ઈશ્વરની આવશ્યકતા
7
મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા
(ગત લેખાંક : 6 https://govindmaru.wordpress.com/2015/06/26/culture-can-kill-6/ના અનુસન્ધાનમાં.. )
ઈશ્વર છે કે નથી એ વીશેની સૈદ્ધાન્તીક ચર્ચાઓનો સાગર, એક લેખની ગાગરમાં સમાય નહીં. સદ્ભાગ્યે એની અહીં જરુર પણ નથી; કારણ કોઈ એકની વ્યક્તીગત માન્યતાનું મહત્ત્વ નજીવું છે. એથી ઉલટું, ઈશ્વર હોય તો એના, અને ન હોય તો એની કલ્પનાના, ફાયદા/ ગેરફાયદા શા છે; એ વ્યાવહારીક પ્રશ્ન વધુ મહત્ત્વનો છે. કારણ કે સમાજ ઉપર એની દુરગામી અસરો પડી છે અને પડે છે. રસાયણશાસ્ત્રમાં દરેક પદાર્થનો અભ્યાસ કરવાની પદ્ધતી એને બનાવવાની રીત, ગુણધર્મો અને ઉપયોગો જાણવાની છે. જ્યારે ઈશ્વરના ગુણધર્મો નક્કી કરવા અશક્ય છે. સદ્ ભાગ્યે, ઈશ્વરના ઉપયોગ, અનુપયોગ કે દુરુપયોગ જાણવા પ્રમાણમાં સહેલા છે અને એ જ આપણો અહીં વીષય છે.
કોઈએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર ન હોય તો આપણે એનું સર્જન કરવું જોઈએ. કારણ વ્યક્તીગત અને સામાજીક, બન્ને રીતે ઈશ્વર ઉપયોગી કલ્પના છે. ઘણા મનુષ્યો માટે ઈશ્વર અંગત કે વ્યક્તીગત જરુરીયાત હોય છે.
એનાં કારણો જોઈએ :
માણસ જન્મજાત રીતે શરીર અને મનથી નબળો છે. પ્રાણીઓ સામે, કુદરત સામે, સમાજ સામે, માણસનું કાંઈ ચાલતું નથી. એને માનસીક રીતે ટેકો જોઈએ છે. માણસ નીશ્ચીતતાને ઝંખે છે. જ્યારે એની જીન્દગી અનીશ્ચીતતાઓ, અચાનક બનતા બનાવો, અકસ્માતો વગેરેથી ભરેલી છે. રોગ, ઘડપણ ને મૃત્યુ અનીવાર્ય છે અને એનો ભય બધાને ડરાવે છે. એ બધા સામે માણસને આશ્વાસન જોઈએ છે. જીવનનો અર્થ, એનો હેતુ, એનું ધ્યેય, એવા પ્રશ્નો વીચારવાન માણસોને સતાવે છે. એના સાચાખોટા કે કલ્પીત ઉત્તરો પણ એને આકર્ષે છે. એકધારી જીન્દગીમાં કંઈક નવીનતા લાવવા, કંટાળાને દુર કરવા, પ્રવૃત્તીમય રહેવા, વીચાર કરવાની મહેનત ટાળવા, મનુષ્યો ઈશ્વર અને ધર્મનો ઉપયોગ કરે છે.
ઈશ્વરની સામાજીક જરુરતનાં કારણો જોઈએ :
માણસ સામાજીક પ્રાણી છે. એને પોતાના નાના સમુહ બનાવવા ગમે છે. એ સમુહો પોતપોતાના કલ્પેલા કે સ્વીકારેલા ઈશ્વરના નામે એકતા, અંગતતા, સહકાર, મીત્રતા, વગેરે સ્થાપી શકે છે. સમુહમાં રહેવા માટે શીસ્ત, નીયમો, નીતીરીતી વીના ચાલે નહીં. નીતીનીયમો અને કાયદા વીના સંસ્કૃતી વીકસે નહીં. નીતી–નીયમોને સ્થાપીત કરવા, એમનું પાલન કરાવવા, પાલન ન કરે તેને શીક્ષા કરવા વગેરે માટે દેશમાં જેમ સર્વસત્તાધીશ રાજા હોય, તેમ વીશ્વમાં ઈશ્વર હોય એ કલ્પના બહુ સ્વાભાવીક રીતે ઉદ્ભવે છે. સ્વજનો કે ટોળીના દુશ્મનોને ઓળખવા અને જરુર પડે એમની સામે લડવા, ઈશ્વરના નામના ઉપયોગથી ઘણું કામ સહેલું થઈ જાય છે. મોટા સમુહોને કે જાતીઓને પ્રેરણા આપવા, દોરવણી આપવા કે કેટલાક સ્વાર્થપ્રેરીત હેતુઓસર એમનો ઉપયોગ કરી લેવા ઈશ્વરના નામનો ઉપયોગ થઈ શકે છે.
ઉપર કહ્યું તેમ ઈશ્વર છે કે નહીં એની ઉંડી ચર્ચા આપણે અહીં કરવી નથી; છતાં થોડાક બુદ્ધીગમ્ય ને બુદ્ધીગ્રાહ્ય વીચારો નીચે રજુ કર્યાં છે; જે સ્વીકાર–અસ્વીકાર કરતાં વધુ તો વાચકમીત્રોની વીચારણા માટે છે.
‘ઈશ્વર નથી’ એ કથન નીરપેક્ષ સત્યનો ઉલ્લેખ કરે છે. ‘ઈશ્વર એ આવશ્યક કલ્પના છે’ એ કથન ઉપયોગી મુલ્ય વીશે છે. આટલું જ માત્ર સ્વીકારી શકીએ તો આસ્તીક–નાસ્તીકનો સનાતન ગજગ્રાહ મટી જાય. અર્થ એટલો જ થાય, કે ઈશ્વર સત્ય નથી; પણ મુલ્ય છે. તે સાન્તા ક્લોઝ જેવો છે : બાળક માટે આનંદદાયક ને ઉપયોગી હોય; પણ વાસ્તવીકતામાં અસત્ય હોય. તે એક રોમાંચક કલ્પના છે. સાચે જ ના હોય; પણ હોય તો સારું લાગે. ઈતીહાસમાં આવાં ઘણાં ઉદાહરણો છે, જે અસત્ય છતાં જે તે સમયે આવશ્યક હતાં : ઉપરાંત, ઈશ્વરને એક સત્ય તરીકે નકારીને પણ, એક ઉપયોગી મુલ્ય તરીકે સ્વીકારવો એ બૌદ્ધીકો માટે દુષ્કર કાર્ય નથી. અસ્તીત્વ નકારવાથી ચીલાચાલુ ધર્મનાં દુષણો દુર રાખી શકાય; મુલ્ય તરીકે સ્વીકારવાથી એની ઉપયોગીતા જળવાય.
ઈશ્વરના સમ્બન્ધમાં જેટલાં માથાં તેટલી મતી. દરેક વ્યક્તીની કલ્પના જુદી હોય છે. શાને શોધીએ છીએ એ જ ખબર ન હોય તો એને શોધાય કેવી રીતે? બુદ્ધીથી પર એવું કંઈક છે એમ કહીએ છીએ તે પુર્વધારણા (Assumption) છે; સાબીતી નથી. ઈશ્વર બુદ્ધીથી પર હોય તો પણ, આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે; બીજું કંઈ નથી ! તો એને વાપરવી કેમ નહીં? મનુષ્યની બુદ્ધી મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો ચોક્કસ; પણ જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય, બીજું બધું ફેંકી દેવાય ? અધ્યાત્મના અભ્યાસીઓને પ્રચારકોએ પણ બુદ્ધી–પ્રજ્ઞા–તર્ક વાપર્યાં છે. બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાનો આશરો શોધવો? ચન્દ્ર પર પહોંચવા જેટ વીમાન ન ચાલે એટલે હોમ–હવન કરીએ કે આગળ વધી રૉકેટની શોધ ચાલુ રાખીએ ? આ બાબતમાં ગણીત કે વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન જ હોય; પણ ન્યાય, તર્ક (Logic) કે સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ હોવાં જોઈએ. તર્કની વીસંગતતા (Inconsistency) શા માટે ચલાવી લેવાય ?
બુદ્ધીમાં જો અપુર્ણતા છે તો શ્રદ્ધામાં તો એથીય વધારે અપુર્ણતાઓ છે, વીરોધાભાસ છે, વીચીત્રતાઓ છે. અન્ય કોઈનો અનુભવ તુક્કા હોઈ શકે છે. કોન્ક્રીટની તોતીંગ દીવાલ સામે ઉભા હોઈએ ત્યારે એની પેલી બાજુ શું છે એ વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. ત્યાં માણસ હોય, મચ્છર હોય, મર્કટ હોય કે કશુંય ના હોય એવું બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ..
શ્રદ્ધા કદી વીચારશક્તી કે વીવેકબુદ્ધી (Reason)નું સ્થાન ન લઈ શકે. શ્રદ્ધા એટલે નીષ્ઠા, વીશ્વાસ, દૃઢ માન્યતા, ગમે તે; પણ વીચારવીવેક તો નહીં જ. શ્રદ્ધા પરાવલમ્બી છે, જ્ઞાનનું કે નીર્ણયશક્તીનું સ્વયંનીર્ભર કે સ્વયંસીદ્ધ સાધન નથી. ધર્મ કે અધ્યાત્મને વીચાર–વીવેકના કાર્યક્ષેત્રની બહાર મુકી દઈએ એટલે જીન્દગીના અતી મોટા ને મહત્ત્વના વીષયને આપણે દેશવટો આપ્યો કહેવાય. કદાચ એમ કરીએ તો પણ ધર્મની વીધીઓ, એના નીષેધો, તેનાં વ્યક્તીવીશેષને સમજમાંથી બાકાત રાખવાનું કોઈ જ કારણ ન હોઈ શકે. આપણે જાણીએ છીએ કે આ બધાં વીના કોઈ ધર્મ ઉભો રહી ન શકે. વીચારી જુઓ : યાત્રા, ખોરાકપાણીના નીયમો, મૃત્યુદંડનો કાયદો, આવી આવી સેંકડો ચીજોમાં બુદ્ધી વાપર્યા વીના ચાલી શકે ખરું? ઋષી–મુની–સન્ત પોતે જ કહે છે કે અમે તો આંગળી ચીંધીએ, નીર્ણય તો દરેક વ્યક્તીએ પોતે જ કરવાનો હોય છે. આ સન્તો એકમતના હોય છે ખરા? ભાગ્યે જ ! બુદ્ધ અને મહાવીર – ભગવાનમાં માનતા નથી; જીસસનો ભગવાન – ક્ષમા ને પ્રેમ છે; મહમ્મદનો ભગવાન – બીન–મુસ્લીમને કડક શીક્ષા કરે છે; હીન્દુઓમાં ભગવાનોની કક્ષાઓ, પાયરીઓ, અવતારો હોય છે. મારે માટે આ બધા પુજ્ય હોય તો હું કોની વાત સાચી માનું ? શ્રદ્ધા કે વીશ્વાસ રાખવો હોય, તો પણ કોનામાં ? જે કોમમાં જન્મ્યા હોય એમાં જ ? એ તો બાળપણની કેળવણી સુચવે છે; કોઈ વૈશ્વીક નીયમો નહીં.
ઉપરના બધામાં જ્યારે શ્રદ્ધા કામ ન કરે, ત્યારે રીઝ્ન (Reason) કેમ ન વાપરી શકાય? આમેય તે Reason વીના માણસનો છુટકો તો છે જ નહીં. વીરોધી મુલ્યો વચ્ચે સરખામણી કરીને પસંદગી કરવા, સમતોલન જાળવી રાખવા, સારા–નરસાનો ભેદ પારખવા, એ માટે તો આપણે Reasonનો ઉપયોગ રોજેરોજ કરીએ જ છીએ; કરવો જ પડે છે. કુદરતમાં માણસ સર્વશ્રેષ્ઠ થયો એ એની ઉચ્ચ બુદ્ધીશક્તી (Reasoning Power)થી જ થયો છે. શરીરથી તો એ ક્ષુદ્ર પ્રાણી છે. તો પછી Reasonને ઉતારી પાડવાની શી જરુર ? ઈશ્વરની ભૌતીક સાબીતી ન હોય, પણ વૈચારીક સાબીતીનો આગ્રહ તો આપણે રાખવો જ જોઈએ. આધુનીક ભૌતીકશાસ્ત્ર જુઓ તો આખું એમ જ છે ને ? સીદ્ધાન્તો, સમીકરણો, ને ગણીતથી ભરપુર છે. પણ એકેએક તાર્કીક રીતે સાબીત કરી શકાય તેવાં છે; માની લીધેલાં સત્યો નથી. અધ્યાત્મમાં આથી તદ્દન ઉલટું છે. મહાપુરુષે કહ્યું એટલે માની લો.. મોટો ફરક એ કે આઈન્સ્ટાઈનને ખોટો કહેવાય; પણ રામ કે મહમદને ખોટો કહો તો માથું જાય.
ઈશ્વર બાબત સેંકડો પ્રશ્નો લાખો લોકોએ આજસુધીમાં ઉઠાવ્યા છે. તર્કની અને ભાષાની સંખ્યાબંધ ગુલાંટો મારીને પંડીતોએ જવાબ આપવાના પ્રયત્નો કર્યાં છે. છતાં એકેયનો સંતોષકારક જવાબ મળતો નથી. દયાળુ ઈશ્વર ધરતીકમ્પ કેમ મોકલે છે ? એમાં મરે એ બધા તો પાપીઓ નહીં જ હોય ! સારા માણસો દુઃખી થાય ને દુર્જનો મજા કરે એવું કેમ ? ઈતીહાસમાં સૌથી સદ્ ગુણી સ્ત્રી સીતા. એણે એવાં કયાં પાપ કરેલાં કે જીન્દગીભર આટઆટલાં દુઃખ એને વેઠવાં પડ્યાં ? ઈશ્વર સર્વશક્તીમાન હોય તો સેતાનને કેમ સંહારી શકતો નથી, નરકનો નાશ કરી શકતો નથી કે દુષ્કૃત્યોને અટકાવી શકતો નથી ? અથવા તો, પોતે દયાળુ છે છતાં એમ કરવા જ માગતો નથી ? વીશ્વનો સર્જનહાર હોવો જ જોઈએ એવો જો નીયમ હોય, તો સર્જકનું સર્જન કોણે કર્યું ? સર્જન કરતાં પહેલાં એ શું કરતો હતો ? ક્યાં રહેતો હતો ?
દુનીયાના ચાર મોટા ધર્મોમાં ઈસ્લામ સૌથી નવો ધર્મ છે. એ પણ આજથી 1400 વરસ પહેલાં સ્થપાયો હતો.કોપરનીકસ ને કેપ્લરે ફક્ત 500 વરસ પહેલાં સાબીત કર્યું કે સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ પછી ગેલીલીયો જેવા વૈજ્ઞાનીકોથી આધુનીક વીજ્ઞાન શરુ થયું. બધા જ મહાન ધર્મો એવા પ્રાચીન અજ્ઞાની યુગમાં જન્મેલા છે જ્યારે કમ્પ્યુટર કે કાગળ, માઈક્રોસ્કોપ કે મોટર, વીમાન કે વીજળી, કશું જ નહોતું. ત્યારે ચન્દ્રસુર્ય તો ઠીક; પણ પૃથ્વીય પુરી શોધાઈ–જોવાઈ ન હતી. ઓક્સીજન કે ઉત્ક્રાન્તી નામના શબ્દોય કોઈએ સાંભળ્યા નહોતા. જ્યારે ધર્મશાસ્ત્રમાં જ બધાં શાસ્ત્રોનો આદી ને અન્ત હતો. એ યુગોમાં શાપ, વરદાન કે પ્રાર્થના સીવાય કોઈ બનાવ યથાર્થ સમજવો શક્ય જ ન હતો. આ પરીસ્થીતીમાં માણસ શ્રદ્ધા ન રાખે તો શું કરે? પરન્તુ આજે જ્યારે વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર જેવાં ઉપકરણો ઉપલબ્ધ છે, ત્યારે પણ માણસ શ્રદ્ધાને જ પકડી રાખે તો અર્ધો આંધળો માણસ ચશ્માં કે લાકડી હાથવગાં હોવા છતાં; અંદાજથી અથડાયા કરે એના જેવું થાય. મનુષ્યજાતીના અનીવાર્યપણે અપુર્ણ એવા જ્ઞાનને સમ્પુર્ણ સાબીત કરવા પંડીતોએ શબ્દોના સુશોભીત સાથીયા પુર્યા છે અને શાસ્ત્રોમાં સ્વપ્નો સજાવ્યાં છે. એવા વ્યર્થ પ્રયત્નો છોડીને આપણી મર્યાદાઓની વાસ્તવીકતા સ્વીકારી લેવી એ જ ડહાપણનો માર્ગ છે. ઘણાં સ્વપ્નોને સનેપાત બનવાની કુટેવ હોય છે.
ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી છે. દુનીયાનાં સુખદુ:ખ, હર્ષશોક, અનીશ્ચીતતા, અજ્ઞાન, બધું ઈશ્વર નામની વળગણી પર લટકાવી નચીન્ત થઈ સુવાનું માણસને ફાવી ગયું છે. તેને અદૃશ્ય અને અગમ્ય ગણ્યો એટલે બહુ સગવડ થઈ ગઈ. આ, તે, પેલું, બધું જ એને નામે ચડાવી દેવાય ને કોઈ શંકા કરી જ ન શકે. આ એક કલ્પના સ્વીકારો એટલે સત્યની શોધ, જીવનની જીજ્ઞાસાઓ, જન્મ, જરા, મૃત્યુના પ્રશ્નો, બધું બાજુએ મુકી દેવાનું સહેલું થઈ જાય. વસ્તુનો હોવાનો પુરાવો મળે; વસ્તુના અભાવનો પુરાવો કેમ મળે ? એટલે માણસના મગજમાં ઈશ્વર હમેશાં જીવે છે. અજ્ઞાતનું આકર્ષણ હમેશાં અદ્ ભુત હોય છે. સ્વર્ગનાં સુખો, નરકની યાતના, મૃત્યુ પછીનું જીવન, આ બધાંનું આકર્ષણ આપણને જાણીતું જ છે.
માણસની રચેલી સૌથી માયાવી ને મૌલીક સંકલ્પના એ ઈશ્વર છે. અસત્ય છતાં ઉપયોગી, કાલ્પનીક તોય કમનીય. કલ્પના ગમે તેટલી રંગીન (Romantic), સુંદર કે ઉપયોગી હોય, તોય એ કલ્પના જ રહે છે. પરન્તુ દેવ–દાનવ, ભુત–પલીત, ચુડેલ–ડાકણ, આત્મા–પરમાત્મા, પરીઓ, દેવદુતો જેવી ભ્રામક માન્યતાઓની માયાવી સૃષ્ટી રચ્યા વીના પણ માનવજીવન સમજી ને સ્વીકારી શકાય એવું છે. પ્રત્યેક બનાવનો પુર્ણ અર્થ સમજી શકવાની મથામણ કરીને પારલૌકીક પરપોટાઓ ઉડાવ્યા વીના પણ માણસ આનન્દથી જીવન માણી શકે છે, જો એ પોતાની અપુર્ણતાઓ, અશક્તીઓ અને અનીશ્ચીતતાઓને સ્વીકારી શકે તો ! કૃતીના બંધારણથી જો એનું કાર્ય નીશ્ચીત થતું હોય, તો જીવન નામની કાર્યરત કૃતીનાં કારણો કલ્પવાની કડાકુટમાં શા માટે પડવું ? પણ શુન્ય સીવાય જ્યાં કંઈ નથી, ત્યાં અનન્ત સૃષ્ટી શોધવા ઝંખતો માણસ શ્રદ્ધાના સુક્ષ્મતમ બીન્દુને વીસ્તારીને આકાશગંગા બનાવી દે છે. અને એમ કરતાં એ માન્યતાને ખેંચી ખેંચીને મનસ્વી મમતની હદમાં પહોંચાડી દે છે.
ધર્મ કે ઈશ્વર કેટલાક મનુષ્યોને જીવવાનો હેતુ, અર્થ કે પ્રયોજન આપી શકે છે; પણ એવું કામ તો કલા પણ કરે છે, લેખન પણ કરે છે, યુદ્ધો પણ કરે છે, બીજા અનેક ઉત્કટ આચારો ને વીચારો પણ કરે છે. કેટલીક વાર જ્યોતીષ, તાન્ત્રીકવીદ્યા વગેરેમાં શ્રદ્ધા રાખવી બીનજરુરી કે અત્યન્ત હાનીકારક નીવડે છે. આવી પરીસ્થીતીઓમાં શ્રદ્ધા કરતાં પ્રશ્નશીલતા (Skepticism) કે અજ્ઞાન સુધ્ધાં વરદાનરુપ થાય છે. કવી યીટ્સકહે છે તેમ ‘શ્રેષ્ઠ મનુષ્યો કટ્ટર માન્યતાઓથી દુર રહેતા હોય છે; કનીષ્ઠો ઉત્કટ ઝનુનથી ભારોભાર ભરેલા હોય છે.’ થોમસ હક્સલીએ લખ્યું છે : ‘વીચારપુર્વક કરેલી ભુલો કરતાં; અવીચારે ગ્રહેલાં સત્યો વધુ હાનીકારક હોઈ શકે છે.’
વીજ્ઞાનની ભવ્ય પ્રગતી પછી પણ કેટલાક પ્રશ્નો કાયમ ઉભા રહેવાના જ. એ પ્રશ્નો અઘરા છે એ કારણે નહીં; પણ એ પુછવાની આપણી રીતને કારણે. મનુષ્યનાં મગજ ને શરીર લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. એવા ફેરફારો બદલી શકાય, ઉલટાવી શકાય કે આગાહી કરી શકાય એવા હોતા નથી. વીશાળ વીશ્વોની અનન્તતામાં માત્ર એક રજકણ, અનન્ત સમયની અવધીમાં માત્ર એક પળ – એ છે આ ક્ષુદ્ર માનવ જીવન. તેમ છતાં એની પોતાની જ આકૃતીમાં ઈશ્વર નામની કલ્પનાને કંડારવાની ધૃષ્ટતા કરતાં એ અચકાતું નથી. વીવેકશીલતા (Rationality) વીકસ્યા પછી એક દીવસ તો એ સમજશે..
(ક્રમશઃ)
–સુબોધ શાહ
No comments:
Post a Comment