પરીક્ષા અને શિક્ષણપધ્ધતિ પરિણામલક્ષી કે પશ્ર્ચાતાપલક્ષી!
આપણે નિહાળી રહ્યા છીએ પૃથ્વી પર કુદરતી પરંપરા કે સૂર્યોદય પછી સૂર્યાસ્ત અને સૂર્યાસ્ત પછી સૂર્યોદય. સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે અનેકાનેક ઘટનાક્રમ ઘટી રહ્યો છે,કાળનું ચક્ર ફરી રહ્યું છે. માનવીના ઉદયના બાળપણના માંડ બે વર્ષ પૂરા થતાં નથી કે તેના માતાપિતાના મગજો ચકરાવે ચડે છે,મારા પાલ્યને ગુજરાતી માધ્યમમાં ભણાવીશ કે અંગ્રેજી માધ્યમમાં. અરે! હા મારા પાડોશીનો પુત્ર અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે મારા પાલ્યને પણ હું તેના કરતાં સારી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવીશ. વળી પાછો પ્રશ્ન,ગ્રાંટેડ શાળામાં ભણાવીશ કે ઉચી ફી લેતી નૉન ગ્રાંટેડ શાળામાં! ના ના હું તો મારા પાલ્યને ઉચી ફી વાળી નૉન ગ્રાંટેડ અંગ્રેજી માધ્યમની વાતાનુકૂલિત (એ.સી.) ડે સ્કૂલમાં ભણાવીશ. વળી પાછો પ્રશ્ન કયો અભ્યાસક્રમ,C.B.S.C કે N.C.E.R.T કે GUJARAT BOARD ? પ્રશ્નોની હારમાળામાં ગૂંથાયેલા આ માતાપિતા પોતાના પાલ્યને ભૂખ લાગે તો કયો આહાર આપવો તેની ચિંતા ખૂબ ઓછી કરે છે પણ ભાર વિનાના ભણતરમાં વધુ વજનદાર સ્કૂલબેગ કઈ શાળાની હોય છે તેની પસંદગી પ્રથમ કરતા હોય છે. પછી ભલેને તે સ્કૂલબેગ ઊંચકવાની પોતાના પાલ્યની હેસીયત જ ના હોય! સરકારનો અભિગમ છે કે કુમળીવયના બાળકો ખિલખિલાટ કરતાં શાળાએ જાય ભાર વિના ભણે,પણ આજે આ અભિગમનો અમલ થાય છે ખરો?
બાળકોનો વિચાર કર્યા વિના માં-બાપ પોતાના પાલ્યના આગળના અભ્યાસ નક્કી કરતાં હોય છે. બાળકને કઈ પ્રવૃતિમાં વધુ રસ છે,તેનો રસનો વિષય કયો છે? તે વિષે કઈપણ વિચાર કરવામાં આવતો નથી. દેખાદેખી આંધળુકીયું અનુકરણ કરવામાં આવે છે,અને પછી પરિણામની ખૂબ મોટી અપેક્ષાઓ રાખવામાં આવે છે. જે અપેક્ષાઓ ના સંતોષાતાં કાં તો પોતાના પાલ્યને ગુમાવવાની નોબત આવે છે.
મેકોલોના સમયથી ચાલી આવતી શિક્ષણપધ્ધતિના આપણે સૌ એદી બની ગયા છીએ,અંગ્રેજોની ગુલામી આજે પણ આપણે છોડી શકતા નથી અને હદ તો ત્યારે થાય છે જ્યારે આપણા દેશમાં દર પાંચ કે દશ વર્ષે સરકારો બદલાય છે તેમ શિક્ષણના માળખા પણ બદલાય છે. આ દેશના ભાવિને નજર સમક્ષ રાખી અભ્યાસક્રમો ઘડાય છે કે બદલાતી સરકારોને ધ્યાને રાખવામાં આવે છે જે એક રહસ્ય છે. નવી સરકાર નવી શિક્ષણનીતિ આ પરિસ્થિતિમાં માંડ અભ્યાસક્રમના માળખામાં ગોઠવાયેલુ સમગ્ર શિક્ષણતંત્ર વેરવિખેર થઈ જાય છે. અંતે સહન કરવાનું આવે છે ભારતની યુવા પેઢીને. યુવાનો પાસે અપેક્ષાઓ રાખવામાં આવે છે ભારત નિર્માણની અને શિક્ષણનીતિના નામે છાશવારે અભ્યાસક્રમો બદલી તેને મુઝવી દેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન થાય છે કોણ જવાબદાર?
આજકાલ જોવા મળતી પરીક્ષાપધ્ધતિ પણ ખૂબ મોટું પરિવર્તન માગી રહી છે. પરીક્ષા આપવા આવતો વિદ્યાર્થી કોઈ મોટો ગુનેગાર હોય,કોઈ મોટી ધાડ પાડવાનો હોય તેમ વર્ષ દરમિયાન તેના પર નિયમોના નવા નુસખાઓ અજમાવવાના ચાબખા વીંઝવામાં આવતા હોય છે. આવા સંજોગોમાં કુમળી વયના આ વિદ્યાર્થીઓની માનસિક મનોવેદના સમજવાની કે તેના પ્રત્યે હમદર્દી બતાવવાની સમાજ,શિક્ષણવિભાગ કે સરકાર દરકાર કરે છે ખરી! વિઝિલન્સ સ્ક્વોડ હોય કે CCTV કેમેરાની આંખો હોય શું આ બધુ વિદ્યાર્થીઓને ડરાવવા કે ધમકાવવા માટે થઈ રહ્યું છે કે પછી બીજું કાંઇ તે સમજવુ કે કળવું મુશ્કેલ છે. આમ તો શિક્ષણવિભાગે દરેક શાળામાં પરિપત્ર કર્યો છે કે શાળા સમય દરમિયાન વિદ્યાર્થીઓની કોઇપણ પ્રકારે હેરાનગતિ ના થાય તેની માનસિક મનોવેદના પર અસર ના થાય તે રીતે દરેક શિક્ષકે અને શાળાએ શિક્ષણકાર્ય કરાવવું. તો પછી બોર્ડની પરીક્ષા સમયે આવું શા માટે ?
જીવનની પ્રત્યેક ક્ષણે આ પૃથ્વી પર જન્મ લેનાર બાળકે મૃત્યુ સુધી પરીક્ષાની કેડી પરથી પસાર થવાનું હોય છે. પણ શિક્ષણરૂપી પરીક્ષામાં એક બાજુ ખાઈ અને બીજી બાજુ ડુંગરની સ્થિતિનું નિર્માણ શા માટે ? શું ફેરફારની આવશ્યકતા છે ? શું આ દિશામાં પરિવર્તનનો દોર ફુકાવો જોઈએ ? શું છાશવારે બદલાતા અભ્યાસક્રમોમાં રૂકાવટ આવવી જોઈએ ? શું સરકારી ગ્રાંટેડ શાળાઓના ભોગે નૉન ગ્રાંટેડ શાળાના રસરૂચિ વધવા જોઈએ ? શું સરકાર જવાબદારીમાથી છટકવા માગે છે ? સમાજના દરેક વર્ગને વિચાર વિમર્શ કરવાની જરૂર છે ખરી ? જો હા તો આ પરીક્ષા અને શિક્ષણ પધ્ધતિ પરિણામલક્ષી છે નહી તો પશ્ર્ચાતાપલક્ષી છે છે ને છે જ.
No comments:
Post a Comment