પ્રત્યેક ગુરુમન્દીર મોહનું સ્મારક છે
– રોહીત શાહ
એક તરફ મોહ છે તો બીજી તરફ મોક્ષ છે. મોહ એટલે હથેળીમાં મુકેલો ગોળ અને મોક્ષ એટલે કોણીએ વળગાડેલો ગોળ. હથેળીનો ગોળ ગમે ત્યારે ચાખી શકાય; પણ કોણીએ વળગેલો ગોળ કદી ચાખવાનો હોતો નથી, માત્ર એને ચાખવાનાં હવાઈ ખ્વાબ જોવાનાં હોય છે. આપણને ધર્મના નામે સદીઓથી ઉઠાં ભણાવવામાં આવ્યાં છે કે હાથમાં રહેલા ગોળ (સંસાર)ને ચાખવો એ પણ પાપ છે; ભલે એનો સ્વાદ મધુરો લાગતો હોય; છતાં એને કડવો કહીને ફેંકી દો. સ્વાદ માણવો હોય તો કોણીએ વળગેલા (મોક્ષ) ગોળનો માણો; ભલે એના સ્વાદનો કોઈ જ અનુભવ ન થતો હોય.
હાથમાં છે – રોકડું છે; એ ફેંકી દો અને
કોણીએ છે – ઉધાર છે; એને પામવા વલખાં મારો તો તમે ધાર્મીક ગણાઓ, તો જ તમે
આધ્યાત્મીક ગણાઓ. આપણો ધર્મ મુર્તીપુજા અને વ્યક્તીપુજામાં સદીઓથી અટવાઈ
ગયેલો છે. હવેના સાધુઓએ ભગવાનનાં મન્દીરો બનાવવાની સાથોસાથ ગુરુમન્દીરો પણ બનાવવા માંડ્યાં છે.
કોઈ પણ સાધુ અવસાન પામે એટલે તેના અન્તીમ સંસ્કારની દરેક વીધી માટે વેપાર
થાય. જે ભક્ત વધુ પૈસા ખર્ચે તે દોણી પકડે, તે ઠાઠડી (પાલખી) ઉપાડે, તે
અગ્નીદાહ આપે, વગેરે. આ વેપાર હવે કરોડો રુપીયાના આંકડે પહોંચ્યો છે. એવા
મૃત્યુના વેપારમાંથી ‘ગુરુમન્દીર’ બનાવીને હજારો લોકોને વ્યક્તીપુજા તરફ
ધકેલવાનું પાપ પ્રસરી રહ્યું છે. ગુરુના અન્તીમ સંસ્કાર માટેના ચડાવાની
રકમમાંથી ગરીબ માણસો અને શ્રાવકો માટેની કોઈ યોજના નથી બનતી.
આપણને મોહ છોડવાનો ઉપદેશ આપતા સાધુઓને
તેમના ગુરુ પ્રત્યે એટલો તીવ્ર મોહ અને રાગ હોય છે કે તેનું મન્દીર બનાવ્યા
વગર રહી નથી શકતા. મારી દૃષ્ટીએ ગુરુમન્દીર એ મોહનું સ્મારક છે. વેવલાઈનું વરવું પ્રદર્શન છે.
ઈશ્વરની પુજા–આરતી ઓછી પડી તે હવે ગુરુના નામની પુજા–આરતી કરાવવા માંડ્યા !
ધર્મમાંય નવાં ધતીંગો તો ઉભાં કરવાં જ પડેને! એના વગર ભોટ શ્રીમંત ભક્તોને
ખંખેરી કેમ શકાય?
ગયા અઠવાડીયે મારી સામે એક પ્રશ્ન આવ્યો.
જૈન ધર્મમાં ચળવળો (ચળવલો) નામનું એક ઉપકર્ણ છે. સાધુઓ પાસે ‘રજોહરણ’ હોય એ
જ રીતે શ્રાવક–શ્રાવીકાઓ જ્યારે સામાયીક કે પ્રતીક્રમણની ક્રીયા કરવા બેસે
ત્યારે સાથે ‘ચરવળો’ લઈને બેસે. ક્રીયા દરમ્યાન વચ્ચે ઉભા થવું હોય તો એ
ચરવળો લઈને જ ઉભા થઈ શકાય. પ્રશ્ન એ હતો કે પુરુષો માટેના ચરવળાની દાંડી
‘ગોળ’ અને સ્ત્રીઓ માટેના ચરવળાની દાંડી ‘ચોરસ’ કેમ હોય છે? એનું કારણ શું?
મને પણ એનો જવાબ જાણવાની ઉત્કંઠા થઈ. હાથવગાં પુસ્તકો ફંફોસ્યાં. એ દ્વારા
જે જવાબ જડ્યો એ આવો હતો : સ્ત્રી એટલે વાસનાનું પ્રતીક. એનાથી ચારે
દીશામાંથી મુક્તી મેળવવાની હોય છે એટલે તેના ચરવળાની દાંડી ચોરસ હોય છે. ચરવળાની
દાંડી ગોળ હોય તો વાસનામાંથી મુક્તી ન મળે અને ચોરસ હોય તો મુક્તી મળે
એવું હોય ખરું ? એના ગર્ભીત અર્થનાં મુળ તો છેક સૅક્સ સુધી જતાં હતાં.
હવે વીચાર કરો કે સામાયીક–પ્રતીક્રમણની
ક્રીયા કરવાની હોય ત્યારે પુરુષો અને મહીલાઓ માટે સ્થાપનાજી એક જ હોય,
કટાસણાં સમાન હોય, નવકારવાળી (માળા) સમાન હોય, પણ ચરવળાની દાંડી જુદી જોઈએ. સ્ત્રી અને પુરુષને વાતે–વાતે જુદા પાડવાની આપણી ભ્રષ્ટ પરમ્પરાનો આ એક પ્રયોગ છે એથી વીશેષ કાંઈ નથી.
પ્રતીક્રમણમાં પણ વીધી પુરુષ કરાવતો હોય તો સ્ત્રીને એ વીધી ચાલે, પણ જો
પુરુષને વીધી ન આવડતો હોય અને સ્ત્રી વીધી કરાવે તો પુરુષને માટે એ
અસ્વીકાર્ય ગણાય. પશુ–પંખી અને જંતુના આત્માઓ વચ્ચે પણ ભેદ ન કરવાનો બોધ આપનારા, સ્ત્રી–પુરુષના આત્મા આગળ આવીને અટકી પડ્યા– ભટકી ગયા.
મોહ છોડવો જ હોય તો પુરુષપણાનો અને ગુરુપણાનો મોહ છોડો. આજે
કોઈ ગુરુ પોતાના શીષ્યોને લેખીતમાં એમ કહેવા તૈયાર છે ખરા કે : ‘મારા
અવસાન પછી મારા ભક્તોને ગેરમાર્ગે દોરનારાં ગુરુમન્દીરો બનાવશો નહીં ?’
હું મારા ગુરુ માટે મન્દીર નહીં બનાવું અને તમારે મારા માટે મન્દીર નહીં
બનાવવાનું. વ્યક્તીના યોગ્ય ગુણોને યથાશક્તી અનુસરો ભલે; પણ તે વ્યક્તીની
પુજા કરવાની જરુર નથી. ગુરુમન્દીરો બનાવીને તો ઉલટાનું આપણે છીછરા–અધુરા
છીએ એવું પુરવાર કરીએ છીએ. હકીકતમાં કોઈ પણ
મન્દીર એ આજકાલ તો અધ્યાત્મનો સુપર મૉલ બની ગયું છે. ભારતમાં ધર્મના નામે
જેટલા કરોડ રુપીયાનું ટર્નઓવર થાય છે એટલું અન્ય કોઈ ઈન્ડસ્ટ્રીમાં નથી
થતું. ધર્મના નામે ચાલતા આ વેપાર–કારોબારનાં પલાખાં સમજાય તો નો–પ્રૉબ્લેમ.
–રોહીત શાહ
No comments:
Post a Comment