ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન
ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન
October 21, 2016 by
ગોવીન્દ મારુ
ગુરુઓનું અજ્ઞાન…
ધર્મનું મોટું ભયસ્થાન
– દીનેશ પાંચાલ
એકવાર એક ધર્મગુરુએ ભક્તોની મોટી મેદની વચ્ચે કહેલું : ‘ઈશ્વરે આનન્દ માટે નહીં; માત્ર સન્તાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સન્તાનો થઈ ગયા પછી સ્ત્રીસંગ કરવો એ પાપ છે !’ ત્યાં બેઠેલા લાખો શ્રદ્ધાળુઓ અન્દરખાનેથી એ વાત સાથે સમ્મત નહોતા; પણ ગુરુની વીચારધારાનો કોઈ વીરોધ કરતું નહોતું. ધર્મ અને શ્રદ્ધામાં સંશયને સ્થાન હોતું નથી. બહુધા આસ્તીકો ગુરુવાણીને ઈશ્વરવાણી સમજી તેનો ચુસ્તપણે અમલ કરે છે. કદાચ કોઈ શ્રદ્ધાળુ શંકા ઉઠાવે તો બીજા લોકો તેનો વીરોધ કરીને ગુરુના અજ્ઞાનને છાવરવાની કોશીશ કરે છે. આજ પર્યન્ત લઠ્ઠો પીને કેટલા મર્યા તેના આંકડા અખબારોમાં પ્રગટ થયા છે; પણ લઠ્ઠા જેવી અન્ધશ્રદ્ધાથી કેટલાં સામુહીક મરણ થાય છે તેના આંકડા છાપામાં જોવા મળતાં નથી. અમુક નુકસાન દુષીત વાયરસ જેવાં હોય છે– તે દેખાતાં નથી ભોગવવા પડતાં હોય છે.
સોનોગ્રાફી વડે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે જાણી શકાય; પણ એ સુવીધાનો દુરુપયોગ કરીને ભૃણહત્યા કરવામાં આવે તે ઠીક ન ગણાય. કોઈ વીજ્ઞાનવાદી પણ જો એ ભુલને છાવરવાની કોશીશ કરે તો તે વીજ્ઞાનમાં અન્ધશ્રદ્ધા ધરાવે છે એમ કહી શકાય. ધુરન્ધર નાસ્તીકનો પણ કોઈ વીચાર ખોટો હોઈ શકે. પણ તે તેના મીત્રો તેને છાવરવાની કોશીશ કરે છે. એ જેટલી મોટી ભુલ છે તેટલી જ મોટી ભુલ આસ્તીકો ધર્મગુરુઓને છાવરે તે પણ ગણાય. આપણે ચાના કપમાં તરતી માખીને કાઢીને ફેંકી દઈએ છીએ; પણ ગુરુની નબળાઈઓને ગળી જઈને તેમને સાષ્ટાંગ વન્દન કરીએ છીએ. સાચી વાત એ છે કે આસ્તીકો ધર્મચાહક હોય છે સત્યચાહક નથી હોતા. ધર્મના સ્વાંગમાં કેટલીક અધાર્મીક બાબતો (ચામાં પડેલી માખી જેવી) છે, તેને તેઓ જીવનભર પમ્પાળતા રહે છે. નાસ્તીકો દ્વારા તેમની ભુલોનું ભાન કરાવવામાં આવે ત્યારે અહમ્ કે મમત ખાતર તેનો વીરોધ કરવામાં આવે છે. પરન્તુ યુદ્ધ–ઝઘડા–વાદ–વીવાદ કે કલહ કુસમ્પથી ધર્મની જ નહીં; આખા સમાજની તન્દુરસ્તી કથળે છે. એ સત્ય સ્વીકાર્યા વીના ચાલે એમ નથી. બોલનાર કોણ છે તેનું મહત્ત્વ નથી; પણ તે શું બોલે છે તેનું મહત્ત્વ અંકાય છે. માણસ આસ્તીક હોય કે નાસ્તીક પણ તેણે તટસ્થપણે એવું વલણ દાખવવું જોઈએ કે દાઉદ ઈબ્રાહીમ શાન્તી જાળવવાની અપીલ કરે તો તેનું સ્વાગત કરવાનું હોય અને ગાંધીજી ખુન કરવાની સલાહ આપે તો તેનો વીરોધ જ કરવો જોઈએ.
વારમ્વાર એક વાત સામે આવે છે. જેમણે કર્મને જ સાચો ધર્મ ગણ્યો છે એવાં પશ્ચીમીના લોકો સર્વ ક્ષેત્રે આપણાં કરતાં આગળ છે. આપણે ૩૩ કરોડ દેવી દેવતાઓ વચ્ચે જીવીએ છીએ. છતાં અનેક યાતનાઓ અને દુર્ગુણોના દલદલમાં ખુંપ્યા છીએ. આપણા ધાર્મીક દેશમાં કર્મકાંડોની બોલબાલા રહી છે. દેશમાં ચોમેર કથા–કીર્તન, હોમ–હવન, પુજા–પાઠ, યજ્ઞો વગેરે થતાં રહે છે. સરકારી ઑફીસોથી માંડી ગાડીના ડબ્બામાં પણ સત્યનારાયણની કથા થાય છે; પણ લોકોની વ્યથામાં એક મીલીગ્રામનો ય ફરક પડ્યો નથી. ક્રીકેટનો વર્લ્ડકપ આપણને મળે તે માટે યજ્ઞો કરાવવામાં આવે છે. અમીતાભ બચ્ચનની તન્દુરસ્તી માટે ધાર્મીક વીધીઓ થાય છે. સલમાન ખાન કે સંજય દત્તે જેલ નહીં જવું પડે તે માટે લોકો પુજાપાઠ કરાવે છે. વીશ્વની શાન્તી માટે આજપર્યંત હજારો વીશ્વશાન્તી યજ્ઞો થઈ ગયા; પણ વીશ્વ તો શું, દેશમાં પણ શાન્તી સ્થપાઈ શકી નથી.
આનો સીધો અર્થ એ થાય છે કે વીશ્વશાન્તીના ઉપાયો પુજાપાઠ કે કર્મકાંડોમાં નહીં; પણ કઠોર પરીશ્રમ, ઈમાનદારી, સમજદારી અને માનવતામાં રહેલા છે. ધર્મ માણસ માટે ચા જેવી એક આદત માત્ર છે. જીવવા માટે ચા પીવી ફરજીયાત નથી. ચા ન પીનારા મૃત્યુ નથી પામતા; પણ ધર્મને નામે અધર્મનું આચરણ થાય છે ત્યારે ચાના કપમાં દારુ કે લઠ્ઠો પીરસવા જેવી ઘટના બને છે. વીદેશી લોકો કામને જ પુજા ગણે છે. એ કર્મમન્ત્રને કારણે તેઓ ચન્દ્ર પર પહોંચી શક્યા છે. પ્રત્યેક ક્ષેત્રમાં તેમનો હરણફાળ વીકાસ થઈ શક્યો છે. નાસ્તીકો અને ખાસ તો વીજ્ઞાનવાદીઓ વીજ્ઞાન અને ટૅક્નોલૉજી વડે માણસને સુખી કરવાની કોશીશ કરે છે તે સાચી દીશાનું પગલું છે. શ્રદ્ધા એ માણસની અંગત વીચારધારા છે. પણ સમાજમાં સાયન્સ અને ટૅક્નોલૉજી વડે સુખસમૃદ્ધીનો સુરજ ઉગાડી શકાય છે. નાસ્તીકો અન્ધશ્રદ્ધાનો પર્દાફાશ કરે છે તે ઘટના, નગરપાલીકાના માણસો મચ્છરનો નાશ કરવા માટે ડીડીટીનો છંટકાવ કરે તેવી આવકારદાયક બાબત છે. શ્રદ્ધાથી ફંડફાળા ભેગા કરીને ધર્માદા દવાખાના ખોલી શકાય. એટલું જ સુન્દર કામ વીજ્ઞાન વડે થાય છે. શ્રદ્ધાળુઓ દીવસમાં પા અડધો કલાક ઈશ્વરની ભક્તી કરે છે. તેમને થોડીક માનસીક શાન્તી મળે છે. પણ વીજ્ઞાનીઓ રાત દીવસ સંશોધનની સાધનામાં મંડ્યા રહે છે. અને કરોડો લોકો સદેહે ભોગવી શકે તેવી સેંકડો શોધખોળો કરે છે. વીજ્ઞાન માણસની દરેક મીનીટ અને સેકન્ડને સુખમય બનાવવાની કોશીશ કરે છે. આપણે સ્વીકારવું જોઈએ કે એક ભગવાધારી ધર્મગુરુ કરતાં એક સાયન્ટીસ્ટ સમાજને વધુ ઉપયોગી છે. ગુરુ સ્વર્ગનાં સપનાં દેખાડે છે; પણ સાયન્ટીસ્ટો જીવતાજીવત આપણી આસપાસ જ સ્વર્ગ ઉભું કરી આપે છે. મેડીકલ સાયન્સ કીડની, હૃદય, કેન્સર વગેરેની દવા શોધે છે. શ્રદ્ધાના માધ્યમથી કેન્સરનું ઑપરેશન મફત થઈ શકે એવી ધર્માદા હૉસ્પીટલો બન્ધાવી શકાય છે. શ્રદ્ધા હીન્દુ અને મુસ્લીમ માટે જુદા જુદા ધર્મો ઘડે છે. વીજ્ઞાન જ્ઞાતી–જાતીના ભેદભાવ વીના સૌનાં દુઃખો દુર કરવા કમર કસે છે. હીન્દુના ઈંજેક્શનો જુદા અને મુસ્લીમોના જુદા એવો ભેદભાવ વીજ્ઞાનમાં નથી હોતો. આસ્તીકો સર્વધર્મ સમભાવના બણગા ફુંકે છે. વીજ્ઞાન અક્ષરશઃ એ ભાવનાનું પાલન કરે છે. મેડીકલ સાયન્સ માણસનાં સર્વ દુઃખો ઝડપથી દુર કરવાની કોશીશ કરે છે. બલ્બની સ્વીચ પાડો પછી અજવાળા માટે રાહ જોવી પડતી નથી. એનેસ્થેસીયાનું ઈંજેક્શન આપો પછી દરદી બેહોશ થાય તે માટે રાહ જોવી પડતી નથી. પણ શ્રદ્ધાના આયુર્વેદીક ઉપાયની અસર મોડી થાય છે. (મોટે ભાગે તો થતી જ નથી અથવા થયેલી દેખાય તો તે માત્ર અકસ્માત અથવા આભાસમાત્ર હોય છે) શ્રદ્ધાળુઓ માને છે કે આ ભવમાં પુણ્ય કરો તો આવતા જન્મે તેનું ફળ મળે છે. આવતો જન્મ કોણે જોયો? પુર્વજન્મ કે પુનર્જન્મની એક પણ સત્યઘટના સમાજ સમક્ષ આવી નથી. (એક સુવીખ્યાત મેગેઝીનમાં એકવાર એક બાળકને પુર્વજન્મ યાદ હોવાની ઘટના છપાઈ હતી; પરન્તુ ‘સત્યશોધક સભા’એ તે બાળકના માતાપીતાની મુલાકાત લેતાં આખી વાત બોગસ હોવાનું જાણવા મળ્યું હતું)
તાત્પર્ય એટલું જ કે શ્રદ્ધા અને સાયન્સ બન્ને નીર્જીવ માધ્યમો છે. તે સ્વયંસંચાલીત યન્ત્રોની જેમ એકલે હાથે કશુ કરી શકતાં નથી. માણસે વીવેકબુદ્ધીથી એનો ઉપયોગ કરવાનો હોય છે. બન્નેનાં સારાં નરસાં પરીણામનો આધાર માણસ એનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પર રહેલો છે. તમારી પાસે સ્કુટર હોય; પણ ચલાવતાં ન આવડે તો પગોને સુખ આપી શકાય નહીં. ઘરમાં પંખો છે; પણ તે સ્વીચ ઓન કરવાથી ચાલુ થઈ શકે એ વાત તમે નહીં જાણતા હો તો તમારે ગરમી સહન કરવી પડશે. તમારી પાસે રીવોલ્વર હોય; પણ બહારવટીયા આવે ત્યારે તમે નાળચું તમારા તરફ રાખી ફાયર કરો તો ધાડપાડુને બદલે તમારો જીવ જશે. ફરીફરી સમજાય છે કે દેશની દરેક સારીનરસી ઘટનામાં કોંગ્રેસનો પંજો નહીં; માણસનો હાથ રહેલો છે. ભાજપનું કમળ નહીં; માણસનું કર્મફળ ભાગ ભજવે છે. દારુગોળો એની જાતે નથી ફુટતો. બન્દુકો એની મેળે ગોળીબાર નથી કરતી. બોમ્બ સ્વયં જામગરી સળગાવીને હજારોની હત્યા કરતો નથી. વીશ્વની, સમાજની કે શેરીની શાન્તી માટે શ્રદ્ધા અને વીજ્ઞાન તો કેવળ રૉ–મટીરીયલ છે. માણસની મદદ વગર તે એકલે હાથે યુદ્ધ કે શાન્તી ઉભી કરી શકતાં નથી. માણસ આટલું સમજી લે તો વીશ્વશાન્તી માટે યજ્ઞો કરવાની જરુર ના રહે. તાત્પર્ય એટલું જ કે : ‘ઈન્સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્સાન કા… ઉસકે બાદ હી પન્ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’
ધુપછાંવ
સંસારના સુખદુઃખનો આધાર ભગવાન પર નહીં ઈન્સાન પર રહેલો છે. માણસો હૉસ્પીટલો બનાવે છે અને માણસો જ હાથ બોમ્બ બનાવે છે. માણસો દયા કરે છે અને માણસો જ હત્યા કરે છે. ઉપર જાઓ તો ઈશ્વરનો ચોપડો ચેક કરજો. બાબરી મસ્જીદ તુટી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર તુટયું, કે બોમ્બ બ્લાસ્ટ થયા એમાંના એક પણ ઑર્ડર નીચે ભગવાનની સહી છે ખરી ?
– દીનેશ પાંચાલ
No comments:
Post a Comment