નવા વરસે નવલા રે થઈએ …..
નવા વરસે નવલા રે થઈએ …..
નવા વર્ષ ૨૦૧૬ ની આ પ્રથમ પોસ્ટ શરુ કરું એ પહેલાં સૌ મિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને આ નવું વર્ષ આપને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું.
દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની યાદોને પાછળ છોડી પસાર થયેલ ગત વર્ષ ૨૦૧૫ને પ્રેમથી વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૬ નું એવા જ પ્રેમથી સ્વાગત કરીએ.
માણસ વિશેનો સ્વ.કવિ સુરેશ દલાલનો આશાવાદ આ પંક્તિઓમાં કેવો ધબકે છે !
ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે
તોયે માણસ મને હૈયા સરસો લાગે
સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવુંવર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષદરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું કરવાનું મૂળભૂત રીતે જ ગમે છે.એટલા માટે એક વર્ષના સમય ગાળામાં જુદા જુદા સમયને કોઈ ઉત્સવ સાથે જોડીને જન સમાજ આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરવાની તક ઝડપી લે છે.આવો આનંદ અને ઉત્સાહ અને આશાવાદ આખું વર્ષ ટકી રહે તો કેવું સારું !
હિંદુ ધર્મમાં જેમ દિવાળી-બેસતા વર્ષનો મહિમા છે એમ જ ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ન્યુ યરનું પર્વ પણ ભીતરના ઉત્સાહ અને ઉલ્લાસને બહાર લાવી અવનવી રીતે એને વ્યક્ત કરી આનંદ અને નવીનતાનો અહેસાસ કરવાનું સાર્વજનિક પર્વ છે.
પ્રશ્ન એ છે કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા છીએ ખરા ! ગત વર્ષોના અનુભવોમાંથી શીખીને નવા વરસે જો આપણી જાતને નવલી ના બનાવીએ તો ખરા અર્થમાં એને નવું વર્ષ નાકહી શકાય.
નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરી નવાવર્ષના લેવા જેવા કેટલાક સંકલ્પો ની વાત કરે છે.

નીચેનું અંગ્રેજી અવતરણ નવા વરસે જીવનમાં અપનાવવા જેવું છે.
You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis
No comments:
Post a Comment