Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 June 2016

વીણેલી વાતો

વીણેલી વાતો





એક વક્તાની વાત

                     શાળાના એક વિદ્યાર્થીને એના સહપાઠીઓ સમક્ષ બોલવાનું થયું. દરેક પ્રસંગે એનો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો. દર વખતે તે ફારસમાં જ પરિણમતો.
એ વિદ્યાર્થીના પોતાના જ શબ્દો-
                     "શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતાં મારી જીભ સિવાઈ જાય. કેટલાયે ફકરાઓ, કવિતાઓ કંઠસ્થ કરતો, દહાડાઓ સુધી એકાંતમાં પઠન કરતો. મારા બંધ ઓરડામાં દિવસો સુધી આ પૂર્વભજવણીનો કાર્યક્રમ ચાલતો. પછી સૌ સમક્ષ બોલવાનો દિવસ આવતો, મારું નામ બોલાતું, બધા સહાધ્યાયીઓ હું જ્યાં બેઠો હોઉં ત્યાં પાછા ફરીને મને તાકી રહેતા. તે ક્ષણે હું મારી બેઠક ઉપર એવો જડાઈ જતો કે જાણે પથ્થરનું પૂતળું. પગ એવા થથરે કે ઊભા થવું અશક્ય. આ અગ્નિપરીક્ષામાં પૂરો નિષ્ફળ રહ્યા બાદ હું ઘરભેગો થતો. શરમિંદો બની એકલો પોશ પોશ આંસુ પાડતો.’ પછી એક દિવસ એ યુવાને દઢ નિશ્ચય કર્યો કે કોઈ પણ ભોગે તે પોતાને કોરી ખાતી એ બીકણ વૃત્તિ ઉપર વિજય મેળવીને જ જંપશે. પછી ભલે તેમ કરતાં મૃત્યુ સામું આવી ઊભું રહે !
છેવટે એનો આ ભગીરથ પ્રયત્ન સફળ થયો. પૂરો સો ટકા ! અમેરિકાના એક પ્રખર વક્તા તરીકે ડેનીયલ વેબસ્ટર એના વકૃત્વ માટે વિશ્વવિખ્યાત છે.


 

સોનું ખોદવા માંડો



                        ઍન્ડ્રુ કાર્નેગી અમેરિકા આવી નાનાંમોટાં કામ કરવા લાગ્યો. આગળ જતાં તે અમેરિકાનો લોઢાનો ઉત્પાદક બન્યો અને એ હુન્નરમાં ખૂબ નામ કમાયો. લાખો લોકો એના હાથ નીચે કામ કરવા લાગ્યા. કોઈએ એમને પૂછ્યું‘લોકોને તમે કેમ અંકુશમાં રાખી શકો છો ?’
                                   ઍન્ડ્રુ કહે, ‘લોકો સાથે કામ લેવું એટલે માટી ખોદી સોનું મેળવવા બરાબર છે. એક ઔંસ જેટલું સોનું મેળવવા તમારે ગંદવાડ ભરેલી માટી ઉલેચવી પડે. સોનું પ્રાપ્ત કરવું હોય તો પહેલાં આ કામ કરવું જ પડે. મનુષ્યપ્રકૃતિમાં છુપાયેલ સારી શક્તિઓને પામવા એની ઊણપો અને મર્યાદાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એનામાં જે કાંઈ ઉત્તમ છે તે જુઓ અને વખાણો. હંસ પાણીમાંથી દૂધ તારવી લે છે તેવી રીતે આપણે પણ મનુષ્યના કેવળ દોષો જ જોવાને બદલે તેના સદગુણો તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. સારાં સંબંધો આ રીતે જ સ્થાપી શકાય.’




ગુલાબની કળી

  

                   શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક વાર મહાત્મા ગાંધીને તેમના વિદ્યાધામ શાંતિનિકેતન આમંત્ર્યા. વહેલી સવારે સૂર્યનારાયણ હજી પૂર્વમાં ડોકિયું કરતા હતા તે ટાણે બન્ને મહાનુભાવો શાંતિનિકેતનના બગીચામાં ટહેલવા નીકળ્યા. જુએ છે તો સૂર્યનાં કિરણો ગુલાબની નાજુક કળીઓ પર બાઝેલાં ઝાકળ બિન્દુઓ પર ઝળકી રહ્યાં હતાં. બન્ને જણ તે અદ્દભુત દશ્ય જોતા ઊભા. ત્યાં ટાગોર કહે, ‘ગુલાબની આ ખીલતી કળીઓ મને એક ગીત લખવા આમંત્રે છે.’ ગાંધીજી કહે : ‘મને તો કવિતા લખતાં આવડતી જ નથી. પણ હાં હું જરૂર ઈચ્છું કે મારા દેશનું હરેક શીશુ આ ગુલાબની કળીઓ જેવું તાજગીભર્યું શક્તિશાળી અને આ કળીઓ જેવુંસ્વપ્નશીલ બને.’ એક ગુલાબની નાજુક નાનકડી કળીએ બે ઉમદા વ્યક્તિઓના મનમાં કેવા ઉમદા વિચારો પ્રેર્યા !




વારસો
                     એક વૃદ્ધ મરણપથારી ઉપર હતા. તેમણે પોતના પુત્રને પોતાની પાસે તેડ્યો. પછી વૃદ્ધ કહે : ‘બેટા, હું ગરીબ રહ્યો. તારે માટે પાછળ મૂકી જવા સારુ મારી પાસે કાંઈ મૂડી નથી. પણ મારા બાપે મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉં છું. જિંદગીભર તું તેને સાચવજે. જ્યારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલાં તું તેનો જવાબ વાળતો નહીં. ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી મૂડી હું તને વારસામાં આપતો જાઉં છું.’
                                   પિતાએ આપેલી મૂડી દીકરાએ જીવ્યો ત્યાં સુધી સાચવી. આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવાં પડ્યાં. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઊભા થયા; પણ પિતાનાં વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યક્તિને તે શાંતિથી કહેતો કે, ‘આનો જવાબ હું તમને ચોવીસ કલાક બાદ આપીશ.’ ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલો રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તો એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યક્તિ આગળ કદી જતો નહીં. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદશ્ય થયો. તેનું હ્રદય સ્વચ્છ બની ગયું. આ છોકરો મોટો થતાં ગુર્જેફ નામે મોટા જ્ઞાની પુરુષ તરીકે ઘણી ખ્યાતિ પામ્યો.



સૌથી દુઃખી કોણ ?



                        રાજાના દરબારમાં સૌ ભેગા થયેલા. ચર્ચાનો વિષય હતો – સૌથી દુઃખી કોને કહેવો ?
ભેગા થયેલામાંના કોઈએ કાંઈ કહ્યું અને કોઈએ કાંઈ. બધા એક વાતે સંમત હતા જ- જે ગરીબ છે અને રોગી છે એ સૌથી દુઃખી કહેવાય. રાજાને આ જવાબથી સંતોષ ન થયો. દરબારમાં ચતુરનાથ નામે એક સરદાર ચૂપચાપ બેઠો હતો. રાજાએ તેને પૂછ્યું : ‘ચતુરનાથ, તમે શું માનો છો ? – દુનિયામાં સૌથી દુઃખી કોણ ?’ચતુરનાથ કહે- ‘રાજાજી, મારા મત મુજબ સૌથી દુઃખી ઈર્ષ્યાળુ માનવ છે. બીજાને જીવનમાં પ્રગતિ કરતો જોઈ જે દુઃખી થાય છે, જેના મનની શાંતિ સામાનું સુખ જોઈ નાશ પામે છે એને સૌથી દુઃખી સમજવો. તે સ્વભાવે વહેમી હોય છે, સદા શંકાશીલ રહે છે. બીજાનું સૌભાગ્ય જોઈ તે એને ધિક્કારે છે તેવી વ્યક્તિ સૌથી દુઃખી ગણાય.’ રાજાએ ચતુરનાથની વાત માન્ય રાખી.





ખોપરી
  
                એક મુસાફર જંગલમાં થઈને જઈ રહ્યો હતો. તેને કકડીને ભૂખ લાગી હતી. ક્યાંય કશું ખાવા મળે એમ નહોતું. ભૂખ અને થાકથી ત્રસ્ત મુસાફર લથડિયાં ખાતો આગળ વધી રહ્યો હતો. કાશ એકાદું રોટીનું બટકું એના ભખભખ થતા જઠરાગ્નિને ઠારવા મળી જાય…. ત્યાં તો ભગવાને એની પ્રાર્થના સાંભળી હોય તેમ દૂર એક ગુફા નજીક એક મહાત્મા બેઠેલા દેખાયા. તેઓ ગુફાની બહાર બેઠા ભોજન આરોગી રહ્યા હતા. મુસાફર નજીક આવી લાગતાં મહાત્મા બોલ્યા : ‘ભાઈ,તું થાક્યોપાક્યો અને બહુ ભૂખ્યો લાગે છે. અહીં ઘડીક આરામ કર. મારી પાસે જે કાંઈ છે તે ખાઈને તારી ભૂખ મટાડ.’ આમ કહી મહાત્માએ જે ખાવાનું હતું તે મુસાફર સામે ધર્યું. મુસાફરે જોયું તો ભોજન એક ખોપરીમાં રાખેલું હતું. તે જોતાંને વાર મુસાફરે મોં બગાડ્યું. બોલ્યો, ‘ક્ષમા કરજો મહાત્મા, ભૂખ્યો હોવા છતાં આ ભોજન હું આરોગી નહીં શકું. મને બહુ સૂગ લાગે છે.’ આટલું બોલી તેણે ખોપરી તરફ આંગળી ચીંધી.
તેની વાત સાંભળી મહાત્મા બોલ્યા, ‘તારે સુગાવાની કાંઈ જ જરૂર નથી. હું આખોપરીને રોજ સવાર-સાંજ ધોઈ માંજીને ચકાચક રાખું છું. તે બિલકુલ સ્વચ્છ છે.’છતાં મુસાફરે એકની એક વાત દોહરાવતાં કહ્યું : ‘મને બહુ સૂગ લાગે છે.’                                  ત્યારે સંત બોલ્યા : ‘ભાઈ, જે ખોપરી તારા માથા પર છે તેમાં સૂગ આવે એવું કેટલુંય પડ્યું છે. કામ, ક્રોધ, મોહ, માયા, નિંદા, ઈર્ષ્યા,વેરઝેરરૂપી કીડાઓ તેમાં ખદબદે છે. એ ખોપરી દિનરાત માથે રાખતાં તને સૂગ નથી લાગતી ?’ મુસાફર શું બોલે ?





ખરું અને ખોટું

                         જાપાનના એક ગુરુ આગળ ઘણા જણ શીખવા આવતા. એક દિવસ એક વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયો. અન્ય વિદ્યાર્થીઓએ ગુરુજી આગળ ફરિયાદ કરી, ‘આ છોકરાએ ચોરી કરી છે. એને અહીંથી કાઢો.’ ગુરુજીએ અન્ય વિદ્યાર્થીઓની વાત પર ઝાઝું ધ્યાન આપ્યું નહીં. બીજી વેળાએ પણ પેલા છોકરાએ ચોરી કરી. આ વેળાએ પણ ગુરુજીએ જોયું ન જોયું કર્યું. આથી બધા વિદ્યાથીઓ છંછેડાયા. એ બધાએ ગુરુજીને ચેતવણી આપી :
                                 ‘ક્યાં તો આ છોકરાને કાઢો, ક્યાં તો અમે બધા અહીં આવવું છોડી દઈએ !’
 ગુરુજીએ બધા વિદ્યાર્થીઓને ભેગા કર્યા. પછી બોલ્યા, ‘જુઓ ભાઈઓ, તમે બધા સમજુ છો. શું ખરું, શું ખોટું તે બરાબર જાણો છો. તમારે બીજે ભણવા જવું હોય તો ભલે જાઓ. આ બિચારો છોકરો શું ખોટું અને શું ખરું તે જાણતો નથી. હું જો તેને આ ન શિખવાડું તો તેનું શું થાય ? માટે તમે બધા જતા રહો તોપણ હું તેને રાખીશ !’
                    ગુરુજીની વાણી સાંભળી જેણે ચોરી કરી હતી તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. ત્યાર બાદ તેણે ચોરી કરવી છોડી દીધી.





ચોથી પેઢીની ચિંતા

એક નગરશેઠ મરી ગયા એટલે તેમના પુત્રે શેઠના મુનીમને પૂછ્યું, ‘મારા પિતાજી એમની પાછળ કેટલું ધન મૂકી ગયા છે ?’ મુનીમ કહે, ‘ત્રણ પેઢીઓ ચાલે એટલું.’મુનીમની વાત સાંભળી શેઠના પુત્રને ચોથી પેઢીની ચિંતા થઈ. શરીર સુકાવાલાગ્યું. દવાદારૂ નકામાં ઠર્યાં. ત્યાં એક દિવસ શેઠના દીકરાને ઘેર એક સંત આવી પહોંચ્યા. સંતે દીકરાની વાત સાંભળી કહ્યું, ‘ભાઈ, તું રોજ સવારે એક શેર અનાજ ગરીબોને આપવાનું વ્રત લે. તારી તબિયત સુધારવાનો આ એક માત્ર ઈલાજ છે.’શેઠના દીકરાએ રોજ એક શેર અનાજ કોઈ ગરીબગુરબાંને આપવા માંડ્યું.
એક દિવસ કોઈ અનાજ લેવા ન આવ્યું. શેઠનો પુત્ર વ્રત તૂટવાના ભયે ગભરાયો.ત્યાં તેની નજર રસ્તે જતા એક ગરીબ જન પર પડી. શેઠનો દીકરો તેને અનાજ આપવા દોડ્યો. ત્યાં તો પેલો ગરીબ માણસ બોલ્યો, ‘મોટાભાઈ, જરા થોભો. પહેલાં હું ઘેર જઈને જોઈ આવું કે આજે મને અનાજની જરૂર છે કે નહીં.’ થોડી વાર રહીનેપાછા ફરતાં તે બોલ્યો, ‘આજ પૂરતું અનાજ તો મારે ત્યાં છે. હવે તમારા અનાજનો મને ખપ નથી.’ શેઠનો દીકરો બોલ્યો, ‘અરે ભલા આદમી, આજ નહીં તો કાલે તને કામ આવશે….’ શેઠના દીકરાને આગળ બોલતો અટકાવી તે ગરીબ માણસ હસીને કહે, ‘ભાઈ, કાલની ચિંતા હું આજે કરતો નથી.’ ગરીબની વાત સાંભળી શેઠનો પુત્ર વિચારી રહ્યો, ‘આ માણસ કાલની ચિંતા નથી કરતો અને હું મૂર્ખ ચોથી પેઢીની ચિંતા કરી નાહકનો દૂબળો પડતો જાઉં છું !’ પછી તેણે ચિંતા કરવી છોડી દીધી.’





જિંદગી બચાવવા જેવી ખરી ?


એક છોકરો નદીમાં નહાવા ગયો. થોડી વારમાં તે ડૂબવા લાગ્યો. ‘બચાવો,બચાવો’ની બૂમો પાડવા લાગ્યો. કિનારા પર એક માણસ ચાલતો હતો. તે પાણીમાં પડ્યો. પેલા છોકરાને ડૂબી જતો તેણે બચાવી લીધો. પછી તે જવા લાગ્યો ત્યાં પેલો છોકરો બોલી ઊઠ્યો :
‘સજ્જન, તમારો બહુબહુ આભાર. તમે મારા તારણહાર.’
 પેલો માણસ કહે, ‘તું શા માટે મારો આભાર માને છે ?’ છોકરો કહે : ‘તમે તો મને આજે ડૂબી જતો બચાવ્યો ! તમારો તો આભાર માનું એટલો ઓછો.’ પેલા સજ્જને છોકરાની આંખોમાં આંખો પરોવી કહ્યું, ‘બેટા, તું મોટો થાય ત્યારે યાદ રાખજે કે તારી જિંદગી બચાવવા લાયક હતી.’






વડો નિશાળિયો ન્યૂટન
  
                મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો બાલ્યકાળ એમનાં દાદીમાને ઘેર વીતેલો. દાદીમાને મુદ્દલ કરતાં વ્યાજ વધુ વહાલું લાગે. તેઓ ન્યૂટનની ખૂબ આળપંપાળ કરતાં. લાડ લડાવતાં. ન્યૂટન મોટો થતાં ગ્રામર સ્કૂલમાં ગયો. ન્યૂટનના શરીરનો બાંધો અન્ય વિદ્યાર્થીઓ કરતાં નાજુક. શાળામાં એક નટખટ દાદો હતો. બધા વિદ્યાર્થીઓ તેનાથી ડરીને ચાલતા. નબળો-પોચો વિદ્યાર્થી સહેલાઈથી તેનો શિકાર બનતો. દાદો તેને ખૂબ પજવતો અને મારતો પણ ખરો. આમ કરવામાં તેને ખાસ આનંદ મળતો. એક દિવસ દાદાની નજર ન્યૂટન ઉપર પડી. નવો વિદ્યાર્થી. નાજુક, નમણો અને શરમાળ. ઉપરાંત ઓછાબોલો અને એકાંતપ્રિય. દાદીમાના ઘરનું શાંત વાતાવરણ છોડીને શાળામાં આવેલો. એને શાળાનો કોઈ અનુભવ નહીં. આ બધું દાદો સમજી ગયો.
               એક દિવસ ન્યૂટન શાળાના મેદાનમાં રમતો હતો. ત્યાં અચાનક દાદાએ પોતાના પંજામાં ન્યૂટનની ગરદન ઝાલી. પછી તેને જોરથી હલાવવા લાગ્યો. આ બધું એક પળમાં બની ગયું. પરંતુ ન્યૂટનના જીવનમાં એ પળે મોટો પલટો આણ્યો. સૌના આશ્ચર્ય વચ્ચે ન્યૂટને દાદાને જોરથી ગુલાંટ ખવડાવી ભોંય ભેગો કર્યો અને પોતે પોતાના સ્થાન પર પૂરી સ્વસ્થતાથી અડીખમ ઊભો રહ્યો. તે પળે ન્યૂટનને અત્યાર સુધી અપ્રગટ રહેલી પોતાની તાકાતનું ભાન થયું. તેનામાં આત્મવિશ્વાસ પ્રગટ્યો. તેનો અભ્યાસ સુધર્યો. તે સ્વરક્ષણ કરતાં શીખ્યો અને બીજા સત્રમાં તો તે શાળાના વડા નિશાળિયા તરીકે પંકાયો.





                નવતર પરીક્ષા

              ગાંધીજીની ફિનિક્સ સ્કૂલમાં મોટે ભાગે દર શનિવારે પરીક્ષા લેવાય. પરીક્ષક ગાંધીજી પોતે હોય. કોઈ વાર ગણિત, કોઈ વાર ગીતાપાઠ, કોઈ વાર ભાષા. એમ વારાફરતી દરેક વિષયની પરીક્ષા લેવાય. ગાંધીજી જાતે ઉત્તરવાહિની તપાસે અને ગુણ મૂકે. સાંજે પ્રાર્થના સમયે સૌ ભેગા થાય ત્યારે ગાંધીજી પરિણામ જાહેર કરે. ભૂલચૂક સુધારે. સારું કરનારને પ્રોત્સાહન આપે. સારું ન કરે તો ટપારે પણ ખરા. ગાંધીજીની ગુણાંક આપવાની પદ્ધતિ અનોખી. ઘણા વિદ્યાર્થીઓને પોતાને અન્યાય થયો છે એવું લાગે. મેં બીજા બધા કરતાં સારું લખ્યું છતાં બાપુએ મને ઓછા ગુણ આપ્યા એમ કોઈ તેજસ્વી વિદ્યાર્થીને મનમાં થતું. સુંદર અક્ષરની હરીફાઈમાં પણ કેટલાકને અન્યાય થયેલો લાગતો.
                       આખરે એક વિદ્યાર્થીએ ગાંધીજીને સીધું પૂછી લીધું.
‘
બાપુજી, મેં આના કરતાં ઘણું વધારે સારું લખ્યું છે છતાં તમે મને એના કરતાં ઓછા ગુણ આપ્યા એ તે કેવું ?’ત્યારે ગાંધીજી બોલ્યા, ‘આમાં તમને કોઈને અન્યાય થયો નથી. કેવળ મારી ગુણાંક પદ્ધતિમાં ફેર છે. ફલાણો વિદ્યાર્થી ફલાણા કરતાં કેટલો વધુ બુદ્ધિશાળી છેએવા વિચારે હું ગુણ મૂકતો નથી. દરેક વિદ્યાર્થી ગઈ વખતની પરીક્ષા કરતાં ત્યાર બાદની પરીક્ષામાં કેટલો ઊંચો આવ્યો કે નીચે ગયો તે જોઈને હું તો ગુણ મૂકવાનો. અનિયમિત કામ અને ઓછી મહેનત કરનાર બુદ્ધિશાળી હોય છતાં પણ પાછોપડવાનો. જે ચીવટ રાખી મહેનત કરે એ જ આગળ આવવાનો. આવાને હું વધુ ગુણને લાયક ગણું.’ ગાંધીજીની આ નવતર પરીક્ષા પાછળનો હેતુ જાણ્યા બાદ સૌને ખાતરી થઈ કે ગાંધીજી અન્યાય નહીં કરે, પક્ષપાત નહીં બતાવે. હવે બધા વિદ્યાર્થીઓ આડાઅવળા વિચારો છોડીને મહેનત કરવા પ્રેરાયા.


  



‘વીણેલી વાતો’ પુસ્તકમાંથી સાભાર 

14 June 2016

Morning Key










કાચબો ફરવા ચાલ્યો

કાચબો ફરવા ચાલ્યો
આળસ ખંખેરીને જંગલની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. શરીર આખું અરજ કરવા લાગ્યું કે પ્લીઝ આજ નહિ, હવે તો બહુ થયું. મેં પણ શરીરને આશ્વાશન આપ્યું કે આજે તો બસ આમ તેમ ટહેલીને જંગલની ખુબસુરતી માણીશ. હર્યું ભર્યું જંગલ તો દરેક પળે મારું સ્વાગત કરે છે. થોડોક આમ તેમ ફર્યો કે એક કાચબો મારાથી આગળ આગળ જતો હતો. થોડી વાર એને નીરખ્યા કર્યું. મારાથી એક પત્થરને ઠોકર વાગી ગઈ.
આથી એના સ્વભાવ મુજબ કાચબાએ તો પોતાનું મોઢું અંદર લઈને જડ બની ગયો. હું પણ મારા સ્વભાવ મુજબ ત્યાજ ઉભો રહ્યો. થોડી વાર થઇ કે વળી તેને ડોકી બહાર લાવીને ચાલવાનું શરુ કર્યું. સહેજ જડપ વધારીને આગળ થયો કે વળી તે જડ બની ગયો.
“ કાચબાભાઇ, હું તને કોઈ ઈજા નહિ પહોંચાડું. ”
“ અમને અમારા વડીલો કહીને ગયા છે કે કોઈ પણ ખડખડાટ થાય એટલે જડ બની જવું. ”
“ સાચું કહી ગયા હશે; પણ મારા પર વિશ્વાસ મુક તો મને ગમશે ”
“ તને ગમે એમાં મને શું લાભ ? ”
“ તારે મારી પાસેથી જે લાભ લેવો હોય તે કહે, બનશે તો તારી મનોકામના પૂરી કરીશ ”
“ સાચે…..? ”
“ ટ્રાય કરી જો ”
તેને મને કહ્યું કે મારી સાથે સીટીમાં ફરવા આવવું છે. મારે તો એમાં ખાસ કઈ કરવાનું નહોતું. મારૂ જંગલ રોકાણ ટૂંકાવીને હું અને કાચબો ઉપડ્યા મારા ગામ ભણી. હું જેવો કાચબા સાથે મહેલ્લામાં ગયો કે સામેજ ટીનો મળ્યો
“ આ સસલાને લઈને ક્યાં નીકળ્યો ? ”
“ સસલું નથી ટીના, કાચબો છે. ”
“ હું સસલાને કહું છું. ”
મને સસલા સાથે સરખાવીને ટીનો જોક મારીને નીકળી ગયો. એના ગયા બાદ મનમાં ભય પેઠો કે દિલો ના મળે તો સારું ! સારું થયું કે જીગો મળ્યો
“ કાકરીયામાં કાચબાનું સેલ લાગ્યું છે ? ”
“ ના કેમ ? ”
માંડ માંડ જીગાને મનાવીને વિદાય કરીને ઘરે આવ્યો. મનમાં સવાલ ઘુમરાયો કે સાલું જીગાને કેમ ખબર પડી ? ને વળતી પળે માની લીધું કે લોકો એને જેમ્સ બોન્ડ જીગો કહે છે તે વ્યાજબી છે. ગમે ત્યાંથી પણ એને બાતમી કે ગુપ્ત વાતો મળી જાય ખરી !
બીજા દિવસે કાચબાને લઈને સિટીમાં ગયો. સીટી અમારું એવડું મોટું કે; આખા સિટીમાં ફરતા બે એક કલાક લાગે(ચાલતા).અમારા ગામના રીવાજ અને સંસ્કૃતિ મુજબ પહેલા એને મંદિર લઇ ગયો. હું તો ભગવાન સામે બે હાથ જોડીને આંખો બંધ કરું છું ત્યાં કાચબાની ચિંતા થઇ. જેવુ તેવું નમીને કાચબાને આગળ થવા કહ્યું.
“ પણ હું કેમ આગળ વધુ ? લોકો મારી પીઠ પર હાથ મુકીને જાય છે થોડું ય ખસવા નથી દેતા. ”
મહામુસીબતે એને લઈને ઘરે આવ્યો. મંદિરમાં એટલું સારું થયું કે લોકોએ અફવા ના ફેલાવી કે શિવના મંદિરમાં કાચબો જીવતો થયો. જોકે મંદિરમાં જાય એટલે મારા જેવા ભક્તો વધુ પડતા શ્રદ્ધાળુ બની જાય છે. એમને એ પણ નહિ ખબર પડી હોય કે તેઓ સાચા કાચબાને અડીને નમન કરતા હતા.
મહેલ્લામાં જતા જ ટીનાએ સસલું કહીને મશકરી કરી લીધેલી; એ ધોરણે કાચબાને બહુ પબ્લિક પ્લેસ પર ના લઇ ગયો. ખાસ કરી ને જ્યાં લોકો મને ઓળખતા હોય. ખાનગી માં કહું તો મારો આખો મહેલ્લો પણ મને નથી ઓળખતો. જોકે એવું કહેવું પડે, કેમ ? માનવ સહજ સ્વભાવ યાર, સમજી જાવ ને !! જોકે અમારું ગામ બે ત્રણ મંદિર, રાજમહેલ અને એમાંનું મ્યુજીયમ સિવાય ખાસ કંઈ જોવા જેવું નહિ. આથી જ ગુજરાત ટુરીઝમ વાળા ગામમાં ફાવ્યા નથી. જો કે કાચબાને પૂછ્યું કે કેવું લાગ્યું ?
“ શું, કેવું લાગ્યું ? ” એને પણ મારી મજાક કરી લીધી. એટલે મેં સિટીની સફર વિષે પૂછ્યું.
હજી તો સાંજ પડી એ નથી કે અમારી તોફાની ટોળી મારા ઘરે આવી ગઈ. કાચબાને લઈને બધા અમારા અડ્ડા પર, મતલબ તળાવની પાળે. બધા લોકોની જીદ અને મમતને ધ્યાનમાં લઈને એવું નક્કી કર્યું કે બધાને ત્યાં એક એક દિવસ કાચબો રહે. આથી કાચબાએ પણ એક શરત મૂકી.
“ મને ફાવે તેવો વયવહાર કરવો અને માન આપવું, જો એમાં શરત ચૂક થાય તો પાછો રીત્યાના ઘરે મૂકી જવો. ”
“ અલ્યા તું યે રીત્યો કહીશ ? ” મેં રોષ કર્યો કે ટીનાએ ઘા બોલિંગ કરી.
“ હવે એક જણ વધારે કહે એમાં શું ખાટું મોળું થઇ જવાનું છે ? ”
અંતે હું માન્યો ય ખરો, આપણ ને એવું અભિમાન નહિ. પહેલા દિવસે હકો લઇ ગયો. હકાનો ટર્ન પહેલો કેમ ? એવો સવાલ કોઈએ ઉઠાવવો નહિ.
હકો તો એને લઈને ઉપડ્યો વીડમાં ( નાનું જંગલ જેમાં હિંસક પ્રાણી ના હોય ). અને કાચબો અકળાયો. હકો તો હાંફળો ફાંફળો થઇ ગયો. ઘરે આવીને એની મમ્મીને કહે “ આજે તો સેવખીર અને ભજીયા બનાવ; આપણે ઘેર કાચબાજી પધાર્યા છે. ”
બધા જમવા બેઠા અને જેવું ભોજન પીરસાયું કે કાચબો રૂમમાં ચકરીયું મારવા લાગ્યો.
“ મને આવું ભોજન નહિ ફાવે.  હકા, કયાંકથી અળસિયા સલાડનો મેળ પાડ ને ”
તારું ભલું થાય ભગલા, તોબા પોકારતો હકો કાચબાને મારે ઘરે લઈ આવ્યો. મેં વજાને બોલાવીને કાચબો લઇ જવા સોંપ્યો. એ તો જેવો ગયો એવો પાછો આવ્યો.
“ ભાઈ મારે આજે મંગળવાર છે ” કહીને તે તો નાઠો.
“ વજા, આજે મંગળવાર નથી.” એ તો સંભાળવા પણ ઉભો ના રહ્યો.
આમ વારાફરતી બધા કાચબાને પાછો મૂકી ગયા. અને વળી સંમેલન ઉપડ્યું પાછું અડ્ડા પર.
“ તું આને લઇ જ કેમ આવ્યો ? ” દિલો અકળાયો; હકાએ એને શાંત પાડ્યો. ત્યાં નરીયો ચિલ્લાયો
“ અરે આને તો કોઈ નોનવેજ ડીશ જોઈએ, અને મારો ડોહો તો પ્યોર વેજ. ”
“ મારા ઘરે પણ એવીજ હાલત હતી. ”
“ તો મારા ઘરે પણ એવીજ હાલત હતી. ”
વારાફરતી બધાં એ પોત પોતાની વ્યથાને વાગોળી.
હું વચ્ચે વચ્ચે સૌને સમજાવવા બોલું પણ કોઈ મને સાંભળે તો ખરું ને ! બધા બસ પોત પોતાની આપવીતી કહેવામાં જ પડ્યા છે. એમાં મારા પ.પુ.ક.ધુ. મિત્ર હકેશ્વરે બુમ પાડી
“  અરે ચુપ થઇ જાઓ…..બધા જેનાં માટેથી આપણે શોરબકોર કરીએ છે તે કાચબો ક્યાં ? ”
અરે આ શું ? બધા તો બહાવરા બહાવરા થઇ ગયા. સૌથી વધુ તો મને દુખ થયું. બધા દોડાદોડી કરીને જોવા લાગ્યા. કોઈ બાવળ માં જુએ છે તો લીમડાની ડાળ પર જુએ છે. તો કોઈ પત્થર ની બાજુમાં જુએ છે. તો કોઈ દીવાલ પાછળ જુએ છે. અમને બધાને તપાસ કરતા જોઇને એક ભાઈએ પૂછ્યું. એટલે એના દ્વારા જાણવા મળ્યું કે એક કાચબો વીડ બાજુ જતો હતો.
“ જુઓ હું કહેતો ને કે હું એને વિડમાં લઇ ગયો હતો તો બિચારો ભૂખ્યો થયો હશે આથી ઉપડી ગયો ફરવા. ”
“ અરે મેં કશુક તળાવમાં પડતું જોયેલું. ” અમારામાંથી કોઈ એકે કહ્યું
ઘણી બધી તપાસ પછી મને કાચબો હાથ ના લાગ્યો. હું તો ઘણો ઓશિયાળો થઇ ગયો. બધા મને ઘણું સમજાવે. અંતે હું પણ ‘ એ ક્યાં મારો કાચબો હતો ’ એવું માનીને માની ગયો.
એ બનાવ પછી એકવાર હું તળાવની પાળે લટાર મારવા નીકળેલો તો કાચબો મારી રાહ જુએ.
“ અરે યાર તારી શોધમાં હું કેટલો દુઃખી થયો ને તું અહી……? ”
“ મારું તો કામ બની ગયું. મારો જન્મ આ તળાવમાં થયેલો. કોઈ રાક્ષશ મને જંગલમાં ઉપાડી ગયેલો. તમે લોકો વાતો માં ગુલ હતા ને મારી મમ્મી મને જોઈ ગઈ. હવે હું મારા માંબાપ સાથે અહીં જ રહીશ. તને હું મળતો રહીશ…થેંક યુ દોસ્ત. ” અને તે પાછો પાણીમાં ગરકાવ થઇ ગયો.
“ ધતતારી……”

10 June 2016

આને ક્યાં પોગવું ? ….હળવે હૈયે …. સ્ત્રી-પુરુષ સંબંધોની હળવી રમુજ ..!!

આને ક્યાં પોગવું ? ….હળવે હૈયે …. સ્ત્રી-પુરુષ સંબંધોની હળવી રમુજ ..!!

પતી-પત્નીના સંબંધોને ઉજાગર કરતી ઘણી રમુજો-જોક્સ -કાર્ટુન -ચિત્રો,વિડીયો વી.સોસીયલ મીડિયા,અખબારો અને ઇન્ટરનેટમાં જોવા મળે છે.

સ્ત્રીઓની ખાસિયતોને ઉજાગર કરતી હાસ્ય સામગ્રી નેટ મિત્રો તરફથી એમના ઈ-મેલમાં મળી એને આજની પોસ્ટમાં એમના આભાર સાથે પ્રસ્તુત છે.વિ.પ.

સાભાર- શ્રીમતી ગોપી રાંદેરી ….

આને ક્યાં પોગવું ? 

“એય…. ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!”

“કેમ? હું તમને જાડી લાગુ છું?’

“અરે , જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવાથી તબિયત સારી રહે! ફીટ રહેવાય ! ”

“તમ ને હું માંદી લાગુ છું? ”

“તારે ન આવવું હો ય તો પડી રહે! ”

“એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું? ”

“રેવા દે ને યાર! તું કોઈ વાતને સમજતી નથી! ”

“હું તો જાણે નાની કીકલી! મને કાઇ જ સમજણ નથી પડતી! ”

“જો મેં એવું નથી કહ્યું!”

“એટલે હું ખોટું બોલું છું એમને?”

“મગજની નસ ખેચવાની રેવા દેને!’

“મને કચકચણી કહો છો? ”

“એએએ , મુક માથાકૂટ , મારે નથી જાવું વોકિંગમાં! ”

“ જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે! ”

“હે ભગવાન, તું જા સુઈ જા! હું એકલો જ જાઉં છું!”

“મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!”

“રેવા દે હો , હવે હું થાક્યો, મારૂ માથુ ભમે છે!”

“જોયું? તમે કાયમી તમારી તબિયતનો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!”

આને ક્યાં પોગાય ?

==========================

Courtesy-Mr. Jaffer Kassam 

તમારી પત્ની આદર્શ અને ગ્રુહ કર્તવ્યદક્ષ છે કે નહીં,તે કેવી રીતે ઓળખશો…!

ભાતમાં પાણી વધી જાય તો…

ચોખા નવા હતા.

રોટલી કડક થાય તો…

ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી.

ચાય મીઠી થાય તો…

સાકર જાડી હતી,

અને

ચાય પાતળી થાય તો…

દુધ પાતળુ હતું.

લગ્ન કે ફન્કશનમાં જતી વખતે…

કઇ સાડી પહેરું,સારી સાડી જ નથી મારી પાસે.

ઘરે વહેલા આવીએ તો…

ટીવી પર મૅચ છે કે શું?

મોડા પહોંચીએ તો…

કોની સાથે ગુડાણા હતા.

કોઇ વસ્તુ સસ્તી લાવીએ તો…

શું જરૂર હતી ખોટા ખર્ચ કરવાની!

મોંઘી લાવીએ તો…

તમને તો બધા જ ફસાવે.

રસોઈના વખાણ કરીએ તો…

રોજ સારી જ બનાવું છું.

ભૂલ કાઢીએ તો…

આ ઘરમાં તો મારી કદર જ નથી!

કોઇક કામ કરી આપીએ તો…

અેકે કામ સરખુ આવડતું નથી!

કામ ન કરીએ તો…

તમારા ભરોસે રહેવાય જ નહીં!

અને છેલ્લે …

જો તમે જીભાજોડી કરી તો…

હું હતી તે ટકી આ ઘરમાં,બીજી કોઇ હોત તો ખબર પડત!

મને ખાત્રી છે કે…

તમારી પત્નીમાં ઉપરોક્ત લક્ષણો નહીં હોય

અને જો હોય તો…તો

કોઈને કહેતા નહીં,

કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો, ભાઇ.

આ વાંચીને પુરુષ વર્ગએ ખુશ થઇ જવા જેવું નથી.

જેમ બધી સ્ત્રીઓ એક સરખા સ્વભાવની નથી હોતી એમ બધા પુરુષો પણ એક સરખા સ્વભાવના નથી હોતા.પુરૂષોને વિષે પણ સ્ત્રીઓને  કૈક કહેવાનું હોય છે.

એક બીજા નેટ મિત્રએ અગાઉ એમના ઈ-મેલમાં પુરુષોની સમજ શક્તિની હાંસી ઉડાવતા વિડીયોની લીંક મોકલી હતી એ વિડીયો નીચે રજુ કરેલ છે.

આ વિડીયોમાં એક રમુજી સ્વભાવના મોટીવેશનલ વક્તા સ્ત્રીઓના અને પુરુષોના મગજનું પૃથ્થકરણ કરી પુરુષોના મગજની હાંસી ઉડાવે છે.

આ વક્તા હસતાં હસાવતાં સ્ત્રીઓ અને પુરુષોની ખાસિયતો ઉપર જે રીતે એમની વાત સમજાવે છે એ જોઇ/સાંભળીને તમને જરૂર મજા આવશે.

આ વિડીયો પતિ-પત્નીએ સાથે બેસીને જોવા જેવો અને હસતાં હસતાં માણવા જેવો છે.

‘મહાભારતની જીવનકથાઓ’ –ડૉ. ગુણવંત શાહ

‘મહાભારતની જીવનકથાઓ’

–ડૉ. ગુણવંત શાહ
એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરીબળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ?નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !
જગતમાં એવો એક પણ ધર્મ નથી, જેમાં કાળક્રમે કચરો જમા ન થયો હોય. એ કચરાને પણ પવીત્ર ગણવાનો અને સાચવી રાખવાનો બોધ આપે તેવા માણસને લોકો ‘ધર્મગુરુ’ કહે છે. ‘મહન્ત–મુલ્લા–પાદરી’ જેવા ત્રણ ખલનાયકો સદીઓથી જામી પડેલા ‘ધાર્મીક’ કચરાનું રક્ષણ કરતા આવ્યા છે. પ્રત્યેક ધર્મમાં માર્ટીન લ્યુથર, દયાનન્દ, વીવેકાનન્દ, નર્મદ, દુર્ગારામ અને ગાંધી જેવા સુધારકો સમયાન્તરે પેદા થવા જોઈએ.
જે ધર્મમાં વીર નર્મદ કે દુર્ગારામ મહેતા કે જ્યોતીબા ફુલે કે ડૉ. આંબેડકર પાકી જ ન શકે, તે ધર્મ કાળક્રમે સડે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખનારી પ્રજાને પછાત રાખવામાં સફળ થાય છે. ખ્રીસ્તી ધર્મસુધારક માર્ટીન લ્યુથરને પ્રતાપે પોપની સત્તા સામે પડકાર ઉભો થયેલો. ‘પ્રોટેસ્ટ’ પરથી ‘પ્રોટેસ્ટન્ટ’ શબ્દ બન્યો છે.લ્યુથરના વીદ્રોહને પ્રતાપે ખ્રીસ્તી પરમ્પરામાં પ્રોટેસ્ટન્ટ મીજાજ પેદા થયો. એ મીજાજ યુગપ્રવર્તક બની રહ્યો. એ મીજાજને કારણે પોપની અન્ધશ્રદ્ધાળુ માયાજાળમાંથી ખ્રીસ્તી પ્રજા તે કાળે મુક્ત બની. સ્વામી સચ્ચીદાનન્દજી હીન્દુ પરમ્પરાના ભગવાંધારી સાધુ છે અને એમનો ‘પ્રોટેસ્ટન્ટ મીજાજ સદીઓથી જામી પડેલા એવા પવીત્ર ગણાતા કચરા સામે વીદ્રોહ જગાડનારો છે. આવો પ્રાણવાન વીદ્રોહ જ ધર્મને બચાવી લેતો હોય છે.’
સ્વામીજીએ ગુજરાતને અનેક સુન્દર પુસ્તકો આપ્યાં છે. લાંબા પ્રવાસો કરીને એમણે ગુજરાતનાં દુર દુરનાં ગામોમાં જઈને સુધારાનો શંખધ્વની પહોંચાડ્યો છે. એમનાં પુસ્તકો ખુબ વંચાય છે અને વેચાય છે. સાધુવેશ ધારણ કરનારા આ સન્ત, લોકોને દમ્ભી સાધુઓ સામે નીર્ભયપણે ચેતવે છે. પંકજ ત્રીવેદીની હત્યા થઈ ત્યારે એમણે જે ઉચીત ‘ક્રોધ(મન્યુ)’ પ્રગટ કર્યો તેમાં ગાંધીજીને ગમી જાય તેવી નીર્ભયતા હતી. અહીંસા જ્યારે કાયરતા, અનીર્ણાયકતા અને મધુર છતાં જુઠા શબ્દને પનારે પડે ત્યારે એ મહાત્મા ગાંધીની કે મહાવીરની અહીંસા રહેતી નથી.
મહાવીર સ્વામીએ મેઘકુમારને ઉપદેશ આપ્યો ત્યારે કહ્યું હતું : ‘અભય વીનાની અહીંસા તો અહીંસા જ નથી.’ સાચી વાત ગોળ ગોળ વાણીમાં દબાતા સાદે કહે તે કદી પણ ‘ગાંધીજન’ ન હોઈ શકે. મધરાતે આશ્રમમાં થયેલા હુમલામાં સ્વામીજી બચી ગયા એ ગુજરાતનું સદ્ નસીબ ગણાય.
એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરબીળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ? નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !
સ્વામીજીએ લખેલા એક એવા પુસ્તકની વાત કરવી છે, જે પ્રત્યેક ગુજરાતીએ વાંચવું જોઈએ. સાવ સરળ ભાષામાં લખાયેલી મહાભારતની કથાઓ એટલી રસપુર્ણ છે કે વાચકને પુસ્તક છોડવાનું મન ન થાય. (‘મહાભારતની જીવનકથાઓ’, સ્વામી સચ્ચીદાનંદ, ગુર્જર સાહીત્ય ભવન, અમદાવાદ–1, રુપીયા : 120/-) આ કથાઓને અંતે સ્વામીજીએ જે મૌલીક ટીપ્પણી કરી છે તે કથાનો મર્મ અદ્યતન સન્દર્ભમાં પ્રગટ કરનારી છે.
અહીં માત્ર એક જ પ્રસંગકથા પ્રસ્તુત છે :
પુત્ર ઉત્પન્ન કરતાં પહેલાં (અગસ્ત્ય) ઋષીએ લોપામુદ્રાને પુછ્યું હતું : ‘તારે હજાર પુત્રો જોઈએ છે કે સો પુત્રો ?’ પછી ફરી પુછ્યું : ‘તારે સો પુત્રો જોઈએ કે દસ પુત્રો?’ ફરી પુછ્યું : ‘તારે દસ પુત્રો જોઈએ કે એક પુત્ર ?’ લોપામુદ્રાએ કહ્યું કે : ‘મારે તો હજારની બરાબરી કરે તેવો એક જ પુત્ર જોઈએ છે. કુરકુરીયાંને ભેગાં કરીને હું શું કરું ?’ આ રીતે ઋષીને એક પુત્ર ઈધ્મવાહ થયો. પીતૃઓ તૃપ્ત થયા. સન્તાનપ્રાપ્તી પણ જીવનનો લહાવો છે. તે પુરો થયો. બોધપાઠ છે : સંસારથી ભાગો નહીં. પારકાં છોકરાંને ચેલા બનાવવા તેના કરતાં પોતાનાં જ સન્તાન પેદા કરો. (મહાભારત : વનપર્વ 96–97મો અધ્યાય)
પુસ્તકને પાને પાને એકવીસમી સદીને સુપેરે સમજનારા ક્રાન્તીકારી સાધુનું જીવનદર્શન પ્રગટ થતું દીસે છે. એ જીવનદર્શન કેટલું અદ્યતન છે તેનો પરચો કરાવે તેવા પ્રાણવાન શબ્દો સાધુના સ્વમુખેથી પ્રગટ થયા છે. સાંભળો :
‘કામ સ્વયં ઉર્જા છે, મહાઉર્જા છે. તે છે તો જીવન છે. તે નથી તો જીવન નથી. પણ આ ઉર્જાને મીત્ર બનાવતાં ન આવડે, તો તે વીનાશક પણ છે. કામને મીત્ર બનાવવા માટે નીતીશાસ્ત્રો છે. તેમણે મર્યાદા બાંધી છે. ઉર્જા મર્યાદામાં રહે, તો જ મહાનીર્માણ કરી શકે. અગ્ની ચુલામાં રહે તો જ રસોઈ બને. જો ચુલા બહાર આખા ઘરમાં ફેલાઈ જાય તો મહાવીનાશ નોતરી મુકે. કામનું પણ આવું જ છે. જ્યારે જ્યારે કામ, મર્યાદા મુકીને બહાર નીકળ્યો છે, ત્યારે ત્યારે મહાવીનાશ થયો છે.’
આવા શબ્દો નવી પેઢી સુધી કોણ પહોંચાડશે ? એમાં ક્યાંય કાન પર જનોઈ ચડાવીને કે નાક બંધ કરીને દુર્ગંધથી બચવાની વાત નથી. ‘સેક્સ’ નામની પવીત્ર બાબતનો આવો તન્દુરસ્ત સ્વીકાર, સ્વસ્થ સમાજના નીર્માણ માટે જરુરી છે. બેજવાબદાર સેક્સ સુનામી સર્જે છે. આ લખાણ વાંચી રહ્યા પછી દોડીને આ પુસ્તક ખરીદવા જેવું છે.
આ પુસ્તક કોને અર્પણ થયું છે ? સાંભળો :
‘મારી દૃષ્ટીએ મહાભારતનું સૌથી વધુ વાસ્તવવાદી અને મારું પ્રીય પાત્ર, જેણે પ્રત્યેક વીપત્તીમાં પાંડવોને બચાવ્યાં છે, તેવા ગદાધારી ભીમને આ પુસ્તક અર્પણ કરું છું.’
સ્વામીજીની આ અર્પણનોંધમાં એમની આગવી જીવનદૃષ્ટી પ્રગટ થતી જણાય છે. તેઓ માનવીય દૃષ્ટીબીન્દુના સમર્થક છે; પરન્તુ કાયરતામુલક અહીંસા પ્રત્યે એમને સખત અણગમો છે. તેઓ રાવણના માનવ–અધીકારોની પણ ચીન્તા કરે તેવા મધુર મધુર અને નરમ નરમ સાધુ નથી. જે અસમર્થ હોય એની ક્ષમાનું કોઈ મુલ્ય નથી.
આતંકવાદ સામે ઝુકી પડતી પ્રજાને પણ ‘અહીંસક’ ગણે તેવું નીર્વીર્ય ભોળપણ સ્વામીજીને માન્ય નથી. બકાસુરનો વધ કરનાર ભીમ માનવ–અધીકારનો રક્ષક ગણાય કે ભક્ષક ? નીર્દોષ મનુષ્યોની સામુહીક હત્યા કરવા માટે તત્પર એવા કોઈ આતંકવાદીને હણવામાં કોઈ પાપ ખરું ? સ્વામીજી આવા કેટલાક પ્રશ્નો અંગે બીલકુલ સ્પષ્ટ છે. પોતાની વાત પુરી નીર્ભયતા સાથે રજુ કરવામાં એમની વાણી જબરી અસરકારક સાબીત થઈ છે. ગુજરાત એમનું ઋણી છે. ભીમનો આવો ઋણસ્વીકાર સ્વામીજી સીવાય કોણ કરે ?
ઓશો રજનીશ જ્યારે ભગવાન બની ગયા ન હતા અને કેવળ આચાર્ય હતા, ત્યારે એમણે એક પ્રશ્ન જાહેર પ્રવચનમાં ઉઠાવ્યો હતો : ‘યહુદી પ્રજાની નીર્દય કત્લેઆમ કરનારા હીટલરનું કોઈ મનુષ્યે શરુઆતમાં જ ખુન કરી નાખ્યું હોત, તો લગભગ પન્દર લાખ યહુદીઓ ગેસ ચેમ્બરમાં ખતમ થતાં બચી ગયા હોત. આપણે એ ખુનીને ‘પાપી’ કહેવો કે ‘પુણ્યશાળી’ ?’ રજનીશે જવાબ પણ પોતે જ આપ્યો હતો : એ ખુનીને ‘મહાત્મા’ ગણવો રહ્યો ! થોડાક પરીચયને આધારે કહેવાનું મન થાય છે કે હીન્દુ ધર્મમાં પેઠેલાં અનીષ્ટો સામે આટલી હીમ્મતથી બંડ પોકારનારા બીજા સાધુ ઝટ જડતા નથી. લોકો તેમને કાન દઈને સાંભળે છે અને આંખ દઈને વાંચે છે. એમનો સહજ સ્થાયીભાવ છે : ‘પાખંડ–ખંડન’.

પાઘડીનો વળ છેડે

‘આપણું ઘડતર એવી ભક્તીથી કરવામાં આવ્યું, જે અન્તે વેવલી થઈ ગઈ. શોષણનું માધ્યમ બની. વીરતા વીનાની વેવલી ભક્તીથી પણ પ્રજા તો દુર્બળ જ થઈ. ભગવાન અને ગુરુને નામે સદીઓથી તેનું શોષણ થઈ રહ્યું છે… ગુરુઓ સમૃદ્ધ થયા. હા, પ્રજા જ દરીદ્ર થઈ ગઈ. એકલી દરીદ્ર જ નહીં, દુર્બળ પણ થઈ ગઈ. આ વેવલી ભક્તી પણ વીરતા વીનાની, શસ્ત્રો વીનાની, પડકાર વીનાની, મોટે ભાગે સ્ત્રીઓ માટેની થઈ ગઈ, થઈ રહી છે… જો જગત્ મીથ્યા જ હોય, તો ગુલામ રહો કે આઝાદ રહો, કંગાળ–દરીદ્ર રહો કે સમૃદ્ધ રહો. શો ફરક પડે છે ? બધું સ્વપ્ન જ છે. વીરતા, શૌર્ય, કર્મઠતા, સાહસનું તો નામ જ ન રહ્યું… ફરીથી ઋષીમાર્ગનું મહત્ત્વ સમજાય તો હજી પણ નવીનર્માણ થઈ શકે છે. –સ્વામી સચ્ચીદાનંદ (‘મહાભારતની જીવનકથાઓ’)

–ડૉ. ગુણવંત શાહ

ચાર બોધ કથાઓ …..

 ચાર બોધ કથાઓ …..

જાણીતા બ્લોગ સન્ડે-ઈ-મહેફિલ ના સંપાદક ,સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં કેટલીક સરસ બોધ કથાઓ વાંચવા માટે મોકલી હતી,એમાંથી મને ગમેલ ચાર બોધ કથાઓને આજની પોસ્ટમાં એમના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.વિ.પ.

૧.બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ

૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.

શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.

બોધ પાઠ : ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

૨.વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , " તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? "

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , " અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી."

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , " હવે આ ચશ્મા પહેરો ". પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.

બોધ પાઠ :

આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

૩.નાના માણસોની મોટી ભેટ

એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો " લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા."

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, " તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો." શેઠે કહ્યુ, " કેમ એવુ ? " શેઠાણીએ કહ્યુ, " ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે." સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, " ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા." નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

બોધ પાઠ:

મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

કવિ ઉમાશંકર જોશી રચિત આ પંક્તિઓ યાદ આવી ગઈ

મોટાની અલ્પતા જોઈ થાક્યો

નાનાની મોટાઈ જોઇ જીવું છું.  

૪.જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે

એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.

મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.

પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.

બોધ પાઠ:

જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી