Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

20 May 2016

મનની શાન્તી કઈ રીતે મળે ? –યાસીન દલાલ

મનની શાન્તી કઈ રીતે મળે ?

–યાસીન દલાલ
હમણાં હમણાં અધ્યાત્મ અને આધ્યાત્મીકતા, એ બે શબ્દો વારમ્વાર કાને અથડાય છે. ઠેરઠેર જાતજાતની અધ્યાત્મીક શીબીરો યોજાઈ રહી છે અને એમાં સેંકડો લોકો ભાગ લે છે. આત્માની ઉન્નતી અને મનની શાન્તી માટે લોકો જાણે એકાએક તલપાપડ બની ગયા છે. કેટલીક શીબીરોમાં તો કૉલેજના અભ્યાસના જે ત્રણ–ચાર તબક્કા હોય અને પહેલાં સ્નાતક અને પછી અનુસ્નાતકની ડીગ્રી મળે, એમ આત્માની ઉન્નતીના પણ તબક્કા પાડવામાં આવે છે અને એક શીબીર પુરી કર્યા બાદ બીજી ઉંચી કક્ષાની શીબીર યોજાય છે. આવા આધ્યાત્મીક સંવાદના અંગ્રેજી નામો અપાય છે અને એના વીષયે લોકો જાતજાતની વાતો સાંભળીને ‘ઈન્સ્ટન્ટ રીલીફ’ માટે એમાં જોડાવા ઉત્સુક બની જાય છે. પ્રશ્ન એ થાય કે, આ અધ્યાત્મ એ વાસ્તવમાં શું છે ? વીનોબા ભાવેએ એકવાર કહ્યું હતું, ‘આ વાતને જરા ઉંડાણથી સમજી લેવાની જરુર છે અને તેમાંયે હીન્દુસ્તાનમાં તો ખાસ. કેમકે અહીં અધ્યાત્મ વીશે જાતજાતના ખ્યાલો દૃઢ થઈ ગયેલા છે.’
અધ્યાત્મની વાત આવે એટલે તરત ધ્યાનની વાત આવે. વળી પ્રશ્ન થાય કે ધ્યાન એટલે શું ? વીનોબા ભાવેનો જ વીચાર જોઈએ, ‘એકવાર એક ભાઈએ મને કહ્યું કે, હું આધ્યાત્મીક માર્ગે આગળ વધવા માંગું છું, એટલા વાસ્તે હમણાં બસ ધ્યાન કરી રહ્યો છું. મેં એમને કહ્યું કે, ધ્યાનનો અધ્યાત્મ સાથે કોઈ ખાસ સમ્બન્ધ છે એવું હું નથી માનતો. કર્મ એક શક્તી છે, જે સારા–ખરાબ સ્વાર્થ, સારા–ખરાબ પરાર્થ અને પરમાર્થ એમ પાંચમાંથી કોઈપણ કામમાં આવી શકે છે. એવી જ રીતે ધ્યાન પણ એક શક્તી છે, જે આવાં પાંચેય કામોમાં આવી શકે છે. જેમ કર્મ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી, એમ ધ્યાન પણ સ્વયમેવ કોઈ આધ્યાત્મીક શક્તી નથી.’
પણ, આપણે તો આ કહેવાતા ધ્યાનને આધ્યાત્મીકતા સાથે એવું જોડી દીધું કે બન્ને એકબીજાના પર્યાય જેવા બની ગયા. ગામેગામ ધ્યાનશીબીરો યોજાવા લાગી. જો ધ્યાન જ ધરવાનું હોય તો એની શીબીરમાં જવાની શી જરુર છે ? ઘરેબેઠાં પણ એ કરી શકાય ! મનની એકાગ્રતા કે શાન્તચીત્તે, મનને કેન્દ્રીત કરીને શુદ્ધ કરવાની પ્રક્રીયાને ધ્યાન ગણીએ તો એ વ્યક્તી પોતે પણ આપમેળે કરી શકે છે.
આજનો સરેરાશ નાગરીક સતત બેચેની અને અજમ્પો અનુભવે છે. આ અજમ્પાનાં કારણો અનેક હોઈ શકે. કોઈને નોકરીમાં મજા આવતી નથી. કોઈને ધંધો ફાવતો નથી. કોઈને ઘરમાં પત્ની સાથે મેળ પડતો નથી, તો કોઈને સન્તાનો સાથે અન્તર પડી જાય છે. કોઈ રાજકારણી તો વળી ઈચ્છીત પદ કે હોદ્દો ન મળે એનાથી બેચેન થઈ જાય છે. મનગમતો મીત્ર કે મનગમતું પ્રેમપાત્ર ન મળે એ પણ અજમ્પાનું મોટું કારણ હોઈ શકે. આવા લોકો બેચેનીનો ઈલાજ પોતે શોધી શકતા નથી અને પરીણામે આધ્યાત્મીક ગુરુઓને ચરણે જઈને આળોટે છે. આટલી મોટી સંખ્યામાં મનની શાન્તીની માંગ હોય તો પુરવઠો પણ મોટો જ હોવો જોઈએ. પરીણામે આજે તો ધર્મ અને અધ્યાત્મ પણ ધંધો બની ગયા છે. જાતજાતના ગુરુઓ જાતજાતની શીબીરો ગોઠવે છે અને જાતજાતના નુસખાનો પ્રચાર કરે છે. મારા એક મીત્ર એવા છે જેનો ક્યાંય પત્તો ન લાગે તો આવી એકાદ શીબીરમાંથી એ જરુર મળી આવે! પણ, આટલી બધી શીબીરોમાં ગયા પછી એમનો માનસીક અજમ્પો હતો ત્યાં ને ત્યાં જ છે. ઘણા લોકોને પોતાની મુશ્કેલીઓનું કાળજીપુર્વક જતન કરીને ઉછેરવાની ટેવ હોય છે. આવી રીતે જ્યાં ત્યાં મનની શાન્તી માટે ભટકવાથી એ મળી જતી નથી. ઉલટું, મનના ગુંચવાડામાં વધારો જ કરે છે.
આપણે કદાચ કર્મ તરફથી ફંટાવા માટે અકર્મણ્યતાને અધ્યાત્મ કે ધ્યાનનું રુપાળું નામ આપી દીધું છે.કોઈપણ કામ કરવું હોય તો શરીર અને મન બન્નેને કષ્ટ આપવું પડે છે. કારખાનામાં કોઈ માણસ મશીન પર બેઠો હોય તો એણે મશીનના જુદા જુદા ભાગો તરફ નજર કરવી પડે, પોતાનો હાથ મશીનમાં આવી ન જાય એની કાળજી રાખવી પડે અને મશીનમાં જે વસ્તુ તૈયાર થતી હોય એ બરોબર થઈ રહી છે કે નહીં એ પણ જોવું પડે. આમ, તન અને મન બન્નેને કાર્યરત રાખવાં પડે. ઑફીસમાં કામ કરવું હોય તો પણ વહીવટની બાબતમાં પણ અનેક મુદ્દાઓ તરફ ધ્યાન આપવું પડે. સન્દર્ભો જોવા પડે, કોઈને પત્રનો જવાબ આપવો હોય તો પણ જે પત્રનો જવાબ આપવાનો છે, એના સન્દર્ભ નંબર ટાંકવા પડે, એનો વીષય અને એની વીગત જોઈ જવી પડે, કવર બનાવવું પડે, એની ઉપર ટીકીટ ચોંટાડવી પડે. આ બધાં કામો કરવામાં જેને આળસ થતી હોય અને કોઈપણ કામ કરવામાં જ મન ન ચોંટતું હોય તો આસાન રસ્તો આધ્યાત્મીક બની જવાનો છે.નીષ્ક્રીય બનીને ધાર્મીક દૃષ્ટાન્ત કથાઓ સાંભળ્યા કરવી અને આંખો મીંચીને ધ્યાન ધરતા રહેવું, એમાં આપણને જીવનની સાર્થકતા દેખાય છે અને ખેતરમાં કામ કરવું, રસ્તા બનાવવા, ઘરને સાફ કરવું એ બધામાં આળસ થાય છે. વીનોબા નાના હતા ત્યારે ખેતરમાં કોદાળી ચલાવતા, કાંતણ, વણાટની સાથે રસોઈ કરતા અને ઘરમાં દીવાલ રંગવાનું કામ પણ કરતા. વીનોબાજી લખે છે ; ‘પણ, એ બધાં કામ કરતી વખતે મારી એ જ ભાવના હતી કે, હું ઉપાસના કરી રહ્યો છું…’ આમ, જીવનમાં ઘરના, ઑફીસના નાનાં–મોટાં કામ કરવાને વીનોબા જેવા લોકો ‘ઉપાસના’નો દરજ્જો આપે છે, ત્યારે આપણે આવાં કામોને તુચ્છ ગણી, એમાં નાનમ અનુભવીને આપણી એ આળસ કે અભીમાનને છુપાવવા માટે કહેવાતી આધ્યાત્મીકતા અપનાવી લઈએ છીએ. વીનોબા ચરખો કાંતવાને કે ખેતરમાં કામ કરવાને ‘આધ્યાત્મીક કર્મ’ કહે છે.
આપણું જીવન બહુ સંકુલ છે. જીન્દગી એટલે બે અને બે ચારનો સરવાળો નથી. જીવનની ગાડીમાં ઘણા ફાંટા આવે છે. જીવન ગુંચવાડા ભર્યું છે. આ ગુંચવાડામાંથી માર્ગ કાઢવા માટે આત્મવીશ્વાસ અને દૃઢ મનોબળ જેવી કોઈ બીજી દવા નથી. પણ, દર્દીને ખબર જ નથી કે એને શો રોગ થયો છે, પરીણામે રસ્તા પર બેઠેલા ઉંટવૈદો એને ભરમાવે છે. ધર્મને નામે, અધ્યાત્મને નામે, ત્યાગ અને બલીદાનને નામે, મોક્ષને નામે એને અવળે રસ્તે ચડાવે છે. એક ભાઈ એક મનોવીજ્ઞાની ડૉક્ટર પાસે ગયા. ફરીયાદ એ હતી કે, આખો દીવસ ખોટા વીચારો આવે છે, મનને શાન્તી મળતી નથી, મન ભટકે છે, ઉંઘમાં સપનાં આવે છે. ડૉક્ટરે પુછ્યું કે, ‘કામ શું કરો છો?’ ત્યારે ખબર પડી કે કોઈ સરકારી ખાતામાં નોકરી કરે છે. ડૉક્ટરે પુછ્યું, ‘અત્યારે તો તમારી નોકરીનો સમય છે; તો પછી અહીં કઈ રીતે આવ્યા?’ જવાબ મળ્યો, ‘સરકારી નોકરી છે. સમયસર જવું જરુરી નથી. ન જઈએ તો કોઈ પુછતું નથી. ઑફીસમાં બધા આમ જ કરે છે.’ ડૉક્ટરને જવાબ મળી ગયો. એણે કહ્યું, ‘તમે ઑફીસમાં બરોબર હાજરી આપો. તમારી ફરજ પુરી નીષ્ઠાથી બજાવો. અરજદારોના કામ પતાવો. આવા એક અરજદારનું કામ તત્પરતાથી પતાવ્યા પછી જે માનસીક સન્તોષ મળશે એ જ તમારી દવા છે. પછી તમારું મન ક્યાંય નહીં ભટકે…’
ઉર્દુમાં એક સરસ શેર છે, ‘કભી કીસી કો મુકમ્મીલ જહાં નહીં મીલતા, કહીં જમીં તો કહીં આસમાં નહીં મીલતા’… દરેક માણસને એની ઈચ્છીત વસ્તુ મળી જતી નથી. દરેકના જીવનમાં કશુંક ખુટે છે એ જ આપણે મેળવવું છે. અધુરપ પુરવાની આ ઝંખનામાં માણસ મનની સમતુલા ગુમાવી બેસે છે અને પછી અહીંતહીં ભટકવા માંડે છે. કહેવાતા ‘ગુરુઓ’ આવા ગુમરાહ લોકોની જ રાહ જોતા હોય છે. કોઈ મઠ કે આશ્રમમાં લઈ જઈને એમને આધ્યાત્મીકતાનાં ઈંજેક્શન આપવાનું શરુ થઈ જાય છે. આવા ગુમરાહ લોકોમાં આજકાલ બહુ પૈસાદાર લોકો વધુ જોવા મળે છે. સાચાખોટા માર્ગે પૈસો ખુબ બનાવી લીધો, પણ પછી અન્દરનો ખાલીપો ખખડવા માંડે ત્યારે સમજાય છે કે પૈસો એ પરમેશ્વર નથી. ગુજરાતીઓ પાસે પૈસો વધી ગયો એટલે આધ્યાત્મીકતાની દુકાનોમાં એમની ઘરાકી વધી ગઈ છે. આવા લોકો કોઈ ગુરુ પાસે દોડી જવાને બદલે થોડો સમય પોતાની જાત સાથે સંવાદ કરેતો ઘણા પ્રશ્નોના જવાબો આપોઆપ જ મળી જાય.
ધર્મ અને અધ્યાત્મની વ્યાખ્યા જ બદલવી પડે એવો માહોલ સર્જાયો છે. વ્યવસાયમાં છેતરપીંડી ન કરે, કરચોરી ન કરે, ભેળસેળ ન કરે એવા વેપારીને દર્દીને લુંટે નહીં એવા ડૉક્ટરોને કે ઑફીસમાં આવેલ ફરીયાદીનું અપમાન ન કરે એવા સરકારી કર્મચારીને હવે આધ્યાત્મીક કહેવો પડશે. આપણા એક ચીન્તક તો એવું કહી ગયા કે મનને એટલી હદે એકાગ્ર કરી નાખવું કે એ વીચારહીન સ્થીતીમાં આવી જાય! વીચાર જ જતા રહે અને માણસ વીચારહીન બની જાય તો એના જીવનનો શો અર્થ? પછી તો જીવનની દરેક પ્રવૃત્તી જ નીરર્થક બની રહે ! પણ, આપણે ત્યાં એવો ખોટો ખ્યાલ ઘુસી ગયો છે કે કામ તો સંસારની હાયવોય જેને હોય એ કરે, અને એ હાયવોય છોડીને આંખો મીંચીને બેઠો રહે એ માણસ આધ્યાત્મીક કહેવાય. કેટલાક માણસો એકસાથે અનેક ચીજો તરફ ધ્યાન આપી શકતા હોય છે અને સફળતાપુર્વક આપી શકતા હોય છે. આવા માણસોને એકાગ્ર બનીને એક જ મુદ્દા પર ચીત્તને કેન્દ્રીત કરવાની જરુર જ નથી. આવી તીક્ષ્ણ બુદ્ધી વીકસાવી શકાય છે. સફળ ઉદ્યોગપતી કે સફળ વહીવટકર્તામાં આ ગુણ હોય છે.
આપણને આજે સૌથી વધુ જરુર ઉત્પાદકતા અને શ્રમની છે. એ ભુલીને આપણે આળસ અને અકર્મણ્યતા ઉપર પડી ગયા છીએ. આધ્યાત્મીકને જો ચીન્તન અને મનન ગણીએ તો એ માણસ માટે જરુરી છે. માણસના જીવનમાં કોઈ ધ્યેય હોવું જોઈએ, કોઈ ફીલસુફી હોવી જોઈએ. વીશ્વના શ્રેષ્ઠ વીચારકોનું ચીન્તન એણે ભણવું જ જોઈએ. પોતાના જીવનમાં પ્રગતી અને સફળતામાં એ ખુબ ઉપયોગી અને માર્ગદર્શક બની શકે. પણ,આધ્યાત્મીકતાને નામે આત્મા, પરમાત્મા અને સ્વર્ગ-નર્ક જેવી અગમ્ય બાબતોમાં એ પડી જાય તો એ માણસ પછી કામ કરતો જ બંધ થઈ જશે અને પરાવલમ્બી બની જશે. આર્થીક ઉન્નતી માટે સાહસ અને કુશળતા જોઈએ અને સખત પરીશ્રમ જોઈએ. જે માણસ જીવનને મીથ્યા માનશે એની મહત્ત્વાકાંક્ષા મરી જશે અને એ કામ કરવા જ નહીં પ્રેરાય. માણસમાં મહત્ત્વાકાંક્ષા હશે તો એ પુરી કરવા માટે મથશે. પણ જો અગમનીગમની માયાજાળમાં પડી જશે તો જીવનમાં એને રસ જ નહીં રહે. માણસ બધું મેળવ્યા પછી સાદાઈ અપનાવે એ એક વાત છે અને પોતાની પાસે કંઈ હોય જ નહીં એટલે સાદાઈ અપનાવવી પડે એ બીજી જ વાત છે. જે માણસની પાસે વીચારનો આન્તરીક વૈભવ છે, એણે મનની શાન્તીની શોધમાં અહીંતહીં ભટકવું પડતું નથી.
યાસીન દલાલ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી