ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?હૃદયસ્થ રમણ પાઠકને ‘પુસ્તકાંજલી’–ગોવીંદ મારુ
(ડાબેથી સર્વશ્રી ઉત્તમ ગજ્જર, યજદી કરંજીયા,
વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત(કંસારા) અને ગોવીન્દ મારુ)
(ચીન્તક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભ ઈટાલીયા)
(સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને પારસી–હાસ્ય નાટ્યલેખક શ્રી. યઝદી કરંજીયા)
(પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રો)
(પ્રેક્ષાગારમાં દક્ષીણ ગુજરાતના સુજ્ઞ સાહીત્યપ્રેમી તેમ જ રૅશનાલીસ્ટ મીત્રો)
♦●♦
લો, હવે વાંચો આજની પોસ્ટ સુશ્રી. સુધા મુર્તીનો લેખ ‘ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….
ધર્મસ્થાનોની હવે જરુર છે ખરી ?
–સુધા મુર્તી
–અનુવાદ : સોનલ મોદી
એક જુની અને જાણીતી કહેવત છે, ‘પીળું એટલે સોનું નહીં ને ધોળું એટલું દુધ નહીં’ આ કહેવતમાં એક બીજું વાક્ય પણ ઉમેરવા જેવું છે– ‘ભગવાં કપડાંવાળા બધા સન્તો નહીં.’
ખરેખર, આ વાક્ય સો ટકા યથાર્થ છે. આપણે આપણી આસપાસ વર્ષોથી ધોળાં અને ભગવાં કપડાં ધારણ કરેલા વીવીધ ધર્મોના સન્તો–ગુરુઓને જોતા આવ્યા છીએ. આપણા સમાજમાં છતાંય કેમ કોઈ બદલાવ નથી આવ્યો ? કેટલા સન્તોએ આપણને ટીલાં–ટપકાં, યજ્ઞ–નૈવેદ્ય, પુજા–અર્ચના સીવાય કંઈ શીખવ્યું ? નવાં નવાં મન્દીરો, દેરાસરો, મસ્જીદો, ગુરુદ્વારા બંધાશે તેથી કંઈ ધર્મનો ઉદ્ધાર થઈ જશે ? આજકાલ તો ગુરુઓને પોતાનાં નામ અમર કરવાની, સ્મૃતીમન્દીરો સર્જવાની તથા તેમના શીષ્યોને તેમની પાછળ કરોડો રુપીયાના આંધળા ખર્ચા કરવાની ધેલછા ઉપડી છે. ખરા સંન્યાસી (સાધુ) કોને કહેવા ? જે પોતાના શીષ્યોને, અનુયાયીઓને સાચા માર્ગે દોરે તે જ સાચો સન્ત.
હમણાં જ થોડા વખત પહેલાં મારે મૈસુર જવાનું થયું હતું. ત્યક્તા અને વીધવા સ્ત્રીઓ માટે બંધાયેલા આશ્રમ ‘નારીગૃહ’નું ઉદ્ઘાટન હતું. જે સ્ત્રીઓને કોઈ આશરો નથી, જેમનો કોઈ સહારો નથી – ‘પોતાનું’ કહેવાય તેવું કોઈ નથી – તેવી જરુરીયાતમંદ વીધવાઓ, તથા ત્યક્તા સ્ત્રીઓ માટે આ સુન્દર નારીગૃહની રચના કરવામાં આવી હતી. શહેરની બહાર, વીશાળ જગ્યામાં, ચારે બાજુ ચોગાન, બાગ, સુન્દર ફુલ–ઝાડ અને વચમાં વીશાળ આશ્રમ. બહેનો સીવણ, ભરતકામ, અંગ્રેજી વાચન–લેખન શીખી શકે તેવી વ્યવસ્થા. મોટા ભાગની સ્ત્રીઓ સાસરીયાંના રોજબરોજના ત્રાસથી, દહેજના દુષણથી કે દારુડીયા પતીથી હારી–થાકી, કંટાળીને અહીં આવી હતી. મોટાભાગની સ્ત્રીઓના પીયર–પક્ષે પણ આવી જ કંગાળ પરીસ્થીતી હતી. ક્યાં તો મા–બાપ હયાત ન હોય અથવા તો પીયરમાં જ ખાવાનાં સાંસાં હોય.
અમુક છોકરીઓ તો ખુબ યુવાન લાગતી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, છેલબટાઉ યુવાન છોકરાઓ આવી નીર્દોષ – નાની, ચંચળ અને નાદાન છોકરીઓ જોડે પ્રેમનું નાટક ખેલી, ભોળવીને તદ્દન ખોટાં લગ્નો કરે, ફસાવે, યુવાનીનું જોશ ઉતરે, મધુરજની માણવાનું પતે એટલે કહેવાતો પતી છુમન્તર થઈ જાય. પેલી નાદાન, ભોળી છોકરી મા–બાપના ડરથી પોતાના ઘરે પાછી તો ન જ જઈ શકે, શરમની મારી આવા આશ્રમમાં આવે.
આવી છોકરીઓને ખુબ જ લાગણી અને પ્રેમથી સમજાવવી પડે. તેમની માનસીક પરીસ્થીતી એટલી હદે નાજુક થઈ ગઈ હોય કે તે અન્તીમ પગલું લેતાં પણ ન અચકાય. તેમને હુંફ આપી, સાચા રસ્તે વાળી, રોજી મળે તેવી વ્યવસ્થા કરવી પડે. જીવનરુપી પડકારને ખુબ હીમ્મતથી ઝીલવાનું શીખવવું પડે. આમ કરવામાં ન આવે તો જાણતાં કે અજાણતાં આવી છોકરીઓ વેશ્યા–વ્યવસાયમાં અથવા તો ચરસ–હેરોઈન–ગાંજાની હેરાફેરીના વ્યવસાયમાં પડી જાય છે. હું આ સ્ત્રીઓનો આમાં કોઈ વાંક જોતી નથી. વાંક હોય તો તેમની ઉમ્મરનો અને સંજોગોનો. આપણી ફરજ તો તેમને આમાં મદદ કરવાની છે. કહેવત છે ને, ‘માણસ માત્ર, ભુલને પાત્ર’.
આપણા સમાજમાં કોઈ પણ કંઈ સારું કામ કરે તો તેની ચારેકોર ‘વાહ–વાહ’ થઈ જાય. સારા કાર્યને, સફળતાને એવોર્ડોથી બીરદાવવા જ જોઈએ. પણ મારા મતે સમાજને ખરી જરુર છે આવા જરુરીયાતમંદ લોકોને થોડો સહારો, મદદ આપવાની. આપણી વસ્તીના પ્રમાણમાં આપણા દેશમાં સારી અને સસ્તી હૉસ્પીટલો કેટલી ? વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, નારીગૃહો, વ્યસનમુક્તી કેન્દ્રો કેટલાં ? ફક્ત આંગળીના વેઢે ગણાય તેટલાં જ.
ઉપરની વાત મેં એટલા માટે કરી કે મૈસુરમાં સૌ પહેલું આ ‘નારીગૃહ’ શરુ કરનાર કોઈ મોટા શ્રેષ્ઠી કે ઉદ્યોગપતી ન હતા; પણ અહીંના ખુબ જ જાણીતા ધાર્મીક પંથ ‘સુત્તુર મઠ’ના મુખ્ય મહન્તશ્રી હતા. ‘સુત્તુર મઠ’ એટલે દક્ષીણ ભારતનો ખુબ જ જાણીતો ધાર્મીક સમ્પ્રદાય. તેના મુખીયાજી, મુખ્ય સ્વામીજીને મન, ‘જનસેવા એ જ પ્રભુસેવા’. તેમના વીચારો ખુબ જ સ્પષ્ટ છે. તેઓ માને છે કે કોઈ પણ ધાર્મીક સમ્પ્રદાય પાસે એક મહીનાની જરુરીયાત કરતાં વધારે ફંડ ભેગું થાય તો દુષણો લાવે છે. આવા પવીત્ર મઠોમાં પણ ભગવાધારી સાધુ–સન્તોમાં અન્દર–અન્દર ચડસા–સડસી હોય જ છે. જો પૈસાનો યોગ્ય સમયે, યોગ્ય ઉપયોગ ન થાય તો મન્દીરોમાં જ કુકર્મો થાય, અન્તે વીનાશ થાય.
સ્વામીજી અત્યન્ત લાગણીશીલ. તેમણે ધાર્યું હોત તો મઠને મળેલ દાનના પૈસામાંથી નવો મઠ ઉભો કરી શક્યા હોત, પોતાનું સ્મૃતીમન્દીર કરાવ્યું હોત, યજ્ઞો કે નવાં મન્દીર પણ કરાવી શક્યા હોત. પણ, તેમણે જોયું કે મૈસુરમાં આવી તરછોડાયેલી સ્ત્રીઓ માથું ઉચું રાખીને પોતાની રીતે રહી શકે તેવું કોઈ નારીગૃહ નથી. તેમણે પોતાની સમાજ પ્રત્યેની ફરજ સમજીને એક કરોડ રુપીયાનું દાન કર્યું. દોઢ એકર જમીન કાઢી આપી અને સુન્દર નારીગૃહ રચાયું.
મૈસુરના બીજા કહેવાતા ભગવાધારી સન્તોને અને સામાન્ય માનવીઓને સ્વામીજીએ વીચારતા કરી મુક્યા. ખરા નેતા તો આવા જ હોવા જોઈએ. ભલે તે રાજકીય હોય, સામાજીક કે ધાર્મીક નેતા હોય. ‘સાચા ગુરુ એટલે જે પોતાના શીષ્યોને પરોપકારી થવાનું શીખવે તે.’ આ બાબત સ્વામીજીએ પોતાનાં સત્કાર્યો દ્વારા સાબીત કરીને બીજા માટે આ કાર્યમાં આગળ વધારવાનો માર્ગ મોકળો કરી આપ્યો. આ નારીગૃહ જોડે તેમણે પોતાનું નામ ક્યાંય જોડ્યું નથી.
આપણા પ્રાચીન સાહીત્યમાં ‘માતૃદેવો ભવ’, ‘પીતૃદેવો ભવ’ પછી ત્રીજા દેવ તરીકે આચાર્ય (ગુરુ)ને સ્થાન આપવામાં આવ્યું છે. આવા મહન્તને જોઈને, મળીને શીર આપોઆપ ઝુકી જાય છે.
નવાં–નવાં મન્દીરો, દેરાસરો તથા અન્ય દેવસ્થાનોનાં બાંધકામ અને રીપેરીંગમાં લાખો–કરોડો રુપીયા આ ગરીબ દેશમાં નીયમીત રીતે ખર્ચાય છે. આજથી બીજા સો વર્ષ સુધી એક પણ નવું મન્દીર કે અન્ય દેવસ્થાન નહીં બંધાય તો પણ આ દેશને અને આપણા ધર્મોને કોઈ ઉની આંચ નથી આવવાની. શા માટે દેવને નામે ભેગા થતા પૈસા હૉસ્પીટલો, આશ્રમો, કૉલેજો, શાળાઓ, રસ્તા ને બ્રીજ બાંધવા માટે અને સમાજના સર્વાંગી ઉદ્ધાર માટે ન વપરાય ? શા માટે ?
–સુધા મુર્તી





No comments:
Post a Comment