Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

17 February 2016

વેલેન્ટાઇન ડે …..પ્રેમ શું છે ?( કાવ્ય )……બે અજનબી પ્રેમીઓની પ્રેમ કથા

વેલેન્ટાઇન ડે …..પ્રેમ શું છે ?( કાવ્ય )……બે અજનબી પ્રેમીઓની પ્રેમ કથા

૧૪મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે એ પ્રેમી જનો માટેનો અગત્યનો દિવસ ગણાય છે.વસંત ઋતુ આવતાં જેમ કુદરત પુર બહારમાં ખીલી ઉઠે છે એમ વેલેન્ટાઇન પ્રસંગે યુવાન પ્રેમીજનોમાં યૌવન સહજ પ્રેમ ખીલી ઉઠે છે.વેલેન્ટાઇન એ પ્રેમીઓ માટેની વસંત ઋતુ છે.

વેલેન્ટાઈન ડે એ પ્રેમીજનો વચ્ચેની પ્રેમની લાગણીઓની  અનેક રીતે અભિવ્યક્તિ કરવાનો દિવસ .

સામાન્ય રીતે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે એક સાથે આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !

વસંત એટલે પ્રકૃતીનું યૌવન .વેલેન્ટાઇન ડે એટલે યુવાનીની વસંત .

વેલેન્ટાઇન ડે ઉપરની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક અછાંદસ રચના

નીચેની લીંક પર વાંચો.

વેલેન્ટાઇન ડે ….. અછાંદસ રચના 

પ્રેમનાં અનેક સ્વરૂપો  છે. આ ભાવને વ્યક્ત કરતી પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક  બીજી કાવ્ય રચના ” પ્રેમ છું છે ?” નીચે પ્રસ્તુત છે.

પ્રેમ શુ છે ? … કાવ્ય…વિનોદ પટેલ  

પ્રેમ ખરેખર શુ છે એ બહું જ ગહન સવાલ છે,

પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની વાત છે,

પ્રેમમાં પડવાનું નહી, ઊભા થવાનું હોય છે,

પ્રેમમાં પંખી જેમ ગગનમાં ઉડવાનું હોય છે ,

પ્રેમ એ મન ગમતી એક ઉત્તમ લાગણી છે,

પ્રેમ એ દિલના દર્દોની એક અકસીર દવા છે,

પ્રેમ એ છોડવું ન ગમે એવું એક બંધન છે,

પ્રેમ અનેક રૂપે સર્વત્ર વિહરતો જોવાય છે,

મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે,

પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે,

પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે,

દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,

સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે,

ચલચિત્રોમાંનો પ્રેમ એક ધંધાદારી પ્રેમ છે,

લયલા-મજનું ,શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે,

તિરસ્કાર નહીં પણ પ્રેમ જ સદા એક સત્ય છે,

પ્રેમ આંધળો હોય છે, એમ લોકોમાં કહેવાય છે

પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે,

બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે,

મોહન ઘેલી મીરાંનો પ્રેમ કેવો અદભૂત છે!

વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,

રામ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર ચખાડે છે,

રસોઈમાં જેમ નમક એમ જીવનમાં પ્રેમ છે,

જેણે પ્રેમ કર્યો નથી એનું જીવન બેકાર છે,

પ્રેમ વિહીન કોઈ પણ જીવન ક્લ્પવું મુશ્કેલ છે.

સૌ પ્રેમી મિત્રોને હેપ્પી વેલેન્ટાઇન ડે .

વિનોદ પટેલ , સાન ડિયેગો ,કેલીફોર્નીયા 

બે અજનબી પ્રેમી પંખીડાંની ગજબની  લવ સ્ટોરી


 અમેરિકાના ન્યુ મેક્ષિકો સ્ટેટમાં આવેલ મૂક્ય શહેર આલ્બુકર્ક માં રહેતા ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત એક યુવાન ટીમ હેરીસ Tim Harris ની વેલેન્ટાઈન ડે ને અનુરૂપ આ પ્રેમ કથા જાણવા જેવી છે.

 આખા અમેરિકામાં ડાઉન સિન્ડ્રોમ સાથે આલ્બુકર્કમાં રેસ્ટોરંટ ચલાવતો ટીમ હેરીસ Tim Harris એક માત્ર પ્રથમ જ માલિક હતો .એની રેસ્ટોરંટનું  નામ Tim’s Place હતું.પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી એના આ ધંધામાં એના પ્રાણ રેડીને એને સધ્ધર કર્યો હતો.

પરંતુ એક દિવસે એના રેગ્યુલર ગ્રાહકો સમક્ષ એણે જાહેર કર્યું કે એ ટૂંક સમયમાં જ રેસ્ટોરંટ બંધ કરે છે અને બીજા સ્ટેટમાં ડેનવર શહેરમાં મુવ થાય છે. એના ગ્રાહકોને આ સમાચાર જાણીને ખુબ નવાઈ લાગી કે ટીમ એનો આવો જામેલો ધંધો કેમ બંધ કરતો હશે .

રેસ્ટોરન્ટના ગ્રાહકોએ જ્યારે એનું કારણ  જાણ્યું ત્યારે એમને એથી ય વધુ નવાઈ લાગી.

કારણ એ હતું કે ડાઉન સિન્ડ્રોમ લોકોની એક કન્વેન્શનમાં ટીમને એક ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતી સાથે પરિચય થયો. પરિચય પાંગરીને પ્રેમમાં પરિણમ્યો .ટીફની કહે છે “I think I got hit by the love bug.”

ટીમની પણ ટીફની જેવી જ માનસિક પરિસ્થિતિ હતી .ટીમે એક દિવસ ટીફની આગળ ઘૂંટણીએ પડીને એના વેલેન્ટાઇન થવાની ઓફર કરી. ટીફ્નીએ ખુશીથી સ્વીકારી. એને તો એ જ જોઈતું હતું. પરંતુ એક મુશ્કેલી એ હતી કે ટીફની દુર ડેનવર માં રહેતી હતી અને ટીમ સાથે રહેવા આવી શકે એમ નહોતી.

ટીફની સાથે રહી શકે એ માટે ટીમે એની જામેલી રેસ્ટોરન્ટ બંધ કરીને ડેનવર મુવ થવાનો મનમાં પાક્કો નિર્ણય કરી લીધો. ડેનવરમાં જઈને નવેસરથી ત્યાં ધંધો કરે પણ એ જામે કે ના જામે એની એને પરવા નહોતી. ટીફની માટેના એના પ્રેમ ખાતર એણે એક મોટું જોખમ માથે વહોરી લીધું.

આલ્બુકર્કમાં એના ગ્રાહકોને એ પ્રિય બની ગયો હતો. રેસ્ટોરન્ટ બંધ કરવાના ટીમના નિર્ણયથી ઘણા ગ્રાહકો તો એને બાથમાં લઈને રડવા લાગ્યા હતા.પ્રેમને ખાતર ટીમ આટલો મહાન ત્યાગ કરવા તૈયાર થઇ ગયો હતો એ એમને સમજાતું નહોતું.

પરંતુ ટીમ એમને સમજાવતો હતો “Every time I feel sad, my girlfriend makes me feel a lot happier, When I look into her eyes, I see love. I see joy. And I see that I have a future here.”

ટીમના ફાધર કહે છે કે ટીમ એનો જામેલો ધંધો સમેટી આલ્બુકર્કથી ડેનવર મુવ થવાના વિચારથી મનથી દુખી તો છે પણ એની પ્રિયતમા ટીફની સાથે રહેવા માટે જવાનું થશે એ કારણથી એને આવો ઉત્તેજિત અને ઉત્સાહી થતો મેં એને કદી ય જોયો નથી.

આવાં અજનબી પ્રેમી પંખીડાંની ગજબની પ્રેમ કથા નીચેના બે વિડીયોમાં તમે નીહાળશો ત્યારે તમને પણ થશે કે પ્રેમ એ ખરેખર શું છે અને માનવી પાસે એ શું શું કરાવે છે ?પ્રેમ માણસના શરીરને નહી પણ એમાં ધબકતા હૃદયને ઓળખે છે.

1 February 2016

સંનિષ્ઠ કેળવણી’ ક્ષેત્રે એક નવ યુવાનનું ક્રાંતિકારી કદમ ….

સંનિષ્ઠ કેળવણી’ ક્ષેત્રે એક નવ યુવાનનું ક્રાંતિકારી કદમ …..

જીવનમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે એમાં કોઈ બે મત ના હોઈ શકે. જીવન જ એક શિક્ષણની પ્રયોગશાળા છે. જીવનને કેળવે એનું નામ જ કેળવણી.જીવનની લગભગ બધી જ સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ પાસે છે એમ જે કહેવાય છે એ બિલકુલ સાચું છે.

જેમની પ્રવૃત્તી ક્રાંતીકારી કેળવણી વીષયક રહી છે એવા સાહિત્ય વિદ સ્નેહી મિત્ર શ્રી જુગલકિશોર વ્યાસ એ એમના બ્લોગ નેટ ગુર્જરીમાં પ્રગટ કરેલ કેળવણી વિષયક એક સમાચાર મને આકર્ષી ગયા .

આ સમાચાર છે ..

માત્ર ૧૯ વર્ષના એક નવ યુવાન શ્રી મિહિર પાઠકએ કેળવણી ક્ષેત્રે કંઇક નવું કરી બતાવવાનો મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે.આ સંકલ્પ માટેના એક માધ્યમ તરીકે ભારતના પ્રજાસત્તાક દિવસ ૨૬ મી જાન્યુઆરીથી “સંનિષ્ઠ કેળવણી” એ નામનો નવો બ્લોગ શરુ કર્યો છે.નઈ તાલીમ અને કેળવણી એ આજીવન શિક્ષક શ્રી જુગલકીશોરભાઈ ના રસના વિષય હોઈ તેઓ પણ એમાં બનતો સહયોગ આપી રહ્યા છે એ આનંદની વાત છે.

મિહિર કેળવણી વિષે શું વિચારે છે એ અહી વાંચો.

એક વખત વિનોબાજીને એક વિદ્યાર્થીએ પૂછ્યું,

‘શું ભૂદાન આંદોલનમાં જોડાવા માટે અમારે કૉલેજ છોડી દેવી જોઈએ ?’ વિનોબાજીએ જવાબ આપ્યો, ‘ભૂદાનમાં ન જોડાવું હોય તો પણ કૉલેજ છોડવી જોઈએ..’

દુનિયામાં ઘણા લોકોના આખેઆખા જીવન કોઈ જ અર્થ વગર ગુજરી જાય છે. યુવાની પૈસા કામવામાં અને પછીનું જીવન એ પૈસાને સાચવવામાં પૂરું થઈ જાય છે. પહેલાં ભણો પછી નોકરી કરી પૈસા ભેગા કરો પછી લગ્ન અને રિટાયર્ડ લાઈફ. હું માનું છું કે આ બધું જ મોટાભાગના લોકો માટે જરૂરી છે, પણ કદાચ અમુક લોકો માટે નહી. હું આ ચક્કરમાં બંધાતાં પહેલાં મારા પ્રશ્નોના ઉકેલ શોધવા માંગુ છું. મારા જીવનનો અર્થ શોધવા માગું છું. હું કયા કામ માટે આ દુનિયામાં આવ્યો છું તે જાણવા માગું છું. મારી આત્માના પોકારને સાંભળી તેને અનુસરવાની હિંમત બતાવવા માંગુ છું. તો જ તો હું ખરો યુવાન.

મારા મનમાં સદાય પ્રશ્નો થાય, ‘આ માણસ, કે હવે તેને દરેકના વિકલ્પો શોધવા પડયા ? ન્યાય તંત્રના વિકલ્પો, રાજનીતિના વિકલ્પો, જીવનપદ્ધતિના, શિક્ષણપદ્ધતિના વિકલ્પો, શુદ્ધ હવાના વિકલ્પો…’જયારે તે આ વિકાસની દોડમાં ભાગતો હતો ત્યારે તેને આ બધાંનું કશું જ ભાન ન રહ્યું ?

કોઈક જગ્યાએ આત્મહત્યાઓ થાય છે; કોઈક જગ્યાએ આતંકવાદી હુમલા, ક્યાંક ભૂખમરો છે તો ક્યાંક નિરક્ષરતા… આ બધી જ સમસ્યાઓ આપણી સમાજવ્યવસ્થાનું સાચું ચિત્ર આપણી સામે ખડું કરે છે. આ બધું જ, આપણે જ બનાવેલી સિસ્ટમમાં થાય છે. હા, આપણે બનાવેલી – કારણ આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ અને આપણી પાસે તો હ્યુમન રાઇટ્સ છે ને !

ઉપરની દરેક સમસ્યાને લોકો પોતપોતાની રીતે ઉપર ઉપરથી હલ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મારા મતે સમસ્યાનો ઉકેલ મૂળિયાંમાં છે. મૂળિયાં એટલે સમાજ વ્યવસ્થા – જે માણસ ઘડે છે. અને માણસ ઘડાય છે ‘શિક્ષણ દ્વારા’, ‘કેળવણી’ દ્વારા. કેળવણી જ માણસને બદલી શકે, તેનું હૃદય પરિવર્તન કરી શકે અને વિશ્વશાંતિનો સંદેશ ફેલાવી શકે.

ભારતમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, વગેરે મહાનુભાવોએ કેળવણીનું દર્શન આપ્યું છે. જે માનવજાતને વિશ્વશાંતિ તરફ લઈ જવા સક્ષમ છે.

ગુજરાતમાં લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ તથા શિક્ષણના ભેખધારી હજારો કેળવણીકરો છેવાડાના માનવી સુધી પહોંચી એક નવી સમાજ વ્યવસ્થાના પાયા નાખી રહ્યા છે…

ચાલો આપણે તેમના જીવનસંગીતને જાણીએ… અને તેમાંથી પ્રેરણા લઈએ…

“વિનોબાજી કહેતા કે આઝાદી પછી તરત આપણે શિક્ષણવ્યવસ્થા બદલવામાં ચૂકી ગયા.”

પણ હવે જાગવું જ રહ્યું… હું તો પૂરેપૂરો મથવાનો છું… શું તમે સાથ આપશો ?

(ફક્ત ટેલિફોન પરની વાતથી જ મને સાથ આપવા એક વ્યક્તિ તૈયાર થઈ; યોગાનુયોગ તે નઈતાલીમની જ વ્યક્તિ, જુગલકિશોરભાઈ – જુકાકા ! આ બ્લૉગ દ્વારા જે કાંઈ કાર્યો હું કરવા માગું છું તેમાં તેમનો પૂરો માર્ગદર્શક–સાથ મળવાનો છે.)

બ્લૉગવાચન દ્વારા એક વાચકરૂપે અને ક્યાંક, કોઈક પ્રસંગે લખાણ વગેરે દ્વારા આપ સૌ પણ મને સાથ આપશો એવી આશા રાખું તો નિરાશ નહીં જ થવાય તેવા વિશ્વાસ સાથે –
સાભાર,

મિહિર પાઠક

mihir

         મિહિર પાઠક

(સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય )

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની લીંક –

 https://shikshandarshan.wordpress.com/

શ્રી મિહિર પાઠકનું વ્યક્તિગત વેબ પેજ –

mihirism.github.io/

શ્રી મિહિર પાઠકનો નો ખાસ પરિચય અહીં :

http://yourstory.com/2015/04/learnlabs-mihir-pathak/

mihirism.github.io/portfolio/mihir_portfolio.pdf

‘સંનિષ્ઠ કેળવણી’ બ્લોગની તારીખ ૨૬ મી જાન્યુઆરી ૨૦૧૬ ની પ્રથમ પોસ્ટમાં વાચકોને ઉદ્દેશીને સંપાદકોએ લખેલો પત્ર આ રહ્યો ….

વાચકોને પ્રથમ પત્ર ….. 

સુજ્ઞજનો !

શિક્ષણનું ક્ષેત્ર જીવનનાં લગભગ બધાં જ ક્ષેત્રો સાથે કારણ–કાર્ય સંબંધે જોડાયેલું રહ્યું છે. બાળક કુટુંબના ઉંબરની બહાર ડગલું માંડે છે તે પછી સૌથી પાયાનું અને સૌથી વધુ સહેતુક જોડાણ એનું શાળા સાથે થતું હોય છે. શાળાથી વંચિત રહેવું કે હોવું એને શાપરૂપ ગણાયું છે.

વર્ધા સંમેલનમાં ગાંધીજીના સાંનિધ્યે જે વિસ્તૃત અને ઉંડાણથી ચર્ચા થઈ અને જે નિર્ણયો લેવાયા તેને આપણે નઈતાલીમના નામે ઓળખતાં આવ્યાં છીએ. ગુજરાતમાં આ નઈતાલીમના પ્રયોગો ખૂબ સારા પ્રમાણમાં સફળ થયા છે.આજે પણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ આ ક્ષેત્રે સક્રિય છે.હજારોની સંખ્યામાં વ્યક્તિઓ તે તાલીમનો લાભ લઈને પોતાની જીવનીને સાર્થક કરી શકી છે.

વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો પણ નઈતાલીમના જ મહદ્ અંશોને જગતે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યા છે. ને તોયે તેના અમલીકરણની ઓછપને લીધે આજના શિક્ષણના અનેક સવાલો સમગ્ર જગતને મૂંઝવી રહ્યા છે……ને હવે શિક્ષણની કોઈ ચમત્કારિક પ્રણાલીની જાણે કે રાહ છે !!

સમાજના, જીવન સમસ્તના, લગભગ બધા જ સવાલોનો ઉકેલ જેમાં રહ્યો છે તે શિક્ષણનું મહત્ત્વ પુન: સ્થાપિત કરવાનું હવે અનિવાર્ય બની ચૂક્યું છે.

આવે સમયે સમાજનાં સૌ કોઈએ યથા શક્તિ, યથા મતિ પ્રયત્નશીલ થવું પડશે એવું સસંકોચ, પણ કહ્યા વગર રહી શકાતું નથી. પરંતુ અન્યોને કહેવાની પહેલાં જાતે આગળ આવવું તે જરૂરી ગણાય ! ને તેથી આ એક નવલો, ને ઘણે અંશે અઘરો પ્રયત્ન અમે આજથી શરૂ કરી રહ્યા છીએ.

જીવન સાથે ઘનિષ્ટતાથી સંકળાયેલા શિક્ષણના આ પ્રયોગને,અમારા વાચકો આવકારે અને ફક્ત વાચકરૂપે જ નહીં બલકે ‘સંનિષ્ઠ કેળવણી’માં રસપૂર્વક ભાગ લઈને અમને પ્રોત્સાહિત કરે, મદદરૂપ બને તેવી આશા–અપેક્ષા સાથે નમ્ર વિનંતી કરીએ છીએ.

– સંપાદકો

ખરી પડેલા પુષ્પની સુગંધ …(સત્ય ઘટનાત્મક ) …. ડો. ગુણવંત શાહ

ખરી પડેલા પુષ્પની સુગંધ …(સત્ય ઘટનાત્મક ) …. ડો. ગુણવંત શાહ

Dr. Gunvant Shah
Dr. Gunvant Shah

ગુજરાતી ભાષાના લોકપ્રિય સાહિત્યકાર અને ચિંતક ડો.ગુણવંત શાહના, સત્ય ઘટનાઓ પર આધારિત પ્રેરક લેખોના પુસ્તક ‘પ્રભુના લાડકવાયા’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે.

કાલ્પનિક વાર્તાઓ કરતાં સત્ય ઘટનાત્મક વાર્તાઓ બહુ હૃદય સ્પર્શી હોય છે અને જીવનની આવી વાસ્તવિકતાઓને જ્યારે ગુણવંતભાઈ જેવા કોઈ સિદ્ધ સાહિત્યકારની કલમનો સાથ મળી જાય ત્યારે સોનામાં સુગંધ ભળી જાય છે.

રીડ ગુજરાતીમાં શ્રી ગુણવંત શાહ લિખિત “ખરી પડેલા પુષ્પની સુગંધ “ સત્ય ઘટના જ્યારે મેં વાંચી ત્યારે મારા હૃદયને એ સ્પર્શી ગઈ. માત્ર ૧૦ મહિનાની ઉમરમાં ખીલીને ખરી પડેલા એક પુષ્પ જેવા મારા પ્રથમ પુત્રની યાદ તાજી થઇ ગઈ.આમ તો દરેક સ્વ જનનું મૃત્યું દુખદ હોય છે પરંતુ  અકાળે આવેલ પુત્ર વિરહ  ખુબ દુઃખદાયક હોય છે એનો અનુભવ મેં કરેલો છે. 

અકાળે ખરી પડેલ પુષ્પ સમા આ વાર્તાના નાયક ડૉ. જાતુષ શેઠ ને મારી શ્રધાંજલિ 

વિનોદ પટેલ

ખરી પડેલા પુષ્પની સુગંધ … ડો. ગુણવંત શાહ 

કલ્પના તો કરી જુઓ ! એક યુવાન ભણવામાં અત્યંત તેજસ્વી હોય તો ય વિનમ્ર અને વિનયી હોય. એ યુવાન હોનહાર વિજ્ઞાની હોય તોય કૃષ્ણભક્તિમાં તરબોળ હોય. એ યુવાન અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોય તોય એને ગુજરાતી ભાષામાં લખવા-વાંચવા-બોલવાની સારી ફાવટ હોય. એ યુવાન ઉચ્ચ શિક્ષણમાં પરદેશી સંસ્થામાં વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવામાં પરોવાયો હોય તોય વારંવાર માતા-પિતાને, મિત્રોને અને સ્વજનોને એવા સુંદર પત્ર લખતો હોય, જેમાં એનાં વાચન-મનનનો નિચોડ હોય. એ હોનહાર યુવાન કાર અકસ્માતમાં ઈટલીમાં મૃત્યુ પામે ત્યારે એનાં માતા-પિતા પર શું વીતે ?

નામ એનું ડૉ. જાતુષ શેઠ, પરંતુ પ્રેમથી સ્વજનો એને જિગર કહીને સંબોધતા. એણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં એમ.એસ.સી. કર્યું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી જિગરે પુણેના ‘ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ માં પી.એચ.ડી. કર્યું. પુણેમાં અભ્યાસ કરતી વખતે એ પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. જયંત નારળીકરના સંપર્કમાં પણ આવ્યો હતો. પુણેથી જિગર જર્મની ખાતે ‘મૅક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રણ વર્ષની ફેલોશિપ મેળવીને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવવા પહોંચી જાય છે. માત્ર દોઢ જ મહિનો વીતે ત્યાં મ્યુનિકથી ઈટલી ફરવા માટે સરૈયા નામના મિત્રની સાથે જાય છે અને રોમથી થોડે દૂર કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે. એક ઊંચેરો જીવ અવકાશયાત્રાએ નીકળી પડે છે !

જિગર (સંસ્કારી પરિવારમાં : માતા વીણાબહેન, પિતા વિપિનભાઈ અને બંધુ હૃદયરોગના નિષ્ણાત ડૉ. ચિરાગ શેઠ – ફોન : 0261-3535894) મગજ અને મનથી વિજ્ઞાની હતો, પરંતુ હૃદયથી ભીનો કૃષ્ણભક્ત હતો. એને ક.મા. મુનશીએ લખેલ ગ્રંથ ‘કૃષ્ણાવતાર’ પ્રિય હતો અને ત્યાર પછીના ક્રમે મારો ગ્રંથ ‘કૃષ્ણનું જીવનસંગીત’ પણ એટલો જ પ્રિય હતો.

એ સ્વજનોને અને મિત્રોને પત્ર લખતો ત્યારે અંતે કાયમ લખતો : ‘કૃષ્ણાર્પણમસ્તુ.’ એક પત્રમાં એ લખે છે :

અંધકાર આપણો વર્તમાન છે
અને પ્રકાશ આપણું શમણું !
આ તો ક્ષણનું તપ છે.
દુઃખી હો ત્યારે બીજાનાં
દુઃખના ટોપલા થોડા ઊંચકો
તો તમને આનંદ થાય.

કોઈ પુષ્પ પૂરેપૂરું ખીલતાં પહેલાં જ ખરી પડે ત્યારે માળીને પ્રશ્ન થાય છે : ‘આ પુષ્પ અકાળે ખરી પડ્યું એનું કારણ શું ?’ લૅન્સેલોટ એલિફન્ટે એક બાળકની કબર પર લખાયેલા મૃત્યુલેખ (એપિટાફ)ના શબ્દો ટાંક્યા છે :

‘આ પુષ્પને કોણે ચૂંટ્યું ?’ માળીએ પૂછ્યું.
‘મેં એને મારા માટે ચૂંટ્યું છે.’ માલિકે કહ્યું.
અને માળીએ મૌન સેવ્યું !

જિગરનું મૃત્યુ એવા સમયે થયું, જ્યારે એ પોતાનામાં પડેલી શક્યતાને વાસ્તવિકતામાં ફેરવવાની સાધના કરી રહ્યો હતો. એનામાં અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરવાની બધી જ સામગ્રી હતી. જર્મનીની સંસ્થામાં આ વિષયમાં સંશોધન કરનારો એ એકમાત્ર એશિયન હતો. જો જિગર બીજાં દસ વર્ષ સુધી જીવ્યો હોત તો એણે કદાચ પોતાના વિષયમાં નૉબેલ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું હોત ! ખરી પડેલા પુષ્પની સુગંધનો પરચો એ પુષ્પની સમીપ પહોંચેલા મનુષ્યોને મળતો રહે છે.

મને મારા પ્રિય વાચકને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થયું. હું જિગરને કદી પણ મળ્યો ન હતો. અત્યારે મારા હાથમાં ‘ડૂબેલા સૂરજનું અજવાળું’ પુસ્તક છે. એમાં જિગરે લખેલા પત્રોના એવા અંશો પ્રગટ થયા છે, જે વાંચીને હૈયું રડી ઊઠે છે. એ પત્રોમાં બ્રહ્માંડના રહસ્યને સમજવા મથનારા એક વિજ્ઞાનીની અધ્યાત્મદષ્ટિ પણ પ્રગટ થતી દીસે છે. આ પુસ્તક વાંચ્યું ત્યારે એક એવા સહૃદય વાચકને ગુમાવી બેઠાનું દુઃખ થયું, જે હવે ક્યારેય મળવાનો નથી. લેખકને અંદરથી ગૌરવનો અનુભવ થાય એવા સુજ્ઞ વાચકો કેટલા ? વિજ્ઞાનના અભ્યાસ સાથે ઉપનિષદ, ગીતા અને કૃષ્ણના પ્રેમમાં પડે એવા વિજ્ઞાની કેટલા ?

પ્રભુને કદાચ બધાં જ સંતાનો ગમે છે, પરંતુ કેટલાંક સંતાન પ્રભુનાં ખાસ લાડકાં હોય એમ બને.માણસે જીવનમાં બીજું કશું નથી કરવાનું. એણે કશીક એવી ધાડ મારવી જોઈએ, જેથી પોતે પ્રભુના લાડ પામે. આઈન્સ્ટાઈન મહાન વિજ્ઞાની હતો, પરંતુ અંદરથી ઈશ્વરનો ભક્ત હતો. આવું જ ન્યુટન માટે પણ કહી શકાય. આવું જ નારળીકર અને પંકજ જોશી માટે પણ કહી શકાય. બ્રહ્માંડ એક વિરાટ રહસ્ય છે. વિજ્ઞાનને બ્રહ્માંડની વિગતોમાં રસ છે. અધ્યાત્મને સૃષ્ટિમાં સર્વત્ર સંતાયેલા સર્જનહારને સમજવામાં રસ છે. આપણને બંનેની જરૂર છે.

સૌજન્ય- રીડ ગુજરાતી

Gunvant Shah -on 75th Birth Day
Gunvant Shah -on 75th Birth Day

ચાર્વાકદર્શનની વીશીષ્ટતાઓ

ચાર્વાકદર્શનની વીશીષ્ટતાઓ

એન. વી. ચાવડા
ચાર્વાકદર્શનના પ્રચલીત સોળ શ્લોકોમાં પણ બે શ્લોકોમાં પુરોહીતોની, વીના પુરુષાર્થની આજીવીકાની, તેમણે કટુ ટીકા કરી છે, જેમ કે, ‘એટલા માટે એ સર્વ બ્રાહ્મણોએ પોતાની આજીવીકાનો ઉપાય કર્યો છે, જે દશગાત્રાદી મૃતક ક્રીયાઓ કરે છે, એ સર્વ તેમની આજીવીકાની લીલા છે અને બીજા એક સુત્રમાં તેઓ કહે છે કે‘અગ્નીહોત્ર, ત્રણ વેદ, ત્રણ દંડ અને ભસ્મ લગાવવા એને, બુદ્ધી અને પુરુષાર્થ રહીત પુરુષોએ પોતાની આજીવીકા બનાવી છે.’
આ સુત્રમાં ખાસ ધ્યાનાકર્ષક બાબત એ છે કે બૃહસ્પતીએ અગ્નીહોત્ર, ત્રણ દંડ અને ભસ્મ લગાવવાની સાથે ત્રણ વેદ (ઋક્, સામ, યજુર્) વેદોને પણ આજીવીકાના સાધનો બતાવ્યાં છે. બૃહસ્પતીએ વેદોનો કરેલો વીરોધ ખુબ જાણીતો છે. જેનું મુખ્ય કારણ વેદો દ્વારા પણ પુરોહીતોએ, પોતાની વીના પરીશ્રમની આજીવીકાનું છેતરપીંડીયુક્ત કરેલું નીર્માણ, તે મુખ્ય છે.
આર્યો પ્રારમ્ભમાં ચોરી, લુંટ અને ધાડ પાડીને જ પોતાનો જીવનનીર્વાહ કરતા હતા. જેના પુરાવા ઋગ્વેદાદી ગ્રંથોમાં મોજુદ છે. વેદોમાં સંખ્યાબંધ ઋચાઓમાં ઈન્દ્રને એવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે, તેમાં અનાર્યો – દસ્યુઓની જમીન, ગાયો, ધન–સમ્પત્તી આદી લુંટીને આર્યોને વહેંચી આપવાની વીનન્તીઓ કરવામાં આવી છે. પરીણામે આર્યો–અનાર્યો વચ્ચે હજારો વર્ષ સુધી ઘનઘોર સંધર્ષો થયાં છે. જેમ જેમ આર્યોની જીત થતી ગઈ તેમ–તેમ તેમનાં રાજ્યો સ્થપાતાં ગયાં તથા આર્યો–અનાર્યો વચ્ચે સમન્વય પણ થતો ગયો. સમ્બન્ધો સ્થપાતાં ગયાં. તેથી અગાઉ જેવી ખુલ્લી ચોરી અને લુંટ બંધ કરવાની જરુર પડી. આર્યો પુર્વસંસ્કારવશ શારીરીક પુરુષાર્થનાં કામો તો કરવા માગતા જ નહોતા, તેથી ચોરી અને લુંટના ધન્ધાને તેમણે નવું જુદું સ્વરુપ આપ્યું. આ જુદા સ્વરુપનું નામ તે ‘યજ્ઞ’. વેદો દ્વારા યજ્ઞોને ધર્મનું સ્વરુપ આપ્યું. વેદોને ઈશ્વરકૃત ઘોષીત કર્યા, તેથી યજ્ઞો ઈશ્વરકૃત બની ગયા અને યજ્ઞની આહુતીઓ ઈશ્વરને ખુશ કરનારી બની ગઈ. આમ, ધર્મ અને ઈશ્વરના નામે યજ્ઞમાં માંસ, મદીરા અને મૈથુન મોજમજા સાથે આજીવીકાની સુવીધાઓ વીના પરીશ્રમે પ્રાપ્ત કરી લીધી. તેથી જ પ્રસીદ્ધ ઈતીહાસકાર, રોમીલા થાપર લખે છે કે, ‘યજ્ઞ એ લુંટેલા માલના બંટવારા સીવાય કશું જ નથી.’ અશ્વમેધ યજ્ઞોમાં ખંડીયા રાજાઓ પાસેથી ઉઘરાવેલ ધનસમ્પત્તી, સ્ત્રીઓ, ગાયો, દાસો વગેરે બધા પુરોહીતો પોતાના સ્થાન પ્રમાણે વહેંચી લેતા હતા.
તેથી બૃહસ્પતીએ યજ્ઞોના વીરોધની સાથે, આજીવીકામાં સંજોગવશાત કોઈક મુશ્કેલીઓ આવી પડી હોય તો પણ; ચોરી કે લુંટ જેવા અસામાજીક રસ્તાઓ અપનાવવાને બદલે, થોડા સમય પુરતું દેવું કરી લેવાની હીમાયત કરી છે. દેવું એ કોઈ ખરાબ બાબત નથી. પરન્તુ અર્થવ્યવસ્થાનું એ અનીવાર્ય અને અતી ઉપયોગી પાસું છે. દેવું કોને મળી શકે છે ? કોઈ આળસુ અને રખડેલ માણસને કોઈ પૈસા ધીરે ખરું ? ઉછીના કે વ્યાજે પૈસા તેને જ મળે છે, જે ઉદ્યમી હોય, કામકાજ કરતો હોય, પુરુષાર્થમાં વીશ્વાસ રાખતો હોય; એવા સ્વસ્થ અને સબળ માણસને જ દેવું મળે છે. આજે આખી દુનીયા દેવાં ઉપર યાને લોન ઉપર ચાલે છે. નાના દેશ મોટા દેશો પાસેથી લોન લે છે, નાના ઉદ્યોગકારો મોટા ઉદ્યોગપતીઓ પાસેથી અને સરકાર પાસેથી લોન લે છે, કુટુમ્બ કબીલાવાળાં પોતાનું ઘર વસાવવા બૅન્કો પાસેથી લોન લે છે. અરે, તેજસ્વી વીદ્યાર્થીઓ વધુ અભ્યાસઅર્થે લોન મેળવે છે. આમ, દેવું કરવાની પ્રથા વેદકાળની પહેલાના સમયથી આપણા દેશમાં અને આજે આખા વીશ્વમાં પ્રચલીત છે. સીંધુઘાટીમાં વસનારાં આપણા પુર્વજો 5000 વર્ષ પહેલાં પણ વેપાર–વાણીજ્યમાં કુશળ હતા, તેથી ધીરધારની પ્રથા તે સમયમાં પણ હોઈ શકે છે. જે વેપાર–વાણીજ્ય સહીત જીવનના એક ધન્ધા માટે પોષક અને પ્રોત્સાહક પ્રથા છે, તેથી બૃહસ્પતીએ દેવું કરીને ઘી પીવાની જે વાત કરી છે, તે માણસને પુરુષાર્થ અને પરાક્રમને પ્રેરણા આપનારી છે. ચાર્વાકદર્શનના વીરોધીઓએ બૃહસ્પતીના આ સુત્રનું સમસામયીક, સાચું અને વીધાયક વીશ્લેષણ કરવાને બદલે સ્વાર્થવશ તેની હાંસી ઉડાવવાનો શરમજનક અને હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે. યજ્ઞોમાં આચરવામાં આવતી માંસ, મદીરા અને મૈથુનની મહેફીલો વીશે આ લોકો તદ્દન મૌન રહે છે.
આમ, ચાર્વાકદર્શનના આ સોળ સુત્રોનું જો ઐતીહાસીક દૃષ્ટીએ વીશ્લેષણ કરવામાં આવે તો ચાર્વાકદર્શનની અનેક મહત્ત્વની વીશીષ્ટતાઓનું આપણને દર્શન થાય છે. આ વીશીષ્ટતાઓ આ પ્રમાણે છે :
(01)   લોકસીદ્ધી અર્થાત્ લોકો દ્વારા ચુંટાયેલો રાજા એ જ ઈશ્વર છે.
(02)   ચૈતન્યયુક્ત દેહ એ જ આત્મા છે.
(03)   અર્થ અને કામ એ બે જ પુરુષાર્થને તે માને છે. (ધર્મ અને મોક્ષને તે માનતું નથી)
(04)   પૃથ્વી પરનાં સુખો એ જ સ્વર્ગ અને પૃથ્વી પરનાં દુ:ખો એ જ નરક.
(05)   પરતન્ત્રતા એ જ બન્ધન અને સ્વતન્ત્રતા એ જ મોક્ષ.
(06)  વાસ્તવવાદી દૃષ્ટીકોણ યાને ઈહલોકના જીવનની જ ચીન્તા. પરલોકના – સ્વર્ગ,   નરકના જીવનનો ઈનકાર.
(07)   પુનર્જન્મ, કર્મસીદ્ધાન્તનો ઈનકાર.
(08)   શારીરીક શ્રમ અને પુરુષાર્થ પર વીશ્વાસ.
(09)   અલૌકીક ઈશ્વરનો ઈનકાર અને સ્વ–ભાવવાદની સ્થાપના.
(10)   વેદપ્રમાણનો ઈનકાર અને તર્ક તથા અનુભવ એ જ પ્રમાણનો સ્વીકાર.
સારાંશ એ છે કે આપણે આપણા ઘરમાં દરરોજ ધુળ, કચરો, કરોળીયાનાં જાળાં–બાવાં વગેરેને દુર કરી ઘરને સ્વચ્છ, સુઘડ, રળીયામણું અને સુવાસીત રાખવા માટે અશુદ્ધીઓને કાયમ બહાર ફેંકતા રહીએ છીએ તેને નકારાત્મક કે ખંડનાત્મક પ્રવૃત્તી કહીએ છીએ ખરાં ? તો પછી ભારતીય સંસ્કૃતીમાં વર્ણાશ્રમધર્મનો વીદેશી કુડો–કચરો કે જે ફક્ત આર્યપંડીતોની શ્રેષ્ઠતા અને ‘વીના પરીશ્રમની આજીવીકા’ માટે ઘુસાડવામાં આવ્યો હતો; તેને ચાર્વાકે ફેંકી દેવાની હીમાયત કરી હોય તો તેને ચાર્વાકની નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તી કેવી રીતે કહી શકાય ? વળી ઘરની સાફ–સુફી કરતી વખતે ઘરવપરાશનાં અને સુખ–સુવીધાનાં સાધનો જે હોય છે, તે તો તેના યથાસ્થાને અગાઉથી હોય જ છે. એવાં સાધનો કંઈ દરરોજ બહાર ફેંકીને નવાં લાવવાનાં નથી હોતાં. એ જ રીતે ભારતીય સીંધુઘાટીના ઉમદા માનવીય ધર્મ અને સંસ્કૃતીનાં તત્ત્વો તો ભારતીય સમાજમાં અગાઉથી વીદ્યમાન હતાં જ. તેનો કંઈ નાશ થઈ ગયો હતો જ નહીં; તેથી ચાર્વાકે એની સ્થાપના કરવાની તો હતી જ નહીં. ચાર્વાકે તો ફક્ત વર્ણાશ્રમધર્મકૃત કચરો જ સાફ કરવાનો હતો. તેથી જ ચાર્વાકસુત્રમાં એની અશુદ્ધીઓનું જ ખંડન મુખ્ય માત્રામાં જોવા મળે તે સ્વાભાવીક છે. તેમ છતાંય એ સુત્રોનું સમસામયીક, પુર્વગ્રહરહીત અને વૈજ્ઞાનીક ઢબે વીશ્લેષણ કરવામાં આવે તો તો એ સોળ શ્લોકોમાં પણ વીધાયક, રચનાત્મક તથા હકારાત્મક અભીગમના આપણને અવશ્ય દર્શન થાય છે.
‘દેવું કરીને ઘી પીઓ’ ખોટું અર્થઘટન કરી ચાર્વાકને ભોગવાદી અને કામચોર ગણાવી લોકોને ગુમરાહ કરનારા વર્ણવાદી તત્ત્વોને સ્વામી સદાનંદે, પોતાની લાક્ષણીક ધારદાર શૈલીમાં જે પ્રત્યુત્તર આપ્યો છે અને તેમને ઉઘાડા પાડ્યા છે; તે આપણને આનન્દાશ્ચર્યમાં ડુબાનારી બાબત છે. વર્ણવાદીઓને સત્ય સમજાવવા માટે તેમણે મનુસ્મૃતીમાંથી કેટલાક શ્લોકો ટાંક્યા છે, જે આ પ્રમાણે છે :
‘યજમાનનો, વીશેષત: બ્રાહ્મણોનો યજ્ઞ એકબાજુથી અટકી રહ્યો હશે અને ત્યાંનો રાજા ધાર્મીક હશે, તો યજમાને તે યજ્ઞ પુર્ણ કરવા માટે ખુબ પશુધનવાળા, યજ્ઞ ન કરનારા અને સોમપાન ન કરનારા વૈશ્યના કુટુમ્બમાંથી તેની સમ્પત્તીનું હરણ કરવું… શુદ્રોના ઘરમાંથી પણ સમ્પત્તીનું હરણ કરવું; કારણ શુદ્રોનો યજ્ઞ સાથે કોઈ સમ્બન્ધ હોતો નથી.’ (મનુસ્મૃતી : 11–11)
‘જે એકસો ગાયોનું ધન હોવા છતાં અગ્નીહોત્ર કરતો નથી, હજાર ગાયોનું ધન હોવાં છતાં સોમ યાગ કરતો નથી, તેના કુટુમ્બનો પણ વીચાર કર્યા વીના તેના ધનનું હરણ કરવું.’ (મનુસ્મૃતી : 11–14)
‘હંમેશાં દાન લેનારે પણ દાન ન આપનાર માણસે, યજ્ઞ માટે ધન આપ્યું નહીં; તો તે બળજબરીથી લઈ લેવું.’ (મનુસ્મૃતી : 11–15)
‘બ્રાહ્મણોએ યજ્ઞ માટે ક્યારેય શુદ્ર પાસે ધનની યાચના કરવી નહીં.’ (મનુસ્મૃતી : 11–15)
(અર્થાત્ યાચના કર્યા વીના લુંટીને – બળજબરીથી લઈ લેવું.)
‘દાસને સમ્પત્તી પર અધીકાર હોતો નથી, તે જે કંઈ પ્રાપ્ત કરે તે તેના માલીકનું યાને બ્રાહ્મણનું હોય છે. માલીકને તેના ધનનું અપહરણ કરવાનો અધીકાર હોય છે.’ (મનુસ્મૃતી : 08–416–17)
‘ધન મેળવવાનું સામર્થ્ય હોવા છતાં; શુદ્રે ધન સંચય કરવો નહીં.’ (મનુસ્મૃતી : 10–12–09)
મનુસ્મૃતીના ઉપરોક્ત શ્લોક ટાંક્યા પછી સ્વામી સદાનંદજી જે પ્રશ્નો પુછે છે તે ભારે વેધક અને વર્ણવાદીઓના જુઠ અને દમ્ભનો પર્દાફાશ કરનારા છે. તેઓ કહે છે કે :
  • કરજ લઈને ઘી પીવાનું કહેનારો માણસ અને બીજાની સમ્પત્તી લુંટીને યજ્ઞ પુર્ણ કરવાનું કહેનારો માણસ એ બેમાં હીન માણસ કોણ ?
  • કરજ લઈને ઘી પીવા કરતાં ધાડ પાડીને ઘી બાળવું વધુ સારું છે ?
  • (અન્યના ધનને લુંટીને) યજ્ઞ કરીને સ્વર્ગ મેળવવાનું કહેનારા કરતાં; દેવું કરી ઘી પીને બળવાન બની, પૃથ્વી પરના જીવનને સ્વર્ગ બનાવવાનું કહેનારા વધારે સાચા અને સારા કહેવાય કે નહીં?
વાસ્તવીકતા એ છે કે ચાર્વાક અને ચાર્વાકદર્શન જેવા મહાન માનવવાદી દર્શનની અજ્ઞાન અને ભોળા લોકો સામે જુઠી અને અઘટીત નીન્દા કરનારા વીદ્વાનો મનુસ્મૃતીના અમાનુષી કાયદા–કાનુનો પ્રત્યે ઘોર આંખમીંચામણાં કરી સમાજમાં ચાર્વાકદર્શન વીરુદ્ધ અજ્ઞાન ફેલાવે છે. મનુસ્મૃતીના જે અમાનવીય દંડ વીધાનો દ્વારા તમામ વર્ણની સ્ત્રીઓ અને આજના OBCSTSC વર્ગના શીક્ષણ, સમ્પત્તી અને હથીયારના અધીકારો છીનવી લઈને બે હજાર વર્ષ સુધી પશુથીયે બદતર પરીસ્થીતીમાં જીવવાની ફરજ પાડી હતી, તે આ વર્ણવાદીઓ બદઈરાદાપુર્વક ભુલી જાય છે.
એન. વી. ચાવડા
આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પુજા–પાઠ, ધ્યાન, ગાયત્રીમન્ત્રજાપ, ગુ

14 January 2016

Thanksgiving Day — આભાર પ્રગટ દિવસ ( સંકલન – વિનોદ આર. પટેલ )

Thanksgiving Day — આભાર પ્રગટ દિવસ ( સંકલન – વિનોદ આર. પટેલ )

અમેરિકામાં વર્ષોથી ઉજવાતા “થેન્ક્સ ગીવીંગ ડે“ નો આપણે ઈતિહાસ ટૂંકમાં તપાસીએ તો આ દિવસનું મૂળ સાલ ૧૬૨૧ સુધી જાય છે આ સાલ પ્લાયમાઉથ કોલોનીના યાત્રાળુઓએ ઇંગ્લેન્ડના જાનલેવા શિયાળામાંથી બચાવીને અમેરિકાની નવી દુનિયામાં હેમખેમ પહોચાડવા બદલ પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે મનાવ્યો હતો. એનો મૂળ હેતુ ભગવાનનો આભાર માનવાનો હતો. આ પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે ત્રણ દિવસ ૫૩ નવ આગંતુકો અને ૯૦ નેટીવ અમેરિકનોએ ખાણીપીણીની મિજબાની યોજીને મનાવ્યો હતો.ત્યાર પછી પણ ન્યુ ઇંગ્લેન્ડ કોલોનીના લોકો નિયમિત રીતે આ દિવસને દુકાળ નાબુદી અને યુદ્ધમાં જીત અપાવવા બદલ પ્રાર્થના અને ભગવાનનો આભાર માનવા માટેના દિવસ તરીકે ઉજવતા હતા.
ત્યારબાદ ,લોક લાગણીને માન આપી, સાલ ૧૮૬૩માં સિવિલ વોરના કપરા સમયે એ વખતના અમેરિકાના પ્રેસિડન્ટ અબ્રાહમ લિન્કને નવેમ્બર ૨૬ ના દિવસને રાષ્ટ્રીય દિવસ “થેન્ક્સ ગીવીંગ ડે” તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું. આની જાહેરાત કરતા એમણે આ પ્રમાણે કહ્યું હતું.:
“We have been the receipients of the choicest bounties of heaven. We have forgotten the gracious hand which preserved us in peace and multiplied and enriched and strngthened us. We have grown in numbers, wealth and power as no other nation has ever grown. And virtue of our own…. Before we sit down to eat, we should thank God for the Blessings bestowed on us.”
આ પછી થેન્ક્સ ગીવીંગ ડે અમેરિકામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઉજવાય છે. આ દિવસે લોકો પોતાનાં સગાવ્હાલાં અને મિત્રોને હળેમળે છે અને ખાવા-પીવાની મિજબાની યોજે છે. કતલ કરીને બજારમાં વેચાતા નિર્દોષ પક્ષી ટર્કીના શરીરમાં મસાલા ભરીને એનું ડીનર લેવાની ક્રૂર પ્રથા પણ આ દિવસ ઉજવવાનો એક ભાગ બની ગઈ છે. થેન્ક્સ ગીવીંગની રજાઓ એ આખા વર્ષમાં પ્રવાસ માટેનો સૌથી વ્યસ્ત સમય ગણાય છે.પછીના બ્લેક ફ્રાઈડેના દિવસે સસ્તા શોપિંગનો લાભ લેવા સ્ટોરોમાં લોકો ખુબ વહેલા પહોચી જઈને પડાપડી કરે છે.
આપણને પરમ કૃપાલુ પરમાત્મા તરફથી આપણી જાત સહિત અનેક કુદરતી ભેટો મળેલી છે. આ બધી કુદરતી બક્ષિસો આપણી નજર સમક્ષ હોવા છતાં ઘણીવાર એને નજરઅંદાઝ કરીએ છીએ.અન્ન,વસ્ત્ર ,માથે છત્ર, ચાહવા માટે કુટુંબ અને મિત્રો, સ્વાસ્થ્ય,ધન,કીર્તિ જેવા અનેક ઉપકારોને સંભારીને પ્રભુનો આભાર માનવાનું અને ઋણ સ્વીકારવાનું આપણે સ્વકેન્દ્રી અને પ્રમાદી બનીને ચૂકી જઈએ છીએ. થેંકસ ગીવીન્ગનો દિવસ આપણે જે અનેક બક્ષીસો ભોગવી રહ્યા છીએ એ માટે આભાર માનવાનો અને સાથે સાથે દુખી જનો પ્રત્યે અનુકંપા ( compassion ) દર્શાવવાનો દિવસ છે.આ દિવસે ભૂખ્યા લોકોને અન્ન વસ્ત્ર માટે દાન કરવામાં આવે છે એ સારી પ્રથા છે.
ચાલો આપણે આ દિવસે નીચેની પ્રભુ પ્રાર્થના કરીએ .
THANKSGIVING PRAYER
Oh, heavenly Father, we thank thee for food , And remember the Hungry.
We thank thee for Friends – Relatives, And remember the Friendless .
 We thank thee for Freedom, And remember the Enslaved.
May these rememberances stir us to Service,
That thy gifts to us May be used for Others.
 — Anonymous
ઓક્ટોબર થી જાન્યુઆરી દરમ્યાન આવતા હોલોવીન,થેન્ક્સ ગીવીંગ,ક્રિસમસ અને ન્યુ યરનો સમય અમેરિકામાં હોલીડેની અને આનંદ પ્રમોદ કરવાની મોસમ છે, આ ઉત્સવોને લોકો ખાણી-પીણીની મિજબાની કરીને, અવનવી ખરીદી કરીને ,ભેટોની આપ-લે કરીને પોતપોતાની રીતે અને ગજવાની શક્તિ પ્રમાણે ભરપુર માણે છે.
તા. ૨૪ નવેમ્બર, ૨૦૧૧ ના ગુરુવારે આ વર્ષનો થેન્ક્સ ગીવીંગનો દિવસ છે.
આપ્ સૌને આ થેન્ક્સ ગીવિંગ દિવસ (આભાર પ્રગટ દિવસ ) અને એનો આનંદ મુબારક હો.
વિનોદ આર. પટેલ ____________________________________________________________________
ભારતીય સંસ્કૃતિમાં દાન અને પરોપકારનો મહિમા
મહાભારતના રચયિતા વેદ વ્યાસે મહાભારતમાં એમના નીચેના શ્લોકના અડધા જ હિસ્સામાં પરોપકારનો મહિમા સુંદર રીતે રજુ કરી દીધો છે.
શ્લોકાર્ધેન પ્રવક્શ્યામી યદુકતમ ગ્રંથકોટીભી :
પરોપકાર: પુણ્યાય પાપાય પરપીડનમ
આ શ્લોકનો અર્થ એ છે કે—“ જે વાત કરોડો ગ્રંથમાં કહેલી છે તે હું ( વ્યાસ ) તમને અડધા શ્લોકમાં કહી દઉં છું . બીજાઓને સુખ પહોંચાડવામાં એટલે કે પરોપકાર કરવામાં પુણ્ય છે અને અન્યને પીડા પહોંચાડવામાં પાપ છે.”
શ્રીમદ ભગવદગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્તવ્ય ભાવનાથી દાન કરવાની શીખ આપી છે , અને સાથે સાથે કેવી રીતે દાન કરવું એ પણ સમજાવ્યું છે. એમણે ગીતામાં કહ્યું છે કે બીજા ઉપર ઉપકાર માનવાની આશા રાખ્યા સિવાય ( દીયતે અનઉપકારીણે ) દાન કરવું જોઈએ. તિરસ્કાર કરીને આપેલું દાન ,અવજ્ઞા કરીને આપેલું દાન એ દાન કર્યું ન કહેવાય. એક શ્લોકમાં એમ પણ કહ્યું છે કે” જે લોકો પોતાના કારણે જ રાંધે છે તેઓ પાપ ખાય છે.” ભગવાને યજ્ઞ રૂપી કર્મથી જે કઈં પ્રાપ્ત થાય તેને વહેંચીને, બીજાઓને પણ એમાં ભાગીદાર બનાવીને ખાવાની પણ સલાહ આપી છે.
બીજા એક શ્લોકમાં આ પ્રમાણે કહ્યું છે.એનો અર્થ સમજાય એવો સ્પષ્ટ છે.
પરોપકારાય ફ્લંતી વૃક્ષા : પરોપકારાય દુહ્ન્તી ગાવ :
પરોપકારાય વહ્ન્તી નદ્ય : પરોપકારાર્થમીદમ શરીર :
બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે કહ્યું છે “ જેની પાસે આપવાની હિમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”
આ અંગે એક કવિએ સુંદર કહ્યું છે કે –
 “ અપને લીયે જી જાયે વો હૈ જિંદગી , ઔરોંકો જો કામ આયે વો હૈ બંદગી . “
નીચેના કબીરના દુહાઓમાં એમણે દાન અંગે ગાગરમાં સાગર સમાય એ રીતે પોતના વિચારો એમની આગવી જબાનમાં રજુ કર્યા છે.
 દાન વિષે – કબીરવાણી
૧. કહે કબીર કમાલકો, દો બાતાં શીખ લે,
કર સાહેબ કી બંદગી, ઓર ભુખે કો કછુ દે.
૨. ધર્મ કીયે ધન ના ઘટે, નદી ન સંચે નીર,
અપની આંખે દેખીયે, યું કહે દાસ કબીર.
૩. મરૂં પણ માંગું નહી, અપને તનકે કાજ,
પરમારથ કે કારણે, માગન ન આવે લાજ.
૪. ભુખેકો કછુ દીજીયે, યથા શક્તિ જો હોય,
તા ઉપર શીતલ વચન, લખો આત્મા સોય.
૫. જહાં દયા વહાં ધર્મ, જહાં લોભ વહાં પાપ,
જહાં ક્રોધ વહાં કાળ, જહાં ક્ષમા વહાં આપ.
૬. દાતા દાતા ચલ ગયે, રહ ગયે મખ્ખીચુર,
દાન માન સમજે નહી, લડને મેં મજબુર.
અહી સંત તુલસીદાસે એમની આ શાખીઓમાં ઘણી સમજવા જેવી વાત કરી છે.
એરણકી ચોરી કરે , દિયે સોયકા દાન
 ફિર દેખે આકાશકો , કયું ન આવે વિમાન.
 દયા ધરમકા મૂલ હૈ , પાપ મૂલ અભિમાન
 તુલસી દયા ન છાન્ડીયે, જબ લગ ગટમે પ્રાન .
 “ જે પોતે સુખી હોય અને બીજાને સુખ આપે એ સજ્જન .
  જે સ્વયમ દુખ ભોગવીને બીજાને સુખ આપે તે સંત. “
                                             –પૂજ્ય ડાંગરે મહારાજ
સંકલન – વિનોદ આર. પટેલ ____________________________________________________________________
મને ઈ-મેલમાં અંગ્રેજીમાં પ્રાપ્ત આ સુંદર બોધદાયક વાર્તા થેન્ક્સ ગીવિન્ગ દિવસ (આભાર પ્રગટ દિવસ ) ને અનુરૂપ છે. એમાં આપણે શા માટે પ્રભુના આભારવશ થવું જોઈએ  અને એના ઋણનો સ્વીકાર કરવો જોઈએ , એ ખુબીથી સમજાવ્યુંછે. આ વાર્તાને  ઉપર  ક્લિક કરી ફાઈલ ઓપન કરી વાંચશો અને અન્યોને પણ વંચાવશો.
____________________________________________________________________
થેન્ક્સ ગીવીંગ ડેના દિવસને અનુરૂપ બીજાં કેટલાંક અવતરણો –
SECRET  OF THANKSGIVING
To find joy in the Common Things,
To do our best with what life brings.
To trust that God will lead the way,
To count our blessings day by day.
To love by sharing and forgiving,
This is the Secret of Thanksgiving.
– Un known
“To be happy is easy if we forgive ourselves, forgive others and live with thanksgiving . No self-centered person , no ungrateful soul can ever be happy, much less make Anyone else happy. Life is giving not receiving.”                 — Joseph F.Newton
One framed plaque reads :
NO EXERCISE IS BETTER FOR HUMAN HEART THAN REACHING DOWN AND LIFTING ANOTHER UP
વાચક મિત્રો,
મને આશા છે, રીસર્ચ કરી, વાંચી અને પસંદ કરેલ થેન્ક્સગીવીંગના પ્રસંગને અનુરૂપ આજની પોસ્ટમાં મુકેલ આ સામગ્રી આપને ગમી હશે.
HAVE A GREAT THANKSGIVING
I WISH YOU ALL A HAPPY THANKSGIVING

“ ઘડપણ અને એમાં આરોગ્ય અંગેના પ્રશ્નો “


વૃધ્ધાવસ્થા એ દરેક મનુષ્યનો જીવનનો મરણ પહેલાંનો આખરી તબક્કો છે. જુવાનીની વસંત પછી જીવનની પાનખરનો એ સમય છે.આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ પણ ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “ સો વરસનું આરોગ્યમય સાદું સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગીરવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “ વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ગુણવંત શાહે એમના લેખમાં કહ્યું છે એમ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે એ વૃદ્ધ કહેવાય.     
આવી આ વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ગુણવંત શાહે એમના લેખની શરૂઆત કરતા કહ્યું છે એમ “માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડસુગરકૉલેસ્ટરોલબ્લડ પ્રેશરઆરથ્રાઈટીસબાયપાસઘડપણ અને મૃત્યુ.”  
આજની પોસ્ટના વિષયની વિશદ ચર્ચા કરતા નીચેના મારી પસંદગીના ત્રણ લેખો અને મારું એક સ્વરચિત કાવ્ય નીચે મુકવામાં મુકવામાં આવ્યાં છે. આમાં પ્રથમ બે લેખોના લેખક જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ છે જે આ વિષયને અનુરૂપ  ખુબ જ રસદાયક વિચારો એમની આગવી શૈલીમાં રજુ કરે છે.બીજા લેખો પણ ઉપયોગી માહિતી આપે છે. શ્રી ગુણવંત શાહ અને અન્ય લેખકોનો હું આભારી છું. 
ઉપરોક્ત વિષય ઉપરના આ ચૂંટેલા ત્રણ લેખો હાલ વૃધ્ધાવસ્થા ભોગવી રહેલ સીનીયર સીટીઝનો અને ભવિષ્યમાં એક દિવસ જેઓ સીનીયર સીટીઝન થવાના છે એ સૌને માટે પણ જ્ઞાન વર્ધક,પ્રેરણાદાયક થાય એવા છે. આ લેખો વાંચીને, મનન કરી એનો અમલ કરવા માટે જો વાચકો પ્રેરાશે તો મારી આજની પોસ્ટનો મારો પ્રયત્ન લેખે લાગશે અને મારો આશય સિદ્ધ થશે એમ હું માનું છું.
                                                       —– વિનોદ આર. પટેલ
___________________________________________________________________ 
ઘડપણ સડવા માટે નથી                         લેખક – ડૉ ગુણવંત શાહ 
માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડસુગરકૉલેસ્ટરોલબ્લડ પ્રેશર,આરથ્રાઈટીસબાયપાસઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુ:ખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુ:ખ એમને વ્યાજમુદ્લ સાથે પાછું મળે છે. 
જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છેગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છેથૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે,પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનુંપણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ. 
પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ગમે એ ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.
ચલના જીવનકા નામ
ચલતે રહો શુબહ શામ 
પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ(healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે. 
પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્યસંગીતકળાનાટક અને કવિતા જેવી ફાલ્તુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. 
પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય. 
જે વૃધ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમકળાપ્રેમમનોરંજનમૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃધ્ધ છેક સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glue) લગાડીને ચોંટી રહેતો નથી. શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. 
જે બાલ્દી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. એ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerentocrazy કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત વિચારોની વૃદ્ધિથી સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધ. 
ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનુંવિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ઘરડો’ કહેવો એ એનું અપમાન છે.  
અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે. 
(લેખકના વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંથી સાભાર)
Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ન્યૂયોર્કથી પ્રકાશિત થતા જાણીતા ગુજરાતી સાપ્તાહિક “ ગુજરાત ટાઈમ્સ “ માં જુલાઈ ૨૦૧૧માં પ્રગટ થયેલું  મારું નીચેનું કાવ્ય થોડું અપડેટ કરીને અહીં મુક્યું  છે.આ કાવ્ય આજની પોસ્ટના વિષયને અનુરૂપ છે જે આપને વાંચવું ગમશે.
આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !
આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી,                                           “
ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .
એક વણનોતર્યા મહેમાન સરીખો,
આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો. 
હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા
વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,
એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા . 
શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો
કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,
જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.
જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,
પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.
વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,
હોંસથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા. 
જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે
હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,
મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,
મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .
મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,
તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,
સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !.
                     —- વિનોદ આર. પટેલ
_____________________________________________________________________________
નીચેના બે લેખો પી.ડી,એફ.ફાઈલ  ઓપન કરીને વાંચી શકાશે.
શ્રી ગુણવંત શાહ તા. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ હાર્ટ એટેકનો  ભોગ બન્યા હતા. એમના જીવન માટેનો એ કસોટીનો  કાળ  હતો. હોસ્પીટલમાં એન્જીઓગ્રાફી અને બાયપાસ સર્જરી પછી ગુજરાતને સારે નસીબે તેઓ કસોટી કાળમાંથી હેમખેમ  ઉગરી જઈને પોતાના હમ્મેશ મુજબના કાર્યમાં લાગી ગયા છે એ સૌને માટે આનંદની વાત છે.  સર્જરી પછી ફક્ત પાંચ દિવસ પછી એમના હાર્ટ  એટેક આવ્યા પછીનો અનુભવ રજુ કરતો અને એમાંથી બચવા માટેની શીખ આપતો આ લેખ  લખીને એમના બ્લોગ ટહુકોની તા  ૨૧ મી સપ્ટેમ્બરની પોસ્ટમાં મુકવા જેટલી માનસિક સ્વસ્થા એમણે પ્રાપ્ત કરી  લીધી એ કેવી નવાઈ કહેવાય !  આ લેખ એમણે ખુલ્લા દિલે એમની આગવી રસાળ  શૈલીમાં  લખ્યો છે  જે મનને આનંદ આપે છે અને ચેતી જવાની શીખ પણ આપે છે.
મિત્ર વિપુલ દેસાઈના બ્લોગ ” સુરતી ઊંધિયું ” માંથી પ્રાપ્ત આ લેખમાં ગાંધીજીને પ્રિય  વિષય નિસર્ગોપચાર ઉપર ચર્ચા  કરવામાં આવી છે. નીસર્ગોપચારથી સુખેથી આરોગ્યમય  અને લાંબુ જીવન જીવી શકાય છે એ આ લેખમાં દર્શાવાયું છે.

Leave a Reply

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી