અનાવૃત - જય વસાવડા
સંશોધનાસન અને બુદ્ધિ યોગ : યોગ હિન્દુ નહિ, હિન્દુસ્તાની છે... પ્રાચીન પરંપરા જ નહિ, મોડર્ન ફ્યુઝન છે !
આ દુનિયામાં રિજીયોનલ અને રિલિજીયસ આઇડેન્ટીટીનો ઇગો ન હોત, તો અડધોઅડધ કોન્ફ્લિક્ટસ ન હોત
પૂરા ૩૨ વર્ષ પહેલાની હિન્દી ફિલ્મ 'હાદસા'ના એક આઇટમ સોંગના આ શબ્દો છે ! આખું સોંગ એકદમ ફન્કી મૂડમાં યંગથીંગ્સ માટે લખાયેલું. 'વાય... ઓ... જી... એ કરો યોગા યોગા...!' એવું એનું કેચી મુખડું લલકારવામાં આવતં ચૂંટણી સભાના કોઈ વાયદાની જેમ એમાં ગેરન્ટી અપાઈ હતી તન મેં લચક આયે, મન કી કસક જાયે... ચેહરે ચમક આયેગી ! નજરો મેં નયા નૂર હોગા ! યોગા ! વાય... ઓ... જી....એ... કરો યોગા યોગા !
વેલ, અને આ ફિલ્ના હીરો- ડાયરેક્ટર હતા ફિરોઝખાન અને સંજયખાનના લઘુબંધુ અકબરખાન ! નરેન્દ્ર મોદી કે બાબા રામદેવે પોપ્યુલર પ્લેટફોર્મ પર યોગાને મૂક્યો, એથી પહેલાં તો એક ફિલ્મી મુસલમાને યોગા જીંગલ રચી કાઢેલું ! યે હિન્દુસ્તાન હૈ. એની તબિયતમાં જ સાહજીક સમન્વયની ફિતરત છે. ગીત લખ્યું પણ એમ. જી. હશ્મતે હતું અને કમ્પોઝ આપણા ગુજરાતી કલ્યાણજી- આણંદજીએ કરેલું.
આ જ કલ્યાણજીભાઈના પ્રિય એવા રજનીશનું સ્મરણ મુસ્લિમોના એક વર્ગે ૨૧ જૂને ભારતના કહેવાથી યુનોએ સ્વીકારેલા વિશ્વ યોગ દિવસની ઉજવણીનો ધાર્મિક કારણથી વિરોધ કર્યો, ત્યારે થઇ આવે છે. ઓશોએ છેક ૧૯૮૧માં બાબા રામદેવનું અસ્તિત્વ બાબલાકાળમાં હતું ત્યારે શું કહેલું ? લો વાંચો આ ઝલક :
'યોગ કોઈ ધર્મ નથી. યોગ હિન્દુ નથી, યોગ મુસ્લિમ નથી યોગ એક વિશુદ્ધ વિજ્ઞાાન છે. ગણિત, ફિઝીક્સ, કેમેસ્ટ્રી જેવું. ફિઝિક્સ કંઈ ખ્રિસ્તી કે બૌદ્ધ હોય ? ઘણા ખ્રિસ્તીઓએ ભૌતિકશાસ્ત્રના નિયમો શોધ્યા એટલે શું ભૌતિકશાસ્ત્ર ખ્રિસ્તી થઈ ગયું ? આ તો એક સંયોગ છે કે હિન્દુઓએ યોગ શોધ્યો (પણ હિન્દુઓએ તો ગણિતના અંકો પણ શોધ્યા, ને સંગીતના રાગ પણ- એટલે એ શું હિન્દુ પૂરતા મર્યાદિત થઈ ગયા ?) એક મુસ્લિમ પણ યોગી હોઈ શકે, ખ્રિસ્તી, જૈન કે બૌદ્ધ પણ. યોગનું અસ્તિત્વ ધર્મ સાથે જોડાયેલું નથી. (ઇસ્લામ પહેલાં પણ લીલો રંગ હતો, જીસસ પહેલા પણ ક્રોસ તો હતો જ એવું કંઈક')
અને બીજા કોઈની સરખામણી પતંજલિ સાથે શક્ય નથી. માનવ ઇતિહાસમાં એમણે પહેલી વખત ધર્મને વિજ્ઞાાનની આસ્થાએ લાવી દીધો. જેના નિયમો મહત્ત્વના હોય, તથાકથિત શ્રદ્ધા નહિ ! બધા ધર્મો કોઈને કોઈ ઇશ્વર કે વિધિ પર ભરોસો મૂકવાનું કહે છે. પતંજલિનો યોગ તો આવી કોઈ કડાકૂટને બદલે ચોક્કસ રૃપરેખા આપીને કહે છે અનુભવ કરો ! યોગ ધર્મ નથી, દર્શનશાસ્ત્ર નથી. શરીર અને મનથી અનુભવ કરવાનું વિજ્ઞાાન છે અને એ કોઈનું ઇન્વેન્શન (આવિષ્કાર) નથી, ડિસ્કવરી (શોધ) છે.
પતંજલિ પ્રબુદ્ધ ધર્મ પ્રવર્તકોની દુનિયાના આઇન્સ્ટાઇન છે. એ કવિ નથી, એમણે બહુ નીતિમત્તાનો ઉપદેશ પણ આપ્યો નથી. બસ, સૂત્રો અને આસનો. અનુશાસનનું ગણિત. યોગ કોઈ મેડિકલ થેરપી નથી, સાધના છે. થેરેપી તો બીમારો માટે હોય. યોગ તો સ્વસ્થ વ્યક્તિઓ માટે પણ છે. એ પરમ અને પ્રકૃતિ સાથે શરીર અને મનનું અનુસંધાન છે. હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી પરંપરામાં ધર્મ એ કેવળ અકસ્માત છે, સત્ય વ્યક્તિગત શોધવાનું છે. યોગ કેવળ શારીરિક મુદ્રા નથી ચિત્તને સમાપ્ત કરવાનો સાક્ષીભાવ છે. મનની ક્રિયા- પ્રતિક્રિયાથી મુક્ત થઈ મળતી ઊર્જા છે. એટલે પતંજલિ આસ્તિક કે નાસ્તિક પણ નથી. કોઈ ભગવાન કે દેવદૂતની કાલ્પનિક કહાની એ કહેતા નથી. બસ સાધના અને સમર્પણથી શૂન્યતા સુધી પહોંચી, અંદરના અંધારા ઉલેચવાની પ્રકાશમય વાત છે.''
આ જ્ઞાાન- વિચાર- સહજતા ઉદારતાના યોગ સુધી તો ભલભલા યોગગુરુઓ ફણ નથી પહોંચ્યા રીડર બિરાદર !
સોમનાથના મંદિરમાં પ્રવેશવા માટે બિનહિન્દુઓએ પરવાનગી લેવી જોઈએ એ પાટિયું જેટલું હાસ્યાસ્પદ છે એટલો જ હાસ્યાસ્પદ અમુક જડસુ રેડિકલ મુસ્લિમોનો સૂર્યનમસ્કાર સામેનો વિરોધ છે. દિલ્હી એરપોર્ટના ભવ્ય ટર્મિનલ પર સૂર્યનમસ્કારની મુદ્રાઓ છે, તો એનો બહિષ્કાર કરશો ? અસલામતીથી પ્રેરાઈને અગાઉ વંદે માતરમ્નો વિરોધ કરી આમ જ સામે ચાલીને ધર્માંધ મુસ્લિમો અળખામણા થઈ ચૂક્યા છે. એ. આર. રહેમાને વટથી વંદે માતરમ ગાયું તો શું ખાટુંમોળું થઈ ગયું કે અનેે એ કવી રીતે અલ્લાહથી દૂર જતો રહ્યો ? (ખુદાએ તો એને બબ્બે ઓસ્કાર અને અપરંપાર સર્જકતા, લોકપ્રિયતા, સંપદા બક્ષી એ પછી !)
સરકારે ચોખવટ કરી જ છે, સૂર્ય નમસ્કાર અઘરા છે, આગોતરી પ્રેક્ટિસ વિના કે ઇન્સ્ટ્રક્ટરની તાલીમ વિના એક ધડાકે થઈ શકે તેમ નથી. અને મનમાં જેની પ્રાર્થના બોલવી હોય એ બોલો ને ? દુનિયાના કયા ટીચર પાસે મન વાંચવાનું 'ડિજીટલ રીડર' છે ? બાકી, જેમ અમેરિકામાં રખડતા હો તો છાશ કરતા કોલા જ વધારે મળે, એમ ભારતમાં પ્રાધાન્ય બહુમતી વસતિના રીતરિવાજો, ચિત્રો કે ધ્વનિનું જ રહે ને ! એમાં ધર્મની વાત જ નથી. ફિલ્મોમાં પંજાબીઓની બહુમતી છે. તો દર બીજા ગીતે સોણા સોણા, શાવા શાવા નથી આવી જતું ?
પ્રિન્સિપલી આવી ફ્લેક્સિબલ થયા વિના સાતમી સદીમાં ચોંટી જવાની રીજીડિટીને લીધે જ ઇસ્લામ જગતમાં વધુ વગોવાયો છે. કોઈ ધાર્મિક વિધિ ફરજિયાત કરાવે એ જુદી વાત કઈ. કોઈ ખાનનપાનના નામે, માંસાહાર કે ડુંગળી લસણના નામે રહેવા મકાન ન આપે, ને આમ મોટી મોટી મુખ્ય પ્રવાહમાં ભળી જવાની શીખામણ આપે એ ચોક્કસ અન્યાયી અને ખોટી વાત થઈ. પણ બે ઘડી માનો કે સૂરજને કે ફોર ધેટ મેટર વૃક્ષને, નદીને, પર્વતને નમસ્કાર કરી લીધા તો કયો પ્રલય આવી જવાનો છે ? એમાં ય અલ્લાહ મોજૂદ નથી ? અલ્લાહની જ એ કરામત નથી ? હવે આમાં ગ્રંથોના પાના ઉથલાવીને વકીલો જેવા સાઇટેશન કરવાના ન હોય, પૂછો આપણા દિલને. ત્યાં ય અલ્લાહમિયાં બેઠા બેઠા મુસ્કુરાય છે. યા ઐસી જગહ બતા દો, જહાં ખુદા ન હો. અમારું માથુ અલ્લાહ સિવાય કોઈ સામે ઝૂકે નહિ એ કહેવામાં સારું લાગે બાકી દુકાનના ગ્રાહકથી કોલેજના ફ્રેન્ડ સામે ય પ્રેક્ટિકલી ઝૂકે. આ દુનિયા જ આખી કુદરતની છે, માનવી તો મહેમાન છે તો પ્રકૃતિના તત્ત્વોમાં પરમાત્મા જોઈને સજદા કવરામાં તોબા શું કરવાની ?
પણ ધર્મની વાત આવે એટલે ભલભલા કહેવાતા ડાહ્યા કે શિક્ષિત લોકોના વિચારદ્વાર પર મલ્ટી કોમ્બિનેશન લોક લાગી જતા હોય છે. આપણે ત્યાં આગળ જવાને બદલે પેલા અનામતવાળા ગુર્જરોની જેમ પાછળ જવાની હોડ લાગેલી હોય છે. અમીર ખુશરોએ મૃદંગમાંથી તબલા બનાવ્યા એમ કેટલાય ભારતીય વાદ્યોને મુસ્લિમ કલાકારોએ દિલથી વગાડયા છે. સિતાર હોય કે ઢોલ. એ ય એક ઇબાદત છે, કળાના સ્વરૃપે. તો સૂર્ય યોગી આદિત્યનાથે કહ્યું એમ વળી ક્યાં હિંદુ છે કે ફક્ત હિન્દુઓ માટે જ એનો પ્રકાશ રિઝર્વ્ડ છે ?
આ દુનિયામાં રિજીયોનલ અને રિલિજીયસ આઇડેન્ટીટીનો ઇગો ન હોત, તો અડધોઅડધ કોન્ફ્લિક્ટસ ન હોત. જેમ સાન્તાક્લોઝ સંપૂર્ણ ખ્રિસ્તી નથી અને હવે બધાં બાળકોના યુનિવર્સલ છે. એવું જ યોગનું છે. ઇનફેક્ટ, હિન્દુ સંસ્કૃતિની લવચિકતા (ઇલાસ્ટીસ્ટી) અને સર્વસમાવેશકતા (બ્રોડ એક્સેપ્ટન્સ)ને લીધે જ એ સમથિંગ સ્પેશ્યલ છે એને બદલે તાલિબાની માઇન્ડસેટની અક્કલ વગરની નકલના ચાળે અમુક (બધા નહિ) હિન્દુઓ ચડયા છે. હોંશિયારની પ્રેરણાને બદલે ઠોઠની નકલ કરે છે. બાકી હિન્દુ જીવન બંધિયાર ખાબોચિયાને બદલે બધા પ્રવાહ સમાવતી નદી જેવું હતું એમાં તો યોગની યાત્રા અહીં સુધી થઈ !
અભ્યાસ વિના અભિપ્રાયોને સત્ય માની લેવાની ટેવ વોટ્સએપ કાળમાં ચરમસીમાએ પહોંચી છે. (ઘોર કળિયુગ !) એટલે આપણને ઝટ દઈને ગળે ઉતારવામાં ઘસરકા પડે કે યોગનું વર્તમાન સ્વરૃપ સંપૂર્ણ ભારતીય નથી, અને એ પૂરી રીતે હિન્દુ ધર્મપરંપરા પણ નથી, અને જેટલો માની લેવાય છે એટલો પ્રાચીન પણ નથી ! પણ રિસર્ચ સ્કોલર જેવા શબ્દોની એલર્જી ધરાવતા સમાજને આવા કટ્ટુસત્યોનું પાચન કરવા જેટલી સ્થિતપ્રજ્ઞાતા હજુ કેળવાઈ નથી.
વિશ્વ યોગદિવસે ચેનલમાઈની કૃપાથી દેશ આખો જેના હિલોળે ચડશે એ યોગાસન છે. સંપૂર્ણ યોગ નથી. જો ભગવદ્ ગીતા અને ઉપનિષદોમાં આવતા યોગ શબ્દને પકડીએ, તો એ 'યુગ્મ' - જોડાયેલું, કશાક સાથે એટેચ/ સંલગ્ન થવાની અવસ્થાના અર્થમાં છે. યોગની જ મૂળ ધાતુ 'યુજ્' (યજ્ઞાનું પણ કશુંક કનેક્શન ખરું કે ?) આ અર્થમાં છે એમાં કોઈ શારીરિક કસરતોનો ઉલ્લેખ સુધ્ધાં નથી.
વ્યાસની જેમ સંસ્કૃતના અડાબીડ જંગલ જેવા ઇતિહાસમાં પતંજલિ પણ એકથી વધુ છે. એક વ્યાકરણશાસ્ત્રી છે. બીજા ભોજના સમકાલીન મનાય છે. પતંજલિના ૧૯૫ યોગસૂત્રોમાં શ્વાસ અને ધ્યાનમાં બેસવાની શારીરિક મુદ્રા જેવા આસનો સિવાય આજે પ્રચલિત છે એવા કોઈ આસનોનો ખાસ ઉલ્લેખ જ નથી ! એ અષ્ટાંગ યોગા તો સાક્ષાત્કારના સ્ટેપ્સરૃપે છ. જેમાં આઠ પગથિયા યમ (મોરલ પ્રિન્સિપલ્સ), નિયમ (ઇનર મોરાલીટી), આસન (ફિઝીકલ પોઝિશન ફોર મેડિટેશન), પ્રાણાયામ (બ્રેધિંગ કન્ટ્રોલ), પ્રત્યાહાર (ફ્રીડમ ફ્રોમ રેગ્યુલર મટીરીયલ વર્લ્ડ), ધારણા (ફોક્સ), ધ્યાન (મેડિટેશન ઝીરો થોટ્સ) અને સમાધિ (સાલ્વેશન ડિઝોલ્વિંગ ધ સેલ્ફ) જેવા છે જેમાં 'શાંતિ અષ્ટાંગી' લલકારી યોગને ફિટનેસ સિક્રેટ ગણાવતી મેડોનાથી લઈ ટીવી પર સવારે બાબા રામદેવની સાથે ઠેકડા મારવાના પ્રયાસો કરનારા મેનામાસી સુધી કોઈને ટપ્પા પડે એમ નથી.
આવો યોગ જે કરે, એ દુનિયાને દેખાડી દેવાના કે વસ્તુઓ વેચી બ્રાન્ડિંગ કરવાના મોહમાંથી મુક્ત થયો હોય. એ સિદ્ધયોગી. બાકી બધા સર્કસના કસરતબાજ. શરીર તો રશિયન જીમ્નાસ્ટનું પણ સતત અને સખત મહેનતથી રબ્બરની જેમ વળે અને ક્લીન્ટ ઇસ્ટવૂડ જેવા જીમમાં જઈને પણ આયુષ્યના નવમા દાયકે કડેધડે ફિટમફિટ રહે. પછી જેમ બાબા રામદેવને આવડયું, એમ ટીવીનો ઉપયોગ કરી હેરીટેજ કોન્સેપ્ટ સેલિંગ કરતા આવડવું જોઈએ !
ભલે, શ્રમજીવીઓને બાદ કરતાં ખેલની બાબતે બેઠાડુ ભારતીય પ્રજા ધાર્મિકતાના બહાને પણ સવારે ઉઠી આસન પ્રાણાયામ કરે એમાં જ સાયન્ટીફીકલી પણ હેલ્થનો ફાયદો જ છે. ચાવતા અને શ્વાસ લેતા આવડે, શરીરની કેલરી બાળતા અને કરોડરજ્જુને ટટ્ટાર કરી સ્નાયુઓને સ્ટ્રેચ કરતા ફાવે તો ઓક્સિજીનેશન, સ્ફૂર્તિ, ઇમ્યુનિટી, મસલ લોજેટિવિટી વધવાની જ.
પણ વેદમાં વર્તમાન યોગાસનનું નામોનિશાન નથી. એ નોંધી લેવું. અત્યારના 'યોગા' અમેરિકનો માટે ઇન્ડિયાથી આવેલું મેકડોનાલ્ડ કે કોકોકોલા છે. (૧૧ વર્ષ પહેલાનું સ્પેક્ટ્રોમીટર 'શિકાગોમાં શીર્ષાસન, મેનહટનમાં મકરાસન'માં વિગતે આ વાત ચર્ચી છે.) યોગની પેરેલલ પાઇલેટ્સ પણ છે. ભારત સાથે જોડાયેલા ચમત્કારોના રહસ્યમાં વેસ્ટર્ન વર્લ્ડ યોગને જાદૂઈ બાબત સમજી એનાથી પીસ કે મહારાજા જેવી સેક્સલાઇફ ફોરએવર મળશે એમ માની તૂટી પડે છે અને અમેરિકામાં જે ફાવે એ દુનિયાને ભાવે. પટ્ટાભી જોઇસ પછી તો યોગા સ્ટુડિયો, મસાજ પાર્લર કે સ્પાની જેમ ફૂટી નીકળ્યા છે. હોટયોગા વાળા વિક્રમ ચૌધરી સોનાબાથમાંથી હોટહોટ સુંદરીઓ સાથેના સેક્સ સ્કેન્ડલમાં આવી ગયા છે. ભૂમિકા ચાવલાને પરણી જનાર ભરત ઠાકુર ખભા પર સુંદરીઓ બેસાડી એ ગળા ફરતે પદ્માસન લગાવે એવા પોસ્ટર બનાવતા. મહેશ યોગી એક્ટ્રેસ મિયા ફેરો પાછળ કેવા ભોગી બનેલા એ બીટલ્સના ઇન્ટરવ્યૂઝમાં વાંચજો ! પાવર યોગાના નામે ચાલતા યોગામાં આસનો સાથે મોડર્ન એરોબિક્સ, જીમની એક્સરસાઇઝ વગેરેની કોકટેલ થઈ ગઈ છે ! હવાઈ ટાપુમાં વિન્યાસયોગના રિસોર્ટસ છે.
'૫૦૦૦ વરસ જૂની મેજીક મેથડ'ના નામે યોગનું ગ્લોબલ માર્કેટિંગ થાય, પણ 'યોગ ઇન્ડસ્ટ્રી'ના લાઉડક્રાઉડથી દૂર ખસીને સંશોધન કરો, તો એટલું જડે કે ટાઇટલ સંસ્કૃતમાં રાખી દેવાથી દરેક બાબત રામ કે કૃષ્ણના જમાનાની નથી બનતી જતી. વર્તમાન યોગ શિબિરોમાં થતા યોગાસનો ૧૬મી સદીની હિંદુ જાગરણ ઝુંબેશની બાયપ્રોડક્ટસ છે. જેની ક્રેડિટ સ્વામી શિવાનંદ કે ટી. ક્રિષ્નામાચાક્રીર્ય (જેના મશહૂર શિષ્ય એટલે વર્લ્ડ ફેમસ રિયલ યોગગુરૃ બી.કે.એસ. આયંગર) જેવાઓને આપી શકાય. અમુક આસન- શ્વાસ પદ્ધતિઓ તો એમની જ શોધેલી / વિકસાવેલી છે.
મધ્ય યુગમાં તાંત્રિક શક્તિઓ પ્રાપ્ત કરવા માટે અને સાત્ત્વિક અધ્યાત્મમાં 'પ્રતિબંધિત' ગણાતા હઠયોગમાંથી એમણે પતંજલિ કરતા વધુ પ્રેરણા લીધી. નાથ સંપ્રદાયના સિદ્ધોના હઠયોગને વળી ગીતા કે પતંજલિ સાથે ખાસ સંબંધ નથી. ચીનના તાઓઇસ્ટ આવી શારીરિક રીતે કઠિન સાધના કે શ્વાસનું તપ કરતા. પણ ૧૪મી સદીની મનાતી 'હઠયોગ પ્રદીપિકા'માં ગણીને ૧૫ જ આસનોનું વર્ણન છે ! પણ બી.કે.એસ. આયંગર 'લાઇટ ઓફ યોગા' ૨૦મી સદીમાં લખે એમાં ૨૦૦ યોગાસન આવી જાય છે !
યોગના અભ્યાસુઓ જે બે ગ્રંથોના નામો ટાંકે છે, એ 'યોગ કુરૃંત' અને 'યોગ રહસ્ય'ની કોઈ ફિઝિકલ કોપી તાડપત્રીમાં ય સચવાયેલી નજરે જોવા મળતી નથી. માટે માની લેવાનું જે કહેવાય તે. જેમ વૈદિક મેથેમેટિક્સ પ્રાચીનના નામે ચાલેલું અર્વાચીન તૂત છે, એવું જ અમુક યોગાસનોનું કે એના હવામાં કપડા સાથે લટકવાના કે અંગ કસરતના અસાધારણ દાવ કરવાની પોપ્યુલર પ્રેક્ટિસનું ય છે.
ભારતમાં યોગને નવજીવન આપવાની શરુઆત આઝાદી નજીક આવતા થઈ હતી એ કાળમાં મૈસુરના મહારાજા કૃષ્ણરાજ વાડિયાર ચોથાએ કરેલી. વેસ્ટર્ન સ્કૂલ કોન્સેપ્ટ મુજબ એ ફિઝિકલ ટ્રેનિંગ (પી.ટી.)ને ફરજિયાત બનાવવા માંગતા હતા. એમણે જ ટી. ક્રિષ્નામાચાર્યને ફંડ આપ્યું. મૈસુરના પૂર્વ મહારાજા મુમ્માદી વાડિયાર ત્રીજા (૧૭૯૯- ૧૮૬૮) એ એક સચિત્ર ગ્રંથ 'શ્રીનાથ નિધિ' નામનો તૈયાર કરાવેલો જેમાં તાંત્રિક હઠયોગ, વ્યાયામ, અખાડાની કસરતો અને પોતે જોયેલી, જાણેલી, વિચારેલી કસરતો હતી. ક્રિષ્નામાચાર્યે એની સાથે બ્રિટિશરોને લીધે ભારતમાં આવેલ વેસ્ટર્ન જીમ્નાસ્ટિકનુ કોમ્બિનેશન કર્યું. ક્રોસ લેગ્ડ જમ્પબેક, વોકિંગ હેન્ડઝ ડાઉન વગેરેનું 'ભારતીયકરણ' થઈ ગયું. 'વાયએમસીએ' સંસ્થામાં ત્યારે સ્વીડિશ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર નીલ્સ બૂખ (૧૮૮૦- ૧૯૫૦) આવેલો એના પ્રિન્ટેડ મેન્યુઅલની ૨૮ એક્સરસાઇઝ આયંગર, જોઇસ (બેઉ ક્રિષ્નામાચાર્યના શિષ્યો)ના યોગના પુસ્તકમાં આસન તરીકે છે ! યોગ નામ તેવો જ ફ્યુઝન પાવર !
આમ પણ પ્રાચીન ભારતીય શિલ્પોમાં નટરાજ શિવની ઘણી યોગમુદ્રાઓ જોવા મળે છે અને શિવ સાથે તાંત્રિક ધારા વૈદિક કરતા વધુ નજીકથી જોડાયેલી છે. ટૂંકો સાર એટલો કે યોગાસનોનું મૂળ અને કૂળ ઓમ પ્રિન્ટ કરેલા ટીશર્ટ જેવા ફ્યુઝન જેવી હિસ્ટ્રી અને મિસ્ટ્રી ધરાવે છે, અને એનું ઓરિજીનલ તત્ત્વજ્ઞાાન ઇગોસેન્ટ્રિક નેગેટિવિટી ધરાવતા પોલિટિશ્યન્સને પચે એમ નથી. બેઠાડુ રાજકારણીઓ અને અધિકારીઓને ૨૧ જૂને યોગ કરતા જોવાની ગમ્મત આવશે ! દેશી સિગ્નલ આત્મા બનેગે મહાત્મા ! યોગા !
ઝિંગ થિંગ
દિલ ધડકને દો : કૃત્રિમ દંભી દેહમાં કેદ પ્રેમ, આઝાદી અને પાર્દર્શકતાના દિલનો ધીંગો ધબકાર. પોલીસકર્મીની આખરે ધરપકડ
No comments:
Post a Comment