Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

14 March 2016

…તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો .......મારી કેફીયત

મારી કેફીયત

Prem_Sumesara
–પ્રેમ સુમેસરા
દશમાંથી નવ વ્યક્તી પ્રા. રમણભાઈ પાઠકને વાંચીને રૅશનાલીસ્ટ બન્યા હોય એવું ઈતીહાસ કહે છે. હું પણ એ જ ઈતીહાસનો એક ભાગ છું. ત્રીસેક વર્ષ પહેલાના સમયગાળા પર જ્યારે હું દૃષ્ટીપાત કરું છું, ત્યારે‘ગુજરાતમીત્ર’ અને તેમાં આવતી મુરબ્બી રમણભાઈ પાઠકની ‘રમણભ્રમણ’ કૉલમ મારા માનસપટલ પરથી પસાર થઈ રહી છે. ત્યારે તો એવો અંદાજ સુધ્ધાં મને ક્યાંથી હોય કે એ જ પ્રા. રમણભાઈ પાઠક સાથે ગાઢ આત્મીય સમ્બન્ધો બંધાશે ? અને એમની ‘રમણભ્રમણ’ કૉલમ થકી સુરતની ‘સત્યશોધક સભા’ સાથે સંકળાવાનું બનશે ? પાઠક સાહેબની જ કૉલમના નામથી પ્રસ્થાપીત થનાર પારીતોષીક ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’નો એક હીસ્સો બનવાનું  સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થશે ?
પાઠક સાહેબનાં લખાણથી પ્રભાવીત થઈ જ્યારે પ્રથમ વખત, ત્રીસેક વર્ષ પહેલાં, મારી કીશોરાવસ્થામાં, રીંગરોડ પર આવેલી પત્રકાર કૉલોનીમાં, પાઠક સાહેબને મળવાનું બન્યું; ત્યારે જ પાઠક સાહેબના નીરાડમ્બરી, ની:સ્પૃહી, નીરાભીમાની અને આભીજાત્યપુર્ણ વ્યક્તીત્વનો એક અદ્ભુત અને અનન્ય અનુભવ મને થયો. મારા મનમાં ‘તેઓ તો મોટા લેખક’ તરીકેનો એમના વીશેનો ખ્યાલ લઈને, જ્યારે પ્રથમ વખત હું મળવા ગયો ત્યારે, વર્ષોથી ઓળખતા હોઈએ એવી આત્મીય અનુભુતી કરાવનાર પાઠક સાહેબનું આ અદ્ભુત અને આકર્ષક વ્યક્તીત્વ જેટલું ઉજાગર થવું જોઈએ એટલું થયું નથી. રમણભાઈ પાઠકની વીચારધારાને અનુસરતી એક સંસ્થા સુરતમાં કાર્યરત છે એવી જાણકારી પણ પાઠક સાહેબની કૉલમ ‘રમણભ્રમણ’ થકી જ થઈ. હું તે વખતે સંસ્થાના હાલના પ્રમુખ અને તે વખતના મન્ત્રી શ્રી. બાબુભાઈ દેસાઈસાહેબને મળ્યો. મેં જણાવ્યું કે, ‘મને પણ રૅશનાલીઝમની પ્રવૃત્તીમાં રસ છે. સંસ્થામાં જોડાવા માંગુ છું.’ ત્યારે દેસાઈસાહેબે એમનું સ્વલીખીત પુસ્તક ‘ભગવદ્ગીતાની ભીતરમાં’ મને આપ્યું. સંસ્થાની વાર્ષીક ફી, તે વખતે પાંચ રુપીયા હતી, તે આપી હું વીધીવત્ સંસ્થામાં જોડાયો. ત્યારે તો એવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે સત્યશોધક સભા અને શ્રી. બાબુભાઈ દેસાઈ મારા જીવનના એક અભીન્ન અને અકાટ્ય અંગ બની રહેશે.
એ જ અરસામાં અર્થાત્ ત્રીસેક વર્ષ પહેલાં, કૉલેજમાં વીજય ભગત સાથે ઓળખાણ થઈ. આકસ્મીક અને અદ્ભુત વાત તો એ બની કે વીજયે પણ એ જ સમયે પાઠકસાહેબની મુલાકાત લીધેલી. એ પણ સત્યશોધક સભા સાથે જોડાયો. અમારા બન્ને મીત્રોનું રૅશનાલીઝમની પ્રવૃત્તી સાથે સંલગ્ન બનવાનું સમાન્તરે બન્યું. ‘બે વ્યસની વહેલા દોસ્તો બની જાય’ તેમ, મારા અને વીજય ભગતના સમાન વીચાર અને શોખને કારણે, અમારી ઓળખાણ ‘ગાઢ મીત્રતા’માં પરીણમી. એ મીત્રતા આજ પર્યન્ત રહી, એટલું જ નહીં; તે ‘મનની મૈત્રી’માં પરીણમી, તેનું સમગ્ર શ્રેય ‘રૅશનાલીઝમ’ને જ આપી શકાય. પછી તો અમે બન્ને મીત્રો ‘રૅશનાલીઝમની રાહે’ નીકળી પડ્યા.
કોઈ વ્યક્તી જીવનમાં બનતી દુર્ઘટનાને કારણે રાતોરાત નાસ્તીક બની જાય છે. એ નાસ્તીકતા પરીપકવ નથી હોતી; કારણ કે આવા કીસ્સામાં જો જીવનમાં કોઈ સુખદ ઘટનાનું પુનર્નીર્માણ થાય તો રાતોરાત ફરી વખત આસ્તીક બની જવાનું જોખમ પણ ઉભું રહે છે. નાસ્તીકતા એ ઘટના આધારીત નહીં; પરન્તુસમજણપુર્વક (વીવેકબુદ્ધી પુર્વક)ની વીચારધારા પર ટકેલો, જીવન જીવવાનો એક ઉમદા અને ઉત્તમ ‘જીવન માર્ગ’ છે. રૅશનાલીઝમને ‘છીછરાપણા’ સાથે નહીં; પરન્તુ ઉંડાણ સાથે નીસ્બત છે. રૅશનાલીઝમમાં કશું પણ ‘ઉપરછલ્લું’ ન હોઈ શકે. આવી સમજે મને રૅશનાલીઝમ વીશે ગહન અને વીશાળ ચીન્તન–મનન કરવાની ફરજ પાડી. જેના પરીપાક રુપે આજે મન–મગજ પરથી અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો, રુઢ માન્યતાઓથી અલીપ્ત રહી, એક નવા, નાવીન્યપુર્ણ અને સત્યમુલક ‘ચશ્માં’ અર્થાત્ ‘વૈજ્ઞાનીક અભીગમ’ કેળવવાથી દુનીયાને જોવાનો, નીહાળવાનો અને મુલવવાનો એક અલગ જ ‘દૃષ્ટીકોણ’ પ્રાપ્ત થયો. વીચારસૃષ્ટી પર આવતા મોતીયાની સારવાર રૅશનાલીઝમની ‘વીચારધારા’થી શક્ય બને છે. રૅશનાલીઝમ એટલે ફક્ત નાસ્તીકતા કે ધર્મનો વીરોધ જ નહીં; પરન્તુ જીવનને સમગ્ર પરીપ્રેક્ષ્યમાં વીચારવું અને સમગ્ર જીવનના આરોહ–અવરોહને સ્પર્શતી કોઈ પણ બાબતને વૈજ્ઞાનીક અભીગમથી અને વીવેકબુદ્ધીથી જોવી.રૅશનાલીઝમની વીચારધારાની આ જ ફળશ્રુતી છે.
જીવનના આજના આ પડાવ પર જરીક પોરો ખાઈને જ્યારે વીચારવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, ત્યારે સમજાય છે કે જો જીવનમાં રૅશનલ વીચારધારા સ્થાપીત ન થઈ હોત તો જીવન બેશક, જેમ મધદરીયે શઢ વગરનું વહાણ હાલક–ડોલક થાય તેમ, જીવન પણ દીશાવીહીન અને અસ્થીર હોત. રૅશનાલીઝમરુપી સઢે જીવનરુપી નૌકાને એક ચોક્કસ દીશા આપી અને જીવન જીવવાની ‘કેડી’ સુઝાડી. જીવનની ‘મંઝીલ’ તય કરી આપી. જે વ્યક્તી રૅશનાલીઝમરુપી દીવો હાથમાં ઝાલે છે. એને કદાપી અજ્ઞાનરુપી અન્ધકારમાં ‘ઠોકર’ ખાવી પડતી નથી.
વર્ષો સુધી સંસ્થામાં ડૉ. બી. એ. પરીખસાહેબના પ્રમુખપદે અને માર્ગદર્શન હેઠળ કામ કર્યા પછી, હાલ સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ દેસાઈસાહેબ સાથે સંસ્થાની પ્રવૃત્તીઓમાં ખભેખભા મીલાવી કામ કરવાનો એક અનેરો આનંદ આવી રહ્યો છે. હું જાણું છું ત્યાં સુધી, સંસ્થાની પારદર્શીતા અને તટસ્થતાના ગુણને જો ઉજાગર ના કરવામાં આવે તો હું નગુણો કહેવાઉં.  સંસ્થા સાથે સંકળાયેલા ત્રણ મીત્રો શ્રી સુર્યકાંત શાહસાહેબ, વડીલશ્રી મધુભાઈ કાકડીયા અને મીત્ર શ્રી. ગુણવન્ત ચૌધરી, સંસ્થામાં મારા કરતાં પાછળથી જોડાયા અને ત્રણે મીત્રોને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ મારા કરતા વહેલો પ્રાપ્ત થયો. તેનું એકમાત્ર કારણ આ ત્રણેય મીત્રોનું સંસ્થાની પ્રવૃત્તીઓમાં ગળાડુબ રહેવું અને સક્રીયતા દાખવવી એ જ છે. સુવર્ણચન્દ્રક આપવાની ટીકા કરનારાઓને, તેમના પ્રશ્નનો આ જવાબ છે કે ચન્દ્રક ‘સીનીયોરીટી’ના આધારે નહીં; પરન્તુ ‘મેરીટ’ને આધારે અપાય છે અને કોઈ પણ સંસ્થાનો આ જ સાચો માપદંડ હોઈ શકે. આવી સંસ્થા સાથે જોડાવાનો મને આનંદ અને ગૌરવ બન્ને છે.
ક્રીસ્ટોફર કોલંબસનો દાખલો ટાંકીને કહું તો એમ કહી શકાય કે, કોલંબસ ભારત શોધવા નીકળેલો અને મળી ગયું અમેરીકા ! એમ મારે કહેવું હોય તો એમ કહી શકું કે, હું ભારતરુપી ‘રૅશનાલીઝમ’ શોધવા નીકળેલો, તો સફરમાં ભારતરુપી રૅશનાલીઝમ તો મળ્યું જ; સાથે સાથે અમેરીકારુપી જીવનની અમીરાત કહી શકાય એવા મીત્રો અને વડીલો પણ મળ્યા. એને હું મારા જીવનની સૌથી મોટી સમ્પ્રાપ્તી સમજુ છું. વડીલશ્રી ડૉ. બી. એ. પરીખ સાહેબ, પરમ મીત્રો એવા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, વીજય ભગત, સીદ્ધાર્થ દેગામી, છગનભાઈ બરવાળીયા, ગુણવંત ચૌધરી, સંજય ઢીમર અને સુનીલ શાહ જેવા સહૃદયી મીત્રોને કારણે જીવન આનન્દદાયક અને હળવું લાગે છે.
માણસો બે પ્રકારના હોય છે : એક પ્રકાર એવો હોય છે કે જેઓ પારીતોષીકો કે ઍવોર્ડ પાસે ‘જતા’ હોય છે. જ્યારે બીજા પ્રકારના માણસો પાસે પારીતોષીકો કે ઍવોર્ડ સામેથી ‘આવતા’ હોય છે. જીવનમાં આવેલી સમજ અને પરીપક્વતાએ આજે મને એવા પડાવ પર ખડો કર્યો છે કે, સ્થીર જીવનમાં કોઈપણ પ્રકારની ઈચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓ, ખેવનાઓ, ઝંખનાઓ હવે રહી નથી. આ દમ્ભ નથી કે દબાવેલી ઈચ્છાઓ પણ નથી; પરન્તુ રૅશનાલીઝમ અને સાહીત્યના સંસર્ગથી કેળવાયેલો કેવળ એક ની:સ્પૃહી ભાવ છે. ભગવદ્ગીતાના સુત્રને ટાંકીને કહી શકાય કે, કર્મ આપણા હાથમાં છે; પરન્તુ ફળ આપણી ઈચ્છા પ્રમાણે ન પણ હોઈ શકે. આવા અનાસક્ત ભાવ સાથે એક ફીલ્મી ગીતની પંક્તી ટાંકીને કહેવું છે કે : ‘જો મીલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લીયા.’
કંઈક આવા ભાવ સાથે જ્યારે આજે મને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એનાયત થઈ રહ્યો છે, ત્યારે આનન્દ કેવળ એ વાતનો થાય છે કે આ ચન્દ્રક આત્મીય અને હૃદયસ્થ એવા પીતાતુલ્ય પ્રા. રમણભાઈ પાઠકના નામ સાથે જોડાયેલો છે. અને જે સંસ્થાને મારા જીવનનાં ત્રીસ વર્ષ આપ્યાં છે તે સંસ્થા ‘સત્યશોધક સભા’ આ ચન્દ્રક આ વર્ષે મને અર્પણ કરી રહી છે. તેનો આદરપુર્વક અને સન્માનપુર્વક સ્વીકાર કરવો એ જ મારું કર્મ અને કર્તવ્ય બની રહે છે. છેલ્લે આદતવશ એક પંક્તી ટાંકીને સૌનો હૃદયપુર્વક આભાર માનું છું…
‘સીર્ફ ખ્વાહીશોં સે હી નહીં ગીરતે ફુલ ઝોલીમેં, કર્મ કી શાખ કો હીલાના હોગા;
કબ તક કોસતે રહોગે અંધેરોં કો, અપને હીસ્સે કા દીયા જલાના હોગા.’
–પ્રેમ સુમેસરા

11 March 2016

સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે….કથા કોલાજ – કાજલ ઓઝા વૈદ્ય / સ્ત્રી સ્વાતંત્ર્ય ..

( 863 ) સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે….કથા કોલાજ – કાજલ ઓઝા વૈદ્ય / સ્ત્રી સ્વાતંત્ર્ય ..(હાસ્ય લેખ )… પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

વિશ્વ મહિલા દિવસ પર પ્રકાશિત આ અગાઉની પોસ્ટમાં મારા લેખ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…ના અનુસંધાનમાં ૧૯ મી સદીમાં મહિલાઓની અને દલિત કોમની કેવી લાચાર પરિસ્થિતિ હતી એના પર સાવિત્રીબાઈ ફૂલેએ કરેલ બયાન એમના શબ્દોમાં આજની પોસ્ટમાં રજુ કર્યું છે. એના પછી સુ.શ્રી પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી લિખિત હાસ્ય લેખ "સ્ત્રી સ્વાતંત્ર્ય "મુક્યો છે એને પણ વિશ્વ મહિલા દિવસના માહોલમાં માણો .

સાવિત્રીબાઈ ફૂલે મહારાષ્ટ્રની ખુબ જ જાણીતી પ્રતિભા જ્યોતિબા ફૂલેનાં પત્ની છે. મુંબઈ સમાચારમાં , કથા કોલાજ કોલમમાં સુ.શ્રી કાજલ ઓઝા – વૈદ્યના આ સંપાદિત  લેખમાં સાવિત્રી બાઈ લખે છે ...

અમારા સમયમાં સ્ત્રી ઓને પોતાની મરજીથી જીવવાની છૂટ મળે એવું સપનું જોવાનીય છૂટ નહોતી. એક સ્ત્રી તરીકે જનમવું એ ઢોરથીય બદતર જીવન હતું. અમને માણસ ગણવામાં પણ સમાજને તકલીફ પડતી હોય ત્યારે અમારા સપનાં કે અમારા વિચારો જાણવાની કે અમારી ઈચ્છા જેવી કોઈ વાત હોય જ કેવી રીતે ?.....

આ રહ્યો એ રસસ્પદ લેખ 

સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે

કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્ય

Kazal oza

 સૌજન્ય- મુંબાઈ સમાચાર 

નામ : સાવિત્રીબાઈ ફુલે

સ્થળ : પુણે

સમય : ૮ માર્ચ, ૧૮૯૭

ઉંમર : ૬૬ વર્ષ

અંતે પ્લેગ મારા પર ચઢી બેઠો...બગલમાં ગાંઠ નીકળી છે. તાવથી શરીર પીડાય છે. પડખું બદલતા પણ આખું શરીર દુ:ખે છે. હું સમજુ છું કે આવરદા પૂરી થઈ છે, જવાનો સમય થઈ ગયો છે. આમ તો દરેક માણસે જવાનું જ હોય છે, પૃથ્વી પર આવેલી દરેક વ્યક્તિ પોતાની મુઠ્ઠીમાં હસ્તરેખા લઈને આવે છે. એ બંધ મુઠ્ઠીની હસ્તરેખામાં એક નિશ્ર્ચિત આવરદા લખેલી હોય છે...મને લાગતું હતું કે, મને કઈ નહીં થાય. મારો ઈશ્ર્વર મારી સાથે છે એમ માનીને હું દર્દી નારાયણની સેવા કરતી હતી. મારા મનમાં હંમેશાં એમ હતું કે આ સમાજને વધુ સારી જિંદગી આપવાનું કામ સોંપીને મારા પ્રભુએ મને આ ધરતી પર મોકલી છે. એવું જ હશે ને કારણ કે જો એમ ન હોય તો બધીય પરિસ્થિતિ અનુકૂળ કેવી રીતે બને ! અમારા સમયમાં સ્ત્રી ઓને પોતાની મરજીથી જીવવાની છૂટ મળે એવું સપનું જોવાનીય છૂટ નહોતી. એક સ્ત્રી તરીકે જનમવું એ ઢોરથીય બદતર જીવન હતું. અમને માણસ ગણવામાં પણ સમાજને તકલીફ પડતી હોય ત્યારે અમારા સપનાં કે અમારા વિચારો જાણવાની કે અમારી ઈચ્છા જેવી કોઈ વાત હોય જ કેવી રીતે ?

મારી સગી મામાની દીકરી સાત વર્ષની ઉંમરે વિધવા થઈ. એના કમરથીયે લાંબા વાળ હજામ પાસે ઉતરાવી લેવામાં આવ્યા. બંગડી કે દાગીના તો નહીં જ પહેરવાના, પણ રંગીન કપડાંય નહીં પહેરવાના. વાર-તહેવારે મીઠા વગરનું ખાવાનું, સાત વર્ષની છોકરીએ પૂજાપાઠ અને ધરમ-ધ્યાન કરવાનું...એ અમારી સાથે રમી શકે નહીં, અમારા જેવા કપડાં પહેરી શકે નહીં, રોજ એને રડતી-કકળતી-પછાડો ખાતી જોવી મારે માટે અસહ્ય હતું. મેં ત્યારે જ મારી મા ને પૂછેલું, "એને કેમ આટલી હેરાન કરો છો, મારી માએ રડીને કહેલું, "ગપ્પ બસ. આપણ હેચાત કાહી કરુ શકણાર નાહીં. આપલ્યા કાહીજ મહત્ત્વ નાહીત. એ દિવસે મને સમજાયેલું કે સ્ત્રી હોવું કેટલું દુષ્કર અને કેટલું દયનીય છે.

જ્યોતિરાવને ત્યાંથી મને જોવા આવ્યા ત્યારે નાનકડી ઢીંગલીની જેમ મને નવવારી સાડીમાં લપેટીને નથ પહેરાવીને એમની સામે ઊભી રાખી દીધેલી. મેં તો એમનું મોઢુંય નહોતું જોયું, અમારી વચ્ચેનો અંતરપટ ખસ્યો ત્યારે મેં એમની સામે જોયું. માળી પરિવારના લગ્ન હતા આ. એટલે કઈ તામજામ નહોતા. મારા સસરા ગોવિંદરાવ ફુલેે શાકભાજી વેચતાં. ગોરહાય અમારી મૂળ અટક ખટાઉ તાલુકામાં સતારા જિલ્લામાં અમારું નાનકડું ગામ, કાટગુણ. પણ મારા વડસસરા શેટીબા પૂના આવીને ધંધો કરવા લાગ્યા. પેશ્ર્વાને ત્યાં પૂજાના ફૂલ પહોંચાડવાનું કામ મારા વડસસરાએ શરૂ કરેલું, એટલે અમારી અટક અથવા આડનાવ ગોરહાયમાંથી ફુલે થઈ ગયું. મારાં સાસુ પોતાના દીકરાને નવ મહિનાનો મૂકીને ગુજરી ગયેલાં. મારા પતિને પ્રાઈમરી પ્રાથમિક શાળાના શિક્ષણ પછી ઉઠાડી લેવામાં આવ્યા. એ પિતાની સાથે શાકભાજી અને ફૂલના ધંધામાં જોડાઈ ગયા, પરંતુ એ સમયના મુસ્લિમ અને ખ્રિસ્તી પાડોશીઓ પેશ્ર્વાએ આપેલાં મકાનોને કારણે મારા સસરાના સારા મિત્રો હતા. એ સહુએ મારા સસરાને સમજાવીને જ્યોતિરાવને મિશનરી સ્કૂલમાં દાખલ કર્યા. ૧૮૫૭માં જ્યારે એ હાઈ સ્કૂલ ભણીને બહાર નીકળ્યા. અમારો પરિવાર ખાધેપીધે સુખી હતો... પરંતુ અમારી જાત નીચી હતી.

અમારા લગ્ન થયા ત્યારે હું નવ વર્ષની અને મારા પતિ તેર વર્ષના હતા, ૧૮૪૦માં મારા પતિ અમારી જાતિમાં સૌથી વધુ ભણેલા અને સુધરેલા કહેવાતા. હું પરણીને આવી ત્યારે મારા પતિએ મને પૂછ્યું, "વાંચતા આવડે છે ? એક હાથના ઘૂંઘટની નીચેથી મેં માથું ધુણાવીને ના પાડી. તેર વર્ષનો એ છોકરો મારી વાત સાંભળીને દુ:ખી થઈ ગયો. એણે મારો હાથ પકડ્યો અને કહ્યું, "આપણે આખી જિંદગી સાથે ગાળવાની છે, ગાડાના બે પૈડા સરખા ન હોય તો કેમ ચાલે ? સમજે છે ને? મેં ઘૂંઘટની નીચેથી માથું ધુણાવીને હા પાડી. એણે પૂછ્યું, "હું તને ભણાવીશ, તું ભણીશ ? મારું રોમ રોમ આનંદિત થઈ ગયું...અમારા સમયમાં છોકરીને ભણાવવી તો દૂરની વાત એને પુસ્તક પણ હાથમાં લઈને પાના ઉથલાવવાની છૂટ નહોતી...

એ પછી શરૂ થયું મારું શિક્ષણ અને પછી મારા પતિનું શિક્ષણ આગળને આગળ ચાલતું ગયું. એ જેમ ભણતાં ગયા એમ વધુને વધુ સમજદાર અને સહિષ્ણુ થતા ગયા. એ ક્યારેક મને કહેતા, "શિક્ષણનો અભાવ એટલે સમજણનો અભાવ, સમજણનો અભાવ એટલે નૈતિક્તાનો અભાવ, નૈતિક્તાની ગેરહાજરીમાં પ્રગતિ ક્યારેય ન થાય, ને પ્રગતિ ન થાય તો ગરીબી ક્યારેય દૂર ન થાય, ગરીબી દૂર ન થાય તો નીચી જાતિના લોકો હંમેશાં દબાયેલાને કચડાયેલા જ રહેવાના એ હસીને કહેતા, "બોલ, એક શિક્ષણ આવે તો બધું જ બદલાઈ જાય... મને એમની વાતો મોહ પમાડતી, એમને જ્યારે જોતી ત્યારે મને એમનામાં એક ગુરુ, એક મિત્ર, એક પતિની સાથે સાથે ક્યારેક જેણે મારું નસીબ બદલી નાખ્યું એવો ઈશ્ર્વર પણ દેખાતો. અમારી જિંદગી સામાન્ય રીતે ચાલી રહી હતી, હવે એ પેશ્ર્વાના દરબારમાં નોકરી કરવા લાગ્યા હતા. ઘરમાં સારા પૈસા આવતા, કોઈ તકલીફ નહોતી પણ ૧૮૪૮ની એક સવારે અમારી જિંદગી બદલી નાખી. જ્યોતિબા એમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં ગયા હતા, એમની સાથે શાળામાં ભણેલો એમનો મિત્ર છેક ઘર સુધી નિમંત્રણ આપવા આવેલો, પરંતુ જ્યોતિબા જ્યારે લગ્નમાં પહોંચ્યા ત્યારે એમને બ્રાહ્મણની પંગતમાંથી ઊભા કરીને વસવાયાંની, નીચી જાતિની પંગતમાં બેસાડવામાં આવ્યા. એટલું જ નહીં, એમને પીરસવા માટે પણ ઘરના નોકરો આવ્યા. જ્યોતિબા જમ્યા વગર આ અપમાન સાથે ઘેર આવ્યા ત્યારે એમની આંખોમાં આંસુ હતાં અને હૃદયમાં વલોપાત.

એ રાત્રે એમણે મોટા અવાજે મારી સામે એક પુસ્તક વાંચ્યું. "થોમસ પેઈનનું લખેલું આ પુસ્તક "રાઈટ્સ ઓફ અ મેન વાંચતા વાંચતા એ આખી રાત રડતા રહ્યા. બીજે દિવસે સવારે એમણે મને પૂછ્યું, "હું પેશ્ર્વાની નોકરી છોડીને આપણાં લોકોની સેવા કરવાનું નક્કી કરું તો તું મારો સાથ આપીશ ?

મેં મારા સસરાના દેખતા એમનો હાથ પકડી લીધો, "હા. જરૂર.

"સમાજ આપણો બહિષ્કાર કરશે, સંઘર્ષ કરવો પડશે, પળેપળે પરીક્ષામાંથી પસાર થવું પડશે, તૈયારી છે? મેં હા પાડી, "ક્યાં સુધી સાથ આપી શકીશ એમણે પૂછ્યું.

"શ્ર્વાસ ટકશે ત્યાં સુધી મેં કહ્યું.

તે દિવસથી આ જ સુધી અમે ખભેખભા મિલાવીને એકબીજાનો હાથ પકડીને ફક્ત અમારા સમાજ માટે કાર્ય કર્યું.

વિધવા વિવાહ, સ્ત્રી ઓનું શિક્ષણ, બીમારોની સેવા અને અમારા સમાજના લોકોની માનસિક્તાને પલટવા માટે અમે રોજે રોજ મથતા રહ્યાં...સમાજે અમને છૂટા પાડવાનોય ઘણો પ્રયાસ કર્યો કારણ કે સૌ સમજતા હતા કે અમે સાથે છીએ ત્યાં સુધી અમારી તાકાત કોઈ તોડી શકે એમ નથી.

એક દિવસ એ એક ગર્ભવતી વિધવા સ્ત્રી ને લઈને અમારે ઘેર આવ્યા. એમણે કહ્યું, "આ અહીં જ રહેશે. એના બાળકને હું મારું નામ આપીશ હું એમની સામે જોઈ રહી, "તને મારા ચારિત્ર્યમાં વિશ્ર્વાસ છે ને ? હું દોડીને એમને ભેટી પડી. એમનો એ સ્પર્શ મને અત્યારે યાદ આવે છે ! આપઘાત કરવા જતી એક વિધવા સ્ત્રીને આપઘાત કરતી અટકાવીને એ અમારે ઘરે લઈ આવ્યા હતા. બબ્બે જીવની હત્યા થાય એના કરતાં એક બાળક આ દુનિયામાં જન્મ લે તો ઈશ્ર્વરની પૂજા જ ગણાય એવું એમણે મને એ દિવસે સમજાવ્યું હતું. પૂરા દિવસે એ વિધવા સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. અમે એ દીકરાને દત્તક લીધો અને એનું નામ ‘યશવંતરાવ’ આપ્યું.

આજે મારો યશવંત દાક્તર છે અને અમે આવી ગર્ભવતી મહિલાઓને આશરો આપવા માટે એક હોસ્પિટલ પૂનામાં ઊભી કરી છે, એનું નામ બાળ હત્યા પ્રતિબંધક ગૃહ છે. વિધવા સ્ત્રીઓની માનસિક હાલત એટલી ખરાબ હોય છે કે પરિવારના જ સભ્યો એમના પર બળાત્કાર કરે છે, બીજે ક્યાંય જવાની જગ્યા ન હોય એટલે આવા બળાત્કારો કે અત્યાચારો સહી લીધા સિવાય વિધવાને કોઈ ચારોય નથી હોતો. અમે મળીને આવી મહિલાઓ માટે એક હોસ્પિટલ ઊભી કરી, એમનાં બાળકોને ભણવા માટે શાળાઓ ઊભી કરી, ખાસ કરીને દીકરીઓ માટે શિક્ષણની હિમાયત કરી અને અમારા સમાજમાં થતા ફેરફારો જોઈને બીજા કેટલાય લોકો અમારી સાથે જોડાયા.

અમારા સમયમાં પ્લેગ એક ભયાનક રોગ ગણાતો. દર્દીને પ્લેગ થાય એટલે લોકો એને ઉપાડીને ગામ બહાર મૂકી આવતા, તાવમાં તરફડતો ગાંઠની પીડા સાથે દર્દી રિબાઈ રિબાઈને મૃત્યુ પામતો. પ્લેગની સારવાર થઈ શકે છે એવી પણ અમારા સમયમાં કોઈને જાણ નહોતી. યશવંતરાવ દાક્તર થયો પછી એણે લોકોને સમજાવ્યું કે, પ્લેગ એ ઈશ્ર્વરનો ગુસ્સો નથી પણ ઉંદરને કારણે જન્મ લેતો એક શારીરિક રોગ છે. અમે પ્લેગ માટે એક નાનકડી હોસ્પિટલ ઊભી કરી. એ હોસ્પિટલને કારણે ઘણાં બધા લોકો પ્લેગથી બચી શક્યા. શિક્ષણના અભાવને કારણે અમારા સમાજમાં રહેલી અસ્વચ્છતા અને અંધશ્રદ્ધાને પણ શિક્ષણના પ્રસારથી દૂર કરવાનું કામ અમે કરતા રહ્યા...

આજે આવા જ એક પ્લેગના દર્દીની સારવાર કરતા કરતા હું પોતે એ પ્લેગમાં સપડાઈ છું. યશવંત રાત-દહાડો એક કરીને મારી ચાકરી કરે છે. ‘એ’ મારી પથારી પાસેથી ખસતા નથી. અમે ત્રણે જણા જાણીએ છીએ કે હવે એક-બે દિવસમાં મારે આ જગત છોડીને જવાનું છે. આનંદ એક જ વાતનો છે, લગ્ન સમયે એમને આપેલું વચન હું પૂરી નિષ્ઠાથી નિભાવી શકી છું. મેં એમને કહેલું, "હું છેલ્લા શ્ર્વાસ સુધી તમારો સાથ આપીશ...

મેં છેલ્લા શ્ર્વાસ સુધી એમના દરેક કામમાં, એમના દરેક સપનાંમાં, એમના દરેક પ્રયત્નમાં એમનો સાથ આપ્યો છે.

સૌજન્ય- મુંબઈ સમાચાર , સાભાર- સુશ્રી.કાજલ ઓઝા -વૈદ્ય 

ઉપરનો ગંભીર લેખ વાંચ્યા પછી સુ.શ્રી પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી લિખિત હાસ્ય લેખ "સ્ત્રી સ્વાતંત્ર્ય" પણ માણો.

સ્ત્રી સ્વાતંત્ર્ય ..(હાસ્ય લેખ )... પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

લીલી: અલી ચંપા, તેં સાંભળ્યું, લોકો ચંદ્ર પર જઈ આવ્યા?

ચંપા: હા બહેન, સાંભળ્યું તો ખરું, પણ શું કરીએ, આપણને ઘરકામમાંથી ફુરસદ મળે તો ક્યાંક જઈએ ને?

સ્ત્રી સ્વાતંત્ર્ય ના આજના યુગમાં સ્ત્રીઓ દ્વારા થતી આવી વાતચીત સાંભળીને મને ઊંડો આઘાત લાગ્યો. એક લેખિકા તરીકે મારે ‘કલમ’ નામનું શસ્ત્ર ઉઠાવીને ઘરકામની ગુલામીમાં સબડતી આવી અનેક સ્ત્રીઓને મુક્તિ અપાવીને, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા સમજાવવો જોઈએ. પણ એ માટે મારે શું કરવું?

ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલને હિટલરના હુમલાથી પણ નહોતી થઈ એવી ચિંતા મને આ ગુલામીમાં સબડતી સ્ત્રીઓને માટે થઈ.


આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…વિનોદ પટેલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…વિનોદ પટેલ

 મહિલા દિવસ

ચિત્ર સૌજન્ય- શ્રી ચીમન પટેલ, હ્યુસ્ટન 

૮મી માર્ચ  ૨૦૧૬ નો દિવસ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ છે.

દર વર્ષે ૮મી માર્ચના દિવસને સયુંક્ત રાષ્ટ્રસંઘ-યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર વિશ્વમાં પુરુષ અને સ્ત્રીઓની જન સંખ્યા લગભગ સરખી છે પણ એમનો સામાજિક અને આર્થિક દરજ્જો એક સરખો છે ખરો ? આ એક મહત્વના સવાલનો જવાબ મેળવવાનો હજુ બાકી છે. હજુ પણ નારીને પુરુષ જેટલા હક્કો અને  ન્યાય પ્રાપ્ત થયા નથી.મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવા માટે આ દિવસને મુકરર કરવામાં આવ્યો છે.

આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં  "નારી તું નારાયણી " અને "યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા" એવાં વાક્યોથી નારીનું બહુમાન કરવામાં આવ્યું છે .આ જ ભારતમાં દીકરીને દૂધ પીતી કરવાનો ,સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો ક્રૂર રીવાજ પ્રવર્તતો હતો એ પણ એક હકીકત છે.હકીકતમાં પુરુષ વર્ગે સ્ત્રીઓને એક અબળા તરીકે ગણના કરી ઘણા લાંબા સમય સુધી સ્ત્રી વર્ગની જાણે કે અવગણના કરી હોય એવું જણાયું છે.સ્ત્રીઓનું મુખ્ય કામ ફક્ત ઘરકામ, રસોઈ અને બાળકોને જન્મ આપી એની સંભાળ રાખવામાં જ સમાઈ જાય છે એવી પુરુષોની ખોટી માન્યતાઓનો નારી વર્ગ શિકાર બનતી આવી છે .સ્ત્રીઓઓમાં  પુરુષો જેટલી જ શક્તિ છે એ હકીકત તરફ દુર્લક્ષ સેવી ઘણા લાંબા સમયથી સ્ત્રીઓમાં પડેલી શક્તિઓની અવગણના થઈ હોય એમ ઈતિહાસ જોતાં દેખાઈ આવે છે.વર્તમાન સમયમાં પણ મિડલ ઇસ્ટ આફ્રિકા અને ત્રીજા વિશ્વના દેશોમાં કુરિવાજો તથા જૂની રૂઢિઓને લીધે સ્ત્રીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર અને અન્યાય થઇ રહ્યો છે .આ દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર પણ ઘણો નીચો છે.

અમેરિકા જેવા પ્રગતિશીલ દેશનો ઈતિહાસ જોતાં સુસન બી. એન્થની  અને એલેનોર રુઝવેલ્ટ જેવી શક્તિશાળી મહિલાઓને દેશની મહિલાઓ માટે પુરુષો જેવા હક્કો અપાવવા માટે આખી જિંદગી સમર્પિત કરવી પડી હતી .આ બે બહાદુર મહિલાઓની લડતને પરિણામે છેવટે માત્ર ૧૯૨૦ થી જ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઇ શક્યો હતો.આ હક્ક પ્રાપ્ત થયા બાદ પણ અમેરિકાના રાજકારણમાં સેનેટ,પ્રતિનિધિ ગૃહ,કેબીનેટ કે રાજ્યોના ગવર્નર કક્ષાએ સ્થાનો પ્રાપ્ત કરવામાં મહિલાઓની સંખ્યા ઘણા લાંબા સમય સુધી નહિવત રહી છે . આજે પણ આ બધાં સ્થાનોએ મહિલાઓની સંખ્યા ૨૦ ટકાથી ઉપર વધી શકી નથી એ હકીકત છે.

અમેરિકામાં આજ સુધીના ઇતિહાસમાં કોઈ મહિલા પ્રમુખ પદે ચૂંટાઈ શકી નથી.અમેરિકાની હવે પછી ૨૦૧૬ના નવેમ્બરમાં થનારી પ્રમુખ પદ માટેની ચુંટણીમાં હિલેરી ક્લીન્ટનએ ડેમોક્રેટીક પક્ષ તરફથી ૨૦૦૮ માં નિષ્ફળ ગયા પાછી ફરી એક વાર ઝુકાવ્યું છે.જો તેઓ એમાં વિજયી બનશે તો અમેરિકાના રાજકીય ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાશે.ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીની આગેવાની નીચે ઘણી મહિલાઓએ  જોડાઈને સુંદર યોગદાન આપ્યું હતું એ આપણે જાણીએ છીએ.

અમેરકાની સરખામણીમાં ભારત, પાકિસ્તાન ,શ્રીલંકા, બંગલા દેશ, બ્રાઝીલ ,બ્રિટન,ફિલીપીન્સ, સાઉથ કોરિયા,ઈઝરાઈલ, ઇથોપિયા જેવા ઉભરતા દેશોમાં મહિલાઓએ પુરુષોને હરાવી દેશના પ્રમુખ કે વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવી સ્ત્રી શક્તિનો જગતને પરચો કરાવ્યો છે.આ મહિલાઓએ કરેલી ઘણી સુંદર કામગીરી બતાવે છે કે જો મહિલાઓને  કામ કરવાની તક મળે તો તેઓ પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરવામાં પાછળ રહે એમ નથી જ.

આમ આધુનિક સમયમાં દુનિયાના દરેક દેશોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને મહીલા જાગૃતિ પ્રબળ બનતી જાય છે.પરિણામે સ્ત્રી એક મજબુત શક્તિ તરીકે ઉભરી રહી છે અને પુરુષ સમોવડી બનીને દેશ અને સમાજના ઘડતરમાં એમનો અગત્યનો ફાળો આપી રહી છે. “દીકરી અને ગાય દોરે ત્યાં જાય ” એવું માનનારો સમય ક્યારનો ય વીતી ગયો છે. આજે સમાજનો અડધો મહીલા વર્ગ એના હક્કો વીષે વધુ સજાગ બન્યો છે અને પ્રગતી કુચમાં પુરુષ સમોવડી બની ગઈ છે એટલું જ નહી એમને આંબી પણ ગઈ છે.હવે એ પહેલાંની અબળા સ્ત્રી રહી નથી પણ સબળા બની ગઈ છે .

મહિલાઓની શક્તિ વિષે વિલિયમ ગોલ્ડીંગ William Golding જુઓ શું કહે છે .

“I think women are foolish to pretend they are equal to men,they are far superior and always have been. એટલે કે સ્ત્રીઓએ તેઓ પુરુષ સમોવડી છે એવો ઢોંગ કરવો એ એક મૂર્ખાઈ છે કેમ કે તેઓ પુરુષો કરતાં હમેશાં મહાન હતી જ અને રહેવાની છે. “

આજે વિજ્ઞાન,રાજકારણ, સાહિત્ય  ટેકનોલોજી, અવકાશ સંશોધન અને રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની ક્ષમતા પુરવાર કરી અગત્યનું યોગદાન આપી રહી છે.બે ભારતીય મૂળ ધરાવતી મહિલાઓ કલ્પના ચાવલા અને ગુજરાતી મૂળની સુનીતા વિલિયમે અવકાશી ક્ષેત્રે અનેરી સિધ્ધિઓ મેળવીને આપણને ગૌરવ અપાવ્યું છે .  

એમ છતાં હજુ પણ ભારત દેશ અને એના રાજ્યોમાં સ્ત્રી ભ્રુણ હત્યાના બનાવો બને છે એ એક દુખદ હકીકત છે. કન્યા ભ્રુણ હત્યાને લીધે નવ જાત છોકરીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા  પરંતુ હજી પણ દીકરીઓને બોજારૂપ ગણવામાં આવે એ કેટલા દુખની વાત કહેવાય !વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે”જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો વહુ લાવશો ક્યાંથી ?” એટલા માટે જ હાલ દેશની મધ્યસ્થ અને રાજ્યની સરકારોને સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, “બેટી બચાઓ , બેટી પઢાઓ” જેવાં અભિયાન દ્વારા લોક જાગૃતિ માટેનું અભિયાન શરુ કરવું પડ્યું છે .

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન “બીગ બી” એ એમના બ્લોગમાં દીકરીઓ વિષે બહુ સુંદર વાત લખી છે કે –

“દીકરીઓ ટેન્શન નથી આપતી, બલકે આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે.દીકરીઓ ખાસ હોય છે, કારણ કે તે અણમોલ હોય છે. તમે તમારી દીકરીને હંમેશાં દીકરો-બેટા કહીને બોલાવી શકો છો, પણ ક્યારેય દીકરાને બેટી કે દીકરી કહી શકતા નથી. એ જ કારણ છે કે દીકરીઓ હંમેશાં ખાસ હોય છે.”

દીકરી એ તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તેજ દીવડી છે.

કોઈએ સરસ કહ્યું છે કે : 

“મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.”

ગુણવંત શાહે પણ કહ્યું છે :

” એક જ સંતાનની શક્યતા હોય ત્યારે કોઈ બાપ જો પરમેશ્વર પાસે દીકરાને બદલે દીકરીની યાચના કરે તો તે  બાપનો જેન્ડર બાયસ રળિયામણો જાણવો.”

એક સ્ત્રી કોઈની દીકરી છે, કોઈની બહેન છે,કોઈની પત્ની છે, કોઈને માટે મમતાની મૂર્તિ માતા છે.આમ સ્ત્રી અનેક સ્વરૂપે વિહરતી દેખાય છે.

સ્ત્રી શક્તિ વીશેની  સુ.શ્રી પારુલ ખખ્ખર રચીત એક કાવ્ય રચના અત્રે પ્રસ્તુત કરવાનું મન કરે છે.  આ રહી એ રચના ...  

સ્ત્રી શક્તિ

એ છે અબળા, એ છે શક્તિ, એ તો છે મર્દાની,
નોખા નોખા રૂપે આખર એ તો એ રહેવાની.

એક હતી એવી બડભાગી શામળિયાની અંગત,
રાણી કહી દો, દાસી કહી દો, કહી દો પ્રેમદિવાની. (મીરાં)

એક હતી ધગધગતી જ્વાળા ખુલ્લા કેશે ફરતી,
આમ સખાનું માની લે પણ આમ કરે મનમાની. (દ્રૌપદી)

એક હતી જે મૂંગામોઢે ધરતી જેવું જીવી,
શું કહેવું કેવી પચરંચી એની રામકહાની ! (સીતા)

એક હતી જે પીઠે બાળક બાંધી રણમાં ઉતરી,
આજ સુધી સૌ યાદ કરે છે એની આ કુરબાની. (રાણી લક્ષ્મીબાઇ)

એક હતી લંકાની રાણી સોના જેવી સાચી,
જગ આખાની સામે હસતી, રડતી છાનીછાની. (મંદોદરી)

એક હતી એવી મક્કમ જે મૃત્યુને હંફાવે,
યમને કહી દે ‘કોમળ છું તો પણ ધાર્યુ કરવાની’. (સાવિત્રી)

એક હતી વીજળીનાં તેજે મોતીડાંને પ્રોવે,
એ સત્સંગી,એ જ્ઞાની ને નોખી એની બાની. (પાનબાઇ)

એક હતી પરદેશી નારી પણ સેવાની મૂરત,
ભુખિયા, દુઃખિયા સૌ આપે છે ઉપમા એને ‘મા’ની. (મધર ટેરેસા)

 પારુલ ખખ્ખર

(સૌજન્ય: “ફૂલછાબ” તા.૧૩/૦૧/૨૦૧૫ની “પનઘટ” પૂર્તિ)

જ્યાં સુધી સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે થતા અસભ્ય વ્યવહારમાં બદલાવ જોવામાં નહિ આવે ત્યાં સુધી આવા મહિલા દિવસની ઉજવણી અધુરી જ રહેવાની છે.આજના આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે સદીઓનાં અંધારાં ઉલેચીને દેશ અને વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને અને એનાં વિવિધ સ્વરૂપોને ઓળખીએ અને એમની સેવાઓને બિરદાવીએ .

વિશ્વની નારી શક્તિ ઝીંદાબાદ .  

ઘમ્મર વલોણું

ઘમ્મર વલોણું-૧૭
ઘેરા વિષાદ વચ્ચે અટવાતો આગળ જાઉં કે, વમળો ઘેરી લે છે. અંધારાને ઓઢી લેવાથી, પ્રકાશની સત્યતા નકારી નથી શકાતી. દુઃખોના ઘેરાવામાં ઢંકાતા, સુખની પરિછાયા દુર નથી થતી. વિષમ પરિસ્થિતિઓને અવગણવાથી તે બદલાઈ નથી જતી. સુખના ઘૂંટડા પીતા પીતા એ પણ ભૂલી ગયો કે દુઃખનું સર્જન છે ! હજી તો એક ડગલું આગળ ભરું કે કોઈએ મારો હાથ પકડ્યો.
“ આટલા બધા નકારાત્મક અભિગમે કેમ હકારાત્મક વલણ ? ”
સાંભળીને બે ડગલા પાછું હટી જવાયું. અને આસપાસ જોયું પણ કોઈ ના દેખાયું. મનમાં થયું કે, નક્કી  હમેશની માફક જગતનો તાત આવીને મને સજાગ કરતો ગયો. કોઇ ના દેખાય એટલે હું સમજી જાવ કે હરિની ક્યાંક હયાતી છે. હું પણ અંધારામાં તીર મારવાની જેમ બબડુંય ખરો !
“ વ્હાલા, આ જે બધું વર્ણન કર્યું કે પામ્યું, તે વેળાની દરેક ચીખ કે આહકારે તમને જ તો યાદ કરું છું. તમને જ તો પોકારું છું. એ વખતે મ્હો ફેરવી અને આંખ આડા કાન કરી લો છો. આવી ને તમેજ દુખ કે વિષાદ આપ્યા છે; તેનો અહેસાસ પણ કરાવી લો છો. તો પછી આમ દુર રહીને મુખ મલાકાવાની અદા તો તમે નહિ જ બદલો એમ ને ? ”
“ વ્યથા અને વ્યવસ્થાને તો અમે જરૂર બેલેન્સ કરીએ છીએ. સુખ અને દુઃખ તો જીવનના તબક્કા છે.  જેને મન પર લઈને દિલમાં ઉતારો છો; ને પાછા મને જ કહો છો. જે દિવસે મનની ગતિ અને દિલની મતિમાં એકરૂપતા સધાય તો સમજ કે ઘણું બધું પામ્યાનો કે ગુમાયાનો અફસો નહિ રહે. જે ફરે છે તે ચરે છે ને પડી રહે છે તે મરે છે. આ કહેવત તો તમે મનુષ્ય લોકોએ જ બનાવી છે ને ? હું દ્રઢ પણે માનું છું કે તમે લોકો જ્ઞાની છો, અને જ્ઞાની લોકો ભક્તિ પણ કરે છે. અમે લોકો પણ મનુષ્ય જ ને ! એક અમર મનુષ્ય જેને સુખ કે દુઃખ સ્પર્શી ના શકે. પાણી એને ભીંજવી ના શકે. હવા એને સુકવી ના શકે. પણ મનુષ્યની ભક્તિ એને જરૂર પીગાળી શકે છે. ”
“ આવું તમે બોલો ને અમે મનુષ્ય જીવ ભોળવાઈ પણ જઈએ છે ! મેં માન્યું કે તમે સર્વોપરી છો, આ સઘળા જગને ઉજીયાળું રાખો છો, હર્યું ભર્યું રાખો છો. અને આવું બધું અમે માની લઈએ કે જાણીએ તે માટેનું જ્ઞાન પણ તમેજ અર્પણ કરેલું છે પ્રભુ. આથી જ તો તમને પામાવાનો સહેલો રસ્તો ભક્તિ કરીએ છીએ. ”


મુખવાસ : મનના તરંગોને હવામાં વહેતા કરીને પાછા વાળવાની મુર્ખામી કરી બેઠો ! 

5 March 2016

દુલા ભાયા કાગના દોહા …. આસ્વાદ ….શ્રી પી.કે.દાવડા

દુલા ભાયા કાગના દોહા …. આસ્વાદ ….શ્રી પી.કે.દાવડા 

લોકબોલીમાં અને તળપદી ગુજરાતીમાં લખાયલા આ દોહામાં જ્ઞાનનો ખજાનો છે.

કડવો લીંબડો હોય, મૂળેંથી માથા લગી;
છાયા શીતળ હોય, કડવી ન લાગે, કાગડા !

હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.

હેવા કુળના હોય, લાંઘણિયો લટકે નંઈ;
કુંજર જમવા કોય, કરે ન ઘાંઘપ, કાગડા !

હે કાગ ! જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી.

ચામ નકે સિવાય, આખી ધરતી ઉપરે;
પગમાં લઈ પહેરાય, કાંટાવારણ, કાગડા !

હે કાગ ! કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી.

ઘટમાં ભરિયેલ ઘાત, મોઢેથી મીઠપ ઝરે;
(પણ) વેધુ મનની વાત, કઈ દે આંખું, કાગડા !

હે કાગ ! અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું

હૈયામાં હરખાય, મેડક મચ્છરને ગળે;
(એને) જાંજડ ગળતો જાય, (પણ) કળ્યું ન પડે, કાગડા !

એક દેડકો ઠેકી ઠેકીને મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે.

સે દોરે સિવાય, માઢુ-કુળ એક જ મળ્યાં;
વાળે નો વીંધાય, (તો) કાપડ ફાટે, કાગડા !

હે કાગ ! કપડું કાયમ દોરાથી જ સિવાય-સંધાય છે, કારણ કે બંનેનું એક જ કુળ છે, જેથી દોરાને અને કાપડને મેળ મળી જાય છે. ઝીણામાં ઝીણો અને પાતળો હોય તો પણ વાળાથી – તારથી કપડું સિવાતું નથી, ઊલટું ફાટી જાય છે.

જમવા કારણ જોય, મનગમતાં ભોજન મળે;
જેને હૈડે વ્યાધિ હોય, કડવું લાગે, કાગડા !

હે કાગ ! ખાવા માટે પોતાને રૂચે એવો ખોરાક થાળીમાં પીરસ્યો હોય, પણ જેને તાવ આવતો હોય અથવા શરીરનો કે મનનો કોઈ વ્યાધિ કે દુ:ખ હોય, એને એ મનગમતાં ભોજન પણ કડવાં ઝેર લાગે છે.

જળથી ભરિયાં જોય, તે વાસણ તાંબા તણાં;
ટાકર મારો તોય, કદી ન બોલે, કાગડા !

હે કાગ ! પાણીથી ભરેલ તાંબાનો અથવા કોઈ ધાતુનો હાંડો, ગાગર કે કોઈ વાસણ હોય, એને ટકોરો મારે છતાં એ અવાજ આપતું નથી, કારણ કે જે સંપૂર્ણ ભરેલ હોય, એ ફાવે તેમ બોલ્યા કરતું નથી, અથવા એને ક્રોધ ચડતો નથી.

જુવો વૃખ જેતાં, તપસી ને ખાટકીઓ તણે;
દિલ છાંયો દેતાં, કરે ન ટાળો, કાગડા !

હે કાગ ! ઝાડવાંઓનો કેવો સમદષ્ટિવાળો સ્વભાવ છે ! એમની નીચે પ્રાણીઓને હણનાર ખાટકી કે પારધી આવે, તો એને પણ શીતળ છાયા આપે છે અને વેદપાઠી બ્રાહ્મણ તપસ્વી આવે, તો એને પણ પોતાની છાંયડી આપે છે – કોઈ સાથે ભેદભાવ રાખતાં નથી.

ચિત્ત ન રિયા સંતોષ, રોષ સદા ભરિયા રિયા;
દેખે સૌના દોષ, કુમત આવી, કાગડા !

હે કાગ ! જેના ચિત્તમાં કદી સંતોષ કે શાંતિ હોતી નથી અને કાયમ રોષના અગ્નિથી જે બળ્યા કરે છે, તે આખા જગતના અવગુણો જ જોયા કરે છે, કારણ કે તેને કુમતિ આવી હોય છે.

શીળો સારો હોય તો, બાવળનેય બેસાય;
(પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા !

પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવળને છાંયે સુખેથી બેસાય છે, પણ તેથી તેના કાંટાનો કોઠી ભરીને ઘરમાં સંગ્રહ ન થાય. અર્થાત્ કોઈ વસ્તુનો ગુણ હોય તેનો ઉપયોગ કરવો, પણ તેની જ સાથે રહેલી અવગુણકારક અથવા નકામી વસ્તુ પર મોહ ન રાખવો.

સૂરજ ઘર સંઘરેલ, ચોરી જળ સાયર તણાં;
અષાઢે ઓકેલ, કોઠે ન રયાં, કાગડા !

ચોરી એવી વસ્તુ છે કે કોઈના ઘરમાં જરતી નથી, હજમ થતી નથી, તેનો દાખલો કે સૂર્ય પોતાનાં કિરણો વડે સમુદ્રનુ જળ, આઠ મહિના ચોર્યા કરે છે. પણ ચોમાસામાં અષાઢ મહિનામાં તે પાણી સૂર્યને ઓકી કાઢવું પડે છે. બીજાનું હરીને લઈ લીધેલું કાયમ કોઈ ભોગવી શકતું નથી.

પાણી પણ એક જ પીએ, આંબામાં ઊભો હોય;
(પણ) નેસળ મીઠો નોય, કડવો લીંબડ, કાગડા !

આંબાના વનમાં લીંબડો ઊગ્યો હોય, તે આંબાની સાથોસાથ એક જ જાતનું પાણી પીએ છે. આંબાની ડાળ સાથે પોતાની ડાળ ઘસીને હિલોળા મારતો હોય છે, કાયમ આંબાનો જ એને સંગ છે, પણ એના બીજમાં જે કડવાશ કુદરતે નાખી છે, તે ગમે તેવા મીઠા સંજોગોમાં પણ બદલાતી નથી. એટલે એ લીંબડો આંબાની વચ્ચે જ મોટો થયા છતાં કોઈ દિવસ એની કડવાશ તજી મીઠો નથી થાતો.

સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય N Raghuraman

સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય N Raghuraman

દલિત જાતિમાં જન્મેલા અને રંકમાંથી રાય બનેલા રાજા નાઇકના જીવનની સફળતાની આ ગાથા ઘણી પ્રેરક છે.

આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા એમનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. પોતે દલિત છે અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.

એમની સફળતા માટેની પ્રેરણા એમને 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજયનું પાત્ર ભજવતા અમિતાભ બચ્ચનના સંવાદના આ શબ્દો ‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.” બન્યો હતો.

આ લેખના અંતે લેખકે કહ્યું છે એમ જીવનમાં સફળતા માટે કોઈ એક મોટિવેટર કે સફળતાની સીડી ચડેલા કોઈ પણ વ્યક્તિની વાર્તા- Sucees Story- ની જરૂર હોય છે, પછી એ વાસ્તવિક હોય કે આ ત્રિશુલ હિન્દી ફિલ્મના નાયક અમિતાભ બચ્ચન જેવી કોઈ એક ફિલ્મની કાલ્પનિક સ્ટોરી હોય.

વિનોદ પટેલ

સફળતા માટે મોટિવેશન જરૂરી, ભલે તે કાલ્પનિક હોય –N Raghuraman

‘શાંતિ કન્સ્ટ્રક્શન- હું આ નામને આકાશમાં લખેલું જોવા માંગુ છું.”

success storyઆ તો ઘણા જાણીતા સંવાદોમાંનો એક છે જે 1978ની હિટ ફિલ્મ ‘ત્રિશૂલ’માં વિજય બોલ્યો હતો. તે પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું હતું. બે વર્ષ પછી ફિલ્મ ‘કભી-કભી’માં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવનારા વહીદા રહેમાન ફિલ્મ ‘ત્રિશૂલ’માં તેમના મા બન્યાં હતા.

– મોહમ્મદ અલીએ કહ્યું હતું, ‘સામે ઊભેલો પહાડ નહીં, જૂતામાં રહેલો કાંકરો ચઢાઇમાં થકવી નાંખે છે.’

આખી ફિલ્મમાં તેમની હાજરી જણાય છે, જોકે તે પાત્ર સ્ક્રિન પર ખૂબ ઓછું દેખાય છે. માતા શાંતિ પ્રત્યેના સમર્પણને કારણે જ વિજય ગરીબીમાંથી બહાર આવવા માંગે છે, ભલે તે માટે કોઇ પણ રસ્તો કેમ અપનાવવો ન પડે. તે શાંતિના નામે જ એક આખી કન્સ્ટ્રક્શન કંપની બનાવે છે.

આપણામાંથી ઘણાં લોકો માટે બોક્સર મોહમ્મદ અલી પ્રેરણા હોઇ શકે છે, પણ રાજા નાઇક માટે તો વિજય જ પ્રેરણા બની ગયો હતો. ‘ત્રિશૂલ’નો સ્ક્રિન હીરો અને કંગાળ માણસ, જે માત્ર ત્રણ કલાકમાં રિયલ એસ્ટેટનો બાદશાહ બની જાય છે. રાજાના દિમાગમાં જ્વાળામુખી સક્રિય કરવા માટે થિએટરના અંધારામાં વિતાવેલા ત્રણ કલાક પૂરતાં હતા. તેમણે જાતને વિશ્વાસ આપ્યો કે, સપનાઓને સાચાં કરી શકાય છે. તે પણ રિયલ એસ્ટેટનો બાદશાહ બનવા ઇચ્છતો હતો.

આ આ વિશ્વાસને આધારે જ તે ત્યારના બોમ્બે અને આજના મુંબઇમાં જઇ પહોંચ્યો. અને પછી ભગ્ન હૃદયે હતાશ થઇને પાછો ફર્યો. પણ ફિલ્મમાં જેમ વિજય સતત પોતાના પિતાની વિરુદ્ધમાં યોજનાઓ ઘડતો રહે છે, તે પણ હંમેશાં તકની શોધમાં રહ્યો . 70ના દાયકાના છેલ્લાં વર્ષોમાં રાજાએ ભણવાનું છોડી દીધું. તે પહેલાં પ્રી-યુનિવર્સિટી કોર્સમાં હતો.

પોતાના મિત્ર દિપક સાથે પાર્ટનરશીપ કરી અને સડક પર શર્ટ વેચવાનો નિર્ણય કર્યો. બંનેએ 10 હજાર રૂપિયા એકઠાં કર્યાં અને તમિલનાડુના ત્રિપુર જવાનો નિર્ણય કર્યો. ત્રિપુર ખૂબ મોટું ગારમેન્ટ અને ટેક્સટાઇલ હબ હતું. જેવી ‘ત્રિશૂલ’માં વિજયની માતા હતી, તેવી જ રાજાની માતાને રાજા ખૂબ પ્રિય હતો. માતાએ તેને ધંધો જમાવવા માટે જે પણ તેની પાસે હતું, બધું આપી દીધું. માએ આ પૈસા જેમ ચકલી ઘાસ ભેગું કરે છે તેમ ભેગાં કર્યાં હતા.

તેમણે 50 રૂપિયાના ભાવે શર્ટ ખરીદ્યા અને બેંગલુરુ લાવી 100 રૂપિયામાં વેચી દીધાં. આમ તેઓને 100 ટકા નફો થયો. આ સફળતાથી ખુશ થઇ બંને મિત્રોએ નફાના પૈસાનું ફરી રોકાણ કર્યું. વેચાણ માટે અન્ય સામાન પણ લાવવા માંડ્યાં. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જતાં, જાણે તેમના પગમાં પૈડાં લાગેલાં હોય. આ માત્ર શરૂઆત હતી. તેમણે નક્કી કર્યું લીધું કે તેઓ જ્યાં સુધી પૈસાનો ભંડાર ભેગો નહીં કરી લે, નિરાંતનો શ્વાસ નહીં લે.

ત્રણ વર્ષ પછી તેમણે સારો એવો ધંધો જમાવી લીધો અને તેમાં કોલ્હાપુરી ચપ્પલ અને અન્ય ફૂટવેર પણ ઉમેરી દીધાં. પાર્ટનરથી છૂટાં પડ્યાં પછી રાજાએ ગરીબીને ધરમૂળથી ઉખેડી નાંખવાનો નિશ્ચય કરી લીધો અને આજે ઘણાં વેપાર-ધંધા દ્વારા તેનું 60 કરોડથી વધારેનું ટર્નઓવર છે. તેમાં એમસીએસ લોજિસ્ટિક્સ કંપની ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ અને શિપિંગનું કામ કરે છે. અક્ષય એન્ટરપ્રાઇઝિસ પેકેજિંગ, જાલા બેવરેજિસ પેકેજ્ડ પાણી બનાવે છે, ‘પર્પલ હેઝ’ બેંગલુરુમાં બ્યૂટીસલૂન અને સ્પા ચલાવે છે. આ સિવાય ત્રણ પાર્ટનર સાથે ન્યુટ્રી પ્લાન્ટ છે. આ કંપની સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સાથે એનર્જી બાર અને ચિયા રાઇસથી બનેલા ઓઇલ પ્રોડક્ટ લાવવાનું કામ કરે છે.

રાજા, જેઓ પોતે દલિત છે, તેઓ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે. તેઓ અભાવગ્રસ્ત બાળકો માટે સ્કૂલ પણ ચલાવે છે.

ફંડા એ છે કે, સફળતા માટે તમારે મોટિવેટર અને વાર્તાની જરૂર હોય છે, ભલે તે વાસ્તવિક હોય કે કાલ્પનિક.

સાભાર –N Raghuraman

સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ .... હાસ્ય લેખ ..... લેખક- શ્રી હરનિશ જાની.

સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ .... હાસ્ય લેખ .....

લેખક- શ્રી હરનિશ જાની.

ઘણા સિનીયરોને (ડોસાઓને),યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા છે?  સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું. પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. જ્યારે સારી નોકરી મળે ત્યારે પરુષ સેટલ થયો ગણાય. એટલે પુરુષોની એ દલીલ પણ ધોવાઈ ગઈ. અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ?  જુની હિન્દી ફિલ્મોમાં  જ્હોની વોકર કહેતો કે "પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી."

મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે " કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધા તો છુટી ગયા. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે."અને મને મારો જવાબ મળી ગયો.

પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને રાજાનું સંબોધન કર્યું. અને વાંદરને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓને જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં કોઈ જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું જ નથી એ કદી મૂર્ખાઈ કરતો જ નથી.

અહીં ,અમેરિકન આર્મીમાં હાઈસ્કુલના છોકરાઓ વધુ જોડાય છે. આર્મીમાં આલ્કોહોલ અને સિગારેટ  મફત મળે. અને ઘેર માબાપ પીવાની ના પાડે. તેમને  યાદ નથી રહેતું કે સિગારેટ પીધા પછી સાચી ગોળીઓ ખાવાની  હોય છે. લગ્નમાં વરઘોડા દેખાય છે. પણ પાછળ યુધ્ધ પણ હોય છે. પરંતુ બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલી જ દેખાય છે. એ  માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો.                                 

અને કૌરવોએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું.  દુર્યોધન સાચો પડ્યો ને!

આજકાલ સાઠવરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય.કારણ કે મારા એક સાઠ વરસના મિત્ર પોતાને આધેડ વયના ગણાવે છે. તો મારે કહેવું પડ્યું કે ‘ જો તમે કોઈ એક સો વીસ વરસના ડોસાને જોયો છે? અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે  પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે.

પહેલાંના જેવી બિડીઓ પણ પીવાતી નથી. એટલે કાંઈક અંશે લંગ્સ કેન્સર ઓછા થઈ ગયા છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો  બીજી સ્ત્રીઓ કહે કે," ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.

એક દિવસે  તે ટી.વી. પર હિન્દી ચેનલ જોતી હતી. મેં જોયું તો સાઉન્ડ ઓફ હતો..મેં કારણ પૂછ્યું તો કહે કહે કે "મને બહુ અવાજ નથી ગમતો"

‘ તો પછી ટીવી બંધ કરીને બેસને .‘                                                           ૪

‘ના તો પછી એકલું લાગે છે. અને તું જો સાથે બેઠો હોય તો તું તો સોફામાં બેઠો બેઠો ઊંઘે છે.‘

મારા પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં?  હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે. કોઈના લગ્ન વખતે એમના જેવી સાડી પહેરવાની કામ લાગે. બીજું તો કાંઈ નહીં  પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.

રિટાયર્ડ થયા પછી  એક મ્યાનમાં કદાચ બે તલવાર રહી શકે.પરંતુ પતિ,પત્ની બન્ને ,એક સાથે સોફા પર ન બેસી શકે. ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ. અને કારની ટેવ મુજબ,.રીમોટ કંટ્રોલ મારા હાથમાં હોય પણ મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે.

જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘

‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે .તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.‘  દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં  બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કરવા કેલ્શિયમની ગોળીઓની. પછી હું સમજી ગયો કે  મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતીએ બધું બરાબર છે ને!  

પેલા ભરતભાઈને  ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું સંભળાવતા હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘ 

 "પણ  તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે."

"ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે." 

વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું  સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું , અને સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.                                   

પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે.  મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સિનીયરનો  

સ્વભાવ અંત સુધી રહેવાનો. એ વાતની  કોઈ પણ પુરુષને ખબર નથી. હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે બધી લલિતા પવારો જુવાનીમાં આશા પારેખો જ હતી.

મોટા ભાગના જુવાનીયાઓ  લગ્ન કરે છે. ત્યારે ધાર્મિક નથી હોતા.

અને સિનીયર વરસોમાં વરરાજા સાધુ બની જવાના વિચાર કર્યા કરે છે. અને તે ક્યારે સાધુ થાય છે.એની રાહ જોતી વહુરાણી બેઠી હોય છે. કુર્યાત્ સદા મંગલમ્.

તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો

તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો

–રોહીત શાહ
એ કોઈ એક જ બાજુથી સત્યને જોવા–સમજવાનો પ્રયત્ન કરનારો છે. એ પોતાની આંખો પર અંગત માન્યતાઓ અને પુર્વગ્રહોની પટ્ટીઓ બાંધી દઈને, સ્વેચ્છાએ અન્ધાપો સ્વીકારનારો છે. બીજા ધર્મગ્રંથોમાં વધારે સારી અને વધારે સાચી વાત કહેલી હશે તોય એ નહીં જ સ્વીકારે. કોઈ પુછશે કે એમાં ખોટું શું છે ? પોતાના ધર્મને વફાદાર રહેવામાં શો વાંધો ?
વાંધો અહીં વફાદારી સામે છે જ નહીં. વફાદારી તો સ્વયમ્ ધર્મ છે. એની સામે શાનો વાંધો ? વાંધો તો પેલી જડતા સામે છે. બીજો કોઈ ધર્મગ્રંથ વાંચવાનો જ નહીં, એમાં રજુ થયેલાં સવાયાં સત્ય સ્વીકારવાનાં જ નહીં, પોતાના ધર્મ સીવાયના અન્ય તમામ ધર્મો ઉણા–અધુરા અને ખોટા છે એમ માનીને એની આભડછેટ પાળવી; આ બધી સંકુચીતતાઓ અને જડતાઓ સામે વાંધો છે.
ધર્મ આપણને ખુલ્લા મનના થવા દે એવો હોવો જોઈએને ! ધર્મ આપણા મસ્તીષ્કને બંધીયાર અને અવાવર બનાવનારો થોડો હોય ? અન્ય ધર્મો પ્રત્યે સદ્ભાવ રાખવામાં આપણા ધર્મ પ્રત્યેની વફાદારી ક્યાં ખતરામાં પડી જાય છે ? તમે બીજા ધર્મ પ્રત્યે સમભાવ ભલે ન રાખી શકો, સદ્ભાવ તો રાખી જ શકો ને ! બીજા ધર્મને ભલે તમે તમારા ધર્મની સમાન ન માનો; છતાં એ ધર્મ પ્રત્યે–એ ધર્મમાં, શ્રદ્ધા રાખનારાઓ પ્રત્યે સદ્ભાવ જરુર રાખો. અને જો તમારો ધર્મ તમને એટલું કરવાની છુટ ન આપતો હોય તો, તમે તમારા એ તથાકથીત ધર્મના ખોળામાંથી તરત જ ઉભા થઈ જાવ એ તમારા હીતમાં છે.
ક્યારેક આના કરતાં સાવ વીપરીત પરીસ્થીતી જોવા મળે છે. કેટલાક તથાકથીત ભક્તો કોઈ એક સમ્પ્રદાય કે ઈશ્વરને માનવાને બદલે જ્યાંથી વધારે અને જલદી લાભ મળવાની સમ્ભાવના દેખાય ત્યાં કીર્તન કરવા કતારમાં ખડા રહી જાય છે. એમની શ્રદ્ધા ભારે લપસણી હોય છે. જ્યાં લાલચ સાકાર થતી હોય ત્યાં લપસી પડવા એ તત્પર રહે છે. ક્યારેક ચુંદડી ચઢાવશે તો ક્યારેક ચાદર ચઢાવશે, ક્યારેક શ્રીફળ વધેરશે તો ક્યારેક બલી ચઢાવશે. ક્યારેક માળા ફેરવશે તો ક્યારેક ડુંગર ચઢશે, ક્યારેક નદીમાં ડુબકી મારશે તો ક્યારેક બ્રહ્મચર્ય પાળશે, ક્યારેક ધુપ–દીવા કરશે તો ક્યારેક અભીષેક કરશે. કાંઈ પણ કરવા એ હરપલ તૈયાર રહે છે. બસ, એમ કરવાથી કંઈક લાભનાં એંધાણ વર્તાવાં જોઈએ. ક્યારેક સાંઈબાબા તો ક્યારેક સન્તોષી માતા, ક્યારેક હનુમાનજી તો ક્યારેક ઘંટાકર્ણ, ક્યારેક શંકર તો ક્યારેક બુદ્ધ ! ઘણા ભક્તો તો ઈષ્ટદેવ પાસે લાઈફ પાર્ટનર મેળવવા જતા હોય છે ! કોઈને નોકરી જોઈએ છે તો કોઈને તરક્કી જોઈએ છે. કોઈકને સન્તાન જોઈએ છે તો કોઈકને રોગમુક્તી જોઈએ છે. જ્યાંથી આ બધું મળી શકવાની સમ્ભાવના દેખાય ત્યાં જઈને એ આળોટવા મંડી પડે છે.
આ પણ વાહીયાત અને વ્યર્થ પ્રયોગ છે.
કોઈ પણ પરમતત્ત્વ પાસે અંગત સ્વાર્થની ચીજ માગીએ તો એ એનું ઈન્સલ્ટ કર્યું કહેવાય. પરમ તત્ત્વ જો હોય અને આપણે તેને જેટલું મહાન માનીએ છીએ તેટલું મહાન એ તત્ત્વ હશે તો આપણા હજાર અપરાધો માફ કરીનેય, એ કૃપા કરશે અને જો એનું અસ્તીત્વ જ નહીં હોય તો લાખ વખત માથાં પટકવા છતાં કશું મળવાનું નથી.
જે ધર્મગ્રંથ આપણા પોતાના પર વીશ્વાસ કરવાનું શીખવાડે એ જ સાચો ધર્મગ્રંથ છે. તમને ઈશ્વર પર શ્રદ્ધા છે કે નહીં તે એટલું ઈમ્પોર્ટન્ટ નથી; પણ તમને ખુદ તમારા પર શ્રદ્ધા હોય એ ઈમ્પોર્ટન્ટ બાબત છે. ઈશ્વર કાલાવાલા કરનારને ચાહે કે કર્મવીરને ચાહે ? ઈશ્વર બાધાઓનાં વળગણોને પકડી રાખનારને વરદાન આપે કે પછી પોતાના માર્ગની બાધાઓ (અડચણો) દુર કરવાનું સામર્થ્ય ધરાવનારને વરદાન આપે ?
પોતાના ધર્મ પ્રત્યે મમભાવ જાળવી રાખીને, બીજાના ધર્મ પ્રત્યે સદ્ભાવ રાખી શકાય તો નો પ્રૉબ્લેમ.
–રોહીત શાહ
હરે કૃષ્ણ
તેં વાંસળીના જોરે જે કર્યું એ મોબાઈલથી કરી શકે તો માનું;
એસેમેસ કરીને પેલી ગોપીઓનાં દીલ હરી શકે તો માનું.
કેસરીયાળી ધોતીમાં તું  કેટલીય વાર રાસ રમી આવ્યો હશે;
જીન્સનું પેન્ટ પહેરીને તું જો ગરબામાં ગોળ ફરી શકે તો માનું.
ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકી લીધો તેથી શું થયું ?
લાચાર પ્રજાને હેરાન કરનારા દાઉદને તું અડી  શકે તો માનું.
તેં અર્જુનને તો એના સગાઓ સામે લડવાની પ્રેરણા આપી;
બે ભાઈઓનાં કાળજાંમાં એકબીજા માટે પ્રેમ ભરી શકે તો માનું.
ચમત્કારો કરીને તો તેં કંઈ કેટલીયને તારા વશમાં કરી લીધી;
રાધાની આંખોમાં ખોવાઈ, મીરાની આંખોમાં જડી શકે તો માનું.
તું તો ઘણી બધી ગોપીઓ સાથે ખુબ છુટથી હરતો–ફરતો હતો;
કેટરીના કેફને એક વાર એપોઈન્ટમેંટ વગર મળી શકે તો માનું.
–મૃગાંક શાહ–
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી