Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

7 October 2015

ઘમ્મર વલોણું-2

ઘમ્મર વલોણું-2
થાકી જવાથી, શરીરના અંગોને શ્રમ પડવાથી કે સુર્યની ગરમીથી જે પરસેવો વળે છે તે અસહ્ય બની જાય છે. એ સ્થિતિમાં કોઈ ઘેઘુર જાડ નીચે ઉભા રહેવાથી એક અગમ્ય તૃપ્તિના ભાવો ગાલ પર રમવા લાગે છે. અને દિલમાં ટાઢકના જે શેરડા પડે છે તે આહલાદક હોય છે. આવીજ હાલતમાં એક વાર લાહ્ય લાહ્ય બનીને તાપની વરાળ કાઢતા તડકામાંથી એક જાડ નીચે આવ્યો. અગમ્ય તૃપ્તિના ભાવો ગાલ પર રમવા લાગે; અને દિલમાં ટાઢકના શેરડા પડશે તેવો દ્રઢ નિર્ધાર પણ ખરો ! થોડી પળો થઇ કે વિહવળતા વધી ગઈ. વિહવળતા વધે એટલે પળો બમણી મોટી લાગે. ઉપર એક નજર કરી તો પર્ણોમાંથી ગળાઈને આવતો તડકો વધુ દઝાડવા લાગ્યો. મનમાંથી એક અતૃપ્તિનો નિશાસો નખાઈ ગયો ને જાડને ભાંડવા લાગ્યો. કે સામેથી વળતો પ્રહાર થયો.
રે ભલા માનવ ! અમે સજીવ જરૂર છીએ અમે વધી શકીએ કે ફાલી શકીએ પણ હલી ના શકીએ. તમે જે આશ લઈને અમારે છાંયે આવો છો; તેમાં અમે ખાલી ભાગીદાર છીએ પણ જવાબદાર તો કોઈ ઓર જ છે. પવન નું વાહન થાય ને અમારી ડાળો ને પર્ણો હલે; જેનાથી તમને અગમ્ય તૃપ્તિના ભાવો થાય અને દિલમાં ટાઢકના શેરડા પડે !
વળી માનવ પ્રકૃત્તિ પોતાના ગુણ બતાવ્યા વિના થોડી રહે : તો પછી જાડ નીચે પણ શીતળતા મળે, એના બદલે ગળાઈને તડકો તો આવેજ છે.
વળી બમણા વેગે પ્રહાર થયો : અમુક લોકોને અમારો વિકાસ થાય તે જોયો નથી જતો. કુહાડીના ઘા મારીને અમને પાંખા કરો દો પછી અમે શું કરીએ ? તમને તો કોઈ અપમાન કરે તો માનહાની નો દાવો કરીદો છો, કોર્ટ ને કચેરીનો સહારો લો છો. પોલીસ તમને સુરક્ષા કવચ આપે છે. જયારે અમે ? અમે તો કોને જઈને કહીએ ? અમને સાંભળે પણ કોણ ?
વાતો સાંભળીને મારો તો પરસેવો પણ વગર ડાળો હલ્યે સુકાઈ ગયો. અને ગાલ પર તૃપ્તિના બદલે શરમના ભાવો રમવા લાગ્યા. અને દિલમાં ટાઢકના બદલે વસવસો ઉભરી આવ્યો.

શોધ કોને કહેવાય ?

શોધ કોને કહેવાય ?

–મુરજી ગડા
થોડા સમયથી ભારતના પ્રાચીન કાળની વૈજ્ઞાનીક સીદ્ધીઓ વીશે ઘણુ સાંભળવા અને વાંચવા મળે છે. એમાનું કેટલું સાચું હોઈ શકે અને કેટલું ઉપજાવી કાઢેલું હોઈ શકે એ જાણવું અને સમજવું જરુરી છે. એના માટે સૌથી પહેલાં વૈજ્ઞાનીક જગત શોધ કોને ગણે છે તે સમજીએ. આપણને શોધ લાગતી કોઈ બાબત વૈજ્ઞાનીકજગતને શોધ ન પણ લાગતી હોય. એક ચોખવટ કરવી છે કે, આ લેખમાં વૈજ્ઞાનીક સીદ્ધીઓની વાત પર ભાર મુકવામાં આવ્યો છે. અન્ય ક્ષેત્રની સીદ્ધીઓનો માત્ર અછડતો ઉલ્લેખ કર્યો છે. એમની શોધ બાબત આટલાં ચોક્કસ માપદંડ નથી હોતાં.
અંગ્રેજીમાં બે શબ્દો છે; ડીસ્કવરી (Discovery) અને ઈન્વેન્શન (Invention). આ શબ્દોના ચોક્કસ અર્થ થાય છે. જે મોજુદ છે પણ આપણી જાણમાં નથી તે ખોળી કાઢવાની કે શોધવાની ક્રીયાને ‘ડીસ્કવરી’ કહે છે. જે વસ્તુનું અસ્તીત્વ જ નથી તેને બનાવવાની ક્રીયાને ‘ઈન્વેન્શન’ કહેવાય છે. ગુજરાતીમાં આ બન્ને ક્રીયાઓ માટે એક જ શબ્દ છે. તે છે શોધ. આ લેખના સન્દર્ભમાં બીજો એક અગત્યનો શબ્દ સમજવો પણ જરુરી છે. તે છે ‘અવલોકન’ (Observation). આ ત્રણેય શબ્દોને ધ્યાનમાં રાખીને આપણે શોધ કોને કહેવાય અને ક્યારે થઈ કહેવાય, એ વાત જુદાં જુદાં ક્ષેત્રના દાખલા વડે સમજવાની કોશીશ કરીએ.
આપણી જાણમાં છે એવી દુનીયાની બધી સંસ્કૃતીઓ 12,000–13,000 વરસથી વધારે પુરાણી નથી. ત્યારે છેલ્લા હીમયુગનો અન્ત આવ્યો હતો. માણસ સારા અને ફળદ્રુપ વસવાટની શોધમાં વીષુવવૃત્તથી દુર જવા લાગ્યો હતો. એટલે સ્થાયી સંસ્કૃતીની શરુઆત વધુમાં વધુ 10,000 વરસ પહેલાં થયેલી મનાય છે. હીમયુગ પહેલાંની સંસ્કૃતીઓના નામના જ અવશેષ જોવા મળે છે.
સંસ્કૃતીઓના શરુઆતના વર્ષોમાં માણસને કુદરતી ઘટનાઓની ખાસ સમજ નહોતી. જો કે એનું મગજ વીકસ્યું હોવાથી એ એનો ભરપુર ઉપયોગ કરવા લાગ્યો હતો. ત્યારની માણસની બધી પ્રવૃત્તીઓ દીવસના અજવાળામાં થતી હતી. અંધારું થયા પછી એના માટે માત્ર એક જ પ્રવૃત્તી શક્ય હતી – આકાશદર્શનની. આ વીષય એના માટે ખુબ કુતુહલનો હોવાથી શોધખોળોની બાબતમાં અગ્રીમ હતો.
આકાશદર્શનમાં સૌથી જુદી તરી આવતી ઘટના એટલે ચન્દ્રની વધતી–ઘટતી કળા, એના ઉગવા આથમવાનો ચોક્કસ રીતે બદલાતો સમય વગેરેને જાહેર અવલોકન કહેવાય. અનાયાસે થતા કે પછી જાહેર અવલોકનને શોધ ન કહેવાય; કારણ કે તે બધાને જ દેખાય છે, સમજાય છે અને જાણીતી છે. એમાં કંઈ નવું નથી કહ્યું. વધારે ધીરજવાળા લોકોએ તારાઓનું નીરક્ષણ કરીને જાણ્યું કે તારાઓ પણ આકાશમાં રોજ થોડા મોડા ઉગે છે(આજની ચાર મીનીટ જેટલા); પણ એકબીજાની સરખામણીએ પોતાનું સ્થાન જાળવી રાખે છે. શરુઆતમાં એમણે જુદાજુદા તારાઓના સમુહોને એમની આછીપાતળી આકૃતી પ્રમાણે નામ આપ્યાં(જેને આજે આપણે રાશીઓ કહીએ છીએ). દરેક પ્રાચીન સંસ્કૃતીના લોકોએ એમની ત્યારની સમાજવ્યવસ્થાના આધારે એ નામ પસન્દ કર્યાં હતાં. આજે જો કોઈને આ તારાવૃન્દોનાં નામ પાડવાનું કહેવામાં આવે તો એને ‘હરણ’ કે ‘આખલા’ને બદલે ‘મોટરસાયકલ’ દેખાશે અને ‘સપ્તર્શીના પતંગ’ને બદલે કદાચ ‘ટીવી’ કે ‘મોબાઈલ’ દેખાશે.
આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તેની શરુઆત માણસના મગજમાં આવેલા વીચારથી થઈ છે. વીચાર અવલોકનને પ્રેરે છે. માનવસમાજનું બધું જ્ઞાન ત્યાંથી શરુ થાય છે અને થયું છે; પણ ત્યાં પુરું થતું નથી. જેણે વધુ બારીકાઈથી આકાશનું અવલોકન કર્યું એને પાંચ અવકાશી પુંજોની ભ્રમણકક્ષામાં કંઈક અનીયમીતતા દેખાઈ. એમનું આકાશમાં સ્થાન નીયમીતપણે બદલાતું હતુ. એમણે એમને તારાને બદલે ગ્રહ/ પ્લાનેટ કહ્યા. (ગ્રીક ભાષામાં પ્લાનેટ એટલે રખડુ.)   અવકાશ વીશેની આનાથી વધુ સમજ ત્યારે કોઈને નહોતી. તારા અને ગ્રહો વચ્ચે માત્ર એટલો જ ફરક ગણાતો. આને ગ્રહોની શોધ કરી એમ કહી શકાય ? જો એને શોધ ગણીએ તો એનો યશ કોને અપાય ? એ તો બધી જ સંસ્કૃતીઓએ સ્વતન્ત્ર રીતે ગ્રહોને ઓળખીને પોતાનાં મનગમતાં નામ પણ આપ્યાં હતાં. કોઈ એકને તો એનો યશ ન જ અપાય. (છેલ્લા બે ગ્રહ તો નરી આંખે દેખાતા પણ નથી.)
ગ્રહો સાચે જ શું છે એની ખબર તો ઠેઠ સોળમી સદીમાં પડી છે. પૃથ્વી પણ એક ગ્રહ માત્ર હોવાની ખબર પણ ત્યારે જ પડી. ગ્રહોની શોધનું શ્રેય નીકોલસ કોપર્નીકસજોહનીસ કેપલરટાઈકો બ્રાહા અને ગેલેલીઓ ગેલેલાઈને સયુંકત રીતે અપાય છે. જો કે દરેકનું યોગદાન અલગ અલગ કારણોસર છે. એના ઉંડાણમાં ન જઈએ.
1)  આજે આપણને ખબર છે કે તારા અને ગ્રહ સાવ અલગ પદાર્થ છે. તારા સ્વયંપ્રકાશીત છે જ્યારે ગ્રહો સ્વયંપ્રકાશીત નથી. તારાઓ કરતાં ગ્રહો ઘણા નાના છે. તેઓ કોઈ એક તારાની પ્રદક્ષીણા કરતા હોય છે વગેરે વગેરે. આપણને દેખાતી ગ્રહોની વીશીષ્ટ ભ્રમણકક્ષાનું સાચું કારણ પણ ખબર છે. સુર્યમંડળના ગ્રહોનું બંધારણ, કદ, સુર્યથી અન્તર વગેરે બધી માહીતી એમનું અવલોકન તેમ જ ગણીતની મદદથી શક્ય બની છે. આમાંની કેટલીક માહીતી ઠેઠ વીસમી સદીમાં મળી છે. ગ્રહો પરનું સંશોધન હજી ચાલુ જ છે. એટલે આવી ઉંડાણભરી શોધનું શ્રેય ચોક્કસ વ્યક્તીને આપી શકાય છે.
2)  ઘણી જાણીતી અને ચર્ચાયેલી લાઈટ બલ્બની શોધને તપાસીએ. કહેવાય છે કે લાઈટ બલ્બ શોધવા માટેથોમસ એડીસનને એક હજારથી વધારે પ્રકારના પ્રયોગ કરવા પડ્યા હતા. એના એક મીત્રે પુછ્યું પણ હતું કે આટલી બધી નીષ્ફળતાઓ છતાંય તે કેમ હજી હાર સ્વીકારતો નથી ?  એડીસનનો જવાબ પણ પ્રખ્યાત થયો છે. એના શબ્દો હતા : “આ નીષ્ફળતાઓ નકામી નથી. હવે મને અને જગતને ખબર પડી છે કે આ જુદી જુદી હજાર રીતે લાઈટ બલ્બ બનાવી ન શકાય”. અન્તે તે માત્ર લાઈટ બલ્બ જ નહીં; પણ બીજી 2,000 જેટલી નાનીમોટી શોધો કરે છે અને એના પરીણામે દુનીયા બદલાઈ ગઈ છે.
3)  આપણા શરીરની અન્દર કયા અવયવો છે, ક્યાં છે, અન્ય પ્રાણીઓ કરતાં કેટલા જુદા છે, તે કયું કામ કરે છે, કેવી રીતે કરે છે, વગેરે બધી બાબતે માણસ અજાણ હતો. મૃત્યુ પછી મૃતદેહને કાં તો બાળી નાખવામાં આવતો હતો કાં તો જમીનમાં દાટી દેવાતો હતો. માનવ શરીરની ચીરફાડ કરવી ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધ હતુ. એવું કરનારને ધર્મગુરુ દ્વારા ખુબ આકરી સજા કરવામાં આવતી.
શરીરની અન્દરના અવયવોનો અભ્યાસ કર્યા વગર ચીકીત્સાક્ષેત્ર અધુરું રહેતું હતું.  એટલે બધાં જોખમો ખેડીને પણ, અઢારમી સદીમાં ઈંગ્લેંડના જાંબાઝ ડૉકટરોએ રાતના અંધારામાં કબરો ખોદીને, મડદાઓના શરીર ચીરીને, માનવ શરીરનો અભ્યાસ કર્યો હતો. એમના પ્રતાપે આજે શરીરના દરેક અવયવનું કાર્ય સમજાય છે, ઑપરેશન શક્ય બન્યાં છે અને પરીણામે ઘણી જીન્દગીઓ બચાવી શકાઈ છે. અત્રે ખાસ ઉમેરવાનું કે ઑપરેશન માટે બીજાં કેટલાંય સાધનો, યન્ત્રો, દવાઓ, ઍનેસ્થેસીયા, ઍન્ટીબાયોટીક્સ વગેરે જોઈએ છે જેમનો ફાળો પણ એટલો જ અગત્યનો છે. એને અવગણાય નહીં; છતાંય એની ચર્ચા કરી નથી; કારણ કે આ લેખનો વીષય અલગ છે.
4)   પ્રાચીનકાળ તો શું પણ મધ્યયુગ અને ઠેઠ મોગલયુગ સુધી મોટી બહુમાળી ઈમારતો બંધાતી, સુન્દર કોતરકામ થતું, પણ મોટી બહુમાળી ઈમારતો બનતી નહોતી; કારણ કે ત્યારે છત/ સ્લેબ (slab) બનાવવાની તકનીક શોધાઈ નહોતી. ઈમારતો બાંધવાની અલગ જાતની સીમેન્ટ હતી, ધાતુઓ બનાવવાની આવડતેય હતી; પણ આર. સી. (Reinforced Concrete) બનાવવાની શોધ કોઈએ કરી નહોતી. એના વગર મોટી સાઈઝની સમતળ છત બની શકે નહીં. પુરાણી બધી ઈમારતોને ગુમ્બજ હોય છે(મુસ્લીમ ઈમારતો) કે પછી શીખરો હોય છે(હીન્દુ અને જૈન મન્દીરો). ગુમ્બજ કે શીખર (Self Supporting Structure) પોતાનો ભાર પોતે ઉપાડનાર બાંધકામ છે. જ્યાં છત બનાવવાની જરુર પડી છે ત્યાં પુષ્કળ થાંભલા અને પથ્થરના બીમ લગાવવા પડ્યા છે (ગુજરાતની વાવ). કારણ કે પથ્થરની લંબાઈની મર્યાદા હોય છે અને લાકડાના ટકાઉપણાની પણ મર્યાદા હોય છે. આર. સી.ના સ્લેબ બનાવવા એ પ્રાથમીક તકનીક ગણાય, જે ઠેઠ ઓગણીસમી સદીમાં પશ્ચીમમાં શોધાઈ છે. આજે વપરાતી સીમેન્ટ પણ એ જ અરસામાં શોધાઈ છે.
અત્રે પ્રસ્તુત કરાયેલી ચાર શોધોમાંથી પહેલી શોધ ‘ડીસ્કવરી’ હતી. એના માટે માત્ર અવલોકન અને ગણીતના સમીકરણો પુરતાં હતાં. (આમેય અવકાશી પદાર્થો પર પ્રયોગ શક્ય નથી.) એ શોધાઈ ત્યારે એનું ખાસ કંઈ મહત્ત્વ પણ નહોતું.  જ્યારે બીજી શોધ ‘ઈન્વેન્શન’ બને છે.  એના માટે પુષ્કળ પ્રયોગો કરવામાં આવ્યા હતા. તે ખાસ હેતુસર કરવામાં આવી હતી. ત્રીજી શોધ જેના માટે એ લોકો પોતાની જાનનું જોખમ ખેડતા હતા, તેની શરુઆત ડીસ્કવરીથી થઈ હતી પણ એના ઉપયોગને ‘ઈન્વેન્શન’ કહેવું પડે. ચોથી શોધવૈજ્ઞાનીક રીતે સામાન્ય ગણાય. એના માટે ખાસ પ્રયોગો કરવાની કે જોખમ ખેડવાની પણ જરુર નહોતી. માત્ર થોડુંક આગળ વીચારવાની જરુર હતી.
કોઈ એક શોધ થાય એટલે એ બાબતનું કામ પુરું થઈ નથી જતું. એક જ ક્ષેત્રની કે યન્ત્રની શોધ તબક્કાવાર પણ થાય છે. કોઈ એક વૈજ્ઞાનીકને પાયાના સીદ્ધાન્તો સમજાયા પછી, અન્ય કોઈ વૈજ્ઞાનીક વધારાના કે વધારે ચોક્કસ સીદ્ધાન્તો શોધે છે. યન્ત્ર હોય તો એને વધારે કાર્યક્ષમ બનાવાય છે. આ ક્રીયા લાંબો વખત ચાલી શકે છે. આજકાલ રોજ બજારમાં આવતા નવા મોબાઈલ આનો શ્રેષ્ઠ દાખલો છે. આટલી ઝડપથી આજ સુધી કોઈ પણ વસ્તુ બદલાઈ નથી.
વૈજ્ઞાનીક શોધો તો હજારો થઈ છે અને સતત થઈ રહી છે. પહેલાના વખતમાં અને અત્યારની શોધોમાં એક મુખ્ય તફાવત એ છે કે ત્યારે એકલદોકલ વ્યક્તીએ શોધો કરી હતી. હજી પણ વ્યક્તીઓજ કરે છે; જો કે તે બધી વ્યક્તીઓ યુનીવર્સીટી અથવા કોર્પોરેશન સાથે સંકળાયેલી હોય છે. સ્વતન્ત્ર રીતે નવી શોધ કરવી એક વ્યક્તી માટે ખુબ અઘરું અને ખર્ચાળ બની ગયું છે.
આ બધી વૈજ્ઞાનીક શોધોનાં દૃષ્ટાંત આપવાનો હેતુ શોધ કોને કહેવાય, કેટલી રીતે થઈ શકે વગેરે દર્શાવવાનો છે. એનું કારણ આપણામાં ઘર કરી ગયેલી એક આદત છે. જ્યારે પણ વીકસીત દેશોમાં કોઈ નવી શોધ થાય છે, ત્યારે છાપામાં અવશ્ય વાંચવા મળે છે કે, ‘આ બધું તો પ્રાચીન ભારતમાં હતું જ. પ્રાચીન ઋષી મુનીઓએ અધ્યાત્મ, ધ્યાન અને તપથી બધું જાણી લીધું હતું. પશ્ચીમના લોકોએ આપણા ગ્રન્થોમાંથી બધું ઉપાડ્યું છે, વગેરે વગેરે..’ મોટા ભાગના લોકો કંઈ પણ વીચાર્યા વગર આ બધું સાચું માની લે છે. આવા ઠાલા પ્રચારથી ભોળવાયા વગર વાસ્તવીકતા શું છે કે શું હોઈ શકે છે તે સમજવાની કોશીશ કરીએ.
વીજ્ઞાન એ કુદરતના નીયમ સમજવાનું શાસ્ત્ર છે. એ સ્થળ અને કાળથી પર છે. કુદરતના નીયમ માત્ર અનાયાસ અવલોકનથી નથી સમજાઈ જતા. અવલોકન એ કુદરતને સમજવાની શરુઆત માત્ર છે. એનો અન્ત નથી. જો કે કોઈ ખાસ કારણસર કરવામાં આવતું અવલોકન કેટલાક સંજોગોમાં શોધ બની શકે છે; પણ દરેક અવલોકન એ શોધ નથી બનતું. મોટા ભાગની કુદરતના નીયમ જાણવાની પ્રક્રીયા ઘણી લાંબી છે. એના માટે અવલોકન (observation), જીજ્ઞાસા (Curiosity), અર્થઘટન (interpretation), વીશ્લેષણ(analysis), ચીન્તન (thinking), પ્રયોગ (experimentation) અને ક્યારેક વીસ્તૃતીકરણ(extrapolation)નો આશરો લેવો પડે છે. માત્ર અવલોકન કરવાથી કે ધ્યાન ધરવાથી બધું જ્ઞાન, ખાસ કરીને કુદરતના નીયમોનું, આવી જતું નથી. પ્રાર્થના, ભક્તી, તપ વગેરેથી સમજવાનો તો કોઈ સવાલ જ નથી. કહેવાતાં દાર્શનીક સત્યો કુદરતના નીયમ સમજવા બાબતમાં ખોટા પડ્યા હોય એવા ઘણા દાખલા મોજુદ છે. વ્યક્તીગત જુજ અપવાદ બાદ કરતાં, પ્રયોગો કરવા જેટલો વીકાસ ભારતીય કે અન્ય કોઈ પણ પ્રાચીન સંસ્કૃતીનો થયો નહોતો. એટલે ભારતના જ નહીં; અન્ય કોઈ દેશના લોકો પોતાની પ્રાચીનતાના મોટા મોટા દાવાઓ કરતા હોય તો તેમને પણ આ વાત લાગુ પડે છે.
ભારતના સન્દર્ભમાં કહીએ તો પ્રાચીનકાળથી મધ્યયુગ સુધીના જીજ્ઞાસુઓ/ વીશારદો/ ચીન્તકો ગણીતમાં આગળ હતા; પણ પદાર્થ વીજ્ઞાન વગેરેમાં અવલોકનથી આગળ વધતા નહોતા. ચીકીત્સાશાસ્ત્ર વીકસ્યું હતું, હાથપગના હાડકા સંધાતા હતા, ઉપરછલ્લી શસ્ત્રક્રીયાયે થતી હતી.  પણ શરીરના અન્દરના અવયવોની સર્જરી શક્ય નહોતી. શરીરથી કપાયેલો કોઈ ભાગ પાછો જોડી શકાય એટલી સર્જરી વીકસી નહોતી. આજે ઘણા અવયવ બદલી શકાય છે, કપાયેલી આંગળી પાછી જોડી શકાય છે; પણ માથું છુટું થઈ ગયું હોય તો એને પાછું જોડી શકાય એટલી હદે હજી પણ સર્જરી વીકસી નથી. ભવીષ્યમાં એવું શક્ય બનવાની શક્યતા પણ ના બરાબર છે. એના માટે જટીલતા અને સમયની મર્યાદા કારણભુત છે.
ભુતકાળમાં ઘણા પ્રકારનાં શસ્ત્રો બનતાં હતાં; પણ એક તીર સીવાય બન્દુક, તોપ જેવા અસ્ત્રો નહોતાં બનતાં. વાહનવ્યવહારમાં પ્રાણીઓના ઉપયોગથી આગળ વધી પાયાના યન્ત્ર જેવી સાયકલ બનાવવા સુધી પણ આગળ વધ્યા નહોતા. વીમાન માત્ર કોઈની કલ્પનામાં જ ઉડતા હતા. વાહનોને જોઈતું ઈંધણ શોધાયું નહોતું. ટુંકમાં, વાહનવ્યવહારના કે સન્દેશવ્યવહારના યાન્ત્રીક સાધનો વીકસ્યાં નહોતાં.
હવે વર્તમાનકાળની વધુ વીકસીત શોધોની વાત કરીએ. વીકસીત દેશોમાંથી ક્લોનીંગની સફળતાના સમાચાર આવ્યા એટલે બીજે જ દીવસે છાપામાં મોટા અક્ષરે સમાચાર છપાયા કે : ‘આપણા દેશમાં તો પહેલેથીજ ક્લોનીંગની જાણકારી હતી. 100 કૌરવો ક્લોનીંગથી જ બન્યા હતા.’ આવા દાવાને બાલીશતા કહેવી પડે. જો ક્લોનીંગ શક્ય હોત તો લાખોની સંખ્યામાં સૈનીકો બનાવી શક્યા હોત અને દેશ કોઈ દીવસ પરદેશી શાસન કર્તાઓના હાથમાં ન આવત.
રાજાશાહીના જમાનામાં પુરી દુનીયામાં બહુપત્નીત્વની પ્રથા હતી. રાજાઓને તો કેટલીયે પત્નીઓ હોય. થોડા સમય પહેલા જ છાપામાં ફોટા સાથે સમાચાર આવ્યા હતા કે આજની તારીખે આફ્રીકાના એક દેશના રાજાને 100થી વધારે પત્નીઓ અને 500 જેટલાં બાળકો છે. હસ્તીનાપુરના રાજા ધૃતરાષ્ટ્રને પણ ઘણી પત્નીઓ હોઈ શકે છે. મહારાણી ગાન્ધારીના દુર્યોધન અને દુ:શાસન એમ માત્ર બે પુત્રો હોવાનું ક્યાંક વાચ્યું છે. બાકીના 98 કૌરવો અન્ય રાણીઓના હોઈ શકે કે હતા. ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો જ કહેવાય. આમ તો કેટલાક લોકો મહાભારતને ઈતીહાસ નહીં; પણ માત્ર વાર્તા જ ગણે છે. આપણે એના વીવાદમાં ન જતાં એટલું જ ધ્યાન રાખવાનું જરુરી છે કે દરેક નવી શોધને પ્રાચીન કાળની વાસ્તવીકતા ગણવાને બદલે આવી વ્યવહારુ અને વધારે તર્કબદ્ધ શક્યતાઓ વીચારીએ/ તપાસીએ તો સારું.
મહાભારતના યુદ્ધ પહેલાં વેદવ્યાસ સંજયને દીવ્યદૃષ્ટી આપે છે. જે લોકો શ્રાપ, વરદાન, મન્ત્ર–તન્ત્ર શક્તી વગેરેમાં માનતા હોય એમના માટે કંઈ કહેવું નથી. જે લોકો એવો દાવો કરે છે કે  દીવ્યદૃષ્ટી એટલે ત્યારે પણ ‘ટીવી’ હતું; એમને પુછવાનું કે ટીવીની બનાવટ, એનું પ્રસારણ વગેરેમાં કેટલાં ઉપકરણો જોઈએ એનો કયારે પણ વીચાર કર્યો છે ? ટીવી તો હમણાં શોધાયું છે. સો વરસ પહેલાંના લોકોને ટીવીની કલ્પના પણ નહોતી; ત્યારે સંજયની દીવ્યદૃષ્ટીને કઈ આધુનીક શોધ સાથે સરખાવતા હશે ? કે પછી ત્યારના લોકોને પ્રાચીનકાળના ભારતની સીદ્ધીઓની વાતો કરતા નહોતા. આજે પણ આપણે  ટીવી પર જે સમાચાર જોઈએ છીએ, તે સમાચાર બનાવના સ્થળ પર ગયેલ કોઈ પત્રકાર અને કૅમેરામૅન મોકલે, ત્યારે જ આપણને દેખાય છે. આપમેળે નથી આવી જતા. બધાને રાજા સુધી જવાની પરવાનગી ન હોય, એટલે સમાચાર સંજય દ્વારા પહોંચતા હશે. રાજા પાસે તો જોઈએ એટલા નોકરચાકર હોય છે. દીવ્યદૃષ્ટીની સરખામણીએ આ વધારે તાર્કીક અર્થઘટન નથી લાગતું ?
આવા તો ઘણા દાખલા આપી શકાય. મુળ હેતુ દાખલા આપવાનો નહીં પણ વાસ્તવીકતા સ્વીકારવાનો છે. વૈજ્ઞાનીક શોધખોળોની બાબતમાં આપણા દરેક દાવાને અલગથી મુલવવો જરુરી છે. એટલે આવા અન્ય અ–વૈજ્ઞાનીક દાવાઓની છણાવટ કરી, દરેક વહેતી મુકાતી સ્વ–મહત્તાની વાતને સાચું માનવા અને મનાવવા કરતાં વ્યવહારુ અને વધુ તાર્કીક શક્યતાઓ સ્વીકારીએ એ આપણા હીતમાં છે.
શોધોની સાથે પ્રાચીનકાળની સીદ્ધીઓ સંકળાયેલી છે એટલે આપણે ત્યારની સીદ્ધીઓને પુરતો ન્યાય આપવો જરુરી બને છે. ઘણાં ક્ષેત્રોની સીદ્ધીઓ આગળ વર્ણવાઈ છે. પ્રાચીન કાળમાં કળા, સાહીત્ય, સંગીત વગેરે ક્ષેત્રોની સીદ્ધીઓ નોંધપાત્ર છે. તે ઉપરાંત  એક અગત્યનું ક્ષેત્ર બાકી રહે છે એની પણ નોંધ લઈએ. કુદરતના નીયમ ભલે અફર હોય; સમાજશાસ્ત્રના નીયમ સમ્પુર્ણપણે આપણા હાથની વાત છે. સમુહમાં શાન્તી અને સહકારથી રહેવા માટે; ધાર્મીક ભાષામાં નીતીશાસ્ત્ર કે તત્વજ્ઞાન કહેવાતા, શાસનવ્યવસ્થામાં કાયદા કહેવાતા, અને સામાજીક ક્ષેત્રે પરમ્પરા કહેવાતા; સમાજશાસ્ત્રના નીયમ/બન્ધન બનાવવા અને સમજવા પ્રમાણમાં સહેલા છે. એમને માત્ર ચર્ચા–વીચારણાથી જ બનાવી શકાય છે. સ્થળ અને કાળ પ્રમાણે તે બદલાય પણ છે. દરેક ક્ષેત્રના ઘણા લોકોએ એમાં પોતાનું યોગદાન આપ્યું છે. ભારતનાં સન્દર્ભમાં પ્રાચીનકાળમાં આ ક્ષેત્રે ઘણું કામ થયું હતું એ ની:શંક છે. આપણે એનો ગર્વ અવશ્ય લઈ શકીએ. જો કે આજના સમયમાં પ્રાચીન કાળની સમાજવ્યવસ્થાની ઉપયોગીતા કેટલી સુસંગત છે તે વળી જુદો જ વીષય છે.
–મુરજી ગડા

6 October 2015

ભણવામાં રસ પડતો નથી? – મૃગેશ વૈષ્ણવ

ભણવામાં રસ પડતો નથી? – મૃગેશ વૈષ્ણવ


વિદ્યાર્થીઓ એક પ્રકારના સવાલો અચૂક પૂછે છે ”કોણ જાણે કેમ શાળા કોલેજે જવાનું ગમતું નથી… અભ્યાસમાં રસ પડતો નથી..??”
રસ ક્યાંથી પડે?
રસ ક્યાંક લટકાવેલો છે? જેમાંથી ટીપાં.. ટીપાં પડયા કરે અને તમે ત્યાં મોઢું માંડી રસનો આસ્વાદ માણો?
રસ પદાર્થમાં નથી.
રસ તમારી દ્રષ્ટિમાં છે.
તમારી દ્રષ્ટિમાં રસ ન હોય તો કદી પણ પુસ્તક, નોટ, પેન તમને આકર્ષિત કરી શકે જ નહીં.
તો હવે તમે પૂછશો ”રસ પડે તે માટે શું કરવું?”
વિદ્યાર્થી મિત્રો યાદ રાખો રસ ક્યારેય આપોઆપ ન પડે. રસ કેળવવો પડે.
તમે આ લેખ વાંચો છો. બરાબર?
તમને રસ હતો એટલે જ તમે સમાચાર પત્રની પૂર્તિ હાથમાં લીધી. આ પાનું ખોલ્યું, ટાઇટલ વાંચ્યું અને લેખ વાંચવા બેઠા. બરાબર ને? આ બધું તમે કેમ કરો છો? તમને રસ છે અથવા તો તમે રસ કેળવવા માંગો છો.
કેટલાક એવા પણ લોકો છે જે છાપું હાથમાં લે અને પૂર્તિ બાજુમાં મૂકે. જ્યારે કેટલાક એવા લોકો છે જેમને કંઇક નવું શીખવાનું કે બોધાત્મક વાંચન વાંચતાં માથું દુઃખવા લાગે. શું તમને ભણવાના પુસ્તકો હાથમાં પકડતાં માથું સણકા મારવા માંડે છે? કંટાળો આવે છે? તો પછી એનો અર્થ એવો થયો કે તમને એમાં રસ નથી.
તો પછી એ રસ કેળવવો કઇ રીતે?
ચાલો એક વાત કહો..
તમને પિત્ઝા ભાવે છે ને?
આ તો ઈટાલિયન વાનગી છે. તમને ક્યાંથી ભાવવા લાગી? તમે આ ચાખ્યા અને એનો સ્વાદ – રસ કેળવ્યો. ભલે ને એ આપણા ઘરમાં રોજ ન બનતા હોય તો પણ તમને બહુ ભાવે છે.
તમને ”ફેઇસ બુક” ”વૉટ્સ એપ”માં રસ પડે છે ને? તમને જે ફીલ્મમાં રસ પડે એ તમે ત્રણ-ત્રણ કલાક સુધી જોઇ શકો છો ને?
તમને કોઇપણ બાબતમાં રસ પડે એટલી તમે તેની પાછળ પડો. તેની ધુન કેળવો.
જીવનનું બીજું નામ છે રસ.
તમારી અને અન્ય વ્યક્તિ કે પદાર્થ વચ્ચે સેતુ છે રસ. તમને રસ હશે તો વસ્તુ મેળવશો. રસ હશે તો પ્રવૃત્તિ કરશો, રસ હશે તો વ્યક્તિને મળશો.
આ સદીના મહાન ફીલોસોફર બટ્રાન્ડ રસેલે એક સરસ મઝાનું પુસ્તક લખ્યું છે ”ર્ભહૂેીજા ર્ક રચૅૈહીજજ” – ”સુખની જીત” એમાં સુખના અઢાર માર્ગમાંથી એક માર્ગ માટે પ્રકરણ લખ્યું. એમણે કહ્યું છે : ”નાની નાની બાબતોમાં રસ લેતાં શીખો તો જીવનમાં સુખ મળે. લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય.”
આ રસ પેદા કઇ રીતે કરવો?
એક તો છે તમે એ માટેની ધુન કેળવો.
તમે જાણતા જ હશો કે થૉમસ આલ્વા એડીશન માત્ર નવમું ધોરણ ભણેલા હતા પણ વૈજ્ઞાાનિક પ્રયોગોમાં એવો રસ કે પ્રયોગશાળામાં જ પાટલી પર ઊંઘી જતા.
રસ પેદા કરવાનો બીજો માર્ગ છે : બહુશ્રુતઃ બહુદર્શિતા.
પાબ્લો કાસાલ્સ પ્રખર પિયાનો વાદક હતા. તેઓ ૯૪ વર્ષના થયા ત્યારે ”નૉબલ લૉર્ડ” બની ચૂક્યા હતા. રહેવા સરસ મઝાનો બંગલો, નર્સ, નોકર-ચાકર બધું જ હતું.
સવારે ઊઠે એટલે ધુ્રજતા નર્સના ટેકે ચાલે! નર્સ દૂધ પાય તો દાઢી અને છાતી પર ટીપાં પડે. ત્યાર પછી નર્સ એમને સ્પોન્જ કરીને પિયાનો પાસે બેસાડે. અને એમનામાં અદ્ભૂત ફેરફાર થવા લાગે. એમનું શરીર ટટ્ટાર થવા લાગે અને તેઓ એક યુવાનની જેમ પિયાનો વગાડવા લાગે. અને પિયાનો વગાડવામાં એવા ઓતપ્રોત થઇ જતાં કે ત્યાર પછી તેઓ નર્સની મદદ વિના ટટ્ટાર ચાલવા લાગતા. ગજબનો ફેરફાર!! માત્ર પિયાનો વગાડવામાં કેળવેલા રસને કારણે. રસ પડે પછી કંઇ બાકી રહે?
તો પછી અભ્યાસમાં આવો રસ ક્યારે પડે?
૧. તમે જ્યારે તમારું ધ્યેય જાણો. અને એ સત્ય સમજી જાવ કે તમને શ્રેષ્ઠ સમૃધ્ધિ મળવાની છે?
૨. જ્યારે તમે અંતઃકરણના મર્મ સુધી એ ઉતારો કે ભણવું એ જ તમારા દુઃખ અને પરતંત્રતા દૂર કરવાનો એકમાત્ર રામબાણ ઈલાજ છે.
૩. જ્યારે તમે તમારા ચિત્ત અને ભણતર પ્રત્યે રુચિ પેદા કરો.
આટલું કરી શકશો તો તમારું દ્રષ્ટિ પરિવર્તન થશે. તમારાં પાઠયપુસ્તકો તમને ગમશે. એના પર પૂંઠા ચડાવી એની સાચવણી કરવાનું તમને મન થશે. તમારું પુસ્તક ફાટે કે તરત તમને સાંધવાની ઈચ્છા થશે.
તમારી નોટ, પેન, કંપાસબોક્ષ, પેન્સિલ, રબર વગેરે વ્યવસ્થિત રાખવાની ઈચ્છા થશે.
હા.. માત્ર દ્રષ્ટિ બદલવાથી આટલો બધો ફેર પડશે. યાદ રાખો અભ્યાસમાં રસ પડે તે માટે તમારે તમારા ર્ભયહૈૌપી – ઈર્સૌપી સ્ીહાચન સ્ચૅ – અર્થાત્ માન્યતા – દ્રષ્ટિના મનન નકશા બરાબર બનાવવા પડશે.
આ સમજાવવા એક સરળ ઉદાહરણ આપું છું.
એક ચળકતો પથ્થર રસ્તામાં પડયો હતો. હકીકતમાં તો હીરાના વેપારીના ગજવામાંથી પડી ગયેલો હીરો હતો.
રસ્તા પરથી પહેલાં એક ભરવાડ પસાર થયો. તેણે ચળકતો પથ્થર જોઇ વિચાર્યું ”મારી ગાયને ગળે બાંધીશ તો સરસ લાગશે.”
ત્યારબાદ ત્યાંથી એક ફેરિયો પસાર થયો. તેને વિચાર આવ્યો ”પથ્થર છે તો ચળકતો… પચ્ચાસેક રૃપિયા તો મળી જાય.”
ત્યારબાદ વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો તેણે વિચાર્યું ”સરસ પથ્થર છે. લાવને મારા કંપાસ બોક્ષમાં મૂકી દઉં. મારા દોસ્તોને બતાડીશ. ઘરમાં મારા મમ્મી-પપ્પાને પણ બતાડીશ.”
ત્યારબાદ ત્યાંથી પસાર થતી સ્ત્રીએ એ પથ્થર જોયો અને વિચાર્યું…
”સરસ નંગ છે… મારા ગળાના લોકેટમાં જડાવી પાર્ટીમાં પહેરીશ…”
ત્યારબાદ હીરાનો વેપારી ત્યાંથી પસાર થયો જોતાંવેંત જ તેણે વિચાર્યું…
અરે વાહ!… પચ્ચીસ-ત્રીસ લાખ રૃપિયાનો હીરો છે. શું ચળકાટ… શું વજન છે? કોઇ કરોડપતિની આંગળીથી લસરી પડયો લાગે છે.
ન્યાય કરી દે એવો હીરો છે હીરો…!!

અહીં ભરવાડ / ફેરિયો / સ્ત્રી / વિદ્યાર્થી અને હીરાના વેપારીએ પોતપોતાની માન્યતા-દ્રષ્ટિના મનના નકશા પ્રમાણે હીરો જોઇને એના વિશે વિચાર કર્યો.
તમારા મનનો નકશો – સ્ીહાચન સ્ચૅ એવો બનાવો જેમાં પાઠય પુસ્તક, નોટ, પેન, પેન્સિલ, પેપર તમને હીરા જેવા દેખાય.
સમુદ્રની વચ્ચે તમે ભૂલા પડયા હોવ ને તમને તારી દેતા, કિનારે લાવતી કોઇ બોટ જેવા.
બસ આવી તમારી દ્રષ્ટિ થશે તો તમને શાળા કોલેજે જવાનો કંટાળો નહીં આવે. અભ્યાસમાં રસ પડશે. તમે બૉર નહીં થાવ.
તમને અભ્યાસમાં રસ પેદા થશે.
યાદ રાખો ભણવાથી તરત બદલો નથી મળતો પણ લાંબા ગાળે મોટો બદલો મળે છે.
ભણવાથી જ્ઞાાનના દ્વાર ખુલે છે. સારા મિત્રો મળે છે. સ્ટેટસ મળે છે, સારો / સારી જીવનસાથી મળે છે. તમારી કુશળતા વધે છે. અને વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે.
ન્યુરોગ્રાફ
શાળા કે કોલેજે તમે મંદિર – મસ્જિદ કે ગિરજાઘરમાં જતા હોવ તે રીતે દર્શન કરવા જવાની ભાવનાથી જાવ. કારણ શાળા – કોલેજ ભણવાના મંદિર છે.

5 October 2015

સૌથી વધુ છેતરામણા શબ્દો : આશીર્વાદ અને શુભેચ્છા

»

સૌથી વધુ છેતરામણા શબ્દો : આશીર્વાદ અને શુભેચ્છા

રોહીત શાહ
ગુજરાતી ડીક્શનરીમાં ‘આશીર્વાદ’ અને ‘શુભેચ્છા’ આ બે શબ્દો ખુબ–ખુબ છેતરામણા છે. આશીર્વાદ હોય કે શુભેચ્છા – આપનાર કશું પામતો નથી અને લેનારને કંઈ મળતું નથી, તોય બન્ને પક્ષે સન્તોષ અને આનન્દ છવાઈ જાય છે.
લગ્નની મોસમ હોય કે નુતન વર્ષની આબોહવા હોય, ત્યારે ચારે તરફ આશીર્વાદો અને શુભેચ્છાઓની ભરતી આવેલી દેખાય છે. કોઈનો બર્થ–ડે છે તો આપો શુભેચ્છા ! કોઈની એક્ઝામ છે તો ઠાલવી દો આશીર્વાદ ! કોઈ લાંબો પ્રવાસ કરવા જાય છે તો પાઠવો તેને શુભેચ્છાઓ ! કોઈ પોતાનો નવો વ્યવસાય કે નવી જ જૉબનો પ્રારમ્ભ કરી રહ્યું છે તો વહાવી દો તેના તરફ આશીર્વાદની ગંગા !
આશીર્વાદ મારે મન લૉલીપોપ જેવા છે અને શુભેચ્છાઓને હું ક્રૉસ્ડ ચેક જેવી સમજું છું. લૉલીપોપ ચગળ્યા કરો ત્યાં સુધી બધું ગળચટ્ટું ને મીઠુંમીઠું લાગે. તમને એમ લાગે કે હવે કંઈક વધારે સારું રીઝલ્ટ મળશે, મારું પેટ ભરાઈ જશે, સ્વાદીષ્ટ વાનગીથી મારી ભુખ તૃપ્ત થઈ જશે. પણ ત્યાં જ લૉલીપૉપ પુરી થઈ જાય. તમારી ભ્રાંતીનો ભુક્કો થઈ જાય. તમે હતા ત્યાં જ ઉભેલા હો અને હતા તેવા જ હો !
શુભેચ્છાઓ રુપી ચેક આપણને મળે એટલામાત્રથી જ કાંઈ આપણી પાસે રકમ આવી જતી નથી. એ માટે સૌ પ્રથમ તો આપણી પાસે બેન્ક એકાઉન્ટ (પાત્રતા) હોવું જોઈએ. પછી આપણને મળેલો ચેક સ્લીપબુકમાં વીગતો ભરીને નીયત સમયમાં બૅન્કમાં જમા કરાવવો પડે (પુરુષાર્થ). પાત્રતા ન હોય અને પુરુષાર્થ કરવાની દાનત ન હોય તો હજારો આશીર્વાદો અને લાખો શુભેચ્છો મળે તોય આપણું કશું કલ્યાણ ન થાય.
અગાઉ કહ્યું તેમ આ બન્ને શબ્દો છેતરામણા છે. આપનારે કશુંય ખોવું પડતું નથી, મેળવારે કશું ભેગું કરવું કે ઉંચકવું પડતું નથી. કશું જ આપ્યા–લીધા વગર સઘળું  આપ્યા–લીધાનો આનન્દ અને સન્તોષ બન્ને પક્ષે જોવા મળે છે.
તમે વીચાર કરો, માત્ર આશીર્વાદથી જ સુખ મળી જતું હોત અને આશીર્વાદથી જ જીવનનો માર્ગ સરળ થઈ જતો હોત તો આજે એકેય દમ્પતી દુ:ખી હોત ખરું ? આજે એકેય સન્તાનને કશી સમસ્યા હોત ખરી ? દરેક લગ્નપ્રસંગે વરકન્યાને વડીલો કેટલા બધા આશીર્વાદથી તરબોળ કરે છે ! જે યુવતીને ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ મળ્યા હોય તે જ યુવતીનો પતી હનીમુન વખતે એક્સીડન્ટમાં મૃત્યુ પામે છે, એવું કેમ ? ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ પામેલી યુવતી લાઈફટાઈમ સન્તાન વગરની કેમ રહે છે ? કદાચ તેને સન્તાન થાય તો તે જ સન્તાન તેના માટે સન્તાપ કેમ બની રહે છે ? શું આવા સન્તાપ આપનારાં સન્તાનો માટે તેને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવે છે ? દરેક બર્થ–ડે વખતે, દરેક એક્ઝામ વખતે પેરન્ટ્સ અને વડીલોના આશીર્વાદ મળ્યા પછીય કેમ ધાર્યું સુખદ રીઝલ્ટ નથી મળતું ?
નુતન વર્ષ આવે એટલે જાતજાતની શુભેચ્છાઓ મળે છે. રંગીન અને સુગંધીત–સુશોભીત મોંઘેરા કાર્ડ્ઝ દ્વારા શુભેચ્છાઓને બદલે હવે તે ઈ–મેલ દ્વારા પાઠવવામાં આવે છે. રુબરુ શુભેચ્છાઓનો વાડકી–વ્યવહાર થાય છે. ‘નવું વર્ષ તમને સુખ–સમૃદ્ધી, યશ અને સફળતા આપનારું નીવડે’ એવી હજારો શુભેચ્છાઓ મળ્યા પછીય આપણી લાઈફમાં લેશમાત્ર ફરક પડે છે ખરો ? આપણા સન્તાનો માટે લાઈફ–પાર્ટનરની જરુર છે અને યોગ્ય પાત્ર નથી મળતું. આપણને ઘુંટણનો દુખાવો છે અને પગમાં વાઢીયા પડ્યા છે. હજારો ઉપચારો બેકાર પુરવાર થાય છે. શુભેચ્છાઓ આપવામાં અને મેળવવામાં આપણે ખુબ ઉદાર રહીએ છીએ; છતાં એનો કોઈ નક્કર પ્રભાવ આપણી લાઈફમાં કેમ દેખાતો નથી ?
પછી અન્તે તો મન મનાવવાની વાત કરીએ છીએ. નસીબની વાત કરીને, કર્મફળની વાત કરીને, ગ્રહદશાનું બહાનું કાઢીને આપણે કૉમ્પ્રોમાઈઝ કરી લઈએ છીએ. જો આ બધી બાબતો જ મહત્ત્વની હોય તો પછી શા માટે શુભેચ્છાઓ અને આશીર્વાદની ફૉર્માલીટીઝ પાછળ સમય અને સમ્પત્તીને આપણે વેડફતા રહીએ છીએ ?
એક સાવ સાચી ઘટનાની તમને વાત કરવી છે. એક બહુ સજ્જન જ્યોતીષી હતા. તેઓ ગોરપદુંય સંભાળે. વીધી–વીધાન અને ક્રીયાકાંડ–કર્મકાંડ બધું જાણે. જ્યોતીષશાસ્ત્રનોય ઉંડો અભ્યાસ. સૌને શુભ મુહુર્તો કાઢી આપે. હવે તેમની જ દીકરીના લગ્ન કરવાનાં હતાં. મુરતીયો પસંદ થઈ ગયો હતો. શુભ મુહુર્તો ગોઠવાઈ ગયાં હતાં. રંગેચંગે લગ્ન થયાં. આશીર્વાદો અને શુભેચ્છાઓ ભરપુર વરસ્યાં; પરન્તુ બન્યું એવું કે જ્યોતીષીની દીકરી માત્ર બે–અઢી વર્ષે જ વીધવા થઈ.
આજે તો તે જ્યોતીષી હવે રહ્યા નથી; પણ તેમની વીધવા દીકરી તેના સન્તાન સાથે આજેય જીવી રહી છે. શુભ મુહુર્ત અને આશીર્વાદ–શુભેચ્છાઓ જો ખરેખર ફળતાં હોય તો તે દીકરીને એવું ભરપુર સુખ મળ્યું હોત કે આપણને સૌને તેની ઈર્ષ્યા ઉપજી હોત. એને બદલે તેના પ્રત્યે કરુણા જાગે એવી તેની કરુણ દશા કેમ થઈ ? આવાં નક્કર પરીણામ જોયા પછી પણ આપણે ખોટી ફૉર્માલીટીઝ પાછળ કેમ લાંબા થયા કરીએ છીએ ?
સંસારનો કોઈ ડાહ્યો માણસ પોતાનો રસ્તો ખોટો જ છે એ જાણ્યા પછી આગળ ને આગળ ચાલ્યા કરે ખરો?
તમે કદાચ માર્ક કર્યું જ હશે કે કોઈ વીદ્યાર્થીને મહત્ત્વની એક્ઝામ આવી રહી હોય ત્યારે સ્વજનો–મીત્રો એને શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડે છે. કાં તો ફોન કરશે, કાં તો ઈ–મેલ કરશે. અરે યાર, જરાક તો વીચાર કરો : તેને એક્ઝામ આપવા જવાનું છે, તેણે તૈયારીઓ કરવાની છે. આવા તબક્કે જો આપણે તેને ડીસ્ટર્બ કરીએ તો આશીર્વાદ પોતે જ અભીશાપ બની જાય ! શુભેચ્છાઓ બદદુવાઓ બની જાય. તેને નીરાંતે તૈયારી કરવા દો. એકાગ્રતા અને ચોકસાઈથી તેને ભણવા દો. સારું રીઝલ્ટ આવે પછી અભીનન્દન આપવા જરુર જજો, પણ શુભેચ્છાઓને બહાને તેને અભ્યાસમાં ડીસ્ટર્બ કરવા ન જશો.
શુકન–અપશુકન, શુભ–અશુભ મુહુર્તો, સારાં–ખરાબ ચોઘડીયાં, શુભ–અશુભ દીવસો, આશીર્વાદ, શુભેચ્છા, અભીશાપ, બદદુવા, મુઠ મારવી, મેલી વીદ્યા કરવી, મન્ત્રતન્ત્રથી સીદ્ધીઓ મેળવી લેવી, કોઈ એક ખાસ દીવસે ખાસ દેવ–દેવીની પત્તર ઠોકવી – આ બધું કરવાથી કાંઈ જ વળતું નથી. બધું સાવ હમ્બગ છે. વાસ્તુશાસ્ત્રની વાહીયાત વાતો પાછળ ઘણા લોકો ખુવાર થઈ ચુક્યા છે. તે ભોટ–ડફોળ લોકોને એટલુંય ભાન નથી પડતું કે રસોડાનો દરવાજો જુદી દીશામાં કરવાથી રસોઈ સ્વાદીષ્ટ બનતી નથી. સંડાસ–બાથરુમની દીશા મહત્ત્વની નથી; કબજીયાત ન હોવી મહત્ત્વની છે. ફ્રીજ હોય એટલું ઈનફ છે; પછી એ ઘરના કયા ખુણામાં મુકેલું છે એની મહત્તા નથી. આપણી અનુકુળતા જ જોવાની હોય. વહેમ અને અન્ધશ્રદ્ધા તો અનલીમીટેડ કંપનીઓ છે. એના રવાડે ચડ્યા તો ફેંકાયા જ સમજો ! જે છે તેનો સન્તોષ માનો અને વધારે સુખ માટે પ્રામાણીક પુરુષાર્થ કરતા રહો. ફળ ન મળે તોય નીરાશ ન થાઓ. ગ્રહોનું તમે શું બગાડ્યું છે કે એ તમને નડવા આવે ? તમને નડવાથી ગ્રહોને વળી શો ફાયદો ? સ્વસ્થ–તટસ્થ રહો અને જે સંજોગો સહજ મળ્યા હોય એનો સ્વીકાર કરો. સુખી થશો જ.
 રોહીત શાહ

તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો

તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો

રોહીત શાહ
‘અમારો દીકરો આગમ બહુ ધાર્મીક છે. હજી તો તે માંડ દસ વર્ષનો છે; છતાં કાંદા–લસણ ખાતો નથી, ટી.વી.–ફીલ્મ જોતો નથી, રાત્રે કદી ખાતો–પીતો નથી.’
મમ્મી–પપ્પાની આવી ગૌરવવાણી સાંભળીને આપણો અહોભાવ તેમના દીકરા પર ઠલવાઈ જવા લાગે છે. ધર્મને આપણે સમજવાનો નહીં; અનુકરણનો વીષય બનાવી દીધો છે. કશું જ સમજ્યા વગર એક પરમ્પરાને પકડી લેવી એ ધાર્મીકતા છે શું ?
પરમ્પરાનાં જાળાં :
ધર્મ શ્રેષ્ઠ બાબત છે એની ના નથી;, કીન્તુ ધર્મ વીશેનું અજ્ઞાન સૌથી ભુંડી બાબત છે. રેડીમેડ ટ્રેડીશનને અનુસરવાથી ધાર્મીક હોવાનું લેબલ લાગી જાય છે. કેટલાંક પેરન્ટ્સને પોતાનાં બાળકને ધાર્મીક બનાવી દેવાનો એટલો બધો રઘવાટ હોય છે કે તેઓ બાળકનું બાળકપણું ઝુંટવી લેતાં હોય છે, બાળકને દરેક પ્રકારના આનન્દથી દુર રાખવાના ઉધામા કરે છે. આ ન ખવાય, આ ન જોવાય, આમ ન કરાય – ન કરવાની યાદીમાં બાળકને ગુંગળાવી દેવામાં આવે છે. નાનું બાળક પોતાની બુદ્ધીપ્રતીભા ડેવલપ કરે અને સામે કોઈ તાર્કીક પ્રશ્નો પુછતું થાય એ પહેલાં જ તેના દીમાગમાં પરમ્પરાનાં જાળાં ગુંથી દેવાય છે. રેડીમેડ ધર્મના ખ્યાલો તેના ફ્રેશ માઈન્ડમાં ઠાંસી–ઠાંસીને ભરી દઈને લૉક કરી દેવામાં આવે છે. બાળક એટલી હદે બંધીયાર અને નૅરો–માઈન્ડેડ બની જાય છે કે તેને ગોખાવી દીધેલી ધાર્મીકતાની બહાર ડોકીયું કરવામાં પણ તે પાપ સમજે છે.
ધર્મ કે સામ્પ્રદાયીકતા ?
બાળકને ધર્મ સમજાવવો એ જુદી વાત છે અને તેને માત્ર પરમ્પરાઓ પઢાવી દેવી એ જુદી વાત છે. કેટલાંક પેરન્ટ્સ તો પોતાનાં બાળકોને ફાલતું ધાર્મીક શીબીરોમાં મોકલતા હોય છે. આવી શીબીરોમાં ધર્મનું નહીં; સામ્પ્રદાયીકતાનું પ્રભુત્વ હોય છે. સુખ અને આનન્દ ભોગવવાં એ પાપ છે એનું જ રટણ ત્યાં થતું હોય છે. શીબીર ચલાવનાર ગુરુ બાળકોને ધર્મનું નહીં; એના ખુદના સમ્પ્રદાયનું ગોખણીયું જ્ઞાન પીરસે છે. વાહીયાત વીધીવીધાનો અને ક્રુર ક્રીયાકાંડો કરવા માટે જ જાણે કે મનુષ્ય–અવતાર મળ્યો હોય એવું શીક્ષણ આપવામાં આવે છે. બાળક પરાક્રમી અને પ્રામાણીક, ચારીત્ર્યવાન અને સ્પષ્ટવક્તા બને એ જરુરી છે કે ટીલાં–ટપકાં તાણનારું ભગતડું બને એ જરુરી છે ? ધર્મના નામે સામ્પ્રદાયીકતામાં બાળક ગુંગળાઈ ન જાય એ જોવાની જવાબદારી કોની ?
સામ્પ્રદાયીક શીબીરો શંકાસ્પદ :
બાળક ગમે તેનાં ચરણોમાં સાષ્ટાંગ કરીને આળોટતું થઈ જાય એટલે તે ધાર્મીક બની ગયું  ? ‘જય જીનેન્દ્ર’, ‘જય સ્વામીનારાયણ’, ‘જેશી ક્રષ્ન’, ‘ખુદા હાફીઝ’ બોલવાનું આવડી જાય એટલે બાળક શું ધાર્મીક બની ગયું ? આ બધાં સામ્પ્રદાયીક પ્રતીકો છે. ગળથુથીમાંથી જ જેને સામ્પ્રદાયીકતા પીવડાવવામાં આવતી હોય તે બાળક ભવીષ્યમાં ધર્મને સમજવા જેટલું ઉદાર અને નીખાલસ બની શકે ખરું ? ધર્મ કદી સંકુચીત નથી હોતો અને સામ્પ્રદાયીકતા કદી ઉદાર નથી હોતી. ધર્મ સમભાવ શીખવાડે છે, સહીષ્ણુતા આપે છે; જ્યારે સામ્પ્રદાયીકતા માત્ર સંકુચીતતા આપે છે. એ સંકુચીતતા આગળ જતાં વીસ્તરીને અન્ય ધર્મ–સમ્પ્રદાય પ્રત્યે ધીક્કાર અને ઘૃણા પ્રગટાવે છે. પોતાની જ પરમ્પરાઓ શ્રેષ્ઠ છે અને બીજાઓની પરમ્પરાઓ ખોટી કે નકામી છે એવાં ખોટાં ગણીત બાળકના મનમાં દૃઢ કરનારી શીબીરો યોજનારા ગુરુઓની દાનત ડાઉટફુલ છે. શીબીરમાં આવેલાં બાળકોમાંથી ભવીષ્યના પોતાના શીષ્યો શોધવાનો પ્રપંચ પણ તેની પાછળ હોય છે !
બાળકને જીજ્ઞાસુ બનાવો :
વીશ્વ આજે જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બાળકને સામ્પ્રદાયીક સીમાડાઓમાં બાંધી રાખવું એ મહાપાપ ગણાશે. બાળકને  ગાયત્રીમંત્ર, નવકારમંત્ર કે કુરાનની આયાત નહીં આવડે તો તેનું કશું અટકી પડવાનું નથી; પણ તેને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નહીં આવડે તો તે દુ:ખી–દુ:ખી થઈ જશે. બાળકને ગોખણીયું ન બનાવો, જીજ્ઞાસુ બનાવો. તેના દીમાગમાં જાતજાતના પ્રશ્નો ફુટતા રહેવા જોઈએ. બુદ્ધી જે વાત ન સ્વીકારી શકે એનો વીનમ્ર વીરોધ કરવાનું તેને આવડવું જ જોઈએ. મોટે ભાગે એમ કહેવાય છે કે ભક્તીના માર્ગમાં બુદ્ધીનું કોઈ જ કામ નથી. એનો અર્થ એ થાય કે ભક્તીના માર્ગમાં માત્ર મુર્ખાઓનાં ટોળાં જ જઈ શકે છે ! બુદ્ધી વગરની ભક્તી હંમેશાં જડતાનો જ પર્યાય બની રહેતી હોય છે.
બાળકને એ સમજાવો કે…
ભગતડું બાળક સાંસારીક બાબતોમાં ડગલે ને પગલે પાપ જોતું થઈ જશે. પેરન્ટ્સની એ જવાબદારી છે કે પાપ અને પુણ્યની સાચી અને તટસ્થ સમજ બાળકને આપવી. ટી.વી. જોવું હંમેશાં ખરાબ નથી. શું જોવું અને શું ન જોવું એનો વીવેક બાળકને સમજાવવો જરુરી છે. ટી.વી. પ્રત્યે ધીક્કાર કરવાથી કંઈ ધાર્મીક બની જવાતું નથી. બાળકને એ પણ સમજાવવું જરુરી છે કે સાંસારીક સમ્બન્ધો ભલે સ્વાર્થથી ભરેલા હોય; છતાં નકામા નથી. સ્વાર્થ ન હોય, તો જગતમાં ધર્મ કરવા પણ કોણ નવરું છે ? મોક્ષ અને વૈકુંઠ પામવાનો સ્વાર્થ ન હોય, તો કોણ ભક્તી કરવા બેસશે ? બાળકને એ સમજાવો કે પરાવલમ્બી બનવું એ સૌથી મોટું પાપ છે. હરામનું ખાવું એ પાપ છે. બાળકને એ પણ સમજાવો કે સૌથી મોટું પુણ્ય શક્તી અને સામર્થ્ય છે. જે શક્તી પરોપકાર કરે છે એ શક્તી જ પોતે ધર્મ છે.
સંતાનને ભુલશો નહીં :
ભુલો ભલે બીજું બધું મા–બાપને ભુલશો નહીં,
અગણીત છે ઉપકાર તેના એહ વીસરશો નહીં !
આ કવીતા આપણે ખુબ ગાઈ લીધી. એ કવીતાનો મર્મ જો કે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. છતાં આજે એક ‘અજાણ્યા કવી’ની કવીતા ગાવી છે. જુની કવીતા સન્તાનોએ  યાદ રાખવાની છે, તો આ નવી કવીતા પેરન્ટ્સે યાદ રાખવાની છે:
ભુલો ભલે જગમાં બધું સંતાનને ભુલશો નહીં !
અગણીત છે અરમાન તેનાં એહ વીસરશો નહીં !
પુજા કરી, બાધા કરી ત્યારે દીઠું છે મુખડું,
એ દેવના દીધેલને કદીયે દુભવશો નહીં !
ગુણમાં તમારાથી સવાયાં નામ એ તમ રાખશે,
ઘડપણ મહીં થાશે સહારો વાત એ ભુલશો નહીં !
શ્રદ્ધા ભરો, ક્ષમતા ભરો, સંસ્કાર તેના દીલમાં
સ્વપ્નો તેનાં સાકાર થાશે, બનશે માન એ વીશ્વમાં !
 –રોહીત શાહ

ફરજ છોડીને બાપુની કથામાં જવાય ?

 

ફરજ છોડીને બાપુની કથામાં જવાય ?

–ડૉ. શશીકાન્ત શાહ
પ્રકાશ એમ.એડ્.માં મારો વીદ્યાર્થી હતો. અત્યન્ત તેજસ્વી કારકીર્દી ધરાવનારા એ વીદ્યાર્થીનો ગયા સપ્તાહમાં ફોન આવ્યો. પ્રકાશ કહે છે; ‘સર, અમારા નગરમાં બાપુની કથાનું આયોજન ગોઠવાયું છે. શાળામાંથી આઠ દીવસની રજા મુકીને હું કથા સાંભળવા જવાનો છું !’ એમ.એસ.સી,; એમ.એડ્.ની ફર્સ્ટ ક્લાસ ડીસ્ટીન્ક્શન સાથેની ડીગ્રીઓ ધરાવતો પ્રકાશ, એક શાળાના ઉચ્ચતર માધ્યમીક વીભાગમાં ફીઝીક્સ ભણાવે છે. બીજા માણસો નીતી અને મુલ્યોની વાતો કરે છે, જ્યારે પ્રકાશ આદર્શઘેલો યુવાન છે. જીન્દગીમાં કદી ટ્યુશન ન કરવાની એણે પ્રતીજ્ઞા લીધી છે અને આશ્ચર્યજનક રીતે એ પ્રતીજ્ઞાનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. પ્રકાશની વાત સાંભળ્યા પછી મેં મારી સ્ટાઈલ પ્રમાણે શાન્તીથી; છતાં મારી નારાજી ભેળવીને થોડાક પ્રશ્નો એના તરફ રવાના કર્યા : ‘શાળામાં રજા મુકીને, વીદ્યાર્થીઓનો અભ્યાસ રઝળતો છોડીને તું આખું અઠવાડીયું ‘બાપુ’ની કથા સાંભળશે ? આ હું શું સાંભળી રહ્યો છું ? આવો નીર્ણય લેતા તને શરમ ન આવી ?’ પ્રકાશે ફોન મુકી દીધો. બીજે દીવસે ફરીથી એનો ફોન આવ્યો, ‘સર, હું શાળાના દરવાજેથી આપને ફોન કરી રહ્યો છું. મેં મારી રજાઓ રદ કરાવી દીધી છે અને આજથી પુનઃ ફરજ પર હાજર થઈ જાઉં છું. મને સાચો માર્ગ બતાવવા માટે આપનો ખુબ ખુબ આભાર.’
સરકારી કર્મચારી, શાળાનો શીક્ષક કે કૉલેજનો પ્રૉફેસર પોતાની ફરજ છોડીને બાપુની કથામાં જઈને ગોઠવાઈ જાય એ તો સમાજનો દ્રોહ છે. સેંકડો કીલોમીટર દુરથી એક ગરીબ, રાંક માણસ સરકારી કામકાજ માટે ગાંધીનગર આવે છે. ઑફીસમાં જાય છે, તો આપત્તીજનક સમાચાર સાંભળવા મળે છે : ‘સાહેબ તો બાપુની કથા સાંભળવા લાંબી રજા પર છે. હવે તો જે થાય તે દસ દીવસ પછી !’ સાહેબની ઉંમર, પ્રીય વાચકો, આપ કેટલી ધારો છો ? ચાળીસ અને પચાસની વચ્ચે હશે. બાપુની કથા સાંભળવા તેઓ નીવૃત્તી સુધી થોભી શક્યા હોત. વળી, ખુરશી પર બેસીને હરામના રુપીયા નહીં પડાવતા, લાંચરુશ્વત નહીં ખાતા મુલ્યનીષ્ઠ માણસે ફરજ છોડીને કથા સાંભળવા જવાની જરુર શી છે ? લાંચીયો અધીકારી કથા સાંભળવા જાય તેનોયે કોઈ અર્થ નથી. દુર દુરથી ભણવા આવતા વીદ્યાર્થીને રખડતા મુકીને કથા સાંભળવાથી શીક્ષકને પ્રકાશ સાંપડે કે તીમીર ?
જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને ની:સ્વાર્થભાવે નીષ્ઠાપુર્વક ગ્રાહકોની, દર્દીઓની, પ્રજાજનોની સેવા કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાનું બચતું નથી. જેમણે જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો હોય એમણે, ત્યાર પછી મંદીરમાં, ચર્ચમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે એ સ્થળ તીર્થધામ છે. ફરજનીષ્ઠ કર્મચારી પોતાના સ્થાન પર બેઠો બેઠો પ્રભુસેવા જ કરે છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની લાંચ આપ્યા વગર કે માનસીક યાતના ભોગવ્યા વગર થોડીક મીનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે તેની તુલનામાં તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય. આ પ્રકારે વીના વીઘ્ને અને વીના વીલંબે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બંને ઉંડા સંતોષની લાગણી અનુભવે છે. કામને પુજા ગણનારા માણસોને લીધે જ આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની સંખ્યા જેટલી વધારે એટલી સમાજની ગુણવત્તા પણ ઉંચી.
એક શાળાના શીક્ષક ચાર મહીનાની રજા મુકીને અમેરીકા ભાગી ગયા. તેઓ ચાર મહીના પછી પુનઃ ફરજ પર હાજર ન થયા. અમેરીકામાં બેઠાં બેઠાં તેઓ પોતાની રજા લંબાવી રહ્યા છે. પોતાના સ્થાને ફરજ પર હાજર નહીં થનારો એ શીક્ષક, રાજીનામું આપતો નથી એટલે એમની જગ્યા પર બીજા શીક્ષકની નીમણુંક થઈ શકતી નથી. આ ગુરુજી અમેરીકામાં શોપીંગ સેન્ટરમાં મજુરની જેમ કામ કરે છે અને અહીં બીચારા વીદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાથી વંચીત રહ્યા છે !
બાપુની કથા સાંભળવા ઈચ્છતા પ્રકાશભાઈને રજા રદ કરવા માટે અભીનન્દન આપીને મેં જણાવ્યું : ‘ભલા માણસ, તમારી જગ્યા પર અનુદાનીત શાળામાં આ શીક્ષણદ્રોહી સરકાર અવેજી શીક્ષકની નીમણુંક કરશે ? સાત દીવસ વીદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેની જવાબદારી કોની ? બાપુની કથા રજાના દીવસે કે રવીવારે સાંભળવા જવાય, નીવૃત્તી પછી ત્રણસો પાંસઠ દીવસ કથા સાંભળવાનું રાખીએ.. ક્યાં કોઈને વાંધો છે ? પરન્તુ કથા સાંભળવા ફરજ છોડીને દોડવાનું ? પોતાના કામકાજ માટે આવતા પ્રજાજનોએ ધક્કા ખાયા કરવાના ? જીવનમાં કામોની અગ્રીમતા જેવું કંઈ હોય કે નહીં ?’
ઉચ્ચતર માધ્યમીક વીભાગમાં મેથ્સ શીખવતા એક શીક્ષીકાનો દીકરો બાર સાયન્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં બેસવાનો હતો. પતી બૅન્કમાં મૅનેજર છે. પતીએ પત્નીને સુચના આપી, ‘સ્કુલમાંથી પંદર દીવસ રજા લઈ લે, જેથી પુત્રને શીક્ષણ આપી શકાય અને એની સગવડ સચવાય.’ શીક્ષીકાએ નમ્રતાથી જવાબ આપ્યો, ‘શાળામાં મારા સીત્તેર દીકરા-દીકરીઓ પણ આ જ પરીક્ષામાં બેસવાના છે. મારા વીષય પર તો એમની કારકીર્દીનો આધાર છે. હું પંદર દીવસ તો શું, એક કલાક માટે પણ મારા વીદ્યાર્થીઓથી દુર રહેવાનું નહીં સ્વીકારું.’ ડોક્ટર અને ઈજનેર બની ગયા પછી, કેનેડા અને અમેરીકામાં સેટલ થયા પછી અને મહીને બે-પાંચ લાખ રુપીયાનો પગાર મળતો હોવા છતાં; આ વીદ્યાર્થીઓ પોતાના ગુરુજીને જોતાં જ ચરણસ્પર્શ કરવા કેમ ઉતાવળા થાય છે તેનું કારણ અહીં છુપાયેલું છે. એક શાળાના આચાર્યની ઉંમર ચોપન વર્ષ છે. ડૉક્ટરે એન્જીયોગ્રાફી કરીને સુચના આપી, ‘તાત્કાલીક બાયપાસ સર્જરી કરાવવી પડશે, ચાર વેઈન્સ બ્લોક છે.’ ગુરુજીએ શાંત અને મક્કમ અવાજમાં કહ્યું,  ‘હમણાં શાળાને અને વીદ્યાર્થીઓને મારી જરુર છે… વેકેશન શરુ થાય ત્યાં સુધી કંઈ વીચારવાનું નથી.’ જનસેવા એ જ પ્રભુસેવા એવું સમજીને જીવતા એ ફરીશ્તાઓને આદરપુર્વક વંદન. ભગવાને સોંપેલી ફરજ છોડીને બાપુની કથા સાંભળવા તો શું, સ્વયમ્ ભગવાન દર્શન આપવા તૈયાર ઉભા હોય તોયે ન જવાય.
–ડૉ. શશીકાન્ત શાહ

વાસ્તુ’શાસ્ત્ર કરતાં ‘વસ્તુ’શાસ્ત્ર વધુ મહત્ત્વનું છે !

વાસ્તુ’શાસ્ત્ર કરતાં ‘વસ્તુ’શાસ્ત્ર વધુ મહત્ત્વનું છે !

 રોહીત શાહ
એક માણસને શરદી જેવી સામાન્ય બીમારી હતી. થોડા ઘરગથ્થુ ઉપચારો કર્યા; પણ શરદી મટી નહીં. તે માણસ એક ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે તેને તપાસીને કહ્યું, ‘વાઈરલ ઈન્ફેકશન છે.’
પછી તે માણસે એક વૈદ્યરાજને બતાવ્યું. વૈદ્યરાજે નીદાન કરીને કહ્યું, ‘તમને કફદોષ છે.’
એક જ્યોતીષીએ પણ પોતાની રીતે ગ્રહો–નક્ષત્રોનાં પલાખાં માંડીને જવાબ આપ્યો, ‘તમારા પર અત્યારે માઠી ગ્રહદશાનો પ્રભાવ ચાલી રહ્યો છે. હજી પંદરેક દીવસ સુધી આ પ્રભાવ રહેશે.’
પેલો માણસ એક તાંત્રીક પાસે માર્ગદર્શન લેવા ગયો. તાંત્રીકે ભયાવહ મુખાકૃતી કરીને આગાહી ઉચ્ચારી, ‘તમારા કોઈ શત્રુએ તમારા માટે મેલી વીદ્યાનો પ્રયોગ કરાવ્યો છે. તેની સામે તમારેય વીધી કરાવવી પડશે. જો વીધી કરાવવામાં વીલમ્બ કરશો તો પછી પેલી મેલીવીદ્યાનો પ્રભાવ આગળ વધી જશે. તમારા માટે કદાચ જીવનું જોખમ પણ થઈ શકે છે !’
હવે વારો આવ્યો વાસ્તુશાસ્ત્રીનો. તેણે પેલા માણસના ઘરે જઈને જોયું, ‘તમારા રસોડાનું બારણું દક્ષીણ દીશામાં છે એને કારણે આ તકલીફ ઉભી થઈ છે અને તમારા બેડરુમની બારી ઈશાન ખુણા તરફની છે એને કારણે તમારી તકલીફનો ઉકેલ શક્ય નથી. તમારે એ બન્નેની સીચ્યુએશન બદલવી જ પડશે !’
વાત માત્ર એટલી જ હતી કે એક માણસને સામાન્ય બીમારી હતી. જુદા–જુદા લોકોએ વાતનું વતેસર કરી નાખ્યું. જાત–જાતનાં નીદાનો અને ભાત–ભાતના ઉપચારો ! પેલો માણસ કન્ફ્યુઝ થઈ ગયો. છેલ્લે તે કોઈ સાધુ પાસે ગયો અને તેમનું માર્ગદર્શન માગ્યું. સાધુએ માર્મીક રીતે મંદ સ્મીત કરતાં કહ્યું, ‘ભાઈ, આ તો ગયા જન્મનાં કર્મનું ફળ છે. તેં ગયા ભવમાં કંઈક પાપકર્મ કર્યું હશે એટલે હવે આ ભવમાં ભોગવવાનો વારો આવ્યો છે !’
દરેક ધન્ધાદારી માણસ સાવ સામાન્ય વાતને પોતપોતાની રીતે ટ્વીસ્ટ કરતો હતો, વળ ઉપર વળ ચઢાવ્યે રાખતો હતો !
જગતમાં લાખો લોકોને નાની–મોટી શારીરીક, માનસીક, આર્થીક, સામાજીક તકલીફો પડતી જ હોય છે. સંસારની એક પણ વ્યક્તી તકલીફમુક્ત નથી. તમારી તકલીફનો ઉંડો અભ્યાસ કરીને તમે જાતે જ એનું નીવારણ શોધી શકો; પરંતુ તમે એવું નથી કરતા. તમારા સ્વજનો–મીત્રોય ક્યારેક તમને મીસગાઈડ કરતા રહે છે. પરીણામે તકલીફ દુર નથી થતી. વાહીયાત ઉપચારો તમારા માટે થોડો વખત આશ્વાસન બને છે. તમે થોડા સમય માટે રીલૅક્સ થયા હોય તેવું ફીલ કરો છો; પરંતુ આખરે ઠેરના ઠેર !
લાખો લોકોનાં ઘરમાં રસોડાનું બારણું કોઈ એક ચોક્કસ દીશામાં હોય છે અને ઘરમાં બેડરુમની બારી પણ કોઈ એક ચોક્કસ દીશામાં હોય છે. બહુમાળી ફલૅટમાં તો અનેક લોકોના ફલૅટના બારી–દરવાજા કોઈ એક જ દીશામાં હોય છે. છતાં એ તમામની તકલીફો એકસરખી નથી હોતી. તમારા ઘરમાં ફ્રીજ અને એસીની સગવડ હોય એ મહત્ત્વનું છે; એની દીશા નહીં. મને તો વાસ્તુશાસ્ત્ર કરતાં વસ્તુશાસ્ત્રમાં વધુ ઈન્ટરેસ્ટ છે. જેના ઘરમાં તીજોરી કે ફ્રીજ ન હોય તેને વાસ્તુશાસ્ત્રના દોષો તો લાગે જ છે !? ભાગ્યરેખા જો હથેળીમાં જ હોય અને ભાગ્યરેખાઓ અનુસાર જ બધું ચાલતું હોય તો જેના હાથ જ નથી એવી વ્યક્તીનું ભાગ્ય શેના આધારે ચાલશે ?
ખોટી દીશામાં માણસ ગમે એટલો આગળ ચાલતો રહે તો પણ તે સાચી મંઝીલ પર પહોંચી નથી શકતો.
શરીર છે; તો બીમારી પણ આવે. જીવન છે; તો સંઘર્ષોય આવે. ધન્ધો છે; તો નુકસાન પણ આવે. સન્તાનો છે; તો સન્તાપોય આવી શકે. દરેકની શારીરીક અને માનસીક ક્ષમતા જુદી–જુદી હોય છે. રોગ લાગુ પડવાનાં સ્પષ્ટ કારણો હોય છે. સમ્બન્ધ બગડવાનાં ચોક્કસ કારણો હોય છે. આર્થીક સમસ્યાઓ કે નુકસાનનાંય નીશ્ચીત કારણો હોય છે. આપણે એનો અભ્યાસ કરીએ તો આ બધું સમજાઈ જાય અને પછી સાવ સહજ સ્વીકાર્ય બની રહે, પરંતુ આપણે બહાવરા બની જઈએ છીએ અને છીછરા ધન્ધાદારી લોકો પાસે એના ઉપચાર માટે દોડી જઈએ છીએ. ખરેખર તો તમે જેની પાસે ઉપચાર માટે ગયા હો છો તેનેય તેની પોતાની અનેક ખાનગી સમસ્યાઓ હોય છે. તે તો બીચારા (!) કોઈને કહી શકતાય નથી ! પોતાના ઉપચાર પણ કરી શકતા નથી.
વહેમ, ચમત્કાર, અન્ધશ્રદ્ધા વગેરેને કારણે ધતીંગો અને ક્રીયાકાંડોની આપણા દેશમાં ભરમાર ચાલી છે. તમે કોઈ પણ સમસ્યા કે તકલીફનો સહજ સ્વીકાર કરો, સમજણપુર્વક અને આત્મવીશ્વાસથી એનો ઉકેલ વીચારો, ખોટી દીશામાં અને પાખંડી લોકો પાસે દોડી જવાને બદલે થોડી ધીરજ રાખો; તમે જાતે જ થોડા અનુભવો પછી કહેશો કે ‘નો પ્રૉબ્લેમ !’
 –રોહીત શાહ

બુદ્ધીનો બાયોસ્કોપ

 બુદ્ધીનો બાયોસ્કોપ

–દીનેશ પાંચાલ
ઈશ્વર વીશે જેમને સાચી સમજ ન હોય એવા આસ્તીકોની યાદી બનાવવામાં આવે તો આંખ પહોળી થઈ જાય એવો આંકડો નીકળે. ઘણા ધર્મગુરુઓ પણ એ લીસ્ટમાં ‘ટૉપ ટેન’માં ચમકે. રૅશનાલીઝમની સ્થીતી તો એથીય વધુ કફોડી છે. રૅશનાલીઝમના વીકાસમાં અવરોધ ઉભો કરનારાઓને એવોર્ડ આપવામાં આવે તો બધાં જ એવોર્ડ્સ કહેવાતા નાસ્તીકો જીતી જાય. માણસ આસ્તીક હોય કે નાસ્તીક પણ તેના જ્ઞાન–વીજ્ઞાન અને સંશોધનોને મર્યાદા રહી છે. માણસ સીમેન્ટ બનાવી શકે છે; રેતી બનાવી શકતો નથી. પુલો બાંધે છે; દરીયા બનાવી શકતો નથી. એણે પાણીનું બંધારણ (H2O) શોધી કાઢ્યું; પણ એ સંશોધન આકાશમાં ઝબુકતી વીજળી જેવું બની રહ્યું.
ઘણા વલખાં માર્યા પછી પણ માણસને ડાયાબીટીસનો નક્કર ઉપાય ન જડ્યો ત્યારે એણે સુગરફ્રી ટૅબ્લેટ બનાવીને સંતોષ માન્યો. માણસ અનાજ પકવી શકે છે; પણ ભુખને જડમુળથી નાબુદ કરી શકતો નથી. ધરતીના પેટાળમાંથી પાણી કાઢીને એણે મીનરલ વોટર બનાવ્યું; પણ તરસને નાબુદ કરી શક્યો નહીં. લેબોરેટરીમાં લોહી બનાવ્યાની વાતો પણ આવી; પરન્તુ હજી સુધી તે H2O જેવી જ ઘટના રહેવા પામી છે. રોજ હૉસ્પીટલોમાં દરદીઓને લાખો બોટલ લોહીની જરુર પડે છે. વીજ્ઞાન એટલા લોહીનું ઉત્પાદન કરી શકે તો જ એ સીદ્ધી લેખે લાગે. વીજ્ઞાન જેટલી સરળતાથી પાવડરનું દુધ બનાવી શકે છે તેટલી સરળતાથી લોહીના પાઉચ તૈયાર કરી શકતું નથી. માટે જ માણસ માણસ વચ્ચે ‘લોહીનો વાટકી–વ્યવહાર’ હંમેશાં ટકી રહેવાનો છે. સદ્ભાગ્યે સમાજમાં લોહી પીનારા કરતાં લોહી આપનારાઓની સંખ્યા વધારે રહેવા પામી છે. કોઈએ લોહીના અભાવે મરવું પડતું નથી. માણસમાં માનવતા હજી ટકી રહી છે. કો–ઑપરેટીવ બૅંક ફડચામાં જાય છે; પણ હજી સુધી કોઈ બ્લડ બૅંક ફડચામાં ગઈ નથી.
વીજ્ઞાન અને ટૅક્નૉલૉજીથી અદ્ભુત વીકાસ થઈ રહ્યો છે. મેડીકલ ક્ષેત્રે નવાં સંશોધનો થતાં રહે છે. હૃદયના વર્કીંગ અવર્સ વધતા જાય છે. મરવાનું ડૉક્ટરોએ અઘરું બનાવી દીધું છે. સાયન્સ વડે શરીર જીવી જાય છે; પણ મોંઘવારીને કારણે મન મરતાં જાય છે. દીનપ્રતીદીન આપઘાતોની સંખ્યા વધતી જાય છે. આ વર્ષે માનસીક રોગીઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઘણી વધી ગઈ. મોંઘવારી, બેકારી, ગરીબી, ભુખમરો એ બધાં વચ્ચે જીવતાં માણસોના મનમુટાવ, મનમુંઝારા અને મનભેદોનો પાર નથી. સુખો છે; પણ તેમાં દુ:ખોની બહોળી મીલાવટ છે. ઘરે ભેંસ બાંધો તો ચોખ્ખું દુધ મળી શકે; પણ ઘરે ભગવાન બેસાડો તોય ચોખ્ખું સુખ ન મળી શકે. ઘઉંની ગુણમાં થોડાક જ કાંકરા હોત તો ચીંતા નહોતી; પણ વીણાટ ઘઉંની આખી ગુણ કાંકરાઓથી ભરેલી નીકળે છે. સાયન્સ એ કાંકરાઓને દુર કરવાની ‘કારસેવા’ કરી રહ્યું છે.
માણસના હોઠ લાલ રહે તેટલું પુરતું નથી; હોઠ પર સ્મીત ટકી રહેવું જોઈએ. ગાલ ભરાયેલા હોય છે; પણ મન ખાલી હોય છે. પરીવાર હોય છે; પણ ભલીવાર નથી હોતો. પૈસા અને જલસા હોય છે; પણ જીવન કૃત્રીમ બનતું જાય છે. અપાર ભૌતીક સુખો વચ્ચેય મનની શાંતી વીના માણસ પીડાય છે. ઉંઘની ગોળી લીધા પછી પણ એને મુશ્કેલીથી ઉંધ આવે છે. માણસને હવે સમજાય છે કે માત્ર શરીર નહીં મન પણ સુખી રહેવું જોઈએ. ઘણીવાર પ્રભુની પુજા કરતાં ‘પાચનવટી’થી વધુ શાન્તી પ્રાપ્ત થાય છે. ખરેખર તો એવા સમાજનું નીર્માણ થવું જોઈએ કે સુખ–શાન્તી માણસને કોઠે પડી જાય. પણ દુર્ભાગ્યે એવી સ્થીતી પેદા થઈ છે કે ચીંતા, તણાવ, ભય અને અસલામતી માણસને કોઠે પડી ગયાં છે.
વીજ્ઞાનવાદ અને બુદ્ધીવાદ ભેગાં મળે તો સ્વર્ગનો નકશો તૈયાર થઈ શકે; પરન્તુ એમાં માનવીના શુભ ઈરાદાઓ ભળે તો જ ધરતી પર સ્વર્ગનું નીર્માણ થઈ શકે છે. એક નાનકડા સ્વર્ગની વાત કરું. પોલીયોની રસીનો ધુમ પ્રચાર થઈ રહ્યો છે. પ્રજા અને પ્રશાશનના સંયુક્ત પ્રયાસોથી એક દીવસ એવો આવશે કે સરકાર આનન્દપુર્વક જાહેર કરશે: ‘પોલીયો સમ્પુર્ણ નાબુદ થઈ ચુક્યો છે.’ (શીતળાની રસી શોધાવાથી હવે એ રોગ સમ્પુર્ણ નાબુદ થઈ શક્યો છે. પહેલાં શીતળાનો કેસ શોધી લાવનારને હજાર રુપીયા આપવાની જાહેરાત કરવામાં આવતી હતી. પોલીયોના કેસ માટે પણ સરકાર હવે એવી જાહેરાત કરવાની સ્થીતીમાં છે.) સરકાર અને સમાજના સંયુક્ત ઉપક્રમે નજીકના ભવીષ્યમાં પોલીયો વીનાના સમાજનું સ્વર્ગ સ્થપાશે. એ સ્વર્ગ ઉપર સુવર્ણ અક્ષરે લખ્યું હશે: ‘મેડ બાય હ્યુમનબીઈંગ’
હવે માણસને મૃત્યુ પછીના સ્વર્ગનો મોહ છુટતો જાય છે. એમાં વીજ્ઞાન અને રૅશનાલીઝમે ખાસ્સો ભાગ ભજવ્યો છે. મેડીકલ સંશોધનોની ઉપલબ્ધીઓ જુઓ, કેટલી બધી છે: કૃત્રીમ માંસપેશીઓ, કૃત્રીમ ફેફસાં, પેસમેકર, ઈયરફોન, બનાવટી હાથ–પગો, ટેસ્ટટ્યુબ બેબી, ચક્ષુદાન, અંગદાન, રક્તદાન, કીડની–લીવર જેવા અંગોનું પ્રત્યારોપણ.. એવા સેંકડો સંશોધનો દ્વારા માણસનાં અડધોઅડધ દુ:ખો ગાયબ થઈ ગયાં છે. એ બધાં દુ:ખો પહેલાં ભાગ્યના લેખ ગણાતા. એ લેખ પર સાયન્સરુપી વીધાતાએ સીદ્ધીના મેખ માર્યા છે. હવે સુખી થવાનું સહેલું બનતું જાય છે. સવારે શોધાયેલું સુખ બપોરે વાસી થઈ જાય છે. સાંજે નવા સુખનો સુર્યોદય થાય છે. ક્યારેક વીચાર આવે છે ચાલો, કોઈ દીવસ પુજાપાઠ કે રામનામના જપ જપવાનું બંધ રાખી આપણે સૌ જાહેરમાં એક સમુહપ્રાર્થના કરીએ કે એઈડ્સ, ડાયાબીટીસ, થાઈરોઈડ અને કેન્સર જેવાં હજી અસાધ્ય રહેલા રોગોથી પણ માણસ મુક્ત બને ! એક સહસ્રકોટી યજ્ઞ કે નવચંડી યજ્ઞ કરતાં એવી એક નાનકડી પ્રાર્થનાનું મુલ્ય અનેકગણુ વધારે છે.
અમેરીકાની એક તાજી ઘટના સાંભળો. જ્હોન વીલ્સને તેની પત્ની મેરીને તેના જાડા હોઠ અને અલ્પવીકસીત છાતીને કારણે ડીવોર્સ આપ્યા. મેરી ડૉક્ટરોને મળી. ડૉક્ટરોએ મેરીની પ્લાસ્ટીક સર્જરી કરી. મેરીના હોઠ ખુબ સુંદર બની ગયા. છાતી સુડોળ બની. ત્યાર બાદ મેરી એક ધનાઢ્ય અને સુંદર પુરુષને પરણી. નવા પતી સાથે એ ખુબ સુખી હતી. એક દીવસ ક્લબમાં અચાનક એને એનો જુનો પતી મળી ગયો. તેણે મેરીને અજાણી મહીલા જાણી વખાણ કરતાં કહ્યું: ‘તમારા હોઠ ખુબ સુંદર છે’. મેરીએ જવાબ આપ્યો: ‘હોઠ અસલી નથી, બનાવટી છે; પણ મને પતી અસલી મળ્યો છે. તેં મને મારા જાડા હોઠને કારણે ડીવોર્સ ના આપ્યા હોત તો મને આટલો સુંદર પતી ના મળી શક્યો હોત !’ જ્હોન વીલ્સન ચકીત થઈ વીચારી રહ્યો: ‘ઓહ ગૉડ…! શું આ તે જ સ્ત્રી છે, જેને મેં અગ્લી (કદરુપી) કહી છોડી દીધી હતી ? મારી પાસેય પૈસા હતા; પણ મને એવો વીચાર કેમ ન સુઝ્યો ?’
એટલું યાદ રાખવું પડશે કે સુખ કેવળ સાધનોથી પ્રાપ્ત થતું નથી. તેના ઉપભોગમાં બુદ્ધી પણ વાપરવી પડે. સુખની એક્સપાયરી ડેટ વીતી જાય તે પુર્વે તેને ઉપભોગી લેવું પડે. કેરી પાકી જાય પછીય ન ખાઈએ તો કેરીનો ખરો આનન્દ માણી શકાતો નથી. કેવળ પૈસાથી સુખી થવાતું હોત તો વીલ્સન પાસેય ખુબ પૈસો હતો; છતાં તેને પત્નીની પ્લાસ્ટી સર્જરી કરાવવાનું ન સુઝ્યું. ખરી વાત તો એટલી જ કે તમે ગાઢ અંધારામાં અકળાઈ રહ્યા હો; પણ બુદ્ધીની દરમીયાનગીરી વીના તમને એ વાતનો ખ્યાલ આવતો નથી કે તમારા ખીસ્સામાં ટોર્ચ પડી છે ! તમે બુદ્ધીના બાયોસ્કોપ વગર સુખને જોઈ શકતા નથી.
દીનેશ પાંચાલ
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી