તમારાં સન્તાનોનું ફ્યુચર જાણવામાં રસ છે તમને ?
–રોહીત શાહ
પશુ–પક્ષીઓ અને જીવજન્તુઓ બાળકને જન્મ તો આપે છે; પરન્તુ પોતાના બાળકની જન્મકુંડળી કે જન્મપત્રીકા બનાવડાવતાં નથી. મોટા ભાગના માણસો પોતાનાં સન્તાનોનાં જન્મ પછી તરત તેનું નામ પાડવા માટે રાશી જાણવા ઉત્સુક બને છે. તેનું ફ્યુચર કેવું હશે એ જાણવા જન્મપત્રીકાઓ તૈયાર કરાવે છે. કેટલાક પેરન્ટ્સ તો પોતાનાં સન્તાનો માટે બે, ત્રણ કે વધારે જ્યોતીષીઓ પાસે જઈને તેમની જન્મપત્રીકાઓ બનાવડાવે છે. પોતાનું સંતાન કેવું પાકશે, તે સુખી થશે કે દુ:ખી, તેનું આરોગ્ય કેવું હશે, તે એજ્યુકેશનમાં સક્સેસ રહેશે કે નહીં, તેની મૅરીડ લાઈફ કેવી હશે, તેની આર્થીક સ્થીતી કેવી હશે, તેનું આયુષ્ય કેટલું હશે વગેરે જાણવાની ક્યુરીયોસીટીથી પ્રેરાઈને કેટલાક લોકો જન્મના ગ્રહો અને એના ફળાદેશ વીશે જાણવા ઝંખે છે. પશુ–પંખીઓ આવી બેહુદા–વાહીયાત ક્યુરીયોસીટીથી પર હોય છે એથી તેમને ન તો જ્યોતીષીઓનાં જુઠ્ઠાણાં સાંભળવાની પરવા રહે છે ન તો જન્મપત્રીકાઓ કઢાવવાની ઉત્સુકતા રહે છે. માણસ સીવાયના તમામ જીવો કુદરતી જીવન જીવે છે.
જ્યોતીષશાસ્ત્ર મને હમ્મેશાં મજાકનું અને મૅજીકનું શાસ્ત્ર જ લાગ્યું છે. હું મારી લાઈફમાં સક્સેસ થઈશ કે નહીં, મારી મૅરીડ લાઈફ કેવી હશે, હું કેટલાં વરસનું આયુષ્ય ભોગવીશ – એ બધું આકાશના ગ્રહો રીમોટ કન્ટ્રોલથી ચલાવે છે ?
મૅરેજની વ્યવસ્થા તો માણસે ઘડી કાઢી છે, એ કાંઈ કુદરતે રચેલી વ્યવસ્થા નથી. મૅરેજને અને ગ્રહોને કઈ રીતે કશોય નાતો હોઈ શકે ? સપોઝ મેં એક કાગળ પર કોઈ લેખ–કવીતા કે સ્ટોરી લખી હોય તો એ કાગળનું શું થશે એ કાંઈ આકાશના ગ્રહો થોડા નક્કી કરે ? મારે એ કાગળ કયા તન્ત્રીને મોકલવો, કયા પબ્લીશરને આપવો એ હું જ નક્કી કરીશને ? મારી ક્ષમતા અને આવડત પ્રમાણે એ સ્વીકૃત થશે અથવા અસ્વીકૃત થશે. કોઈ વૈજ્ઞાનીકે નવી લાઈટની કે નવા મોબાઈલની શોધ કરી હોય તો એનું ફ્યુચર ગગનમાં વીચરતા ગ્રહોના હાથમાં થોડું હશે ? જે વસ્તુનું નીર્માણ જ કોઈ માણસ દ્વારા થયું હોય એનું ફ્યુચર નક્કી કરવા ગ્રહો–નક્ષત્રો પ્રગટ થશે ? મૅરેજની વ્યવસ્થા માણસે ગોઠવેલી છે, એમાં કાંઈ કુદરતની પરમીશન લેવાતી નથી. તો પછી ગ્રહો શા માટે એમાં પોતાની ટાંગ અડાડવા આવે ? મંગળ, ગુરુ વગેરે ગ્રહોનું આપણે શું બગાડ્યું છે કે એ આપણું કશુંય બગાડે ?
જ્યોતીષીઓ આપણી જીજ્ઞાસાઓ અને આપણા ડર વીશે ખુબ સાઈકોલૉજીકલ રીઍક્ટ કરતા હોય છે. દુનીયાનો એક પણ જ્યોતીષી કદી છાતી ઠોકીને ભવીષ્યવાણી ઉચ્ચારતો નથી. તેની તમામ આગાહીઓ ગોળ–ગોળ હોય છે. જો એ આગાહી સાચી પડે તો એનો યશ પોતે લેશે અને તેની આગાહી ખોટી પડે તો એનાં પચાસ કારણો–બહાનાં રજુ કરશે. જ્યોતીષવીદ્યાના નામે કેટલાક ધંધાદારીઓ આપણને કેવા બેવકુફ બનાવે છે એ જાણવાના મેં વારંવાર પ્રયોગો કર્યા છે. આજે એમાંથી બે–ત્રણ પ્રયોગો તમારી સાથે શૅર કરું છું.
એક પ્રખર જ્યોતીષીને મળવા હું મારી વાઈફ સાથે ગયો હતો. મેં એ જ્યોતીષીને કહ્યું કે મારી સાથે મૅરેજ કરવા કોઈ છોકરી તૈયાર નથી થતી. મારી ઉંમર પાંત્રીસ વરસની (એ વખતે) થઈ ગઈ છે. હવે મારાં મૅરેજ થવાનું પૉસીબલ ખરું ? કે પછી મારે પ્રયત્નો છોડી દેવા ? જ્યોતીષીએ લાંબી પ્રસ્તાવના અને ચર્ચા પછી કહ્યું કે તમારા માટે તો લગ્નના કોઈ યોગ–સંયોગ નથી !
મારા એક મીત્રના દીકરાનું ફ્યુચર જણાવતાં બીજા એક જ્યોતીષીએ લીખીતમાં જણાવ્યું હતું કે તે મોટો બીઝનેસમૅન બનશે. આજે એ દીકરો એક સ્કુલમાં પ્યુનની જૉબ કરી રહ્યો છે.
મારા એક સ્નેહીની દીકરીને જોડીયા દીકરા (ટ્વીન્સ) છે. એ દીકરી માટે એક જ્યોતીષીએ કહેલું કે તેને સન્તાનયોગ નથી. જો તેને સન્તાનસુખ જોઈતું હશે તો તેણે ફલાણી–ફલાણી વીધી કરાવવી પડશે. જ્યારે આ ભવીષ્યવાણી કરવામાં આવી એ વખતે ઑલરેડી તેણે ટ્વીન્સને જન્મ આપી દીધેલો હતો.
તમે પણ તમારા જીવનની આવી અનેક ઘટનાઓમાં જોયું હશે કે જ્યોતીષીની આગાહીઓ બકવાસ પુરવાર થઈ હોય; છતાં નબળા મનના લોકો, આત્મવીશ્વાસ વગરના બેવકુફ લોકો જ્યોતીષવીદ્યા પાછળ શ્રદ્ધાથી દોડતા રહે છે. ‘ભાગ્યમાં લખ્યું હોય એમ જ થાય’ એવું રટણ કરતા રહે છે. ભાગ્ય ક્યાં લખેલું હોય છે ? કોણે લખેલું હોય છે ?
ભાગ્ય એટલે શું એ તમે જાણો છો ? જેનો ઉપાય આપણા હાથમાં નથી, જે ચીજ આપણે પરાક્રમ કે પુરુષાર્થ દ્વારા મેળવી શકતા નથી એને સૌ ભાગ્યના ખાનામાં ગોઠવી દે છે. ‘મેં તો મહેનત કરી, પણ મારા ભાગ્યમાં સફળતા નહોતી’ એવું બોલનારા લોકો એ રીતે માત્ર મીથ્યા આશ્વાસન મેળવતા હોય છે. એમાં સત્યનો છાંટોય નથી હોતો.
આપણી નીષ્ફળતાઓને ટીંગાડવા માટે એક ખીંટી જોઈતી હોય છે અને એ ખીંટીનું નામ છે ભાગ્ય.
આપણી સફળતાનો અહંકાર આપણને ડુબાડે નહીં એ માટે પણ ક્યારેક સફળતાનો યશ ભાગ્યને આપવામાં આવે છે. બહુ ઓછા લોકો એવું સ્પષ્ટ કબુલતા હોય છે કે મેં હાર્ડ વર્ક કરીને સફળતા મેળવી છે. ક્યારેક આપણી સફળતામાં મીત્રો–સ્વજનોનો સહયોગ હોય છે; તો ક્યારેક તદ્દન અજાણ્યા સજ્જનોનો સહયોગ પણ એમાં નીમીત્ત બને છે. આપણો પુરુષાર્થ, બીજા લોકોનો સહયોગ, ચીવટ–ચોકસાઈ અને પ્રામાણીકતા, મળેલી તકનો યોગ્ય ઉપયોગ વગેરેનું ટોટલ કરીને સૌ એને ભાગ્ય કહે છે.
કુદરતની એક બાબતના આપણે સૌ ઋણી છીએ કે એણે આપણા ભવીષ્યને ગુપ્ત અને ખાનગી રાખ્યું છે. જરા કલ્પના તો કરી જુઓ કે જો આપણને આપણા ભવીષ્યની તમામ બાબતો વીશે રજેરજ જાણકારી (જ્ઞાન) હોત તો આપણી કેવી ભુંડી દશા થાત ? જેઓ સફળ અને સુખી થવાના હોત તેઓ કોઈને ગાંઠતા ન હોત અને જેઓ નીષ્ફળ તથા દુ:ખી થવાના હોત તેમણે આત્મહત્યા કરી લીધી હોત ! જગતમાં અવ્યવસ્થા અને અંધેર વ્યાપી વળ્યાં હોત ! સન્તાનો વંઠી જવાનાં છે એની ખબર હોત તો પેરન્ટ્સ તેમનું જતન ન કરતા હોત અને પેરન્ટ્સ વારસામાં દેવું મુકીને જવાના છે એની ખબર હોત તો સન્તાનો તેમનો રીસ્પેક્ટ ન કરતાં હોત ! લાઈફ–પાર્ટનર બેવફા બનશે એવી ખબર હોત તો મૅરેજ કરવા કોઈ તૈયાર ન થાત. સંસાર આટલો રીળયામણો અને રોમાંચક ન હોત ! હું તો મારા સંસારને અને મારી લાઈફને ડીસ્ટર્બ કરે એવા જ્યોતીષશાસ્ત્રથી દુર જ રહેવાનું પસંદ કરું છું. તમે શું કરશો ?
–રોહીત શાહ

No comments:
Post a Comment