નાજુક બાળકોને
ભણતરનો ભાર ન આપો
આજે માતા-પિતા 3 થી 5 વર્ષની વયનાં નાજુક, કુમળાં બાળકો પર શિક્ષણના
નામે અત્યાચાર કરતાં હોય તેવું જોવા મળે છે. પોતાનાં બાળકોને જલદી હોશિયાર બનાવી
દેવાની ઘેલછામાં માતા-પિતા શિશુઓને બાલમંદિરે કે પ્લે-હાઉસમાં દાખલ કરી દે છે.
કોઈપણ ઋતુ હોય,
બાળકને ગમે કે ન ગમે પણ શાળાએ મોકલી જ
દે છે.
બાલમંદિરમાં શિક્ષણનો આગ્રહ રાખવો એ વધુ પડતી અપેક્ષાઓ
કહેવાય. મારું બાળક હજુ કવિતા કે જોડકણાં કેમ નથી બોલતું ? અક્ષર કેમ સારા નથી કરતું ? તમે
કંઈ ધ્યાન આપતા નથી ? આવી ફરિયાદો અવારનવાર શિક્ષકોને
કર્યે જ રાખે. વળી સંતોષ ન થાય તો સ્કૂલ બદલી નાખે છે, એમ બાળકને કોઈ એક શાળામાં સ્થિર થવા દેતા નથી.
આ વાલીઓ કેમ ભૂલી જાય છે કે બાલમંદિર એ તો બાળકને શાળાએ
આવતા-જતા કરવા માટે છે. ત્યાં બાળકને રમવાનું, કૂદવાનું, ગીતો ગાવાનાં, વાર્તા સાંભળવાની, રમતાં-હસતાં વાતચીત દ્વારા વાતાવરણમાંથી જે શીખવા મળે તે
શીખવાનું હોય છે. બાળકનાં રમકડાં એ તેના મિત્રો હોય છે. શાળા અને ઘરમાં અવનવાં
રમકડાં રમવા લઈ દઈ તેની બુદ્ધિશક્તિ ખીલવવી જોઈએ. બાળકો સાથે વાતો કરવી જોઈએ.
બાળકની જિજ્ઞાસાપૂર્તિ કરવી જોઈએ. તેને પ્રેમથી જવાબ આપવા જોઈએ. નાનાં ભૂલકાંઓને
પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. તેની શક્તિઓને મુક્તપણે ખીલવા દો. પ્લે-હાઉસમાં પણ
તેને એક જ જગ્યાએ બેસાડી રાખવામાં આવે તો બાળકને ભણતર પ્રત્યે અણગમો ઉત્પ્ન્ન થશે.
બાળકની ભરપૂર પ્રશંસા કરી તેને નાની-નાની વાતોમાં પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે.
બચપણથી જ અંગ્રેજી અને વિષય-શિક્ષણનો ભાર બાળક પર ન નાખવો
જોઈએ. પરંતુ તેની મૂળગત ભાવનાઓ, ઉત્સાહ વધારવાનું કામ વાલીઓએ 3 થી 5 વર્ષના ગાળામાં વધુ કરવાનું
હોય છે. ભણતર ભાર વગરનું બનવું જોઈએ. મનગમતાં ચિત્રો દોરવાની પ્રેરણા આપી તેની
કલ્પ્નાશક્તિ વિકસાવવા પ્રયત્નો કરવા જોઈએ. બાળકને શાળામાં જોતરી ન દેતાં, તેને આસપાસના વાતાવરણમાંથી સાહજિક રીતે શીખવા દો. નવી નવી
જગ્યાએ ફરવા લઈ જાઓ. આવી રીતે પાયાનું ઘડતર જરૂરી છે. બાળકના વિકાસ માટે યોગ્ય
વાતાવરણનું નિર્માણ કરો.
બાલમંદિરમાં બાળકને જતું કરવું તે સારી બાબત છે, પરંતુ ત્યાં તેને ભણવાનો ભાર લાગવો જોઈએ નહીં. સમૂહમાં રમતાં, બોલતાં, બેસતાં શીખે તેમજ સારી રીતભાત, સંસ્કારો આવે તે જરૂરી છે. નવી દ્ષ્ટિ કેળવે અને સહજ રીતે
બેસી અભ્યાસમાં રુચિ કેળવે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જરૂરી છે. પૂર્વ
પ્રાથમિકથી જ પોતાનું બાળક અભ્યાસ કરતું થવું જોઈએ એવો આગ્રહ બાળકના માનસ સાથે
સુસંગત નથી. બાળકનો સર્વાંગી વિકાસ સુદ્ઢ રીતે થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. બાળકના
વિકાસમાં ખામી રહી ન જાય તે માટે તેના બાળપણને ખીલવા દો. તેને રૂંધી ન નાખો.
બાળક સાથે જે કાર્ય થાય તે હૃદયપૂર્વક થવું જોઈએ. શિક્ષકો
અને માતાપિતાએ બાળકમાં વિવિધ પ્રકારે બાલચેતના પ્રગટાવી તેનામાં નીતિ-શિક્ષણ અને
આંતરિક ગુણવત્તા સુધરે તેવા પ્રયત્નો કરવા જોઈએ. શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે.
શિક્ષણમાં કેન્દ્રસ્થાને બાળક છે. તેના ઉપર માતા-પિતા કે શિક્ષકોએ બોજ નાખીને તેની
સ્વતંત્રતા હણી લેવી જોઈએ નહીં. બાળકને લેસન, ટ્યુશન, રોકટોક દ્વારા મૂરઝાવી ન દો. તેને માનસિક રીતે ખીલવા દો.
બાળકને શિક્ષણની શિક્ષા ન કરો. તેને મુક્તપણે વિકસવા દો. સામાજિકતા અને વ્યવહારથી
દૂર ન રહે તે ખાસ ધ્યાન રાખો. પર્યાવરણમાંથી સતત શીખતું રહે તેવું માર્ગદર્શન
આપતાં રહો. પ્રેરકબિંદુ : માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. - બીચર
- સંજયકુમાર કે. કોરિયા
No comments:
Post a Comment