
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
6 September 2015
વિરામમાં વ્યસ્તતા !
વિરામમાં વ્યસ્તતા !
વિરામમાં વ્યસ્તતા !
એક વર્ષ બાદ જેની રાહ જોવાય તે જુલાઈ અથવા ઓગષ્ટ મહિનો. આ બે મહિનામાં બધા વારા ફરતી વેકેશન માણી લે. આના લીધે કંપનીમાં પણ કામ કરવાના કલાકો વધી જાય. ચેક ઇન કરીને ફ્લાઈટમાં બેસીએ ત્યારે વતન અને તેના સ્મરણો વાગોળતા હૈયું હરખાય. મારા માટે આ વખતે ફ્લાઈટમાં બેઠા બેઠા ઓછા દિવસોમાં વધુને વધુ કામ કેમ પતાવવું અને વધુમાં વધુ લોકોને મળી શકાય તેવાજ વિચાર કર્યા. ઓફિસમાં બધાની વિશ લઈને નીકળ્યો કે બોસ મળી ગયા. વિશ સાથે મને કહ્યું કે આ વેકેશનમાં ક્યાંય ફરવા જવાના કે ? ના માંજ જવાબ આપીને હું નીકળી ગયેલો.
મિત્રો વધુ તમને બોર ના કરતા એક વાત જરૂર ટાંકીશ કે જયારે પણ હું કોઈ બ્લોગરને મળું ત્યારે હિસ્ટરી બને છે. આ વખતે હું સૌના પ્યારા એવા મૌલિક રામી ને મળ્યો. મૌલિક રામી વિષે લખું તો કદાચ એક નવલકથા બની જાય પણ એટલું જરૂર કહીશ કે ચારેક કલાક તેમની સાથે વિતાવેલા, એમાં ખોબે ખોબે વાતો કરી;જાણે બંને વર્ષોના મિત્રો હોઈએ ! તેમને મળ્યા બાદ ખુબ હર્ષ થયો કે એકદમ વ્યસ્ત હોવા છતાં પણ અડધા દિવસનો સ્લોટ તેમના માટે ફાળવીને હું ધન્ય બન્યો છું. એક અફસોસ રહી ગયો કે પહેલી મુલાકાતને કચકડે કંડારી ના શક્યો. કારણ પણ નાજુક હતું; કહેવાય કે વાતોના વડામાં પાણી પીવાનું ભૂલી ગયા. આ લખતા લખતા પણ તેમની નમ્રતા મારી આંખો સમક્ષ તરી રહી છે. અને સૌથી વિશેષ વાત તો એ બની કે તેમની સહાય થી વી.ટીવી ચેનલમાં અમારી ફિલ્મ ટીમના ઈન્ટરવ્યું પણ ગોઠવી આપ્યા. એક નવો મિત્ર મળ્યાનો આનંદ હૈયે ધરબી દીધો.
મારી ગુજરાતી ફિલ્મ ALWAYS રહીશું સાથે ના એડીટીંગમાં હું અને ડીરેક્ટર યુવરાજ જાડેજા એટલા વ્યસ્ત હતા કે કયારેક વડાપાંવ ખાઈને ચલાવી લેતા. મુખ્ય વાત કહું તો આ ટ્રીપમાં ચાર ઈન્ટરવ્યું થયા. જેમાં અગ્રેસર ન્યુઝ પેપર માટે, બીજું વી.ટીવી. ચેનલ માટે ત્રીજું સીનેમેજીક મેગેજીન માટે અને ચોથું ગુજરાતી ચેનલ માટે. આ બધા પબ્લીશરો અને બ્રોડ કાસ્ટિંગ સાથે સંકળાયેલ ઓફિસરોનો ખુબ ખુબ આભાર. મિત્રો ખુબ રસ લઈને ફિલ્મ માટેના સમાચાર વાંચતો કે ચેનલ જોતો વ્યક્તિ પોતાને જુએ કે પોતાનો ઈન્ટરવ્યું વાંચે ત્યારે કેટલો હરખાય તે આપ સૌ સમજી તો શકો જ !
અને છેલ્લી વાત એ ટાંકીશ કે, ફિલ્મ રામ-લીલા હિન્દી ફિલ્મમાં ગીત ગાઈને પ્રખ્યાત બની ગયેલા સિંગર એવા શ્રી ઓસમાણ મીર સાથે મુલાકાત થઇ. અમારી ફિલ્મમાં એક ગઝલ ફ્લેવર સાથેનું ગીત રેકોર્ડીંગ દરમ્યાન એમની સાથે થયેલ મુલકાત પણ એટલીજ યાદગાર રહી. વગર સંગીતે એમને સાંભળ્યા ત્યારે માની ગયો કે એમજ કઈ સિંગર બની જવાતું નથી.
જ્યારે કૃષ્ણ અવતાર લે છે…અલબત્ત, સિરિયલમાં!
જ્યારે કૃષ્ણ અવતાર લે છે…અલબત્ત, સિરિયલમાં!
(આ લેખ તા. ૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં પ્રસિદ્ધ થયો છે.)
આવતીકાલે જન્માષ્ટમી! ભગવાન કૃષ્ણનો જન્મદિન. આવતીકાલે જાણે આખું વિશ્વ ગોકૂળમય થઈ જશે અને મધરાત્રે ભગવાનના પ્રાગટ્યની આતુરતાથી રાહ જોશે. સિરિયલોમાં પણ ભગવાન કૃષ્ણના જન્મદિનને ધામધૂમથી મનાવાશે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના બુધવાર (તા.૨ સપ્ટેમ્બર ૨૦૧૫)ના એપિસોડમાં રક્ષાબંધનની વાત પૂરી થઈ ગઈ અને હવે માધવી ભીડે તેમજ ટપુ સેના ગોકુળધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેને સસ્પેન્સવાળો સવાલ પૂછીને ચીડવે છે કે તમે કંઈક ભૂલી રહ્યા છો. અને ભીડેના મગજમાંથી જન્માષ્ટમીની વાત ભૂલાઈ ગઈ છે તેવું દેખાડાશે.
સામાન્ય રીતે દહીહાંડી અથવા મટકી ફોડનો કાર્યક્રમ બતાવાતો હોય છે, પરંતુ આ વખતે ‘તારક મહેતા..’માં જુદું કઈ રીતે દેખાડાય છે તે જોવાનું રહેશે. ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’ સિરિયલમાં તો ઓલરેડી જન્માષ્ટમી મનાવાઈ પણ ગઈ! ઘણી વાર સિરિયલોના એપિસોડ આગળપાછળ થતા હોય છે એટલે બરાબર તહેવારની આજુબાજુ જ એપિસોડ આવે તેવું બનતું નથી. ‘અશોક’માં રાણીઓએ પોતપોતાની મટકી તૈયાર કરવાની હતી અને તેમનાં સંતાનોને કહેવાનું નહોતું કે કઈ મટકી તેમની માતાની છે. રાજા બિંદુસારે પોતે પણ માખણ કાઢવાનું નક્કી કર્યું હતું. પણ તેને કાઢતા આવડતું નહોતું એટલે અશોક તેની માતા જે અત્યારે દાસી ધર્મા બની છે તેને લઈ આવે છે. ધર્મા બિંદુસારને માખણ કાઢતા શીખવાડે છે.
હવે બિંદુસારની ચોથી પત્ની છે તે તો જાહેર થઈ ગયું છે, પણ તે કોણ અને ક્યાં છે તે બિંદુસારને પણ ખબર નથી. તેમ છતાં માટલી ટીંગાડવાની હોય તેમાં ત્રણ રાણીઓનાં ત્રણ માટલાંની સાથે ચોથું માટલું પણ ટીંગાડાયેલું હોય છે. મોટી રાણી ચારુમિત્રાનો દીકરો સુસીમ, જે હંમેશાં ખટપટ જ કરતો હોય છે તે તેની માતા પાસેથી ઈશારાથી જાણવા પ્રયાસ કરે છે પરંતુ નૂર જોઈ જાય છે અને તે તેને અટકાવે છે. આ તરફ અશોક સેનાપતિ મીરને ફસાવવા જતા ખોટો માર ખાય છે તેથી તેને બહુ દર્દ થતું હોય છે. તેમ છતાં તે મટકીફોડ કાર્યક્રમમાં આવે છે. તેના મિત્ર અને રાજકુમાર શ્યામકને એમ કે અશોક તેની મદદ કરશે પરંતુ અશોક કહે છે કે હું આ કાર્યક્રમમાં ભાગ લેવાનો નથી.
શ્યામક તેની રીતે ચડવા જાય છે, અને પડે છે, પરંતુ અશોક તેને પકડી લે છે અને પછી પોતાને દર્દ થતું હોવા છતાં તેના ખભા પર શ્યામકને બેસાડીને પોતે ચડે છે અને શ્યામકના હાથે માટલી ફોડાવે છે.
આ તો થઈ ઉજવણીની વાત. હવે આપણે કરીએ ભગવાન કૃષ્ણની વાત. હા, હવે ટેલિવિઝન સિરિયલોમાં ભગવાન કૃષ્ણ આવવા લાગ્યા છે. આપણને ‘ઓહ માય ગોડ’ ફિલ્મની તો ખબર જ છે. તેમાં કૃષ્ણ (અક્ષયકુમાર) પોતે ધરતી પર આવીને કાનજીભાઈને સાચો ધર્મ શીખવાડે છે અને કેસ જીતવામાં મદદ કરે છે. આ જ રીતે આ ફિલ્મમાં કાનજીભાઈનો સહાયક બનેલો તે કલાકાર નિખિલ રત્નપંખી ‘કૃષ્ણ કન્હૈયા’માં કન્હૈયાલાલ ગુપ્તા બન્યો છે. કન્હૈયાલાલ ગુપ્તાનું પાત્ર કાનજીભાઈ જેવું જ છે. તે પાકો વેપારી છે. તેને પૂજાપાઠ, ધર્મ ધ્યાનમાં શ્રદ્ધા નથી. પરંતુ એક વાર તેની દીકરીની ફી માટે તે મંદિરની દાનપેટીમાંથી ૫૦ હજાર રૂપિયા ચોરે છે. તે પછી તેને અજાણી વ્યક્તિનો ફોન આવવા લાગે છે અને તેમાં બોલનાર એમ જ કહે છે, “કન્હૈયાલાલ…ચો..ર”. કન્હૈયાલાલને આશ્ચર્ય થાય છે કે તેણે કરેલી ચોરીની વાત કોને ખબર પડી ગઈ? પેલી વ્યક્તિ તેને લાલ કિલ્લા પર બોલાવે છે. ત્યાં જાય છે તો સૂટબૂટમાં પણ વાંસળી સાથે એક વ્યક્તિ હોય છે. કન્હૈયાલાલ પૂછે છે તો તે કહે છે કે “હું કૃષ્ણ છું.” કન્હૈયાલાલ કહે છે, “જાવ જાવ, હવે કંઈ સૂટ બૂટમાં થોડા ભગવાન હોય.”
એટલે કૃષ્ણ કહે છે કે “હું કેમ સૂટબૂટ ન પહેરી શકું?” પછી કન્હૈયાલાલને તેઓ જણાવે છે કે તેઓ તેના પ૦ હજાર લેવા આવ્યા છે. સામે કન્હૈયાલાલ પણ શરત મૂકે છે કે તે તેના પૈસા દેશે પણ તે એક સવાલ પૂછશે અને ભગવાન તેનો જવાબ આપશે એટલે સો રૂપિયા આપશે.
આ સિરિયલમાં જે સવાલો પૂછાય છે તે આજના જીવન સાથે સંલગ્ન છે. જેમ કે, “લોકો રોજ તમને બોલાવે છે. તમે કહ્યું છે કે તમે સજ્જનોના રક્ષણ માટે અવતાર લેશો. તમે લોકોની તકલીફ દૂર કરવા કેમ આવતા નથી?” “ભગવાન, તમે આ ધર્મગુરુઓ અને બાબા કેમ બનાવ્યા?” “આટલા બધા ધર્મો કેમ છે?”, “નબળા માણસની સાથે જ કેમ અન્યાય, તેને જ કેમ દબાવાય છે?” “સાચા મિત્રની ઓળખ કેમ કરવી?”
કૃષ્ણ ભગવાન આ બધા સવાલોના જવાબ સીધા આપવાના બદલે કન્હૈયાલાલને કંઈક એવું કરવાનું કહે છે જેના કારણે શરૂઆતમાં તો કન્હૈયાલાલને લાગે છે કે આ તો મને ઊંધું જ કરવાનું કહ્યું, પરંતુ પછી તેને પોતાને જ જવાબ મળી જાય છે. દા.ત. તેના દીકરા નટીની સોબત મોટા ઘરના બગડેલા છોકરાઓ સાથે થઈ. તેમાંથી એક છોકરો નટીની બહેન સાથે લફરું કરવા માગતો હતો. કન્હૈયાલાલ નટીને ના પાડી દે છે કે તેણે આવા છોકરાઓની સોબત કરવી નહીં. તેના કારણે ઘરમાં અશાંતિ થઈ જાય છે. કન્હૈયાલાલ કૃષ્ણને પૂછે છે કે સાચો મિત્ર કોણ તે ખબર કેવી રીતે પડે? તો કૃષ્ણ ભગવાન જવાબ આપવાના બદલે કહે છે કે “તું એક કામ કર. નટીના દોસ્તો સાથે દોસ્તી કરી લે. તેમના જેવી ભાષા, હાય બ્રો, યો, ડ્યુડ, કૂલ વગેરે શીખી લે. તેમની સાથે ડિસ્કોથેકમાં જા.” કન્હૈયાલાલને પહેલાં અજુગતું લાગે છે, પરંતુ તે તેમ કરે છે. બાદમાં કંઈક એવું બને છે કે કન્હૈયાલાલને સમજાય છે કે હાય બ્રો, યો, ડ્યુડ, કૂલ જેવી ભાષા બોલનારા બધા લોકો ખરાબ નથી હોતા.
એક હપ્તામાં કન્હૈયાલાલ કૃષ્ણને પૂછે છે કે શક્તિશાળી માણસ કેમ નાના માણસને દબાવે છે? તો કૃષ્ણ ભગવાન કહે છે કે તેં શાકભાજીવાળાની સાથે પૈસા બાબતે માથાકૂટ કરી, રિક્ષાવાળાની સાથે પૈસા બાબતે માથાકૂટ કરી, પણ મોટી દુકાનો-મોલમાં ક્યારેય તેં રકઝક કરી? કન્હૈયાલાલ કહે છે કે આ દુનિયા એક લાઇન છે. તેમાં બધા ઊભા છે. પાછળથી એક ધક્કો આવે છે એટલે તેની આગળ ઊભેલી વ્યક્તિને લાગે છે. તેનો ધક્કો તેની આગળ ઊભેલી વ્યક્તિને લાગે છે. તેમ કરતાં કરતાં છેક આગળ ઊભેલી વ્યક્તિને ધક્કો લાગે છે. કૃષ્ણ ભગવાન ત્યારે સરસ વાક્ય કહે છે, પણ તું આગળ ધક્કો પસાર ન થવા દે. તારા સુધી જ રોકી લે તો?
આમ, આ સિરિયલમાં કૃષ્ણ ભગવાન કન્હૈયાલાલને જવાબ આપવા જે કંઈ કરવાનું કહે છે તેનાથી કોમેડી તો સર્જાય જ છે, પરંતુ સાથે સાથે જીવનનું માર્મિક સત્ય- ગીતાનો ઉપદેશ સરળ રીતે કહી દેવામાં આવે છે.
ઈ ટીવી ગુજરાતી (જે હવે કલર્સ ગુજરાતી) તરીકે જાણીતી છે. તેના પર પણ આવી જ એક સિરિયલ આવે છે જેનું નામ છે ‘કાન્હો બન્યો કોમનમેન’. તેમાં ગોપાલ નામનો યુવાન અકસ્માતમાં મરી જાય છે, પરંતુ તે તેનું મૃત્યુ સ્વીકારવા તૈયાર નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે મૃત્યુ તેના કર્મનું પરિણામ છે. ગોપાલ ભગવાન કૃષ્ણને પડકાર આપે છે કે તેઓ એક જ દિવસ, માત્ર એક જ દિવસ પૃથ્વી પર રહી બતાવે અને પ્રમાણિક રહીને બીજાનું ભલું કરી બતાવે. ભગવાન કૃષ્ણ ગોપાલ બનીને પૃથ્વી પર આવે છે.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બનાવનાર નિર્માતા આસીતકુમાર મોદીની અગાઉ સ્ટાર પ્લસ પર એક સિરિયલ આવતી હતી ‘સારથિ’. તેમાં મહાભારતનાં પાત્રો હતા. વાર્તા આધુનિક હતી. પરંતુ પાત્રો બધા મહાભારતના પાત્રોના નામ અને તેમના જેવા ગુણો પરથી. તેમાં પણ કૃષ્ણનું પાત્ર હતું.
આમ, એક રીતે એવું કહી શકાય કે ભગવાન ભલે સદેહે પૃથ્વી પર અવતાર લે કે ન લે, પણ સિરિયલોમાં અવતાર લે છે અને તે પણ આધુનિક પરિવેશમાં અને તેના દ્વારા આધુનિક પ્રશ્નોના આપણને જવાબ આપી રહ્યા છે. આપણા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બનીને આપણી મુશ્કેલીઓ દૂર કરી રહ્યા છે.
તો બોલો જય કન્હૈયાલાલ કી.
રિયાલિટી શો માટેના ભારતીય આઇડિયા
રિયાલિટી શો માટેના ભારતીય આઇડિયા
(આ લેખ ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ‘ટેલિ ટોક’ કૉલમમાં તા. ૨૮ ઑગસ્ટ ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયો.)
‘કૌન બનેગા કરોડપતિ’ હોય કે ‘બિગ બોસ’, ‘સચ કા સામના’, ‘ઇન્ડિયા હેઝ ગોટ ટેલન્ટ’, ‘ઇન્ડિયન આઇડોલ’, ‘ઇસ જંગલ સે મુઝે બચાઓ’, ‘કમઝૌર કડી કૌન’, ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?’, ‘ફીયર ફેક્ટર ખતરોં કે ખિલાડી’ હોય કે ‘ઝલક દિખલા જા’, આપણા હિન્દી રિયાલિટી શોમાંના મોટા ભાગના વિદેશી રિયાલિટી શોની બેઠી કોપી હોય છે. વિદેશના હોવાથી ત્યાંની સંસ્કૃતિ (અથવા કહો કે વિકૃતિ) મુજબ તેને ઢાળવામાં આવ્યા હોય છે. તેને અહીંના રીતરિવાજો, પસંદગી, પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવા જોઈએ, પરંતુ ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા અપવાદ (અને તે પણ અમિતાભને કારણે, શાહરુખવાળી સિઝન તો નબળી હતી)ને બાદ કરો તો બહુમતી શોને જેમના તેમ અપનાવવામાં આવ્યા. વિવાદ સર્જવામાં આવ્યા. લફરાં બતાવવામાં આવ્યાં. ઓછાં (અથવા ટૂંકા) કપડાંમાં સેલિબ્રિટીઓને બતાવવામાં આવી.
શું આપણે ત્યાં મૌલિક વિચારવાળા લોકોની કમી છે? શા માટે મસમોટી રકમ દઈને વિદેશી શોના કોપીરાઇટ ખરીદવામાં આવે છે? આવું ગાંડપણ કેમ ટીવી ચેનલો અને નિર્માતાઓને ઉપડ્યું છે? જેમ કેટલીક સિરિયલો મૌલિક વાર્તા (અહીં મૌલિક એટલે જે વિદેશી સિરિયલની કોપી નથી) પરથી બનાવાય છે, તેમ શું રિયાલિટી શો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ન બનાવી શકાય? જો નિર્માતાઓ પાસે આઇડિયાની કમી હોય તો આ રહ્યા કેટલાક આઇડિયા:
૧. બોડી વિથ બ્રેઇન: સજ્જ વિદ્યાર્થીઓ
વર્ષો પહેલાં દૂરદર્શન પર એક શો આવતો. નામ તો વિસરાઈ ગયું છે. તેમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા. તેમણે સૈનિકોની તાલીમ હોય તેવી આકરી કસોટીઓ આપવી પડતી, જેમ કે પૂલ પર લટકાતા પસાર થવાનું, કોણી પર સૂતાસૂતાં આગળ વધવાનું, કૂદકા મારતા આગળ જવાનું અને તેમાંય કયો વિદ્યાર્થી સહુથી પહેલાં આ બધી કસોટી પાર કરે છે તે જોવાતું. પછી માઇન્ડ ગેમના રાઉન્ડમાં ઓબ્ઝર્વેશન સહિતનો માઇન્ડ ટેસ્ટ કરાતો. જેમ કે કોઈ ફિલ્મનું દૃશ્ય બતાવી તે અંગે સવાલો પૂછે કે એ દૃશ્યમાં રૂમમાં કેટલી બારી હતી? આવો શો ફરી બને તો જરૂર હિટ રહે અને જોનારાને પણ બોડી માટે જુસ્સો ચડે અને તેમનો ઓબ્ઝર્વેશન પાવર પણ વધે.
૨. તાથૈયા થૈયા: ક્લાસિકલ ડાન્સ પર શો
આપણે ત્યાં અનેક મહાન ક્લાસિકલ ડાન્સ છે. અને પ્રદેશે-પ્રદેશે આવા ડાન્સ જોવા મળે છે. પહેલાં દૂરદર્શનનો જમાનો હતો ત્યારે રાતે ૧૦.૩૦ કે ૧૧ વાગ્યે ક્લાસિકલ ડાન્સના પ્રોગ્રામ આવતા અને તે જોવાની મજા પડતી. તે નૃત્યનાટિકામાં વાર્તા પણ જાણવા મળતી. ડાન્સરનો પરિચય આપતી વખતે એનાઉન્સર બોલતી, “આપ લખનઉ સે હૈ, આપને પં. બિરજુ મહારાજ સે કથ્થક કા પ્રશિક્ષણ લીયા હૈ…”. આપણે ત્યાં કેટલા બધા ક્લાસિકલ ડાન્સ છે: કથ્થક, ભરતનાટ્યમ્, કથકલી, કુચીપુડી, મણિપુરી, મોહિનીયટ્ટમ, ઓડિસી. શું આ બધા ડાન્સનો રિયાલિટી શો ન બની શકે? અત્યારે જે કોઈ ડાન્સ આવે છે તે મોટા ભાગના વિદેશી (તેમાંય મોટા ભાગે પાશ્ચાત્ય) ડાન્સ હિપ હોપ, સાલસા, રોક એન રોલ હોય છે. તેમાં વધુ તો રિધમ અને મૂવમેન્ટ જ હોય છે. ચહેરાના હાવભાવનું મહત્ત્વ નહીંવત્ હોય છે. જ્યારે ભારતીય નૃત્યોમાં ભાવઅંગિમાનું મહત્ત્વ હોય છે. ખરેખર તો ક્લાસિકલ ડાન્સમાં પણ અનેક ફાંટા અને ઘરાના છે. તો, એક નૃત્યને પણ લઈને પણ જો રિયાલિટી શો બનાવવામાં આવે તો પણ શો સારો બની શકે.
૩. યે બોડી મસ્ત હૈ: બોડી બિલ્ડિંગની સ્પર્ધા
કંઈ એવું જ નથી કે જિમમાં જઈએ તો જ બોડી બને. પહેલાંના સમયમાં ક્યાં જિમ હતા? લોકો અખાડામાં જઈને બાવડાં બનાવતાં જ હતા ને. આવા શોના એક સેક્શનમાં સૂર્યનમસ્કારની સ્પર્ધા રાખી શકાય. કોણ વધુ સૂર્યનમસ્કાર કરી શકે છે? બીજા શોમાં કોણ વધુ દંડ બેઠક કરી શકે છે તેવું રખાય. તો ત્રીજા સેક્શનમાં વેઇટ લિફ્ટિંગ જેવું કંઈક રાખી શકાય. આ તો પ્રાથમિક વિચાર છે. તેને વધુ ડેવલપ કરાય તો શો જરૂર હિટ બને અને યુવાનો પણ મોંઘા જિમ પાછળ પૈસા બગાડવાના બદલે આ રીતે ઘરે બેઠા શરીર કસવા પ્રેરાઈ શકે.
૪. ૧૨. વાર્તાકથન
સારી રીતે વાર્તા કહેવી એ એક કળા છે અને આગળ જતાં તે માર્કેટિંગ કે સેલ્સ જેવા વ્યવસાય માટે ઉપયોગી સાબિત થઈ શકે. સ્વાભાવિક છે કે આવા શોમાં બાળકો હોવાનાં. પણ જો ફલક વિસ્તારવું હોય તો યુવાનો કે તેથી મોટા લોકો તેમણે વાંચેલી સારી વાર્તા દા. ત. રવીન્દ્રનાથ ટાગોર કે ટોલ્સટોય વગેરેની ટૂંકમાં કહી શકે. શોના એક રાઉન્ડમાં શીઘ્ર કવિતા કે શીઘ્ર વાર્તા લખવાની સ્પર્ધા પણ રાખી શકાય.
૫. હમ સાથ સાથ: બીજા પરિવારમાં રહેવા જવું
આપણે ત્યાં મિલનસાર સ્વભાવ ઘટતો જાય છે. એકલતા અને વ્યક્તિવાદ આવતો જાય છે. પહેલાં તો પ્રવાસમાં પણ કોઈ બાજુમાં બેઠું હોય તો તેની સાથે પરિચય કેળવાઈ જતો (‘જબ વી મેટ’ની જેમ). આપણે જમતા કે નાસ્તો કરતા હોય તો તેને ઓફર કરતા. પરંતુ હવે આવું નથી રહ્યું. પરિવારમાંય એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ છે. નાની નાની વાતે અહંકાર ટકરાય છે. રોડ પર કોઈ સાઇડ ન આપે તોય આપણે તેના પ્રત્યે ઉકળી ઊઠીએ છીએ. તો એવો કોન્સેપ્ટ વિચારી શકાય જેમાં સ્પર્ધકે એક પરિવારમાં રહેવાનું હોય? અને તે જેટલો વધુ એડજસ્ટ થઈને રહે તેટલા તેને વધુ માર્ક મળે. આમાં તેના ઝઘડા નહીં બતાવવાના. તો તો પાછો આજના રિયાલિટી શો જેવો જ બની જાય.
૬. કિચન કિંગ મહિલાઓ
ફૂડ ચેનલો પર અને બાકી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો પર પણ રસોઈના રિયાલિટી શો આવે જ છે, પરંતુ આ શોમાં પરંપરાગત વાનગીઓ બનાવવાનું જે જાણતા હોય તેને વધુ માર્ક મળે. આનાથી લુપ્ત થતી જતી પ્રાદેશિક પરંપરાગત વાનગીઓને તો ઉત્તેજન મળશે જ, સાથે આવાં જે હોટલ કે રેસ્ટોરન્ટ હોય તેની જાહેરખબરો પણ મળી શકે.
૭. પધારો મ્હારે દેશઃ લોકગીતોનો શો
પ્રાદેશિક ચેનલો પર આવા શો આવે છે જેમ કે ઈ ટીવી ગુજરાતી (હવે કલર્સ ગુજરાતી) પર કીર્તિદાન ગઢવી દ્વારા સંચાલિત ‘લોકગાયક ગુજરાતી’ શો આવતો હતો. પરંતુ આવા શોના લીધે લોકગીતો જે-તે પ્રદેશ પૂરતા જ સીમિત રહે. એક વિકલ્પ એ ખરો કે તમે બીજી ભાષાની પ્રાદેશિક ચેનલ પર આવા શો આવતા હોય તો તે જોઈ શકો, પરંતુ શા માટે આ જનરલ એન્ટરટેઇનમેન્ટની શ્રેણીમાં આવતી ચેનલ પર પ્રાદેશિક ગીતો આધારિત શો ન આવે? વર્ષો પહેલાં ગજેન્દ્રસિંહના સોનુ નિગમ સંચાલિત ‘સારેગમપ’માં એક વિભાગમાં સ્પર્ધકે લોકગીત ગાવું પડતું હતું, પણ એ એક વિભાગ પૂરતું જ મર્યાદિત હતું. જો આવો કોઈ શો થાય તો પ્રદેશે-પ્રદેશનું સંગીત અને તેના શબ્દો માણવાની મજા પડી જાય, પછી ભલે એ શબ્દોના અર્થ ન સમજાય. અને હા, જો તેની સાથે તેના ભાષાંતરની રીતે હિન્દીમાં કે અંગ્રેજીમાં સબટાઇટલ મૂકાય તો તો ઓર મજો પડી જાય.
૮. પરંપરાગત બાબતોની સ્પર્ધા
પરંપરાગત કેટલીક બાબતો વિસરાઈ રહી છે. દા. ત. સાડી પહેરતાં ઘણી યુવતીઓને નહીં આવડતું હોય. તો સ્પર્ધામાં એવું રાખી શકાય કે કોણ ઝડપથી સાડી પહેરી શકે છે. કે પછી કયો યુવાન ઝડપથી ધોતિયું પહેરી શકે છે. લગ્નના રિવાજો કયા કયા છે, તે અંગે કોણ વધુ જાણે છે? ઘરમાં મંદિર કયા ખૂણામાં હોવું જોઈએ, શિવના મંદિરમાં નંદી ગર્ભગૃહની અંદર હોય કે બહાર આવા પ્રશ્નો પૂછી શકાય. આવા બીજા રિવાજો વિશે પણ સ્પર્ધા રાખી શકાય.
૯. ભારતીય ગ્રંથો પર ક્વિઝ શો
આ લેખક જ્યારે આઠમા ધોરણમાં હતો ત્યારે તેણે નાનાભાઈ ભટ્ટના પુસ્તક ‘મહાભારતનાં પાત્રો’ પર આધારિત ભાવનગરના આંતર શાળા ક્વિઝ શોમાં ભાગ લીધો હતો. આનો ફાયદો એ થયો કે મહાભારત લગભગ મોઢે થઈ ગયું. ભારતીય ગ્રંથો પર આવો કોઈ ક્વિઝ શો શા માટે ન રાખી શકાય? તેમાં રામાયણ, મહાભારત, ગીતા, શિક્ષાપત્રી, ગુરુગ્રંથ સાહિબ, કુરાન, બાઇબલ જેવા ગ્રંથોનો સમાવેશ કરી શકાય. હિન્દુ સ્પર્ધકોને હિન્દુ ગ્રંથો વિશે પૂછવાનું, હિન્દુ ઇતર સ્પર્ધકોને તેમના પંથ-સંપ્રદાયનાં પુસ્તકોને લગતા સવાલો પૂછી શકાય.
૧૦. લોકકળા પર આધારિત શો
ભારતમાં પ્રદેશે-પ્રદેશે લોકકળાનું વૈવિધ્ય વિપુલ પ્રમાણમાં છે. આદિવાસીઓની કળા, કચ્છની ભરતગૂંથણની કળા, કેરળની માર્શલ આર્ટ કલરિપયટ્ટુ, ગુજરાતના ગરબા, બેડા નૃત્ય, આ બધા પર આધારિત એક શો ન બનાવી શકાય? ઇન્ડિયા હેઝ ગોટ ટેલન્ટમાં ભારતીય કળાના ચમકારા જોવા મળી જાય છે, પરંતુ તેમાં બીજા દેશોની કળાની ઘૂસણખોરી પણ થઈ જાય છે.
૧૧. શાસ્ત્રીય સંગીતનો શો
કમનસીબે આપણે ત્યાં સારી વસ્તુ છે તેની મજાક બનાવી દેવામાં આવે છે. કોઈ યુવાને શિખા (ચોટલી) રાખી હશે તો તેની મજાક ઉડાવાશે. કોઈ શુદ્ધ હિન્દી બોલશે તો તેની મજાક ઉડાવાશે. પણ જે ધર્મ-સંપ્રદાયો ઉગ્ર છે તેમની મજાક ઉડાવવાની હિંમત કોઈ નહીં કરે. આવું જ શાસ્ત્રીય સંગીત બાબતે થઈ ગયું છે. શાસ્ત્રીય સંગીત એટલે માત્ર ‘આ…આ…આ..’ એવું નથી. શાસ્ત્રીય સંગીત એટલે શાંતિ-શાતા આપનારું સંગીત. એમાંય સેંકડો રાગ-રાગિણીઓ. તેનો શો જરૂર હિટ રહે. તેમાં જજ જે રાગ કહે તે રાગનું ગીત ગાવાનું. કોઈ રાગનું ગીત સંભળાવે તો તે રાગ ઓળખવાનો. કોઈ ગીત હોય તેની સરગમ કહી બતાવવાની. આવું તો ઘણું બધું આ શો માટે વિચારી શકાય. દૂરદર્શન પર તાજેતરમાં ‘નાદભેદ’ નામનો એક આવો જ શો આવ્યો હતો. પરંતુ હવે એક પ્રશ્ન એ છે કે દૂરદર્શન તેના શોનું માર્કેટિંગ કરતું નથી. તેથી આવા શોની જાણ થતી નથી. આ જ રીતે શાસ્ત્રીય સંગીતના વાદનનો શો પણ રાખી શકાય.
૧૨. દેશી રમતોનો શો
આપણે ત્યાં કબડ્ડીનો શો ચાલુ થયો છે તે આનંદની વાત છે. પણ આ સિવાય ઘણી રમતો છે. તે એક-એક રમતોને લઈને પણ એક-એક શો બનાવી શકાય અથવા તેમાંની કેટલીક રમતોને એક જ શોમાં વણી લઈ શકાય. એક જ શોમાં વણવી હોય તો પહેલા રાઉન્ડમાં અમુક રમત, બીજા રાઉન્ડમાં બીજી રમત એમ રાખવાની. દા. ત. સંગીત ખુરશી, ખો, નારગેલ, આંધળોપાટો, લંગડી, હોડી રેસ, બળદ દોડ, આંબલીપીપળી…વિચારવા બેસો તો આવી ઘણી રમતો યાદ આવશે. પ્રદેશે-પ્રદેશે પણ પરંપરાગત રમતોનું વૈવિધ્ય છે જ.
આદેશ શ્રીવાસ્તવનાં યાદગાર ટોપ ટેન ગીતો
આદેશ શ્રીવાસ્તવનાં યાદગાર ટોપ ટેન ગીતો
ગત રાત્રે ૧૨.૩૦ વાગે કેન્સરના કારણે મુંબઈમાં નિધન પામેલા આદેશ શ્રીવાસ્તવે ૧૦૦ કરતાં વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે છેલ્લી ફિલ્મ ગઈ કાલે રજૂ થયેલી ‘વેલકમ બેક’ બની રહેશે.
તેમણે અમિતાભ બચ્ચન, શાહરુખ, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી વગેરે સુપરસ્ટારોની ફિલ્મોને પોતાના સંગીતથી કર્ણપ્રિય બનાવી હતી. તેમનાં કેટલાંક લોકપ્રિય ગીતો આ મુજબ છે:
૧. ચલી ચલી ફિર ચલી: અમિતાભની બીજી ઇનિંગ્સમાંની સુપરહિટ ફિલ્મો પૈકીની એક ‘બાગબાં’નું આ ગીત બે રિધમમાં ગવાય છે. એક અમિતાભે ગાયું છે અને બીજું આદેશે પોતે. વેલેન્ટાઇન્સ ડેના દિવસ માટે ફેવરિટ ગીત.
૨. હોલી ખેલે રઘુબીરા: હોળીના યાદગાર ફિલ્મી ગીતોમાંનું આ એક છે. ‘બાગબાં’નું આ ગીત સાંભળવા લાયક તો છે જ પણ સાથે અમિતાભ બચ્ચનના વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે તેવી ઊર્જા-ઉત્સાહથી કરાયેલા ડાન્સના કારણે જોવાલાયક પણ છે.
૩. મોરા પિયા મો સે: ‘રાજનીતિ’ ફિલ્મનું આ અર્ધશાસ્ત્રીય ગીત ખૂબ જ લોકપ્રિય થયું છે. જ્યારે શાસ્ત્રીય ફિલ્મોને હિન્દી ફિલ્મોમાંથી વિદાય મળી ગઈ છે ત્યારે આદેશે આ ગીત થકી તે ટ્રેન્ડને પાછો લાવવા પ્રયાસ કર્યો હતો. આ ગીત આદેશે પોતે ગાયું હતું.
૪. કિસકા ચહેરા: આમ તો ‘તરકીબ’ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ગઈ તે પણ કોઈને યાદ નહીં હોય, પરંતુ આ ગીતને જગજિતસિંહે અને અલકા યાજ્ઞિકે ગાયું હતું અને આ બંને ગાયકોને પણ મ્યૂઝિક વિડિયોમાં દેખાડાયેલાં. જગજિતસિંહના યાદગાર ફિલ્મી ગીતો પૈકીનું એક.
૫. સોણા સોણા: ‘મેજરસાબ’ ફિલ્મ ચાલી નહોતી, પરંતુ ફિલ્મનું ગીત યાદગાર બની ગયું હતું. અમિતાભ બચ્ચનના જેવો જ અવાજ ધરાવનારા અને અમિતાભના માનીતા ગાયક સુદેશ ભોસલેએ તે ગાયું હતું.
૬. શાવા શાવા: ‘કભી ખુશી કભી ગમ’માં જતિન-લલિત, સંદેશ શાંડિલ્ય ઉપરાંત આદેશ શ્રીવાસ્તવે પણ સંગીત આપ્યું હતું. આ ગીત યાદગાર એટલા માટે બની રહ્યું છે કે ગીત તો સારું છે જ પરંતુ ઘણાં વર્ષે જયા બચ્ચને અમિતાભ સાથે ગીતમાં ડાન્સ કર્યો હતો.
૭. સુનો ના સુનો ના: ‘ચલતે ચલતે’ ફિલ્મમાં સાળા-બનેવી જતિન-લલિત અને આદેશ શ્રીવાસ્તવે અલગ-અલગ સંગીત આપ્યું હતું. તેનું ‘સૂનો ના સૂનો ના સૂન લો ના’ ગીત નવાં રોમેન્ટિક ગીતોમાં યાદગાર બની રહ્યું છે અને બની રહેશે.
૮. યે હવાયેં ઝુલ્ફોં સે તેરી: આમ તો અભિષેક બચ્ચનની શરૂઆતની ફિલ્મો પીટાઈ ગઈ હતી, તેમાં ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ ફિલ્મના પણ આવા જ હાલ થયેલા, પરંતુ તેનાં ગીતો યાદગાર બન્યાં છે. ખાસ કરીને ‘યે હવાયેં ઝુલ્ફોં મેં તેરી’ ખૂબ જ સુમધૂર બન્યું છે. તેને ગાયું છે તે વખતે નવા ગાયક શાન અને અલકા યાજ્ઞિકે.
૯. ક્યા અદા ક્યા જલવે તેરે પારો: ‘તરકીબ’ ફિલ્મની જેમ જ ‘શસ્ત્ર’ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ગઈ તે લોકો ભૂલી ગયા છે, પરંતુ આ ગીત ‘ક્યા અદા ક્યા જલવે તેરે પારો’ તે વખતે ચેનલો પર આવતા ટોપ ટેન ગીતમાં બહુ ચાલ્યું હતું.
૧૦. ધન્નો કી આંખ ગુલાબી: અમિતાભ બચ્ચનને પણ પોતાની આ ફિલ્મ યાદ કરવી નહીં ગમે. ‘લાલ બાદશાહ’ ફિલ્મની વાત છે. જોકે સુદેશ ભોસલે અને અનુરાધા પૌડવાલે ગાયેલું આ ગીત ખૂબ જ યાદગાર બન્યું છે. સુદેશ ભોસલે હોય એટલે અમિતાભનો જ અવાજ લાગે. એમાં પાછી ‘હંય’ વાળી સ્ટાઇલ પણ આવે.
રૅશનાલીઝમનો એક વીષય અભ્યાસક્રમમાં દાખલ કરવો જોઈએ
રૅશનાલીઝમનો એક વીષય અભ્યાસક્રમમાં દાખલ કરવો જોઈએ
રૅશનાલીઝમનો એક વીષય અભ્યાસક્રમમાં દાખલ કરવો જોઈએ
– દીનેશ પાંચાલ
એક ગૃહીણી લખે છે : ‘મેં નાનપણમાં અલુણાં વગેરે વ્રતો બહુ કર્યાં હતાં; પરન્તુ પછી સારાં વાચન, વીચાર અને મનનની ટેવ પડતાં ખુબ પુસ્તકો વાંચ્યાં. બહોળા વાચનથી ચૈતસીક સ્તરે વીકાસ થયો અને એ કારણે વ્રત–ઉપવાસોની નીરર્થકતા સમજાઈ. હવે હું કોઈ જ વ્રત ઉપવાસો કરતી નથી. મારી દીકરીઓને પણ તેની નીરર્થકતા સમજાવું છું. એક પ્રશ્ન થાય છે આજના સંઘર્ષભર્યા જીવનમાં, વડીલો રોજીરોટીના ચક્કરમાં અધમુઆ થઈ જતાં હોય છે. તેમની પાસે બાળકોને રૅશનલ શીક્ષણ આપવાનો સમય હોતો નથી; બલકે તેઓ ખુદ અન્ધશ્રદ્ધાળુ હોય છે. એથી મને લાગે છે કે રૅશનાલીઝમનો એક વીષય અભ્યાસક્રમમાં જ સામેલ કરી દેવો જોઈએ, જેથી યુવાપેઢીમાં અન્ધશ્રદ્ધા આટલી વ્યાપક ન હોય.’
એ બહેનને ખાસ અભીનન્દન તો એટલા માટે આપવાં રહ્યાં કે સ્ત્રી હોવા છતાં તેમણે રૅશનલ વીચારધારાને અપનાવી છે. અન્યથા મહીલાઓને તો ગળથુથીમાંથી જ પુજાપાઠ અને વ્રત–ઉપવાસોના સંસ્કારો આપવામાં આવે છે. સમાજમાં બહુ ઓછી મહીલાઓ રૅશનાલીઝમને આવકારે છે. કહેવાતી નારીવાદી સ્ત્રીઓ પણ આજે એવું પ્રચારી શકતી નથી કે દીકરીઓને સારો વર મળે તે માટે અલુણાં કરાવવાં એ નર્યું ધાર્મીક તુત છે. દરેક ઘરોમાં જુનવાણી વડીલો રહેતા હોય છે. વહુઓ એડ્યુકેટેડ હોય તોય ઘરના વડીલો સમક્ષ એવું કહેવાની હીમ્મત કરી શકતી નથી કે દીકરીઓને અલુણાં કે જયાપાર્વતીનાં વ્રત કરાવવાનો જમાનો ગયો… તેને બદલેનાનપણથી જ દીકરીને દરેક પ્રકારની તાલીમ આપીને એવી કેળવીએ કે સારો વર વગર વાંકડે દોડતો આવે… ઉત્તમ તો એ જ કે અલુણાં કરવા છતાં; વર લુણ વીનાનો (અર્થાત્ મીઠા વગરનો) મળે તો, દીકરી સ્વયં નોકરી કરીનેય સંસારની સઘળી જવાબદારી ઉપાડી શકે, એવી તે બાહોશ બને તે માટે તેની પાસેથી‘સંતોષી મા’ કે ‘વૈભવલક્ષ્મી’ની ચોપડીઓ લઈ તેના હાથમાં ‘જ્ઞાન–વીજ્ઞાન’નાં પુસ્તકો મુકવાં જોઈએ.બચુભાઈ ઉચીત જ કહે છે : ‘વૈભવલક્ષ્મી કે સંતોષીમાની ચોપડીઓ કરતાં ‘ચીત્રલેખા’, ‘અભીયાન’ કે ‘ફેમીના’ સ્ત્રીઓ માટે વધુ ઉપયોગી સાબીત થઈ શકે. છાતી ઠોકીને કહી શકાય એમ છે કે આજના વીકસીત યુગમાં દીકરીએ યોગ્ય શીક્ષણ નહીં મેળવ્યું હશે તો કેવળ મહોલ્લામાં ગોળચણા અને તુલસીનાં પત્તાં વહેંચતા રહેવાથી કદી કોઈનો ‘શુક્કરવાર’ વળતો નથી.’
દુ:ખદ સ્થીતી એ છે કે તરેહતરેહનાં વ્રત–ઉપવાસોમાં ગળાડુબ રહેતી મહીલાઓને ક્યારેય પ્રશ્ન થતો નથી કે વીકસીત દેશોની સ્ત્રીઓ કદી એવાં વ્રત–ઉપવાસો કરતી નથી; છતાં સુખી છે. જ્યારે આ દેશની સ્ત્રીઓ અલુણાંથી શરુ કરી મૃત્યુપર્યંત અનેક પ્રકારનાં વ્રત–ઉપવાસો કરતી રહે છે; છતાં તે દુનીયાના કોઈ પણ દેશની સ્ત્રી કરતાં વધુ દુ:ખી કેમ છે ? સ્ત્રીને જીવતી બાળી નાખવાનું પાપ આ ધરમકરમ વાળા દેશમાં જેટલું થાય છે તેટલું બીજા કોઈ દેશમાં થતું નથી. અરે ! સંતોષીમાના વ્રતથી સ્ત્રીનો સંસાર સુખી થઈ શકતો હોત તો આ દેશમાં આટલી મોટી સંખ્યામાં નારીસંરક્ષણગૃહો સ્થાપવાં પડ્યાં હોત ખરાં ? કોઈ પણ નારીસંરક્ષણગૃહ એટલે સંતોષીમાતાનાં વ્રતની નીષ્ફળતાનું મુર્તસ્વરુપ એમ કહેવું ખોટું નથી. પણ જવા દો વાત… દુ:ખપુર્વક નોંધવું રહ્યું કે સ્ત્રીઓને કુદરતે સૌન્દર્ય તો ખોબલે–ખોબલે આપ્યું છે, પણ… ?
આપણે રૅશનાલીઝમની વાત લઈ બેઠા છીએ ત્યારે એક ઘટનાનું સ્મરણ થાય છે. અમદાવાદના એક લેખકમીત્ર આમ તો પુરા રૅશનાલીસ્ટ છે; પણ તેમને એવી ટેવ કે લેખ શરુ કરતાં પહેલાં ઉપર મથાળે ‘શ્રી નાગદેવતાય નમ:’ લખે પછી જ લેખની શરુઆત કરે. અમે કારણ પુછયું તો એમણે સ્પષ્ટતા કરી : ‘વાત એમ છે કે મારા પીતાજી નાગદેવતાના જબરા ઉપાસક હતા. તેમણે અમારા આખા કુટુમ્બને એવા સંસ્કાર આપેલા કે કોઈ પણ કામની શરુઆત કરતાં પહેલાં નાગદેવતાનું સ્મરણ કરવું. પરીક્ષામાં હું સપ્લીમેન્ટરીમાં પણ ‘શ્રી નાગદેવતાય નમ:’ લખતો. જો કે તેમ કરવાથી પેપરો સારાં જતાં એવું નહોતું. નાનપણમાં હું ઘણીવાર નાપાસ થયો છું; પણ પીતાજીના સંસ્કાર લોહીમાં ભળી ગયેલા એટલે અમે કુટુમ્બનાં બધાં જ બાળકો એ પ્રમાણે કરતાં. આજે હવે પીતાજી રહ્યા નથી અને મનેય અનેકવાર સમજાયું છે કે, ક્યારેક ‘શ્રી નાગદેવતાય નમ:’ લખવાનું ચુકી જવાય તો પણ; લેખ તો સરસ જ બને છે. પણ એ આદત માનસીક રીતે એવી પ્રગાઢ બની ચુકી છે કે એવું ન લખું તો મનમાં કશુંક અસુખ લાગે છે. કશુંક ચુકી ગયો હોઉં એવો અપરાધ જાગે છે અને તેની અસર લેખન પર પડે છે. એથી નથી માનતો તોય એ કુટેવ છુટતી નથી. એમ કહો કે બાપદાદાએ રોપેલો આંબો ખાટી કેરી આપતો હોય તોય તેને કાપી નાખવાનો ઝટ જીવ ચાલતો નથી. બાકી ઘરમાં ઘુસી ગયેલો નાગ મારા પરીવારને ડંખ દે એવી શક્યતા હોય તો હું નાગને મારતાંય નહીં અચકાઉં.’
આ લેખકમીત્રનો પ્રસંગ અત્રે અકારણ ઉલ્લેખ્યો નથી. સમાજમાં ખુણે ખુણે આવી સંસ્કારગત અન્ધશ્રદ્ધાઓ છવાયેલી છે. કમ્પ્યુટર બનાવતી ફેક્ટરીની મશીનરી સાથે પણ લીંબુ અને મરચું લટકાવેલું જોવા મળે. હમણાં એક ડૉક્ટરના દવાખાનામાં અમે ઘોડાની નાળ લગાવેલી જોઈ. એમ. એસસી.માં ગોલ્ડમેડલ મેળવનાર એક યુવતી એના રડતા બાળકને કોઈની નજર લાગી છે, એમ માની તેના પરથી મીઠું અને મરચું ઓવારી ચુલામાં નાખે છે. શોધવા નીકળો તો કૉલેજમાં સાયન્સ શીખવતો કોઈ પ્રોફેસર બાવડે માંદળીયું બાંધીને પીરીયડ લેતો મળી આવે. અમે એક એવા નોનમૅટ્રીક યુવકને ઓળખીએ છીએ જે માથે ફુલ ઓવારીને ભગતને બતાવે છે અને પુછે છે, ‘મને નોકરી ક્યારે મળશે ?’
ગામ ત્યાં ઉકરડાના ન્યાયે આ બધું સર્વત્ર છે. પરન્તુ ખરું દુ:ખ એ જાણીને થાય છે કે ખુદ વીજ્ઞાનીઓ પણ ઉપગ્રહ છોડતી વેળા શુભમુહર્ત અને ચોઘડીયાં જુએ છે. અન્ધશ્રદ્ધાના વાયરસથી વીજ્ઞાનીઓ પણ બાકાત નથી. સમાજમાં લાખો અન્ધશ્રદ્ધાળુઓ ભેગા મળે ત્યારે અશ્વમેધયજ્ઞ શક્ય બને છે. માણસના આવા આંતરબાહ્ય વીરોધાભાસને કારણે પ્રજાનો યોગ્ય વીકાસ થઈ શક્યો નથી. દેશમાં પ્રતીવર્ષ મનુષ્ય ગૌરવદીવસ ઉજવાય છે. આમ તો એ અનુત્પાદક ઉજવણી છે. છતાં મનુષ્ય ગૌરવદીવસ ઉજવાતો રહે તે ઈચ્છનીય છે. ઘરમાં ફુલદાની હશે તો તેમાં ક્યારેક ફુલો મુકવાની આપણને ઈચ્છા થશે.
કહેવાનું એટલું જ કે મનુષ્યગૌરવ દીવસ ઉજવ્યા પછી એક ડગલું આગળ વધીને હવે આપણે મનુષ્યને ગૌરવ મળતું થાય તે દીશામાં સક્રીય થવું જોઈએ. શું અનેક વહેમો, અન્ધશ્રદ્ધાઓથી ખદબદતો માણસ ગૌરવશાળી હોઈ શકે ખરો ? માદળીયાં બાંધીને ફરતા માણસ માટે આપણને માન ઉપજે ખરું ? ભગત–ભુવાઓનું મંડળ આપણું સન્માન કરે તો આપણને આનન્દ થાય ખરો ? આજના અન્ધશ્રદ્ધાળુ માણસને તો આપણે જેમતેમ વેઠી લઈશું; પણ ભવીષ્યમાં એમના પૌત્રો અને પપૌત્રોથી બનેલો સમાજ એવો ન રહી જાય તે માટે, આજથી જ શાળા મહાશાળાઓમાં રૅશનાલીઝમનો વીષય દાખલ કરવો જોઈએ. આજનાં બાળકોને ગળથુથીમાંથી જ એવું શીખવવામાં આવશે કે સાપનું ઝેર કદી ભગતથી ઉતરતું નથી, માંદળીયું બાંધવાથી કદી નોકરી મળી શકતી નથી અને પ્લેગ થાય તો તે યજ્ઞ કરાવવાથી નહીં; દવા કરાવવાથી જ મટી શકે છે, તો એવું રૅશનલ શીક્ષણ મેળવેલો વીદ્યાર્થી કદી અન્ધશ્રદ્ધા નહીં આચરે. બલકે તે પોતાનાં સંતાનોનેય એવો રૅશનલ વીચાર વારસો આપશે. અને તે સંતાનોય વળી મોટા થઈ તેમનાં સંતાનોને એ પ્રકારની સમજ આપશે. આમ રૅશનાલીઝમની એક અતુટ સાંકળ ચાલુ થશે અને કાળક્રમે એવા કરોડો વીદ્યાર્થીઓથી બનેલો ભાવી સમાજ, આજના અન્ધશ્રદ્ધાળુ સમાજ કરતાં વધુ સુદૃઢ અને સ્વસ્થ બનશે.
યાદ રાખીએ કે ગળથુથીમાંથી જે સંસ્કારો પ્રાપ્ત થાય છે એની અસર બહુ પ્રબળ અને ચીરકાલીન રહે છે.નાગનું ઝેર ઉતરી જઈ શકે; પણ નાગદેવતાના નામે જે અન્ધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે તે નીવારવાનું કઠીન છે. અમારા લેખકમીત્ર રૅશનાલીસ્ટ હોવા છતાં લેખને મથાળે ‘શ્રી નાગદેવતાય નમ:’ લખે છે. કેમ કે એમના દીમાગના કમ્પ્યુટરમાં બાળપણથી એ પ્રોગ્રામ ફીટ કરવામાં આવ્યો છે. મીત્ર તો બૌદ્ધીક છે. ‘શ્રી નાગદેવતાય નમ:’ ન લખવાથી કોઈનું ભલું થઈ શકે એમ હોય તો તેઓ અચુક તેમ કરી શકે. પરન્તુ જેઓ અશીક્ષીત અને ગમાર છે, તેમની અન્ધશ્રદ્ધા કેવી ખતરનાક સાબીત થાય છે તેનાં બે ઉદાહરણો બસ થશે.
થોડા સમયપુર્વે જામનગરના ધનુડા ગામે જેસીંગ નામના એક દુધમલ યુવાને સ્વહસ્તે પોતાનું મસ્તક વધેરી કમળપુજા કરી હતી. (તે સફળ ન થયો તો બાપે તેનું ડોકું કાપવામાં મદદ કરી) એવી જ બીજી ઘટનાખેડા જીલ્લાના હરીયાણા ગામે બની હતી. જેમાં બાપે પોતાનાં ત્રણ સંતાનોને સ્વહસ્તે વધેરી મેલડી માને બલી ચઢાવ્યો હતો. પશ્ચીમના દેશોમાં મૃત માણસને જીવીત કેમ કરી શકાય તેના વીજ્ઞાનલક્ષી પ્રયોગો ચાલી રહ્યા છે; જ્યારે આજના રૉકેટ યુગમાંય અહીં લોકો મુર્ખતાભરી જીવલેણ અન્ધશ્રદ્ધામાં રાચે છે. જો ગળથુથીમાંથી જ એ માણસોને રૅશનલ શીક્ષણ આપવામાં આવ્યું હોત તો આવી ક્રુર દુર્ઘટનાઓ ન બની હોત. હજીય મોડું થયું નથી. ઉપર્યુક્ત બન્ને કરુણાંતીકા વીશે પુરી ગંભીરતાથી વીચારી આપણું શીક્ષણતન્ત્ર અભ્યાસક્રમોમાં રૅશનાલીઝમનો એક વીષય દાખલ કરશે તો તે થકી આપણી ભાવી પેઢીનું કલ્યાણ થશે. ‘સત્યશોધક સભા’એ પણ અન્ધશ્રદ્ધાના કીસ્સાઓને છુટકછુટક પડકારતા રહેવાને બદલે અભ્યાસક્રમોમાં રૅશનાલીઝમનો વીષય દાખલ થઈ શકે તે માટે સક્રીય થવું જોઈએ. અર્થાત્ માટલે–માટલે જંતુનાશક દવા નાખવાને બદલે સીધી કુવા–તળાવમાં જ દવા નાંખવાનું વીશેષ બુદ્ધીગમ્ય લેખાય. મુલો નાસ્તી કુતો શાખા ?
– દીનેશ પાંચાલ
શિક્ષક દિવસે એક આદર્શ શિક્ષક ડો. કિશોરભાઈ એમ.પટેલ નો પરિચય અને એમની સિધ્ધિઓ માટે અભિનંદન
શિક્ષક દિવસે એક આદર્શ શિક્ષક ડો. કિશોરભાઈ એમ.પટેલ નો પરિચય અને એમની સિધ્ધિઓ માટે અભિનંદન
વિનોદ વિહારના પાંચમા વર્ષની શુભ શરુઆતની પ્રથમ પોસ્ટમાં શિક્ષક દિવસે ગુજરાતના અને હવે તો દેશના આદર્શ શિક્ષક ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલના આજીવન સેવામય જીવન આધારિત સન્માનનીય સિધ્ધિઓ માટે ધન્યવાદ અને અભિનંદન આપતાં ખુબ હર્ષ થાય છે.
એક શિક્ષકની રાષ્ટ્રીય ગરીમાનું ગૌરવ કરનાર અને પોતાને એક આજીવન શિક્ષક તરીકે ગણાવનાર મહાન તત્ત્વવિદ અને ફિલસૂફ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનના જન્મ દિવસને એટલે કે ૫મી સપ્ટેમ્બરને છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
આ દિવસે દેશમાંથી શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરતા ચૂંટેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.
મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલે જ્યારે મને ઈ-મેલમાં ખબર આપ્યા ત્યારે મને એ જાણીને ખુશી થઇ કે આ પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ને રોજ ” શીક્ષક દીવસે” શ્રી. કીશોરભાઇ પટેલને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’તરીકે નું સન્માન કરવામાં આવશે .આ સમાચારથી એમના અનેક મિત્રોને મારા જેવી જ જરૂર ખુશી થશે.
૧૯૮૭ માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી એ પછી ૨૦૦૬માં પણ એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું હતું. આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કરી સેવા બજાવી રહ્યા છે.
નીચે આપેલ એમનો પરિચય જ્યારે તમે વાંચશો ત્યારે તમને જરૂર ખાત્રી થશે કે આ સન્માનનું ગૌરવ પ્રાપ્ત કરવા માટે ડો.કિશોરભાઈ પુરેપુરા યોગ્ય વ્યક્તિ છે .
ડો. કિશોરભાઈ ખુબ વિનયી છે . આપણી સંસ્કૃત ભાષાની આ ઉક્તિ એમને પૂરી બંધ બેસે છે .વિદ્યા દદાતિ વિનયમ…વિદ્યા વિનયથી શોભે છે.
ગુરૂ: બ્રહ્મા , ગુરૂ: વિષ્ણુ, ગુરૂ: દેવો મહેશ્વર ,
ગુરૂ: સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ:
ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલ નો પરિચય …
ડો.કિશોરભાઈ એમ.પટેલકિશોરભાઈનો યુવાનોને સંદેશ છે….
“ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો,
ભગવાન તમારી મદદે જરૂર આવશે.”
ડો. કિશોરભાઈ ના બ્લોગ” શિક્ષણ સરોવર” માં એમણે આપેલ એમનો પરિચય” મારા વિષે “નીચેની લીંક ઉપર વાચો.
https://shikshansarovar.wordpress.com/about/
શ્રી. પી.કે.દાવડાએ એમના પરિચય લેખમાં કરાવેલ
ડૉ. કિશોરભાઈ નો પરિચય
“મળવા જેવા માણસ – ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ “
સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે, એમાના થોડાક કાર્યો આ પ્રમાણે છે, બેટી બચાવો અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન, માતૃવંદના અભિયાન, નારી તું નારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન, શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે.
વિદ્યાર્થોઓ વચ્ચે રહી સેવામય જીવન જીવનાર એક આદર્શ શિક્ષક તરીકેની એમની પહેચાન બનાવનાર અને એ માટે રાષ્ટ્રીય શિક્ષકનું ગૌરવ મેળવનાર શ્રી કિશોરભાઈને એમની સિદ્ધિઓ માટે આ શિક્ષક દિવસે ….
હાર્દિક અભિનંદન .
એમનો ભાવી રાહ પણ સુખ રૂપ અને નિરામય બની
રહે એવી એમને મારી
દિલી શુભેચ્છાઓ ..
દિલ્હીમાં ડો. કિશોરભાઈ પટેલને ઉત્તમ શિક્ષક તરીકેનો ભારત સરકારનો ચન્દ્રક અને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો એ પ્રસંગના કેટલાક ફોટાઓ મિત્ર શ્રી ગોવીંદભાઈ પટેલે ઈ-મેલમાં મોકલ્યા હતા એ નીચે મુકું છું.
==========================================
શિક્ષક દિવસ પર શ્રી નરેન્દ્ર મોદીનો ક્લાસ,
જાણો શુ કહ્યુ મોદીએ વિદ્યાર્થીઓને….
શિક્ષક દિવસના એક દિવસ પહેલા, શુક્રવાર , 4 સપ્ટેમ્બર 2015, ના રોજ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના માનેક શો સેંટરમાં દેશના વિવિધ રાજ્યોના શાળાના બાળકોના પ્રશ્નોના રસસ્પદ જવાબો આપ્યા હતા અને દેશના બાળકો ને સંબોધિત કર્યા હતા.
આ પ્રશ્નોત્તરી ખુબ જ રસસ્પદ રહી હતી જેમાં મોદીએ એમના જીવનના અનુભવોને પણ વણી લીધા હતા .
આ રસસ્પદ પ્રશ્નોત્તરી નો સાર વાંચવા માટે ગુજરાતી વેબ દુનિયાની વેબ સાઈટ ની નીચેની લીંક પર ક્લિક કરો.
ગુજરાતી વેબ દુનિયા- શ્રી મોદીની બાળકો સાથેની પ્રશ્નોત્તરી નો સાર …
આ આખા પ્રસંગનો યુ-ટ્યુબ વિડીયો ગઈ કાલે રાત્રે મેં મોડા સુધી જાગીને જોયો હતો એ મને ખુબ ગમ્યો હતો. આ આખા પ્રસંગનું સંચાલન જે વિદ્યાર્થીઓએ જ કર્યું હતું એ ખરેખર ધ્યાન ખેંચે એવું હતું.
PM Modi’s interaction with school children on eve of Teacher’s Day
Subscribe to:
Posts (Atom)








