ચાર્વાકદર્શનનાં મુળ અને કુળ
–એન. વી. ચાવડા
ચાર્વાકદર્શનનું મુળ નામ લોકાયતદર્શન છે. તેને લોકાયતવાદ પણ કહેવામાં આવ્યો છે. નામ પરથી જ ખ્યાલ આવે છે કે તે લોકોનું દર્શન છે. લોકોનું અર્થાત્ લોકો દ્વારા આયાત થયેલું અથવા લોકો દ્વારા પ્રચલીત અને પ્રસ્થાપીત થયેલું. અર્થાત્ પ્રારમ્ભમાં લોકાયતદર્શન કોઈ એક જ વ્યક્તી દ્વારા પ્રસ્થાપીત નહીં જ હોય; પરન્તુ લોકોએ પોતાના સુદીર્ઘ, અંગત અને અનન્ત જીવનાનુભવોને આધારે અમુક ચોક્કસ રીત–ભાત, રીવાજો, નીતી–રીતીઓ, માન્યતાઓ આધારીત જીવનપ્રણાલી ક્રમશ: વીકસાવી હશે. જેમાં કુટુમ્બ–કબીલાઓના સમગ્ર લોકોના હીત અને સુખનો વીચાર કરવામાં આવ્યો હશે. એવું જરુરી નથી કે તે વખતે તેઓ પોતાની આવી જીવનપદ્ધતીને લોકાયતવાદ કે લોકાયતદર્શન કહેતા હશે. જેનું સ્પષ્ટ ઉદાહરણ આજે પણ જોઈ શકાય છે કે દુર–સુદુરના આદીવાસીઓ પોતે પોતાની રીતે વીકસાવેલી જીવનપ્રણાલી મુજબ જીવી રહ્યાં છે. એને માટે એમને કોઈ દર્શનગ્રંથ કે દર્શનકારની આવશ્યક્તા નથી. એ જ રીતે લોકાયતદર્શન એ પ્રાચીન ભારતીય પ્રજાની સહજ રીતે વીકસેલી જીવનપ્રણાલી હશે. લોકાયતદર્શન યા લોકાયતવાદ એ તો પાછળના વીશેષ વીકસીત પ્રબુદ્ધજનોએ પોતાના પુર્વજોની આ જીવનપદ્ધતીને સંજોગોનુસાર આવશ્યક્તા ઉભી થતાં આપેલું ચોક્કસ નામ છે. આજની આપણી લોકશાહીની વ્યાખ્યા એવી છે કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. એવું જ લોકાયતવાદ વીશે કહી શકાય કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે રચાયેલી અને ચાલી રહેલી જીવન જીવવાની રીત. લાગે છે કે લોકાયતવાદ એ આપણી પ્રાચીન ભારતીય પ્રજાની લોકશાહી ઢબની જીવન અને શાસન પ્રણાલી હોવી જોઈએ.
પ્રાચીન ભારતીય પ્રજાની પ્રાકૃતીક અને વાસ્તવીક રીતે જીવન જીવવાની કળાને પુસ્તકમાં સ્થાન આપી તેને શાસ્ત્રીયરુપ આપી દર્શન તરીકે મુકનાર પ્રથમ વ્યક્તી ‘બૃહસ્પતી’ હતા. આ બૃહસ્પતી ઋગ્વેદ કાળમાં થઈ ગયા છે, તેઓ દેવોના અથવા આર્યોના ગુરુ હતા અને આર્યોમાં તેમનું અદકેરું માન–સન્માન હતું. બૃહસ્પતીએ લોકાયતવાદને પ્રથમ સુત્રોના સ્વરુપમાં રજુ કર્યું હતું. તેથી તેનું તે વખતનું નામ ‘બ્રાર્હસ્પત્યસુત્ર’ હતું. ‘બ્રાર્હસ્પત્યઅર્થશાસ્ત્ર’ તરીકે પણ તે પ્રચલીત હતું. અર્થાત્ ભારતનું તે પ્રથમ અર્થશાસ્ત્ર હતું. અર્થનો અર્થ છે પૈસો અથવા ધન. ધનસમ્પત્તીની જીવનમાં પ્રથમ આવશ્યક્તા છે. ધર્મ વીના માણસ જીવી શકે છે; પરન્તુ ધનસમ્પત્તી વીના માણસ જીવી શકતો નથી. તેથી બૃહસ્પતીએ પ્રારંભમાં ધર્મશાસ્ત્ર નહીં; પરન્તુ અર્થશાસ્ત્ર લખવાની જરુર પડી છે એવું બનવા જોગ છે.
લોકાયતદર્શનના અનુયાયીઓ કે જે બહુધા બ્રાહ્મણો જ હતા, તેઓ લોકાયતદર્શનના તત્ત્વજ્ઞાનનો પ્રચાર મધુર ભાષા યા મીઠી વાણીમાં કરતા અને લોકોને સમજાવતા હતા. મધુર એટલે ચારુ અને વાણી એટલે વાક્ (ચારુ + વાક્) = ચાર્વાક. આમ, લોકાયતદર્શનના પ્રચારકોને ત્યારબાદ ચાર્વાક તરીકે લોકો ઓળખવા લાગ્યા. તેથી બ્રાર્હસ્પત્યસુત્ર ત્યાર પછી ચાર્વાકસુત્ર અને ચાર્વાકદર્શન તરીકે પ્રસીદ્ધી પામ્યું. આમ, બૃહસ્પતી તે આદી ચાર્વાક છે. ચાર્વાક એ પરમ્પરા, પીઠ યા સંસ્થા બની ગઈ હતી. તેના બધા પ્રચારકો ત્યારબાદ ચાર્વાક તરીકે જ ઓળખાતાં. આ ચાર્વાકોને વીદ્વાનો લોકાયત કે લોકાયતીક તરીકે પણ સંબોધતા હતા.
શ્રીમદ્ સ્વામી સદાનન્દજી મહારાજે ‘ચાર્વાકસુત્ર’ ઉપરના પોતાના ભાષ્યમાં એક રસપદ, દીલચશ્પ અને વીચારણીય ઘટના લખી છે તે એ છે કે 21મી જાન્યુઆરી, 1930ના લાહોર ખટલામાં પકડાઈ ગયેલા વીર ભગતસીંહને મુત્યુદંડની સજા થઈ હતી. 23 માર્ચ, 1931નો દીવસ એમનો છેલ્લો દીવસ હતો. તે દીવસોમાં તેમને મળવા ગયેલાં પ્રાણનાથ વકીલે ભગતસીંહને આશ્વાસન આપતાં પ્રશ્ન કર્યો કે તેમની આખરી ઈચ્છા શું છે ? ત્યારે આ ક્રાન્તીકારી દેશભક્તે જેની માગણી કરી હતી તે કોઈની કલ્પનામાં પણ આવે તેમ નહોતી. કારણ કે તેમણે માગ્યું હતું ‘ચાર્વાકસુત્ર’.
વીર શહીદ ભગતસીંહની ત્યાગ, બલીદાન અને વીરતાનો ઈતીહાસ આપણને શીખવવામાં આવે છે; પરન્તુ ભગતસીંહની વીચારધારા શી હતી અને તેઓ આઝાદ ભારતમાં કેવા પ્રકારની વીચારધારાવાળું શાસન સ્થાપવા માગતા હતા, તેનો જરા સરખો ઈતીહાસ આપણી પ્રજાને જણાવવામાં કે ભણાવવામાં આવતો નથી, તે માત્ર આશ્ચર્યનો જ નહીં; પરન્તુ શરમ અને કમનસીબીનો વીષય છે. વીચારણીય પ્રશ્ન એ છે કે રાષ્ટ્રને માટે હસતે મુખે ફાંસીને માંચડે ચડી જનાર ભગતસીંહની વીચારધારાનો પરીચય આપણા સમાજ અને યુવાનોને આપવામાં આવતો નથી.
વાસ્તવીકતા એ છે કે ભગતસીંહ ચાર્વાકવાદી હતા. ‘હું નીરીશ્વરવાદી કેમ છું ?’ એવા શીર્ષકવાળી તેમણે પુસ્તીકા પણ લખી છે, જેમાં તેમણે ઈશ્વરના અસ્તીત્વ સામે અનેક ગહન ચીન્તનીય એવા તાર્કીક પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપરાન્ત તેમણે પોતાની જેલડાયરીમાં પણ ધર્મ અને ઈશ્વરને નામે સમાજને ફોલી ખાનારાં સ્થાપીતહીતોને ખુલ્લાં પાડ્યા છે અને સમાજને વહેમો, અન્ધશ્રદ્ધાઓ, કુરીવાજો અને વ્યર્થ, હાનીકારક, વર્ણવ્યવસ્થાજન્ય ક્રીયાકાંડોમાંથી છુટવાની હાકલ કરી છે.
વીર શહીદ ભગતસીંહ જ માત્ર નહીં; પરન્તુ આઝાદીની લડત સમયના અનેક લડવૈયાઓ ચાર્વાકવાદી હતા. જેમાં આન્ધ્ર પ્રદેશના વીજયવાડાના સુપ્રસીદ્ધ નાસ્તીક રામચન્દ્ર ગોરાનું નામ મુખ્ય ગણી શકાય. પ્રસીદ્ધ હીન્દુવાદી વીર સાવરકર પણ નીરીશ્વરવાદી હતા. આપણા ગુજરાતના ખેડા જીલ્લાના પ્રખ્યાત નરસીંહ પટેલકે જેમણે ‘ઈશ્વરનો ઈન્કાર’ નામનું ખ્યાતનામ પુસ્તક લખ્યું હતું તે ઉપરાન્ત તેમના જેલ સાથીદાર વડોદરાના શ્રી. કમળાશંકર પંડ્યાને પણ તેમાં મુખ્ય ગણી શકાય એમ છે.
અલબત્ત પ્રાચીનકાળમાં ચાર્વાકની પત્ની ચારુણી અને તેમના શીષ્યો તથા તેમના સાહીત્ય સહીત ચાર્વાકનો તેમના વીરોધીઓ દ્વારા લગભગ સમ્પુર્ણ નાશ કરી નંખાયો હોવા છતાંય ચાર્વાકદર્શન કાયમ માટે સમાપ્ત થઈ જવાને બદલે કાયમ જીવન્ત રહ્યું છે. એટલું જ નહીં; પરન્તુ 3000 વર્ષ પછી આજે એકવીસમી સદીમાં પુન: ઉજાગર થઈ રહ્યું છે. જે દર્શાવે છે કે ચાર્વાકદર્શનની વીચારધારા કેવી વૈજ્ઞાનીક, શાશ્વત અને સર્વકાલીન તથા વૈશ્વીક વીચારધારા છે.
આજપર્યન્ત ચાર્વાકદર્શનના માત્ર પન્દરેક જેટલા જ શ્લોકો ઉપલબ્ધ હતા. પરન્તુ હારીજ–પાટણનાં સનાતન સેવાશ્રમના સન્ત સ્વામી સદાનન્દજી મહારાજે હીન્દુ ધર્મગ્રંથો અને દર્શનશાસ્ત્રોનો ગહન, વીશાળ અને વ્યાપક અભ્યાસ કરીને બીજા લગભગ 180 જેટલા શ્લોકો શોધી કાઢ્યા છે, જે એમના ગ્રંથ ‘ચાર્વાકસુત્ર’ના દરેક પાનાને મથાળે છપાયેલાં છે. તે વાંચતા ખ્યાલ આવે છે કે એમાં રાજા, પ્રજા, રાય–રંક, સાધુ–સંસારી, વીદ્વાન–મુર્ખ તમામ પ્રકારના અબાલવૃદ્ધ નર–નારી માટે સુખી જીવન જીવવા માટેનું અણમોલ માર્ગદર્શન છે. ચાર્વાકદર્શન વીશે તેના વીરોધીઓએ જે અફવાઓ અને ભ્રમણાઓ ફેલાવી રાખેલી છે કે ચાર્વાકદર્શન એ નાસ્તીક અને ભોગવીલાસી લોકોનું શાસ્ત્ર છે, જે માત્ર ખાઈ–પીને મોજ કરવામાં જ માને છે; એવી તમામ ભ્રમણાઓનો તેનાથી ધ્વંસ થાય છે અને ખ્યાલ આવે છે કે ચાર્વાકદર્શન એ જીવન જીવવાની શ્રેષ્ઠ રીત શીખવતું શાસ્ત્ર છે.
અલબત્ત અત્યાર સુધી ચાર્વાકદર્શનના જે પન્દરેક જેટલા શ્લોકો ઉપલબ્ધ છે, તે આર્યોની વર્ણવ્યવસ્થા, તદ્જન્ય યજ્ઞાદી ક્રીયાકાંડો અને પુર્વજન્મ–પુનર્જન્મ, સ્વર્ગ–નરક, પરલોક, પ્રારબ્ધ, આત્મા–પરમાત્મા આદી માન્યતાઓ માટે પડકારરુપ છે. તેનું વીશ્લેષણ સ્વામી સદાનનદજીએ પોતાના ગ્રંથ ચાર્વાકદર્શનમાં કર્યું છે, તે બેનમુન અને પ્રેરક છે. તેના વાચનથી વાચકની લગભગ તમામ ભ્રમણાઓ, અન્ધશ્રદ્ધાઓ અને અવૈજ્ઞાનીક ખ્યાલો ભાંગી પડે છે. તે ઉપરાન્ત તેમાં સ્વામીજીએ ચાર્વાકદર્શનનો જે ઈતીહાસ રજુ કર્યો છે, તે આપણી હીન્દુ પ્રજાને એક ભારે આંચકો લગાડનારો અને આંખો ઉઘાડનારો પણ છે. એટલું જ નહીં; પરન્તુ તે આપણા પ્રવર્તમાન ધર્મ અને સંસ્કૃતી વીશે પુન: વીચારણા કરવાની પ્રેરણા આપનારો પણ છે.
એક બીજી આશ્ચર્યકારક અને આનન્દદાયક વાત અહીં નોન્ધનીય છે કે જે વૈદીકકાળમાં આપણા દેશમાં બૃહસ્પતી(ચાર્વાક) જેવા ભૌતીકશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી થઈ ગયા તે જ કાળમાં ગ્રીસમાં પણ એપીક્યુરસનામના મહાન વીશ્વવીખ્યાત ચીન્તક થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે એમની વીચારધારા પણ બીલકુલ ચાર્વાકવાદી વીચારધારાને મળતી આવે છે. આ બાબત દર્શાવે છે કે જગતમાં પ્રાચીનકાળમાં ઉપજેલાં લગભગ બધાં જ ધર્મોના ધર્મગુરુ–રાજનેતા અને ધનવાનોના સ્થાપીતહીતોએ ધર્મ અને ઈશ્વરને નામે સામાન્ય જનોને અન્ધશ્રદ્ધામાં ફસાવી સાર્વત્રીક શોષણ કરવાનું જ શરુ કર્યું હોવું જોઈએ. તેથી જ લગભગ દરેક દેશોમાં પ્રાચીનકાળમાં એનો પ્રચંડ વીરોધ કરનારા પ્રકાંડ પુરુષો પાકતા જ રહ્યા છે. એવો સીલસીલો દરેક કાળમાં રહ્યો છે અને આજે પણ ચાલુ છે. જોઈ શકાય છે કે દેશ અને દુનીયામાં આજે પણ સર્વત્ર રૅશનાલીસ્ટો અસ્તીત્વ ધરાવે જ છે. જે દર્શાવે છે કે રૅશનાલીઝમ એ વૈશ્વીક વૈજ્ઞાનીક જીવનપ્રણાલી છે.
આપણા દેશમાં 5000 વર્ષ પહેલાં મોહેં–જો–દડો અને હડપ્પાની સીન્ધુઘાટીની સંસ્કૃતીમાં જીવનારા આપણા પુર્વજો કે જેઓ તે સમયે આધુનીક વૈજ્ઞાનીક ઢબે જીવનારા એવા વીકસીત, સુસભ્ય અને સુસંસ્કૃત હતા, તેઓની જીવનપદ્ધતી આ ચાર્વાકવાદી જીવનપદ્ધતી જેવી જ હતી. આર્યગુરુ બૃહસ્પતીએ એમની જીવન જીવવાની કળાને જ વ્યવસ્થીત રીતે બાર્હસ્પત્યસુત્રમાં કંડારી હતી જે આજે ચાર્વાકદર્શન કહેવાય છે.
–એન. વી. ચાવડા




