Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 July 2015

વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વિશાલ ડડલાણી: સંગીતકાર જ નહીં, સારો ગાયક-ગીતકાર પણ

વિશાલ ડડલાણી એવા જૂજ લોકોમાં આવે છે જે બહુમુખી પ્રતિભા કહેવાય. સંગીતકાર એ તેની મુખ્ય ઓળખ, શેખર રાવજિયાણી સાથે તેણે વિશાલ-શેખર તરીકે બનાવી છે, પણ છેલ્લા કેટલાય સમયથી તે સ્વતંત્ર રીતે પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે. ગાયક તરીકે પણ તે સફળ છે. તે સારો ગીતકાર પણ છે. આજકાલની ભાષામાં જેને એક્ટિવિસ્ટ કહેવાય તે પણ છે. પરંતુ તે પોલિટિકલ એક્ટિવિસ્ટ છે. તે આમ આદમી પાર્ટીનો ચુસ્ત ટેકેદાર છે. ટ્વિટર પર તે ખૂબ જ સક્રિય છે અને તેનું ટ્વિટ વિવાદ પણ સર્જી ચુક્યું છે. ટીવીના સંગીત શોમાં નિર્ણાયકો તરીકે પણ આવતો રહ્યો છે. હાલમાં તે ‘ઇન્ડિયન આઇડોલ જુનિયર’માં તે નિર્ણાયક તરીકે દેખાઈ રહ્યો છે.
મુંબઈમાં તા. ૨૮ જૂન, ૧૯૭૩ના રોજ જન્મેલા વિશાલ ડડલાણીનું કુટુંબ સિંધથી આવેલું છે અને તેના પિતા બિલ્ડર છે. તેને એક બહેન છે. તેનાં માતાપિતા જબરા સંગીતપ્રેમી હતાં. વિશાલને જે પ્રકારનું  સંગીત સાંભળવું હોય તે સાંભળવાની છૂટ હતી. તે વૂડસ્ટોક આલબમથી માંડીને જગજીતસિંહ અને ડિસ્કો એમ તમામ પ્રકારનું સંગીત સાંભળતો. ઘરમાં તમામ સુખ હતાં, પરંતુ વિશાલ નાનપણથી જ ગુસ્સાવાળો હતો. કૉલેજમાં તે ગુંડા જેવો હતો. પરંતુ તેને ગિટાર વગાડવાથી ખૂબ જ શાંતિ અને મજા મળતાં હતાં. વિશાલે સંગીતમાં જ કારકિર્દી બનાવવાનો  વિચાર કરી લીધો. પિતાને વાત કરી, પિતાએ કહ્યું, “તને લાગે છે કે તને સંગીત ફાવે છે?” વિશાલે કહ્યું, “હા, મને લાગે છે.” પિતાએ લીલી ઝંડી આપી દીધી. કોઈ દબાણ ન કર્યું કે પોતાની જેમ તેનો દીકરો પણ બિલ્ડિંગ લાઇનમાં આવે.
વિશાલે તેના ત્રણેક મિત્રો સાથે ૧૯૯૩ કે ૯૪માં પેન્ટાગ્રામ નામનું સંગીત બેન્ડ બનાવ્યું હતું. તેની સાથે રણડોલ્ફ કોરૈયા (ગિટાર), ક્લાઇડ ડીસોઝા (ગિટાર), પાપલ માને (બાસ) અને શિરાઝ ભટ્ટાચાર્ય (ડ્રમ) હતા. એક શોમાં ડડલાણી અને શિરાઝ ભટ્ટાચાર્યની મુલાકાત થઈ હતી. એ વખતે તે નોસ્ટાલ્જિયા નામના બેન્ડમાં હતો. એ શોમાં ડડલાણી બાસ પર હતો અને શેખર રાવજિયાની કી બોર્ડ પર. આ મુલાકાત પેન્ટાગ્રામ નામનું બેન્ડ બનાવવામાં પરિણમી. ૧૯૯૬માં તેમનું પહેલું આલબમ આવ્યું ‘વી આર નોટ લિસનિંગ’. ૧૯૯૯માં શિરાઝે વિશાલની મુલાકાત ‘પ્યાર મેં કભી કભી’ના નિર્દેશક રાજ કૌશલ સાથે કરાવી ત્યારથી વિશાલની બોલિવૂડ કારકિર્દી શરૂ થઈ.
જરા અટપટી લાગે તેવી વાત છે, પરંતુ શેખરે પોતે કહેલી છે તેથી માનવી પડે તેમ છે. વિશાલ-શેખર હતા તો બાળપણના મિત્ર, પરંતુ તેમને ‘પ્યાર મેં કભી કભી’ અલગ-અલગ મળી હતી. (વિશાલે ઇન્ડિયા ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે બંનેની મૈત્રી ‘પ્યાર મેં કભી કભી’ના પાંચ વર્ષ પહેલાં જ થઈ હતી) ૧૯૯૮માં ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ફિલ્મથી ફિલ્મમાં બે કે ત્રણ સંગીતકાર હોય તેવો દૌર શરૂ થયો હતો. ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં જતીન-લલિત, હિમેશ રેશમિયા અને સાજીદ-વાજીદનું સંગીત હતું. એટલે ‘પ્યાર મેં કભી કભી’માં બે ગીત શેખરે કરવાના હતા તો બે ગીત વિશાલને કરવાનાં હતાં. બંનેને ખબર પડી કે તેઓ એક જ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે એટલે ફિલ્મનું છેલ્લું ગીત બંનેએ ભેગા મળીને કર્યું. આમ બની વિશાલ-શેખરની જોડી.
પહેલી ફિલ્મ ખાસ ચાલી નહીં, પરંતુ તેનાં ગીતો ઘણાં ચાલ્યા. ‘મુસુ મુસુ હાશી’ ગીત તો નેપાળી બેન્ડનું કોપી કેટ ગીત હતું પરંતુ લોકપ્રિય ઘણું બન્યું. શાને ગાયેલું આ ગીત ઉપરાંત બીજું ગીત ‘વો પહેલી બાર જબ હમ મિલે’ પણ ખૂબ ચાલ્યું.
વિશાલ-શેખરની બીજી ફિલ્મ ‘ઝંકાર બીટ્સ’ ચાર વર્ષ પછી એટલે કે ઈ. સ. ૨૦૦૩માં આવી. પરંતુ તેના નિર્દેશક સુજોય ઘોષ સાથે તે અગાઉ જ મિત્રતા થઈ ગઈ હતી. ત્રણેય સાથે ફરતા હતા. આમ, વિશાલ-શેખરે કામ ૨૦મી સદીમાં શરૂ કર્યું, પરંતુ તેની ગતિ ૨૧મી સદીમાં વધી. ‘ઝંકાર બીટ્સ’માં સંગીતકાર આર. ડી. બર્મનને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ ફિલ્મથી જ વિશાલ ગાવા લાગ્યો. તેનું શાને ગાયેલું ગીત ‘તેરા મુસ્કુરાના’, ‘દિલ ને તુમ કો ચુન લિયા હૈ’,  કેકેએ ગાયેલું ગીત ‘તૂ હૈ આસમાં મેં’, સુદેશ ભોસલેએ આર. ડી. સ્ટાઇલમાં ગાયેલું શીર્ષક ગીત, આર. ડી. વિશે શબ્દશઃ શ્રદ્ધાંજલિ આપતું અને તેમની જીવનકથા ટૂંકમાં કહેતું ગીત ‘બોસ કૌન થા માલૂમ હૈ ક્યા’ બધાં એક એકથી ચડિયાતાં હતાં, પરંતુ શાને ગાયેલાં પ્રથમ બે ગીતો અને કેકેનું ગીત આજે પણ લોકપ્રિય છે.
તે પછી તો બસ, વિશાલ-શેખરની જોડી જામી ગઈ. બંનેએ ‘દસ’, ‘બ્લફમાસ્ટર’,  ‘સલામનમસ્તે’, ‘ટેક્સી નં. ૯૨૧૧’, ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રા. લિ.’, ‘ગોલમાલ’, ‘ઓમ્ શાંતિ ઓમ્’, ‘દોસ્તાના’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘ચેન્નાઈ એક્સ્પ્રેસ’, , ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘હેપ્પી ન્યૂ યર’ જેવી સફળ ફિલ્મોમાં સંગીત આપ્યું.
વિશાલ ગાયક કઈ રીતે બન્યો તેની પાછળની વાત મજેદાર છે. આમ તો તે નાનો હતો ત્યારે શાળામાં શિક્ષક બધાને વારાફરતી ગાવા ઊભા કરતા ત્યારે બીજા સહાધ્યાયીઓને સાંભળીને વિશાલને લાગતું કે તે ઘણું સારું ગાઈ શકે છે. વિશાલ-શેખરનું બેન્ડ ચાલતું હતું, ત્યારે એક કાર્યક્રમના રિહર્સલમાં એક જણ બહુ ખરાબ ગાતો હતો અને વિશાલે તેને મોઢામોઢ કહી દીધું. આથી પેલાએ કહ્યું, “તો શું તું મારા કરતાં વધુ સારું ગાઈ શકે?” વિશાલ કહે, “હા બિલકુલ” અને આમ, વિશાલ ગાયક બન્યો.
વિશાલે પોતાના સંગીતમાં તો ગીતો ગાયાં જ છે, પરંતુ હરીફ સંગીતકારોના નિર્દેશનમાં પણ ગીતો ગાયાં જેમ કે શંકર-અહેસાન-લોયના સંગીતમાં ‘જમે રહો’ (તારે ઝમીં પર), વિશાલ ભારદ્વાજના સંગીતમાં ‘ઢેનટેણન’ (કમીને), અમિત ત્રિવેદીના સંગીતમાં ‘હુઆ છોકરા જવાં રે’ (ઈશકઝાદે), પ્રીતમના સંગીતમાં ‘બલમ પિચકારી’ (યે જવાની હૈ દીવાની) તેમજ ‘ટીવી પે બ્રેકિંગ ન્યૂઝ ઘાઘરા’, સચીન-જિગરના સંગીતમાં ‘ભંવરા બગિયન મેં ખો ગયા’ (ક્યા સુપર કૂલ હૈં હમ) અને ‘સેલ્ફી લે લે રે’ (બજરંગી ભાઈજાન) ગાયાં છે. જ્યારે કટ્ટર હરીફાઈ હોય અને હિન્દી ફિલ્મોદ્યોગમાં બધા સ્વાર્થનાં સંબંધો રાખતા હોય ત્યારે સંગીતકાર તરીકે પણ કામ કરવું અને સાથે પોતાના હરીફ સંગીતકારના નિર્દેશનમાં ગાવું એ વિશાલ ડડલાણીએ કરી બતાવ્યું છે. જોકે સામે શંકર-અહેસાન-લોય પૈકી શંકર મહાદેવને પણ વિશાલ-શેખર માટે ગીત (દેસી ગર્લ, ફિલ્મ: દોસ્તાના) ગાયું છે, અહેસાને વિશાલ-શેખર માટે ગિટાર વગાડ્યું છે. વિશાલે મરાઠી, કન્નડ અને તમિલ ભાષામાં પણ ગીતો ગાયાં છે.
વિશાલ-શેખરની કામ કરવાની રીત આવી છે.  તેઓ બંને ફિલ્મની વાર્તા સાથે સાંભળે છે. વાર્તા સાંભળી લીધા પછી તેનાં ગીતો પર કામ કરવાનું શરૂ કરે. પાંચ-છ ધૂનો બનાવે. શેખર કીબોર્ડ વગાડે જ્યારે વિશાલ ગિટાર. તેમાંથી જે ધૂન બંનેને પસંદ પડે તેને રાખે અને બાકીની ફગાવી દે. મોટા ભાગે પહેલાં તેઓ ધૂન રચી નાખે, તેમાં શબ્દો બાદમાં પૂરાય.  વિશાલ-શેખર એક સમયે એક ફિલ્મ પર કામ કરવાનું જ પસંદ કરે છે. તેથી સામાન્ય રીતે  વર્ષમાં પાંચથી છ ફિલ્મો જ કરે છે.
વિશાલ પોતાની જાતને બહુ પ્રેમ કરે છે. આ કારણે કેટલાકને લાગે કે તે અહંકારી છે. તે જે કહે તેમાં તે માનતો હોય છે અને તે માનતો હોય તે જ તે કહે છે. જો કોઈની સામે કોઈ વાંધો હોય તો તે મોઢે જ કહી દેશે (ઉપર આપણે તે ગાયક કઈ રીતે બન્યું તે ઘટનામાં જોયું જ.) સાથે તે લાગણીશીલ અને સંવેદનશીલ પણ છે. કૉલેજકાળમાં તે ગુંડા જેવો હતો, પરંતુ હવે તે અહિંસક બની ગયો છે. નવમા ધોરણ સુધી તે સારો બાળક હતો, પરંતુ તે પછી તે સારાપણાથી કંટાળી ગયો. તેની પાસે કોઈ રમકડું હોય તો તેનાથી રમવાના બદલે તે કઈ રીતે કામ કરે છે તે જોવા તેને ખોલી નાખે અને પછી તેને તે પાછું જોડી શકે છે કે નહીં તે તે જોતો. તેને તેમાં રોમાંચ આવતો.
દસમા ધોરણમાં હતો ત્યારે તે શાળામાં તો ભણતો જ સાથે ટ્યૂશનમાં પણ જતો. તે વિજ્ઞાનમાં ઘણો તેજસ્વી હતો. તેથી તેને તેજસ્વી વિદ્યાર્થીઓના એક્સ્ટ્રા ક્લાસમાં પણ રાખવામાં આવ્યો. આમ, એક ને એક અભ્યાસક્રમ ત્રણ વાર ભણી તે કંટાળી ગયો અને તેણે ભણવાનું છોડી દેવાનું વિચાર્યું. ત્યારે તેનાં માતાપિતા અને શિક્ષકોને લાગ્યું કે વિશાલને થોડી નિરાંત આપવાની જરૂર છે.
વિશાલ અને તેના પિતા બંને જિદ્દી હતા. પિતાને કોઈ ભેટે તે ગમતું નહીં, પરંતુ વિશાલ તેમને ભેટતો. પિતાને મોતિયાનું ઓપરેશન કરાવવાનું હતું અને તેઓ કરાવતા નહોતા. તો વિશાલે સામે કહ્યું કે હું સિગારેટ પીવાનું છોડી દઉં તો તમે ઓપરેશન કરાવશો? પિતાએ હા પાડી અને વિશાલે સિગારેટ છોડી દીધી. વિશાલ સ્વતંત્ર મગજનો હતો અને આ વાત તેના પિતાને પસંદ હતી.
વિશાલ-શેખરની દોસ્તી નિર્દેશક સુજોય ઘોષ, ફરાહ ખાન, તરુણ મનસુખાણી, કરણ જોહર, સિદ્ધાર્થ આનંદ અને પુનીત મલ્હોત્રા સાથે છે અને એટલે તો તેમની ફિલ્મોમાં વિશાલ-શેખરનું જ સંગીત હોય છે. ફરાહ ખાન સાથેની મૈત્રી તો કારકિર્દીની બહુ શરૂઆતથી છે. જ્યારે વિશાલ-શેખર પેન્ટાગ્રામ બેન્ડ ચલાવતા હતા ત્યારે તેઓ નિર્દેશક સ્વ. મુકુલ આનંદની એક જાહેરખબરમાં સંગીત આપતા હતા. તેમને કોઈ સાધન ખરીદવા માટે પૈસા જોઈતા હતા ત્યારે ફરાહ ખાન તેમાં કોરિયોગ્રાફર તરીકે હતી અને તેણે વિશાલ-શેખરને મદદ કરી. ગીતકારોમાં જાવેદ અખ્તર, અમિતાભ ભટ્ટાચાર્ય, અન્વિતા દત્ત, કૌસર મુનીર, ઈર્શાદ કામીલ અને કુમાર સાથે વિશાલ (અને શેખર)ને સારું જામે છે.
વિશાલે પોતે પણ ગીતકાર તરીકે ઘણું કામ કર્યું છે. તેણે ‘તૂ આશિકી હૈ’ (ઝંકાર બીટ્સ), ‘અલ્લાહ કે બંદે હંસ દે’ (વૈસા ભી હોતા હૈ), ‘એક મૈં ઔર એક તૂ હૈ’ (બ્લફમાસ્ટર), ‘દિલ ચાન્સ મારે’ (ટશન), ‘એક નઝર મેં ભી પ્યાર હોતા હૈ’  (ટેક્સી નં. ૯૨૧૧) ‘આંખોં મેં તેરી અજબ સી’ (ઓમ્ શાંતિ ઓમ્), ‘તૂ ન જાને તેરે આસ સ ખુદા હૈ’ (અન્જાના અન્જાની) જેવાં અનેક ગીતો તેણે લખ્યાં છે. આમ, ‘અલ્લાહ કે બંદે હંસ દે’માં એકદમ ઊંચી વાત કરી તો ‘દિલ યે ચાન્સ મારે’માં ઉત્તર ભારતીય સ્ટાઇલમાં રમતીયાળ ગીત લખ્યું.  ‘તીસ માર ખાં’ માટે ફરાહ ખાને વિશાલ-શેખરને ત્રણ શબ્દો જ આપ્યા હતા – શીલા કી જવાની. તેના પરથી વિશાલે ગીત લખી નાખ્યું.
વિશાલની પત્ની પ્રિયાલી દિલ્હીની છે. વિશાલે સમાચાર ચેનલો દ્વારા ઘણી વાર ખોટી રીતે અમુક સમાચારો (જેવા કે મુંબઈ હુમલા)ના જીવંત પ્રસારણ સામે બોલકો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિશાલ ભલે કહેતો હોય કે તે હવે અહિંસક બની ગયો છે, પરંતુ તેણે ૨૦૦૫માં મુંબઈમાં એક કાર્યક્રમમાં દર્શક પર છૂટું માઇક ફેંક્યું હતું. જોકે બાદમાં તેણે માફી માગી હતી. વિશાલે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ સ્ટેજ પર ‘બચના એ હસીનો’ ગીત પર ડાન્સ કરવા લાગતા તેને સ્ટેજ પરથી ઉતારી દીધો હતો અને બાદમાં ગધેડો કહી દીધો હતો. તેણે નરેન્દ્ર મોદીને હત્યારા અને રાહુલ ગાંધીને મૂર્ખ કહેતી ટીપ્પણી ટ્વિટ કરી હતી જેને બાદમાં અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરી હતી. આથી વિશાલ ડડલાણી તો ઠીક, પરંતુ કેજરીવાલની સામે પણ સોશિયલ મિડિયા અને અન્ય મિડિયામાં ભારે તડાપીટ થઈ હતી.
(ગુજરાત ગાર્ડિયનની શુક્રવારની પૂર્તિમાં ‘બર્થ ડે બેશ’ કૉલમમાં તા.૨૬/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

No comments:

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી