
માનવશરીરનું જીવન ટકાવી રાખવા માટેનું અગત્યનું અંગ હૃદય છે. હૃદયની મુખ્ય બીમારીઓ અને તેના કારણે થતાં મૃત્યુંના કેસોમાં ૨૫ થી ૩૦ ટકા કેસોમાં માઈટ્રલ વાલ્વની ખામી કારણભુત છે. બીજી બીમારીઓને માનવીની ઉંમર સાથે વ્યાપક સંબંધ છે. જ્યારે માઈટ્રલ વાલ્વની ખામી જન્મજાત કે જીવનના કોઈપણ તબક્કે આવી શકે છે. વાલ્વની ખરાબીને લીધે લોહી વાલ્વની દીશામાં વહેવાને બદલે વીરુદ્ધ દીશામાં વહે છે. આવા કેસોને માઈટ્રલ વાલ્વની ખામી કહેવાય છે.
આ વીષય પર ભારતના ડૉ. બી. કે. ગુપ્તા, નવી દીલ્હીની જી. બી. પંત હોસ્પીટલના કાર્ડીયાક વીભાગમાં નવીનતમ સસ્તી સારવાર પદ્ધતી અખત્યાર કરી રહ્યા છે. તેઓ માઈટ્રલ વાલ્વને સીવવા પર ભાર આપે છે. મોટી ઉંમરની વ્યક્તીઓ કે જેનું હૃદય યોગ્ય રીતે કામ કરતું ન હોય તેવા કીસ્સામાં વાલ્વ સુધાર્યા પછી આયાતી રીંગ જેવી કે કાર્પેન્ટીયર રીંગ, ડ્યુરન રીંગ અથવા પ્યુગમાસનશીલ રીંગનો ઉપયોગ થાય છે. જેની કીમંત રુપીયા ૧૮,૦૦૦/- થી ૨૦,૦૦૦/- જેટલી છે. પરંતુ આ આયતી રીંગોની સામે ડૉ. ગુપ્તાએ અન્ય વૈકલ્પીક રીંગની શોધ કરી છે. જેની કીંમત રુપીયા ૪૦૦/- જેટલી જ છે. આ વીકસાવેલ રીંગનો ફાયદો એ છે કે, તે સ્થીતીસ્થાપક છે અને એક્ષ-રે દ્વારા જોઈ શકાય છે. આ પદ્ધતી બાળકોમાં પણ ઉપયોગી છે. શરીરના વીકાસ સાથે હૃદયનો વીકાસ થવા છતા વાલ્વનું કાર્ય સારી રીતે થતું રહે છે. વળી મહાધમનીના સંકોચ કે વીસ્તાર વખતે પણ વાલ્વને કોઈ અન્ય અસર થતી નથી. ડૉ. ગુપ્તાએ એક વર્ષ દરમ્યાન ૨૦ જેટલા દર્દીઓને તેઓએ વીકસાવેલી પદ્ધતીથી સારવાર આપી છે અને તે તમામ કેસોમાં તેઓને સફળતા મળી છે.
વધુમાં ઓપરેશન દરમ્યાન દર્દીને લોહી આપવાની જરુર જણાય તેવા કીસ્સાઓમાં લોહી મેળવવાની તકલીફ નીવારવા માટે દર્દીના ઓપરેશન પહેલાં જ દર્દીનું લોહી લઈ લેવામાં આવે છે. અને જરુર જણાય તો દર્દીને પોતાનું જ લોહી ચઢાવવાની પદ્ધતી પણ તેઓ અપનાવે છે. જેને લઈને દર્દીના સગા સંબંધીઓને લોહી વેચાતું લેવાની જરુર પડતી જ નથી. તેમજ લોહી મેળવવાના વીલંબને કારણે થતું નુકસાન પણ નીવારી શકાય છે.
આમ, ભારતનો ગરીબજન પરદેશની મોંઘી સારવારનો ખર્ચ ઉપાડી શકવાના અભાવે મૃત્યુને વરે છે. આવી પરીસ્થીતી નીવારવા માટે ડૉ. ગુપ્તાની આ નવીનતમ સસ્તી અને સ્વદેશી સારવાર પદ્ધતી બહુજન સમાજને ખુબ જ ઉપયોગી થશે. જે બદલ ડૉ. ગુપ્તાને હાર્દીક અભીનંદન.
No comments:
Post a Comment