અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?
–કામીની સંઘવી
છેલ્લા દસ પન્દર દીવસમાં ઘણા તહેવારો આપણે ધામધુમથી ઉજવ્યા. જેમાં જન્માષ્ટમી જેવાં ધાર્મીક તહેવારોથી લઈને રાષ્ટ્રીય તહેવાર પન્દરમી ઓગસ્ટ એટલે કે સ્વતન્ત્રતા દીવસ સુધીના તહેવારોની વાત આવી જાય. તે દરેક તહેવાર, પછી તે રાષ્ટ્રીય તહેવાર હોય કે ધાર્મીક, અલબત્ત, હર્ષોલ્લાસથી તો ઉજવાયા; પણ એક કોમન વસ્તુ તે દરેક તહેવારોની ઉજવણીમાં ઉડીને આંખે વળગી. આપણા દરેક તહેવારો સાથે અમુકતમુક પ્રકારની વાનગીઓ જોડાયેલી હોય છે. જેમ કે ઘરે માતાજીની આરતી કે સ્થાપના હોય તો ગોળપાપડી કે ખીર. ગણેશ ચતુર્થી પર લાડુ કે મોદક કે મોતીચુરના લાડુ. નવરાત્રીમાં પેંડા કે લાપસી કે પછી હવે કેટલાંક વર્ષોથી જે નવો ટ્રેન્ડ શરુ થયો તે બજારુ મીઠાઈનો. ચાલો, એ પણ ખોટું નથી. બધી મીઠાઈ બધાને બનાવતા આવડતી જ હોય તે જરુરી નથી અને દરેક વખતે ઘરે બનાવવી પણ શક્ય હોતી નથી ને ! પણ આ તહેવારોમાં જે જોયું તે ખોટું લાગ્યું અને તે હતો અન્નનો વ્યય. ખોટો બગાડ કે પછી દેખાદેખીને કારણે કરેલું અન્ન પ્રદર્શન !
ગુજરાતીઓમાં શ્રાવણ માસની વદ ચોથ, બોળચોથ તરીકે ઉજવાય છે. કુટુમ્બની વડીલ સ્ત્રી સગાં–સંબધીઓમાંથી પોતાનાથી નાની ઉમ્મરની વહુવારુઓને ઘરે બોલાવીને બોળચોથની વાર્તા કરે અને બધાં સાથે બેસીને મગ–બાજરીનો રોટલો ખાય. તે દીવસે ચપ્પુ-છરીથી કાપેલી વસ્તુ ન ખવાય તેવું વ્રત બધી જ સ્ત્રીઓ પાળે. એકટાણું કરે અને સર્વનું માંગલ્ય ઈચ્છે. બોળચોથની વાર્તામાં ભારોભાર અન્ધશ્રદ્ધા અને અવાસ્તવીકતા છલકાય છે અને તે વીશે અનેકવાર લખાઈ ગયું છે. પણ ઘઉં સીવાયના અનાજની પણ ગણના કે મહીમા થાય તે પ્લસ પોઈન્ટ. પણ બોળચોથની ઉજવણીમાં અન્નનો મહીમા કરવાના દીવસે પણ અન્નનો બગાડ ? થયું એવું કે એક પરીવારમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી. સહેજેય દસ–બાર, નાની–મોટી ઉમ્મરની સ્ત્રીઓ સાથે જમી. બધાં જમી રહ્યાં પછી જે કાંઈ વધ્યું તે કચરાપેટીમાં પધરાવી દેવામાં આવ્યું. કારણ ? તો યજમાન મહીલાએ જણાવ્યું અમારે ત્યાં સવારનું સાંજે કોઈ ખાય નહીં ને બહેનને તો બોળચોથનું એકટાણું છે. એટલે આ વધેલું તો કોણ ખાય ?
ચોથ પછીનો દીવસ એટલે નાગપાંચમ. બધી જ એડ્યુકેટેડ સ્ત્રીઓ જાણે છે કે નાગ કે સાપ કયારેય દુધ પીતા નથી. પણ પાંચમના દીવસે હાથમાં દુધ લઈને નાગને પીવડાવવા નીકળી પડે. વળી તે ઓછું હોય તેમ તે દીવસે પણ ઉપવાસ. જેથી ઘરનાં કોને પણ નાગ દંશે નહીં. આ વસ્તુ ખવાય ને તે ના ખવાય તેવા નીયમો ઘરેઘરે જુદા. બાજરાના લોટમાં ધી–ગોળ મેળવીને કુલર બનાવવામાં આવે ને ગામમાં નાગ દેવતાના મન્દીરમાંની મુર્તી પર કુલરનો ઢગલો થાય. અનેક માણસનું પેટ ભરાય તેટલાં બધા અન્નનો બગાડ ! હા, જે કુલર પ્રસાદ રુપે વધી હોય તે સાંજ પહેલાં ખાઈ જવાની; નહીં તો ગાયને ખવડાવી દેવાની; નહીં તો જમીનમાં દાટી દેવાની; નહીં તો નાગ દેવતા કોપાયમાન થાય !
પાંચમ પછીનો દીવસ રાંધણછઠ. ને નામ તેવા જ તે દીવસના રુપ ! એટલે સવારથી સાંજ સુધી બહેનો જાતજાતનું રાંધ્યા જ કરે. કારણ કે બીજા દીવસે શીતળા સાતમ અને તે દીવસે તો ગરમ ખવાય નહીં ને ! જાતજાતની અને ભાતભાતની વાનીઓ બને. પછી સાતમને દીવસે શીતળામાના દર્શન કરીને આખો દી’ખવાય ને રાતે જમ્યા પછી વધે તે ફેંકી દેવાય. આફટર ઓલ, વાસી ખોરાક કેટલા દીવસ ખાવો ? વળી બીજા દીવસે તો જન્માષ્ટમી ! એટલે બધા ઉપવાસ કરે. તે દીવસે ફરી, નવી ફરાળમાં ખવાય તેવી વાનગીઓ બને કે બહારથી તૈયાર લાવવામાં આવે. નોમના દીવસે સવારે હવેલીમાં કૃષ્ણજન્મ છડીનોમના નામથી ઉજવાય. કાનુડાનાં બાળસ્વરુપને દુધ–દહીં–ઘી–મધ અને સાકરથી બનાવેલાં પંચામૃતથી સ્નાન કરવાય. પછી પંજરીનો પ્રસાદ વહેંચાય. ને નન્દઉત્સવમાં દર્શાનાર્થીઓ પર પ્રસાદની વર્ષા થાય. ગળ્યા સક્કરપારાં–સાકર–મીસરી–મઠરી–મોહનથાળ–બુન્દી ભક્તો પર ફેંકાય. લોકો પ્રસાદ ઝીલવા પડાપડી કરે. અડધો ઝીલાય ન ઝીલાય અને હવેલીની ફરશ પર પડે. ભક્તોના પગે કચરાય. પણ તેથી શું આ તો આપણી પરમ્પરા છે ને છડીનોમના દીવસે તો પ્રસાદનો વરસાદ થવો જ જોઈએ ને !
સુરતના એક ઔદ્યોગીક ગૃહમાં પન્દરમી ઓગસ્ટની ઉજવણી ધામધુમથી થઈ રહી હતી. ત્રીરંગાને પુરા માન–પાન અને ઠાઠથી સલામી અપાઈ. રાષ્ટ્રજોગ સારું કામ કરનારને માન–અકરામથી નવાજવામાં આવ્યા. બાળકોએ દેશપ્રેમનાં ગીતો ગાયાં. સાંસ્કૃતીક નૃત્ય અને રાસ ગરબાની રમઝટ થઈ. દીલ તો રાષ્ટ્રપ્રેમની દીલરુબા સાંભળીની દેશપ્રેમમાં ડુબાડુબ થઈ ગયું ! છેલ્લે જલપાનની વ્યવસ્થા હતી. વી.આઈ.પી. સ્ટેન્ડમાં બધા ગેસ્ટ્સને હાથોહાથ જલપાન સર્વ થયાં. પ્રોગ્રામ પુરો થયો અને મંડપો ખાલી થઈ ગયા હતા; પણ ત્યાં સર્વ થયેલી નાસ્તાની પ્લેટો ભરેલી પડી હતી. ભાગ્યે જ એકાદ પ્લેટ એવી હતી જેમાં કોઈ વસ્તુ છાંડવામાં આવી ન હતી.
આપણો દેશ વીકાસશીલ દેશ છે. હજુ આપણે વીકાસ કરવાનો છે, તેવી વાતો કરતા આપણે થાકતા નથી. અરે, ઘણીવાર તો અપચો થઈ જાય તે રીતે ગાઈ–વગાડીને વીકાસ વીકાસની રટ માંડીએ છીએ. પરંતુ જે દેશના કરોડો લોકોને બે ટંક અન્ન મેળવવાના ફાંફાં હોય, તે દેશમાં આવો અન્નનો બગાડ કેમ આપણને કઠતો નથી ? શા માટે આપણા કોઈ પણ તહેવારની ઉજવણી અન્નના દુર્વ્યય વીના શકય ન બને ? વર્ષે 44,000કરોડ ટન અનાજ, ફળ–ફળાદી–શાકભાજીનો બગાડ આપણા દેશમાં થાય છે. તે માટે સરકાર એકલી તો જીમ્મેદાર નથી ને ? એક અન્નનો દાણો પણ વેસ્ટ જાય તો તે રાષ્ટ્રીય શરમ લેખાવી જોઈએ. કારણ કે કોઈ પણ દેશ કે રાષ્ટ્રનો વીકાસ તો જ શકય બને, જો સરકારની સાથે નાગરીક પણ ખભેખભા મીલાવીને કામ કરે. માત્ર દેશના લોકો કે સરકાર એકલા હાથે આ કામ કરી ન શકે. સહીયારી ભાગીદારી હોય તો જ વીકાસ શક્ય બને. પણ તે માટે સૌથી જરુરી છે કે આપણે કુદરતી સ્રોતનો બચાવ કરવો. આખરે અનાજના એક દાણાને ઉગવા માટે માટી–ખાતર–પાણી–પરસેવો આપવાં પડે છે. તો તમે એક દાણાનો વ્યય કરો તે કુદરતી સ્રોતનો વ્યય કરવા બરાબર છે. આ દેશમાં એવો કાનુન કેમ ના બને કે અન્નના એક દાણાને પણ વેડફે તેને ગમ્ભીર ગુનો ગણવામાં આવે ? હજુ આપણાં ઘરોમાં સ્ત્રી જ અન્નપુર્ણાનું રુપ છે; તો અન્નપુર્ણાને હાથે જ અન્નનો વ્યય તે કેટલું યોગ્ય ?
એક મીત્રએ વૉટ્સઍપ પર એક મેસેજ શેર કર્યો હતો. યુરોપ ખંડનો દેશ જર્મની વીકસીત દેશની યાદીમાં આવે છે. ત્યાં એક રેસ્ટોરન્ટમાં બે–ત્રણ ભારતીય જમવા ગયા. ઓર્ડર પ્રમાણે ડીશીસ સર્વ થઈ ગઈ. બધી જ વસ્તુ ખાઈ ન શકાઈ એટલે તેને એમ જ ટેબલ પર છોડી દીધી. તે ભારતીયની બાજુમાં ડીનર લઈ રહેલાં એક જર્મન બહેને તેમને ટોક્યા કે તમે આટલું ભોજન કેમ છોડી દીધું છે ? તે વાત પેલા ભારતીયને કઠી. તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપી દીધો કે આ બાબતમાં તમારે પંચાત કરવાની જરુર નથી. એ ભોજન અમે ઓર્ડર કર્યું હતું ને બીલ અમે ચુકવવાના છીએ. ટુંકમાં કહીએ તો, ‘ઈટ્સ નન ઓફ યોર બીઝનેસ’ તેવું કંઈ સંભળાવ્યું. પેલી જર્મન લેડીએ આ વાતની જાણ રેસ્ટોરન્ટના મેનેજરને કરી. મેનેજરે તરત પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને પેલા ભારતીય ગેસ્ટ્સને સો યુરોનો દંડ કર્યો. કારણ કે જર્મનીમાં અન્ન છાંડવું કે પડતું મુકવું તે ગુનો ગણાય છે. આખરે અન્ન પણ કુદરતની દેણ છે ને ! તેથી કુદરતના કોઈપણ રીસોર્સીસનો બગાડ કે વ્યય કરવાનો અધીકાર માનવને નથી જ; કારણ કે કુદરતે આપેલાં કણકણ પર કીડીથી લઈને હાથીનો હક્ક છે, તે વાત આપણે અન્નનો વ્યય કરતી વખતે કેમ ભુલી જઈએ છીએ ? જો જર્મની જેવો વીકસીત દેશ પોતાના કુદરતી સોર્સને બચાવવાની આટલી ખેવના કરતો હોય તો ભારત જેવા વીકાસશીલ અને ગરીબ દેશને તો અન્નનો આટલો બગાડ કેમ પોસાય ?
એક પડોશીને ત્યાં માતાજીનું સ્થાપન હતું. ખાસ ભાર આપીને કહ્યું હતું કે અમારે ત્યાં ‘ચણા ઉછળશે’ તે જોવા આવજો. દેશી ચણાને, મીઠું નાંખીને પકવીને, પ્રસાદરુપે ધરાવાયા હતા. પછી બધા આમન્ત્રીતોની હાજરીમાં તેને લીટરલી ઉછાળવામાં આવ્યા ! જે હાથમાં ઝીલી શકયા તે પોતાને અહોભાગી માનતા હતા અને તેથી તેમના ચહેરા પર વીજયી સ્મીત અને જે તેમ ન કરી શકયા તે પોતાને કમનસીબ માને ! પણ અન્ન ઉછળે છે કે તેનો બગાડ થાય છે, તે માટે કોઈના ચહેરા પર અફસોસનો ભાવ ન હતો. અન્નપુર્ણા જ અન્નનો વ્યય કરતી અટકે તો જ અન્નનો મહીમા થયો ગણાય.
–કામીની સંઘવી
No comments:
Post a Comment