ઘમ્મર વલોણું-૪
નભમાંથી હર્ષનાં કે ગમના આંસુ પૃથ્વી પર પડે છે. તેને વધાવતા ઝાડી અને તરુ તરણા ડોલી ઉઠે છે. ભૂલકાઓ એમાં નાહીને આનંદ લુંટે છે. મલકાતી મલપતી ધરા તો મહેકી ઉઠે છે. જોતજોતામાં તો એ ધરા પર ખુશીના ફણગા ફૂટી આવે છે. ભગવાન ઉપર રિયા રિયા પોતાનો દીવાનખંડ રંગી રહ્યા હોય; અને જાણે લીલા કલરનું ડબલું ઢોળાઈ ગયું હોય ! તેમ મનભાવન બનેલી ધરા તો લીલા કેશ કલાપે મ્હોરી ઉઠી છે. ચારે બાજુ નજર નાખતા દિલમાં જે ચરમ તૃપ્તિ અને આહ્કારનો ભાવ પેદા થાય છે તે અનેરો છે.
રે કુદરત, મારે કોને ધન્યતા પાઠવવી ? આહ અને વાહ થકી તો કોઈને ધન્યવાદ આપવા તો ઘટે ! પણ મારી ઝોળીમાં તો કશું નથી.
એક રોટલીનો ટુકડો લઈને હાથીને દાન કરવા નીકળી ગયો હું !
થોડા દિવસોમાં તો એ લીલા છોડ મોટા બનવા લાગ્યા. કેવી લીલા ! કે કરામત ? કોઈ મોટા ઝાડ બને છે તો કોઈ છોડ બની ગયા ! કોઈ છોડ પર ફૂલ ઉગી ગયા તો કોઈ પર ફળ જુલવા લાગ્યા. અરે, આ તો જુઓ કોઈ પર અનાજનાં દાણા લાગી ગયા.
આ બધા પાછળ થતું પરિવહન કે સંચાલન જાણવા અધીરપ થઇ. શરૂઆત નભે રડવાથી કે હર્ષ થકી થઇ. કોઈ તો એવું પણ કહે છે કે ભગવાન બહુ મુડમાં આવે ત્યારે ખુલ્લામાં સ્નાન કરે અને નીચે જે ધારા પડે તે; ધરા જીલી લેવા આતુર હોય ! પાણી તો આપણે પણ નાહીએ ત્યારે વહે છે. મગજ ને થોડું દબાવી જોયું પણ કોઈ શુભ અણસાર ના આવ્યો. વળી મને એવો ઘાંટો પાડ્યો કે બધું વિસરાઈ ગયું.
વાત સાચી હતી કે કુદરતે જે ભેટ સોગાદ રૂપે આપ્યું છે તેની ટીકા ટીપ્પણી હું કેમ કરું ? છોડ પર ફૂલ છે, ફળ છે અને અનાજ પણ છે. ભગવાનના ચરણોમાં ફૂલ અને ફળ ચડાવી દીધા. પણ ત્યાંથી ઉભા થતા એક સ્વાર્થી વિચારે ફળ પાછું લઇ લીધું. પ્રસાદ વગર તો કેમ પાછું અવાય ?? અનાજ તો માનવ જાત માટે જ છે તો પછી વાપરો છુટ થી.
આટલી બધી સ્પષ્ટતા અને સ્વીકાર છતાં પણ હજી અવઢવ જતી નથી. હું જો કે એક પામર મનુષ્ય નહિ ?
કોઈ ફળ કડવું અને કોઈ ખાટું તો તૂરા પણ ખરા ! અંતે એ મીઠાશ પણ આપે ! એવો વિચાર બાળકમાંથી યુવાન બને તે પહેલાંજ કોઈની ટાપલી માથા પાછળ પડી કે ફરી એ નભ માંથી પાણીની ધારા વહેવા લાગી
No comments:
Post a Comment