મર્યાદા પુરૂષોત્તમ રામ
વિશ્વમાં વસુધૈવ કુટુંબની ભાવના સાથે સંપ,સહકાર,સ્નેહ અને સરળતા જો કોઇ દેશે અપનાવી હોય તો તે છે હિન્દુસ્તાન. બિનસાંપ્રદાયિક્તા એ તેની આગવી ઓળખ છે. સર્વ ધર્મ સમભાવના સંસ્કારોનું સિંચન આદિઅનાદી કાળથી આ દેશમાં થતું આવ્યું છે. આ દેશનો મુખ્ય ધર્મ હિન્દુ છે. સૌથી પ્રાચીન એવો આ ધર્મ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. તેના મોટા ભાગના અનુયાયીઓ ભારત અને નેપાળમાં વસે છે. આ ઉપરાંત બાંગ્લાદેશ,ઇંડોનેશિયા,પાકિસ્તાન,મલેશિયા,શ્રીલંકા,સંયુક્ત રાજ્ય અમેરીકા, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, મોરેશિયસ,દક્ષિણ આફ્રિકા, ગુયાના,ટ્રિનિદાદ,ટોબેગો અને સુરીનામમાં સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.
અનેક ચડાવ ઉતાર વચ્ચે આજે પણ હિન્દુ ધર્મ અને ધર્મગ્રંથો વિશ્વમાં અડીખમ ઊભા છે. વિશ્વના અનેક દેશોએ આ હિન્દુ ધાર્મિક સંસ્કૃતિનો અભ્યાસ કરી અપનાવેલ છે. આ ધર્મના પ્રચારપ્રસારમાં રામાનુજ,ચૈતન્ય મહાપ્રભુ અને માધવાચાર્ય જેવા આચાર્યોએ મોટુ યોગદાન આપેલ છે. ત્યાબાદ યોગ અને વેદાંત સાથે હિન્દુ ધાર્મિક સંસ્કૃતિને વિશ્વમાં નામના અપાવનાર શ્રી રામકૃષ્ણ,રમણ મહર્ષિ,સ્વામી પ્રભુપાદ,શ્રી અરવિંદ,સ્વામી વિવેકાનંદ,પરમહંસ યોગાનંદ, બી.કે.એસ.ઐયગંર અને સ્વામી રામ રહ્યા.
હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથો રચાયા છે. જે ઇશ્વર અને આસ્થા,તત્વજ્ઞાન,પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે. આ ગ્રંથોમાં વેદો અને ઉપનિષદોને સૌથી મહત્વપૂર્ણ,પ્રાચીન અને આધિકારીક માનવામાં આવે છે. અન્ય મહત્વના ગ્રંથોમાં રામાયણ,મહાભારત અને ગીતાનો સમાવેશ થાય છે. ઇ.પૂ. 500-100 માં રામાયણ અને મહાભારતની રચના થઇ હશે તેમ માનવામાં આવે છે.
રામાયણ એ એવું મહાકાવ્ય છે કે જે આજે ઘર ઘર કી કહાની બની ગયું છે. ગોસ્વામી તુલસીદાસે 500 વર્ષ પૂર્વે ખડી હિંદી ભાષામાં લોકો સમજી શકે તેવી સરળ રીતે રામચરિત માનસની રચના કરી. રામચરિત માનસ એ દરેક વર્ણના,જાતિના, સંપ્રદાયના,ધર્મના માનવ અર્થાત સમગ્ર વિશ્વના દરેક માનવ માટેનું મહાકાવ્ય છે. રામાયણની કથા મહદઅંશે ભગવાન રામ સાથે સંકળાયેલ છે. રામ શબ્દનું ઉચ્ચારણ માત્ર જ મનની શાંતિ અપાવે છે.
‘રામ’ શબ્દમાં ર, અ, મ, આ ત્રણ અક્ષરો આવે છે.
‘ર’ એ અગ્નિનું બીજ છે તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે.
‘અ’ એ સૂર્યનું બીજ છે તે મોહાંધકારનો નાશ કરે છે.
‘મ’ એ ચંદ્રનું બીજ છે તે ત્રિવિધ તાપ,આધિ,વ્યાધિ,ઉપાધિને હરે છે.
‘ર’ કાર બ્રહ્મમય છે,
‘અ’ કાર વિષ્ણુમય છે,
‘મ’ કાર શિવમય છે.
‘મ’ કાર શિવમય છે.
રાજા દશરથના રાજ્યમાં અનેકાનેક સુખ સમૃધ્ધિઓ હતી, પણ એક શેર માટીની ખોટે રાજાની ઉંઘ હરામ કરી નાખી હતી. અનેક યજ્ઞો,દાન-દક્ષિણા અને ભગવાનના આશીર્વાદથી રાજાની ત્રણે રાણીઓ કૌશલ્યા,કૈકયી અને સુમિત્રાએ ચાર પુત્રરત્નોને જન્મ આપ્યો. ચૈત્ર સુદ નોમના રોજ કૌશલ્યાજીના ઉદરે રામચંદ્ર ભગવાનનો જન્મ થયો,જ્યારે કૈકયીએ ભરતને તથા સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો.
રામના જન્મ સમયે ખુદ ભગવાને પુષ્પવૃષ્ટિ કરી છે. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યારેય તેમના જીવનમાં એ ભાવ જોવા મળ્યો નથી. તેમનું સમ્રગ જીવન બીજાના ભલા માટે બન્યું હોય તેમ તેઓ જીવ્યા છે. શિક્ષા પ્રાપ્ત કરવા ગુરૂના આશ્રમમાં પણ કોઇ છળકપટ,કોઇ શિષ્યની હેરાનગતિ ન કરવી,સૌને સન્માન આપવું, સંપથી રહેવુ,ગુરૂની સેવા કરવી જેવા ઘણા બધા ગુણો આપણે આત્મસાત કરવા જોઇએ. તે જમાનામાં રાજાઓ અનેક પત્નીઓ રાખી શકતા હતા તેમ છતાં તેઓએ એક પત્નીવ્રત પાળ્યું છે. તેઓ જીવન દરમ્યાન વચનપાલક રહ્યા. માતા કૈકયીની દાસી મંથરાની કાનભંભેરણીથી મળેલા ચૌદ વર્ષના વનવાસ માટે પોતાના પિતાએ આપેલ વચનનું પાલન કરવા સહેજપણ આનાકાની કર્યા વિના સહજતાથી તેને સ્વીકારી લીધો. જે તેમની પિતૃભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
કોઇકે સાચે જ કહ્યું છે કે, પ્રત્યેક પિતાની યુવાની...... નિજ નવજાત પુત્રની ચાલણગાડી બનવાથી શોભે છે: અને પ્રત્યેક પુત્રની યુવાની............ વયોવૃદ્ધ પિતાની ટેકણ લાકડી બનવાથી શોભે છે. ‘રામનામ’ એ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. તે ઓમકાર સમાન છે,ઓમકાર જ બ્રહ્મા છે,આત્મરૂપ છે. રામ સૌ જીવોના ઉધ્ધારક છે. અનેક જીવોનો તેઓએ ઉધ્ધાર કર્યો છે. પાપી,દુરાચારી અને અધોગતિને પામેલ કોઇ પણ જીવને તેઓએ નવજીવન બક્ષ્યું છે.
જીવનમાં જ્યારે ‘રામ’ ભુલાય છે ત્યારે જ ‘કામ’ નો પ્રવેશ થાય છે. ભગવાન શ્રીરામ એક ભાઇ તરીકે, એક પતિ તરીકે,એક પુત્ર તરીકે,એક મિત્ર તરીકે આપણા સૌના આદર્શ રહ્યા છે,ક્યારે ય તેઓએ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી એવા મર્યાદા પુરૂષોત્તમ રામ એ આપણી ધરોહર છે. આવો આપણે સૌ એકમેકના થઇને રહીએ,આપણી સંસ્કૃતિ,સભ્યતાને અનુસરીએ અને આવનારા પડકારોનો સામનો કરીએ.
