જિંદગી જીવવી કદી એમ સહેલી નથી
વિના સંઘર્શે કોઈ મહાન બન્યું નથી
હથોડાના પ્રહારો ખમે નહી ત્યાં સુધી
પથ્થર ભગવાન બની પૂજાતો નથી
માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની જ્ઞાન યાત્રા સતત ચાલતી જ રહે છે. નવી આશાઓ લઈને ઉગતી જીવનની દરેક સવારનું સ્વાગત કરી દિવસ દરમ્યાન બ્લોગીંગથી ગમતાનો ગુલાલ સૌ ઉપર છાંટતાં મારું મન પણ ગુલાલમય બની ખુશીથી ઉભરાતું રહે છે.કોઈના પર જ્યારે અત્તરનાં છાંટણાં કરીએ ત્યારે થોડું અત્તર છાંટનાર પર પણ જાણે અજાણે છંટાતું જ રહે છે અને એની મહેંકથી માંહલો મ્હેંકી ઉઠે છે. કૈક સર્જન કર્યાનો આનંદ સૌમાં વહેંચવો એ સમયની પાબંદી વગરના મુક્ત નિવૃત્ત જીવનમાં લેવા જેવો અનેરો લ્હાવો છે.
ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ કહેવાય કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો બ્લોગમાં મુકાય છે એ શબ્દો અને ચિત્રો એક ક્લિક કરતાં થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી જાય છે !
વિનોદ વિહારની આ પ્રગતિશીલ ચાર વર્ષની આનંદ યાત્રામાં વાચક મિત્રોએ બ્લોગની મુલાકાત લઈને ,પ્રતિભાવો દ્વારા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ પણ રૂપે મને જે સાથ અને સહકાર આપ્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રો અને સ્નેહીજનોનો મનમાં ખુબ જ આનંદ,સંતોષ અને ગૌરવની મિશ્ર લાગણી સાથે હૃદયથી આભાર માનું છું .
“માઈલોના માઈલોનું અંતર ખરી પડે
જ્યાં અંતરના પ્રેમનો સેતુ નિરંતર.”
No comments:
Post a Comment