Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

17 November 2015

‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?

‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?

salman khan, sonam kapoor, swara bhaskar in prem ratan dhan paayo
સલમાન ખાન, અક્ષયકુમાર, આમીર ખાન, ઋત્વિક રોશનની ફિલ્મને જો સારી કહેવામાં આવે તો વિવેચકોને પાપ લાગે! શાહરુખ ખાન, ઈરફાન ખાન, આદિત્ય ચોપરા, કરણ જોહર, મહેશ ભટ્ટ, એકતા કપૂર, સન્ની લિયોન, વિશાલ ભારદ્વાજ, મેઘના ગુલઝાર, ગુલઝાર આ બધાની ગમે તેવી વાહિયાત ફિલ્મો હોય તો પણ ચાર સ્ટાર આપવા ફરજિયાત છે! બૌદ્ધિક આતંકવાદ ફિલ્મ સમીક્ષકો અને ટ્રેડ એનાલિસ્ટમાં પણ પ્રવર્તે છે. પોપ્યુલર ફિલ્મ હોય એટલે સારી નથી હોતી એવી એક છાપ ઉપસાવી દેવાઈ છે. જોકે લોકોને એનાથી કોઈ ફરક પડતો નથી. લોકોને જે ગમે છે તે જુએ છે.
‘પ્રેમ રતન ધન પાયો’ વિશે આવું જ થયું ને? સમીક્ષકો છાપામાં બીજા દિવસે લખે એનો વાંધો નથી, પણ હવે તો ફેસબુક પર તરત જ મૂકી દઈને ફિલ્મ વિશે પ્રચાર કે દુષ્પ્રચાર કરવાનો એકેય મોકો છોડતા નથી. આજના સમયમાં સંસ્કાર અને સભ્યતા હોવા એ ગુના છે. એટલે જ જુઓ ને, વચ્ચે આલોકનાથને સંસ્કાર માટે થઈને એની કેટલી મજાક ઉડાવાઈ? ટ્વિટર પર સતત જોક ચાલુ થઈ ગયા ને હઇશો હઇશોમાં બધા જોડાઈ ગયા. સારી અને નિર્દોષ ચહેરાવાળી અભિનેત્રી આલિયા ભટ્ટના માથે તો કાયમી બબૂચકનું લેવલ થોપી દેવામાં આવ્યું! સાન્તા બાન્તાની જેમ આલિયા ભટ્ટના જોક પણ સતત બનતા જ રહે છે. આલિયા ભટ્ટ પોતે પણ તેની સામે જોક થાય તો હળવાશથી લે તેટલી ખેલદિલ છે. આપણે વાત ‘પ્રે.ર.ધ.પા.’ની કરવી છે.
એ તો ખબર જ હતી કે રાજશ્રી પ્રૉડક્શન, જેની પરંપરા સૂરજ બડજાત્યાએ પણ થોડા ફેરફાર સાથે ચાલુ રાખી છે, ની ફિલ્મ હોય એટલે એમાં પારિવારિક ભાવના, લાગણી, સંસ્કાર આ બધી વાત આવવાની જ. એનાં ગીત-સંગીત ઉત્તમ હોવાના પણ એમાં આન્ટી પુલીસ બુલા લેગી કે પાર્ટી ઓલનાઇટ, નાચો જી ફાડકે જેવા પાર્ટી, દારૂ અને અપશબ્દોવાળાં ગીતો નહીં હોય. હા, એના શબ્દો રમતિયાળ-હળવા જરૂર હશે. પરંતુ એમાં બહેકાવે તેવું કંઈ નહીં હોય.
જે એફએમ રેડિયોએ જૂનાં કર્ણપ્રિય સંગીતનો એકડો કાઢી નાખ્યો છે, જેણે ગુજરાતમાં હોવા છતાં હિન્દી ભાષા જ જાણે બોલાતી હોય તેવું કરી નાખ્યું છે, તેવા એક જાણીતા એફએમ રેડિયો સ્ટેશન પર ફિલ્મ સમીક્ષા કરતા એક ભાઈએ લખ્યું કે રાજારાણી સ્માર્ટ ફોન વાપરે છે તેમ છતાં સગા ભાઈ સામે ક્રૂરતા આચરે છે.
તેમની આખી વાત નથી કરતા, પણ આ અને બીજા આવા સમીક્ષકો અને ફિલ્મ સિવાયના બીજા ક્ષેત્રે લખતા લોકોની એક ખાસિયત હોય છે પહેલાં ડિસ્ક્લેમર મૂકી દે છે- જો વિવેચકની દૃષ્ટિએ જોશો તો,….અરે ભાઈ, સામાન્ય માનવી વિવેચકની દૃષ્ટિએ શા માટે જુએ? આખા લેખમાં ટીકા કરી નાખે પછી છેલ્લે લખશે કે આમ તો એક વાર જોવા જેવી છે. પોલિટિકલ લેખો લખતા લોકો પણ નરેન્દ્ર મોદીની કોઈ વાત સાથે સંમત થતા હોય તો લખશે કે હું કંઈ નરેન્દ્ર મોદીનો સમર્થક નથી પરંતુ…કેમ? ભાજપનો વિરોધી હોવું શક્ય છે તો ભાજપના અમુક બાબતોમાં સમર્થક હોવું કેમ શક્ય નથી?
‘પ્રે.ર.ધ.પા.’ની મૂળ વાત પર પાછા આવીએ. દગાફટકાની વાર્તા, સેક્સનાં દૃશ્યો, હિંસા, અપશબ્દો, પાર્ટીનાં ગીતો, દારૂનાં ગીતો, કોઈ જૂના ગીતને સાવ વાહિયાત રીતે રિમિક્સ કરીને મૂક્યું હોય આવી ફિલ્મો સતત આવતી હોય અને ત્યાં ‘પ્રે.ર.ધ.પા.’ જેવી ફિલ્મ આવી જાય ત્યારે સુખદ આશ્ચર્ય લાગે છે. સૂરજ બડજાત્યા પોતે પ્રચારમાં ઓછા માને છે. પોતે શરમાળ અને અંતર્મુખી છે. વળી, એને શાહરુખ ખાન, મહેશ ભટ્ટ કે ગુલઝારની જેમ સારું બોલતા આવડતું નથી. મિડિયા મેનેજ કરતાં આવડતું નથી. શાહરુખ ખાને તાજેતરમાં કેટલીક ઘટનાઓ પરથી દેશમાં અસહિષ્ણુતા હોવાની વાત કરી, પરંતુ વર્ષ ૨૦૧૩માં રાજદીપ સરદેસાઈ (જેના ઇન્ટરવ્યૂમાં શાહરુખે અસહિષ્ણુતાની વાત કરેલી) જેના હેડ હતા તે સીએનએન-આઈબીએન ચેનલે તે વખતે જમ્મુ-કાશ્મીરમાં સ્ત્રીઓના ખાસ બેન્ડ- પ્રગાશ પર કટ્ટરવાદી મુસ્લિમોએ પ્રતિબંધ મૂક્યો અને પછી ધમકી મળી એટલે બેન્ડ જ સાવ બંધ થઈ ગયું તેમજ કમલ હાસનની ‘વિશ્વરૂપમ્’ સામે મુસ્લિમોના વિરોધ પછી અનેક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ લાગ્યો હતો તે અંગે વારંવાર સવાલ પૂછાયો તો શાહરુખે ત્યારે પોતાની ફિલ્મની જ વાત કરવા કહ્યે રાખ્યું હતું! (એ વિડિયો જોવા આ લિંક પર ક્લિક કરો: https://www.youtube.com/watch?v=V-5ZrYMbaaI)
એટલે સૂરજ બડજાત્યાની ફિલ્મની મજાક ઉડાવવાનું શરૂ થઈ ગયું. ‘હમ આપ કે હૈ કૌન!’ વખતેય મજાક ઉડાવાયેલી. આ ફિલ્મ તો લગ્નનું આલબમ છે. વગેરે વગેરે. પણ દર્શકોએ શું કરેલું? ‘હમ આપ કે હૈ કૌન!’ને એ વર્ષની જ નહીં, હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં સૌથી સુપરડુપર હિટ ફિલ્મો પૈકીની એક બનાવી દીધેલી. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. અત્યારે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ગણીગાંઠી ફિલ્મો આવે છે અને પરિવારમાં વિભક્ત કુટુંબોમાંય વિભક્તતા આવી રહી છે ત્યારે પરિવારમાં ભાઈ-બહેનો વચ્ચે થોડું જતું કરીને પણ સંપ રાખવાનો સંદેશો આપીને શું સૂરજ બડજાત્યાએ ગુનો કર્યો છે? ફિલ્મ સમીક્ષકો લોજિકની વાત કરે છે. એ તો અનેક હિન્દી ફિલ્મોમાં નથી હોતું? શું ‘રાગિણી એમએમએસ-૨’ કે ‘ગુડ્ડી કી ગન’માં એ છે? ‘માંઝી’ અને ‘મસાન’ જેવી ફિલ્મોમાં એ હોય તો પણ કેટલા લોકોને પસંદ પડે છે? હકીકત એ છે કે ‘મધર ઇન્ડિયા’ જેવી અપવાદ ફિલ્મોને બાદ કરતાં ૨૦૦થી લઈને ૨૫૦ જેટલા રૂપિયા ખર્ચીને વાસ્તવિક ફિલ્મોને જોવાનું દર્શકો પસંદ કરતા નથી. લોકોને મનોરંજન જોઈએ છે. એટલે લોજિકની દલીલ પણ હંમેશાં ખોટી સાબિત થઈ છે.
કદાચ કોન્વેન્ટિયા સમીક્ષકોને ફિલ્મના નામ સામે પણ વાંધો છે જેને ટ્વિસ્ટ કરીને મીરાના ભજન ‘રામ રતન ધન પાયો’માંથી ‘પ્રેમ રતન ધન પાયો’ કરી નખાયું છે. અત્યારે મોટા ભાગે ‘મુંબઈ કેન ડાન્સ સાલા’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ઓહ માય ગોડ’, ‘ઓલ ઇઝ વેલ’, જેવા અંગ્રેજી મિશ્રિત હિન્દી નામોવાળી ફિલ્મો આવતી હોય ત્યારે શુદ્ધ રાજસ્થાની નામ કેવી રીતે રાખી શકાય?
અત્યારે લાંબા લેખો કે લાંબી ફિલ્મો જોવાતી નથી એ પણ એક ‘મિથ’ જે ઉપરના સ્થાને બેઠા છે તેમણે લોકોના માથે ઠોકી બેસાડ્યું છે. સારું હોય તો લાંબા લેખ પણ વંચાય જ છે અને લાંબી ફિલ્મ પણ જોવાય જ છે. એનું સૌથી મોટું ઉદાહરણ જય વસાવડા કે નવલકથાકાર મહેશ યાજ્ઞિકથી બીજું કયું હોઈ શકે? ડેઇલી મેઇલ નામના બ્રિટનના ટેબ્લોઇડ પ્રકારના સમાચારપત્રની વેબસાઇટ પર મોટા ફોટા સાથે લાંબા લાંબા સમાચાર હોય છે અને ગુજરાતી પત્રકારોથી લઈને હિન્દી-અંગ્રેજી પત્રકારો માટે સમાચારનો એ એક મોટો સોર્સ છે. ઘણી વાતો ટૂંકાણમાં નથી કહી શકાતી. એને નિરાંતે કરવી જરૂરી હોય છે.
દરેક વાતમાં સેક્સ ટર્મિનોલોજીને ઘસડી લાવવી, ફિલ્મને એ એંગલથી જ જોવી, હિન્દુ પરંપરાને મજાક બનાવી ઉતારી પાડવી એ આ કોન્વેન્ટિયા સમીક્ષકોની રીત બની ગઈ છે.http://www.hindustantimes.com/bollywood/prem-ratan-dhan-payo-sonam-s-sanskari-orgasm-salman-khan-s-dance/story-ZgcKLTMAbvgmzjABnGJtdJ.html આ વાંચો. એમાં સંસ્કારી ઓર્ગેઝમ શબ્દ વપરાયો છે. એ કહે છે કે તમારા હત્યારાને ટોલરેટ (સહવો) કરવો કેટલો યોગ્ય છે? અને આ  જ લેખમાં પાછો સલમાન ખાન અને અનુપમ ખેરની ઇન્ટોલરન્સ કહી કહીને જે બૌદ્ધિકોએ એવોર્ડ પાછા આપ્યા તેની સામેની કૂચની હાંસી ઉડાવાઈ છે. અંગ્રેજી મિડિયા પાકિસ્તાન અને આતંકવાદીઓને ટોલરેટ કરવાની વાત કરે છે, પણ જ્યારે પરિવારમાં કોઈ ઝઘડા થાય, હત્યાના પ્રયાસ થાય તો તેને ટોલરેટ નહીં કરવાના, એમ?
તે કહે છે કે રાજતિલક આ જમાનામાં ન થાય એ રાજશ્રીને ખબર છે છતાં તે આ બતાવે છે. એનું કારણ છે કે આજે પણ રાજવી પરિવારના વંશજોમાં આ બધું થાય છે. એ જ સમીક્ષક શ્વેતા કૌશલે ‘ખૂબસૂરત’ની સમીક્ષામાં (http://www.hindustantimes.com/movie-reviews/movie-review-fawad-khan-kirron-kher-impress-but-fail-to-save-khoobsurat/story-YrBeFx9YJ0MThMQTsAwO5I.html) આ મુદ્દો કેમ ન ઉઠાવ્યો? ફિલ્મમાં ફવાદ ખાનનો ચાર્મ કે અભિનય બેમાંથી એકેય નહોતો પરંતુ એ પાકિસ્તાનનો હતો એટલે તેના વિશે લખ્યું કે તે ઇમ્પ્રેસ કરે છે? જ્યારે સલમાન ખાન ઘરનો કહેવાય. એને તો ઉતારી જ પાડવાનો હોય?
જ્યારે કોઈ ગામડા કે નાના શહેરની વ્યક્તિ કોઈને મળવા જાય ત્યારે તેના માટે કોઈ ને કોઈ ભેટ સોગાદ લેતા જાય છે. સલમાન ખાન તેની પ્રિય વ્યક્તિ રાજકુંવરી મૈથિલી માટે કંઈક લઈ જવા માગે છે, પરંતુ શું તે ખબર નથી. એટલે એ કહે છે ક્યા ક્યા ખરીદે હમ ક્યા ના ખરીદે હમ ક્યા દે નિશાની યે હૈ મુશ્કિલ. એમાં એ ચીજવસ્તુઓ વેચતો ફેરિયા જેવો ક્યાંથી બની ગયો?
‘પ્રે.ર.ધ.પા.’માં સૂરજ બડજાત્યાએ એક એક વાતનું બારિકીથી ધ્યાન રાખ્યું છે. એ વાતનો કોઈ ઈનકાર નહીં કરી શકે કે રજવાડાં ચાલ્યાં ગયાં પરંતુ રાજાઓના વંશજોમાં આજે પણ રાજતિલક થાય છે, ગાદી સોંપાય છે. રાજાઓ પાછા ક્રાંતિ કરવા માગે છે તેવા મતલબની વાર્તા કહેતી ‘ગુલાલ’ ફિલ્મ પણ અનુરાગ કશ્યપની આવી ગઈ. તાજેતરમાં ‘પ્રે.ર.ધ.પા.’ની હિરોઇન સોનમ કપૂરની જ ‘ખૂબસૂરત’ ફિલ્મ પણ રાજાની વાર્તા પર જ હતી ને! સૂરજભાઈએ એ ધ્યાન રાખ્યું છે કે ફિલ્મમાં રાજકુમાર-રાજકુમારી-દીવાનની બોલવાચાલવાની ઢબ કેવી હોય. એ વાતનો પણ ઈનકાર ન થઈ શકે કે ઘણા રાજાઓના વંશજો પાસે આજે પણ બેશુમાર સંપત્તિ છે. અને સંપત્તિ હોય ત્યાં ઝઘડા હોવાના જ.
અને એક કહેવાતા સમીક્ષકે લખ્યું છે કે અહીં સગા ભાઈની ગેમ થાય છે, પણ એવું નથી. અજયસિંહ (નીલ નીતિન મૂકેશ)ને તેના ભાઈ પ્રત્યે પ્રેમ છે જ, પણ ચિરાગસિંહ (અરમાન કોહલી)ના ડબલ ક્રોસના કારણે તેના મનમાં સલમાન ખાન પ્રત્યે દ્વેષ ભરાઈ ગયો છે. એ વાત સાચી કે વૃદ્ધના ભરોસે રાજકુંવરની સુરક્ષા છોડીને જવાઈ નહીં, પરંતુ દીવાન (અનુપમ ખેર) એવા આત્મવિશ્વાસમાં રહ્યા કે બધા એમ સમજે છે કે રાજકુંવર તો મરી ગયા છે, એટલે તેમની સુરક્ષા વૃદ્ધના ભરોસે મૂકી શકાય. બહેનો મહેલ આપવાની વાતથી માની જાય છે, એ વાત પણ કેટલાકના ગળે ઉતરી નથી. એમનો વિરોધ તેમને ન મળેલા હક સામે હતો. પરિવારના સભ્ય તરીકે ગણવા જ ઈનકાર કરી દેવાયો હતો. અને સ્ત્રીઓ આમેય લાગણીની વધુ ભૂખી હોય છે. એવામાં રાજકુમાર તરીકે ગોઠવાયેલા પ્રેમ દિલવાલેએ મહેલની ઓફર કરી તેમાં તે મહેલ કરતાંય તેણે જે પ્રેમ દેખાડ્યો તેના લીધે તે માની ગઈ. નાની બહેન તો ફૂટબોલ રમવામાં જ માની ગઈ હતી.
આ ફિલ્મ ખરેખર તો સલમાન ખાનનો રાજ કપૂર પ્રકારના રોલમાં બીજી વાર પ્રવેશ છે. રાજ કપૂરનાં પાત્રો જેમ પ્રેમથી બધી વાતો મનાવતા (જિસ દેશ મેં ગંગા બહતી હૈ) તેમ સલમાને પહેલાં ‘બજરંગી ભાઈજાન’માં પાકિસ્તાનમાં પ્રગટપણે જઈને ત્યાંની બાળાને એનાં માબાપને સોંપી. અને અહીં એ પ્રેમના શસ્ત્ર વડે જ મનથી દૂર થયેલાં ભાઈ-બહેનોને એક કરે છે.
સલમાન ખાનનો સોનમ સાથે રોમાન્સ અને અનુપમ ખેર સાથે કોમેડી એ બંને માણવાલાયક છે. પરંતુ શુદ્ધ દેશી રોમાન્સ આજના અર્બન ફિલ્મ રિવ્યૂઅરને પચતો નથી. એમને તો ચુમ્માચાટી અને એગ્રેસિવ સેક્સનાં દૃશ્યો જ જોવા ગમતા હોય તેવું લાગે છે. એમને મન કુલા પર ફાઇલ મારવી કે ફૂલોની પથારી પર સૂવું એ કોઈક અલગ દુનિયામાં લટાર મારવા જેવું છે. તેઓ સલમાન અને સોનમની ઉંમરને પણ ટાંકે છે. સલમાનની ઉંમર ભલે ગમે તે હોય, તેનો દેખાવ, તેની પર્સનાલિટી શાહરુખ ખાનની જેમ ઘરડી નથી લાગતી. આ સમીક્ષકો હંમેશાં પોતાના રિવ્યૂમાં સલમાન ખાન, અક્ષયકુમાર, અજય દેવગનના બીજા કોઈ વાંક નહીં કાઢી શકે એટલે તેમની અને તેમની હિરોઇનોની ઉંમરનો વાંક કાઢશે. પરંતુ શાહરુખ ખાન ‘ચેન્નાઇ એક્સ્પ્રેસ’માં દીપિકા સામે કે  ‘રઈશ’માં માહિરા ખાન સામે કામ કરે છે તે તેમને નહીં દેખાય. ભૂતકાળમાં પણ દિલીપકુમાર, અમિતાભ, જિતેન્દ્ર, શત્રુઘ્ન, ધર્મેન્દ્ર જેવા હીરોએ તેમની અડધી ઉંમરની હિરોઇનો સાથે કામ કર્યું જ છે. અને જ્યારે ફિલ્મ સારી હોય તો દર્શકોએ આ વાતને ઇગ્નોર કરી છે. અને સલમાન ખાને તો અગાઉ પણ કેટરીના કૈફ, સોનાક્ષી સિંહા, કરીના કપૂર, જેક્વેલીન ફર્નાન્ડિઝ, ડેઇઝી શાહ, અસીન, ઝરીન ખાન, આયેશા ટકિયા સાથે કામ કર્યું જ છે. તેમાં મોટી વાત શું છે? આ પ્રકારના કોન્વેન્ટિયા પત્રકારોને દિગ્વિજયસિંહ અમૃતા રાય સાથે લગ્ન કરે તેનો વાંધો ન હોય તો પછી યુવાન દેખાતા સલમાન પડદા પર તેનાથી નાની ઉંમરની સોનમ સામે રોમાન્સ કરે તેમાં વાંધો શું છે?
ગ્રીન સલાડ જેવું ડાયેટ ફૂડ છરી કાંટાથી ખાવા કરતાં નીચે બેસીને હાથેથી જમતા દેખાડવું અને તેને મહત્ત્વ આપવું એ આ સમીક્ષકોને પચ્યું નથી.
‘તેરે નામ’ પછી લગભગ ૧૨ વર્ષના ગાળે હિમેશ રેશમિયાએ પણ ઉત્તમ કર્ણપ્રિય સંગીત આપ્યું છે. (વચ્ચેના ગાળામાં અનેક સુપરહિટ આલબમ આવ્યાં પણ કર્ણપ્રિય સંગીત નહીં) એકએક ગીત એકએકથી ચડિયાતું! ફિલ્મના સંગીતની સ્વતંત્ર પોસ્ટ અગાઉ લખેલી જ છે. (એ વાંચવા અહીં ક્લિક કરો:(Prem Ratan Dhan Payo Music: Full Of Surpriseshttp://jaywantpandyasblog.blogspot.in/2015/11/prem-ratan-dhan-payo-music-full-of.html)
‘જબ વી મેટ’, ‘લવ આજ ઔર કલ’, ‘આશિકી ૨’માં સારાં સારાં ગીતો આપનાર ઈર્શાદ કામિલ પાસે પણ સુંદર અર્થપૂર્ણ શબ્દોવાળાં ગીતો લખાવ્યા છે. જેમાં કોઈ મૌલા, ખુદા, બંદગી, ઈબાદત, કુબૂલ, અલ્લાહ, રહેમ જેવા શબ્દો આવતા નથી. આ શબ્દો સામે વાંધો નથી, પરંતુ જો એ માટે એવી ફિલ્મ કે એવું પાત્ર હોય. પણ અત્યારે તો ગમે તે ફિલ્મમાં સૂફી સંગીતના નામે હિન્દુ પાત્ર હોય તો પણ આવાં શબ્દો ઘૂસાડી દેવાય છે.
રહી વાત સોનમ કપૂરની. એ ડિરેક્ટરની અભિનેત્રી છે. એનો અર્થ એ કે જો ડિરેક્ટર સારા હોય તો એની પાસે ઉત્તમ કામ કઢાવી શકે. સંજય લીલા ભણશાળીએ ‘સાવરિયા’માં અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ‘દિલ્લી ૬’માં એની પાસે ઉત્તમ કામ કઢાવેલું જ છે. સૂરજ બડજાત્યાએ પણ ‘હમ સાથ સાથ હૈ’માં, એ સમયગાળામાં કરિશ્મા કપૂર ‘ખુદ્દાર’ અને ‘રાજાબાબુ’માં જેવા રોલ કરતી, તે કરતાં અલગ ભૂમિકા કરાવડાવેલી. સોનાલી બેન્દ્રે અને તબુને અલગ રૂપમાં રજૂ કરેલી. તેમ અહીં સોનમ કપૂરના પાત્ર, તેના અભિનય પર સૂરજની છાપ દેખાય છે. બાકી પ્રોડક્શન વેલ્યૂ, કેમેરાવર્ક, સેટ બધું તો ભવ્ય છે.
સમીક્ષકો જે કહે તે, પણ દર્શકોને ફિલ્મ ગમી છે (દર્શકોની પ્રતિક્રિયા જુઓ:http://indianexpress.com/videos/entertainment-video/viewers-react-to-prem-ratan-dhan-payo/). અને તેમણે વધુ એક વાર સલમાનને ટોચના સુપરસ્ટાર તરીકે મૂકી દીધો છે. મોટા ભાગે હિન્દી બોલતાસલમાનની સામે આ અંગ્રેજી મિડિયા અને તેના કારણે અન્ય મિડિયા ભલે અંગ્રેજી ફાંફડુ બોલી શકતા શાહરુખને સુપરસ્ટાર તરીકે ચિતર્યા રાખે.

અહીં બીજા કેટલીક સમીક્ષાઓની લિંક પણ આપીએ છીએ અને જુઓ કે એમાં હિન્દુ પરંપરા, રીતિરિવાજ, સંસ્કાર, સભ્યતાને કેટલી અને કઈ હદે ઉતારી પાડવામાં આવી છે.

થાકી ગયા? – શ્રી.શ્રી રવિશંકર

થાકી ગયા? – શ્રી.શ્રી રવિશંકર

વિશ્વ ગુરુ શ્રી શ્રી રવિશંકરજી સ્થાપિત આર્ટ ઓફ લીવીંગ સંસ્થાની હવે ગુજરાતીમાં પણ વેબ સાઈટ શરુ થઇ છે એ એક શુભ સમાચાર સાધક મિત્ર શ્રી સુરેશ જાનીની પોસ્ટ પરથી જાણવા મળ્યા એથી ખુશી થઇ.

વેબ સાઈટમાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના પરિચયમાં લખ્યું છે કે …

આજ સુધીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ૧૫૨ દેશોમાં રહેતા આશરે ૩૭૦ લાખ લોકોની જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવી ચુકી છે.દરેક પ્રવ્રુતિઓ શ્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિના સંદેશ ફેલાવી રહી છે. “

વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકર જી નો પરિચય ગુજરાતી ભાષા

      જો તમે થાકતા ના હોવ,તો તમે કદી ઘરે જશો જ નહી.જો તમે થાકશો તો જ આરામ કરશો.વિશ્વનીતમામ વસ્તુ/બાબતો તમને થકવી દેશે.માત્ર એક વસ્તુ તમને થાક નથી આપતી.અને તે પ્રેમ છે.પ્રેમ થી કદી થાક લાગતો નથી,કારણ કે તે તે છેડો છે,તે ઘર છે.પ્રેમ મા થાક લાગે એ શક્ય જ નથી.
          ખરેખર ,નોકરી પણ થાક.કંટાળો લાવે છે.થાક એ આનંદ નો પડછાયો છે.તમે ઘર બહાર તમારા આનંદ ની ઇચ્છાપૂર્તિ કરવા માટે જાવ છો.જે તમને ઘરે લાવે છે તે તમારી પ્રેમ મા રહેવાની ઈચ્છા છે.જીવન મા તમે આનંદ મેળવવા એક સ્થળ થી બીજા સ્થળે ભટકો છે. જ્યાં તમે આનંદ જૂઓ છો,ત્યાં પહોચી જાવ છે,અને ત્યાં પહોચ્યા પછી તમને લાગે છે કે-આનંદ તો દુર છે,અન્ય જગ્યા એ છે.તેથી તમારે આગળ જવું પડે છે,અને આ આગળ જવાનું કંટાળો આપે છે/આ રખડપાટ કંટાળો /થાક લાવે છે. .
—
   તમારા ઘર ને ઈશ્વર નું નિવાસ બનાવો.અને ત્યાં પ્રકાશ,પ્રેમ…

ઘમ્મર વલોણું

ઘમ્મર વલોણું- ૧૧

માનવ દેહને ટકાવી રાખવા માટે મુખ્ય ત્રણ તત્વોની જરુરીયાત પૂરી પાડી ને ઈશ્વરે પોતાનું કર્તવ્ય પૂરું કર્યાનો આપણને અહેસાસ કરાવે છે. હવા પાણી અને ખોરાક ! આ ત્રણમાંથી એક પણનો પર્યાય નથી. પેટમાં ઉપડેલ અગન જવાળાને શાંત પાડવા માટે થાળીમાં ખોરાકને રાખીને એનો ઉપભોગ થાય તેની બધી તૈયારી સાથે બેઠો. જેવો અન્નનો એક કોળીયો હાથમાં અનુગ્રહ કર્યો કે; હાથ હવામાં સ્થિર બની ગયો. બાજુમાંથી પસાર થતી એક બાળકીડી ને વાચા ફૂટી. પોતાની માતુશ્રીને તેણે જે વાત કરી તે સાંભળીને મારો હાથ જે મોઢા તરફ જતો તે ફરી નીચે આવી ગયો. કોળીયો તો હાથમાં જ કેદ બની ગયો.

“ માતે, થોડી પાછળ આવીને જો જરા. કેટલો મોટો ખોરાકનો ઢગલો પડ્યો છે. ને માનવ દેહ તેના પર તૂટી પાડવા આતુર છે. ”

“ બેટા, ચાલ હવે આપણને તો એક કણ મળ્યો કે બહુ ”

“ પણ એ ઢગલો તો આપણા માટે કેટલાં વર્ષો ચાલે ? ”

“ તું હજી આ દુનિયામાં નવી છે. થોડી મોટી થઈશ કે તું પણ બીજાને ચિન્ટીયા ભરતી થઇ જઈશ. ”

“ તેં જ તો મને શીખ્યું છે કે ઈમર્જન્સીમાં કોઈને પણ બચકું ભરવું તે પાપ નથી. ”

“ રે ભગવાન જમાનો કેટલો બદલાતો જાય છે. અમે તો કશું બોલી પણ નહોતા શકતા. થોડી મોટી થઈશ બધુ સમજાઈ જશે. કોઈ શાણા મનુષ્યે કહેવત બનાવી છે કે કીડીને કણ તો હાથીને મણ. ”

વાત તો બાળકીડીની સાચી છે; એક નજર બેય કીડી પર કરી. નાજુક અને નમણી કાયા ધરાવતી બેય કીડી આગળ જઈ રહી છે. તેમને જોઇને મન, વિચારમાં પડે એ પણ એક મારા સહજ સ્વભાવને આધીન બની ગયું.

વળી તે દિવસે જંગલમાં પીકનીક માટે ગયાની વાત હજી વિસરાઈ નથી; ત્યાં આજે બીજી અકળાવનારી ઘટના બની ગઈ. તદ્દન વિરોધાભાસી વલણ અને અનોખા અભિગમે ચિતનું ચકડોળ ચકરાવે ચડ્યું.

હાથી પણ એની જગ્યાએ બરાબર હતો ?

ઝાડની કેટલી બધી ડાળો અને પર્ણો ને એક પળમાં ઓહિયા કરી જનાર એ ગજરાજને તો વળી મુઠ્ઠીભર અનાજ તો ક્યાંથી ધ્યાનમાં આવે ?

ચોપાસ નજર ફેરવતા તો માલુમ પડે છે કે, એકલા માનવ દેહને નહિ; પણ એકે એક જીવને જાળવી રાખવા માટે ત્રણે તત્વોની જરૂર છે. કુદરતે કરેલ સકારાત્મક સુયોજન અને નૈસર્ગિક કડીઓને જોડતી પરસ્પરની આનુસાંગિક જરૂરિયાતને અવમુલ્યન કરી શકાય તેમ નથી.

કોઈને લાડુનો એક કણ, કોઈને લાડુ, તો કોઈને ગાડું ભરીને લાડુ, એ વ્યવસ્થા મન ફાવે તેમ બનાવેલ નથી. કોઈ પણ એન્ગલે અને કોઈ પણ તત્વે અવમુલ્યન કરવા જતા, ખુદને અન્યાય કરી બેસવાનો અભિગમ રાખવા જેવી વાત છે.

આપણે તો સફાઈ રાખીને જાણે છટકી જવાનું હોય તેમ બોલીએ કે; પેટનો ખાડો તો પુરવો જ રહ્યો. આપણી આંખમાં જો જગને નિહાળવાની શક્તિ ના હોત તો, રંગેરંગના અદભુત નજારા જોવા ના મળેત. પ્રકાશ શું કહેવાત; એનાથી અજાણ્યાજ રહેત ! હર્યું ભર્યું જંગલ કે લહેરાતો સમંદર જોવાનો લહાવો ના હોત ! પણ એ દરેક તત્વ અને સ્થતિ તો હોત જ ! એવીજ રીતે ભૂખને પામવા માટે કોઈ આંખોની જરૂર નથી પડતી, પણ ચેતા કોષોનું વહન આપણને સજાગ કરે છે.

ભૂખની પરિતૃપ્તિ થઇ ગયા બાદતો સામે પડેલ છપ્પન ભોગ પણ ક્ષુલ્લુક લાગે છે. છતાં એને અવગણના કર્યા વગર આવનારા સંજોગોને ને ધ્યાનમાં રાખીને એનું બહુમુલ્યન કરવામાં લાગી જઈએ છીએ. ધરા પર જે ઉત્પન્ન થાય છે તેનાથી જ તો સૌનો જીવન નિર્વાહ શક્ય બને છે. જે કણ છે તેજ મણ છે ને મણ છે તે કણથી વિશેષ છે !


સ્પષ્ટતા : દરેક ઘમ્મર વલોણા એપિસોડમાં મને પોતાને કેદ્ન્રબિંદુ બનાવીને લેખો લખ્યા છે. લેખમાં રજુ કરેલ મારા વિચાર ને મારા અંતર્ગત વલણ સાથે સુસંગત ના પણ હોય !  

14 November 2015

ચાર્વાકદર્શનનાં મુળ અને કુળ


ચાર્વાકદર્શનનાં મુળ અને કુળ

–એન. વી. ચાવડા
ચાર્વાકદર્શનનું મુળ નામ લોકાયતદર્શન છે. તેને લોકાયતવાદ પણ કહેવામાં આવ્યો છે. નામ પરથી જ ખ્યાલ આવે છે કે તે લોકોનું દર્શન છે. લોકોનું અર્થાત્ લોકો દ્વારા આયાત થયેલું અથવા લોકો દ્વારા પ્રચલીત અને પ્રસ્થાપીત થયેલું. અર્થાત્ પ્રારમ્ભમાં લોકાયતદર્શન કોઈ એક જ વ્યક્તી દ્વારા પ્રસ્થાપીત નહીં જ હોય; પરન્તુ લોકોએ પોતાના સુદીર્ઘ, અંગત અને અનન્ત જીવનાનુભવોને આધારે અમુક ચોક્કસ રીત–ભાત, રીવાજો, નીતી–રીતીઓ, માન્યતાઓ આધારીત જીવનપ્રણાલી ક્રમશ: વીકસાવી હશે. જેમાં કુટુમ્બ–કબીલાઓના સમગ્ર લોકોના હીત અને સુખનો વીચાર કરવામાં આવ્યો હશે. એવું જરુરી નથી કે તે વખતે તેઓ પોતાની આવી જીવનપદ્ધતીને લોકાયતવાદ કે લોકાયતદર્શન કહેતા હશે. જેનું સ્પષ્ટ ઉદાહરણ આજે પણ જોઈ શકાય છે કે દુર–સુદુરના આદીવાસીઓ પોતે પોતાની રીતે વીકસાવેલી જીવનપ્રણાલી મુજબ જીવી રહ્યાં છે. એને માટે એમને કોઈ દર્શનગ્રંથ કે દર્શનકારની આવશ્યક્તા નથી. એ જ રીતે લોકાયતદર્શન એ પ્રાચીન ભારતીય પ્રજાની સહજ રીતે વીકસેલી જીવનપ્રણાલી હશે. લોકાયતદર્શન યા લોકાયતવાદ એ તો પાછળના વીશેષ વીકસીત પ્રબુદ્ધજનોએ પોતાના પુર્વજોની આ જીવનપદ્ધતીને સંજોગોનુસાર આવશ્યક્તા ઉભી થતાં આપેલું ચોક્કસ નામ છે. આજની આપણી લોકશાહીની વ્યાખ્યા એવી છે કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. એવું જ લોકાયતવાદ વીશે કહી શકાય કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે રચાયેલી અને ચાલી રહેલી જીવન જીવવાની રીત. લાગે છે કે લોકાયતવાદ એ આપણી પ્રાચીન ભારતીય પ્રજાની લોકશાહી ઢબની જીવન અને શાસન પ્રણાલી હોવી જોઈએ.
પ્રાચીન ભારતીય પ્રજાની પ્રાકૃતીક અને વાસ્તવીક રીતે જીવન જીવવાની કળાને પુસ્તકમાં સ્થાન આપી તેને શાસ્ત્રીયરુપ આપી દર્શન તરીકે મુકનાર પ્રથમ વ્યક્તી ‘બૃહસ્પતી’ હતા. આ બૃહસ્પતી ઋગ્વેદ કાળમાં થઈ ગયા છે, તેઓ દેવોના અથવા આર્યોના ગુરુ હતા અને આર્યોમાં તેમનું અદકેરું માન–સન્માન હતું. બૃહસ્પતીએ લોકાયતવાદને પ્રથમ સુત્રોના સ્વરુપમાં રજુ કર્યું હતું. તેથી તેનું તે વખતનું નામ ‘બ્રાર્હસ્પત્યસુત્ર’ હતું. ‘બ્રાર્હસ્પત્યઅર્થશાસ્ત્ર’ તરીકે પણ તે પ્રચલીત હતું. અર્થાત્ ભારતનું તે પ્રથમ અર્થશાસ્ત્ર હતું. અર્થનો અર્થ છે પૈસો અથવા ધન. ધનસમ્પત્તીની જીવનમાં પ્રથમ આવશ્યક્તા છે. ધર્મ વીના માણસ જીવી શકે છે; પરન્તુ ધનસમ્પત્તી વીના માણસ જીવી શકતો નથી. તેથી બૃહસ્પતીએ પ્રારંભમાં ધર્મશાસ્ત્ર નહીં; પરન્તુ અર્થશાસ્ત્ર લખવાની જરુર પડી છે એવું બનવા જોગ છે.
લોકાયતદર્શનના અનુયાયીઓ કે જે બહુધા બ્રાહ્મણો જ હતા, તેઓ લોકાયતદર્શનના તત્ત્વજ્ઞાનનો પ્રચાર મધુર ભાષા યા મીઠી વાણીમાં કરતા અને લોકોને સમજાવતા હતા. મધુર એટલે ચારુ અને વાણી એટલે વાક્ (ચારુ + વાક્) = ચાર્વાક. આમ, લોકાયતદર્શનના પ્રચારકોને ત્યારબાદ ચાર્વાક તરીકે લોકો ઓળખવા લાગ્યા. તેથી બ્રાર્હસ્પત્યસુત્ર ત્યાર પછી ચાર્વાકસુત્ર અને ચાર્વાકદર્શન તરીકે પ્રસીદ્ધી પામ્યું. આમ, બૃહસ્પતી તે આદી ચાર્વાક છે. ચાર્વાક એ પરમ્પરા, પીઠ યા સંસ્થા બની ગઈ હતી. તેના બધા પ્રચારકો ત્યારબાદ ચાર્વાક તરીકે જ ઓળખાતાં. આ ચાર્વાકોને વીદ્વાનો લોકાયત કે લોકાયતીક તરીકે પણ સંબોધતા હતા.
શ્રીમદ્ સ્વામી સદાનન્દજી મહારાજે ‘ચાર્વાકસુત્ર’ ઉપરના પોતાના ભાષ્યમાં એક રસપદ, દીલચશ્પ અને વીચારણીય ઘટના લખી છે તે એ છે કે 21મી જાન્યુઆરી, 1930ના લાહોર ખટલામાં પકડાઈ ગયેલા વીર ભગતસીંહને મુત્યુદંડની સજા થઈ હતી. 23 માર્ચ, 1931નો દીવસ એમનો છેલ્લો દીવસ હતો. તે દીવસોમાં તેમને મળવા ગયેલાં પ્રાણનાથ વકીલે ભગતસીંહને આશ્વાસન આપતાં પ્રશ્ન કર્યો કે તેમની આખરી ઈચ્છા શું છે ? ત્યારે આ ક્રાન્તીકારી દેશભક્તે જેની માગણી કરી હતી તે કોઈની કલ્પનામાં પણ આવે તેમ નહોતી. કારણ કે તેમણે માગ્યું હતું ‘ચાર્વાકસુત્ર’.
વીર શહીદ ભગતસીંહની ત્યાગ, બલીદાન અને વીરતાનો ઈતીહાસ આપણને શીખવવામાં આવે છે; પરન્તુ ભગતસીંહની વીચારધારા શી હતી અને તેઓ આઝાદ ભારતમાં કેવા પ્રકારની વીચારધારાવાળું શાસન સ્થાપવા માગતા હતા, તેનો જરા સરખો ઈતીહાસ આપણી પ્રજાને જણાવવામાં કે ભણાવવામાં આવતો નથી, તે માત્ર આશ્ચર્યનો જ નહીં; પરન્તુ શરમ અને કમનસીબીનો વીષય છે. વીચારણીય પ્રશ્ન એ છે કે રાષ્ટ્રને માટે હસતે મુખે ફાંસીને માંચડે ચડી જનાર ભગતસીંહની વીચારધારાનો પરીચય આપણા સમાજ અને યુવાનોને આપવામાં આવતો નથી.
વાસ્તવીકતા એ છે કે ભગતસીંહ ચાર્વાકવાદી હતા. ‘હું નીરીશ્વરવાદી કેમ છું ?’ એવા શીર્ષકવાળી તેમણે પુસ્તીકા પણ લખી છે, જેમાં તેમણે ઈશ્વરના અસ્તીત્વ સામે અનેક ગહન ચીન્તનીય એવા તાર્કીક પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપરાન્ત તેમણે પોતાની જેલડાયરીમાં પણ ધર્મ અને ઈશ્વરને નામે સમાજને ફોલી ખાનારાં સ્થાપીતહીતોને ખુલ્લાં પાડ્યા છે અને સમાજને વહેમો, અન્ધશ્રદ્ધાઓ, કુરીવાજો અને વ્યર્થ, હાનીકારક, વર્ણવ્યવસ્થાજન્ય ક્રીયાકાંડોમાંથી છુટવાની હાકલ કરી છે.
વીર શહીદ ભગતસીંહ જ માત્ર નહીં; પરન્તુ આઝાદીની લડત સમયના અનેક લડવૈયાઓ ચાર્વાકવાદી હતા. જેમાં આન્ધ્ર પ્રદેશના વીજયવાડાના સુપ્રસીદ્ધ નાસ્તીક રામચન્દ્ર ગોરાનું નામ મુખ્ય ગણી શકાય. પ્રસીદ્ધ હીન્દુવાદી વીર સાવરકર પણ નીરીશ્વરવાદી હતા. આપણા ગુજરાતના ખેડા જીલ્લાના પ્રખ્યાત નરસીંહ પટેલકે જેમણે ‘ઈશ્વરનો ઈન્કાર’ નામનું ખ્યાતનામ પુસ્તક લખ્યું હતું તે ઉપરાન્ત તેમના જેલ સાથીદાર વડોદરાના શ્રી. કમળાશંકર પંડ્યાને પણ તેમાં મુખ્ય ગણી શકાય એમ છે.
અલબત્ત પ્રાચીનકાળમાં ચાર્વાકની પત્ની ચારુણી અને તેમના શીષ્યો તથા તેમના સાહીત્ય સહીત ચાર્વાકનો તેમના વીરોધીઓ દ્વારા લગભગ સમ્પુર્ણ નાશ કરી નંખાયો હોવા છતાંય ચાર્વાકદર્શન કાયમ માટે સમાપ્ત થઈ જવાને બદલે કાયમ જીવન્ત રહ્યું છે. એટલું જ નહીં; પરન્તુ 3000 વર્ષ પછી આજે એકવીસમી સદીમાં પુન: ઉજાગર થઈ રહ્યું છે. જે દર્શાવે છે કે ચાર્વાકદર્શનની વીચારધારા કેવી વૈજ્ઞાનીક, શાશ્વત અને સર્વકાલીન તથા વૈશ્વીક વીચારધારા છે.
આજપર્યન્ત ચાર્વાકદર્શનના માત્ર પન્દરેક જેટલા જ શ્લોકો ઉપલબ્ધ હતા. પરન્તુ હારીજ–પાટણનાં સનાતન સેવાશ્રમના સન્ત સ્વામી સદાનન્દજી મહારાજે હીન્દુ ધર્મગ્રંથો અને દર્શનશાસ્ત્રોનો ગહન, વીશાળ અને વ્યાપક અભ્યાસ કરીને બીજા લગભગ 180 જેટલા શ્લોકો શોધી કાઢ્યા છે, જે એમના ગ્રંથ ‘ચાર્વાકસુત્ર’ના દરેક પાનાને મથાળે છપાયેલાં છે. તે વાંચતા ખ્યાલ આવે છે કે એમાં રાજા, પ્રજા, રાય–રંક, સાધુ–સંસારી, વીદ્વાન–મુર્ખ તમામ પ્રકારના અબાલવૃદ્ધ નર–નારી માટે સુખી જીવન જીવવા માટેનું અણમોલ માર્ગદર્શન છે. ચાર્વાકદર્શન વીશે તેના વીરોધીઓએ જે અફવાઓ અને ભ્રમણાઓ ફેલાવી રાખેલી છે કે ચાર્વાકદર્શન એ નાસ્તીક અને ભોગવીલાસી લોકોનું શાસ્ત્ર છે, જે માત્ર ખાઈ–પીને મોજ કરવામાં જ માને છે; એવી તમામ ભ્રમણાઓનો તેનાથી ધ્વંસ થાય છે અને ખ્યાલ આવે છે કે ચાર્વાકદર્શન એ જીવન જીવવાની શ્રેષ્ઠ રીત શીખવતું શાસ્ત્ર છે.
અલબત્ત અત્યાર સુધી ચાર્વાકદર્શનના જે પન્દરેક જેટલા શ્લોકો ઉપલબ્ધ છે, તે આર્યોની વર્ણવ્યવસ્થા, તદ્જન્ય યજ્ઞાદી ક્રીયાકાંડો અને પુર્વજન્મ–પુનર્જન્મ, સ્વર્ગ–નરક, પરલોક, પ્રારબ્ધ, આત્મા–પરમાત્મા આદી માન્યતાઓ માટે પડકારરુપ છે. તેનું વીશ્લેષણ સ્વામી સદાનનદજીએ પોતાના ગ્રંથ ચાર્વાકદર્શનમાં કર્યું છે, તે બેનમુન અને પ્રેરક છે. તેના વાચનથી વાચકની લગભગ તમામ ભ્રમણાઓ, અન્ધશ્રદ્ધાઓ અને અવૈજ્ઞાનીક ખ્યાલો ભાંગી પડે છે. તે ઉપરાન્ત તેમાં સ્વામીજીએ ચાર્વાકદર્શનનો જે ઈતીહાસ રજુ કર્યો છે, તે આપણી હીન્દુ પ્રજાને એક ભારે આંચકો લગાડનારો અને આંખો ઉઘાડનારો પણ છે. એટલું જ નહીં; પરન્તુ તે આપણા પ્રવર્તમાન ધર્મ અને સંસ્કૃતી વીશે પુન: વીચારણા કરવાની પ્રેરણા આપનારો પણ છે.
એક બીજી આશ્ચર્યકારક અને આનન્દદાયક વાત અહીં નોન્ધનીય છે કે જે વૈદીકકાળમાં આપણા દેશમાં બૃહસ્પતી(ચાર્વાક) જેવા ભૌતીકશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી થઈ ગયા તે જ કાળમાં ગ્રીસમાં પણ એપીક્યુરસનામના મહાન વીશ્વવીખ્યાત ચીન્તક થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે એમની વીચારધારા પણ બીલકુલ ચાર્વાકવાદી વીચારધારાને મળતી આવે છે. આ બાબત દર્શાવે છે કે જગતમાં પ્રાચીનકાળમાં ઉપજેલાં લગભગ બધાં જ ધર્મોના ધર્મગુરુ–રાજનેતા અને ધનવાનોના સ્થાપીતહીતોએ ધર્મ અને ઈશ્વરને નામે સામાન્ય જનોને અન્ધશ્રદ્ધામાં ફસાવી સાર્વત્રીક શોષણ કરવાનું જ શરુ કર્યું હોવું જોઈએ. તેથી જ લગભગ દરેક દેશોમાં પ્રાચીનકાળમાં એનો પ્રચંડ વીરોધ કરનારા પ્રકાંડ પુરુષો પાકતા જ રહ્યા છે. એવો સીલસીલો દરેક કાળમાં રહ્યો છે અને આજે પણ ચાલુ છે. જોઈ શકાય છે કે દેશ અને દુનીયામાં આજે પણ સર્વત્ર રૅશનાલીસ્ટો અસ્તીત્વ ધરાવે જ છે. જે દર્શાવે છે કે રૅશનાલીઝમ એ વૈશ્વીક વૈજ્ઞાનીક જીવનપ્રણાલી છે.
આપણા દેશમાં 5000 વર્ષ પહેલાં મોહેં–જો–દડો અને હડપ્પાની સીન્ધુઘાટીની સંસ્કૃતીમાં જીવનારા આપણા પુર્વજો કે જેઓ તે સમયે આધુનીક વૈજ્ઞાનીક ઢબે જીવનારા એવા વીકસીત, સુસભ્ય અને સુસંસ્કૃત હતા, તેઓની જીવનપદ્ધતી આ ચાર્વાકવાદી જીવનપદ્ધતી જેવી જ હતી. આર્યગુરુ બૃહસ્પતીએ એમની જીવન જીવવાની કળાને જ વ્યવસ્થીત રીતે બાર્હસ્પત્યસુત્રમાં કંડારી હતી જે આજે ચાર્વાકદર્શન કહેવાય છે.
–એન. વી. ચાવડા

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી