બન્યો હતો, યુવાનોના ટી-શર્ટ પર એનું નામ છપાતું – એ માણસ મેડીકલમાં ભણતો હતો અને ત્રીજા વર્ષે એને એમ થયું કે મેં મારી આસપાસનો પ્રદેશ તો મેં જોયો જ નહીં. એકાદ વર્ષ ભણવાનું કૂદાવી નાખું અને મોટરસાઈકલ લઈને નીકળું તો ખબર પડે કે દુનિયા કેવી છે અને આસપાસના પ્રદેશો કેવા છે. એ પછી તે માણસ નીકળ્યો અને એના પરથી સરસ મજાના પુસ્તકો અને ફિલ્મો બની જેને ‘મોટરસાઈકલ ડાયરીઝ’ કહે છે. 8000 કિ.મી.નો એણે મિત્ર સાથે પ્રવાસ કર્યો. કોઈએ એને પૂછ્યું : ‘શું કામ આ બધા પ્રવાસો ખેડ્યા ?’ – વ્યક્તિગત રીતે મને એમ લાગ્યું છે કે આ પ્રવાસો ‘કન્યાવિદાય’ જેવા છે. કન્યાની વિદાય થતી હોય ત્યારે એને વિદાયની જેટલી પીડા હોય એટલો નવા જીવનનો રોમાંચ પણ હોય. એ 8000 કિ.મીનો પ્રવાસ કરનારે કહ્યું કે દરેક પ્રદેશની સરહદ પર હું ઊભો રહું ત્યારે મને એવું લાગે છે કે ભવિષ્યમાં મારે જે નવા પ્રદેશોની સફર કરવાની છે તે જો હું નહીં કરું તો મારા ભૂતકાળની હું સરસ મજાની સ્મૃતિઓ કેવી રીતે બનાવીશ ? જ્યારે હું જીવનમાં આગળ વધીશ ત્યારે મારી ભૂતકાળની સુખદ સ્મૃતિઓ કેમ બનશે ? રોમાંચ-થ્રીલિંગ મોમેન્ટ મારી પાસે કેમ થશે ?

અહીં મારી પાસે અસ્મિતાપર્વના વ્યાખ્યાનની મોમેન્ટ્સ છે એટલે આજે હું યાદ કરું છું કે આ યુવા ચેતનાની વાત છે. કશુંક ખેડેલું હતું એની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. કાકાસાહેબ કાલેલકર એવું કહી ગયા છે કે દુનિયામાં બધી જ વસ્તુઓનો ક્ષય થાય છે – આ વૃક્ષો, ઈલેકટ્રીસીટી… બધું જ… મહેલો-હવેલીઓ-માણસનું શરીર વગેરે… પરંતુ એક વાતનો ક્ષય નથી થતો અને એ વાત છે સ્મૃતિઓની. તે અમાપ છે. એ વધતી જ રહેશે. આપણે સ્મૃતિઓના જળમાં ધીરે ધીરે આચમની લેવાની હોય, છબછબિયાં કરવાનાં હોય, ગાલ પર એના થોડાક છાંટા ઊડાડવાના હોય, એની અંદર માથાબોળ બેઠા રહેવાનું ન હોય. હવે, અહીંથી મારા વિષયની શરૂઆત થાય છે…. આપણું મોટાભાગનું સાહિત્ય, આપણા મોટાભાગના સાહિત્યસર્જકો અને આપણો મોટાભાગનો આખો સમાજ સ્મૃતિઓના જળની અંદર જ દુર્યોધનની જેમ આખેઆખો બેસી ગયો છે. બહાર જ નથી નીકળતો ! બધાને એવી જ જિંદગી એટલી બધી રોમાંચક લાગે છે કે ઓહોહો….. ‘અમારો જે જમાનો હતો….’ અત્યારે આ બધાનું ધ્રુવવાક્ય છે કે મારોય એક જમાનો હતો, કોણ માનશે ? બલ્કે એ આખા ગુજરાતના સાહિત્યસર્જકોનું ધ્રુવવાક્ય છે. અમારા જેવા થોડાક અહીં બેઠેલાઓએ એમાં ખાતર પાડ્યું છે અને કહ્યું છે કે આજનોય જમાનો છે એને કોણ ચાહશે ? બધા જ લોકો ‘અમારો એક જમાનો હતો’ એની જ ચર્ચા કરતા રહેશે તો આજના જમાનાને કોણ ચાહશે ?

મોટાભાગના આપણા સર્જકો બાળકમાંથી સીધેસીધા વૃદ્ધ થઈ જતાં હોય છે અને સમાજને પણ આ ટેવ પાડી દેવામાં આવી છે. તેથી જવાની શું ચેતના છે, એડલ્ટહુડ શું ચીજ છે એ એમને ખ્યાલ જ નથી આવતો. બધા એવું કહે છે કે આ ટીવીમાં આવું બતાવે છે તો કુમળા માનસનું શું થશે ? અરે પણ, એમ નહીં બતાવે તો પુખ્તવયનાનું શું થશે એ તો ખ્યાલ કરો ! આવું નહીં બતાવે તો અમે ક્યાં જઈશું ? અમારે ફક્ત આસ્થા ચેનલની અંદર આવતા કીર્તનો જ જોયા કરવાનાં ? M. TVમાં આવતા માઈકલ જેકસનને જોવાનો જ નહીં ? મહારાષ્ટ્રના સંસ્કૃતિમંત્રીએ ‘પ્રેમપાર્ક’ બનાવેલો, એ પછી તો એમાં બધા વડીલો જતાં થઈ ગયા એટલે એનું નામ ‘નાના-નાની’ પાર્ક પડી ગયું ! એમાં લવર્સને તો જગ્યા જ નહીં !
આપણે વૃદ્ધાશ્રમોમાં જોઈએ છીએ કે ત્યાં મોટાભાગના લોકો જીવનથી થાકી-હારીને, કંટાળીને, રિજેક્ટ થઈને બેઠા હોય છે. એમાં પાછા મારા જેવા કો’કને બોલાવીને પછી એમ કહે કે હવે તમે આ લોકોને ‘મૃત્યુ એટલે શું’ એ વિશે કહો. અરે ભાઈ, મોલ એટલે શું એ વાત કરો, મલ્ટિપ્લેક્સ એટલે શું એ વાત કરો. એમને કાશી-મથુરા લઈ જવાને બદલે એવી કોઈ જગ્યાએ લઈ જાઓ જ્યાં મોટો જલસો થતો હોય. એમને અહીં સરસ મજાના નૃત્ય-સંગીત-નાટકના આ પર્વમાં લાવીને બેસાડો. પરંતુ આ વાત કોઈ નહીં કહે. લોકોને તો ટિકિટ કેમ વહેલી ફાટે એમાં જ રસ ! યુવાચેતના એટલે લોકો એમ સમજતાં હશે કે જેના માથે વાળ ધોળા થઈ ગયા છે એની સાથે મારે નિસ્બત જ નહીં હોય ! મારું કહેવાનું એવું બિલકુલ નથી. આ ઓડિયન્સની અંદર એક એવો યુવાન બેઠો છે જેણે મને યુવાનીની નવી વ્યાખ્યા આપી છે અને એ છે આ નગીનદાસ સંઘવી. એમણે મને એવી વ્યાખ્યા આપી છે કે : ‘જેને એક મહિનામાં એક નવો વિચાર ન આવતો હોય એ માણસ યુવાન નથી.’ યૌવન એટલે જ પરિવર્તન. યુવાચેતનાની વાત અમારા જેવા લોકો કરતાં હોય તો એમ માનતાં નહીં કે અમારા માટે જ કરતા હોય છે, એમાં વડીલો પણ સામેલ છે. સિનિયર-સિટીઝનને લોકો ધક્કા મારી દે છે કે તમે અહીંથી આઘા જાઓ….તમે પિકચરના પોસ્ટર સામે ઊભા રહો મા…. તમે પાણીપૂરીની રેંકડીથી દૂર હટો… અરે ભાઈ, એને હજી પાણીપૂરી ખાઈ લેવા દો, એને જલેબી ખાઈ લેવા દો. ધક્કા મારો મા.
હું યુવાચેતના કોને કહું ? યુવાચેતના વિશે મને એક સરસ વાત યાદ આવે છે. જર્મનીનો આ કિસ્સો છે. આર્મીની અંદર સોલ્જર ભરતી થવા આવ્યો. એના એન્ટ્રીફોર્મમાં કાગળીયાં તપાસતા અધિકારીએ પૂછ્યું કે ‘ઊંમર ?’ એટલે સોલ્જરે કહ્યું કે એકવીસ વર્ષ. સામે ઊપરી અધિકારી હતો. એણે કાગળ જોઈને એમ કહ્યું કે ‘જન્મ તારીખના દાખલા મુજબ બાવીસ તો પૂરાં થઈ ગયા છે તો કેમ ઓછી ઉંમર બનાવો છો ?’ સોલ્જરે કહ્યું કે ‘ગયું આખુ વર્ષ હું ખુબ બિમાર હતો. પહેલાં તાવ આવેલો અને પછી ફેકચર થયેલું ને એવું બધું થયેલું એટલે કે ગયું આખું વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હતો અને જે વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હોઉં એ મારી ઉંમરમાં થોડું ઊમેરાય ?’ – આ યુવાચેતના છે. મને યાદ છે કે ગ્રીસનું હું એક પુસ્તક વાંચતો હતો એમાં લખ્યું હતું કે એક જમાનામાં શ્રદ્ધાંજલિઓ લખવામાં ન આવતી. ‘કોણે શું કર્યું’ એના આટલા લાંબા અને રસિક પરિચયો નહોતાં આપવામાં આવતાં. એક જ સવાલ પૂછવામાં આવતો કે ‘Did he or she lived with passion ?’ આ જે વ્યક્તિ જતી રહી એ શું પેશનથી જીવી હતી ? ઝનૂન-મહોબ્બત કે લહેરથી જીવી હતી ? તો બસ વાત પૂરી થઈ ગઈ ! એ જ એની અંજલિ… અને જો ના પાડે તો તમે ગમે એટલી કથા કરો… જે માણસે જિંદગીમાં કોઈ ભૂલ કરી જ નથી એ તો જીવ્યો જ ક્યાંથી કહેવાય ? બહાર ન નીકળે એ જ એવું કરી શકે કે ભૂલ ન થાય. ઠેકડો મારે એ તો પડેય ખરો. એ તો ઢીલો થાયે ખરો.
આ ‘Passion’ એટલે શું ? આમાં કોઈ અંગ્રેજી શબ્દના ખેલની વાત નથી. આ બધું એક જ છે. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર જુદી જુદી રીતે બધે વ્યક્ત થતો હોય છે તો સામાજિક નિસ્બત એ પણ યુવાચેતનાનો એક ભાગ છે અને નારી-સંવેદના એ પણ યુવાચેતનાનો જ એક ભાગ છે. બધું જ યુવાચેતનાનો ભાગ છે. પેશન એટલે બીજું કશું જ નહિ, ‘मुमकिन से थोडा आगे जाना |’ તમારાથી જે શક્ય છે એનાથી થોડું આગળ જવાનો તમે પ્રયત્ન કરો અને થોડો અંદરથી તમારી જાતને તમે ધક્કો મારો એ છે યુવાચેતના ! બીજી વાત એ છે કે આમાં સાહિત્ય પણ ભેગું જોડાયેલું છે. માત્ર યુવાચેતનાની વાત નથી. આપણે ત્યાં ટ્રેજેડી એ છે કે સાવ પહેલાના આપણા સાહિત્યકારો તો પૂરેપૂરા યુવાન હતાં… રમણલાલ વસંતલાલ દેસાઈ ઘોડો લઈને નીકળતાં એવું મેં ક્યાંક એક વખત વાંચેલું છે. આપણને કેવી મજા આવે આ વાંચીને ! સાહિત્યનો માણસ અને ઘોડેસવારી કરીને નીકળે !… આહા…. અત્યારે તો ઢીલું ઢીલું ધોતિયું અને વીલું-વીલું મોં રાખે… બધા સમજે કે લેખક હોય એટલે કાર તો હશે જ નહિ, બસના ભાડાનું જ આપણે પૂછવું પડે ! સાહિત્યની અંદર સૌથી મોટી જે ગરબડો થાય છે યુવાચેતનાની બાબતે, તે એ કે ભારતકૃષિપ્રધાન છે કે નહિ ધર્મપ્રધાન છે કે નહિ એવી ઘણી બધી ડિબેટો થતી હોય છે અને થયા કરે છે પણ ભારત એક દંભપ્રધાન દેશ છે એ બાબતમાં હું ક્લિયરકટ છું. આ એક દંભપ્રધાન દેશ છે. યુવાચેતના તો બધા પાસે છે પણ કોઈએ પ્રગટ કરીને બતાવવી નથી કારણ કે જેટલા ઠાવકા રહીએ એટલો આદર અને માન વધારે મળે !! આ જનમ ઘરડાઓનો સમાજ છે. પારણામાંથી જ સીધું વૃદ્ધત્વ ગોખાવી દેવામાં આવે છે ! આમ કરવું ને આમ ન કરવું અને પછી બધાને એમ થાય કે આ ફેસબુક પર ‘Likes’ કેમ નથી મળતી ? મૂળ વાત પડતી મૂકી લોકો એમાં પડે ! યુવાચેતનાને તો એક કહેવતમાં જેટલો રસ છે એટલો વિદ્યાબાલનની તસ્વીરમાંય રસ છે. એમાં એવો ભેદ શું કામ કે આ રસ ઊંચો અને આ રસ નીચો ? ત્યાંથી જ આપણી સાહિત્યની લોકપ્રિયતામાટેની ગરબડો શરૂ થાય છે. અંદર તો પાછી બધાને બહુ ભૂખ હોય છે. બધા વડીલોની શોધમાં હોય છે, વડીલ દેખાય એટલે તરત એને બેસાડીને પૂજા કરશે ! જાણે બાકીના તો કોઈ આ પૃથ્વી પર થયા જ નથી ! દાંત પડે, વાળ ખરી જાય એટલી લાયકાત સિદ્ધ કરવી પડે છે. આપણે ત્યાં તો Seniority એ eligibility છે, quality એ eligibility નથી.
આ રઘુવીરભાઈ જેવા વડીલો બેઠા છે, એમને હું બહુ પ્રેમથી મળતો હોઉં છું પરંતુ વાત કહેવામાં હું એટલો જ નિખાલસ રહેતો હોઉં છું. એટલે આપણે એમ કહેતાં હોઈએ છીએ કે ગુજરાતી સાહિત્ય યુવાનો સુધી પહોચતું નથી…. પણ મને તો આ સમજાતું નથી. યુવાનો તો ગુંગળાવી નાખે એટલી મહોબ્બત કરતા હોય છે એવો મારો જાતઅનુભવ છે. હું ઘણીવાર એવું વિચારતો હોઉં છું કે ગુજરાતી સાહિત્યના પરિષદના પ્રમુખોની સરાસરી ઉંમરનો ભાગાકાર કરીને ગોતીએ તો ખબર પડી જાય કે કેમ ગુજરાતી સાહિત્ય નથી પહોંચતું ! તમારે રણબીર કપૂરને લઈને ફિલ્મ બનાવવી છે, એનું ઓડિયન્સ પાછું કોલેજિયનોનું આવે એવું વિચારવું છે અને ડિરેકશન શશીકપૂર કરે તો સારું, એમ રાખવું છે….. તો એ શક્ય નથી….! તમે Don’t થી શરૂ કરીને સાહિત્ય કોઈ સુધી પહોંચાડવા માંગો તો પહોંચે નહીં. Do થી શરૂ કરો તો પહોંચે. સમય મુજબ તમારો વોઈસ બદલાવવો જોઈએ. અસ્મિતાપર્વ તો બાપુનો પ્રતાપ છે અને બાપુની ભાવના છે એટલા માટે આટલા બધા મિત્રો આવીને બેઠાં છે, બાકી મેં એક વખત મારા એક લેખમાં એવું લખેલું અને અવિવેક માટે મને ક્ષમા કરજો અને ના કરો તોય કંઈ નહીં, ગોંડલમાં આવીને મારી ભેગા ગાંઠિયા ખાજો….. પણ બહુ સીધી વાત એ છે કે બસો પત્ર લખનારાઓ અને પાંચસો કાર્યક્રમોમાં જનારાઓ… કુલ મળીને 700 જણના ઓડિયન્સને આપણે ‘સાહિત્યના ભાવકો’ કહીએ છીએ. એમાંય વળી કોમન પણ નીકળતા હોય છે – પત્રો પણ લખતા હોય અને કાર્યક્રમમાં પણ જતા હોય. બધેય એના એ જ હોય ! પહેલાં તો એના એ જ વાચકો પત્રો લખ્યે રાખતાં. એમને પત્રો લખવાની ખુજલી હતી, એ કોઈ ફીડબેક નહોતો ! આ સાહિત્યનો કોઈ ‘ફીડબેક’ નથી, એ તો 15 જણાની ખુજલી હોય છે. એને તો પોતાની નોંધ લેવડાવવી હોય છે. સાહિત્યકાર જો એના રવાડે ચઢ્યો તો એની યુવાચેતના ખતમ ! આટલી સીધીસાદી વાત છે.
આપણે ભૂલી જઈએ છીએ કે કેટલી ઝડપથી આપણું ઓડિયન્સ બદલાતું જાય છે. પ્રકૃતિનો એક જ નિયમ છે અને એ છે ‘પરિવર્તન’. પ્રકૃતિ વિશે કંઈ મને બહુ ખબર નથી પણ મને એક બાબતની ખબર પડી ગઈ છે કે કુદરતને, આ સર્જનહારને, આ સૃષ્ટિના સૃષ્ટાને એક બાબતની બહુ ચીડ છે, નફરત છે અને એ છે મોનોટોની એટલે કે એકવિધતા… એને એ ગમતું જ નથી. એ પાંદડા ખેરવી નાખે ને ઋતુ બદલાવી નાખે અને ઋતુ સરખી ચાલતી હોય તો દુકાળ લઈ આવે અને પુરના પ્રવાહો લઈ આવે…. એને એકનું એક રહેવું નથી ગમતું. એને બદલાયે રાખવું છે. એને નવી નવી ડિઝાઈન અપલોડ કરવી છે. મેં કહ્યું ને કે ફેસબુક આવી ગયું છે. ફેસબુક પર ફોટા અપલોડ કરાતા હોય ત્યારે સામી વ્યક્તિના ફેસ પર શું ડાઉનલોડ થાય છે એ જોવાનું ભુલાઈ જાય. માર્ક ઝુકનબર્ગે, જેણે ફેસબુક શરૂ કર્યું એણે ફેસબુકની એક જ લીટીમાં વ્યાખ્યા આપેલી. કોઈકે એને પૂછ્યું કે કેમ ફેસબુક લોકો સુધી પહોંચે છે ? ફેસબુક એક નવી દુનિયા છે. એ એક નવું સાહિત્ય છે. ફેસબુક દ્વારા રચાતું સાહિત્ય પણ છે. નવી પેઢીના કેટલાક કવિઓ એવા પણ છે કે જેના કાવ્યસંગ્રહો ફેસબુક પર જ પ્રગટ થાય છે. એ પ્રિન્ટમાં આવતા જ નથી. સીધેસીધા વેબ પર જ લખીને મૂકી દે છે. તો હું કહેતો હતો કે ઝુકનબર્ગે એક જ લીટીમાં કહ્યું કે : ‘It’s a campas without classroom’ હકીકતે લોકોને રસ શું હોય ? નવું જીન્સ પેહર્યું હોય એ બતાવવાનો રસ હોય, મોબાઈલમાં કંઈક નવો ફોટો પાડ્યો હોય એ બતાવવાનો રસ હોય. કંઈક ગોસિપ કરવાનો રસ હોય. એટલે કોલેજ બંધ થાય એ ન પોસાય. કેન્ટીન ચાલુ રહેવી જોઈએ, પાર્કિંગ ચાલુ રહેવું જોઈએ, ખાલી કલાસરૂમ બંધ થાય તો ભયોભયો ! આ ફેસબુકે પૂરું પાડ્યું. campas without classroom.
કોણ કહે છે કે લોકો વાંચાતા નથી ? કોણ કહે છે કે સાહિત્ય નવી પેઢી સુધી પહોંચતું નથી ? હું તમને એના ઉદારહણ આપું. મારી વાત જવા દ્યો. હું તો નાનકડી માછલી છું. તમને નામ આપું જે. કે. રોલિંગ. હૅરીપોર્ટરની લેખિકા. યુવાચેતના માટે એનું એક વાક્ય પણ બહુ સરસ છે. એ એમ કહે છે કે ‘યુવાનો એકદમ ઉત્સાહમાં આવી જાય અને ક્યારેક વડીલો સાથે કોઈક આછકલાઈ કરી બેસે તો મને બહુ પ્રોબ્લેમ એટલા માટે નથી કે યુવાનોને ખબર નથી કે બુઢાપો શું ચીજ છે. એણે સાંધાનો દુઃખાવો નથી જોયો. એણે કરચલીવાળા હાથની ધ્રુજારી નથી જોઈ. પરંતુ વૃદ્ધો જ્યારે યુવાનોનું અપમાન કરે છે કે આડે આવે છે કે નવાનવા સ્પીડબ્રેકર નાખે છે ત્યારે વિચારવાનું એ છે કે વૃદ્ધોને તો ખબર છે કે યુવાની શું ચીજ છે.’ પેલાને તો ખબર નથી એટલે નાદાનીમાં કરે છે. જે વડીલ છે એને તો ખબર છે કે આ શું ચીજ છે. આમાં કેવા કેવા રોમાંચ થતાં અને ક્યાં દિવાળી હતી અને ફટાકડાં અમે ક્યાં ફોડતાં !!… પણ આ તો શું છે કે આત્મકથાઓ લખવાની આવે ત્યારે એમાં પાછું લીંપણ પણ કરી શકાય ને ! દુનિયાને બતાવવાનું સાહિત્ય અને જીવવાનું સાહિત્ય બે અલગ-અલગ થતું હોય છે એટલે પછી એમાં ક્યાંથી લોકપ્રિયતા આવે અને ક્યાંથી યુવાચેતના આવે ? કારણ કે દુનિયાને તો બધી ખબર છે. દુનિયા સ્માર્ટ છે. Windows 7 ની જનરેશન પાસે કામ લેવું હોય અને આપણે એને મુરખ બનાવવાની વાત કરીએ તો એ ક્યાંથી બને ? ઉપરવાળો અપલોડ કરી-કરીને મોકલે છે નવા ભાવકોને ! તમે નવું નક્કોર ટીવી કે નવો મોબાઈલ લઈ આવો. ઘરનો નાનામાં નાનો જે વ્યક્તિ હશે એને મોબાઈલ કે રિમોટ સૌથી પહેલાં સમજાઈ જાશે. તમે ચેક પર સહી કરનારાં હજી મથામણ કરતા હશો ! કહેવાનો અર્થ કે સામે સર્જકે પણ એટલા અપગ્રેડેડ અને અપડેટ થવું પડે. એ આપણો સર્જક થતો નથી એટલે મેં આપને રોલિંગનું ઉદાહરણ આપ્યું. જે સમાજની અંદર પ્રાઈવેટ ટેલિવિઝન છે અને પોતાના બાળકોના બેડરૂમ જુદાં છે અને ત્યાં એ વિડિયોગેમ રમતાં હોય છે, એના પોતાના જુદા સાધનો છે અને મમ્મી-પપ્પા કંઈ કહે તો કોર્ટમાં જઈ શકે અને પોલીસ કેસ કરી શકે – એવા સમાજની અંદર બાળકો બુક સ્ટોરની બહાર આખેઆખી રાત નવા ભાગની રાહ જોઈને ઊભા રહે અને સાત-સાત ભાગના આટલા દળદાર પુસ્તકો વાંચે તો કોણ કહે છે કે બાળકો વાંચતા નથી ? આ કરોડો પુસ્તકો અને આ આઠ ફિલ્મો હૅરીપોર્ટરની ક્યાંથી આવી ગઈ ? હવામાંથી પ્રગટી ગઈ ? જે. કે. રોલિંગને તો સાત ભાગ પૂરા કર્યાં પછી એક પ્રેસ કોન્ફરન્સમાં એમ પૂછવામાં આવ્યું કે ‘Do you really belive in magic ?’ રોલિંગે ટેબલ પર પડેલી પેન ઉપાડીને કહ્યું ‘This is my magic.’ આ પેન મારી જાદુની છડી છે. આ જાદુ મેં સર્જયો. જ્યારે સર્જક સર્જન કરતો હોય ત્યારે એ એની સૃષ્ટિનો બ્રહ્મા છે અને એની પેન એની જાદુની છડી છે.
ચેતનભગતની વાત કરું તો મારા એક મિત્રે મને ફોન કરીને કહ્યું એટલે મેં રેલ્વે સ્ટેશનેથી એનું પુસ્તક ખરીદેલું ‘Five point someone’. મને એમ કે હું સૂઈ જઈશ કારણ કે સવારે મુંબઈ પહોંચવાનું હતું. સાહેબ, મોબાઈલના અજવાળે મેં એ પુસ્તક ટ્રેનમાં રાત્રે પૂરું કર્યું. પુસ્તકે ચુંબકની જેમ સીધે સીધા ખેંચી લીધા. કેમ ? કારણ કે આજની પેઢીની ભાષા છે, આજની પેઢીની વાત છે. આજની પેઢીને પોતાની વાતો કોઈ ક્યારે કરશે ? આપણે ક્યાં સુધી આમ છૂટાછેડાના જ લેખો લખ્યા કરીશું ? છેડતીના લેખો ક્યારે લખશું ? જ્યારે મોબાઈલ અને એસએમએસ નહોતાં અને SMSથી એમ કહી નહોતું શકાતું કે તું બપોરે ત્રણ મિનિટ માટે મળજે એટલે હું એક વસ્તુ આપું…., આમ નહોતું કહેવાતું ત્યારે એંઠવાડની રાહ જોવી પડતી. ઓલી ઘરનો એંઠવાડ બહાર નાખવા આવે અને એ પાંચ મિનિટ એકલી હોય, ત્યારે તમારે એક કલાકનું તપ કરીને ત્યાં જાવું પડે ! આ વાત સાંભળીને અહીં જુઓ કેટલા બધાના ચહેરા ખીલી ગયાં ! વાત ગમે જ કારણ કે આપણી જુવાનીની વાત છે. એ સાહિત્યમાં આવે તો એનો પડઘો પડે જ, સાહેબ ! લોકોને ગમે જ. લોકપ્રિયતાની સીધી સાદી વ્યાખ્યા હું એ કરું છું કે જ્યારે જાણીજોઈને કોઈ તમારી નકલ કરે અને વગર વાંકે કોઈ તમારી ટીકા કરે તો સમજી લેવું કે તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી. બાપુને એનો પૂરતો અનુભવ છે. આ ટેક્સ છે. લોકપ્રિયતાની આવક વધે એટલે ટેક્સ તો ભરવો પડે ને. જે. કે. રોલિંગ કે ચેતનભગત જેવાં કેટલાયે પોતાની યુવાચેતના બતાવી છે.
આપણે ત્યાં કેટલા બધાં વડીલ ડિરેક્ટરો હતાં, જે મુવીમોગલ કહેવાતા અને જેમને મળવા માટે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર પણ કતાર લગાવીને ઊભા રહેતા… એમણે એકની એક વાર્તા બનાવ્યે જ રાખી… હીરો-હીરોઈન છૂટા પડ્યાં ને મળ્યાં અને ઈન્ટરવલ પછી છેલ્લે વિલનને મારીને બધા ભેગા થયાં… એકની એક જ વાત. એ પછી જ્યારે નવી પેઢી ફિલ્મો બનાવનારી આવી એણે આ ગ્રામર ફાડીને ફેંકી દીધું સાહેબ ! નથી અમારે મેળામાં છૂટા પાડવા કોઈને અને નથી અમારે છેલ્લે વિલનને મારવા. તમે જુઓ, કેવી કેવી ફિલ્મો નવી પેઢીએ બનાવી ! અત્યારે બધા એક્ટરો પણ હવે કહે છે કે અમને યુનિક રોલ આપો. ‘લવ આજ કલ’ જુઓ, ‘જબ વી મેટ’ જુઓ, ‘રોકસ્ટાર’ જુઓ… ઈમ્તિઆસ અલીએ યુવાનો વિશે વાત કરેલી કે ‘યુવાનોનું એક જ ધ્રુવ વાક્ય છે “मैं अपना फ़ेवरीट हुं”’ મારો શું કામ કોઈ ફેવરીટ હોય ? હું જ મારો ફેવરીટ છું. આ હનુમાનજીને ગમી જાય એવી વાત છે ! આ મારો અવાજ છે, મારો અવાજ મૂકતાં તમે મને કેમ રોકી શકો ? આ જુવાનીની વાત છે. મેઘાણીએ આ પ્રગટાવ્યું માટે મેઘાણી એ મેઘાણી હતા. મુનશીએ આ પ્રગટાવ્યું માટે મુનશી એ મુનશી હતાં. આપણે તો એવું માની લઈએ છીએ કે લોકપ્રિયતા હોય એટલે ગુણવત્તા હોય જ નહીં ! લોકો તો એમ જ માની લે કે આ ભાઈ અસ્મિતાપર્વમાં આવ્યા છે એટલે એમણે ઝભ્ભો જ પહેર્યો હશે ? શું કામ ભાઈ ? સિલ્કી કપડાં તો જાણે પહેરાય જ નહિ ! લોકપ્રિયતામાં દમ ન હોય એવું લોકો ગણિત માંડી લે છે. તો શું ગાલિબ ઓછો લોકપ્રિય છે ? શું એની શાયરીઓ દમ વગરની છે ? અરે SMSમાં ટૂચકા બનાવવા માટે પણ એના નામનો લોકો આજે ઉપયોગ કરે છે. ચન્દ્રકાન્ત બક્ષી, રમેશ પારેખ લોકપ્રિય હતા. અશ્વિની ભટ્ટ લોકપ્રિય છે તો શું એ બધા કંઈ ગુણવત્તા વગરનું સાહિત્ય સર્જે છે ? આ હમણાં ટાઈટેનિક 3D માં રિલિઝ થશે – સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ ઓસ્કાર જીતનારી એ ફિલ્મ તો એક જ છે. લોકપ્રિયતાની ટીકા કરતી વખતે ટાઈટેનિકને ભેગા ભેગા ઘસરકા નથી પહોંચાડી દેતા ને ? આ આપણે જોવાનું છે. આ આપણા સમાજમાં બહુ થતું આવે છે. લોકપ્રિયતા ગુનો નથી. પોપ્યુલર સરસ પણ હોઈ શકે અને પોપ્યુલર અદ્દભુત પણ હોઈ શકે. ટાગોર લોકપ્રિય છે, ડિકન્સ લોકપ્રિય છે તો શું આપણે એમ કહીશું કે એ બધા ગુણવત્તા વગરનાં છે ? આ જે વાસ્તવિકતા છે એની વચ્ચે યુવાચેતના ક્યાંથી જાગે ? દરેક પેઢી પોતાનો અવાજ લઈને આવતી હોય છે. એને સાંભળવો પડશે. ઉદયન ઠક્કરની એક સરસ કવિતા છે કે સૂરજમુખીનું ફૂલ ખીલતું હતું ત્યારે એને કોઈકે કહ્યું કે કરોડો સૂરજમુખીના ફૂલ ખીલી ગયા, તારે ખીલીને શું કરવું છે ? ત્યારે ફૂલ બોલ્યું કે હું તો હજી પહેલી જ વાર ખીલું છું ને ! પવનનો સ્પર્શ મારી પાંદડીઓને થશે ત્યારે પહેલીવાર થશે ને ! સૂરજનું કિરણ ટટ્ટાર ઊભું રહીને હું મારી આંખમાં ઝીલીશ ત્યારે એ તો પહેલીવારની ઘટના હશે ને ! તો હું મારો રોમાંચ કેમ જાવા દઉં ? આ વાત બહુ મહત્વની છે. ચેતન ભગતને એક વાર કહેવામાં આવ્યું કે તમે આ બધું ફાસફુસિયું અને રોમેન્ટિક બધું લખો છો એ તો અમારો છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થીયે લખી શકે. તો ચેતનભગતે જવાબમાં કહ્યું કે એ લખી શકે પણ લખતો નથી, જ્યારે મેં લખી નાખ્યું ! લખવાનું શરૂ કરી દીધું ! બસ, આટલી જ વાત છે. મારો વોઈસ મેં મૂકવાનો ચાલુ કરી દીધો.
મારો કહેવાનો મૂળ મુદ્દો એ છે કે દરેક પેઢી પાસે પોતાને ગમતી કેટલીક ઘટનાઓ આવે, પોતાને ગમતી કેટલીક વાત આવે અને એને રજૂ કરવા જાય એમાંથી જ સાહિત્ય ઘડાતું હોય છે. સાહિત્ય કોઈ આકાશી બાબત નથી. જીવનના અનુભવોમાં કલ્પનાની રંગોળી પૂરવાથી તે ઘડાય છે. હંમેશાં જૂનું ને જૂનું પકડી રાખીશું તો નવો વાચક દૂર જ થવાનો. એટલા માટે થવાનો કારણ કે તમે ગમે તેટલી વાત કરો એને એકને એક વાતમાં રસ નથી પડવાનો. એને બીજો વિવેકાનંદ, બીજો ભગતસિંહ કે બીજો ગાંધી નથી બનવું. એને પેલા રમેશ, પેલા મહેશ, પેલી ટીના કે પેલી મીના બનવું છે. એ બનાવવા માટેનું સાહિત્ય આપણી પાસે કેટલું છે ? ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મ, ગાંધીજી વિશેની વાત લઈને એક ગુજરાતનો જ લેખક લખી નાખે છે. કેમ સાહિત્યની અંદર કોઈએ આવો વિચાર ન કર્યો કે ગાંધીજી જીવતા હોય અને આજના યુવાનના ખભે હાથ નાખીને હોટલમાં જતાં હોય એવું કંઈક લખીએ ? આવી વાત કેમ કોઈને સૂઝતી નથી ? નવો વિચાર કેમ કોઈને આવતો નથી ? જે ચીલો ચાલે છે એને જ કેમ ઘસવામાં આવે છે સતત ? શહાદતનો ઢોંગ કરીને એમ કહેવામાં આવે છે કે અમને સમાજે સ્વીકાર્યા નહીં એટલે સમાજની દ્રાક્ષ ખાટી છે ! જૂના સર્જકો એમ માની લે છે કે સમાજને તો બહુ ખબર ન પડે. સમાજ તો ટોળાવાળો છે, જય વસાવડા જેવા બધા લેખો લખે એ જ વાંચ્યા કરે…. પણ ના એવું નથી. યુવાનોને ગમતી કેટલીક બાબતો છે. જુવાની સાથે જોડાયેલી એ સાયન્ટિફિક બાબતો છે જેમ કે પ્રેમ, લવ, રિલેશનશીપ, શૃંગાર. કેમ કાજલ-ઓઝા બધાને વાંચવા ગમે છે ? કેમ શરદ ઠાકર વાંચવા ગમે છે ? – બધા રિલેશનશીપની વાતો લખે છે. સંબંધોની વાતો લખે છે. યુવાનોનું ગમતું ક્ષેત્ર છે. આટલા વર્ષો પહેલાં વાલ્મીકી રામાયણમાં ઋષિ વાલ્મિકીએ જ્યારે સીતાનું હરણ કરવા રાવણ આવે છે ત્યારે સીતાના સૌંદર્યનું બહુ કાતિલ વર્ણન કરનારો શ્લોક લખ્યો છે. ‘રુચિરો પયોધરો’ ત્યાંથી તો એ પૂરો થાય છે. આ સાંભળીને સીતા જોગીનું અપમાન કરીને કાઢી મૂકવાને બદલે એને અંદર આવકારે છે. ખોલીને વાંચી લેવાની છૂટ છે… અહીં બાપુ બેઠા છે. બાપુની સામે કંઈ ભૂલ કરાય ? રામાયણની અંદર વર્ષાનું વર્ણન વાંચો… રામને ચોધાર આંસુએ સીતા યાદ આવે છે… એવું સરસ માદક અને મદહોશ વર્ષાનું વર્ણન છે. રામાયણ એટલે જ ટક્યું. ખાલી રામ મૃત્યુ વિશેની વાત કરે એનાથી ટક્યું એમ નથી. હસબન્ડ અને વાઈફનો રોમાન્સ છે એની અંદર. દરેક યુવાનીનું કાવ્ય એ વસંતવિજય હોય છે. વસંતવિજય એટલે નબળાઈ પર નખરાંનો વિજય, સાદગી પર પેશનનો અને જીવનજીવવાના ઉત્સાહનો વિજય. ટાગોરે પણ કહ્યું છે કે જો મને કોઈ તપસ્વીની ન મળે તો હું તપસ્વી થવા શું કામ એકલો એકલો જાઉં ? આ ખુમારી છે, આ યુવાચેતના છે, આ તણખો છે અને આ ઝબકાર છે. એ ઉધાર ઉછીનો મળતો નથી. ‘મને ઊંઘ આવે છે, થાક લાગે છે’ એમ આપણે કહીએ છીએ એટલી સહજતાથી ‘મને ખૂબ પ્રેમ આવે છે’ એવું એટલી સહજતાથી કેમ કહી શકતા નથી ? આ યુવાનીની વાત છે અને એમાં એક જ સિક્રેટ છે કે ‘દિલ સે નીકલી હૈ તો દિલ તક પહુંચેગી…..’
શરદભાઈએ લખ્યું અને એ લોકપ્રિય થયા. કાજલબેન જે લખે છે એના વિશે તો એમ કહેવાય છે કે સ્ત્રીઓએ આવું લખાય એમ નહિ, વિચારાય પણ નહીં ! પણ એ તો લખે છે. હું પણ ઘણીવાર એવા ટોપિક લઉં છું કે ઘણા મને ફોન કરીને કહે છે કે આવું ન લખાય. પણ હું તો એમ કહું છું કે હું તો આ યુવાચેતનાનો વાહક છું. હું તો ઝીલું છું. તમને મારા લખાણ વક્તવ્ય સાંભળીને જેટલો રોમાંચ લાગે છે એટલો જ મને પણ લાગે છે. કારણ કે આમાં મારું કંઈ છે જ નહિ, ક્યાંકથી આવ્યે રાખ્યે છે અને હું પીરસ્યે રાખું છું. અહીં મારા પિતાશ્રી બેઠા છે. એમણે પણ મને કોઈ જાતના બંધન વિના કહ્યું છે કે તને જેમ ઠીક પડે એમ કર. એણે પોતાનો કોઈ બોજ મારી ઉપર મૂક્યો નથી. પોતાના કોઈ અધૂરા સપનાની કરચ મારા પગના છાલા વચ્ચે રાખી નથી. મારા માતા-પિતાએ કહ્યું કે તને સજ્જ બનાવવો છે પણ પાછળ ‘બેકસિટ ડ્રાઈવિંગ’ નથી કરવું. કદાચ ત્યાંથી જન્મ થયો આ આખી વાતનો. મારી વ્યક્તિગત વાત હું એટલા માટે અહીં લઈ આવ્યો કે જો આમ નહીં થાય તો લોકપ્રિય સાહિત્ય માટે યુવાચેતના નહીં જન્મે. આપણે એનું ગળું ઘોંટી નાખીએ છીએ. દીકરીઓ દૂધ પીતી થાય એની આપણે ચિંતા કરીએ છીએ પણ એક સર્જક દૂધ પીતો થાય એની આપણે ચિંતા નથી કરતા.
તમને કોઈ સતત એમ કહ્યે રાખે કે આમ કરવાનું ને આમ નહીં કરવાનું…. આ ધર્મને નહીં ગમે, આ શિક્ષણને નહીં ગમે…. આ રાજકારણને નહીં ગમે…. તો સાહેબ, સર્જક ત્યાં ને ત્યાં બુઠ્ઠો થઈ જાય ! મરી ગયેલી ચામડી પર ચાઠું ચળકતું લાગે એવી હાલત થાય. બહારથી બહુ રૂપાળા શબ્દોનો વૈભવ લાગે પણ અંદર જાવ તો ખબર પડે કે અંદર કોષ જ નથી રહ્યા ! સર્જકની ધારા બદલાતી રહે છે. તુલસીદાસજી જેવા કોઈ આવીને કહે કે ભાઈ ના, હું રામાયણમાં આટલો ફેરફાર કરીને મારી રીતે મૂકીશ. આમ જ થતું રહેવાનું. ઈશ્વરને આમાં રસ છે – જૂનું ખસેડવામાં અને નવા ને આવવા દેવામાં. પીળા પાંદડાને ખેરવવામાં અને લીલી કૂંપળો પ્રગટાવવામાં. આ કટોકટીનો કાળ છે. આ જો લોકો સમજશે નહીં તો ‘દાસ્તાં તક નહીં રહેગી….’ આ હાલત થવાની છે. જેને આપણે મરમી અને પ્રેમી ઓડિયન્સ કહીએ છીએ એની ઉંમર હવે 20 વર્ષથી ઝાઝી નથી. ભગવાન બધાને 125 વર્ષના કરે પણ એટલા વર્ષના લોકો થશે તો વાંચીયે નહીં શકે અને સાંભળીયે નહીં શકે. સાહિત્યનું નવું ઓડિયન્સ ક્યાંથી તૈયાર થશે ? મને અસ્મિતાપર્વનો ઉપક્રમ એટલા માટે ગમે છે કે આમાંથી કેટલાય નવા ભાવકો તૈયાર થાય છે, જેની પાસે 60 વર્ષ વાંચવાના છે અને જેની પાસે 80 વર્ષ સાંભળવાના છે. એક આખી ફોજ નવી તૈયાર થાય છે. એક આખી સેના તૈયાર થાય છે. એમાં એવું છે ને કે બોમ્બ ફૂટે એનો ધડાકો બધાને સંભળાય, પણ કૂંપળ ફૂટે કે કળી ફૂટે એનો કોઈ અવાજ જ નથી હોતો. અહીંથી કેટલીય કળીઓ ફૂટીફૂટીને જાય છે. આ ‘પાન સિંગ તોમાર’ ફિલ્મમાં કહ્યું ને કે “દેશ કે લીયે મેડલ જીતે તો કોઈ ઈન્ટરવ્યૂ લેને નહીં આયા, લેકીન બાગી હો ગયા તો સબ ઈન્ટરવ્યૂ લેને પીછે પડ ગયે.” પોઝીટીવ કામ કર્યું તો કોઈ નથી જોતું અને નેગેટિવ કામ થાય તો લોકો માઈક્રોસ્કોપમાં મમરો રાખીને જુએ છે કે હિમાલય જેવડો મોટો દેખાય છે ! આ આપણા સમાજની ટ્રેજેડી છે.
હવે હું સમાપનની ભૂમિકાની અંદર આવ્યો છું. લોકોનો પ્રેમ + હું એટલે લોકપ્રિયતા. લોકો ભેગાં ભળે ત્યારે પાવર બનતો હોય છે. એ તાકાત એક જવાબદારી લઈને આવે છે. લોકો એમ માને છે કે જવાબદારી એટલે શું કરવું ને શું ન કરવું એની જવાબદારી અથવા શિખામણો આપવાની જવાબદારી. પણ ના….. જવાબદારી તો એ છે કે જેવા છો એવા દેખાઓ. જવાબદારી એ કે નિખાલસ રહો. જવાબદારી એ કે પારદર્શક બનો. જવાબદારી એ કે લોકો સાથે તમે જેમ છો એમ રહીને વર્તો. તમે ક્યાંક પહોંચ્યા હોવ ત્યારે તમારી આજુબાજુમાં થોડાક લોકો તો હોવા જોઈએ જે તમારો કોલર પકડીને તમને કંઈક કહી શકે. એમ થાય તો જ તમે ટકી શકો બાકી તો પહોંચી શકાય પણ ટકી ન શકાય. હું એવા બધા દોસ્તોને ‘ઓશિકા’ કહું છું જે તમારું સુખ, દુઃખ બધું જ જાણે છે. એના ખોળે તમે માથું મૂકી શકો છો. નોબેલ કે ઓસ્કાર એવોર્ડ તમને મળે અને તમારી પાસે એવા પાંચ મિત્રો ના હોય જેને તમે ‘ચાલો પાર્ટી કરીએ…’ એમ કહી શકો તો ધૂળ પડી એ એવોર્ડમાં !
હું યુવાચેતનાની એટલા માટે વાત કરું છું કે આપણા સર્જકો પાસે ઘણી વખત એટલી બધી જૂની-જૂની વાતો આવી જાય છે કે મને એના કરતાં ફિલ્મસ્ટારોના ઈન્ટરવ્યૂમાંથી નવી વાતો જાણવા મળે છે કારણ કે એ યુવાનો સાથે કનેક્ટેડ છે. એ જુવાનના હૃદય સુધી પહોંચવાના લેખકો પાસે બેઠા હોય છે. સમાપનની આ ભૂમિકામાં મારે બે જ નાનકડી વાત કહેવી છે. એક છે શાહરૂખ ખાનની. શાહરૂખ ખાને એના એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું કે ‘શાહરૂખ ખાન એક બહુ મોટી બ્રાન્ડ છે અને હું એનો એક એમ્પ્લોય છું.’ આ અમને બધા સર્જકોને લાગુ પડે છે. અમે જે કામ કરીએ છીએ એમાં લોકોનો પ્રેમ ભળે છે એના કારણે એક બ્રાન્ડ ઊભી થઈ જાય છે, ઈમેજ ઊભી થઈ જાય છે અને પછી અમે એના સેવક છીએ. અમે એના એમ્પ્લોય છીએ. કેવી અદ્દભુત વાત છે !
એમ થાય ત્યારે કરવું શું ? એ બીજી વાત મારે કરવી છે. સુફી ફકીર ઈદરીશ શાહની સરસ મજાની વાત છે. સૂફી બેઠા હતાં. બહુ મોટું અજવાળું કરીને બેઠાં હતાં. કોઈક મુલાકાતી મળવા કે કંઈક મેળવવા ગયો. મુલાકાતીએ જોયું કે જ્યાં અજવાળું ખૂબ હતું ત્યાં માખી, મચ્છર અને ફૂદાં બહુ હતાં. ત્યાં નીચે કોઈ બેઠું નહોતું. દૂર એક ઝાંખો દીવો બળતો હતો ત્યાં ધૂણી ધખાવીને સૂફી બેઠાં હતાં. પેલાએ આવીને કહ્યું કે મને તો એમ કે આટલું મોટું અજવાળું છે ત્યાં તમે બેઠાં હશો પણ ત્યાં તો માખી, મચ્છર અને ફૂદાં છે. તમે તો અહીં નાનકડો દીવો પ્રગટાવીને બેઠા છો.’ એટલે સૂફીએ એમ કહ્યું કે : ‘એ લોકો માટે જ એ અજવાળું કર્યું છે જેથી હું અહીં નિરાંતે બેસી શકું.’ સાહેબ, આ છે જીવનની યાત્રા. આ છે યુવાચેતનાની વાત. જીવનને તમે સરસ રીતે મૂકી શકો એ જ સાહિત્ય. એટલે જ મને ગમતી બહુ મજાની બે પંક્તિઓ કહીને મારી વાત પૂરી કરું છું :
જ્યારથી એ જણ કશાકની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
યુવાનીની ચેતના લઈને ચાલવાનો અને લોકપ્રિયતાની મશાલ હાથમાં પકડવાનો આ શ્રાપ છે. હવે બીજી જે પંક્તિ છે એ આખેઆખી વાતને summing up કરે છે :
આમ જુઓ તો ડાહ્યા ડમરા, આમ જુઓ તો જિદ્દી
સૌ પીવે છે અદ્ધરથી, અમે જિંદગી મોઢે માંડી પીધી.
ધન્યવાદ.

ટ્યૂશન કરવું એ ગુનો છે ? – વિનોદ ભટ્ટ

ટ્યૂશન કરવું એ ગુનો છે ? – વિનોદ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિક મે-2012માંથી સાભાર.]
[dc]અ[/dc]ને ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને અંગૂઠો બતાવી દીધો. અંગૂઠો બતાવી ગુરુજી કોઈ પીણાની જાહેરખબરની નકલ કરતા હશે એવો એકલવ્યને પહેલાં તો વહેમ પડ્યો, પણ દ્રોણાચાર્યે ચોખ્ખું સુણાવી દીધું કે અમારી શાળામાં તને કોઈ કાળે પ્રવેશ મળશે નહિ.
સ્કૂલોમાં એડમિશન આપતા આચાર્યો માટે આ લાડ કરવાની મોસમ હોય છે એવી આગોતરી માહિતી એકલવ્યને કોઈકે આપી હતી, એટલે પોતાનું મહત્વ વધારવા પ્રિન્સિપાલ આવું કહેશે જ એવો અણસાર પણ એ છોકરાને હતો, ને એકલવ્યે પોતાના પેન્ટના ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો એટલે દ્રોણે ગુસ્સાથી તેને છણકો કર્યો : ‘રહેવા દે, રહેવા દે, આ વિદ્યાલયમાં ડોનેશનથી એડમિશનો વેચવાનો ધંધો થતો નથી, તું સ્કૂલ ભૂલ્યો લાગે છે.’ સહેજ ભોંઠપ અનુભવતાં ગુરુ સામે જોઈ એકલવ્ય બોલ્યો, ‘હું એવી ચેષ્ટા નથી કરતો…. અને ગુરુદેવ, આમ પણ હું આર્થિક અને સામાજિક રીતે અભાવવાળા પ્રદેશમાંથી આવું છું એટલે મારા માટે ‘ડોનેશન’ આપવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો.’ અને તેણે જંગલી કહેતાં જંગલખાતાના પ્રધાનની ભલામણચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી ગુરુ સામે ધરી તો તેમણે ક્રોધથી ફાડી નાખતાં જણાવ્યું : ‘પ્રધાનો તો નવરા છે તે રોજના આવા ચાલીસ-પચાસ ચિઠ્ઠાઓ મોકલાવ્યા કરે એટલે અમારે જોયા-કર્યા વગર બધાને દાખલ કરી દેવાના ! એમને ધંધો નથી એટલે એ તો પોતાની વોટબેંક પાકી કરવા આડેધડ ચિઠ્ઠીઓ ફાડ્યા કરે છે, જે અમે વાંચ્યા વગર જ કચરાટોપલીમાં નાખી દઈએ છીએ.’

બીજું શસ્ત્ર એકલવ્યે અજમાવ્યું – દ્રોણાચાર્યની દીકરીના જેઠનો તેમ જ તેમની સાળીના નણદોઈનો પત્ર આચાર્યના ટેબલ પર સરકાવ્યો. આ બંને ભલામણપત્રો પર ઊડતી નજર નાખી ગુરુએ ટોણો માર્યો : ‘તો તું ઠેઠ ત્યાં સુધી જઈ આવ્યો ? આ હિસાબે તું પહોંચેલી માયા જણાય છે, પરંતુ આવાં બધાં સગપણો પ્રસંગોપાત્ત ઘેર જમવા બોલાવવા પૂરતાં જ સારાં લાગે, એનો સેન્ટિમેન્ટલ બ્લેકમેલિંગમાં ઉપયોગ ના કરાય, જોકે ચિઠ્ઠી લખનારાઓએ આવું બધું સમજવું જોઈએ.’ પછી ઉમેર્યું, ‘કૃપા કરી હવે શાળાના કોઈ ટ્રસ્ટીનો પત્ર મારી સામે ધરતો નહિ. ગઈ કાલની મિટિંગમાં જ ઠરાવ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટીમંડળનો એક પણ ટ્રસ્ટી આવી કોઈ ભલામણ કરતો કાગળ આપે તો તેને પણ રદ ગણવો અને એ કાગળ રદ્દીની ટોપલીમાં ફેંકી દેવા બદલ જે તે ટ્રસ્ટીએ પોતાની લાગણીને દુભાવા દેવી નહિ. ભાઈ, હવે તું જઈ શકે છે. આ માટે તું હવે બીજો પ્રયત્ન કરતો નહિ.’
એમ તો એકલવ્યને અન્ય વિદ્યાલયમાં પ્રવેશ મળી શકે તેમ હતો, કિંતુ તેની એવી જીદ હતી કે જ્યાં અર્જુન ભણે છે એ જ શાળામાં ભણવું અને બતાવી આપવું કે હોશિયારીમાં તે અર્જુનથી સહેજ પણ ઊતરે એવો નથી, પણ ઊંચા ઘરનાં સંતાનોને જ દાખલ કરવાની અહીં પરંપરા હોવાથી એકલવ્યનો પત્તો જ ન ખાધો, તેને પોતાનું બ્લડગ્રૂપ નડ્યું. એટલે તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે શાળામાં ગયા વગર જ તે સારી વિદ્યા મેળવી લેશે – આમ પણ શાળાઓમાં ભણાવવાનો રિવાજ જ ક્યાં છે ! આ કારણે બહારના વિદ્યાર્થી તરીકે તેણે ધગશથી અભ્યાસ શરૂ કર્યો અને શાળાનો સમય તેમ જ લેસન કરવાનો વખત પણ બચી જવાથી તે ઘણા ઓછા સમયમાં ધનુર્વિદ્યામાં પારંગત થઈ ગયો.
એક દિવસ ગુરુ દ્રોણની શાળાના એક ટ્રસ્ટીના મકાન પાસેથી એકલવ્ય પસાર થતો હતો ત્યારે ટ્રસ્ટીનો કૂતરો તેની સામે થઈ વગર કારણે જોરથી ભસવા માંડ્યો. દ્રોણને તેમની શાળામાં એડમિશન નહિ આપવાનો પૂરો અધિકાર છે, પણ એ જ શાળાના ટ્રસ્ટીનો કુત્તો હોવાથી તેનેય એકલવ્ય સામે ભસવાનો હક્ક મળી ગયો ! આથી તે બદમિજાજ કુત્તા પર ગુસ્સો ચડી આવતાં એકલવ્યે તેના પર બાણોનો મારો ચલાવ્યો. કૂતરાનું મોઢું સિવાઈ ગયું. તેનું ભસવાનું બંધ થઈ ગયું. કૂતરાને ભસતો અટકાવી એકલવ્ય તો પોતાના રસ્તે ચાલ્યો ગયો.
નગરની પ્રતિષ્ઠિત શાળાના ટ્રસ્ટીના વહાલસોયા કૂતરાનું મોં કલાત્મક રીતે સિવાઈ ગયેલું જોઈ લોકો કુતૂહલથી એકઠા થઈ ગયા. કૂતરાનું મોં તીરોથી સિવાયેલું હોવા છતાં તેના શરીરમાંથી લોહીનું એક ટીપુંય બહાર દેખાતું નહોતું. આ દશ્ય જોઈ કૂતરાનો માલિક-ટ્રસ્ટી પણ ‘સ્પેલ બાઈન્ડ’ મૂંગામંતર થઈ ગયો. આવો બાહોશ બાણાવળી કોણ છે એની શોધ આરંભાઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે પાસેના જંગલમાં એકલવ્ય નામનો એક ભીલ છોકરો રહે છે, જે બાણવિદ્યામાં અત્યંત તેજસ્વી છે. તે એવો તો પાક્કો નિશાનબાજ છે કે ઝાડ પર બેઠેલા પંખીની આંખ જ નહિ, સમૂહમાં ઊડતાં પંખીઓમાંથી તેને કહેવામાં આવે એ નંબરના પંખીની ડાબી કે જમણી, બોલનાર બોલે એ આંખ તે વીંધી શકે છે. એ છોકરો એવો દાવો કરે છે કે આ વિદ્યા તે દ્રોણાચાર્ય પાસેથી શીખ્યો છે. ગુરુજીએ તેને ટ્યૂશન આપ્યું હતું.
ટ્યૂશનનું નામ પડતાં જ ટ્રસ્ટીમંડળ ચોંકી ઊઠ્યું, ખળભળાટ મચી ગયો. તરત જ એક અસાધારણ મિટિંગ બોલાવવામાં આવી. જેમાં દ્રોણાચાર્યને રૂબરૂ બોલાવી તેમનો ખુલાસો માગવામાં આવ્યો કે તમે ટ્યૂશન કેમ કરો છો ? ટ્યૂશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ તમે નથી જાણતા ? આ નિયમ શાળાના શિક્ષકોને જ નહિ, આચાર્યને પણ એટલો જ લાગુ પડે છે. અમે ટ્રસ્ટીઓ અંગૂઠાછાપ છીએ એટલે જ તમને અમે અહીં આચાર્ય બનાવ્યા છે. તમને પગાર ઓછો પડે છે તે આમ ખાનગી ટ્યૂશનોની ફેરી કરવી પડે છે ? આપણા હોનહાર વિદ્યાર્થી અર્જુનને આંટી મારી દે એવો બાણાવળી તમે શા માટે તૈયાર કર્યો ? બોર્ડમાં બહારના છોકરાને લાવવો છે ? સ્કૂલનું નામ બોળવું છે ? વચ્ચે તમે એક પરીક્ષામાં ફક્ત અર્જુનને જ પાસ કરેલો ને બીજા તમામ છોકરાને નાપાસ કર્યા ત્યારે એમના વાલીઓએ કેટલો બધો કકળાટ કરેલો છતાં આ બાબત અમે તમને ઠપકાનાં બે વેણ પણ કહેલાં ? – આ પ્રકારના અણધાર્યા હુમલાથી દ્રોણાચાર્ય તો ખસિયાણા પડી ગયા. આવેશમાં આવી જઈને ટ્રસ્ટીમંડળના મોં પર રાજીનામું ફટકારી દેવાનો વિચાર પણ તેમને ક્ષણભર તો આવી ગયો, પણ બીજી ક્ષણે આવેશ શમી જતાં તેમને થયું કે મારા બેટા ચોરબદમાશો તો આ માટે જ ટાંપીને બેઠા હોય ને રાજીનામું કાચી ક્ષણમાં જ સ્વીકારી લે તો ? તો પછી જવું ક્યાં ? આવી સારી નોકરી તે કંઈ રસ્તામાં પડી છે. આ કારણે એ વિચાર તેમણે પડતો મૂક્યો. પણ દ્રોણાચાર્યને આઘાત તો સખત લાગ્યો. કોઈનુંય ટ્યૂશન કરવાનું તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. અને એમાંય જો એકલવ્ય ટ્રસ્ટીમંડળ પાસે આવીને સોગંદનામું આપે કે હા, આ ગુરુજીએ જ મને બાણશાસ્ત્રના પાઠ ભણાવેલા તો તો ભોગ લાગે – આ ગરીબ બામણ નવાણિયો કૂટાઈ જાય. તગડા પગારની નોકરી જાય. કેદખાનામાંય જવું પડે. તો હવે !
ગુરુજીએ તો એકલવ્યને પકડવા, શ્વાસભેર જંગલ ભણી દોટ મૂકી. જંગલમાં ઘણો રઝળપાટ કર્યો ત્યારે અઢીત્રણ કલાકે તે માંડ હાથમાં આવ્યો. એ છોકરા પર નજર પડતાં જ દ્રોણને ખ્યાલ આવી ગયો કે આ તો પેલો છોકરો, જેને મેં સ્કૂલમાં પ્રવેશ નહોતો આપ્યો એ જ. એટલે તેમને ધ્રાસકો પડ્યો કે નક્કી કોઈની ચડવણીથી મારી વિરુદ્ધ તેણે આવી અફવા ફેલાવી હશે. આ નાલાયક છોકરાને બે અડબોથ અપડાવી દેવા તેમના હાથમાં ખંજવાળ આવવા માંડી, પણ એ જ વખતે થયું કે અહીં હાથચાલાકીનો પ્રયોગ કરવા જતાં ક્યાંક વાત બગડી જશે, એટલે પછી એ ચેષ્ટા માંડી વાળી. ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરતાં એકલવ્ય પાસે જઈ, તેના ખભા પર પ્રેમથી હાથ મૂકતાં દ્રોણ બોલ્યા :
‘વત્સ, એકલવ્ય !’ ગુરુજીને જોતાં જ એકલવ્ય તેમની પાસે જઈ તેમનાં ચરણોમાં ઢળી પડ્યો. ગુરુને ધરપત થઈ કે હાશ ! આ કંઈ ખાસ બગડી ગયેલો કેસ નથી જણાતો. તેને ચરણોમાં પડ્યો રહેવા દેવાને બદલે તેને ઊભો કરી ગુરુએ પૂછ્યું : ‘તારો અભ્યાસ કેવો ચાલે છે ?’
‘આપની કૃપાથી ફર્સ્ટ કલાસ ચાલે છે.’ એવું એકલવ્યે જણાવ્યું એટલે ગુરુએ તેને પૂછ્યું :
‘આ તું વ્યંગમાં બોલે છે ?’
‘ના ગુરુદેવ, મારું આ વિધાનવાક્ય છે.’ તેણે કહ્યું.
‘આમાં મારી કૃપા ક્યાં આવી ?’ ગુરુનો પ્રશ્ન.
‘આ બધું આપે જ તો મને શીખવ્યું છે.’ માર્યા ઠાર. ગુરુના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું. સહેજ ગરમ અને મોટા અવાજે ગુરુ ગર્જ્યા : ‘આવું આડુંઅવળું બોલી તું મારી હાલત બગાડી નાખવા માગે છે ?’
‘હું તો જે સાચું છે એ જ કહું છું.’ વિનમ્ર અવાજે એકલવ્યે પૂછ્યું : ‘એમાં આપની હાલત કેવી રીતે બગડી જાય એ મને કહેશો ?’
‘તું મને પહેલાં એ જણાવ કે હું તને ભણાવવા તારા ઘરે ક્યારેય આવેલો ખરો ?’
‘ના ગુરુજી, ક્યારેય નહિ.’ શિષ્ય બોલ્યો.
‘તું મારે ત્યાં કોઈ દિવસ ભણવા આવેલો ?’
‘ના, જી. મારા ઘેર, આપના ઘેર કે ગ્રૂપ ટ્યૂશનમાં કોઈ ત્રાહિતને ત્યાં પણ આવ્યો હોવાનું હું ક્યાં કહું છું ? આપે તો મને પોસ્ટલ ટ્યૂશન પણ નથી આપ્યું. મેં તો આપની એક આદમકદ પ્રતિમા બનાવી છે. એમાંથી પ્રેરણા લઈને હું આ વિદ્યા શીખ્યો છું.’ એકલવ્યે માહિતી આપી.
‘ખરેખર ?’ હવે ગુરુના જીવમાં જીવ આવ્યો, ‘તું મને આ બધું લેખિતમાં આપવા તૈયાર છે ?’ ગુરુએ કાકલૂદીભર્યા અવાજે એકલવ્યને પૂછ્યું.
‘શું મારે આપને સર્ટિફિકેટ આપવાનું છે ?’
‘ના એકલવ્યભાઈ, તમારે તો માત્ર એટલું જ લખી આપવાનું છે કે દ્રોણાચાર્યે તમને કોઈ ટ્યૂશન આપ્યું નથી. એનું કારણ એ જ કે ટ્યૂશન કરવું એ ગુનો બને છે. ટ્યૂશન માત્ર ગુનાપાત્ર.’ દ્રોણગુરુએ પરિસ્થિતિ સમજાવી. અને એકલવ્યે ગુરુની નોકરીને આંચ ન આવે એવું નિવેદન લખી આપ્યું. પછી તેણે તેમને અરજ ગુજારી : ‘ગુરુદેવ, એમ દક્ષિણા લીધા વગર જ આપ મારા આંગણેથી ચાલ્યા જાવ તો મને ચડેલી વિદ્યા ઊતરી જાય, વિદ્યાનું પિલ્લું વળી જાય.’
‘કહું છું મારાથી ગુરુદક્ષિણા પણ ન લેવાય, કાયદાની નજરે એ ટ્યૂશન ફી જ ગણાય.’ ગુરુજી બોલ્યા પછી તરત જ સૂઝતાં તેમણે જણાવ્યું : ‘એક કામ કર, તારા જમણા હાથનો અંગૂઠો કાપીને મને ગુરુદક્ષિણામાં આપી દે.’ એકલવ્યે સહેજ પણ ખચકાયા વગર પોતાનો અંગૂઠો કાપીને ગુરુના હાથમાં મૂકતાં કહ્યું કે આપ શાળાના ટ્રસ્ટીઓને આ અંગૂઠો બતાવીને પૂછજો કે કોઈ વિદ્યાર્થીને ભણાવ્યો ન હોય છતાં શિક્ષક તેની પાસેથી ટ્યૂશન-ફી વસૂલ કરે તો શિક્ષકને એ બદલ ગુનેગાર ગણી શકાય ? બોલો, આપનો પ્રશ્ન પતી ગયો ને ?

હાર્ટ ઍટેક – અશ્વિન વસાવડા



હાર્ટ ઍટેક – અશ્વિન વસાવડા

(‘પુસ્તકાલય’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૫ ના અંકમાં થી)
પપ્પાએ કહ્યું : “સંયોગ, પરમ દિવસે મારો પંચોતેરમો જન્મદિવસ છે. મારે એ ઊજવવાની ઈચ્છા છે.”
સંયોગ અને સુવિધાને સુખદ આશ્ચર્ય થયું. “પપ્પા, આ તો ‘ટેલીપથી’ થઈ. હું જ તમને કહેવાની હતી કે તમારો ‘પ્લેટિનમ બર્થ ડે’ આપણે ઊજવીએ… પણ કદાચ તમને ન ગમે તો ? એટલે હું કહેતા ગભરાતી હતી.”
“ન શા માટે ગમે ?… અને એલી તું મારાથી ગભરાય છે શા માટે ? જે કહેવું હોય તે વિના સંકોચે કહી દેવું. આ તો તમારી સંમતિ લેવી જોઈએ એટલે મેં કહ્યું.”
સંયોગે કહ્યું : “અરે પપ્પા, તમારે અમારી સંમતિ લેવાની ન હોય, અમારે તમારી મંજૂરી લેવાની હોય.”
પપ્પાએ કહ્યું : “ના, બેટા, હવે ઘર તમારું છે. તમારા ગમા, અણગમા પ્રમાણે મારે કરવાનું હોય.” આ પહેલાં પપ્પાને ન ગમતું ઘરમાં થતું ત્યારે ગુસ્સે થઈ પપ્પાએ ઘણી વાર કહેલું હતું ‘ઘર મારું છે, હું કહું તેમ જ થવું જોઈએ.’
“હા, તો હું બજારમાં જાઉં છું, કેકનો ઑર્ડર આપી દઉં છું. સ્વાતિ રેસ્ટોરાંમાં ટેબલ બુક કરાવી લઉં છું. સુવિધા, તું બહેનને ફોન કરી દે જે સાંજે સમયસર આવી જાય. મંત્રના બાળવર્તુળને કહી દે જે. હું મારા ચાર મિત્રોને આમંત્રણ આપવાનો છું.” અને હસીને ઉમેર્યું “આપું ને ?” ત્રણેય હસ્યાં.
પપ્પા ગયા પછી સુવિધાએ કહ્યું, “હાર્ટઍટેક આવ્યા પછી પપ્પાના સ્વભાવમાં મોટું પરિવર્તન આવી ગયું છે.” પછી હસીને ઉમેર્યું : “મને તો લાગે છે ડૉક્ટરે પપ્પાનું હાર્ટ જ બદલી નાખ્યું લાગે છે !”
સુવિધાની મજાક યોગ્ય હતી. પપ્પા હાર્ટઍટેક પછી પહેલાં કરતાં તદ્દન બદલાઈ ગયા છે. પહેલાં જે જે વાતો તેને ન ગમતી તે હવે તેને ગમવા લાગી છે. ઘરમાં મંત્ર, સુવિધા અને મારી સાથેના વ્યવહારમાં ઘણી સહૃદયતા જોવા મળે છે. સતત જુદી જુદી ફરિયાદ કરતા તે હવે ફરિયાદ જ નથી કરતા. મંત્ર ટીવીમાં કાર્ટૂન જોતો તે તેમને ન ગમતું. પપ્પા ઘરમાં ન હોય ત્યારે બિચારો જોઈ લેતો. પપ્પા આવ્યાની જાણ થતાં જ ટીવી બંધ કરી દેતો. હવે પપ્પા જ મંત્રને કહે છે : ચાલ મંત્ર, ‘છોટાભીમ’ મૂક, ‘સોન ધ શીપ’ મૂક, ‘ટોમ એન્ડ જેરી’ મૂક,, અને પપ્પા મંત્ર સાથે કાર્ટૂન જોવા બેસે છે, બાળસહજ તાળીઓ પાડે છે, મંત્રને હસાવે છે, પોતે હસે છે. મંત્રના મિત્રવર્તુળ સાથે ક્રિકેટ મૅચ જુએ છે. બાળકો સાથે મોટે મોટેથી બૂમો પાડી આનંદ કરે છે. રાતે અમારી સાથે ‘સિરિયલ’ પણ જુએ છે.
અમે ભાઈબહેન નાનાં હતાં, મમ્મી અમારે માટે ચણીબોર, ચૉકલેટ લાવે. પપ્પા ઘરમાં ન હોય ત્યારે અમને ખવરાવી દેતાં. જો ઘરમાં ચણીબોર જોઈ જાય તો બાપ રે..! તેમનો ક્રોધ દુર્વાસા જેવો બની જતો.
મંત્રને તેની સાથે કદી મંદિરે કે બજારે ન લઈ જતા. હવે મંત્રને રમાડતાં કહે છે, ‘મંત્ર બેટા, મેં માંગનાથ મંદિરનો રસ્તો નથી જોયો, તેં જોયો છે ને ? મને બતાવવા મારી સાથે ચાલને.’ ‘મંત્ર, બજારમાં હું એકલો જાઉં છું ને તો ભૂલો પડી જાઉં છું. દાદાનો હાથ પકડવા બજારે આવીશને બેટા ?’ અને એ રીતે મંત્રને મંદિરે અને બજારે સાથે લઈ જાય છે.
મંત્રને ચૉકલેટ, ચણીબોર ખાતાં જુએ એટલે સુવિધા પૂછે : ‘તું દાદા પાસે જીદ કરી લેવરાવે છે ને ? હવે દાદા સાથે જવા નહીં દઉં.’
‘ના મમ્મી, હું કંઈ લેવાની જીદ નથી કરતો. દાદા જ મને લઈ દે છે. દાદા કેવા સારા થઈ ગયા છે ? પહેલાં તો હું દાદાથી બહુ ડરતો, હવે તો દાદા મારા ‘ફ્રેન્ડ’ બની ગયા છે.’
સુવિધા પણ પપ્પાથી બહુ ડરતી. તેની રસોઈમાં કંઈને કંઈ ખામી કાઢે. “આજે દાળ પાતળી બની છે.”, “આજે શાકમાં કંઈ ‘ટેઈસ્ટ’ જ નથી.” સુવિધાને માઠું લાગતું. હું સમજાવું, તેમનો સ્વભાવ જ એવો છે. મમ્મી સાથે પણ આવું જ કરતા. હવે તો પહેલો કોળિયો મોઢામાં મૂકતા જ કહે છે, “વાહ સુવિધા, દાળ મસ્ત બને છે.”, “પાઉંભાજી તો તારી જ.” સુવિધાને પણ દાદા તરફ વધુ લાગણી થઈ ગયેલી. આમ પપ્પાએ અમારા સૌનો પ્રેમ સંપાદન કરી લીધો.
આજે પપ્પાનો ‘પ્લેટિનમ બર્થ ડે’
કરસન કામવાળા પાસે ડ્રોઈંગરૂમ વચ્ચે ટેબલ મુકાવ્યું. રંગબેરંગી કાગળોનાં તોરણો સુવિધાની સૂચના પ્રમાણે ટંગાવ્યાં. ફુગ્ગાઓ ટાંગ્યા. સુવિધાએ રંગીન કાગળો કોતરી બનાવેલ તોરણ “HAPPY BIRTHDAY TO DEAR DADA”  ફેવિકોલથી ભીંતે ચોંટાડ્યું. કરસનને સુવિધાએ સૂચના આપી. “બધા આવે તે પહેલાં ‘એરફ્રેશનર’નો સ્પ્રે કરી નાખવો.”
“ટેબલ ઉપર કેક મીણબત્તી ગોઠવી દે જે.”
સાંજે બહેન કુટુંબ, મંત્રના ભાઈબંધો, પપ્પાના ચાર મિત્રો આવી ગયા. પપ્પાએ કેક કાપી. બાળકોએ તાળી પાડી, “હેપી બર્થ ડે ટુ ડિયર દાદા”થી રૂમ ગજવી મૂક્યો. ફુગ્ગા ફોડ્યા. પપ્પા બાળકો સાથે ‘ગેમ’ રમ્યા. સૌને ગિફ્ટ આપી.
મોડી સાંજે અમે સૌ ‘સ્વાતિ રેસ્ટોરાં’ના ‘ડાઈનિંગ ટેબલ’ ઉપર ગોઠવાયાં. પપ્પાના જૂના મિત્ર પુનિત અંકલે કહ્યું, “તમને ખબર છે આ નવરંગિયો હોટલનું અને બહારનું ખાવાનો વિરોધી, અમે તેને વેદીયો અને સોગિયો કહેતા. અમારી દરેક વાતમાં કંઈ ને કંઈ વાંધો હોય જ… પણ એના સ્વભાવમાં હમણાં હમણાં મોટું પરિવર્તન અમને જોવા મળે છે. જાણે પહેલાંનો નવરંગ જ નહીં ! જાણે હિમાલય દક્ષિણમાં આવી ગયો ન હોય !”
બધા હસ્યા.
હસતાં હસતાં પપ્પાએ કહ્યું, “તારી વાત સાચી છે, પુનિત. તમારી સાથે શું મારા કુટુંબ સાથે પણ હું અતડું, નકારાત્મક જીવ્યો છું. સંયોગની મા બિચારીએ તો મને સહન જ કર્યો છે. આ સુવિધા અને સંયોગ પણ મારાથી ડરી ડરીને તેના શરૂઆતનાં જીવનમાં આનંદ કરી શક્યાં નથી. મેં મારા ગમા-અણગમાનો જ સૌ પાસે આગ્રહ રાખ્યો. મારા ઘરમાં જાણે હું કહું તેમ જ થવું જોઈએ. અરે ! આ નાનકડા મંત્રનું બાળપણ પણ મેં બંધિયાર બનાવી દીધું હતું… પણ મને ‘ડિસ્ચાર્જ’ આપતાં ડૉક્ટરે મજાકમાં કહેલું, “જો કાકા, બીજો ઍટેક કાલે પણ આવે, એટલે મોજમજા અને પ્રેમથી જીવી લો.”
અને પછી અટકીને કહ્યું, “હાર્ટઍટેક થોડાં વર્ષ વહેલો આવી ગયો હોત તો સારું હતું. જિંદગીનાં વેડફાઈ ગયેલાં વર્ષો વેડફાતાં બચી જાત. બીજો ઍટેક કાલે પણ આવે. ભયથી નહીં પણ હવે દરેક આજ મારે મોજમજાથી, પ્રેમ આપી, પ્રેમ મેળવી મહાલવી છે એટલે હું તો ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું. મને આજ શક્ય તેટલી વધુ આપજે.”
– અશ્વિન વસાવડા

શિક્ષકની ઈર્ષ્યા – કાકા કાલેલકર



શિક્ષકની ઈર્ષ્યા – કાકા કાલેલકર

[પુનઃપ્રકાશિત – કાકા કાલેલકર સાહેબના નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[dc]ના[/dc]નપણથી મને ‘કૉપી’ કરવા બાબતની ભારે ચીડ હતી. બીજા છોકરાની પાટી કે ચોપડીમાં જોઈને જવાબ લખ્યાનો એકેય દાખલો મારા જીવનમાં નથી. પરીક્ષા વખતે પડોશના છોકરાને પૂછવું અથવા છાની ચોપડી રાખી એમાંથી જવાબ જોઈ લેવો, પહેરણની બાંય ઉપર પેનસિલથી ઉપયુક્ત માહિતી લખી રાખી પરીક્ષામાં તેનો ઉપયોગ કરવો, શાહીચૂસ પર એક ખૂણે ઈતિહાસના સન લખી રાખવા, પડોશના છોકરા સાથે કાગળની અદલ-બદલ કરવી વગેરે ચૌર્યશાસ્ત્રનાં તત્વો હું બરાબર જાણતો, છતાં એકેય દિવસ મેં એનો ઉપયોગ કર્યો નથી. જે જે નિશાળે ગયો છું. (અને મેં કંઈ ઓછી નિશાળો નથી જોઈ; કોઈ પણ નિશાળમાં એકસામટું એક વર્ષ તો મેં પૂરું કર્યું જ નથી.) તે તે નિશાળમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં મારી પ્રામાણિકતા સંશયાતીત રહેતી. શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં કંઈ બનાવ બને અને શિક્ષક સુધી તકરાર જાય, તો બંને પક્ષના વિદ્યાર્થીઓ મારી સાક્ષી ટાંકે, અનેક વાર તો હું સાક્ષી આપવાની જ ના પાડું પણ જેટલું કહું તેટલું સાચેસાચું.
એક વખતે કારવારમાં મારા દિલોજાન દોસ્ત વિશે કંઈક કહેવાનો પ્રસંગ આવ્યો. હરિ માસ્તરે મને એક મુદ્દાનો સવાલ પૂછ્યો. મારી શાખ વટાવીને જૂઠું બોલવાનું અને સહેજે મિત્રને બચાવવાનું મન થઈ આવ્યું. મનમાં જવાબનું વાક્ય પણ ગોઠવાયું. હિંમત કરી અને શરૂઆત કરવા ગયો ત્યાં હિંમત ભાંગી પડી. અરધીએક ક્ષણ મન સાથે લડ્યો અને સાચેસાચું કહી દીધું. ભલા માસ્તરની દુષ્ટ આંખોએ મારું મનોમંથન બરાબર જોઈ લીધું. તેઓ હસી પડ્યા. મારો માનસિક ગુનો ઉઘાડો પડ્યો. હું શરમાયો. પણ આખરે મારી લાગણી સમજી શિક્ષકે મારા મિત્રને નહીં જેવી સજા કરી. તે દિવસથી શિક્ષક આગળ મારી શાખ ઘટવાને બદલે વધી, એ તો હું પાછળથી જોઈ શક્યો.
કૉપી કરવામાં હિચકારાપણું છે એ તો સ્વાભાવિકપણે મારી રગેરગમાં હતું; પણ કૉપી આપવી એમાં તો બહાદુરી છે. દાનશૂરતા છે એમ તે વખતે લાગતું. અને એથીયે વધારે તો, ચોકીદારની આંખે આમતેમ ફરનાર શિક્ષકો સામે વેર વાળવાની એક સરસ તક છે એમ પણ હું માનતો. પણ એ બહુ નાનપણની વાત. જરાક મોટો થયો એટલે એ પણ મેં છોડી દીધું હતું. કોઈ છોકરો કૉપી માગે તો બહુ જ સૌમ્ય રીતે હું ના પાડતો. ફરી ફરીને અને કરગરીને કૉપી માગે ત્યારે શિક્ષકને કહી દેવાની એને બીક બતાવતો. છતાં કોઈ કાળે મેં કોઈને આવી રીતે ઉઘાડા પાડ્યાનું સ્મરણ નથી. માત્ર એક દિવસે આબાદ કૉપી આપ્યાનો દાખલો હજી બરાબર યાદ છે. ગોખલે માસ્તર નવાસવા બી.એ. પાસ થઈને અમારી નિશાળમાં આવ્યા હતા. તેમનું ગોળ માથું, લીંબુ જેવી કાંતિ, ધૂર્ત આંખો, ઠીંગણું શરીર – બધું જ આકર્ષક હતું. એમના અંગ્રેજીના ઠાવકા ઉચ્ચારો અને છોકરાઓ પ્રત્યેનો વિવેક એ એમની ખાસિયત હતી. ‘ઈન્ડિયા’ને બદલે તેઓ ‘ઈન્ડિય’ ઉચ્ચાર કરતા. તેઓ હસતા હસતા છોકરાઓને કહેતા કે, ‘તમારી બધી યુક્તિઓ હું જાણું છું મને તમે છેતરી ન શકો. હું પણ તમારામાંનો જ એક છું એમ માનજો.’ ગોખલે માસ્તર પ્રત્યે અમારો બધાનો સદભાવ ખરો, પણ અમારાથી એ ન છેતરાઈ જાય એનો અર્થ શો ? એ તો વિદ્યાર્થીઓનું હડહડતું અપમાન. શું અમે આટલા મોળા થઈ ગયા ? શિક્ષકોમાં જો આવો આત્મવિશ્વાસ વધવા દઈશું તો જોતજોતામાં એ આપણને પામી જશે, અને પછી તો એમનું આખું રાજ્ય સહીસલામત ચાલશે. ના, આ માસ્તરને તો પહોંચી વળ્યે જ છૂટકો.

અમારી સત્રાંત કે વાર્ષિક પરીક્ષા હશે. શાહપુરની નિશાળમાં અમે અંગ્રેજી બીજી ભણતા. ગોખલે ભૂગોળની પરીક્ષા લેવાના હતા. મને તો પચાસમાંથી પચાસ મળવાના છે એ ખાતરી. પણ આજે ગોખલે માસ્તરને જરૂર છેતરવા, એવો મેં મન સાથે સંકલ્પ કર્યો. લેખી પરીક્ષાનો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને કંટાળો હોય છે, અને જબાની પરીક્ષામાં બધાને સરખા જ અઘરા સવાલો નથી પુછાતા. આ અગવડને પહોંચી વળવા ગોખલે માસ્તરે એક ઉપાય શોધી કાઢ્યો. પરીક્ષ્ય વિદ્યાર્થી બધાઓને બહાર કાઢ્યા અને એક ઓરડીમાં બેસવાનું કહ્યું. પરીક્ષા માટે જુદી ઓરડી રાખી એમાં એકેક વિદ્યાર્થીને બોલાવે. આ ઓરડી સાથેની વચલી ઓરડી ખાલી રાખેલી; એમાં બીજા નંબરનો વિદ્યાર્થી આવીને બેસે. પહેલાની પરીક્ષા પૂરી થાય એટલે એ બારણું ખોલી નંબર બેને બોલાવે, નંબર બે અંદર આવતા પહેલાં બહારની ઓરડીમાં બેઠેલ નંબર ત્રણને બૂમ પાડી વચલી ઓરડીમાં આવીને બેસવાનું કહે, અને પછી પોતે કતલખાનામાં દાખલ થાય. જેની પરીક્ષા થઈ ગઈ તે તો પરીક્ષાની ઓરડીમાં જ આખર સુધી પુરાઈ રહે. માસ્તરના હાથમાં પચીસ સવાલો લખેલો એક કાગળ હતો. એમાંથી જ દરેક વિદ્યાર્થીને સવાલ પૂછે અને દોકડા મૂકતા જાય. આવા સજ્જ કિલ્લામાંથી ચોરી કરીને પરીક્ષાના સવાલો બહાર ફોડવા એ સહેલી વાત ન હતી. વર્ગના વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા કે આપણે હાર્યા છીએ. મેં કહ્યું, ‘આમ તો લાજ ન જ ગુમાવાય. હું જઈને સવાલો તમને ચોક્કસ લખી મોકલીશ.’ પરીક્ષાની ઓરડી મેડા પર હતી. મેં એક વિદ્યાર્થીને કહ્યું, ‘તું બારી નીચે જઈને બેસજે. હું સવાલોનો કાગળ ઉપરથી ફેંકી દઈશ તે ઝટ લઈને ત્યાંથી નાસી જજે. ઊભો રહ્યો તો આપણે બંને માર્યા ગયા જાણજે.’
મારો વારો આવ્યો. મેં ઝટ ઝટ જવાબો આપ્યા અને પચાસમાંથી 48 દોકડા મેળવ્યાનું સમાધાન લઈને એક ખૂણામાં (ઢાળિયા) ડેસ્ક આગળ જઈને બેઠો. પછી ગજવામાંથી ત્રણ કાગળ કાઢ્યા. એક કાગળ પર કેટલીક મરાઠી કવિતાઓ લખી, બીજા પર ભૂગોળના સવાલો, અને ત્રીજા પર કેટલાક રમૂજી ટુચકા. કવિતાનો કાગળ તો ઢાળિયા પર જ રાખ્યો. ભૂગોળના સવાલોવાળો કાગળ વાળી, એની અંદર એક કાંકરો મૂકી, એ તૈયાર રાખ્યો. પછી ટુચકાવાળો કાગળ ફાડીને એના નાના દસબાર ટુકડા કર્યા. અને પછી કાંકરાવાળો કાગળ તેમ જ પેલા નાના કકડા હાથમાં લઈ સીધો ચાલતો બારી આગળ ગયો અને બારી બહાર ફેંકી દીધા. શિક્ષકનું ધ્યાન મારી તરફ ન જાય એવું તો હતું જ નહીં. મેં તો શાહુકારની પેઠે સીધા ચાલતા બારી સુધી જઈ કાગળો ફેંક્યા હતા. કાંકરાવાળો કાગળ તો ઝટ નીચે પડી ગયો. પડી ગયો શાનો ? મારા મિત્રે અધ્ધરથી જ ઝીલી લીધો અને એ ત્યાંથી નાઠો.
શિક્ષકને મારી હિંમત જોઈને જ મારા પર શક આણવાનું નહીં રુચ્યું હોય. એક જ ક્ષણ અનિશ્ચિતતામાં ગાળી તેઓ ઝટ ઊઠ્યા. દોડતા દોડતા બારી પાસે આવ્યા ને જુએ તો બારીમાંથી કાગળના કકડા નીચે ઊડતા પડે છે. મને પૂછ્યું : ‘તેં નીચે શું ફેંક્યું છે ?’ મેં કહ્યું, ‘નકામા કાગળના કકડા.’ બારી આગળ ધ્યાન રાખી એમણે ઢાળિયા પરનો મારો કાગળ જોયો. એના પર તો મરાઠી કવિતા જ હતી, એટલે શંકાનિવૃત્તિ થઈ. છતાં ઔરંગઝેબ કંઈ વિશ્વાસથી ચાલે ? માસ્તરે પોતે બારીમાં જ ઊભા રહી વર્ગના મૉનિટરને નીચે મોકલ્યો અને પડેલા બધા કાગળોના કકડા ભેગા કરી આણવાનું કહ્યું. મૉનિટરને દોડતા જઈ દોડતા આવવાનું કહેતાં તેઓ ભૂલ્યા નહોતા; રસ્તામાં એ જ સવાલો કહી દે તો ? મૉનિટર ગયો. બધા કકડા વીણી લાવ્યો. શિક્ષકે કંઈક પ્રયાસથી એ બધા કકડાના આકાર તપાસી તપાસી મેજ પર ગોઠવ્યા ને વાંચી જોયું તો એના પર રમૂજી ટુચકા સિવાય કશું હતું નહીં ! એમણે મને એટલું કહ્યું, ‘ફરી કાગળ ફેંકીશ નહીં, જો કેટલો વખત નકામો ગયો ?’ મેં પણ ડાહ્યા થઈને કહ્યું કે, ‘હા જી.’
પછી જેમ જેમ વિદ્યાર્થીઓ આવવા લાગ્યા તેમ તેમ સવાલોના તેમના જવાબ સાચા પડવા લાગ્યા. શિક્ષકને શક ગયો. દરેક આવનાર વિદ્યાર્થીને પૂછવા લાગ્યા કે સવાલો બહાર ફૂટ્યા છે ? પણ કોણ કબૂલ કરે ? આખરે એક છોકરો આવ્યો. અમારા વર્ગનો એ ઠોઠ નિશાળિયો. એ તો એકેય વિષયમાં પાસ ન થાય, એટલે એને કોઈએ સવાલો કહ્યા ન હતા. પોતાનો આવો બહિષ્કાર એને બહુ સાલ્યો. એને જ્યારે શિક્ષકે પૂછ્યું, ‘કેમ નારાયણ, સવાલો બહાર ફૂટ્યા છે ?’ ત્યારે એણે કહ્યું, ‘હા જી.’ હું તો બેઠેલે ઠેકાણે ઓગળી જ ગયો ! પગમાં પહેરેલા બૂટ પણ ભારે થઈ ગયા. છાતી ધડકવા લાગી. અત્યાર સુધીની શાખ ધૂળમાં મળશે. ગોખલે માસ્તર ઘણી વાર મારા ભાઈને મળે. એટલે આબરૂનું નિશાળમાં જ નહીં, પરંતુ ઘરમાં પણ દેવાળું નીકળવાનું ! મને ક્યાંથી એ કુબુદ્ધિ સૂઝી ? ગયું. બધું ગયું. હવે ગમે તેટલો સાચો થઈશ તોયે ડાઘો કાયમને માટે રહેવાનો. ક્યાં આ શિક્ષકની ઈર્ષ્યા કરવા ગયો !
ઈશ્વરને ઘેર કેવો કાયદો છે એ જણાતું નથી. કોઈક વખતે ઘણા અપરાધ કર્યા છતાં માણસને સજા થતી જ નથી. એ અપરાધમાં વધ્યે જ જાય છે અને છેલ્લી ઘડીએ અપરાધનું સાટું વળાય છે. કેટલીક વાર પહેલી ઘડીએ જ એવી તો સખત સજા થાય છે કે ફરી એ અપરાધ કરવાનું નામ જ ભૂલી જાય છે. આને હું ઈશ્વરની કઠોર કૃપા કહું છું. કોઈક વાર માણસનો પશ્ચાતાપ એ જ એને પૂરતી સજા છે એમ સમજી ઈશ્વર એને બચાવી લેતો હશે. આ છેલ્લો પ્રસંગ મહા કઠિન. બચી જવામાં જો એ ઈશ્વરની દયા ઓળખી શકે તો ફરી ગુનો ન કરે. પણ જો બચી જવામાં પોતાના ભાગ્યની મહત્તા ગણે અથવા નીતિના નિયમની શિથિલતાનું અનુમાન કરે, તો તો એ વધારે ને વધારે અંધારા ખાડામાં ડૂબી જવાનો. ઈશ્વર ગમે તે નીતિ અખત્યાર કરે તોયે ઈશ્વર ન્યાયી છે, તેથી જ દયાળુ છે અને એને સુનીતિ પ્રિય છે, એટલું જો આપણે ધ્યાનમાં રાખીએ અને એ વિચારોને જ દઢતાથી વળગી રહીએ, તો જ આપણે બચી જવાના.
શિક્ષકે પૂછ્યું : ‘જવાબો ક્યાંથી બહાર પડ્યા ?’ નારાયણે કહ્યું, ‘મૉનિટર પટવેકરે ફલાણા ભાઈને કહ્યું, ફલાણાએ ઢીંકણા ભાઈને કહ્યું, એમ સવાલો બધા ફેલાઈ ગયા છે. મને કોઈએ કહ્યું નહીં; મારો બધાએ બહિષ્કાર કર્યો છે.’ કમબખ્ત મૉનિટરે બારણું ખોલતાં એકબે સવાલો હળવેથી કહી દીધા હતા, ને મારા કાગળો લાવવા નીચે ગયેલો ત્યારે પણ એકબે કહી દીધેલા, એની દુર્બુદ્ધિની ઢાલ પાછળ હું બચી ગયો. બચી ગયો એટલે કે શિક્ષક આગળ ઉઘાડો ન પડ્યો. વર્ગમાં કોઈની સાથે મારે દુશ્મનાઈ ન હતી, એટલે મારું નામ બહાર ન આવ્યું. વર્ગના છોકરાઓ તો એ પ્રસંગ ભૂલી પણ ગયા હશે. પણ એ છેલ્લી ચારપાંચ ક્ષણમાં મેં જે માનસિક વેદના વેઠી છે અને મારી જાતને જે શિખામણ આપી છે તે તો મારા જીવનના કીમતી પ્રસંગ તરીકે યાદગાર રહેશે. એ હું કદી ભૂલી નહીં શકું…
જેને મેં સવાલનો કાગળ આપ્યો હતો એ વણકરનો છોકરો હતો. એણે મને સૂતરના પડીકાની બે બાજુ વપરાતાં જાડાં પૂઠામાંથી એક સરસ પૂઠું ભેટ દાખલ આપી દીધું. કેટલાંયે વરસ સુધી એ પૂઠું મારી પાસે હતું અને દરેક વખતે તે દિવસની વાતનું મને સ્મરણ કરાવતું.

ચતુષ્કોણ – સંકલિત

ચતુષ્કોણ – સંકલિત

[1] વાંચો, નહીંતર રહી જશો ! – ઈશિતા
કેટલાંક પુસ્તક એવાં હોય છે કે એના વિશે સાંભળ્યા પછી વાંચ્યા વગર ન રહેવાય. વાંચવાનો સમય ન હોય તોય ખરીદ્યા વગર ન રહેવાય. સતત વ્યસ્ત રહેતી અમુક વ્યક્તિઓને ઈશિતા ઓળખે છે, જે વાંચનની જબરી શોખીન છે, પરંતુ પૂરતા સમયના અભાવે અદમ્ય ઈચ્છા હોવા છતાં પુસ્તક વાંચી શકતી નથી. આવા વાંચનપ્રેમીઓ ગમતાં પુસ્તક ખરીદીને ઘર લાઈબ્રેરીમાં મૂકી દે એવી ઈચ્છા-મહેચ્છા સાથે કે જેવો સમય મળશે એટલે આ બધાં જ પુસ્તક વાંચી જઈશ !
એમને સમય ક્યારે મળશે એ તો રામ જાણે, પરંતુ એમના પુસ્તકપ્રેમની આપણે નોંધ તો જરૂર લેવી જોઈએ…. ખેર, વાંચન માટે સમય ન કાઢી શકતા લોકો માટે હવે ખરા અર્થમાં વાંચ્યા વગર નહીં ચાલે એવાં પુસ્તક બુક સ્ટોર્સમાં આવી જવાનાં છે ! આર્જેન્ટિનાના પાટનગર બ્યુનોસ એર્સના એક પ્રકાશકે નવીન પ્રકારનાં પુસ્તક છાપવાનું શરૂ કર્યું છે. આ પુસ્તક પ્રકાશક એક ખાસ પ્રકારની ઈન્ક એટલે કે શાહીથી છાપે છે. પછી પુસ્તક-લેખક તથા પ્રકાશક તેમ જ એની કિંમત જ બહારથી વાંચી શકાય એવા ઍરટાઈટ બૉક્સમાં એને પૅક કરે છે. હવે આ પુસ્તકની વિશેષતા એ છે કે તમે પુસ્તક ખરીદો-બૉક્સમાંથી બહાર કાઢો અને વાંચવાનું શરૂ કરો…. આટલું જાણ્યા પછી તમને થશે : આમાં નવું શું છે ? વાચક તો પુસ્તક ખોલીને વાંચે જ ને ?
બસ, અહીં જ પેલા ભેજબાજ પુસ્તક પ્રકાશક અને એણે જે શાહીથી પુસ્તક છાપ્યું છે એની કમાલ શરૂ થાય છે ! પુસ્તક બૉક્સમાંથી બહાર કાઢીને વાંચવાનું શરૂ કર્યા પછી જો તમે એ પુસ્તક 60 દિવસ એટલે બે મહિનાની અંદર પૂરું વાંચી ન લો તો એ પુસ્તકની શાહી આપમેળે અદશ્ય થઈ જશે અર્થાત પુસ્તકનાં બધાં પાનાં સાવ કોરાકટ થઈ જશે ! બીજા શબ્દોમાં કહીએ તો આ પુસ્તક હાથમાં લીધા પછી વાંચ્યા વગર છૂટકો જ નહીં ! (‘ચિત્રલેખા’માંથી સાભાર.)
.

[2] શિક્ષણ મૂલ્યોનું જતન – માલિની પાઠક
વીસ વર્ષ પહેલાં ખાનગી શાળામાં શિક્ષિકા હતી. શાળાના ટ્રસ્ટીનો પુત્ર નાપાસ થયો. પરિણામ જાહેર થાય તે પહેલાં અમે ટ્રસ્ટીને ખુશ કરવા તેને પાસ કરી દીધો. શિક્ષિકા કમલાએ તેના વિષયમાં નાપાસ કર્યો. ટ્રસ્ટી નારાજ થઈ ગયા. તેને નોકરીમાંથી છૂટી કરે તે પહેલાં કમલાએ રાજીનામું આપી કહ્યું : ‘સર, હું ગુજરાત વિદ્યાપીઠ શાળામાં ભણી છું. ગાંધી મૂલ્યનું જતન કરતાં મારા ગુરુજનોએ સમર્પિત ભાવે શિક્ષણમાં ટકાવારી કરતાં સમાજને ટેકારૂપ બનવા અમારામાં સંસ્કારમૂલ્યોનું સિંચન કર્યું છે. મને ખબર છે કે નોકરી જશે પરંતુ શાળાજીવનની વિદાય વખતે ગાંધી વિદ્યાપીઠનો દરવાજો છોડતાં પહેલાં મૂલ્ય જાળવવાની આસ્થા માટે ગુરુજનોએ ભીની આંખે અમને આશિષ આપેલી તે ભાવનાનો હ્રાસ કેવી રીતે કરી શકું ?
બીજે દિવસે ટ્રસ્ટી શાળામાં આવ્યા. ભીની આંખે બોલ્યા : ‘બહેન, કમલા, પુત્ર મોહમાં હું શિક્ષણમૂલ્ય ભૂલી ગયો. તારા ગુરુજનોના શિક્ષણ આચરણના પ્રભાવથી વિદ્યાર્થીને સારો માણસ બનાવવાના તારા પ્રયત્નોથી મારા પુત્રે મને કાલે કહેલું : ‘પપ્પા, કમલા મેમે પોતાની દીકરીને પણ નાપાસ કરી છે. અમારે મન શિક્ષણનું મૂલ્યાંકન સમાજ ઉપયોગી બનતા જવાનું છે. તમે કમલા મેમનું રાજીનામું લીધું તેનું મને દુઃખ છે. પ્રાયશ્ચિત કરવા હું આજે ઉપવાસ કરીશ. તમારા વતી તેમની માફી માગીશ.’ તેમણે કમલાનું રાજીનામું નામંજૂર કર્યું. ઘટના વળાંક બની શિક્ષણમૂલ્યો જાળવવા કર્મશીલ પ્રેરણા આપ્યા કરે છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)
.
[3] ટાપટીપ ક્યાં સુધી ? કેટલી ? – હસમુખ પટેલ
કન્યાશાળાના એક કાર્યક્રમમાં એક બહેને મને સૂચન કર્યું : ‘શહેરોમાં બહેનોને હેલ્મેટમાંથી મુક્તિ આપવી જોઈએ. તેમનો મેકઅપ બગડી જાય છે.’ મેં કહ્યું : ‘ગામડાની બહેનોને મેકઅપની ચિંતા નહિ ?’ મારે તો આ સિવાય ઘણું કહેવું હતું, પણ સમય અને વિષયની મર્યાદા હતી. આજે કહી દઉં તો ? સુંદર દેખાવું તે દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે – સ્ત્રીની જ શું કામ, સ્ત્રી-પુરુષ બન્ને એ સુંદરતા પ્રત્યે સભાન રહેવું જોઈએ. પણ ટાપટીપ જ જીવનસર્વસ્વ બની જાય તે કેમ ચાલે ?
હમણાં સાડીનું સેલ ક્યાં ચાલે છે ? બ્લાઉઝમાં નવી કઈ પૅટર્ન આવી છે ? ફિલ્મી હિરોઈનો કેવાં આભૂષણો પહેરે છે ? – આવા જ વિષયોમાં સ્ત્રીઓ અટવાઈ જાય તે કેમ ચાલે ? ઘણાં ઘરોમાં તો સ્ત્રીઓને દાગીને જડી દ્યો એટલે પત્યું, તેના સ્વતંત્ર વ્યક્તિત્વની ચિંતા નહિ. સ્ત્રીઓની અપેક્ષા પણ એવી જ. લગ્નદિવસે કે જન્મદિવસે પતિ તરફથી સરસ મજાની સાડી કે ઘરેણું મળ્યું એટલે પત્યું. પતિ તમારા વ્યક્તિત્વનો સ્વીકાર કરતો હોય, તમારા બાહ્ય દેખાવનો જ નહિ, આંતરિક સૌંદર્યનો આશક હોય તો તેની કિંમત નહિ. તેના કરતાં અઢીસો રૂપિયાની સાડી તમારે મન ઊંચી. વસ્ત્ર-આભૂષણ અને સૌંદર્ય-પ્રસાધનોની જ સ્વીકૃતિ પામવાની ભૂખ કાં ? આપણી ક્ષમતાઓ, આવડતો, સંસ્કારો, સાત્વિક શોખો આકર્ષણનું કારણ ન બની શકે ? આપણે આપણી વેશભૂષાથી જ શું કામ ઓળખાઈએ ? આપણી પાસે બીજું કંઈ નથી ? આપણે એક સારા શિક્ષક, વક્તા, ચિત્રકાર, નૃત્યકાર, લેખક, નાટ્યકલાકાર, ડૉક્ટર, વકીલ, કૉર્પોરેટર, લીડર કે સરકારી અમલદાર તરીકે શું કામ ન ઓળખાઈએ ?
બહેનો સામે એક આક્ષેપ અવારનવાર સાંભળવા મળે છે : તેઓ વસ્ત્રો બહુ ઉત્તેજક પહેરે છે. ઘણા તેના ઉપર નિયંત્રણો મૂકવાની માગણી પણ કરે છે. આવાં નિયંત્રણો મૂકી શકાય નહિ. મૂકવાનો વિચાર આવે તે પણ આપણી રુગ્ણતાની નિશાની છે. પુરુષો પોતે કેવાં વસ્ત્રો પહેરવાં તે જાતે જ નક્કી કરે તો સ્ત્રીઓ કેમ નહિ ? જ્યાં સુધી વસ્ત્રો બીભત્સ ન હોય ત્યાં સુધી સમાજને દખલ કરવાનો અધિકાર નથી. પણ, બહેનોએ એ જરૂર વિચારવું પડશે કે આપણે એવું કંઈ પણ ન કરીએ કે વ્યક્તિ મટી વસ્તુ બની જઈએ. આપણી સેક્સ અપીલ જ એકમાત્ર અપીલ શું કામ હોય ? આપણે આપણા વ્યક્તિત્વથી લોકોને કેમ આંજી ન શકીએ ? ક્યારેક પોતાની સ્વતંત્રતા સાબિત કરવા સારુ સ્ત્રીઓ વસ્ત્રોમાં અંતિમ છેડાની છૂટ લેતી હોય છે. સ્વતંત્રતા વ્યક્ત કરવા માટે આ જ એકમાત્ર ક્ષેત્ર છે ? આપણી શક્તિઓ-પ્રતિભાઓ ખીલવવામાં આવતા અંતરાયોને દઢતાપૂર્વક ઓળંગી જઈ આપણી સ્વતંત્રતાના ઢોલ ન પીટી શકીએ ? સફળતાનાં શિખરો સર કરો, દુનિયાએ તમારી સામે જોવું જ પડશે.
વસ્ત્રાભૂષણના સંસ્કાર મોટા ભાગે બાળપણ, તરુણ કે કિશોરઅવસ્થામાં પડતા હોય છે. દેખાદેખી ઘણો ભાગ ભજવે છે. બીજા છોકરા જેવાં જ કપડાં પહેરવાની બાળકોને ઈચ્છા થાય છે. બીજાઓ જેવાં કપડાં પહેરવાના ન મળે તો લઘુતાગ્રંથિ જન્મે છે. એવું ન થાય તે સારુ મા-બાપ પણ ઘણી વાર અનિચ્છાએ બાળકોની ઈચ્છા પૂરી કરે છે. ખરેખર તો બીજાઓ જેવા થવા કે દેખાવાની ઘેલછા પોતામાં ઊણપ દર્શાવે છે. બાળકોને એવી રીતે ઉછેરીએ, તેઓમાં સુષુપ્ત પડેલી શક્તિઓને એવી ખીલવીએ, કેળવીએ કે તેઓમાં ગજબ આત્મવિશ્વાસ જન્મે, પછી બીજાઓ જેવા બનવાની ઈચ્છા નહિ રહે. શૃંગાર જ આપણી જાતને વ્યક્ત કરવાનું એકમાત્ર માધ્યમ ન બને તેનું ધ્યાન રાખીએ. આમ પણ કોઈ પણ એક બાબત ઉપર વધારે પડતી નિર્ભરતા ગુલામી જ નોતરે. બિનટકાઉ બાહ્ય આવરણ કરતાં આંતરિક તાકાત ઉપર વધુ આધાર રાખીએ. આંતરિક શક્તિઓ ઓછી હોય તો કેળવીએ. મન નબળું હોય તો તેને જ મજબૂત કરવા કોશિશ કરીએ. સોળે કળાએ ખીલેલું વ્યક્તિત્વ જ સાચું આભૂષણ છે. (‘ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ’ પુસ્તકમાંથી સાભાર.)
.
[4] જીવન છે ત્યાં સુધી કામ અને કામ છે ત્યાં સુધી જીવન – સુરેશ દલાલ
મને પહેલેથી જ પુસ્તકો બહુ ગમે. ગુજરાતી પુસ્તકો ખરીદતો અને અંગ્રેજી પુસ્તકો મને પોસાય તેટલાં જ ખરીદી શકતો. ગુજરાતી પુસ્તકોનું છાપકામ અને બાહ્ય દેખાવ મને ગમતાં નહીં. પુસ્તક જોતાં જ તે રૂપકડું અને આકર્ષક દેખાવું જોઈએ. આંતરિક સૌંદર્યની સાથે બાહ્ય સૌંદર્યને અવગણી શકાય નહીં. એટલે પુસ્તકનો બાહ્ય દેખાવ એવો હોવો જોઈએ કે કોઈને પણ પુસ્તક હાથમાં લેવાની ઈચ્છા થાય અને એક વાર પુસ્તક હાથમાં આવ્યા બાદ જો અંદરનું કન્ટેન્ટ સારું હશે તો વાંચવાની ઈચ્છા કોઈ પણ વ્યક્તિ ખાળી નહીં શકે. એટલે ઈમેજ પબ્લિકેશનની સ્થાપના કરી જાતે જ અંદરથી અને બહારથી રૂપકડાં ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાનું શરૂ કર્યું.
છેલ્લા બે દિવસથી મારી તબિયત સારી નહોતી. ડોક્ટરે ચેકઅપ કરીને કહ્યું કે તમારા મસલ્સ નબળા પડી ગયા છે એટલે તમને તકલીફો રહેશે. એટલે કમરનો દુઃખાવો એટલો હતો કે ઘરેથી ઓફિસ જવાની હિંમત એકઠી કરવી પડે. હૃદયમાં પેસ મેકર બેસાડ્યું છે. પગમાં સ્ટેન્ટ છે. અને છતાંય દર વરસે ત્રણ-ચાર પુસ્તકોના પ્રોજેક્ટ પર કામ કરવાનો ટાર્ગેટ છે. હું માનું છું કે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી જીવન છે ને જીવન છે ત્યાં સુધી કામ રહેવું જોઈએ. હું હકારાત્મક અભિગમ સાથે જીવું છું. રડતી વ્યક્તિઓ મને ગમતી નથી અને રડવાનું મને ગમતું નથી. રોજ સવારે સૂરજ ઊગે ત્યારે એ આંખમાંય ઊગે. તેને હા કહીને આવકારું. રોજિંદા જીવનમાં જે માણસ આનંદ મેળવી શકે તે જ આનંદથી જીવી શકે. પ્રાઈમ મિનિસ્ટરથી લઈને પ્યુન સુધી દરેક માણસે રુટિન કામ તો કરવાનાં જ હોય છે. એટલે હું દરરોજનાં મારાં કામને માણું છું. બીમારી આવે તેને પણ સ્વીકારું કારણ તમે કોઈના વતી જીવી નથી શકતા. એટલે મારી પીડા કોઈ સમજી શકે પણ લઈ ન શકે એટલે મારે તેને સ્વીકારવી જ પડે. જીવનમાં સંઘર્ષ ત્યારે થાય જ્યારે વાસ્તવિકતાને નહીં. જો વાસ્તવિકતાને સ્વીકારી લો તો સંઘર્ષ રહેતો જ નથી. મારે કોઈની સાથે વાંધાવચકા પડે નહીં. અને મને ક્યારેય કોઈ બાબતનું ખોટું લાગતું નથી. હવે આટલાં વરસે જો મેચ્યોરિટી ન આવે તો શું કામની. અને મેચ્યોર્ડ માણસને ક્યારેય ખોટા વાંધાવચકા પડતા નથી. મારું મન વેસ્ટ પેપર બાસ્કેટ નથી, તે બગીચો છે. જેમાં નવા વિચારોનાં ફૂલો જ ઊગે છે. અને તેનો આનંદ જ લઉં છું. આપણે મોટે ભાગે ન્યાયને યાદ નથી કરતા અને અન્યાયને યાદ કરીએ છીએ. હું આવો કચરો સાચવતો નથી એટલે વાગોળવા જેવું પણ કશું હોતું નથી. મારા જીવનમાં જે સમજણ છે તે જે. કૃષ્ણમૂર્તિની છે. તેમની મારા પર ગાઢ અસર છે. અને શ્રદ્ધા છે તે નાથાભાઈ જોષીમાં છે. હું ક્યારેય કોઈ જ ચિંતા કરતો નથી. મેં એક કવિતા લખેલી…..
પડશે તેવા દેવાશે,
ચિંતા કોર્યું મન, પછીથી એક ઝાટકે દેવાશે.
પેસ મેકર મુકાવ્યું તેને મેં આમ કહીને સ્વીકાર્યું કે તે મને મદદ કરવા આવ્યું છે. માણસ મરણ કરતાં તેના ભયને કારણે મરે છે. આપણા સાહિત્યને અંગ્રેજીમાં ન લઈ શક્યાનો અફસોસ છે. આપણી પાસે કેટલુંક સારું સાહિત્ય છે. પણ સારા અનુવાદકો ન હોવાને કારણે આ કામ થઈ શકતું નથી. સુરેશ જોષીના નિબંધો આંતરરાષ્ટ્રીય સાહિત્યની કક્ષાના છે. આવાં કેટલાંક પુસ્તકો ન કરી શક્યાનો અફસોસ રહેશે જ. (સુરેશ દલાલની મોટે ભાગે આ અંતિમ મુલાકાત દિવ્યાશા દોશીએ લીધી હતી જે ‘નવનીત સમર્પણ’માંથી અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવી છે.)

વિચારબિંદુઓ (ભાગ-7) – મૃગેશ શાહ



વિચારબિંદુઓ (ભાગ-7) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ ભાગ-1 થી 5 રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓ ભાગ-6 રૂપે પ્રકાશિત થયા અને આજે તે અનુસંધાનમાં આગળ ભાગ-7 પ્રકાશિત કરવામાં આવે છે.]
[1] હમણાં અમદાવાદ એરપોર્ટ પર એક મિત્રને મૂકવા જવાનું થયું. કારના ડ્રાઈવરે પરત ફરતાં એક સરસ વાત કહી. એણે એમ કહ્યું કે : ‘ભારત પહેલી વાર આવતા અજાણ્યાં પરદેશીઓને હું થોડું ફેરવીને એવા સારા રસ્તે લઈ જાઉં છું કે જ્યાં ગંદકી, ગાયો, ભેંસો કે ઝૂંપડપટ્ટી ન હોય. પછી તો જે થાય તે પરંતુ ભારતની પહેલી છાપ એમના મનમાં સારી પડવી જોઈએ ને !’ – આ પણ છે એક દેશસેવા !
[2] જીવનમાં ઘણા બધાને ઘણું બધું જાણવાની તક મળે છે પરંતુ બહુ જ ઓછા લોકોને પોતાના વિશે, પોતાના જીવન વિશે જાણવાની-સમજવાની તક સાંપડે છે.
[3] આપણા જીવનને બે બારી હોવી જોઈએ. એક તો પૂર્વ તરફની અને બીજી પશ્ચિમ તરફની. બંનેને હંમેશાં ખુલ્લી રાખવી જોઈએ જેથી પૂર્વ તરફથી આપણને સંતોષ, શાંતિ, વિવેક, કુટુંબભાવ, આંતરિક સુખ અને યોગ્ય જીવનદર્શન પ્રાપ્ત થાય તથા પશ્ચિમ તરફની આપણને શિસ્ત, સ્વચ્છતા, ટેકનોલોજી અને વિજ્ઞાનની અદ્યતન સુવિધાઓ વગેરેનો લાભ મળે.
[4] વિશ્વાસ એ એવું તત્વ છે જે ઘોર નિરાશારૂપી અંધકારમાંથી એક તેજસ્વી કિરણ સમાન ઉત્પન્ન થાય છે અને બુદ્ધિની બળબળતી બપોર આવે તે પહેલાં વિલય પામે છે !
[5] માણસમાં છત્રીસ ગુણો હોય કે કેમ તે તો એક પ્રશ્ન છે પરંતુ છત્રીસના આંકડા જેવા (પરસ્પર વિરોધી) ગુણો તો ચોક્કસ જ હોય છે !

[6] ઉડાઉડ કરતાં અસ્તવ્યસ્ત કાગળ પર જેમ પેપરવેઈટ મૂકી શકાય છે તેમ અસ્તવ્યસ્ત મનના વિચારો પર પણ પેપરવેઈટ મૂકી શકાતું હોય તો કેટલું સારું ! એમ થાય તો તો સમજ એ જ સાક્ષાત્કાર બની જાય !
[7] અત્યંત નિમ્ન મનોવૃત્તિ ધરાવતા સ્વાર્થી અને દુર્ગુણોની ખીણ જેવા માણસોને મળવાનું થાય છે ત્યારે જ આપણને ગુણોના પહાડ જેવા વિશાળ માનવીઓની મહાનતાનો સવિશેષ પરિચય થતો હોય છે.
[8] મોટેભાગે જુદા જુદા મોબાઈલના ચાર્જર અલગ પ્રકારના હોય છે. માણસનું પણ શું એવું નથી ? દરેક માણસ જુદી-જુદી રીતે ચાર્જ થતો હોય છે. કોઈકને સંગીત ચાર્જ કરે છે, કોઈકને સાહિત્ય તો કોઈને પ્રવાસ અનુકૂળ આવે છે. ગમે તે હોય, પરંતુ આપણી બેટરી ડાઉન ન થઈ જાય એ માટે આપણને જીવનમાં ‘ચાર્જ’ રાખે એવું કશુંક આપણી પાસે હોવું જોઈએ.
[9] માણસના જીવનમાં પિતાનો વિયોગ તો એક વાર આવે છે પરંતુ માતાનો વિયોગ ત્રણ વાર સહન કરવો પડે છે. એક જન્મ સમયે, બીજો માતાના મૃત્યુ સમયે અને ત્રીજો પોતે આ ધરતી છોડીને જતાં.
[10] કોમ્પ્યુટર, મોબાઈલ અને અનેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરતાં કરતાં ક્યારેક એમ થાય છે કે ઓહોહો… આપણે તો કેટલું બધું જાણી લીધું અને કેટલા બધા અપડેટ રહીએ છીએ…. પરંતુ ઉપનિષદ ખોલીને જોઈએ તો પહેલું જ વાક્ય નજરે ચઢે છે કે આ બધું જ જાણનાર જે છે એ જાણનારને તેં જાણ્યો છે ?…. અને આપણે ઊંચા આકાશમાંથી સીધા જમીન પર આવી પહોંચીએ છીએ !!
[11] સૂર્ય પિતા છે, પૃથ્વી માતા છે. એક ગૃહિણીની જેમ આ પૃથ્વી માતાને સતત ફરતા, કામ કરતાં રહેવું પડે છે પરંતુ તે છતાં દુનિયા તો જેમ સૂર્યને જ ફરતાં જુએ છે એમ પિતાના ઑફિસ વર્કને જ મહત્વનું ગણવામાં આવે છે ! માતાના કાર્યની ક્યારેક ઉપેક્ષા થતી હોય છે કારણ કે એ ફરતી જોઈ શકાતી નથી !
[12] કેટલાક માણસો પ્રિપેઈડ મોબાઈલ જેવો સંબંધ રાખતા હોય છે. જેમ પ્રિપેઈડ મોબાઈલમાં બેલેન્સ સાવ ખલાસ થવા આવે છે ત્યારે રિચાર્જ કરવામાં આવે છે એમ ગણતરીપૂર્વક સંબંધ રાખનારા લોકો, ન છૂટકે સંબંધ રાખવા ખાતર, ક્યારેક ફોન કે એસ.એમ.એસ કરી સંબંધને રિચાર્જ કરી લેતાં હોય છે !
[13] નાની ઉંમરે સાહિત્યનું કામ કરનારને એક વિચાર હંમેશા મનમાં આવે છે કે બજારમાં વાળને સફેદ કરવાની ડાઈ કેમ નથી મળતી ? કારણ કે આ ક્ષેત્રમાં તો ઉંમર એ જ મોટામાં મોટું ક્વોલિફિકેશન ગણાય છે !
[14] ઈડલીનું ખીરું તપેલીમાં ઉપર આવેલું જોઈને નાનકડી પલકે એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આ શું થયું ? તેની મમ્મીએ તેને સમજાવ્યું કે આને ‘આથો આવ્યો’ એમ કહેવાય. બીજા દિવસે આખો દિવસ ધાબા પર ગાદલાં તપાવીને જ્યારે નીચે પલંગ પર ગોઠવ્યા ત્યારે પલકને લાગ્યું કે ગાદલાંની ઊંચાઈ સહેજ વધી ગઈ છે. તેણે તરત મમ્મીને બોલાવીને કહ્યું, જો…મમ્મી…જો… ગાદલાંને આથો આવ્યો !
[15] બપોરના સમયે એક ગરીબ મજૂર છોકરો હાથમાં ભજીયાનું પડીકું લઈને જતો હતો. ક્યાંક ગલીમાંથી કૂતરા દોડતાં આવ્યા અને એનું પડીકું ધૂળમાં રગદોળાઈ ગયું. કેટલા અરમાનો સાથે આજે માંડ પૈસા ભેગા કરીને ભજીયાં ખાવાનો દિવસ આવ્યો હશે. પરંતુ તેના મોં પર કોઈ દુઃખ નહોતું. ‘જે થયું તે’ એમ માનીને એ ચાલતો થઈ ગયો. કદાચ આવેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ક્ષમતા ભણેલા અને ધનવાન લોકો કરતાં આવા ગરીબવર્ગમાં વધારે હોય છે. એથી જ તેઓ જે સ્થિતિમાં છે એમાં હંમેશા સુખી રહી શકે છે.
[16] કોઈ પણ કલાકારને પોતાની ઉપેક્ષા થતી જોવી ગમે ખરી ? ન જ ગમે. લગ્નસમારંભોમાં થતી સંગીત સંધ્યા ક્યારેક ઉપેક્ષા-સમારંભ બની જતો હોય છે. કલાકાર માટે પ્રેક્ષકોના કાન એ જ તેમને મળેલી ઉત્તમ બક્ષિસ છે.
[17] વ્યક્તિમાં રહેલું શુભત્વ મેગ્નેટ જેવું કામ કરે છે. જેનામાં શુભત્વ હોય એની પાસે બધું આપોઆપ ખેંચાઈ આવે છે. સારા લોકો, શુભ ચિંતન, શુભ વિચાર સહિત દુનિયાની તમામ સકારાત્મક ઉર્જા એની પાછળ દોરાઈ જાય છે. ફૂલે ખીલ્યા બાદ ભમરાને બોલાવવા એડવર્ટાઈઝ નથી કરવી પડતી ! શુભની સુવાસનો પ્રસાર હોય છે, પ્રચાર નહીં !
[18] જ્યાં સુધી તમે શાંતિ, પ્રસન્નતા અને આનંદ રોજેરોજ ડાઉનલોડ કરી શકો છો ત્યાં સુધી તમારું ઈશ્વર સાથેનું કનેકશન બરાબર છે તેમ સમજવું. તમારું ડીવાઈસ (મન) જેટલું સારું હશે એટલી તમને ડાઉનલોડ સ્પીડ સરસ મળશે !
[19] સત્ય હંમેશા કડવું હોય એમ કહીને આપણે સત્યને જાણે કોઈ ડરામણો રાક્ષસ બનાવી દીધો છે. સત્ય મૃદુ, સૌમ્ય અને કોમળ હોય એ વાત આપણે સ્વીકારવા જ તૈયાર નથી. હદ તો ત્યાં થાય છે કે જે કંઈ કડવું છે બધું સત્ય જ હશે ત્યાં સુધી લોકો માની લે છે ! અમુક વ્યક્તિ આક્રમકતાથી બોલે છે એટલે એ સાચો જ હોવો જોઈએ એમ આપણે સમજી લઈએ છીએ. સત્ય કઈ રીતે કહેવાય છે એના પરથી બોલનારની માનસિકતા છતી થતી હોય છે.
[20] નવ વર્ષ નિમિત્તે, લગ્નપ્રસંગે, જન્મદિને કે અન્ય કોઈ હેતુસર અપાતી ચાંલ્લાની રકમને અમુક લોકો સંબંધોનું રિચાર્જ વાઉચર સમજી લેતાં હોય છે. ઓછામાં ઓછું 101નું રિચાર્જ તો કરાવવું જ પડે ! 51નો ચાંલ્લો કરો તો નો ટોકટાઈમ… સંબંધ રાખવા જેવો નથી. 101 કરો તો બરાબર ટોકટાઈમ મળે. 501 કરો તો ફૂલ ટોકટાઈમ… એમના જેવા કોઈ માણસ નહીં…. લાખ રૂપિયાનો સંબંધ !
[21] ઈશ્વર ફક્ત દુઃખમાં જ નહિ, સુખમાં પણ ધ્યાન રાખે છે; કારણ કે સુખમાં તો લપસવાની શક્યતા વધારે હોય છે. તે હંમેશા આપણા જીવનરથને સુખ-દુઃખની વચ્ચે બરાબર મધ્યમાં ઊભો રાખવાની કોશિશ કર્યા જ કરે છે.
[22] સાહિત્ય, સંગીત કે કોઈ પણ કલાના ઉપાસક પોતાનું જગત જાતે બનાવી લેતા હોય છે. તેઓ પોતાના જગતના બ્રહ્મા હોય છે. એ જગતમાં જો રાગ-દ્વેષ, સ્પર્ધા, અસૂયા ન હોય તો તેઓ આઠે પ્રહર આનંદમાં રહી શકે છે. એમની સમીપ રહેનારને પણ એ આનંદની સુવાસ સ્પર્શે છે. ખાસ કરીને આપણા જગતમાં થતા મનના ચઢાવ-ઉતરાવનું તેઓને ભોગ બનવું પડતું નથી. તેમનું મન ઉદ્વેગ પામતું નથી કે વિક્ષિપ્ત થતું નથી. કલાના સાચા ઉપાસકને મનની સ્થિરતા આપોઆપ પ્રાપ્ત થતી હોય છે. સૌમ્યતા, પ્રસન્નતા, આનંદ અને નમ્રતા કલાના ઉપાસકમાં ન દેખાય તો માનજો કે તેઓ હજી જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચી શક્યા નથી.
[23] શાસ્ત્રો એમ કહે છે કે કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય ઓછું હશે. આજે વિજ્ઞાનયુગની આંખે જોઈએ તો સરેરાશ આયુષ્ય અગાઉ કરતાં વધ્યું છે; તેથી એમ થાય કે સાચું કોણ ? હકીકતે આયુષ્ય એટલે જીવનનો જેટલો સમય તમે પ્રસન્નતામાં અને આનંદમાં પસાર કરો તે. માત્ર શ્વાસ લેતા રહેવું એ કંઈ આયુષ્ય નથી. જીવનમાં સતત ધન્યતાનો અનુભવ થતો રહે એ જ ક્ષણો મહત્વની બની રહેતી હોય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો તો આયુષ્ય સાવ ઓછું થઈ રહ્યું છે એમ કહી શકાય.
[24] કોઈ પણ કલાનું સાચું સૌંદર્ય ત્યારે પ્રગટે છે જ્યારે તેને પ્રસ્તુત કરનાર કલાકાર એ કલાને જીવતો હોય છે. સંગીતની પ્રસ્તુતિ કરનારે પહેલા સંગીત જીવવું પડે છે. લેખકે પહેલાં લેખનને આત્મસાત કરવું પડે છે. જીવન અને કલામાં જો અંતર દેખાય તો લોકો પર પ્રભાવ પાડી શકાય, લોકોના સ્વભાવ સુધી ન પહોંચી શકાય. કલા સ્વભાવને અસર કરે છે, જો એની ગંગોત્રી જીવન હોય તો !
[25] પ્રસન્નતા, પ્રેમ અને સમજણ જો તમે જીવનમાં મેળવી શક્યા હોવ તો પછી તમારે ક્યા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો બાકી રહે છે ?
[26] અગાઉ એવા સંવાદો સાંભળવા મળતાં કે ‘ફલાણા લોકો તો કોઈ પ્રસંગમાં આવતા નથી… બરાબર વહેવાર કરતા નથી… એમની જોડે શું સંબંધ રાખવો !’ હવે આજના ડિજિટલ યુગમાં એવા સંવાદો સાંભળવા મળશે કે : ‘ફલાણા વ્યક્તિ તો એકેય સ્ટેટ્સ લાઈક કરતા નથી, કોઈ કોમેન્ટ કરતા નથી….. તો આપણે શું કામ એમની જોડે સંબંધ રાખીએ !’
[27] આપણા જીવનના મોટાભાગના વ્યવહારો દેખાદેખી ચાલતા હોય છે. બાળકોને આપણે દેખાદેખી જગતની દોડમાં ધકેલીએ છીએ, આપણે પોતે વધુને વધુ આકર્ષક પેકેજ મેળવવા દોડતા રહીએ છીએ, લગ્ન આદિ પ્રસંગો પણ દેખાદેખી ઉજવીએ છીએ. નવાઈની વાત એ છે કે પુસ્તક વાંચન કે પ્રવાસ પણ આપણો દેખાદેખી હોય છે ! આખું જીવન જ જાણે આપણે કોપી કરીને જીવીએ છીએ. કોઈ પણ પ્રકારની સમજ વગર બધું હાંક્યે રાખીએ છીએ. એક ક્ષણ પણ શાંતિથી બેસીને ‘આ આપણે શું કરીએ છીએ’ તે સમજવાનો સમય નથી. છતાં આપણે કહેવાઈએ છીએ શિક્ષિત, ભણેલા અને સમજદાર !
[28] ધનની તૃષ્ણા આમ ઓછી થતી નથી પરંતુ પૈસેટકે માણસ સુખી થાય એટલે તેને કીર્તિની ભૂખ ઉઘડે છે. ખાસ કરીને જ્ઞાતિઓમાં/નાતમાં આગળ પડતા ધનવાન માણસોને જોજો તો ખ્યાલ આવશે કે પ્રસિદ્ધિની ભૂખ સંતોષવા માટે માણસ કેવાં વલખાં મારતો હોય છે !
[29] વેદોમાં એવી પ્રાર્થના છે કે :
હે ઈશ્વર, અમારી આંખો તારું દર્શન કરે, અમારા કાન તારી કથાનું શ્રવણ કરે, અમારા ચરણ તારા તીર્થો પ્રતિ ગતિ કરે… વગેરે વગેરે…
આ ઉપરથી આજના સમયમાં આપણે આમ પણ કહી શકીએ કે….
હે ઈશ્વર અમે ટીવી દ્વારા તારી કથાનું શ્રવણ કરીએ, કાર દ્વારા તારા તીર્થો ની યાત્રા કરીએ, આઈપેડ પર તારી તસ્વીરોનું દર્શન કરીએ, હેડફોનમાં તારા નામનું સંકીર્તન સાંભળીએ, મોબાઈલના રીંગટોન વડે પણ તને જ યાદ કરીએ, ફેસબુક પર તારી જ ચર્ચા હો, કેમેરા વડે તારી પ્રકૃતિના જુદા જુદા રૂપોનું દર્શન કરીએ…. આ જે કંઈ સાધનો છે… હે ઈશ્વર, એ બધા જ તારી સાધના માટે અમને ઉપયોગી થા
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી