પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ?
–વર્ષા પાઠક
દર વર્ષે ગણપતીના આગમનનો દીવસ નજીક આવે, એટલે મુમ્બઈના મ્યુનીસીપલ કમીશ્નર જાહેર કરે કે, ગણેશ વીસર્જન પહેલાં મુમ્બઈના રસ્તા પરના તમામ ખાડા પુરી દેવાશે. વર્ષોથી આ આશ્વાસન સાંભળતા આવેલા અમારા એક મીત્રે ચીઢાઈને કહેલું કે, આનો અર્થ તો એવો થાય કે બાપ્પાની આવન–જાવન ન થાય તો શહેરના રસ્તા સુધરે જ નહીં. ગુસ્સો વાજબી છે. મુમ્બઈના રસ્તા અત્યન્ત ખરાબ છે.
એમાંય ચોમાસા વખતે તો અમુક વીસ્તારોમાં એવી હાલત હોય છે કે, રસ્તામાં ખાડા નહીં; ખાડામાં જ સહેજસાજ રસ્તો હોય એવું લાગે છે. દેશની સહુથી શ્રીમન્ત અને કદાચ સહુથી ભ્રષ્ટ મુમ્બઈ મહાનગરપાલીકારસ્તા બનાવવા અને પછી રીપેરીંગ કરવા માટે એવા બદમાશોને કોન્ટ્રેક્ટ આપે છે, કે નવાનક્કોર રસ્તા પર એક વરસાદ પડતાંની સાથે મોટાં ગાબડાં પડી જાય છે. હાડવૈદો અને ગેરેજવાળાની દીવાળી વહેલી આવી જાય છે. ઉંચું જોઈને ચાલવાની આદત અહીં મહા ડેન્જરસ છે.
મુમ્બઈના નામે આવો કકળાટ કરતાં બેઠાં હતાં, ત્યાં છાપામાં વાંચ્યું કે, રાજકોટ મહાનગરપાલીકાએ પવીત્ર શ્રાવણ મહીના દરમ્યાન એક અનોખો સેવાયજ્ઞ કરવાનો નીર્ણય લીધો છે(હવે તો એ શરુ પણ થઈ ગયો હશે). આનો યશ કૉર્પોરેશનની સેનીટેશન કમીટીના ચેરમેનને આપીને કહેવાયું હતું કે, આખાયે શ્રાવણ મહીના દરમીયાન શીવમન્દીર અને ભાવીકોનો પ્રવાહ વધુ હોય એ મન્દીરોની બહાર અને અન્દર પણ, રોજેરોજ સઘન સફાઈ થશે. રામનાથ મન્દીરની બાજુમાંથી જતી નદીમાંથી ગન્દકી દુર કરાશે, ખુલ્લી જમીનમાં ઉગી નીકળેલું ઘાસ કાઢી નખાશે, મન્દીરોની આસપાસ જન્તુનાશક દવાનો છંટકાવ થશે, મન્દીરની અન્દર અને બહાર સરખી સફાઈ થાય છે કે નહીં, એ જોવા માટે ચેરમેનસાહેબ મન્દીરોની સરપ્રાઈઝ વીઝીટ મારશે વગેરે વગેરે.
પહેલી નજરે સારા સમાચાર હતા; પણ પછી અળવીતરા દીમાગમાં જાતજાતના સવાલ અને વીચારો ફુટી નીકળ્યા, જે તમારી સાથે શૅર કરવા છે. વાંચીને ગુસ્સો આવે તો યાદ કરવું કે આ શ્રાવણ મહીનો છે, શારીરીક, માનસીક અને લેખીત હીંસા કરાય નહીં.
પહેલો વીચાર એ કે, શ્રાવણ મહીનો ન આવે તો/ત્યાં સુધી મહાપાલીકા આવું સફાઈકામ કરે જ નહીં ? મન્દીરોની આસપાસની જગ્યા સાફ રાખવાની જવાબદારી જો ખરેખર મહાપાલીકાની હોય તો એ માત્ર શ્રાવણ મહીના પુરતી શું કામ સીમીત રહેવી જોઈએ ? બાકીના મહીના બધા અપવીત્ર ?
અને પછી એ મોટો પ્રશ્ન કે ધાર્મીક સ્થળોની આસપાસના રસ્તા અને નદીનાળાની સફાઈ કરવાનું કામ ચોક્કસ મહાપાલીકાનું છે; પણ મન્દીરની અન્દર સફાઈ કરવાની જવાબદારી ખરેખર એમની છે ? મન્દીરના ટ્રસ્ટીઓ, પુજારીઓ, રોજેરોજ કે વારતહેવારે ત્યાં આવતાં ભાવીકો, મન્દીરની બહાર લારી કે દુકાન લગાવતા લોકો… આ બધાંને કંઈ પુછવાનું જ નહીં ? કચરાના ગંજ ખડકાય છે; કારણ કે આ લોકો બેફામ ગન્દકી કરે છે.
મહાનગરપાલીકા હવે મન્દીરની સફાઈ કરવાની છે, એ જાણીને તો આ સહુ ગેલમાં આવી ગયા હશે કે, હાશ, હવે આપણે કોઈ ચીંતા કરવાની નથી. મન ફાવે એટલી ગન્દકી કરો, બીજે દીવસે કૉર્પોરેશનના કામદારો સફાઈ કરી જશે. શ્રાવણ મહીના દરમીયાન મહાપાલીકાએ ચકચકીત રાખેલાં દેવદહેરાં ભાદરવા પછી પણ એટલાં જ ચોખ્ખાચણક રહેશે ? નહીં રહે તો વાંક કોનો ? અને ચાર દીવસની ચાંદની, અર્થાત્ ચોખ્ખાઈ પછી પાછા હતા ત્યાંના ત્યાં થઈ ગયા, એ જોઈને મહાદેવને કેવું લાગશે ?
આ છેલ્લા પ્રશ્નનો જવાબ જો કે સહેલો છે. મહાદેવને કંઈ નહીં લાગે. આ વખતે શ્રાવણ મહીના દરમ્યાન મન્દીરોની અન્દર બહાર સફાઈ જોઈને એમને કદાચ હળવો આંચકો લાગશે; બાકી ગન્દકીથી તો એ વર્ષોથી ટેવાઈ ગયા છે. મન્દીરોમાં ભક્તી અને ભાવીકો જેટલાં વધુ, એટલી ગન્દકી પણ વધુ. તહેવારોમાં ભક્તી અને ગન્દકી, બન્નેનું ઘોડાપુર ઉમટે. નાની હતી ત્યારે મને એક વાર પ્રશ્ન થયેલો કે, ચર્ચની અન્દર તો લોકો બુટ–ચમ્પલ પહેરીને જાય છે, તોયે ત્યાં ગન્દકી કેમ નથી થતી ? પપ્પાએ આનું કારણ સમજાવવા માટે સામો પ્રશ્ન પુછ્યો હતો કે, ચર્ચની અન્દર જીસસ ક્રાઈસ્ટ અને મધર મૅરીની મુર્તી પર દુધ કે તેલનો અભીષેક થાય છે ? એમની સામે કોઈ શ્રીફળ વધેરે છે ? પડીયામાં શીરાનો પ્રસાદ મળે છે ?
કહેવાનો મતલબ એ નહીં કે, ખ્રીસ્તીઓ હીન્દુઓથી ચઢીયાતા છે કે વધુ ચોખ્ખા છે. સીધીસાદી વાત એટલી કે, ભગવાનને જેની કોઈ જરુર નથી, એવી ચીજો ચઢાવીને આપણે દેવસ્થાનોને ચીકણાં, ગોબરાં કરતાં રહીએ છીએ. તમે જ કહો હનુમાનજીને તેલથી નવડાવીને ખુશ કરી શકાય, એવું રામાયણમાં ક્યાં લખ્યું છે ? દક્ષીણ ભારતનાં ઘણાં મન્દીરોમાં હજી અન્દર પ્રવેશો, ત્યાં કોઈ પુજારી–કમ–વેપારી તમારા હાથમાં તેલ ભરેલાં કોડીયાં પકડાવી દે. ભગવાન પાસે જઈને આ દીવા પ્રગટાવો, એ પહેલા કેટલુંયે તેલ છલકાઈને નીચે પડી ગયું હોય. મારી એક કઝીન ગઈ દીવાળીમાં જગન્નાથપુરીના વીશ્વવીખ્યાત મન્દીરમાં ગયેલી. ત્યાં વળી ભાતનો પ્રસાદ અપાતો હતો. ખવાતો હતો, એટલો ઢોળાતો હતો. એના પર લોકો ચાલતા હતા. ચીકણી ફર્શ પર લપસી પડતાં એ માંડમાંડ બચી.
વૃક્ષો કે છોડ પર હોય ત્યાં સુધી ફુલપાન સુંદર લાગે છે; પણ મન્દીરમાં એના ઢગલા થાય અને સડી જાય ત્યારે ઉકરડાંથીયે વધુ ગન્ધાય છે ! શ્રાવણ મહીનામાં શીવજી પર હજારો, લાખો બીલીપત્ર ચઢાવીને આપણે શું સાબીત કરવા માગીએ છીએ ? આ સવાલ પાછળ આજે મળેલાં એક બહેન જવાબદાર છે. પાંસઠ વર્ષની આ ગુજરાતી ગૃહીણી અત્યન્ત ધાર્મીક છે, શ્રાવણ મહીનામાં રોજેરોજ શીવલીંગ પર દુધનો અભીષેક કરવાનો એમનો નીયમ હતો; પણ છેલ્લાં ત્રણેક વર્ષથી એ શીવજીને નવડાવવા માટે માત્ર પાણી વાપરે છે અને શ્રાવણ મહીનામાં સ્પેશીયલ બાથ તરીકે પાણીના લોટામાં બે–ત્રણ ટીપાં દુધ નાખે છે. સદનસીબે એમની જેમ હવે અનેક ભક્તો અને મન્દીરોએ દુધનો વ્યય બન્ધ કર્યો છે.
પરન્તુ આ બહેને તો હવે ભગવાનને ફુલપાન ચઢાવવાનું પણ માંડી વાળ્યું છે; કારણ કે થોડા સમય પહેલાં, એમણે મન્દીરમાં ભેગાં થયેલાં ફુલપાન ઉકરડામાં ફેંકાતાં જોયાં. આ કોઈ નવી વાત નહોતી; પણ એમણે પહેલી વાર નજર સામે જોયું અને આઘાત પામી ગયાં ! શ્રાવણ મહીનામાં શીવજી પર સવા લાખ બીલીપત્ર ચઢાવવાનો વર્ષો જુનો કાર્યક્રમ એમણે રદ કરી નાખ્યો છે. જે મન્દીરોએ દુધનો અભીષેક અટકાવી દીધો છે, એ પણ આવાં ફુલપાનનો અભીષેક બન્ધ કરીને એટલાં ફુલઝાડ વાવવાનો નીયમ શરુ કરે તો ભગવાને સર્જેલી દુનીયા પાછી કેટલી હરીયાળી થઈ જાય ? જસ્ટ ઈમેજીન, શીવજીના મન્દીરની બહાર બીલીવૃક્ષોનું વન ઉભું થયું હોય, એના પર પક્ષીઓ કીલ્લોલતાં હોય, નીચે છાંયડામાં બેઠેલાં લોકો શીવસહસ્ર જપતાં હોય અને વૃક્ષ, છોડવામાંથી ખરી પડેલાં ફુલપાન એક જગ્યાએ ભેગાં કરીને એમાંથી ખાતર બનાવવાનો ઉદ્યમ ચાલતો હોય…
અને હા, મન્દીરની બહાર ચઢાવવાની અને ખાવાપીવાની વસ્તુઓ વેચતા ફેરીયાઓ માટે કચરાટોપલી રાખવાનું ફરજીયાત હોય, વેફર કે માવો ખાઈને ખાલી પડીકાં ફેંકનારા ભક્તોને દંડ થતો હોય. શ્રાવણ મહીનામાં દંડ બમણો થઈ જતો હોય. ભક્તો ભગવાનને પગે લાગ્યા પછી મહીનામાં એક વાર મન્દીરની સફાઈમાં જોડાતા હોય… આવું થાય તો વરસનો દરેક મહીનો શ્રાવણ થઈ જાયને.
– વર્ષા પાઠક

No comments:
Post a Comment