પરીવર્તન
–મુરજી ગડા
છેલ્લા એક દાયકામાં આપણી જીવનશૈલીમાં જેટલું પરીવર્તન આવ્યું છે એટલું, એનાથી આગલા પાંચ દાયકાઓમાં માંડ આવ્યું હશે. આ નીવેદન માત્ર આજને લાગુ નથી પડતું; પણ છેલ્લાં 60 વર્ષના દરેક દાયકા માટે પણ એટલુ જ લાગુ પડે છે. વીશેષમાં આ ચક્રમાં આપણે એકલા નથી; સારી દુનીયા ઝડપથી બદલાતી જીવનશૈલીમાંથી પસાર થઈ રહી છે.
આપણા માટે શું બદલાયું છે એના પર એક ઉડતી નજર કરીએ. છેલ્લાં 60 વર્ષમાં ખોરાક બદલાયો, પોષાક બદલાયો, બાળલગ્નો બંધ થયાં, સ્ત્રીઓનાં પુનર્લગ્નો સ્વીકારાયાં, શીક્ષણનું પ્રમાણ વધ્યું, આવરદા વધી, સ્વાસ્થ્ય સુધર્યું, સુખસગવડનાં સાધનો વધ્યાં, ધંધાનાં નવાં ક્ષેત્રો વીકસ્યાં, સંદેશાવ્યવહાર વીકસ્યો, વાહનવ્યવહાર વીકસ્યો, સરેરાશ બધાની આર્થીક પ્રગતી થઈ વગેરે, વગેરે. આ સુચી ઘણી લાંબી થઈ શકે; પણ લેખનો એ મુખ્ય આશય નથી. આટલા ફેરફાર તો આના આગલા 500 વરસમાં પણ નહોતા થયા !
આમાંના કેટલાક ફેરફાર સક્રીયપણે કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના ફેરફાર દુનીયામાં ચાલતા પરીવર્તનના પ્રવાહ સાથે અનાયાસે થતા ગયા છે. આ ઝડપી સામાજીક, સાંસ્કૃતીક, અને આર્થીક પરીવર્તન પાછળનાં સૌથી મોટાં પરીબળ રહ્યાં છે : શહેરીકરણ અને ઘેરબેઠા મળતી માહીતી. પરીવર્તન મોટાં શહેરોથી શરુ થાય છે. ત્યાં રહેતા અને આપણાથી અલગ જીવનશૈલી ધરાવતા બીજા લોકોના સમ્પર્કમાં આવવાથી, આપણને વાજબી લાગતી અને અનુકુળ આવતી જીવનશૈલી આપણે અપનાવીએ છીએ. સાથેસાથે પરીવર્તનનો વીરોધ કરતાં પરીબળોનો અંકુશ પણ શહેરોમાં ઢીલો હોય છે. જે લોકો ગામડાંઓમાં રહે છે, એમના માટે સ્વતંત્રતા અને આબાદી ઘણા ધીમાં રહ્યા છે.
પરીવર્તન તો હંમેશાં થતું રહ્યું છે. વખતોવખત એની ગતી ઓછી કે વધુ થાય છે. અત્યારના આ ઝડપી પરીવર્તનના સમયમાં બધાં જ ક્ષેત્રો ઝડપથી બદલાઈ રહ્યાં છે. પરીવર્તનનું આ વાવાઝોડું ધીમું પડવાના હાલ કોઈ એંધાણ દેખાતાં નથી. ઉલટાનું તે વેગ પકડી રહ્યું છે. આ વેગ જ્યારે પણ ધીમો પડશે, ત્યાં સુધી ઘણું બધું બદલાઈ ગયું હશે.
બીજી બધી વાતમાં ભવીષ્ય ભાખનારા જ્યોતીષીઓ આ પરીવર્તનના ભાવી વીશે કંઈ કહેતા નથી. આપણે તો આપણી કલ્પના દોડાવી શકીએ છીએ.
ભુતકાળમાં ધાર્મીક અને રાજકીય વીચારધારા આધારીત પરીવર્તનોએ લોકોને વીભાજીત કર્યા છે. વર્તમાનનું પરીવર્તન પહેલાં કરતાં જુદું છે. એની દીશા અને ધ્યેય દુનીયાના એકીકરણ તરફ છે. એ કેટલે અંશે સફળ થશે અને ક્યાં અટકશે એ તો સમય જ બતાવશે. જે વીચારધારા પ્રબળ હશે, જેનું માર્કેટીંગ જોરદાર હશે તેનું વર્ચસ્વ રહેશે.
રાજકીય ક્ષેત્રે થતાં પરીવર્તનોમાં; ગુલામી નાબુદ થઈ છે, બઘે જ ધીરે ધીરે લોકશાહી પ્રસરી રહી છે, યુરોપમાં રાષ્ટ્રીય સરહદોનું મહત્ત્વ ઝાંખુ થયું છે. બધે જ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, વગેરે. આઝાદી વખતે ભારતની 10% વસ્તી એટલે માત્ર 3–4 કરોડ લોકો શહેરોમાં રહેતા હતા. આજે 30% એટલે કે 35–40 કરોડ લોકો શહેરોમાં રહે છે. આવતાં પચાસ વરસમાં ભારત સહીત બધા દેશોની અડધી વસતી શહેરોમાં રહેતી હશે.
સાંસ્કૃતીક ક્ષેત્રે આવા એકીકરણમાં પુરુષોનો પોષાક મોખરે રહ્યો છે. એક જ પોષાક ધંધાદારી દુનીયામાં સર્વમાન્ય થઈ રહ્યો છે. પ્રાદેશીક પોષાકો હવે પ્રસંગોપાત્ત વપરાશના રહ્યા છે. મુખ્ય ધંધાકીય અને ટૅક્નીકલ ભાષા તરીકે અંગ્રેજી સર્વત્ર સ્વીકારાઈ રહી છે. સંગીત, નૃત્ય અને ખોરાકમાં એકીકરણ (ફ્યુઝન) થઈ એક નવું જ સ્વરુપ ઉભરાવા લાગ્યું છે. બીજાં ક્ષેત્રો પણ થોડા સમયમાં આંબી આવશે.
પ્રવાસ સહેલો અને ઝડપી બન્યો છે. લોકોનું સ્થળાન્તર અને દેશાન્તર વધ્યું છે. પરીણામે યુવા પેઢીમાં રંગભેદ, જાતીભેદ ઓછા થઈ આન્તરજાતીય અને આન્તરધર્મીય લગ્નો વધી રહ્યાં છે. આખી દુનીયાની માહીતી અને જ્ઞાન ઘેરબેઠા ઈન્ટરનેટ પર મળી શકે છે. મોબાઈલ દ્વારા ગમે ત્યાંથી સતત સમ્પર્કમાં રહી શકાય છે.
ભુતકાળમાં ઘણી સંસ્કૃતીઓ, જાતીઓ, ભાષાઓ વગેરે લુપ્ત થઈ છે જેની પાછળ કુદરતી ઘટનાઓ કે પછી આક્રમણકારોના હુમલા જવાબદાર હતા. આ વખતે જે કાંઈપણ લુપ્ત થશે તે લોકોએ સ્વેચ્છાએ છોડી દીધેલ હશે.
પરીવર્તનના આટલા જોરદાર પ્રવાહમાં હજી પણ બે ક્ષેત્રોમાં કોઈ પરીવર્તન દેખાતું નથી. એક છે આર્થીક ક્ષેત્ર. આર્થીક અસમાનતા માણસની મુળભુત પ્રકૃતી સાથે વણાયેલી છે. કોઈકે આ વાત સરસ રીતે સમજાવી છે. ‘જો દુનીયાની બધી સમ્પત્તી લોકોમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો પણ બે ત્રણ વરસમાં જ ગરીબ લોકો પાછા ગરીબ થઈ જશે અને મોટા ભાગની સમ્પત્તી ઉપલા દસ ટકા લોકોના હાથમાં ભેગી થઈ જશે.’મોટા ભાગના લોકોને પૈસા સાચવતા નથી આવડતા. ગરીબી માટે બાહ્ય કારણોની સાથે ગરીબોની પોતાની અંગત મનોવૃત્તી પણ જવાબદાર હોય છે. સામ્યવાદી દેશોએ આર્થીક સમાનતા લાવવાનો અખતરો કરી જોયો અને નીષ્ફળ ગયા.
પરીવર્તનનું બીજું વીરોધી ક્ષેત્ર છે ધાર્મીક માન્યતાઓ અને અન્ધશ્રદ્ધા. આમ તો ધાર્મીક વીચારધારાઓમાં પણ અંદરથી પરીવર્તન થયા છે. દરેક મુખ્ય ધર્મના અનેક ફાંટા અને પંથ એના પુરાવા છે. ધર્મગુરુઓ વચ્ચે અર્થઘટનના મતભેદ કે પછી અંગત પ્રતીષ્ઠા અને અનુયાયીઓ પર અંકુશ રાખવાની વૃત્તીથી એ થયું છે. આ બધાં પરીવર્તન ઉપરછલ્લાં હોઈ એનાથી અન્ધશ્રદ્ધા અને જડતા ઘટવાને બદલે વધી છે.
ચીલાચાલુ ઘરેડમાં જ ધર્મને જોવાનો અને કાલ્પનીક ભુતકાળની વાતો વાગોળવાનો અફીણીયો ધર્મપ્રચાર લોકોનું ઘેન વધારે છે. જ્યારે પ્રજા અશીક્ષીત હતી ત્યારે એને જે કહેવામાં આવતું તે સ્વીકારી લેતી. હવે શીક્ષણ અને માહીતીના સ્રોત વધ્યા છે. નજર સામે જે નવું આવે છે તેનો સ્વીકાર જરુરી છે. ધાર્મીક કથન અને જમીની વાસ્તવીકતામાં જે અંતર છે તેનું નીરાકરણ કરવાની જાગૃતી, હીમ્મત અને પહેલ ભક્તગણ તરફથી થવી જરુરી છે. આવું કરવાનું ધર્મગુરુઓના હીતમાં ન હોવાથી તેઓ પહેલ નહીં કરે; બલકે આનો વીરોધ કરે તે શક્ય છે.
કુદરતી વાવાઝોડા સામે જે ઝુકતું નથી તે મોટાભાગે સમુળગું નાશ પામે છે. પરીવર્તનના આ જબરદસ્ત વાવાઝોડા સામે જડ અન્ધશ્રદ્ધાઓ અને અજ્ઞાન ટકી રહેશે, ઝુકશે કે સમુળગું નાશ પામશે તે તો સમય જ બતાવશે.
આ હતી માનવસર્જીત પરીવર્તનની વાતો. પરીવર્તન તો કુદરતનો અવીરત ક્રમ રહ્યો છે. કુદરતમાં બધું સતત બદલાયા કરે છે. એની ગતી આપણી સમયગણના પ્રમાણે ખુબ જ ધીમી હોવાથી આપણે તે અનુભવી શકતા નથી. કુદરતી પરીબળોથી પૃથ્વી પરની જીવસૃષ્ટીમાં થતા પરીવર્તનને ઉત્ક્રાંતી કહે છે અને એના સીદ્ધાંતોને ઉત્ક્રાન્તીવાદ. આ વીષયની ઉંડાણપુર્વકની ચર્ચા ‘ઉત્ક્રાંતી’ લેખમાં કરવામાં આવી છે.
બધાં જ પરીવર્તન સારાં કે આવકારદાયક નથી હોતાં. કેટલાંક વીનાશક પણ હોય છે. માનવ જાતીનો અતીશય વસતીવધારો, જંગલોનો નાશ, મર્યાદીત કુદરતી સમ્પત્તી સામે આપણી વધતી જરુરીયાતો, વાતાવરણનું પ્રદુષણ વગેરે દ્વારા આપણે કુદરતના નાજુક સમતોલનને છેડ્યું છે. એનાં પરીણામો ક્યારે અને કેવા આવશે એ ચોક્કસપણે કોઈ કહી શકે એમ નથી. એટલું તો ચોક્કસ છે કે તે સારાં તો નહીં જ હોય.
ભુતકાળમાં કુદરતી કારણોસર સંસ્કૃતીઓનો નાશ થયો છે. આજે પણ એવું થઈ શકે છે. કોઈ નવી જાતના બેક્ટેરીયા કે વાયરસ મોટી સંખ્યામાં માનવવસતીને ખતમ કરી શકે છે. (ખતરનાક ઈબોલા આજકાલ ચર્ચામાં છે.) ગીચ વસ્તીવાળા પ્રદેશમાં મોટો ઉલ્કાપાત, ભુકમ્પ કે સુનામી ઘણી તારાજી સર્જી શકે તેના અનુભવ તાજા જ છે. વાયુ પ્રદુષણને લીધે વધતું ઉષ્ણતામાન ધ્રુવ પ્રદેશના બરફને ઓગાળી દરીયા કાંઠાનાં શહેરોને ડુબાડી શકે છે. આ ફક્ત કલ્પનાઓ નથી; પણ વાસ્તવીક શક્યતાઓ છે.
પરીવર્તન એ કુદરતનો અફર નીયમ છે. આપણે ઈચ્છીએ કે નહીં એથી કુદરતને કોઈ ફરક પડતો નથી. આપણે જે પરીવર્તનો કરી રહ્યા છીએ તેના ફાયદા આપણને જ મળવાના છે અને સાથે એનાં માઠાં પરીણામ પણ આપણે જ ભોગવવાનાં છે.
–મુરજી ગડા
No comments:
Post a Comment