માબાપ શા માટે સંતાનને પોતાના વ્યવસાયમાં લાવવા માગતા નથી?
હું મિડિયાના વ્યવસાયમાં શા માટે આવ્યો?કારણકે…– મને મારી જાત પ્રત્યે પ્રેમ નહોતો.
– મને ૧૨ કે તેથી વધુ કલાકો માટે કામ કરવું ગમતું હતું.
-. મને વધુ કામ કરીને ઓછા પૈસા મેળવવા ગમતા હતા.
– મને કુટુંબ પ્રત્યે પ્રેમ નહોતો. તેમની સાથે ઓછો સમય વિતાવવો ગમતો હતો.
– મને સામાજિક જીવન પસંદ નહોતું.
– મને દિવસના સૂવું અને રાતના જાગવું ગમતું હતું.
– મને મારી તબિયતની ચિંતા નહોતી. મને ભૂખ્યાતરસ્યા કામ કરવું ગમતું હતું.
આ વોટ્સએપ મેસેજ મિડિયાના એક પત્રકારની સ્થિતિની દશા બરાબર વર્ણવે છે. મેં એક કવિતા લખી હતી:
દુનિયા બદલવા નીકળ્યા’તા
પત્રકારો પોતે જ બદલાઈ ગયા
ફાંકો રાખી હાલી નીકળ્યા’તા
વહેમો બધા ધોવાઈ ગયા
લખવું’તું તો ઘણું છાપે કોણ
પગ જ બેડીમાં જકડાઈ ગયા
નોકરી છે કરવી પડે
માનીને જાત્રામાં જોડાઈ ગયા
કરે ઘણી ભ્રષ્ટાચારની વાતો
પોતાના હાથ જ ખરડાઈ ગયા
ક્યાં રહી હવે એ કલમ?
જ્યાં અક્ષર જ તરડાઈ ગયા
જી સાહેબ, યસ સર
માથાં નીચાં થઈ ગયાં
બધે કાગડા કાળાં
સૌ સ્વીકારતા થઈ ગયા
દુનિયા આખીના શોષણની વાતું
કરનારા પોતે શોષિત થઈ ગયા
ત્રણ કોલમના ન્યૂઝ
સિંગલમાં છપાતા થઈ ગયા
ઘણા પત્રકારો અત્યારે કહેતા હોય છે કે તેઓ તેમના બાળકને પત્રકાર બનવા નહીં દે. કારણ પૂછીએ તો કહે છે હવે ચોવીસ કલાકની નોકરી થઈ ગઈ છે. ૧૨થી વધુ કલાક કામ કરવું પડે છે, પગાર ઓછો મળે છે. ગામ આખાના શોષણની વાતો અમે છાપીએ પરંતુ અમારું કેટલું શોષણ થાય છે તે અમે છાપી શકતા નથી. બૅન્ક વગેરેની નોકરીઓમાં લોકો પોતાનો પગારવધારો હકથી મેળવે છે જ્યારે અમારે અમારા બોસ કે માલિક જેટલો પગારવધારો આપે તેનાથી સંતોષ માનવો પડે છે. બાળકો સાજામાંદાં હોય કે પત્ની માંદી હોય ત્યારે દવાખાને કે હૉસ્પિટલે લઈ જઈ શકાતા નથી. અમારા પોતાનાં લગ્ન હોય તો પણ અમને માંડમાંડ રજા મળે છે ત્યાં અન્યોનાં લગ્ન કે મરણમાં ક્યાં જઈ શકવાના? બૅન્કનાં કામ હોય તો માંડ રજા મળે છે. નોકરી બદલીએ તો અમારું પીએફ અટકાવી દેવામાં આવે છે. ૭ તારીખ પહેલાં નોકરી છોડીને બીજા છાપામાં જઈએ તો અમારો પગાર અટકાવી દે છે. ઘણી વાર અમે મોટા ઉદ્યોગપતિ, રાજકારણી કે કોઈ બીજી મોટી હસ્તીને ઉઘાડા પાડતા સમાચાર લાવ્યા હોય તો બોસ કે માલિક તે હસ્તી સાથે ‘સેટિંગ’ કરીને તે સમાચાર છાપતા નથી.
જો બોસ કે માલિકે કહેલાં ‘કામ’ કે ‘ફાઇલ પાસ ન કરાવીએ’ તો અમે લાવેલા સમાચાર છાપવાનું બંધ કરાય છે, અમને વિવિધ રીતે હેરાન કરવામાં આવે છે, અમારી બદલી કરી દેવામાં આવે છે. ઘણી વાર અમારા પર જાહેરખબરો લાવવાનું દબાણ કરવામાં આવે છે. યેલો જર્નાલિઝમ કરવાની અમને ફરજ પડાય છે.
આ વેદના અલબત્ત, બધા છાપાં કે ચેનલોના સંદર્ભમાં સાચી નથી. અમુક છાપાં અપવાદ હોઈ શકે, પણ આ સ્થિતિ એકંદર છે. પત્રકાર ચોવીસ કલાક પત્રકાર હોય છે, તેમ ઘણા પત્રકારો કહેતા હોય છે અને તે સાચું પણ છે, પરંતુ એ વાત એવી છે કે ઘરે રહીને પણ સમાચારોથી સતત અવગત રહેવું. એનો અર્થ એવો નથી કે ઑફિસમાં ૧૨ કલાકથી વધુ કામ કરવું. અખબારો હોય કે ચેનલો, મિટિંગોનું પ્રમાણ વધી ગયું છે અને મિટિંગોમાં વ્યર્થ વાતો અને હાહાહીહી જ મોટા ભાગે થતા હોય છે. ડેસ્ક પર કામ કરનારા લોકોની પણ ખરાબ હાલત હોય છે. ચૂંટણી, બજેટ, કોઈ મોટી હસ્તી ગુજરી ગયું, આઈપીએલની ફાઇનલ હોય, ફૂટબોલ કે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન હોય, વહેલા બોલાવી લેવાય છે, મોડે સુધી રોકવામાં આવે છે, ઘણી જગ્યાએ તો જમવાનું કે નાસ્તાનું પણ કંપની તરફથી પૂછાતું નથી. અરે! બાથરૂમ કે ટોઇલેટ કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોય છે. કેન્ટીન પણ હોતી નથી. જમવા ક્યાં બેસવું તેનો સવાલ થાય છે. બોસ કે માલિકને કર્મચારીની સુખાકારીની કોઈ પડી હોતી નથી. તેને તો મતલબ હોય છે પોતાના સર્ક્યુલેશન, ટીઆરપી કે (વેબસાઇટની ભાષામાં) હિટની.
જોકે એવું નથી કે મિડિયાના લોકો જ એવું કહે છે કે તેઓ તેમના બાળકને પોતાના ક્ષેત્રમાં આવવા નહીં દે. ડૉક્ટર જેવા માનવાળા, ઊંચી કમાણીવાળા વ્યવસાયીઓ પણ આવો જ સૂર કાઢે ત્યારે નવાઈ લાગે!
એક ડૉક્ટર છે રોશન રાધાકૃષ્ણન. એનેસ્થેશિયોલોજિસ્ટ છે. તેઓ સરસ બ્લોગ પણ લખે છે. તેમના બ્લોગનું નામ છે ગોડયર્સ. તેઓ ‘બેસ્ટ ક્રિએટિવ રાઇટિંગ બ્લોગ ઇન ઇન્ડિયા
’નો એવોર્ડ મેળવી ચુક્યા છે. તેમની તાજેતરની એક બ્લોગ પોસ્ટ ચર્ચામાં છે. આ પોસ્ટનું હેડિંગ છે: વ્હાય આઈ વિલ નેવર એલાવ માય ચાઇલ્ડ ટુ બિકમ અ ડૉક્ટર ઇન ઇન્ડિયા.
તેઓ લખે છે કે ડૉક્ટરોના હવે ભ્રમ ભાંગી રહ્યા છે. ભારતમાં ડૉક્ટરોની સ્થિતિ બહુ ખરાબ છે. ૧,૦૦૦ ભારતીયો દીઠ માત્ર ૦.૭ ડૉક્ટર જ છે. તેની સરખામણીમાં ચીનમાં ૧.૯, યુ.કે.માં ૨.૮, અમેરિકામાં ૨.૫, સ્પૈનમાં ૪.૯ છે. ભારતમાં એક ડૉક્ટરના ભાગે કેટલા દર્દીઓને સારવાર આપવાનું આવતું હશે તે આના પરથી સમજી શકાય છે.
અઠવાડિયામાં ૬૩ કલાક કામ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ એવું થતું નથી. ૧૦૦ કલાક કામ કરવાનું આવે છે. અને ઘણી હૉસ્પિટલોમાં આની તરફેણ કરવામાં આવે છે. કૉન્ટ્રાક્ટમાં ૮ કલાક કામની વાત અને પછી કરાવાય ૧૪ કલાક. અને દલીલ એવી કરાય કે બધા ડૉક્ટરો આવું કરે છે. બહુ જ રૂપાળી દલીલ પણ આગળ ધરાય છે કે આપણે નિઃસ્વાર્થ સેવાના ક્ષેત્રમાં છીએ.
પત્રકાર માટે પણ આવી જ દલીલ કરાતી હોય છે કે આપણે પત્રકાર એટલે ચોવીસ કલાક પત્રકાર. બહુ જૂજ પત્રકારો કામ કરવાના એવા વ્યસની હોય છે કે તેમને સામાજિક જીવન કે પરિવારની પડી હોતી નથી. વળી, તેમનો પગાર પણ સારો એવો હોય છે. આવા પત્રકાર બોસ તરીકે બેસી ગયા હોય છે. તેઓ પોતાનો દાખલો આપીને બીજા પત્રકારોને પણ ઝાઝા કલાક કામ અને તે પણ ઓછા પગારમાં કરાવે છે. નીચેનો પત્રકાર એવી દલીલ તો કરી ન શકે કે સાહેબ, તમને તો આટલો પગાર મળે છે તેથી તમે કામ કરી શકો. દલીલ કરે તો નોકરી ગુમાવવી પડે. વળી, આવા બોસ લોકો પોતે જ્યારે મરજી પડે ત્યારે કોઈ કારણ આપ્યા વગર ઑફિસમાંથી જતા રહેતા હોય છે અને કામ નીચેના પત્રકારો પર થોપતા જતા હોય છે. પોતે પછી પરિવાર સાથે ફિલ્મ જોઈ આવે કે લગ્નમાં હાજરી આપી આવે અને ફોનથી નીચેના પત્રકારના કૉન્ટેક્ટમાં રહે એટલે નીચેનો પત્રકાર ક્યાંય છટકી ન શકે.
જોકે વધુ કલાકો કામ કરવાનું હવે દરેક ક્ષેત્રમાં આવી ગયું છે. ચાહે, બૅન્ક હોય કે એલઆઈસી, કોઈ કંપનીનો એકાઉન્ટ વિભાગ હોય કે માર્કેટિંગ, દરેક ક્ષેત્રના લોકોને પૂછશો તો આ જ માથાકૂટ છે. બૅન્કમાં પણ લોનના ટાર્ગેટ હોય છે જે પૂરા કરવા પડે છે. એક સરકારી બૅન્કમાં તાજી નિમણૂક પામેલા કર્મચારીએ કહ્યું કે તેને કારકૂન (ક્લાર્ક) તરીકે નોકરી મળી છે, પરંતુ તેને કહેવાયું છે કે તેણે લોન, ક્રેડિટ કાર્ડ વગેરેનું કામ પણ કરવું પડશે.
ડૉ. રોશન રાધાકૃષ્ણન દલીલ કરે છે કે જો તમે કોઈ ટેક્સીમાં મુસાફરી કરતા હશો તો કોઈ ડ્રાઇવરને તમે સતત ૨૪ કલાક મુસાફરી નહીં કરવા દો (કારણકે તેનાથી અકસ્માતનો ભય છે) પરંતુ દર ત્રીજા દિવસે તમે સર્જનને આવું કરવા કહો છો અને તે ભારતમાં ન્યાયી છે. હકીકતે કોઈ પણ ક્ષેત્ર હોય, એક વાત સ્પષ્ટ છે કે એક માણસ આઠ કલાક કામ કરી શકે છે અને તેમાંય તેને વચ્ચે વચ્ચે થોડો વિરામ તો જોઈએ જ.
ડૉ. રોશન રાધાકૃષ્ણન કહે છે કે એક મહિલા ડૉક્ટર સવારે પાંચ વાગ્યે જાગીને સાત વાગ્યે ઘરેથી નીકળી જાય છે. રાત્રે ૧૦ વાગ્યે ઘરે પહોંચે છે. આનો અર્થ એ થયો કે તે ઘરે માત્ર સૂવા માટે જ આવે છે. તેને હવે લાગે છે કે આ બધું શેના માટે? તે તેના સગાવહાલા માટે સમય કાઢી શકતી નથી. હૉસ્પિટલના રાજકારણના કારણે તે ખૂબ નુકસાન વેઠી રહી છે. અને આ બધું તે માત્ર ૫૦,૦૦૦ રૂપિયાના પગાર માટે કરી રહી છે. (તે મુંબઈમાં રહે છે એટલે આટલો પગાર પૂરતો ન જ કહેવાય).
ડૉ. રોશન રાધાકૃષ્ણન કહે છે કે ઘણી વાર ડૉક્ટરોનો જાન જોખમમાં આવી જાય છે કારણકે દર્દીનું મૃત્યુ થાય કે તેની સ્થિતિ બગડે તો તેના સગાવહાલા હિંસક બની જતા હોય છે. તેમણે ઉપરોક્ત પોસ્ટ પછી લખેલી બીજી પોસ્ટમાં આવા દાખલા પણ ટાંક્યા છે.
ખેડૂતની પણ આ જ સ્થિતિ છે. તે નથી ઈચ્છતો કે તેનું સંતાન ખેડૂત બને. આકરી મજૂરી પછી વરસાદ આવે ન આવે, સિંચાઈનું પાણી મળે ન મળે, વીજળી હોય કે ન હોય, આ બધા પછી પણ તે જે પાક ઉગાડે છે તેના પૂરતા ભાવ મળવાની કોઈ શક્યતા નથી. સરકાર ટેકાના ભાવ પૂરતા ન પણ વધારે. વળી, ખેતી કરવા માટે તેણે દેવું કરવું પડે તે અલગ. અને ખેડૂત હોવાથી બૅન્કમાંથી તો ધિરાણ મળવાનું નથી. આથી તે શાહુકારના વ્યાજખોરીના ચક્કરમાં આવી જાય છે. અંતે ઘણા ખેડૂતો આપઘાત કરવાનું પસંદ કરે છે.
આવું જ સુથાર, લુહાર કે પોલીસનું છે. શિક્ષકો પણ આવી જ વ્યથા વ્યક્ત કરતા હોય છે. ચોપડે રૂ. ૧૦ કે ૨૦ હજારના પગાર પર સહી કરાવીને અંતે પાંચ હજાર જ પગાર આપતા હોય છે. ગુજરાતમાં તો વિદ્યા સહાયકની પ્રણાલિ છે. કરાર પૂરો થાય એટલે કાઢી પણ શકે. વળી, જ્યાં રહેતા હોય ત્યાંથી દૂર દૂરના ગામડામાં નોકરી કરવા જવાની. બદલી કરાવવા પણ લાખો રૂપિયાની લાંચ આપવી પડે. શિક્ષક પાસે ચૂંટણી અને સર્વે જેવાં અન્ય સરકારી કામો પણ કરાવાય છે. ખાનગી શાળાઓમાં તો શિક્ષકનું આનાથી વધુ શોષણ છે.
દરેક ક્ષેત્રમાં, ચાહે સરકારી કે ખાનગી, એક જ ફોર્મ્યુલા અપનાવી લેવામાં આવી છે. મહત્તમ કામ, ઓછો પગાર. હવે તો મેનેજમેન્ટ એવું કરે છે કે ઝાઝા નવોદિતોને ઓછો પગાર આપીને રાખી લે છે. તેમને શીખવાડતા મિડલ મેનેજમેન્ટને નાકે દમ આવી જાય. નવોદિતો ભૂલ કરે તે મિડલ મેનેજમેન્ટે સુધારવી પડે. અને નવોદિતો થોડા મહિનાઓ પછી બીજી કંપનીમાં જતા રહે. આથી મિડલ મેનેજમેન્ટને ફરીથી નવા નવોદિતને શીખવાડવાની જવાબદારી આવી જાય છે. નવોદિતોમાં પણ શીખવાની ધગશ ઓછી થઈ ગઈ છે. તેમને ઝટ ઝાઝો પગાર મેળવી લેવો છે. મેનેજમેન્ટ એવું ઈચ્છતું નથી કે પાંચ નવોદિતોની જગ્યાએ એક અનુભવી પણ સારા પગારવાળી વ્યક્તિ લેવામાં આવે.
આ આખા ચક્કરના પરિણામે, કોઈ ધગશ દઈને કામ કરતું નથી. બધા વિચારે છે કે મારે શું અને મારું શું? પરિણામે અસર કામ પર પડે છે. દરેક ક્ષેત્રમાં નબળું કામ થાય છે. મોટા ભાગના લોકો, ચાહે કોઈ પણ ક્ષેત્રના હોય, વિચારે છે કે તે તેમના સંતાનને તેમના ક્ષેત્રમાં કામ કરવા નહીં દે. બાકી, એક સમય હતો કે ખેડૂતનો છોકરો ખેડૂત જ બને. સુથારનો છોકરો સુથાર બને. સોનીનો છોકરો ઘરેણાની દુકાન જ સંભાળે. ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને.
ભારતમાં આવી સ્થિતિ પાછળ નર્યો મૂડીવાદ પણ જવાબદાર છે. હવે કોઈ પણ વ્યવસાયમાં યુનિયન રહ્યાં નથી. (જોકે વર્ષો પહેલાં સામ્યવાદી યુનિયનોએ ધંધાઉદ્યોગોને તાળાં પણ મરાવી દીધા એય કડવી વાસ્તવિકતા છે.) પરિણામે કર્મચારીનો સંગઠિત અવાજ સંભળાતો નથી. (બૅન્ક અને એલઆઈસીની વાત અલગ છે.) આના કારણે કર્મચારીનું શોષણ થયા કરે છે. વ્યક્તિ ડૉક્ટર બને ત્યારે સમાજસેવાની આશાએ બને છે, સાથે સારા પૈસા મેળવવાની લાલસા હોય છે, પરંતુ પછી હૉસ્પિટલોમાં દર્દીને બેફામ લૂંટાતા જુએ છે. પત્રકાર સમાજને સુધારવા, ગેરરીતિઓને ખુલ્લી પાડવાના ઈરાદે આ ક્ષેત્રમાં ઝંપલાવે છે, શિક્ષક સારા વિદ્યાર્થીઓ ઘડવા માટે શિક્ષક બને છે. પોલીસ ગુનાખોરી ઘટાડવા પોલીસ બને છે. પરંતુ પછી જુએ છે તો તેને પોતાની લાચારી સમજાય છે. આમ દરેક વ્યવસાયીને લાગે છે કે બીજાની થાળીમાં લાડુ મોટો છે.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા. ૨૭/૫/૧૫ના રોજ આ લેખ છપાયો)
No comments:
Post a Comment