અન્યાયની લાગણી: દલિત-સવર્ણ, સ્ત્રી-પુરુષ, મધ્યમ-શ્રીમંત, શ્વેત-અશ્વેત….
હમણાં ઉનાનું સમઢિયાળા દેશભરમાં જાણીતું થઈ ગયું. ત્યાં નિર્દોષ લોકો પર જે અત્યાચાર થયો તે કોઈ રીતે ક્ષમાને પાત્ર નથી. અહીં મેં જાણી જોઈને દલિત શબ્દ નથી વાપર્યો કારણકે આવી ઘટના કોઈની પણ સાથે બને ચાહે તે દલિત હોય કે મુસ્લિમ, તે ટીકાને પાત્ર જ છે. મેં આ ઘટના બની તેના થોડા જ દિવસોમાં આ વિષય પર ‘ગુજરાત કેમ સળગી રહ્યું છે’ તેના પર બ્લૉગપૉસ્ટ લખી હતી. (http://bit.ly/2asQSjj) તેમાં આ વિષય આવરી લીધો હતો. એટલે તેની વાત નથી કરવી પણ અહીં વાત કરવી છે અન્યાયની. અન્યાયની ભાવના વધતા-ઓછા અંશે અનેક વિવિધ વર્ગમાં છે. કથિત દલિત-કથિત સવર્ણ, સ્ત્રી-પુરુષ, મુસ્લિમ-હિન્દુ, મધ્યમ-ધનવાન વર્ગ, કર્મચારી-બોસ, ગ્રાહક-વેપારી, પોલીસ, વહીવટી કર્મચારી (બ્યુરોક્રેટ)-રાજકારણી, શ્વેત-અશ્વેત.
આ ૧૫મીએ સ્વતંત્રતા મળ્યાને આ ૬૯ વર્ષ પૂરાં થશે. ૬૯ વર્ષેય દલિતોની સ્થિતિ ખૂબ ખરાબ છે, તેમાં કોઈ બેમત નથી જ. આજેય તેમને ઘણી જગ્યાએ કૂવાથી માંડીને સ્મશાન સુધી અનેક રીતે સામાજિક અન્યાય સહન કરવો પડી રહ્યો છે. તેમની સામાજિક-શૈક્ષણિક સ્થિતિમાં પણ હજુ ખાસ ફેર પડ્યો નથી. આર્થિક સ્થિતિ પણ સારી નથી જ. ઉત્તર પ્રદેશ, બિહારમાં તેમને અન્ય જગ્યાએ પેશાબ કરવા માટે પેશાબ પીવડાવવામાં આવે છે.
સાથે એ પણ વાત એટલી જ મહત્ત્વની છે કે દલિતોને થતા અન્યાયની લાગણી માત્ર દલિતોમાં જ નથી પ્રવર્તતી, કથિત સવર્ણ ગણાતી જ્ઞાતિઓમાં ઘણા લોકો પણ સમાન સંવેદના ધરાવે છે-દલિતો જેટલી જ પીડા અનુભવે છે. ઇતિહાસ જોવામાં આવે તો દલિતો માટે લડત આપનારાઓમાં નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી સહિત અનેક આગેવાનો આ કથિત સવર્ણ જ્ઞાતિના હતા અને છે. આ માટે તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દલિતો માટે એટ્રોસિટીનો કાયદો છે. હજુ ૨૩ એપ્રિલ ૨૦૧૬ના રોજ મોદી સરકારે ઝડપી ન્યાય માટે શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યૂલ્ડ ટ્રાઇબ્સ (પ્રીવેન્શન્સ ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટ કાયદો સુધાર્યો છે. આ કાયદા અન્વયે, દલિતો અને આદિવાસીઓને અત્યાચારોમાંથી બચાવવા મજબૂત જોગવાઈઓ કરાઈ છે. કાયદાની વધુ વિગતોમાં નથી પડતા. આ જ રીતે દલિતો અને આદિવાસીઓને શિક્ષણમાં અને સરકારી નોકરીમાં અનામતની જોગવાઈ છે. અનામતની જોગવાઈ મૂળ દાખલ કરી હતી બ્રિટનના વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડે. જૂન ૧૯૩૨માં. આની સામે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. તે પછી ભારત સ્વતંત્ર થયું અને તે પછી અનામતની જોગવાઈ ચાલુ જ રહી છે અને તેમાં બીજી જ્ઞાતિઓનો ઉમેરો પણ થતો ગયો છે. દલિતોની આર્થિક સ્થિતિ ઘણી સુધરી છે. પરંતુ સામાજિક રીતે હજુ પણ દલિતો સામે ઘૃણાની માનસિકતા પ્રવર્તી રહી છે. ગાંધીજી માનતા હતા કે શિક્ષણ અને મંદિર વગેરેમાં પ્રવેશ દ્વારા તેમજ લોકસંસ્કાર, લોકશિક્ષણ, લોકજાગૃતિ દ્વારા જ આ સામાજિક અન્યાય દૂર કરી શકાશે.
પરંતુ એ વાત પણ સ્વીકારવી પડશે કે પહેલાંની સ્થિતિની સરખામણીએ ઘણી હદે દલિતોની સ્થિતિ સુધરી છે. જોકે કેટલીક કહેવાતી દલિત તરફી સંસ્થાઓ દ્વારા સતત વિષવમન કરીને આ ઘાને રુઝવવાના બદલે તેને સતત ખોતરવામાં આવે છે તેના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. હમણાં એક સમાચારપત્રમાં લખાયું કે દારૂના અડ્ડા પર પોલીસની રેડમાં એક દલિતનું મૃત્યુ. કારગિલનું યુદ્ધ લડનાર સૈનિકને જમીન મેળવવા સરકારી તંત્ર ધક્કા ખવડાવે છે. આમાં કોઈ જાતિ વિશેષ હોવાથી આવું થતું નથી. દરેક જાતિના લોકોને અનુભવ છે કે સરકારી તંત્રમાં ધક્કા ખાવા પડે છે, પણ સૈનિકની જાતિ ગણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવું થશે તો તે દલિતો માટે જ નુકસાનકારક બની રહેશે. પણ ગુજરાત અને રાષ્ટ્રમાં ઉના મુદ્દે વ્યાપક સાચા આક્રોશની આગમાં ઘી હોમવાના પ્રયાસ થઈ રહ્યા છે તે ચોક્કસ દેખાઈ આવે છે.
ગયા ઑગસ્ટમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે પાટીદારો સહિત કથિત સવર્ણોમાં અન્યાયની લાગણી પૂરજોશમાં હતી. પહેલાંય હતી અને અત્યારેય વત્તા ઓછા અંશે છે. એ વખતે સંદેશાઓ વહેતા હતા કે દલિતોને ૪૫ ટકાએ અનામત પર મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી જાય છે. અનામતમાં દલિત અને આદિવાસીઓ ઉપરાંત ઓબીસીનો પણ સમાવેશ થયો છે. અને પાટીદારોના કથિત આગેવાનો અનામત માટે ઓબીસીમાં સમાવેશ થવા માટે આંદોલન કરી રહ્યા હતા. એટલે તે સમયે ઓબીસીના એક વર્ગનું પણ આંદોલન શરૂ થયું હતું. ૧૯૮૯ આસપાસ ઓબીસી માટે જ્યારે અનામત જાહેર કરાઈ (વી. પી. સિંહ વડા પ્રધાન હતા ત્યારે) એ સમયે પણ પટેલો સહિત કથિત સવર્ણોએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને તેમાં ઘણાંનાં મૃત્યુ પણ થયાં હતાં. વળી, એટ્રોસિટીના દુરુપયોગના લીધે પણ કથિત સવર્ણોમાં અન્યાયની લાગણી મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. એટ્રોસિટીના કાયદાના લીધે જો અધિકારી કથિત સવર્ણ હોય તો તેની નીચેના કથિત દલિત કર્મચારી કામ ન કરે કે કામમાં ભૂલ કરે તો પણ તે કંઈ કહી શકતો નથી. પાટીદારોમાં પણ તેમની ‘પાસ’ જેવી સંસ્થાએ કોઈ ઉકેલ લાવવાના બદલે આગમાં ભડકો કરવાનું કામ વધુ કર્યું હતું. ગયા ઑગસ્ટ પછી કેટલાક બ્રાહ્મણોમાં પણ પોતાને અનામત મળવું જોઈએ તેવા સંદેશાઓની આપલે શરૂ થઈ હતી. એ સમયે આ લેખક અને હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીએ આની વિરુદ્ધ સમજાવવા વ્યક્તિગત પ્રયાસ કરેલા. અનામત દલિતોને સામાજિક પછાતપણાના કારણોસર મળે છે તે કથિત સવર્ણોએ સમજવું રહ્યું.
સ્ત્રીઓમાં પણ લાલ ચાંદલાવાળી ફેમિનિસ્ટો અન્યાયની લાગણીઓ ભડકાવતી હોય છે. હમણાં ચોંકાવનારો સંદેશ વાંચવા મળ્યો. તેમાં લખાયું હતું કે “સ્ત્રી હોવું એટલે જીવનનાં અડધાં સપનાંઓને હૃદયના કોઈક ખૂણામાં કાયમ માટે દફનાવી દેવું.” અત્યારે સ્ત્રીઓની સ્થિતિ પહેલાંના સમય કરતાં ઘણી સારી છે. મોટા ભાગે હવે વિભક્ત કુટુંબ છે. સ્ત્રીનાં કામો પણ ઘટ્યાં છે. તે આર્થિક રીતે સ્વતંત્ર પણ થઈ છે. પોતાની ઈચ્છા મુજબ કપડાં પણ પહેરી શકે છે. મોટાં પદ પર પણ પહોંચે છે. સ્ત્રીઓ માટે કાયદા કડક બની રહ્યા છે. કોઈ પણ સ્ત્રી બળાત્કારનો કે છેડતીનો આક્ષેપ કરે તો તરત તેને સાચો જ માનીને આવી સ્ત્રી જો જાણીતી હસ્તી હોય અથવા દિલ્લી-મુંબઈ જેવાં શહેરની હોય તો તેની તરફેણમાં મિડિયા ટ્રાયલ પણ શરૂ થઈ જાય છે. પરંતુ એટ્રોસિટીના કાયદાની જેમ બળાત્કારના કાયદાના દુરુપયોગના મામલા પણ સામે આવી રહ્યા છે. હવે તો સલમાન ખાન જેવી હસ્તી પોતાના થાકનું વર્ણન કરવા બળાત્કાર પીડિતાની માનસિક સ્થિતિનું ઉદાહરણ આપે તો ય તેની સામે મિડિયા ટ્રાયલ થાય છે.
એ વાજબી જ હતું પણ તેના સહઉદ્યમી શાહરુખ ખાને તો એક પુસ્તક વિમોચનમાં એવું કહ્યું કે “જ્યારે હું કોઈ મહિલા સાથે વાત કરતો હોઉં ત્યારે તે નીચે પડેલી હોવી જોઈએ.”! (When I speak to a woman, I’d like her to be lying down.) પણ શાહરુખપ્રેમી મિડિયાએ આ વિધાનને ચગાવ્યું નહીં. શાહરુખનું આ વિધાન, પાછું જેનું પુસ્તક વિમોચન હતું તે લેખિકા ગુંજન જૈન સામે જ હતું! આ લેખિકાએ જો બીજા કોઈએ આવું વિધાન કર્યું હોત તો કેટલો ગોકીરો મચાવી દીધો હોત!
શાહરુખ પુરુષવાદી માનસિકતા ધરાવે છે, ભલે તેની સામે ‘ગે’ હોવાના આક્ષેપો-મજાક થતી હોય! તે અમિતાભ બચ્ચન સહિત અનેક મહાન હસ્તીઓની મજાક ઉડાવી શકે પરંતુ પ્રિયંકા ચોપરાએ જ્યારે ‘માય નેમ ઇઝ ખાન’ની મજાક ઉડાવી હતી ત્યારે તેના મોઢાના હાવભાવ જોવા જેવા હતા. પુરુષોમાંય સ્ત્રીઓ પ્રત્યે કચવાટ છે. આ કચવાટ પુરુષોના અનેક વર્ગમાં છે. રાજકારણીઓ આ કચવાટ ભારે ભદ્દા શબ્દોમાં વ્યક્ત કરે છે. સ્મૃતિ ઈરાની અંગે જનતા દળ (યૂ)ના અલી અનવરનું નિવેદન ભલે સમાચારપત્રોમાં ન છપાયું, પણ અત્યંત ખરાબ અને હલકી માનસિકતાનું આ પ્રતિબિંબ હતું. મહિલાઓ આગળ વધે તે પુરુષો પણ સાંખી નથી જ શકતા. પુરુષોની તો પતિ તરીકે માતા, બહેન અને પત્ની વચ્ચે સેન્ડવિચ બની ગયાની પણ ફરિયાદ હોય છે. સ્ત્રી તરફી કાયદાઓના કારણે, દહેજ કે માનસિક ત્રાસના કાયદાના દુરુપયોગની ફરિયાદો પતિઓને છે અને જેમાં ઘણા કિસ્સાઓમાં સચ્ચાઈ પણ જોવા મળે છે. ક્યાંક ક્યાંક પત્ની પીડિત સંઘો પણ જોવા મળે છે. તો નોકરી ક્ષેત્રે મહિલા પોતે મહિલા હોવાનો ફાયદો ઉઠાવીને આગળ વધી જતી હોય કે તેને ઓછું કામ કરવાનું આવતું હોય અથવા તેને વધુ સુવિધા મળતી હોય તેવી લાગણી નોકરિયાત પુરુષોમાં જોવા મળે છે. વ્યંઢળ-ગે-લેસ્બિયન વગેરેની પણ અન્યાયની ફરિયાદો છે!
ઘણા મુસ્લિમોને તેમના તરફી અનેક કાયદા-સુવિધા છતાં ભયંકર અસંતોષ છે. તેમને લાગે છે કે પાકિસ્તાન વધુ સારું છે. પરંતુ જાવેદ અખ્તર જેવા બહુ ઓછા લોકો સમજે છે કે ભારતમાં મુસ્લિમો જેટલા સુખી છે તેટલા બીજે ક્યાંય નથી. આની સામે વધતા જતા ત્રાસવાદના બનાવો, ભારતમાં રહેવા છતાં મંદિર પર નમાઝ સમયે લાઉડ સ્પીકર ન વગાડવા દેવાનો સરકારનો આદેશ વગેરે અનેક બાબતોના કારણે હિન્દુઓમાં અસંતોષની લાગણી એટલી જ ઉગ્ર બની રહી છે. તો વિદેશોમાં ખ્રિસ્તીઓને લઘુમતી એશિયનો સામે પૂર્વગ્રહ બંધાતો જાય છે. વર્ષ ૨૦૦૯માં તો મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સામે ઑસ્ટ્રેલિયામાં હિંસા થઈ હતી. અમેરિકામાં તાજેતરમાં અકારણ બે અશ્વેતોની હત્યા પોલીસે કરી અને તે પછી અશ્વેતોના હિંસક પ્રદર્શનોમાં પાંચ પોલીસ મરાયા. આમ, શ્વેત-અશ્વેતોમાં પણ અન્યાયની લાગણી વ્યાપક છે.
તો મધ્યમ વર્ગને લાગે છે કે રાજકારણીઓ ગરીબોને અનેક છૂટ આપે છે, ધનવાન વર્ગને બધી સુવિધાઓ મળે છે. ટૅક્સ મધ્યમ વર્ગ જ ભરે છે પરંતુ તેમ છતાં તેની સુવિધાઓ કોઈ વિચારતું નથી. શ્રીમંત વર્ગને લાગે છે કે તે સાહસ કરે છે. અનેક લોકોને રોજી આપે છે તો તેને છૂટ મળવી જ જોઈએ પરંતુ સરકાર તેમના પર સુપર રિચ ટૅક્સ નાખે છે. તેમની પાસેથી રાજકારણીઓ ફંડ લે છે. તેમના સ્ટેટસ મુજબ, તેમના ખર્ચા પણ વધુ હોય છે, તો તેમને સુવિધાઓ મળવી જ જોઈએ. શ્રીમંતો જેવી જ લાગણી સત્તાધીશોમાં પણ પ્રવર્તતી હોય છે. આ જ રીતે ખાનગી-સરકારી ક્ષેત્રે કર્મચારીઓને થતું હોય છે- પોતે કામ કરે છે અને બોસને જલસા હોય છે. બોસને નકામા કર્મચારી ભટકાય ત્યારે થતું હોય છે કે આ જલસા કરે છે અને એનું કામ મારે કરવું પડે છે અથવા માલિકનો ઠપકો સાંભળવો પડે છે. ગ્રાહકોને લાગે છે કે વેપારી તેમને છેતરે છે અને વેપારીને લાગે છે કે તેમના પર ટૅક્સ અને કાગળિયાં કામથી સરકાર દ્વારા તેમની બહુ કનડગત થાય છે. ખાસ કરીને તહેવારોના સમયે પડતા આઈટી દરોડાના લીધે. (વેપારીઓ જેવી જ ફરિયાદો દર્દી-અસીલોને ડૉક્ટરો-વકીલો સામે હોય છે.) દલિતોને-મુસ્લિમોને પોલીસ પ્રત્યે ફરિયાદો હોય છે તો સામે પક્ષે પોલીસમાંય અસંતોષની લાગણી ભરપૂર હોય છે. વારેતહેવારે રજા ન મળવી, સતત ઓન ડ્યૂટી, રાજકારણીઓનું દબાણ, ઓછો પગાર વગેરે તેમની ફરિયાદો છે. શિક્ષકોમાં પણ અસંતોષ જોવા મળે છે. ઓછો પગાર, શિક્ષણ સિવાયનાં ચૂંટણી ફરજો જેવાં કામો સહિતની ફરિયાદો તેમની હોય છે. બ્યુરોક્રેટને સત્તાધીશ રાજકારણી સામે અને રાજકારણીને કામ ન કરતા બ્યુરોક્રેટ સામે ફરિયાદ રહેતી હોય છે. ચૂંટાયેલી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે પણ ટકરાવ અજાણ્યો નથી. ભક્તોનેય ભગવાન પ્રત્યે ફરિયાદ હોય છે- ફલાણાને આટલું સુખ મળ્યું જ્યારે પોતાને નહીં. (અહીં ભક્તને ધાર્મિક અર્થમાં જ લેવો) પણ સામે પક્ષે ભગવાનની ફરિયાદ બોલકી નથી!
આ બધી સ્થિતિમાં ખરેખર તટસ્થતાથી કોઈ વિચારતું નથી. આ દરેક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ એક તરફી જ પ્રચાર પ્રસાર કરતી હોવાથી, દરેક બાબતમાં અન્યાયનો વળ ચડી જાય છે. પરિણામે ખાઈ વધતી જાય છે. જે વર્ગનું સંગઠન મજબૂત અને હિંસક બની શકે , જેનો અવાજ બોલકો તેનો અવાજ વધુ સંભળાય છે. આમાં જ્યારે રાજકારણ ભળે ત્યારે પરિસ્થિતિ સુધરવાના બદલે વણસે છે. દુર્ભાગ્યે અત્યારે ગાંધીજી કે મોરારજી દેસાઈ જેવા સાચા અર્થમાં આગેવાનો કોઈ નથી. બધા રાજકારણી બની ગયા છે.
No comments:
Post a Comment