ઘમ્મર વલોણું-૧૭
ઘેરા વિષાદ વચ્ચે અટવાતો આગળ જાઉં કે, વમળો ઘેરી લે છે. અંધારાને ઓઢી લેવાથી, પ્રકાશની સત્યતા નકારી નથી શકાતી. દુઃખોના ઘેરાવામાં ઢંકાતા, સુખની પરિછાયા દુર નથી થતી. વિષમ પરિસ્થિતિઓને અવગણવાથી તે બદલાઈ નથી જતી. સુખના ઘૂંટડા પીતા પીતા એ પણ ભૂલી ગયો કે દુઃખનું સર્જન છે ! હજી તો એક ડગલું આગળ ભરું કે કોઈએ મારો હાથ પકડ્યો.
“ આટલા બધા નકારાત્મક અભિગમે કેમ હકારાત્મક વલણ ? ”
સાંભળીને બે ડગલા પાછું હટી જવાયું. અને આસપાસ જોયું પણ કોઈ ના દેખાયું. મનમાં થયું કે, નક્કી હમેશની માફક જગતનો તાત આવીને મને સજાગ કરતો ગયો. કોઇ ના દેખાય એટલે હું સમજી જાવ કે હરિની ક્યાંક હયાતી છે. હું પણ અંધારામાં તીર મારવાની જેમ બબડુંય ખરો !
“ વ્હાલા, આ જે બધું વર્ણન કર્યું કે પામ્યું, તે વેળાની દરેક ચીખ કે આહકારે તમને જ તો યાદ કરું છું. તમને જ તો પોકારું છું. એ વખતે મ્હો ફેરવી અને આંખ આડા કાન કરી લો છો. આવી ને તમેજ દુખ કે વિષાદ આપ્યા છે; તેનો અહેસાસ પણ કરાવી લો છો. તો પછી આમ દુર રહીને મુખ મલાકાવાની અદા તો તમે નહિ જ બદલો એમ ને ? ”
“ વ્યથા અને વ્યવસ્થાને તો અમે જરૂર બેલેન્સ કરીએ છીએ. સુખ અને દુઃખ તો જીવનના તબક્કા છે. જેને મન પર લઈને દિલમાં ઉતારો છો; ને પાછા મને જ કહો છો. જે દિવસે મનની ગતિ અને દિલની મતિમાં એકરૂપતા સધાય તો સમજ કે ઘણું બધું પામ્યાનો કે ગુમાયાનો અફસો નહિ રહે. જે ફરે છે તે ચરે છે ને પડી રહે છે તે મરે છે. આ કહેવત તો તમે મનુષ્ય લોકોએ જ બનાવી છે ને ? હું દ્રઢ પણે માનું છું કે તમે લોકો જ્ઞાની છો, અને જ્ઞાની લોકો ભક્તિ પણ કરે છે. અમે લોકો પણ મનુષ્ય જ ને ! એક અમર મનુષ્ય જેને સુખ કે દુઃખ સ્પર્શી ના શકે. પાણી એને ભીંજવી ના શકે. હવા એને સુકવી ના શકે. પણ મનુષ્યની ભક્તિ એને જરૂર પીગાળી શકે છે. ”
“ આવું તમે બોલો ને અમે મનુષ્ય જીવ ભોળવાઈ પણ જઈએ છે ! મેં માન્યું કે તમે સર્વોપરી છો, આ સઘળા જગને ઉજીયાળું રાખો છો, હર્યું ભર્યું રાખો છો. અને આવું બધું અમે માની લઈએ કે જાણીએ તે માટેનું જ્ઞાન પણ તમેજ અર્પણ કરેલું છે પ્રભુ. આથી જ તો તમને પામાવાનો સહેલો રસ્તો ભક્તિ કરીએ છીએ. ”
મુખવાસ : મનના તરંગોને હવામાં વહેતા કરીને પાછા વાળવાની મુર્ખામી કરી બેઠો !
No comments:
Post a Comment