Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

11 June 2015

ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો !


»

ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો !

– રોહીત શાહ
એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઉભો રહ્યો. એ વખતે કૅશીયર થોડે દુર સ્ટાફના બીજા મીત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બીઝી હતો. પંદર–વીસ મીનીટ સુધી પેલો માણસ રાહ જોતો રહ્યો. તે મનમાં અકળાઈ રહ્યો હતો : કૅશીયર કેવો બીનજવાબદાર છે ! દુરથી તેને કાઉન્ટર પાસે ઉભેલો આ માણસ દેખાતો હતો; છતાં તેને કશી પરવા નહોતી ! ડ્યુટી–અવર્સ દરમ્યાન સ્ટાફમીત્રો ગપ્પાં મારીને ક્લાયન્ટને હેરાન કરે એ નીયમવીરુદ્ધ હતું. પેલા માણસનો રોષ વધતો જતો હોવા છતાં તે ખામોશ રહ્યો. તેણે વીચારી લીધું કે આ કૅશીયરને અવશ્ય પાઠ ભણાવવો પડશે. એ દીવસે પૈસા લઈને તે કશું જ બોલ્યા વગર ઘરે પાછો આવ્યો. પછી તેણે કૅશીયરના નામે બૅન્કના સરનામે એક સાદો પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ પણ પ્રકારનો રોષ ન આવી જાય એની તેણે ચીવટ રાખી.
તેણે માત્ર એટલું જ લખ્યું હતું, ‘ગઈ કાલે હું મારા સેવીંગ્સ અકાઉન્ટમાંથી રકમ ઉપાડવા બૅન્કમાં આવ્યો ત્યારે તમે તમારા સ્ટાફમીત્રો સાથે કશીક અગત્યની ચર્ચામાં મગ્ન હતા; છતાં મને માત્ર પચ્ચીસ મીનીટમાં જ રકમ મળી ગઈ. બીજી કોઈ બૅન્કમાં મારે આ કામ કરાવવાનું હોત તો ત્યાંના કૅશીયરની બેફીકરાઈ અને બીનજવાબદારપણાને કારણે મારે ઘણો વધારે સમય કદાચ રાહ જોવી પડી હોત. તમે ચર્ચા અધુરી મુકીને આવ્યા અને મને રકમ આપી એમાં તમારી નીષ્ઠા અને સદ્ ભાવ મને દેખાયાં. હું તમારો આભાર માનું છું અને તમારી ફરજનીષ્ઠાને બીરદાવું છું.’
પોતાનું નામ, અકાઉન્ટ નંબર વગેરે લખ્યાં, પછી પત્ર પોસ્ટ દ્વારા મોકલી આપ્યો.
એકાદ અઠવાડીયા પછી આ માણસ બૅન્કમાં ગયો ત્યારે પેલો કેશીયર ખુબ ગળગળો થઈને તેને ભેટી પડ્યો, પોતાની બેદરકારી માટે માફી માગી અને ફરીથી કોઈની સાથે એવી બીહેવીયર નહીં કરવાની ખાતરી ઉચ્ચારી.
ગુસ્સે થઈને ગાળો બોલી શકાય, તેનું ઈન્સલ્ટ કરી શકાય, તેને નીયમો અને કાનુન વીશે મોટા અવાજે વાત કરીને ઉતારી પાડી શકાય, થોડીક વાર માટે પોતાનો રુઆબ બતાવી શકાય, ત્યાં ઉભેલા અન્ય અજાણ લોકો ઉપર વટ પાડી શકાય; પણ આ બધું કર્યા પછીયે કૅશીયરને સુધારી શકાયો ન હોત. કદાચ તે વધુ બેફામ અને બેદરકાર એટલે કે નફ્ફટ થઈ ગયો હોત. પણ આ સફળ ઉપાય હતો.
આવી જ એક બીજી ઘટના છે. એક મૅડમ સાડીઓના મોટા શોરુમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં; પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મૅડમે પોતાના ડ્રાઈવર સાથે શોરુમના માલીકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બીલ પરત મોકલું છું. તમારા શોરુમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે; પરંતુ એ બીલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલીંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરુમની પ્રતીષ્ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે–ત્રણ હજારનું જ નુકસાન થયું છે; પણ એટલા જ કારણે તમારા શોરુમની પ્રતીષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભુલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણીક વેપારી તરીકે વધુ કામીયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’
શોરુમનો માલીક એ પત્ર વાંચીને ગદ્ ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દીલગીરીના થોડાક શબ્દો પણ.
ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું; પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારીએ છીએ અને એટલું કર્યા પછીયે પૉઝીટીવ રીઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી !
કોઈ પણ વ્યક્તીને પોતાની અપ્રીસીએશન–કદર થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરુર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ. દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સીમ્પલ લૉજીક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવીશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ.
રોહીત શાહ

ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ

ગુજરાતી ભાષા અને બાળકોની સેવામાં એક ‘મોટ્ટો’ પ્રોજેક્ટ

મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશ જાની વ્યવસાયે એન્જીનીયર તરીકે વરસોથી કામ કર્યું હોઈ, એમનામાં ગજબની તકનીકી સૂઝ બુઝ છે .
એમની ૭૨ વર્ષની ઉંમરે ૨૧મી સદીના એક ઉત્સાહી બાળકની જેમ રોજ કંઇક નવું જાણવાનો એ શોખ ધરાવે છે .આધુનિક ‘Scratch’ ટેકનોલોજીમાં ખંતથી ઊંડા ઉતરી એને આત્મસાત કરી ‘Scratch’ પર અવનવા પ્રોજેક્ટ એમણે જાતે તૈયાર કર્યા છે એ કાબિલે દાદ છે.
એમના એક છેલ્લા પ્રોજેક્ટ વિષે એમના બ્લોગ સૂર સાધનામાં પ્રગટ એમની પોસ્ટ વિનોદ વિહારના વાચકો માટે એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું.
વિનોદ પટેલ
Originally posted on સૂરસાધના:
ઈ-વિદ્યાલય અને સ્ક્રેચ – બેના સુભગ સમ્મેલનથી એક નવા અને મોટ્ટા પ્રોજેક્ટની શરૂઆતની આ ઘોષણા છે.
logo
બાળકો માટે એક જીવંત ( Animated ) શબ્દકોષ.

આ રહ્યો

 આ ચિત્ર પર 'ક્લિક' કરી, ત્યાં પહોંચી જાઓ. આ ચિત્ર પર ‘ક્લિક’ કરી, ત્યાં પહોંચી જાઓ.
      વાત જાણે એમ છે કે, ૨૦૦૧ની સાલમાં આ લખનાર અહીંની સ્થાનિક લાયબ્રેરીમાંથી તેના દોહિત્રો માટે એક સોફ્ટવેર સીડી લઈ આવ્યો હતો -. બાળકોને  જીવંત ( Animated) ચિત્રો અને અવાજ સાથે અંગ્રેજી ભાષાના પાયાના ૧૦૦૦ શબ્દો  શીખવતો સોફ્ટવેર. બાળકો તો હરખભેર એ માણતા જ હતા; પણ આ જણને પણ એ માણવાની મઝા જ કાંઈક ઓર હતી. એ વખતે એમ હમ્મેશ થતુંં કે,
આપણી વ્હાલી ભાષા,
આપણાં વ્હાલા બાળકોને
શીખવતો આવો સોફ્ટવેર
હોય તો કેવું સારૂં?
     ‘Scratch’ પરના આ લખનારના એક વર્ષના રિયાઝથી એવો સર્વાંગ સુંદર અને શક્તિશાળી તો નહીં, પણ એની નાનકડી પ્રતિકૃતિ સમાન પ્રોજેક્ટ શરૂ કરી શકાયો છે. ઉપર બતાવેલા ચિત્ર પર ક્લિક કરી એ ‘પાયલોટ પ્રોજેક્ટ’ માણી લેવા/  નાણી લેવા વિનંતી. વાચકોને…

બાળદીક્ષા એટલે બળાત્કાર



બાળદીક્ષા એટલે બળાત્કાર

– રોહીત શાહ
હેડીંગ વાંચીને જરાય ભડકશો નહીં. મારા અને તમારા વીચારો ડીફરન્ટ હોઈ શકે છે, નોટ ઓન્લી ડીફરન્ટ, અપોઝીટ પણ હોઈ શકે છે. ‘અપોઝીટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્તવાદી તો અપોઝીટ વીચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે.
સૌ પ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચીત અર્થમાંથી આપણે બહાર નીકળી જઈએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ, કોઈકના પર બળજબરી કરવી કે કોઈકની પાસે તેની મરજી વીરુદ્ધ આપણા સ્વાર્થનું કોઈ કામ કરાવવું એવો થાય છે.
હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વીશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફીલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવોબળાત્કાર નથી તો બીજું શું છે ?
કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઈરાદાપુર્વક બાળકોને તથા તેમનાં પૅરન્ટ્સને અજ્ઞાન અને અન્ધશ્રદ્ધાની લહાણી કરતા રહે છે. ‘સંસાર અસાર છે’, ‘સંસાર કાદવ છે’, ‘સંસાર જ પાપનું મુળ છે’ – એવી પોપટરટ કરતા રહીને સંસાર પ્રત્યે નફરત ફેલાવવાનો હૉલસેલ કારોબાર કરતા રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થંકરો, દેવો, સન્તો કોણે આપ્યા? મહાવીર પણ સંસારમાંથી જ આવ્યા અને હેમચન્દ્રાચાર્ય પણ સંસારે જ આપ્યા છે… સંસાર કાદવ હોય તો ભલે રહ્યો, કાદવ પાસે કમળ ખીલવવાનું સામર્થ્ય છે. જે લોકો કાદવના આ સામર્થ્યને ઓળખી નથી શક્યા, તેઓ સંસારને ધીક્કારતા રહે છે.
આપણે ત્યાં ઠેરઠેર બાળકના ઈનોસન્ટ માઈન્ડમાં એકનું એક જુઠાણું વારમ્વાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ થતું રહે છે. પૅરન્ટ્સ ઈચ્છાએ કે અનીચ્છાએ પાપ પર પોતાની સમ્મતીની મહોર લગાવતાં હોય છે. બાળકને લેટેસ્ટ ટૅક્નોલૉજી દ્વારા ઈન્ટેલીજન્ટ પર્સનાલીટી બનાવવાને બદલે કોઈ અપાસરાના ખુણામાં ગુરુના પગ દબાવવા, ગુરુનાં કપડાંના કાપ કાઢવા, ગુરુની ગોચરી વહોરવા કે ‘ગુરુદેવો ભવ’નો મન્ત્રજાપ કરવા ગોઠવી દેવામાં આવે છે. એના આત્માનું કલ્યાણ કેટલું થયું, એની મોક્ષ તરફ ગતી થઈ કે નહીં; એનું તો ક્યાં કોઈ સર્ટીફીકેટ આપવામાં આવે છે ? એ તો બધું માત્ર માની લેવાનું અને ધન્ય ધન્ય થઈ ઉઠવાનું ! સત્યથી તદ્દન વેગળી વાતને પણ સત્ય માની લેવામાં આપણી તોલે કોઈ આવે તેમ નથી !
હું એવા અનેક મુનીઓ–પંન્યાસોના સંપર્કમાં આવ્યો છું કે જેઓએ બાળદીક્ષા લીધી હતી અને અત્યારે યુવાન વયના છે. એ સૌ અત્યારે ધોબીના કુતરા જેવી જીન્દગી જીવી રહ્યા છે; નથી સંયમમાં સ્થીર થઈ શકતા, નથી સંસારમાં પાછા આવી શકતા! એક પંન્યાસજીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની વીનંતી સાથે કહ્યું કે, ‘સંયમજીવન પવીત્ર છે કે નહીં એ વીશે મારે કશું જ કહેવું નથી; પણ સંસાર છોડ્યા પછી મને એટલું સમજાઈ ગયું છે કે સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે!’ એક વડીલ મુની કહે છે, ‘બાળદીક્ષા આપનાર અને અપાવનાર બન્ને પાપી છે; કારણ કે એમાં દીક્ષા લેનાર વ્યક્તીની પક્વ સમજણ(મેચ્યોરીટી)ની સમ્મતી લેવામાં આવતી નથી; પણ તેના ભોળપણ સાથે છેતરપીંડી જ કરવામાં આવે છે.’ એક યુવાન મુનીએ બળાપો કાઢ્યો કે, ‘દીક્ષા લીધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ! એટલે મન સંસાર પ્રત્યે આકર્ષાયા વગર રહેતું નથી. સંસાર છોડીને જંગલના એકાન્તવાસમાં રહેવાનું હોય તો વાત જુદી છે. વળી, અમારા ગુરુઓને હવે ભગવાનની પ્રતીષ્ઠાના નામે પોતાની પ્રતીષ્ઠા કરાવવામાં, વરઘોડા–સામૈયાં કઢાવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પછીના અમારા અભ્યાસ અને સ્વાધ્યાય અંગે એમને ભાગ્યે જ ફુરસદ મળે છે. મોટા ભાગે દરેક ગુરુ પાસે પોતાના જાતજાતનાં પ્રોજેક્ટ્સ હોય છે. એ પ્રોજેક્ટ્સ પૂરાં કરવાની લાયમાં ગુરુઓ ઓવરબીઝી રહે છે. નવદીક્ષીતના સંયમ–ઘડતર માટે તેઓ પૂરતો સમય ફાળવી જ નથી શકતા અને એમને એટલી પરવાય હોતી નથી. છેવટે એમ થાય છે કે આના કરતાં તો સંસાર ભોગવ્યો હોત તો સારું હતું !’
ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી નહોતી. ચોવીસ તીર્થંકરો પૈકીના કેટલા તીર્થંકરોએ બાળદીક્ષા લીધી હતી? બાળદીક્ષા લઈને એક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય પાકે એટલે દરેક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય જ બનશે એમ માની ને હજારો–લાખો બાળકોને મુંડી નાખવામાં શાણપણ નથી. બાળદીક્ષા સફળ થયાનાં જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નીષ્ફળ ગયાનાં ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે. ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગી ગોરખધંધા શરુ કરી દે છે.
મારી દૃષ્ટીએ તો જ્યાં સુધી વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનો સ્ટડી ન કરે ત્યાં સુધી તેને દીક્ષા આપવી જ ન જોઈએ. જો વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પામી હોય તો તેનું બૌદ્ધીક સ્તર નક્કર બન્યું હોય, કુદરતી આવેગોને ઓળખી શકે એટલી તેની શારીરીક પુખ્તતા પાંગરી ચુકી હોય. પુખ્ત વ્યક્તી જે નીર્ણય લેશે તે પોતાની સમજણથી અને મરજીથી જ લેશે ! કોઈના ઉધાર ગાઈડન્સથી પ્રેરાઈને એ કોઈ ઉતાવળીયો કે ખોટો નીર્ણય નહીં લે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્તવયે વ્યક્તી શારીરીક અને માનસીક રીતે ડામાડોળ બને છે. એને સેક્સની પણ આવશ્યક્તા સમજાય છે. યૌવનના આરંભે તેની સહજ વૃત્તી જાગે છે અને એ કારણે જ વીવીધ ધર્મોના સાધુ–સમાજનાં સજાતીય–વીજાતીય સેક્સ–સ્કેન્ડલોની ઘટનાઓ આપણને મીડીયામાં વારંવાર જોવા–વાંચવા મળે છે ! એવી ઘટનાઓ મીડીયા સુધી ન પહોંચે તે માટે યેનકેન પ્રકારેણ દબાવી દેવામાં આવે છે. મીડીયામાં પ્રગટ ન થયેલી ઘટનાઓની સંખ્યાય આપણે ધારીએ તેટલી ઓછી નથી !
લગ્ન કરવા માટે વ્યક્તીની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનુની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તી સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે? એની જીન્દગીનો મહત્ત્વનો નીર્ણય એની પુખ્ત સમજણને જ કરવા દો ને ! તમે વડીલ ખરા, તમે એના હીતેચ્છુયે ખરા; પણ જો તમે તમારો જ નીર્ણય એના ઉપર લાદી દો તો એ બળાત્કાર જ ગણાય.
સાચા સાધુત્વની ઓળખ સહજ પ્રસન્નતા છે. આવી પ્રસન્નતા સમજણપુર્વક સ્વીકારેલા સંયમમાંથી જ પ્રગટતી હોય છે. આપણે મીથ્યા અહોભાવને સહેજ બાજુએ રાખીને સ્ટડી કરીએ તો કેટલા સાધુઓના ચહેરા ઉપર સહજ સ્મીત અને સો ટચની પ્રસન્નતા જોવા મળે છે? મોટા ભાગનાં સ્મીત ગણતરીવાળાં હોય છે. મોટી રકમના ફંડફાળા આપનારા ભક્તો પુરતાં અનામત હોય છે. પોતે ઉભાં કરેલાં ટ્રસ્ટોને સમૃદ્ધ કરવાના ઉધામા, પોતે સ્થાપેલાં તીર્થોના વીકાસ માટેની વ્યુહરચનાઓ, પોતાનાં જ લખેલાં પુસ્તકોની ‘ઓપન બુક એક્ઝામ’ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાની વેપારીવૃત્તી, વરઘોડા–સામૈયાં–પંચાંગો વગેરે કારોબારોમાં પ્રસન્નતા તો સાવ તળીયે દટાઈ ગયેલી હોય છે. ધર્મની પ્રભાવના કરવા કરતાં પોતાનો વ્યક્તીગત પ્રભાવ પાડવાની મથામણ વીશેષ જોવા મળે છે. વાક્ચતુર સાધુઓ નાનાં બાળકોનાં પૅરન્ટ્સને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ પૅરન્ટ્સ મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે અને એનું પરીણામ આખરે એમનાં સન્તાનોએ વેઠવું પડે છે.
બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, ભોળું અને મુગ્ધ હોય છે. એને પોતાના ભવીષ્યની કલ્પના નથી હોતી. આપણે જે બતાવીએ એ જ એ જુએ છે, આપણે સમજાવીએ એવું જ એ સમજે છે, કારણ કે એને કશો અનુભવ નથી હોતો. દીક્ષા લીધા પછી જ્યારે પુખ્તવયે એને સત્ય સમજાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
અધ્યાત્મની બાબતમાં આપણે પરમ્પરાથી એક ગેરસમજને બડા જતનથી ઉછેરી રહ્યા છીએ. સુખદ્રોહી થવું એ જ અધ્યાત્મ છે; કારણ વગરનાં કષ્ટ વેઠવાં એ જ ધર્મ છે, સુખ ભોગવવું એ પાપ છે – એવી ગેરસમજ આપણને ગળચટી લાગે છે. આવતા ભવમાં કાલ્પનીક સુખો મેળવવા માટે વર્તમાનનાં વાસ્તવીક સુખોને ઠોકર મારવાના મુર્ખામીભર્યા ઉપદેશો આપણે હોંશેહોંશે સાંભળ્યા કરીએ છીએ. સુખ એટલે શું, સંસાર એટલે શું, સંયમ એટલે શું વગેરે વીશે બાળકના દીમાગમાં પક્વ સમજણ પ્રગટે એટલી તો રાહ જુઓ !
બાળમજુરી કરાવવી એ ગુનો છે. બાળલગ્ન કરાવવાં એ ગુનો છે. બાળકને પનીશમેન્ટ કરવી એ ગુનો છે. બાળકને શીક્ષણથી વંચીત રાખવું એ પણ અપરાધ છે તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી? બાળદીક્ષા બાબતે કાનુની પ્રતીબંધ હોય કે ન હોય, દરેક પૅરન્ટ્સે અને સાચા ગુરુઓ એ આ અંગે ગંભીર ચીન્તન કરીને ધર્મના હીતમાં બાળદીક્ષા અટકાવવી જ જોઈએ. હીન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યને ચાર ખંડોમાં વહેંચવામાં આવ્યું છે….
(1)    બાલ્યાશ્રમ :
બાળઅવસ્થા રમતગમત, શીક્ષણ તેમજ વીવીધ કૌશલ્યો કેળવવા માટે.
(2)   ગૃહસ્થાશ્રમ :
યુવાન–અવસ્થામાં લગ્ન કરીને સાંસારીક ધર્મો(કર્તવ્યો)નું અનુપાલન કરવું.
(3)   વાનપ્રસ્થાશ્રમ :
પ્રૌઢ વયે પોતાનાં સન્તાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(4)   સંન્યાસાશ્રમ :
છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારીક જવાબદારીઓની પળોજણથી છુટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું.
માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઈ અજ્ઞાની, મુર્ખ કે બુદ્ધીહીન વ્યક્તીએ નક્કી નથી કર્યા; અત્યન્ત અનુભવી, ચીન્તનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
અલબત્ત, માનવીના આયુષ્ય વીશે કોઈ ગેરન્ટી નથી હોતી. તે કેટલું જીવશે તે નક્કી નથી હોતું. એટલે પ્રારમ્ભથી જ ધર્મમય, સંસ્કારી જીવન જીવવું જરૂરી છે. બાલ્યકાળમાં અને યુવાવસ્થામાં પણ ધર્મના પાટા (ટ્રેક) ઉપર સંસારની ટ્રેન ચલાવવી જોઈએ. સંસાર પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાની જરૂર નથી, સંન્યાસ પ્રત્યે મીથ્યા અહોભાવથી તણાઈ જવાની પણ જરુર નથી.
વૃક્ષ પરનું ફળ પાકે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જરુરી હોય છે. કાચું ફળ ખાટું લાગશે. બાળક કાચું ફળ છે. તેની મુગ્ધ વય સત્યાસત્યનો વીવેક કરવા સમર્થ હોતી નથી. એટલું જ નહીં, એની પોતાની સ્વસ્થ રુચી અને તટસ્થ નીર્ણયશક્તી પાંગરી હોતી નથી. આવા તબક્કે એને આપણી પસંદગી કે રુચીના માળખા તરફ ઢસડી જવો એ બળાત્કાર જ છે.
બાળકને ધર્મના સંસ્કારો આપવા, માનવમુલ્યોનો પાઠ ભણાવવો એ જુદી વાત છે અને તેને સંસાર પ્રત્યે ઘૃણા કરતો કરી દેવો એ જુદી વાત છે. બાળવયે દીક્ષા લઈ લીધા પછી પુખ્ત વયે પસ્તાવો થાય તોય પાછા વળવાનું ક્યારેક શક્ય નથી બનતું, એટલે છેવટે ખાનગીમાં આચારશીથીલતા પાંગરતી રહે છે. વળી એ કારણે સંયમજીવન અને ધર્મ બન્ને પ્રદુષીત થાય છે.
સો વાતની એક વાત, બાળદીક્ષાની ફેવરમાં જેટલી દલીલો થઈ શકે છે એના કરતાં તેની અનફેવરમાં વધારે અને પ્રબળ દલીલો થઈ શકે છે. એ માટે અજ્ઞાન, અન્ધશ્રદ્ધા ત્યજીને સ્વસ્થ–તટસ્થ સમજ કેળવાય તો નો પ્રૉબ્લેમ !
 રોહીત શાહ

કેવળજ્ઞાન કોને કહેવાય ?


kevakjhan
કેવળજ્ઞાન કોને કહેવાય ? 
 * જેમાં માત્ર જ્ઞાન રહે અને જ્ઞાનીનો લોપ થઈ જાય.
 * હું પણાના અને મારાપણાના ભાવમાંથી છૂટી જવાય.

10 June 2015

અધ્યાત્મનો અનુબન્ધ



અધ્યાત્મનો  અનુબન્ધ

   મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા
(ગત અંકના અનુસન્ધાનમાં..)
‘આપણા પછાતપણાનું સૌથી મહત્ત્વનું કારણ આપણી પ્રાચીન માન્યતાઓમાં રહેલું છે. મનુષ્યો એમની માન્યતાઓ અનુસાર વર્તન કરે છે અને માન્યતાઓ બાળપણમાં મળેલા સંસ્કારોથી ઘડાય છે. આપણી માન્યતાઓ, આપણાં વલણો, રીતરીવાજો, રુઢીઓ, એ સર્વ ભારતીય સંસ્કારોનો એક ભાગ છે; અને એ સંસ્કારોનાં મુળ અતી પ્રાચીન કાળથી ધર્મમાં રહેલાં છે. તેથી ભારતીય સંસ્કારોને યથાયોગ્ય રીતે વર્ણવવા કે બદલવા હોય, તો સૌથી પહેલાં ધર્મ અને અધ્યાત્મની વાત કરવી પડે.’    –સ્વામીવીવેકાનંદ.
આ લેખનો વીષય ‘ધર્મ કે અધ્યાત્મ’ નથી. પણ એમના વીના જો આપણા કુટપ્રશ્નો સમજી શકાતા ન હોય, તો સૌ પ્રથમ એ બન્ને સમજવાં પડે. અધ્યાત્મના ગંભીર અને વ્યાપક વીષયમાં બહુ ઉંડી ડુબકી માર્યા વીના આ પ્રકરણમાં એની થોડીક કામ પુરતી વાતો જ કરીશું.
શ્રદ્ધા બદલવી સહેલ નથી. શીક્ષણ કે તર્કશક્તી, બુદ્ધી કે પંડીતાઈ, વીચાર કે વીવેક, એમાંનું કાંઈ ધર્મ અને શ્રદ્ધા સામે કામ કરતું નથી. છતાં કો’ક આંચકો, કૈંક ઉથલપાથલ, કો’ક મરણ જેવો પ્રસંગ, આવું કંઈક બને અને માણસની માન્યતાને એક જ ક્ષણમાં પલટી નાખે એ શક્ય છે. હજાર દલીલો જે કામ ના કરી શકે તે કામ એક અકસ્માત કરે છે. આવી શ્રદ્ધા માણસના સમગ્ર અભીગમને, સમસ્ત વર્તનને બદલી શકે છે. અધ્યાત્મ એ માણસને બદલનાર સૌથી મોટી શક્તી છે.
♦ માન્યતા (Belief) અને શ્રદ્ધા (Faith) :
પ્રશ્ન, પુરાવો, તર્ક કે શંકા વીના કોઈ માન્યતા સ્વીકારીને એને દૃઢતાથી વળગી રહીએ ત્યારે, વ્યાવહારીક વીષયમાં એને નીષ્ઠા કે વીશ્વાસ, અને આધ્યાત્મીક વીષયમાં એને શ્રદ્ધા કહેવાય છે. સમાજમાંથી, કુટુમ્બમાંથી અને ધર્મમાંથી ગ્રહણ કરીને ઉંડી માન્યતાઓને આપણે સ્વીકારી લઈએ છીએ. વીચારશક્તી પુરી વીકાસ પામેલી ન હોય એટલી નાની ઉંમરમાં આ બનતું હોય છે. મોટા થયા પછી એમને બદલવાનું તો દુર રહ્યું; એ વીશે પ્રશ્ન કરવાનાં બુદ્ધી, શક્તી, જ્ઞાન, રસ, રુચી, હીમ્મત કે સમય સુધ્ધાં, બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. પરીણામે રુઢીગત માન્યતાઓ ચીલાચાલુ સ્વરુપમાં સર્વસ્વીકૃત બનતી જાય છે. જેની પાસે શક્તી ને જ્ઞાન હોય તેવા અનેક પાસે રસ, રુચી કે હીમ્મત હોય જ એ હમ્મેશાં શક્ય નથી. તેઓ પોતાની રુઢ માન્યતાઓને બુદ્ધીથી સાચી (Rational) ઠેરવવા પ્રયત્નશીલ રહેતા હોય છે. શ્રદ્ધા એ રંગીન કાચનાં ચશ્માં જેવી છે. વાસ્તવીક હકીકતને જે રંગનાં ચશ્માંમાંથી જોઈએ એ જ રંગની એ દેખાય; બીજા બધા રંગ એમાંથી બાદ થઈ જાય. પછી એ જ રંગ સાચો એમ સાબીત કરવાનાં કારણો આપણે બુદ્ધી વાપરીને શોધી કાઢીએ, ને આપણી માન્યતાને સાચી ઠેરવીએ. ઈશ્વરમાં ઉંડી શ્રદ્ધાવાળો માણસ ગમે તેટલો ભયાનક ધરતીકંપ જોયા પછી પણ ‘હે ઈશ્વર, તું દયાળુ છે’, એવું બોલવાનું ભાગ્યે જ બંધ કરે છે. માન્યતા કરતાં સત્ય હકીકત સાવ જુદી હોય ત્યારે માણસ શબ્દોની રમતથી, ચબરાકી ભરેલી દલીલોથી, કે અપ્રામાણીક છટકબારીઓ શોધીને પોતાની માન્યતાનો બચાવ કરે છે. અનેક ડાહ્યા ને પ્રામાણીક સજ્જનોએ ગુલામીની અને અસ્પૃશ્યતાની ઘૃણાજનક પ્રથાને સારી ને સાચી ઠેરવવા દલીલો કરી છે. એ જ રીતે જીહાદ, ક્રુરતા, ક્રુઝેડ, ડાકણો, પૃથ્વીકેન્દ્રીય વીશ્વ, આ બધું એક સમયે તર્કસંગત (Rationalize) કરવામાં આવતું હતું એ ઈતીહાસ–સીદ્ધ હકીકત છે. હીન્દુ સમાજની મુર્તીપુજા, વીધીવીધાન, વીધવાઓનાં પુનર્લગ્નનો વીરોધ, વગેરે ઘણી બધી માન્યતાઓ આ વર્ગમાં આવે છે. ખ્રીસ્તી ધર્મમાં જીસસના પુનરુત્થાન વીશે, જૈનોમાં કંદમુળ ન ખાવા વીશે, આવી જ પરીસ્થીતી છે.
ધાર્મીક માન્યતા એ શ્રદ્ધાનો વીષય છે; બુદ્ધીનો નહીં, એમ કહેવાય છે. સીક્કાની સારી બાજુને શ્રદ્ધા કહીએ તો એ જ સીક્કાની બીજી બાજુને અન્તીમવાદ કે ધર્માંધતા કહેવી પડે. ‘મારા સત્યમાં મારી અડગ અને અનન્ય શ્રદ્ધા છે; મારું સત્ય જ સાચું, પુરેપુરું સાચું અને એમાં સત્ય સીવાય બીજું કંઈ જ નહીં.’ ડાહ્યા માણસો આમ બોલે કે નહીં તો પણ, એમની આવી શ્રદ્ધાનો અર્થ સામેવાળાના સત્યમાં અશ્રદ્ધા જ થયો. અન્તીમવાદીઓ, માર્ગ ભુલેલા મુર્ખાઓ ભાગ્યે જ હોય છે; મોટા ભાગના પોતાના ધર્મની માન્યતાઓમાં અડગ અને અનન્ય શ્રદ્ધાવાન એવા ઈશ્વરભક્ત હોય છે. બીન લાદેન અને અલ–કાએદાને તો બધા જાણે છે. અમેરીકામાં ‘Solar Temple’  નામના વ્યક્તીપુજક સમ્પ્રદાયથી 74 માણસો માર્યા ગયા હતા; જીમ જોન્સ નામના ગુરુએ આત્મઘાતી ‘People’s Temple’ સ્થાપ્યું હતું. અમેરીકન સમાજમાં જો આવું બની શકે, તો ભારતમાં ભગવાનો છાશવારે ઉગી નીકળે એમાં આશ્ચર્ય શાનું? ધર્મોના ચુસ્ત અનુયાયીઓને સહીષ્ણુતા દાખવવાનું કામ બહુ આકરું પડે છે. દરેક ધર્મ બીજા ધર્મને માર્ગ ભુલેલો ગણે છે. આપણી માન્યતા સત્ય પર નહીં; શ્રદ્ધા પર આધારીત હોય; છતાં આખી દુનીયાને આપણે મનાવવાની કોશીશ કરીએ છીએ કે અમારું અર્ધસત્ય એ જ એકમેવ પુર્ણ સત્ય છે.
અનેક માણસો સામાન્ય બુદ્ધીને બાજુએ રાખી લોજીક સામે લડવા ઈશ્વરનો ઉપયોગ કરે છે. યાત્રાએ જતાં જ મારા મીત્રને ગમ્ભીર કાર અકસ્માત થયો. એને સો ટકા ખાતરી થઈ ગઈ કે ઈશ્વરની દયાએ જ એને બચાવ્યો. પણ યાત્રા જ અટકી પડી; લાખોનો ખર્ચ, ભયંકર વેદના અને કાયમી અપંગ દશા. આ બધાં માટે કયો શયતાન જવાબદાર? કારનો ડ્રાઈવર? ખરાબ રસ્તો ? ધોધમાર વરસાદ, હૉસ્પીટલની બેદરકારી, પોતાની કમનસીબી, ગયા જનમનાં પાપ કે કલીયુગ? કોર્ટમાં વીમા કંપનીના કેસમાં વીદ્વાન જજ સાહેબે આ બધાંની જવાબદારી ટકાવાર ઠરાવી આપી તેમ છતાં; એ બાબતમાં એના મનમાં થોડીક શંકા રહી ગઈ ખરી!  જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે. આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી ? ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો ? માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય! શ્રદ્ધાનો આ અજબ જાદુ છે.
માન્યતા કે શ્રદ્ધા માનવજીવનનો પ્રેરણાસ્રોત છે. માણસની માન્યતાઓ એના જાગૃત કે અજાગૃત માનસમાં રહેલી હોઈ શકે; એના શબ્દો, રીતીનીતી, વીગતો કે વાર્તાઓ બદલાતાં રહે; પણ પોતાની માન્યતાઓને અનુસરીને જ માણસો કામ કરતા રહે છે. માણસ કેવો છે, શું કરે છે, કેવી રીતે એ કરે છે, એ બધાનો આધાર એની માન્યતાઓ પર હોય છે. મહાવીર કે મહમદમાં શ્રદ્ધા ધરાવતા માણસો વીચાર – વાણી – વર્તનમાં તદ્દન જુદા હોય છે, એ તો સહેલાઈથી ધ્યાનમાં આવે એવી વાત છે. તેથી વ્યક્તી અને સમાજ ઉપર કોઈપણ પ્રકારની માન્યતાની સારી–નરસી અસરો શી થાય છે એનો તલસ્પર્શી અભ્યાસ અતી આવશ્યક છે. અભ્યાસ કર્યા પછી એની નીખાલસ ચર્ચા–વીચારણા કરવામાં કોઈ બંધન હોવું જરુરી નથી. વ્યક્તીગત રીતે અને સમુહમાં, એમ બન્ને રીતે ધર્મ આચરવામાં આવે છે અને ધર્મ એ આધ્યાત્મીક ઉપરાન્ત એક સામાજીક સંસ્થા પણ છે; જેમ શાસનતન્ત્ર છે; જેમ આર્થીક વ્યવસ્થાપન–તન્ત્ર છે; જેમ વીજ્ઞાન છે. આ બધી સંસ્થાઓનો ઉંડો પ્રભાવ સમાજ પર પડતો હોય છે અને તેમની ચર્ચાઓ આપણે કાયમ કરીએ જ છીએ. તો પછી શુભ આશયથી ધર્મની યથાયોગ્ય ચર્ચા શા માટે ટાળવી જોઈએ?
(ક્રમશ:)
 –સુબોધ શાહ

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની….. પરિચય….શ્રી. પી.કે.દાવડા

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની….. પરિચય….શ્રી. પી.કે.દાવડા

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી હરનીશ જાનીનું નામ ખુબ જાણીતું છે. શ્રી દાવડાજી એ એમની પ્રસિદ્ધ પરિચય શ્રેણી “મળવા જેવા જેવા માણસ ” માં શ્રી હરનીશભાઈનો પરિચય કરાવતો લેખ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

શ્રી દાવડાજીએ એમના ઈ-મેલમાં સાચું કહ્યું છે કે “હરનીશભાઈનો પરિચય કરાવવો એટલે સૂરજને અરિસો દેખાડવા જેવું છે. તમે જો હાથમાં પાણી લઈને ન હસવાનો સંકલ્પ કરો અને પછી હરનીશભાઈના લેખ વાંચો તો તમારો સંકલ્પ તુટી જશે. “

વિનોદ વિહારમાં અગાઉ વિવિધ વિષયોને આવરી લેતા એમના ઘણા હાસ્ય લેખો એમના પરિચય સાથે અગાઉ આ બ્લોગમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ બધા હાસ્ય લેખોથી વાચકોને હરનીશભાઈનો અને એમના હાસ્ય સાહિત્યનો પરિચય છે જ . એમ છતાં શ્રી પી.કે.દાવડા લિખિત એમનો પરિચય લેખ આજે પોસ્ટ કરી એ પરિચય ફરી તાજો કરાવવાની ખુશી છે.

વિનોદ પટેલ

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની

પરિચય….શ્રી. પી.કે.દાવડા  

Harnish Jani-1

હરનિશભાઈનો જન્મ ૧૯૪૧માં વડોદરા જીલ્લાના છોટાદેપુરમાં થયેલો. એમના દાદા વિશ્વનાથ જાની રાજપીપલાના રાજાના મંત્રી હતા અને એ હેસિયતે એમની પાસે સેંકડો એકર જમીન હતી. કુટુંબની જાહોજલાલી અનુસાર બાર ઓરડા વાળું ત્રણ માળનું ઘર અને ઘોડાઓવાળી બગી વગેરે પણ હતા એટલું જ નહિં ગામની બસ સર્વીસ પણ એમના નામે હતી. હરનિશભાઈના પિતા સુધનલાલ રાજપીપલાની ક્રીકેટ અને હોકી ટીમોમાં સામીલ હતા. આઝાદી પછી જમીનના કાયદા-કાનૂનમાં ફેરફાર થવાથી મોટાભાગની જમીન હાથથી જતી રહી, છતાં પણ સારી એવી જમીન એમના હાથમાં રહી અને એ જમીનમાં હરનિશભાઈના પિતા ખેતીનું કામકાજ સંભાળતા. હરનિશભાઈના માતા સુશીલાબહેન અતિશય ધાર્મિક મનોવૃતિવાળા ગૃહીણી હતાં .

હરનિશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ રાજપીપલામાં જ થયેલું. નાનપણમાં રાજપીપલાના ડુંગરોમાં રખડવાનું અને ત્યાંની કરજણ નદીમાં ભુસ્કા મારવાનું એમને બહુ ગમતું. ચોથા ધોરણમાં એમના શિક્ષક શિરવી સાહેબે એમના જીવનના ઘડતરને એક દિશા આપી. હરનિશભાઈ કહે છે, “મારી હાઈસ્કુલનો ૧૯૫૧થી ૧૯૫૮ સુધીનો સમય મારો સુવર્ણ સમય હતો. રાજપીપલા હાઈસ્કુલના ભવ્ય મકાનમાં ભણવા મળ્યું, જ્યાં મારા બાપા– કાકા પણ ભણ્યા હતા. નવમા ધોરણથી જ ફોરેન જવાનો નાદ મનમાં ભરાયો. અને ઈંગ્લિશ બોલવા લખવાની ગુજરાતી સ્કુલમાં જ તૈયારી કરવા લાગ્યો.. ચાર પાંચ યુરોપીયન  પેન ફ્રેંડઝ પણ બનાવ્યા.”

૧૯૫૮ માં ફર્સ્ટ કલાસમાં S.S.C. ની પરીક્ષા પાસ કરી વડોદરાની M.S.University માં દાખલ થયા. ત્યાં એક વર્ષ અભ્યાસ કરી, બીજા વર્ષથી ભરૂચની સાયન્સ કોલેજમા એડમીશન લીધું. અહીં ઈન્ટર સાયન્સમાં એંજીનીયરીંગ કોલેજમાં દાખલ થવા જેટલા માર્કસ ન મળતાં એમણે B.Sc. નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધૉ, પણ તે ભરૂચમાં રહીને નહિં; કારણ કે ભરૂચમાં માત્ર બે સિનેમા ઘર હતા. એમની પસંદગી દસ ટોકીઝ વાળા સુરત ઉપર ઉતરી. વળી સુરતથી મુંબઈ નજીક હતું, એટલે શનિ-રવીમાં મુંબઈ રખડવા જઈ શકાય. ૧૯૬૨ માં B.Sc. ની પરીક્ષા પાસ કરી યુ. કે. ની બેડફોર્ડ યુનિવર્સીટીમાં એડમીશન લીધું, પણ પૂરતું ફોરેન એક્ષચેંજ ન મળવાથી આખરે એમણે વડોદરાની એંજીનીયરીંગ કોલેજ માં D.T.C. (Diploma in Textile Chemistry) નો અભ્યાસ કર્યો. કરજણ નદીથી એમને લાગેલો તરવાનો શોખ અહીં વડોદરા યુનિવર્સીટીમા એમનો ઉપયોગી થયો. અહીં હરનિશભાઈ યુનિવર્સીટીની તરાકુ ટીમના સભ્ય હતા.

અભ્યાસ પૂરો કરી હરનિશભાઈએ વલસાડના અતુલ પ્રોડક્ટસમાં કલર કેમિસ્ટ તરીકે જોડાયા. નોકરી દરમ્યાન પણ એમણે અમેરિકાની કોલેજોમાં એડમીશન માટે એપ્લીકેશન્સ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૭ માં એમના હંસાબેન વ્યાસ સાથે લગ્ન થયા. હંસાબહેને ફર્સ્ટ કલાસમાં M.A. ની ડીગ્રી મેળવી હતી અને એ નવ ગુજરાત કોલેજમાં લેકચરર હતા. લગ્ન બાદ હરનિશભાઈએ નોકરી બદલી અને તેઓ અંબિકા મિલમાં જોડાયા. 

harnish Jani -2                   

૧૯૬૯ માં એક મિત્રની મદદથી એમણે વર્જિનિયાની એક કોલેજમાં એડમીશન મળ્યું. એક વર્ષનો કોર્સ કરી, હરનિશભાઈ ૧૯૭૦ માં ન્યુયોર્કના એક ટેક્ષટાઈલ પ્લાંટમા કલર સુપરવાઈઝર બન્યા. ફરી પાછું N.J.I.T. માં પ્લાસ્ટિક ટેકનોલોજીનો કોર્ષ કરી વિલ્સન ફાયબરફીલ માં રીસર્ચ કેમિસ્ટની નોકરી લીધી. ત્યારબાદ અનેક કંપનીઓમાં નોકરી બદલી આખરે જર્મન કલર કંપનીમાં ટેકનિકલ ડાયરેક્ટરના પદે પહોંયા. એમની આ પ્રોફેશનલ જીવન યાત્રા દરમ્યાન એમને ઘણાં એવોર્ડસ મળ્યા જેમાં વાયર એન્ડ કેબલ એસોશિએશનન એવોર્ડસ મહત્વના છે. ૧૯૯૦ માં ટાટા-વોલ્ટાસના ગેસ્ટ તરીકે ભારતના અનેક શહેરોમાં દોઢ મહિનાની એમની લેકચર ટૂર એમની સર્વોચ્ચ પ્રોફેશનલ કામગીરી હતી. 

Harnish Jani-3                 

એમના સંતાનોમાં બે દિકરીઓ, આશિની અને શિવાની, અને એક દીકરો સંદિપ છે. આશિની કોમપ્યુટર સાયન્ટીસ છે અને સરસ કવિતાઓ લખે છે જે ઘણાં સામયિકોમાં છપાય છે. શિવાની ન્યુયોર્કની એક કોસ્મેટિક કંપનીમાં માર્કેટીંગ ડાયરેકટર છે, અને તે પણ લખે છે. દીકરો સંદીપ ડોકટરેટ માટે વિદ્યાર્થી છે.

અમેરિકા આવ્યા પછી હરનિશભાઈનું ગુજરતીમાં લખવા વાંચવાનું છૂટી ગયેલું. ભારત સાથે સંપર્ક પણ બહુ ઓછો હતો. અંગ્રેજી પુસ્તકો વાંચવાનું અને અંગ્રેજી પ્લે જોવાનું બનતું. અગાઉ ભારતમાં હતા ત્યારે ૧૯૬૦ માં એમની એક વાર્તા ચાંદની સામયિકમાં છપાઈ હતી અને ૧૯૬૫ માં ચિત્રલેખાની વાર્તા હરિફાઈમાં એમને પાંચમું ઈનામ મળેલું. છેક ૧૯૯૧માં આદિલ મન્સુરી, રોહિત પંડ્યા અને ડો. આર. પી. શાહ જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ફરી લખવાનું શરૂ થયું. ૧૯૯૧ થી ૧૯૯૪ સુધી ટી.વી. માં અર્ધા કલાકના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કર્યું, જેમા રાઈટર, ડાયરેકટર અને પ્રોડ્યુસર હરનિશભાઈ જ હતા. ૧૯૯૧ થી લાગલગાટ ૧૨ વર્ષ સુધી અલગ અલગ સ્થળૉએ ૫૦ જેટલા હાસ્ય કાર્યક્રમો આયોજ્યા.

એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજી નામ હતું) છપાયો અને એ વાંચી રધુવીર ચૌધરીએ એમને હાસ્યલેખકનું બીરૂદ આપ્યું. સુધન પુસ્તકને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમના બા ના નામ ઉપરથી “સુશીલા” નામે નિબંધ સંગ્રહ બહાર પાડ્યું, જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યા. હાલમાં જ ગાર્ડી ઈન્સટીટ્યુટે “હરનિશ જાનીનું હાસ્ય વિશ્વ” નામનો એમના ચૂંટેલા લેખોનો સંગ્રહ બહાર પાડ્યો છે.

હાલમાં સુરતના વર્તમાન પત્રમાં નિયમિત એમની કોલમ પ્રસિધ્ધ થાય છે.

હરનિશભાઈ કહે છે, “ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણદિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવીપડી!અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત  એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથીમાણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”

હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે .

-પી. કે. દાવડા

==========================================

બદલાતા પર્યાવરણ ઉપર મારી એક અછાંદસ રચના

બદલાતા પર્યાવરણ ઉપર મારી એક અછાંદસ રચના 

પર્યાવરણ

કુદરતી કોપ દિશે આજ અનેક સ્વરૂપે ચોમેર,

અંગો થીઝાડતી ઠંડીથી ઠરતાં અંગો,

બરફની બિસાત ,નીચે ધસતા બરફો,

અંગો દઝાડતી કારમી ગરમી ચોમેર,

એકબાજુ પાણી વિના તરસતાં લોકો,

બીજી બાજુ અતિવૃષ્ટિની તારાજીની વાતો,

વરસાદી વાવાઝોડું ,પુરમાં તણાતી લાશો,

ધરતીકંપમાં દટાતાં માનવીઓનો ચિત્કાર,

સુનામી પૂરમાં તારાજ થતાં શહેરો ,માનવો,

પાતાળમાંથી ઉડતા લાવારસના ફુવારા,

તારાજ કરી રહ્યાં આ સૌ કુદરતના સૌન્દર્યને.

પર્યાવરણની આ ખૂબીઓ બધે જોઈએ ત્યારે ..

મનમાં એમ થાય કે , હે પ્રભુ ,

તારી લીલાઓ કેટલી અગમ ને અપરંપાર છે ! 

વિનોદ પટેલ  


હું – છોગા વગરની માણસ


હું – છોગા વગરની માણસ

–મહાશ્વેતા જાની
કુટુમ્બ દ્વારા કોઈ ધર્મ કે સમ્પ્રદાય મને વીરાસતમાં મળ્યો નથી; કારણ કે મારાં મમ્મી – પપ્પાની સાથે સાથે દાદા અને નાના પણ નાસ્તીક. બાળપણથી મેં ક્યારેય મારા ઘરમાં કોઈ વીધી–વીધાનો નથી જોયાં. અને મારો ઉછેર પણ એકદમ મલ્ટી કલ્ચરલ વાતાવરણમાં થયો. પડોશમાં ખ્રીસ્તી, પારસી, બંગાળી, સીદી, મુસ્લીમ કુટુમ્બો રહેતાં. મને મારા મીત્રો સાથે ગુજરાત કૉલેજ પાસે આવેલા ચર્ચમાં જવા મળતું તો બીજી તરફ મારાં મમ્મી ઑફીસ જાય ત્યારે મારી સંભાળ રાખતાં આયશાબહેન સાથે દરગાહ ઉપર પણ જવા મળતું. વર્ષો સુધી મમ્મી–પપ્પા સાથે સીદી સૈયદની જાળીની પાળ ઉપર બેસીને તાજીયાનાં જુલુસ જોયાં છે. નવરાત્રી દરમીયાન માતાજીના ગરબા તો ગાયા જ છે; પણ સાથે–સાથે નાતાલમાં ઈસુ ખ્રીસ્તના ગરબા પણ ગાયા છે. બન્ને ગરબાઓમાં ટ્યુન તો એક જ હોય એટલે મને ક્યારેય એમાં ખાસ કંઈ ભેદ લાગતો નહીં. અમારા ઘરમાં ક્યારેય નોનવેજ બન્યું નથી; પણ મારા મીત્રોના કારણે 4–5 વર્ષની ઉંમરથી જ હું માછલી–ચીકન ખાતી થઈ ગઈ. હું જ્યારે સ્કુલમાં આના વીશે વાત કરતી ત્યારે મારી બહેનપણીઓ મારી તરફ વીચીત્ર નજરે જોતી… જાણે કે હું કોઈ ગુનો કરતી હોઉં !
બાળપણમાં અને યુવાનીમાં પીઅર ગ્રુપ (સરખી ઉંમરના મીત્રો)ની અસર ખુબ જ રહેતી હોય છે. હું પણ તેમાંથી બાકાત ન હતી. મારી બધી બહેનપણીઓ ગૌરીવ્રત કરતી, જવારા ઉગાડતી. એટલે મારે પણ એ કરવું હતું અને એ કર્યું.. પણ મારા ગૌરીવ્રત એટલે એમાં દાળ, ભાત, રોટલી, શાક બધું ખાવાનું. બહેનપણીઓ મારા ઉપર હસતી… તારા વ્રત તો તુટી ગયા કહેવાય… અને હું કહેતી મારાં મમ્મી–પપ્પા કહે છે કે વ્રતમાં બધું ખવાય એટલે ખવાય…
નાનપણમાં મને બધા ધર્મો સમાન જ લાગતા. 10–12 વર્ષની થઈ ત્યાં સુધી ક્યારેય મારા મનમાં હું હીન્દુ છું– બ્રાહ્મણ છું– એવી ધર્મ કે જ્ઞાતી અંગેની ઓળખ ઉભી થઈ જ ન હતી. પાંચમા ધોરણમાં શેઠ સી. એન. વીદ્યાલયમાં ભણવા ગઈ ત્યારે મારામાં ધર્મ અંગેની કોન્શીયસનેસ ઉભી થવા લાગી… કારણ કે શાળામાં આખું જૈન વાતાવરણ ટીલાં–ટપકાંની દુનીયામાં મેં પગ મુકી દીધો હતો. આ સમય દરમીયાન બાબરી મસ્જીદનો સવાલ પણ ઉભો થયો હતો એટલે વાતાવરણ કોમવાદને કારણે ખુબ કટુતાભર્યું બની ગયું હતું. આ જ સમયે પહેલીવાર હીન્દુ–મુસ્લીમના ભેદનો મને પણ અહેસાસ થવા લાગ્યો. નેવુંના દાયકામાં થયેલાં કોમી રમખાણોથી હું ખુબ દુ:ખી થઈ ગઈ. મનમાં સવાલ થયો કે આ બધા શા માટે એકબીજાને મારતા હશે? કુટુમ્બે તો મને કોઈ ધર્મ નહોતો આપ્યો; પણ સમાજે મને મારા ધર્મ અને જ્ઞાતીનાં ચોકઠાંમાં બેસાડી દીધી.
મોટી થતી ગઈ તેમ–તેમ ધર્મને જોવાના મારા અભીગમ બદલાતા ગયા, ખાસ કરીને હું જ્યારે વડોદરા એમ. એસ. યુનીવર્સીટીમાં ભણવા ગઈ, ત્યારે મેં રાજ્યશાસ્ત્રની સાથે–સાથે ‘વીમેન સ્ટડીઝ’નો કોર્સ કર્યો. જ્યાં ઉમા ચક્રવર્તી જેવાં ઈતીહાસકારો અમને ભણાવવા આવતાં. ધર્મ–જ્ઞાતીપ્રથા અને સ્ત્રીઓ વીશે ઘણું જાણવા અને સમજવા મળ્યું. હીન્દુ ધર્મ હોય કે ઈસ્લામ કે ખ્રીસ્તી, બધાએ સ્ત્રીઓને ઉતરતું સ્થાન આપ્યું છે, તેની મને સારી પેઠે પ્રતીતી થઈ. જ્ઞાતીપ્રથાને તો હું પહેલેથી જ ક્રીટીકલી જોતી હતી; પણ હવે ધર્મ અને સમ્પ્રદાયોને પણ એક નવા અભીગમથી જોતા શીખી. સ્વામીનારાયણ સમ્પ્રદાય ઉપર ખુબ ચીડાતી અને કહેતી… આ બાવાઓને પુરુષોએ જણ્યા હશે કે સ્ત્રીઓની સામે જોવાની ના પાડે છે ? બધા જ ધર્મનો મુખ્ય ભગવાન પુરુષના સ્વરુપમાં જ કેમ છે ? સર્જન કરનારી તો સ્ત્રી છે તોય કેમ વધુ પુરુષ જ પુજાય છે ? મન્દીરોની બહાર ખાસ બોર્ડ મારવામાં આવે છે કે ‘ટાઈમમાં થયેલી સ્ત્રીઓએ મન્દીરમાં પ્રવેશવું નહીં…’ મને આમાં હડહડતું અપમાન લાગતું અને હજી પણ લાગે છે… મસ્જીદમાં પણ સ્ત્રીઓને નમાઝ પઢવાની છુટ નહીં… પોતાનાં શરીર ઉપરના હક્કમાં પણ ધર્મ–ગુરુઓ વચ્ચે આવે. આ બધા પ્રશ્નોને કારણે મને ક્યારેય કોઈ ધર્મ તરફ આકર્ષણ થયું નહીં.
વીધીઓ સામે પણ મારો પહેલેથી ઘણો વીરોધ – ખાસ કરીને કન્યાદાનના કૉન્સેપ્ટ સામે મને ખુબ જ વાંધો કૉલેજકાળથી રહ્યો છે. દીકરીનું તે વળી દાન હોય ? એ પ્રશ્ન મને ખુબ જ ડંખે છે. અને પછી લગ્ન–વીધીઓ દરમીયાન આશીર્વાદ પણ તે પુત્રની માતા બને તેવા આપવાના ! આ બધી નાની બાબતો જ આગળ જઈને વરવું સ્વરુપ ધારણ કરે છે. મેં ખાસ સ્પેશીયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કર્યાં છે જેમાં નાત–જાત–ધર્મને કોઈ સ્થાન નથી…
દરેક સ્ત્રી માટે લગ્ન બાદ એક નવા વાતાવરણમાં એડજસ્ટ થવાનો સમય આવે છે અને પછી મા–બાપ કરતાં સાસરી પક્ષે પળાતો ધર્મ–વીધી–વીધાનો ખુબ જ અગત્યનાં અને કેટલેક અંશે અપનાવવા જરુરી બની જાય છે. મારા કીસ્સામાં મારા પતી નાસ્તીક છે; પણ તેનું કુટુમ્બ અત્યન્ત ધાર્મીક… મારા માટે એડજસ્ટ થવાનું ખુબ જ અઘરું હતું. ઘરમાં ઘણી પુજા–અર્ચના થતી, શ્લોક અને આરતીઓ ગવાતાં જેમાં મને કંઈ જ સમજણ પડતી નહીં. હું બાઘાની જેમ તેમાં હાજરી આપતી. મારાં સાસરીપક્ષના ઘણા લોકો માટે હું જાણે એક અજાયબી હતી જેને કોઈ ધાર્મીક જ્ઞાન ન હતું. મેં મારા નાસ્તીકપણા માટે વીદ્રોહ કર્યો નથી; પણ સાચવીને મારા રસ્તા કાઢ્યા છે.
મારી એક નાનકડી કસોટી ત્યારે આવી જ્યારે હું થોડા સમય પહેલાં એક દીકરાની મા બની. એના જન્મ સાથે જ એનાં મુંડન અને જનોઈની ચર્ચાઓ થવા માંડી. મેં સાંભળ્યા કર્યું અને એક દીવસ મારા પતી સાથે મળીને દીકરાના વાળ સરસ મઝાના ‘તપેલીકટ’ કાપી નાંખ્યા. જે પુછે તે બધાને કહી દીધું : ‘આ તો આંખમાં વાળ આવતા હતા એટલે અમે જાતે જ એનાં વાળ કાપી નાંખ્યા… કેટલો સ્માર્ટ લાગે છે નહીં !’ કોઈ કશું જ બોલ્યું નહીં. અને અમે અમારો રસ્તો પણ કાઢી લીધો. હું મારા બાળકના ઘડતર માટે ખુબ જ સ્પષ્ટ છું: માત્ર અને માત્ર એક સારા સંવેદનશીલ માણસને ઉછેરવા માંગુ છું; નહીં કે એક હીન્દુ–બ્રાહ્મણને. ધર્મ સાથેની લડાઈ તો અન્ત સુધી કોઈ ને કોઈ પ્રકારે ચાલુ જ રહેશે.
મહાશ્વેતા જાની
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી