Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

19 June 2015

« ધર્મ–અધ્યાત્મ પ્રત્યેક ગુરુમન્દીર મોહનું સ્મારક છે



પ્રત્યેક ગુરુમન્દીર મોહનું સ્મારક છે

– રોહીત શાહ
એક તરફ મોહ છે તો બીજી તરફ મોક્ષ છે. મોહ એટલે હથેળીમાં મુકેલો ગોળ અને મોક્ષ એટલે કોણીએ વળગાડેલો ગોળ. હથેળીનો ગોળ ગમે ત્યારે ચાખી શકાય; પણ કોણીએ વળગેલો ગોળ કદી ચાખવાનો હોતો નથી, માત્ર એને ચાખવાનાં હવાઈ ખ્વાબ જોવાનાં હોય છે. આપણને ધર્મના નામે સદીઓથી ઉઠાં ભણાવવામાં આવ્યાં છે કે હાથમાં રહેલા ગોળ (સંસાર)ને ચાખવો એ પણ પાપ છે; ભલે એનો સ્વાદ મધુરો લાગતો હોય; છતાં એને કડવો કહીને ફેંકી દો. સ્વાદ માણવો હોય તો કોણીએ વળગેલા (મોક્ષ) ગોળનો માણો; ભલે એના સ્વાદનો કોઈ જ અનુભવ ન થતો હોય.
હાથમાં છે – રોકડું છે; એ ફેંકી દો અને કોણીએ છે – ઉધાર છે; એને પામવા વલખાં મારો તો તમે ધાર્મીક ગણાઓ, તો જ તમે આધ્યાત્મીક ગણાઓ. આપણો ધર્મ મુર્તીપુજા અને વ્યક્તીપુજામાં સદીઓથી અટવાઈ ગયેલો છે. હવેના સાધુઓએ ભગવાનનાં મન્દીરો બનાવવાની સાથોસાથ ગુરુમન્દીરો પણ બનાવવા માંડ્યાં છે. કોઈ પણ સાધુ અવસાન પામે એટલે તેના અન્તીમ સંસ્કારની દરેક વીધી માટે વેપાર થાય. જે ભક્ત વધુ પૈસા ખર્ચે તે દોણી પકડે, તે ઠાઠડી (પાલખી) ઉપાડે, તે અગ્નીદાહ આપે, વગેરે. આ વેપાર હવે કરોડો રુપીયાના આંકડે પહોંચ્યો છે. એવા મૃત્યુના વેપારમાંથી ‘ગુરુમન્દીર’ બનાવીને હજારો લોકોને વ્યક્તીપુજા તરફ ધકેલવાનું પાપ પ્રસરી રહ્યું છે. ગુરુના અન્તીમ સંસ્કાર માટેના ચડાવાની રકમમાંથી ગરીબ માણસો અને શ્રાવકો માટેની કોઈ યોજના નથી બનતી.
આપણને મોહ છોડવાનો ઉપદેશ આપતા સાધુઓને તેમના ગુરુ પ્રત્યે એટલો તીવ્ર મોહ અને રાગ હોય છે કે તેનું મન્દીર બનાવ્યા વગર રહી નથી શકતા. મારી દૃષ્ટીએ ગુરુમન્દીર એ મોહનું સ્મારક છે. વેવલાઈનું વરવું પ્રદર્શન છે. ઈશ્વરની પુજા–આરતી ઓછી પડી તે હવે ગુરુના નામની પુજા–આરતી કરાવવા માંડ્યા ! ધર્મમાંય નવાં ધતીંગો તો ઉભાં કરવાં જ પડેને! એના વગર ભોટ શ્રીમંત ભક્તોને ખંખેરી કેમ શકાય?
ગયા અઠવાડીયે મારી સામે એક પ્રશ્ન આવ્યો. જૈન ધર્મમાં ચળવળો (ચળવલો) નામનું એક ઉપકર્ણ છે. સાધુઓ પાસે ‘રજોહરણ’ હોય એ જ રીતે શ્રાવક–શ્રાવીકાઓ જ્યારે સામાયીક કે પ્રતીક્રમણની ક્રીયા કરવા બેસે ત્યારે સાથે ‘ચરવળો’ લઈને બેસે. ક્રીયા દરમ્યાન વચ્ચે ઉભા થવું હોય તો એ ચરવળો લઈને જ ઉભા થઈ શકાય. પ્રશ્ન એ હતો કે પુરુષો માટેના ચરવળાની દાંડી ‘ગોળ’ અને સ્ત્રીઓ માટેના ચરવળાની દાંડી ‘ચોરસ’ કેમ હોય છે? એનું કારણ શું? મને પણ એનો જવાબ જાણવાની ઉત્કંઠા થઈ. હાથવગાં પુસ્તકો ફંફોસ્યાં. એ દ્વારા જે જવાબ જડ્યો એ આવો હતો : સ્ત્રી એટલે વાસનાનું પ્રતીક. એનાથી ચારે દીશામાંથી મુક્તી મેળવવાની હોય છે એટલે તેના ચરવળાની દાંડી ચોરસ હોય છે. ચરવળાની દાંડી ગોળ હોય તો વાસનામાંથી મુક્તી ન મળે અને ચોરસ હોય તો મુક્તી મળે એવું હોય ખરું ? એના ગર્ભીત અર્થનાં મુળ તો છેક સૅક્સ સુધી જતાં હતાં.
હવે વીચાર કરો કે સામાયીક–પ્રતીક્રમણની ક્રીયા કરવાની હોય ત્યારે પુરુષો અને મહીલાઓ માટે સ્થાપનાજી એક જ હોય, કટાસણાં સમાન હોય, નવકારવાળી (માળા) સમાન હોય, પણ ચરવળાની દાંડી જુદી જોઈએ. સ્ત્રી અને પુરુષને વાતે–વાતે જુદા પાડવાની આપણી ભ્રષ્ટ પરમ્પરાનો આ એક પ્રયોગ છે એથી વીશેષ કાંઈ નથી. પ્રતીક્રમણમાં પણ વીધી પુરુષ કરાવતો હોય તો સ્ત્રીને એ વીધી ચાલે, પણ જો પુરુષને વીધી ન આવડતો હોય અને સ્ત્રી વીધી કરાવે તો પુરુષને માટે એ અસ્વીકાર્ય ગણાય. પશુ–પંખી અને જંતુના આત્માઓ વચ્ચે પણ ભેદ ન કરવાનો બોધ આપનારા, સ્ત્રી–પુરુષના આત્મા આગળ આવીને અટકી પડ્યા– ભટકી ગયા.
મોહ છોડવો જ હોય તો પુરુષપણાનો અને ગુરુપણાનો મોહ છોડો. આજે કોઈ ગુરુ પોતાના શીષ્યોને લેખીતમાં એમ કહેવા તૈયાર છે ખરા કે : ‘મારા અવસાન પછી મારા ભક્તોને ગેરમાર્ગે દોરનારાં ગુરુમન્દીરો બનાવશો નહીં ?’ હું મારા ગુરુ માટે મન્દીર નહીં બનાવું અને તમારે મારા માટે મન્દીર નહીં બનાવવાનું. વ્યક્તીના યોગ્ય ગુણોને યથાશક્તી અનુસરો ભલે; પણ તે વ્યક્તીની પુજા કરવાની જરુર નથી. ગુરુમન્દીરો બનાવીને તો ઉલટાનું આપણે છીછરા–અધુરા છીએ એવું પુરવાર કરીએ છીએ. હકીકતમાં કોઈ પણ મન્દીર એ આજકાલ તો અધ્યાત્મનો સુપર મૉલ બની ગયું છે. ભારતમાં ધર્મના નામે જેટલા કરોડ રુપીયાનું ટર્નઓવર થાય છે એટલું અન્ય કોઈ ઈન્ડસ્ટ્રીમાં નથી થતું. ધર્મના નામે ચાલતા આ વેપાર–કારોબારનાં પલાખાં સમજાય તો નોપ્રૉબ્લેમ.
રોહીત શાહ

જોન નેશ: અટપટા કોયડા ઉકેલનારા ગણિતજ્ઞ

જોન નેશ: અટપટા કોયડા ઉકેલનારા ગણિતજ્ઞ

સામાન્ય રીતે આપણા અખબારોમાં વિદેશના સમાચાર માટે ખાસ જગ્યા ફાળવાય છે, પણ તે કેવા? આઈએસઆઈએસે નિર્દોષ નાગરિકોનાં માથાં ધડથી અલગ કર્યાં, મિલી સાયરસે અભદ્ર હરકત કરી, એક યુવતીએ પોતાનું કૌમાર્ય વેચવા કાઢ્યું, એક ધનવાને પોતાના વારસદાર તરીકે પોતાના કૂતરાનું નામ રાખ્યું…વગેરે. વિદેશના મહત્ત્વના સમાચાર આપવામાં આપણા ગુજરાતી કે અન્ય ભાષાનાં અખબારો તેમજ ચેનલો પણ ચૂકી જાય છે. આવા એક સમાચાર હતા, અમેરિકાના ગણિતશાસ્ત્રી જોન ફોર્બ્સ નેશ જુનિયર અને તેમની પત્નીના કાર અકસ્માતમાં મૃત્યુના.
ગણિતશાસ્ત્રીનું મૃત્યુ થાય એટલે જેટલા ટૂંકા સમાચાર આવ્યા હોય તે વાંચીને તંત્રીઓ તેને અસ્વીકારી દે, પરંતુ જો તેનું પૂરું જીવનચરિત્ર વાંચો તો ખ્યાલ આવે કે એક મજેદાર પુસ્તક બને અને એક સુંદર ફિલ્મ બને તેટલો મસાલો તેમાં છે. અને ખરેખર તેના પરથી આત્મકથા લખાઈ છે અને હોલિવૂડમાં ફિલ્મ ‘અ બ્યુટીફૂલ માઇન્ડ’ (ઈ. સ. ૨૦૦૧) બની છે જેણે ચાર ઓસ્કાર જીત્યા!
જોન નેશ એટલે ટોચ અને તળેટી એમ બંને અંત્યબિંદુઓ પર પહોંચનાર વ્યક્તિ. જોન નેશ એટલે અદ્ભુત મગજ શક્તિ ધરાવતી વ્યક્તિ. રસાયણ અને ગણિત બંનેમાં ચાંચ જ નહીં પણ પૂરેપૂરું માથું ડુબાડનાર, ખુંપાવનાર વ્યક્તિ. પોતાની માનસિક રોગ સામેની લડાઈ જીતનાર વ્યક્તિ. અને એ જ વ્યક્તિ નર્સને ગર્ભવતી બનાવીને છોડી પણ દે!
જોન નેશ જુનિયર નોર્વેના રાજા પાસેથી એબલ ઈનામ મેળવવા ઓસ્લો ગયા હતા. પાંચ લાખ પાઉન્ડનું ઈનામ તેમને લુઇસ નિરેનબર્ગ સાથે મળ્યું હતું. આ ઈનામને નોબેલની ગણિત આવૃત્તિ ગણાય છે (નોબેલમાં ગણિત માટે કોઈ ઈનામ નથી!).
નોબેલમાં ભલે ગણિત માટે ઈનામ ન હોય, પણ જોન નેશને નોબેલ મળ્યું જરૂર હતું! તેમને અર્થશાસ્ત્ર માટે નોબેલ મળ્યું હતું. આમ, આ બંને ઈનામ જીતનાર તેઓ એક જ વ્યક્તિ છે. (નોંધી રાખજો, કેબીસીમાં પૂછાઈ શકે!)
આગામી મહિનાની ૧૩તારીખે જેને ૮૭ વર્ષ પૂરાં થવાનાં હતાં તે જોન નેશ અમેરિકાના વેસ્ટ વર્જિનિયાના બ્લુફિલ્ડમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ પણ જોન ફોર્બ્સ નેશ જ હતું, આથી તેમને જોન નેશ જુનિયર કહેતા હતા. તેમના પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને માતા માર્ગારેટ વર્જિનિયા પરણ્યાં પહેલાં શિક્ષિકા હતાં. તેમને એક નાની બહેન માર્થા હતી.
બાળપણમાં જ માતાપિતાએ કોમ્પ્ટનનો સચિત્ર એન્સાયક્લોપિડિયા નેશને આપ્યો હતો. નેશ તે વાંચીને બાળવયમાં ઘણું શીખ્યા. વળી, તેમના પોતાના ઘરે અથવા દાદાના ઘરે પણ શિક્ષણને લગતાં ઘણાં પુસ્તકો હતાં.
એ શ્રેય નેશનાં માતાપિતાને જ જવો જોઈએ કે તેમણ નેશમાં ગણિત પ્રત્યે રસ જગાડ્યો. નેશ માધ્યમિક શાળામાં હતા ત્યારે તેમણે નેશને સ્થાનિક કમ્યૂનિટી કૉલેજમાં ગણિતનો એડવાન્સ કૉર્સ કરાવ્યો. આ વયે નેશે ‘મેન ઑફ મેથેમેટિક્સ’ નામનું ગણિતશાસ્ત્રીઓ પરનું ઇ. ટી. બેલનું પુસ્તક વાંચી નાખ્યું. નેશે કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એક સેમેસ્ટર કર્યું. ત્યાં તેમને ક્વોન્ટિટેટિવ એનાલિસીસમાં સમસ્યા નડી. તેમને પ્રયોગ કરવામાં મુશ્કેલી પડતી હતી. પિપેટ વડે કામ કેવી રીતે કરવું અને પૃથક્કરણ (ટાઇટ્રેશન) કેવી રીતે કરવું તે સમજાતું નહોતું.  ઉપરાંત ગણિતના શિક્ષકો પણ નેશને ગણિત લેવા માટે સમજાવી રહ્યા હતા. આથી તેઓ ગણિત તરફ વળ્યા. ત્યાં તેમને જ્યોર્જ વેસ્ટિંગહાઉસ સ્કોલરશિપ મળી હતી. ગણિતમાં તેમણે એટલી પ્રગતિ કરી કે જ્યારે તેઓ ગ્રેજ્યુએટ થયા ત્યારે તેમને બી. એસ. (આપણે ત્યાંનું બી.એસસી.) સાથે એમ. એસ. (એમ. એસસી.)ની ડિગ્રી પણ આપી દીધી! કાર્નેગીમાં હતા ત્યારે નેશે એક ‘ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ’ કોર્સ પણ કર્યો હતો જે બાદમાં તેમને ગેમ થિયરી (ગેમ થિયરી ગણિતીય અર્થશાસ્ત્રની એક શાખા છે જેનો ઉપયોગ અવકાશીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, શેરબજાર, હરાજી, કોર્પોરેટ ગૃહોનું વિલીનીકરણ થવાનું હોય, કોઈ કંપનીને હસ્તગત કરવાની હોય કે યુદ્ધ તેમજ શાંતિ સમયની રણનીતિ ઘડવાની હોય તેમાં થાય છે)માં રસ જગાડવાનો હતો અને તેમને તેમાં કામ લાગવાનો હતો. અને તેઓ ‘ધ બાર્ગેનિંગ પ્રોબ્લેમ’ પર એક પત્ર ‘ઇકોનોમેટ્રિકલ’માં પ્રસિદ્ધ કરવાના હતા.
ઘણી શિક્ષણ સંસ્થા હોશિયાર વિદ્યાર્થીને પોતાને ત્યાંથી જવા દેતી નથી અને તેને વધુ સારું શિક્ષણ મળે તેની તક પૂરી પાડે છે. તો ઘણી શિક્ષણ સંસ્થા પોતાને ત્યાં હોશિયાર વિદ્યાર્થીને ખેંચી લાવે છે. ઘણી વાર ઉત્સાહી શિક્ષકો પણ હોશિયાર વિદ્યાર્થીને ખેંચી લાવે છે. આવું જ નેશ સાથે થયું હતું. નેશ જવાના હતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં, પણ પ્રિન્સટન યુનિવર્સિટીના ગણિત વિભાગના અધ્યક્ષ સોલોમોન લેફસ્કેત્ઝે જોન નેશને જોન એસ. કેનેડી ફેલોશિપ આપવાની દરખાસ્ત કરી. વળી આ કૉલેજ તેમના ઘરથી નજીક પણ હતી. આથી તેઓ પ્રિન્સટનમાં ગયા.
ગ્રેજ્યુએટ વિદ્યાર્થી તરીકે તેમણે એક એવો વિચાર વિકસાવ્યો જે નોન કૉઑપરેટિવ ગેમ્સ તરફ દોરી ગયો. (ગેમ થિયરી મુજબ નોન કૉ   ઑપરેટિવ ગેમ્સમાં ખેલાડીઓ સ્વતંત્ર રીતે નિર્ણય કરે છે.) પ્રિન્સટનમાં તેમણે ‘ઇક્વિલિબ્રિયમ’ થિયરી પર પણ કામ કર્યું જે બાદમાં ‘નેશ ઇક્વિલિબ્રિયમ’ તરીકે ઓળખાઈ. ટૂંકમાં કહેવું હોય તો નેશ ઇક્વિલિબ્રિયમ એટલે બે કે તેથી વધુ ખેલાડીવાળી નોન કૉઑપરેટિવ ગેમ્સમાં દરેક ખેલાડીને બીજા ખેલાડીની રણનીતિ ખબર હોય તેવું માની લેવામાં આવે છે અને કોઈ ખેલાડીને પોતાની રણનીતિ બદલવાથી કોઈ ફાયદો થતો નથી.
નેશે પ્રિન્સટનમાં નોન કૉઑપરેટિવ ગેમ્સમાં ૨૮ પાનાનું ડિઝર્ટેશન કરીને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. આ થિસીસ તેમણે આલ્બર્ટ ડબ્લ્યુ. ટકરના માર્ગદર્શન હેઠળ લખ્યો હતો. તેના માટે જ ૧૯૯૪માં તેમને અર્થશાસ્ત્ર માટેનું નોબલ મળ્યું. નેશે રિયલ અલ્જેબ્રિક જોમેટ્રીમાં પણ ઘણું કામ કર્યું. તેમણે બે વ્યક્તિની કૉઑપરેટિવ ગેમ્સ પર પણ સંશોધન પત્ર રજૂ કર્યું હતું.
બે મહાન વ્યક્તિનાં મગજ ઘણી વાર એક સરખી રીતે કામ કરતાં હોય છે. આનો દાખલો નેશના જીવનમાં જોવા મળે છે. નેશ હિલ્બર્ટ્સ નાઇનટીન્થ પ્રોબ્લેમ પર કામ કરી રહ્યા હતા. તેમણે તેનો ઉકેલ મેળવી લીધો તેના નવ મહિના પહેલાં એન્નિયો ડી. જ્યોર્જી નામના ગણિતશાસ્ત્રીએ તે ઉકેલ પ્રસિદ્ધ કરી દીધો હતો. બંનેએ અલગ-અલગ રીતે ઉકેલ મેળવ્યા હતા તે સાબિત કરે છે કે જ્યોર્જીએ કોઈ ઉઠાંતરી કરી નહોતી. પરંતુ આનાથી નેશને ઘણી નિરાશા મળી. જો આ ઉકેલ પહેલાં તેમણે મેળવી લીધો હોત તો ગણિતમાં સૌથી પ્રસિદ્ધ ઈનામ ફિલ્ડ્સ મેડલ તેમને મળી ગયું હોત.  જોકે ગણિતમાં આ ઉકેલને કોઈ એકનું નામ આપવામાં નથી આવ્યું, ઉકેલને નેશ-જ્યોર્જી થિયરમ તરીકે ઓળખવામાં આવે છે.
ઈ. સ. ૧૯૫૧માં નેશ માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (એમઆઈટી)માં ઇન્સ્ટ્રક્ટર તરીકે જોડાયા. ત્યાં તેમને ‘આઇસોમેટ્રિક એમ્બેડિંગ’માં રસ જાગ્યો. આ વિષય એવો છે કે વ્યાખ્યાયિત ભૂમિતિને વાસ્તવિક દુનિયાની ભૂમિતિ સાથે જોડી શકાય છે કે કેમ તે જોવામાં આવે છે. નેશના બે એમ્બેડિંગ થિયરમને ક્લાસિક ગણવામાં આવે છે. તેમાં ઊંડો ગાણિતીય દૃષ્ટિકોણ જોવા મળે છે.
૧૯૫૦ના દાયકામાં નેશ વૈશ્વિક નીતિ પરની બુદ્ધિજીવી સંસ્થા રેન્ડ કૉર્પોરેશન સાથે પણ સંકળાયા હતા. આ નાગરિક સંસ્થાને યુએસ સેના દ્વારા ફંડ પૂરું પડાય છે. અહીં ગેમ થિયરી પર તેમણે કામ કર્યું જે અમેરિકાની સેનાને અને રાજદ્વારી રણનીતિ ઘડવામાં ઉપયોગી થયું.
એમઆઈટીમાં જોડાયાના એક વર્ષ પછી તેમનો સંબંધ એક નર્સ એલીયાનોર સ્ટિયર સાથે થયો. આ નર્સે નેશની દર્દી તરીકે કાળજી રાખી હતી. ‘ખામોશી’ (સંજય લીલા ભણશાળીવાળી નહીં, પરંતુ આસીત સેનવાળી) ફિલ્મની જેમ નર્સ તો નેશના પ્રેમમાં પડી ગઈ અને તેને જોન ડેવિડ સ્ટિયર નામનો દીકરો પણ થયો પરંતુ નેશે તેને છોડી દીધી! તેનું કારણ એવું હતું કે તે નર્સને પોતાના કરતાં ઉતરતી કક્ષાની ગણતા હતા! જોકે નેશના જીવન પરથી બનેલી ‘બ્યુટિફૂલ માઇન્ડ’માં આ હિસ્સો કાપી નાખવામાં આવ્યો છે જેના કારણે ફિલ્મની ટીકા પણ થઈ.
નેશ સેન્ટા મોનિકામાં હોમોસેક્સ્યુઅલ સાથે પણ ઝડપાયા હતા. તેના કારણે તેમને રેન્ડ કૉર્પોરેશનમાંથી દરવાજો બતાવી દેવામાં આવ્યો હતો. તેમને દેશની જે ગુપ્ત બાતમી મળતી હતી – ટોપ સિક્રેટ સિક્યોરિટી ક્લીયરન્સ મળેલું તે પણ છિનવી લેવામાં આવ્યું.
નેશ સ્ટિયર નામની નર્સથી છૂટા પડ્યા પછી થોડા જ સમયમાં તેમની મુલાકાત એમઆઈટીમાં ભણેલી એલિશિયા લોપેઝ-હેરિસન ડી લાર્ડે સાથે થઈ. તે ફિઝિક્સ ભણી હતી. બંને જણાં ફેબ્રુઆરી ૧૯૫૭માં પરણી ગયાં.
ઈ. સ. ૧૯૫૯માં નેશને માનસિક બીમારી વળગી. તેમને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા થયો. દરમિયાનમાં નેશ-એલિશિયાને જોન ચાર્લ્સ માર્ટીન નેશ નામનો એક દીકરો થયો હતો. નેશની પત્ની એલિશિયાનો પ્રેમ કેવો અદ્ભુત હતો! તેણે તેના દીકરાનું નામ એક વર્ષ સુધી નહોતું પાડ્યું. તે નેશની સહમતિથી નામ પાડવા માગતી હતી, અને નેશ તો હૉસ્પિટલમાં હતા. જોકે નેશની બીમારીના કારણે એલિશિયા લાંબો સમય સહનશક્તિ ન રાખી શકી. નેશના જીવન પરથી બનેલી ફિલ્મ ‘અ બ્યુટીફૂલ માઇન્ડ’ મુજબ, નેશને કેટલાક માણસો દેખાતા હતા જે તેમનો ભ્રમ જ હતો. નેશને પેન્ટાગોન (ફિલ્મમાં રેન્ડ કૉર્પોરેશનના બદલે પેન્ટાગોન બતાવાયું છે) તરફથી સોવિયેત સંઘ (આજનું રશિયા, એ વખતે અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે કોણ ચડિયાતું તે સાબિત કરવા શીત યુદ્ધ ચાલતું હતું)ના એક ષડયંત્રને નિષ્ફળ બનાવવાનું કામ સોંપાયું હતું. આના કારણે નેશને લાગવા માંડ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે. અને આવા જ એક પ્રસંગમાં તેઓ તેમના નાનકડા દીકરા અને પત્નીને જમીન પર પછાડી દે છે. અને તે પછી તેમની પત્ની તેમને છોડીને ચાલી જાય છે.
નેશે પોતે કહ્યું છે તેમ, તેમને લાગતું હતું કે તેમને આ બધા ભ્રમ એટલે થતા હતા કે તેઓ ખુશ નહોતા, તેઓ પોતાને મહત્ત્વ અપાય અને ઓળખ મળે તેમ ઈચ્છતા હતા અને તેમને લાગતું હતું કે જો તેઓ બીજા બધાની જેમ સામાન્ય રીતે વિચારશે તો તેમને સારા વૈજ્ઞાનિક વિચારો નહીં આવે.
આમ, ઈ. સ. ૧૯૬૩માં નેશ-એલિશિયાના છૂટાછેડા થઈ ગયા. પરંતુ વાર્તા અહીં જ પૂરી નથી થતી. નેશ શોક થેરેપી સહિત અનેક સારવારમાંથી પસાર થયા. તેઓ યુરોપ પણ ગયા અને ત્યાં શરણાર્થી તરીકે રહ્યા. પરંતુ અમેરિકા પરત ફર્યા. નેશે ધીમે ધીમે હૉસ્પિટલમાં જવાનું બંધ કરી દીધું અને દવાઓ લેવાની પણ બંધ કરી દીધી. જોકે ‘અ બ્યુટીફૂલ માઇન્ડ’માં એવું બતાવાયું છે કે નેશ નવી દવાઓ લઈ રહ્યા છે. ફિલ્મકારોને લાગ્યું હતું કે જો નેશ દવાઓ નથી લેતા તેમ બતાવીશું તો સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ દવા લેવાનું બંધ કરી દેશે. નેશ એવું પણ કહેતા હતા કે સાઇક્રોટ્રોપિક ડ્રગ્ઝને વધુ પડતાં સારાં બતાવવામાં આવે છે (પણ તેમ છે નહીં). તેમની આડ અસરોને ધ્યાનમાં લેવાતી નથી. બંનેના છૂટાછેડા થઈ ગયા હતા તેમ છતાં, નેશને સાજા કરવામાં એલિશિયાનો પણ ફાળો  હતો. એલિશિયાના કારણે નેશ પ્રિન્સટનના ગણિત જૂથમાં જવા લાગ્યા. નેશના પાગલપણા છતાં ત્યાં તેને સ્વીકારવામાં આવ્યા. એલિશિયાએ પોતાના નિવાસસ્થાનમાં બહારની બાજુએ (જેમ કોઈ ભાડુઆતને રાખવામાં આવે તેમ) નેશને રાખ્યા. એલિશિયા પોતે કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે કામ કરવા લાગી. કેટલાક પૂર્વ સાથીઓએ તેમને સંશોધન પ્રોજેક્ટ પણ અપાવ્યા, પરંતુ નેશે તે સ્વીકાર્યા નહીં. યુ.સી. એલ. એ. (કેલિફોર્નિયા યુનિવર્સિટી)ના પ્રોફેસર શેપ્લીએ તેમને ગણિતનું રોકડ ઈનામ અપાવડાવ્યું. નેશને યુનિવર્સિટીનાં કમ્પ્યૂટરોનો ઉપયોગ કરવાની છૂટ પણ મળી. સેમિનારમાં પણ તેમને આમંત્રણો અપાતાં. આ બધાના કારણે ધીમે ધીમે નેશમાં સુધારો થવા લાગ્યો. તે પછી તેઓ ફરી ગણિતનું કામ કરવા લાગ્યા. તેઓ સાજા થઈ ગયા તેનો તે મોટો સંકેત હતો. પ્રિન્સટનમાં પણ જવા લાગ્યા.
નોબેલ પારિતોષિક આપવા માટે નોબેલ સમિતિ ૧૯૮૫થી વિચારી રહી હતી. તેમના પ્રદાન અને તેમના માનસિક સંતુલન બંને ચકાસી રહી હતી. છેવટે ૧૯૯૪માં તેમને નોબેલ મળ્યું. ૨૦૦૧માં નેશ અને એલિશિયાએ ફરી લગ્ન કર્યાં. બંનેનો પ્રેમ તો જુઓ. બંનેનું મૃત્યુ પણ આ કાર અકસ્માતમાં સાથે જ થયું!
(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં આ લેખ તા. ૨૯/૫/૧૫ના રોજ છપાયો).

માબાપ શા માટે સંતાનને પોતાના વ્યવસાયમાં લાવવા માગતા નથી?

માબાપ શા માટે સંતાનને પોતાના વ્યવસાયમાં લાવવા માગતા નથી?

હું મિડિયાના વ્યવસાયમાં શા માટે આવ્યો?કારણકે…
– મને મારી જાત પ્રત્યે પ્રેમ નહોતો.
– મને ૧૨ કે તેથી વધુ કલાકો માટે કામ કરવું ગમતું હતું.
-. મને વધુ કામ કરીને ઓછા પૈસા મેળવવા ગમતા હતા.
– મને કુટુંબ પ્રત્યે પ્રેમ નહોતો. તેમની સાથે ઓછો સમય વિતાવવો ગમતો હતો.
– મને સામાજિક જીવન પસંદ નહોતું.
– મને દિવસના સૂવું અને રાતના જાગવું ગમતું હતું.
– મને મારી તબિયતની ચિંતા નહોતી. મને ભૂખ્યાતરસ્યા કામ કરવું ગમતું હતું.
આ વોટ્સએપ મેસેજ મિડિયાના એક પત્રકારની સ્થિતિની દશા બરાબર વર્ણવે છે. મેં એક કવિતા લખી હતી:
દુનિયા બદલવા નીકળ્યા’તા
પત્રકારો પોતે જ બદલાઈ ગયા
ફાંકો રાખી હાલી નીકળ્યા’તા
વહેમો બધા ધોવાઈ ગયા

લખવું’તું તો ઘણું છાપે કોણ
પગ જ બેડીમાં જકડાઈ ગયા
નોકરી છે કરવી પડે
માનીને જાત્રામાં જોડાઈ ગયા

કરે ઘણી ભ્રષ્ટાચારની વાતો
પોતાના હાથ જ ખરડાઈ ગયા
ક્યાં રહી હવે એ કલમ?
જ્યાં અક્ષર જ તરડાઈ ગયા

જી સાહેબ, યસ સર
માથાં નીચાં થઈ ગયાં
બધે કાગડા કાળાં
સૌ સ્વીકારતા થઈ ગયા

દુનિયા આખીના શોષણની વાતું
કરનારા પોતે શોષિત થઈ ગયા
ત્રણ કોલમના ન્યૂઝ
સિંગલમાં છપાતા થઈ ગયા

ઘણા પત્રકારો અત્યારે કહેતા હોય છે કે તેઓ તેમના બાળકને પત્રકાર બનવા નહીં દે. કારણ પૂછીએ તો કહે છે હવે ચોવીસ કલાકની નોકરી થઈ ગઈ છે. ૧૨થી વધુ કલાક કામ કરવું પડે છે, પગાર ઓછો મળે છે. ગામ આખાના શોષણની વાતો અમે છાપીએ પરંતુ અમારું કેટલું શોષણ થાય છે તે અમે છાપી શકતા નથી. બૅન્ક વગેરેની નોકરીઓમાં લોકો પોતાનો પગારવધારો હકથી મેળવે છે જ્યારે અમારે અમારા બોસ કે માલિક જેટલો પગારવધારો આપે તેનાથી સંતોષ માનવો પડે છે. બાળકો સાજામાંદાં હોય કે પત્ની માંદી હોય ત્યારે દવાખાને કે હૉસ્પિટલે લઈ જઈ શકાતા નથી. અમારા પોતાનાં લગ્ન હોય તો પણ અમને માંડમાંડ રજા મળે છે ત્યાં અન્યોનાં લગ્ન કે મરણમાં ક્યાં જઈ શકવાના? બૅન્કનાં કામ હોય તો માંડ રજા મળે છે. નોકરી બદલીએ તો અમારું પીએફ અટકાવી દેવામાં આવે છે. ૭ તારીખ પહેલાં નોકરી છોડીને બીજા છાપામાં જઈએ તો અમારો પગાર અટકાવી દે છે. ઘણી વાર અમે મોટા ઉદ્યોગપતિ, રાજકારણી કે કોઈ બીજી મોટી હસ્તીને ઉઘાડા પાડતા સમાચાર લાવ્યા હોય તો બોસ કે માલિક તે હસ્તી સાથે ‘સેટિંગ’ કરીને તે સમાચાર છાપતા નથી.
જો બોસ કે માલિકે કહેલાં ‘કામ’ કે ‘ફાઇલ પાસ ન કરાવીએ’ તો અમે લાવેલા સમાચાર છાપવાનું બંધ કરાય છે, અમને વિવિધ રીતે હેરાન કરવામાં આવે છે, અમારી બદલી કરી દેવામાં આવે છે. ઘણી વાર અમારા પર જાહેરખબરો લાવવાનું દબાણ કરવામાં આવે છે. યેલો જર્નાલિઝમ કરવાની અમને ફરજ પડાય છે.
આ વેદના અલબત્ત, બધા છાપાં કે ચેનલોના સંદર્ભમાં સાચી નથી. અમુક છાપાં અપવાદ હોઈ શકે, પણ આ સ્થિતિ એકંદર છે. પત્રકાર ચોવીસ કલાક પત્રકાર હોય છે, તેમ ઘણા પત્રકારો કહેતા હોય છે અને તે સાચું પણ છે, પરંતુ એ વાત એવી છે કે ઘરે રહીને પણ સમાચારોથી સતત અવગત રહેવું. એનો અર્થ એવો નથી કે ઑફિસમાં ૧૨ કલાકથી વધુ કામ કરવું. અખબારો હોય કે ચેનલો, મિટિંગોનું પ્રમાણ વધી ગયું છે અને મિટિંગોમાં વ્યર્થ વાતો અને હાહાહીહી જ મોટા ભાગે થતા હોય છે.  ડેસ્ક પર કામ કરનારા લોકોની પણ ખરાબ હાલત હોય છે. ચૂંટણી, બજેટ, કોઈ મોટી હસ્તી ગુજરી ગયું, આઈપીએલની ફાઇનલ હોય, ફૂટબોલ કે ઓલિમ્પિકનું ઉદ્ઘાટન હોય, વહેલા બોલાવી લેવાય છે, મોડે સુધી રોકવામાં આવે છે, ઘણી જગ્યાએ તો જમવાનું કે નાસ્તાનું પણ કંપની તરફથી પૂછાતું નથી. અરે! બાથરૂમ કે ટોઇલેટ કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોય છે. કેન્ટીન પણ હોતી નથી. જમવા ક્યાં બેસવું તેનો સવાલ થાય છે. બોસ કે માલિકને કર્મચારીની સુખાકારીની કોઈ પડી હોતી નથી. તેને તો મતલબ હોય છે પોતાના સર્ક્યુલેશન, ટીઆરપી કે (વેબસાઇટની ભાષામાં) હિટની.
જોકે એવું નથી કે મિડિયાના લોકો જ એવું કહે છે કે તેઓ તેમના બાળકને પોતાના ક્ષેત્રમાં આવવા નહીં દે. ડૉક્ટર જેવા માનવાળા, ઊંચી કમાણીવાળા વ્યવસાયીઓ પણ આવો જ સૂર કાઢે ત્યારે નવાઈ લાગે!
એક ડૉક્ટર છે રોશન રાધાકૃષ્ણન. એનેસ્થેશિયોલોજિસ્ટ છે. તેઓ સરસ બ્લોગ પણ લખે છે. તેમના  બ્લોગનું નામ છે ગોડયર્સ. તેઓ ‘બેસ્ટ ક્રિએટિવ રાઇટિંગ બ્લોગ ઇન ઇન્ડિયા
’નો એવોર્ડ મેળવી ચુક્યા છે. તેમની તાજેતરની એક બ્લોગ પોસ્ટ ચર્ચામાં છે. આ પોસ્ટનું હેડિંગ છે: વ્હાય આઈ વિલ નેવર એલાવ માય ચાઇલ્ડ ટુ બિકમ અ ડૉક્ટર ઇન ઇન્ડિયા.
તેઓ લખે છે કે ડૉક્ટરોના હવે ભ્રમ ભાંગી રહ્યા છે. ભારતમાં ડૉક્ટરોની સ્થિતિ બહુ ખરાબ છે. ૧,૦૦૦ ભારતીયો દીઠ માત્ર ૦.૭ ડૉક્ટર જ છે. તેની સરખામણીમાં ચીનમાં ૧.૯, યુ.કે.માં ૨.૮, અમેરિકામાં ૨.૫, સ્પૈનમાં ૪.૯ છે. ભારતમાં એક ડૉક્ટરના ભાગે કેટલા દર્દીઓને સારવાર આપવાનું આવતું હશે તે આના પરથી સમજી શકાય છે.
અઠવાડિયામાં ૬૩ કલાક કામ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ એવું થતું નથી. ૧૦૦ કલાક કામ કરવાનું આવે છે. અને ઘણી હૉસ્પિટલોમાં આની તરફેણ કરવામાં આવે છે. કૉન્ટ્રાક્ટમાં ૮ કલાક કામની વાત અને પછી કરાવાય ૧૪ કલાક. અને દલીલ એવી કરાય કે બધા ડૉક્ટરો આવું કરે છે. બહુ જ રૂપાળી દલીલ પણ આગળ ધરાય છે કે આપણે નિઃસ્વાર્થ સેવાના ક્ષેત્રમાં છીએ.
પત્રકાર માટે પણ આવી જ દલીલ કરાતી હોય છે કે આપણે પત્રકાર એટલે ચોવીસ કલાક પત્રકાર. બહુ જૂજ પત્રકારો કામ કરવાના એવા વ્યસની હોય છે કે તેમને સામાજિક જીવન કે પરિવારની પડી હોતી નથી. વળી, તેમનો પગાર પણ સારો એવો હોય છે. આવા પત્રકાર બોસ તરીકે બેસી ગયા હોય છે. તેઓ પોતાનો દાખલો આપીને  બીજા પત્રકારોને પણ ઝાઝા કલાક કામ અને તે પણ ઓછા પગારમાં કરાવે છે. નીચેનો પત્રકાર એવી દલીલ તો કરી ન શકે કે સાહેબ, તમને તો આટલો પગાર મળે છે તેથી તમે કામ કરી શકો. દલીલ કરે તો નોકરી ગુમાવવી પડે. વળી, આવા બોસ લોકો પોતે જ્યારે મરજી પડે ત્યારે કોઈ કારણ આપ્યા વગર ઑફિસમાંથી જતા રહેતા હોય છે અને કામ નીચેના પત્રકારો પર થોપતા જતા હોય છે.  પોતે પછી પરિવાર સાથે ફિલ્મ જોઈ આવે કે લગ્નમાં હાજરી આપી આવે અને ફોનથી નીચેના પત્રકારના કૉન્ટેક્ટમાં રહે એટલે નીચેનો પત્રકાર ક્યાંય છટકી ન શકે.
જોકે વધુ કલાકો કામ કરવાનું હવે દરેક ક્ષેત્રમાં આવી ગયું છે. ચાહે, બૅન્ક હોય કે એલઆઈસી, કોઈ કંપનીનો એકાઉન્ટ વિભાગ હોય કે માર્કેટિંગ, દરેક ક્ષેત્રના લોકોને પૂછશો તો આ જ માથાકૂટ છે. બૅન્કમાં પણ લોનના ટાર્ગેટ હોય છે જે પૂરા કરવા પડે છે. એક સરકારી બૅન્કમાં તાજી નિમણૂક પામેલા કર્મચારીએ કહ્યું કે તેને કારકૂન (ક્લાર્ક) તરીકે નોકરી મળી છે, પરંતુ તેને કહેવાયું છે કે તેણે લોન, ક્રેડિટ કાર્ડ વગેરેનું કામ પણ કરવું પડશે.
ડૉ. રોશન રાધાકૃષ્ણન દલીલ કરે છે કે જો તમે કોઈ ટેક્સીમાં મુસાફરી કરતા હશો તો કોઈ ડ્રાઇવરને તમે સતત ૨૪ કલાક મુસાફરી નહીં કરવા દો (કારણકે તેનાથી અકસ્માતનો ભય છે) પરંતુ દર ત્રીજા દિવસે તમે સર્જનને આવું કરવા કહો છો અને તે ભારતમાં ન્યાયી છે. હકીકતે કોઈ પણ ક્ષેત્ર હોય, એક વાત સ્પષ્ટ છે કે એક માણસ આઠ કલાક કામ કરી શકે છે અને તેમાંય તેને વચ્ચે વચ્ચે થોડો વિરામ તો જોઈએ જ.
ડૉ. રોશન રાધાકૃષ્ણન કહે છે કે એક મહિલા ડૉક્ટર સવારે પાંચ વાગ્યે જાગીને સાત વાગ્યે ઘરેથી નીકળી જાય છે. રાત્રે ૧૦ વાગ્યે ઘરે પહોંચે છે. આનો અર્થ એ થયો કે તે ઘરે માત્ર સૂવા માટે જ આવે છે. તેને હવે લાગે છે કે આ બધું શેના માટે? તે તેના સગાવહાલા માટે સમય કાઢી શકતી નથી. હૉસ્પિટલના રાજકારણના કારણે તે ખૂબ નુકસાન વેઠી રહી છે. અને આ બધું તે માત્ર ૫૦,૦૦૦ રૂપિયાના પગાર માટે કરી રહી છે. (તે મુંબઈમાં રહે છે એટલે આટલો પગાર પૂરતો ન જ કહેવાય).
ડૉ. રોશન રાધાકૃષ્ણન કહે છે કે ઘણી વાર ડૉક્ટરોનો જાન જોખમમાં આવી જાય છે કારણકે દર્દીનું મૃત્યુ થાય કે તેની સ્થિતિ બગડે તો તેના સગાવહાલા હિંસક બની જતા હોય છે. તેમણે ઉપરોક્ત પોસ્ટ પછી લખેલી બીજી પોસ્ટમાં આવા દાખલા પણ ટાંક્યા છે.
ખેડૂતની પણ આ જ સ્થિતિ છે. તે નથી ઈચ્છતો કે તેનું સંતાન ખેડૂત બને. આકરી મજૂરી પછી વરસાદ આવે ન આવે, સિંચાઈનું પાણી મળે ન મળે, વીજળી હોય કે ન હોય, આ બધા પછી પણ તે જે પાક ઉગાડે છે તેના પૂરતા ભાવ મળવાની કોઈ શક્યતા નથી. સરકાર ટેકાના ભાવ પૂરતા ન પણ વધારે. વળી, ખેતી કરવા માટે તેણે દેવું કરવું પડે તે અલગ. અને ખેડૂત હોવાથી બૅન્કમાંથી તો ધિરાણ મળવાનું નથી. આથી તે શાહુકારના વ્યાજખોરીના ચક્કરમાં આવી જાય છે. અંતે ઘણા ખેડૂતો આપઘાત કરવાનું પસંદ કરે છે.
આવું જ સુથાર, લુહાર કે પોલીસનું છે. શિક્ષકો પણ આવી જ વ્યથા વ્યક્ત કરતા હોય છે. ચોપડે રૂ. ૧૦ કે ૨૦ હજારના પગાર પર સહી કરાવીને અંતે પાંચ હજાર જ પગાર આપતા હોય છે. ગુજરાતમાં તો વિદ્યા સહાયકની પ્રણાલિ છે. કરાર પૂરો થાય એટલે કાઢી પણ શકે. વળી, જ્યાં રહેતા હોય ત્યાંથી દૂર દૂરના ગામડામાં નોકરી કરવા જવાની. બદલી કરાવવા પણ લાખો રૂપિયાની લાંચ આપવી પડે. શિક્ષક પાસે ચૂંટણી અને સર્વે જેવાં અન્ય સરકારી કામો પણ કરાવાય છે. ખાનગી શાળાઓમાં તો શિક્ષકનું આનાથી વધુ શોષણ છે.
દરેક ક્ષેત્રમાં, ચાહે સરકારી કે ખાનગી, એક જ ફોર્મ્યુલા અપનાવી લેવામાં આવી છે. મહત્તમ કામ, ઓછો પગાર. હવે તો મેનેજમેન્ટ એવું કરે છે કે ઝાઝા નવોદિતોને ઓછો પગાર આપીને રાખી લે છે. તેમને શીખવાડતા મિડલ મેનેજમેન્ટને નાકે દમ આવી જાય. નવોદિતો ભૂલ કરે તે મિડલ મેનેજમેન્ટે સુધારવી પડે. અને નવોદિતો થોડા મહિનાઓ પછી બીજી કંપનીમાં જતા રહે. આથી મિડલ મેનેજમેન્ટને ફરીથી નવા નવોદિતને શીખવાડવાની જવાબદારી આવી જાય છે. નવોદિતોમાં પણ શીખવાની ધગશ ઓછી થઈ ગઈ છે. તેમને ઝટ ઝાઝો પગાર મેળવી લેવો છે. મેનેજમેન્ટ એવું ઈચ્છતું નથી કે પાંચ નવોદિતોની જગ્યાએ એક અનુભવી પણ સારા પગારવાળી વ્યક્તિ લેવામાં આવે.
આ આખા ચક્કરના પરિણામે, કોઈ ધગશ દઈને કામ કરતું નથી. બધા વિચારે છે કે મારે શું અને મારું શું? પરિણામે અસર કામ પર પડે છે. દરેક ક્ષેત્રમાં નબળું કામ થાય છે. મોટા ભાગના લોકો, ચાહે કોઈ પણ ક્ષેત્રના હોય, વિચારે છે કે તે તેમના સંતાનને તેમના ક્ષેત્રમાં કામ કરવા નહીં દે. બાકી, એક સમય હતો કે ખેડૂતનો છોકરો ખેડૂત જ બને. સુથારનો છોકરો સુથાર બને. સોનીનો છોકરો ઘરેણાની દુકાન જ સંભાળે. ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને.
ભારતમાં આવી સ્થિતિ પાછળ નર્યો મૂડીવાદ પણ જવાબદાર છે. હવે કોઈ પણ વ્યવસાયમાં યુનિયન રહ્યાં નથી. (જોકે વર્ષો પહેલાં સામ્યવાદી યુનિયનોએ ધંધાઉદ્યોગોને તાળાં પણ મરાવી દીધા એય કડવી વાસ્તવિકતા છે.) પરિણામે કર્મચારીનો સંગઠિત અવાજ સંભળાતો નથી. (બૅન્ક અને એલઆઈસીની વાત અલગ છે.) આના કારણે કર્મચારીનું શોષણ થયા કરે છે. વ્યક્તિ ડૉક્ટર બને ત્યારે સમાજસેવાની આશાએ બને છે, સાથે સારા પૈસા મેળવવાની લાલસા હોય છે, પરંતુ પછી હૉસ્પિટલોમાં દર્દીને બેફામ લૂંટાતા જુએ છે. પત્રકાર સમાજને સુધારવા, ગેરરીતિઓને ખુલ્લી પાડવાના ઈરાદે આ ક્ષેત્રમાં ઝંપલાવે છે, શિક્ષક સારા વિદ્યાર્થીઓ ઘડવા માટે શિક્ષક બને છે. પોલીસ ગુનાખોરી ઘટાડવા પોલીસ બને છે. પરંતુ પછી જુએ છે તો તેને પોતાની લાચારી સમજાય છે. આમ દરેક વ્યવસાયીને લાગે છે કે બીજાની થાળીમાં લાડુ મોટો છે.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા. ૨૭/૫/૧૫ના રોજ આ લેખ છપાયો)

તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો

તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો

‘ટેસ્ટ ભી હેલ્થ ભી’ એવા સૂત્ર સાથે જેની જાહેરખબર દર્શાવાતી હતી અને માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જવાની લાલચ અપાતી હતી તે મેગી લોકોને ખૂબ પસંદ પડી ગઈ હતી. ખાસ કરીને મમ્મીઓ માટે. બે મિનિટમાં તૈયાર થઈ જાય અને બાળકોને સ્વાદમાં ભાવે એ અલગ. આથી ઘરમાં નાસ્તામાં મેગી બનવા લાગી. ધીમેધીમે જનરેશન બદલાઈ. અને નવી મમ્મીઓ કાં તો નોકરીના કારણે અથવા રસોઈ કરવાની આળસના કારણે તેનાં બાળકોને હવે જમવામાં મેગી આપવા લાગી. ઘણી જગ્યાએ ઊંધું પણ થતું. રોટલી-શાક બનાવ્યાં હોય તે ખાવાની બાળકો ના પાડે અને તેમને પૂછવામાં આવે ત્યારે તેઓ મેગી બનાવવાનું કહે.
આપણા માટે જે શ્રેય હોય છે તે આપણને ગમતું નથી. આપણને પ્રેય ગમે છે. જેમ કે બાળક હોય તો તેને રમવું ગમશે, ભણવું નહીં. આવું જ ખાવાની બાબતમાં પણ છે. ઉનાળાની ગરમીમાં આપણને ફ્રિઝનું ઠંડું પાણી ગટગટાવવાની તીવ્રતમ ઈચ્છા થાય પરંતુ તેના કરતાં માટલાનું પાણી સારું. આપણને જે ભાવતું હોય તે આપણા માટે મોટા ભાગે નુકસાનકારક હોય છે. ડાયાબિટીસના ઘણા દર્દીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. એસિડિટીની ફરિયાદ એવા લોકો વધુ કરતા હોય જેઓ તીખું તમતમતું ખાવાના શોખીન હોય. હા, જે ખૂબ મજૂરી કરતા હોય તેમને, લોકભાષામાં કહીએ તો, પથરા પણ પચી જાય. આપણે ત્યાં નાસ્તા અને ભોજનની એટલી બધી વિવિધતા છે, તેમ છતાં, ગુજરાતમાં હવે તો ગુજરાતી સિવાય બધી જ પ્રકારની વાનગીઓ માતાઓ-વહુઓ બનાવવા લાગી છે.  પંજાબી, દક્ષિણ ભારતીય, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ. આપણે ત્યાં ઝડપથી તૈયાર થતો નાસ્તો પણ છે જેમ કે સેવમમરા. સિંગદાળિયા, ચણા. ખાખરા. ચવાણુ. પરંતુ આજકાલ પેકેજ્ડ ફૂડનું ચલણ વધ્યું છે. કોઈને કંઈ ઝંઝટ કરવી નથી. અને મેગીનો ફાયદો (!) એ ખરો કે થોડા મોટાં બાળકો હોય- દસ બાર વર્ષના તો જાતે પણ મેગી બનાવી શકે.
હવે આપણને ખબર પડી છે કે વર્ષોથી જે મેગી આપણામાંના કેટલાક ખાતા હતા તે તો સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. ઘણી વાર આપણને કોઈ અધિકૃત સંસ્થા ન કહે ત્યાં સુધી અને જ્યાં સુધી તેની સામે ઝાઝો હોબાળો ન મચે ત્યાં સુધી આપણે એ બાબત માનતા નથી. બાકી, મેગી વિશે આરોગ્ય નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં મેંદો આવતો હોવાથી તે બહુ ખાવી સારી નથી. મેગી ઉપરાંત અન્ય ચાઇનીઝ વાનગીઓમાં પણ વપરાતા આજીનોમોટો વિશે પણ ઘણા સમયથી આ નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં સ્વાદ જ મળે છે, પરંતુ પોષણ નથી મળતું. હવે બધું વૈજ્ઞાનિક અને આરોગ્યની રીતે બહાર આવી રહ્યું છે ત્યારે આપણને ખબર પડી કે આ આજીનોમોટો કેટલો નુકસાનકારક છે.
આજીનોમોટો છે શું? નામ પરથી તે ગુજરાતી હોવાની ભૂલ ન કરવી. તે જાપાનીઝ શબ્દ છે. હકીકતે એક જાપાનીઝ કંપનીનું નામ છે. ઘણી વાર કોઈ ચપલ બનાવતી કંપનીનું નામ ચપલ સાથે જોડાઈ જાય તેમ એક પદાર્થ સાથે આજીનોમોટોનું નામ જોડાઈ ગયું છે. આ પદાર્થ એટલે મોનો સોડિયમ ગ્લુટામેટ જેને ટૂંકમાં એમએસજી તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થ ઉમામીની સુનામી સર્જે છે. ઉમામી પણ એક જાપાનીઝ શબ્દ છે. તેનો અર્થ થાય છે ચટપટો, મજા પડી જાય, ટેસડો પડી જાય તેવો સ્વાદ. આ સ્વાદને આમ તો સ્વાદની એકેય શ્રેણીમાં ફિટ બેસાડી ન શકાય. ન તે ખાટો હોય, ન તે ખારો, ન મીઠો હોય ન કડવો. તેનું રાસાયણિક સૂત્ર છે – C5H8NO4Na. જાપાનના બાયોકેમિસ્ટ કિકુનાએ ઈકેદાએ પહેલી વાર તેને તૈયાર કર્યું હતું. જાપાનમાં ઘણાં સૂપોમાં કોમ્બુ નાખવામાં આવે છે. કિકુનાભાઈ આ કોમ્બુ જેવો પદાર્થ બનાવવા મથતા હતા અને તેમાં તેઓ સફળ રહ્યા.
આ એમએસજી ટમેટાં, બટેટાં, મશરૂમ, ચીઝ, અન્ય ફળો અને શાકભાજીઓમાં કુદરતી રીતે મળી આવે છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે આ એમએસજી એ એક્સાઇટોટોક્સિન છે. તમને થશે કે આ એક્સાઇટોટોક્સિન વળી કઈ બલાનું નામ છે? માનો કે એમએસજી દાઉદ ઈબ્રાહિમ જેવી વ્યક્તિ છે તો એક્સાઇટોટોક્સિન એ ગુંડા છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે એક્સાઇટોટોક્સિન એ એક શ્રેણી છે અને તે એવાં રસાયણોની શ્રેણી છે જે સામાન્ય રીતે એમિનો એસિડ હોય છે. તેઓ ન્યૂરોન રિસેપ્ટરને ઉત્તેજે છે. (એક્સાઇટોટોક્સિન નામમાં જ સ્પષ્ટ છે કે ઉત્તેજતાં ઝેરી તત્ત્વો) આ ન્યૂરોન રિસેપ્ટર મગજના કોષોને એકબીજા સાથે સંદેશો પહોંચાડવા દે છે. મતલબ કે જો તમારા પગ પર મચ્છર બેઠું હશે તો તમારું મગજ હાથને આદેશ આપશે કે પગ પરથી મચ્છર ઉડાડ.
એક્સાઇટોટોક્સિન ન્યૂરોન રિસેપ્ટરના સંપર્કમાં આવે છે ત્યારે આવેગમાં એક તીવ્ર ઉછાળો આવે છે. પરંતુ તે પછી તેઓ થાકી જાય છે. કેટલાક કલાકો પછી આ ન્યૂરોન મરી જાય છે. આ અસર મગજના એવા ભાગમાં થાય છે જે આપણા વર્તન, લાગણીઓ, યૌવન, ઊંઘનું ચક્ર અને રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે.
અમેરિકાના ન્યૂરોસર્જન અને લેખક ડૉ. રસેલ બ્લેલોકે ‘એક્સાઇટોટોક્સિન: ધ ટેસ્ટ ધેટ કિલ્સ’ પુસ્તકમાં સમજાવ્યું છે કે મોનોસોડિયમ ગુલ્ટામેટ એક એક્સાઇટોટોક્સિન છે જે તમારા કોષને ઓવરએક્સાઇટ એટલે કે વધુ પડતા ઉત્તેજે છે. એટલી હદ સુધી કે તેનાથી તેને નુકસાન પહોંચી શકે અથવા તેનું મૃત્યુ થઈ શકે. આમ મગજને નુકસાન કરે છે.
આ એક્સાઇટોટોક્સિન માત્ર ન્યૂરોન સાથે જ રમત નથી રમતાં, પરંતુ જીભ સાથેય રમત રમે છે. તેમાં રહેલાં રસાયણો જીભમાં રહેલાં સ્વાદ કોષોને ઉત્તેજિત કરે છે. આથી આપણે જે ખાઈએ છીએ તેનો સ્વાદ આપણને બહુ સારો લાગે છે. આથી જ તો સૂપ, નાસ્તા, સોસ, ગ્રેવી અને બીજા અનેક ફૂડમાં આ એમએસજી (એમએસજી) અથવા એક્સાઇટોટોક્સિન નાખવામાં આવે છે.
એક્સાઇટોટોક્સિન માત્ર ચાઈનીઝ પ્રકારનાં વ્યંજનોમાં જ હોય છે એવું નથી, કેમ્પબેલના સૂપથી લઈને વેઇટ વોચર્સ અને મેકડોનાલ્ડના અમેરિકન પ્રોસેસ્ડ ફૂડમાં પણ એમએસજી તેમજ એસ્પર્ટેમ નામના એક્સાઇટોટોક્સિન હોય છે. એટલે તમે કોઈ માર્ટ, ફ્રેશ કે મોલમાં કરિયાણું લેવા જાવ અને ત્યાં પેકેજ્ડ ફૂડ, સૂપ, ચિપ્સ, વેફરના પડીકાં ખરીદો તો તેમાં, ફ્રિજમાં રાખેલા ખાદ્ય પદાર્થોમાં એક્સાઇટોટોક્સિન હોવાની પૂરી સંભાવના છે. સ્વાદમાં તો ‘કુરકુરા’ લાગે પણ પછી તેની અસરો વર્તાય.
અને આ એક્સાઇટોટોક્સિનથી કેવી અસરો થવા સંભવ છે? અગાઉ કહ્યું તેમ મગજના ન્યૂરોન સેલને તો તે મારી નાખે જ છે. ‘ધ હેલ્થ સાઇટ’ના કહેવા મુજબ, આ એમએસજી જેવા એક્સાઇટોટોક્સિનથી તમારી યાદશક્તિ અને તમારી શીખવાની પ્રક્રિયા પર અસર થાય છે (એનો અર્થ એ કે બાળકોએ આવા ખાદ્ય પદાર્થો બિલકુલ ખાવા ન જોઈએ). ડૉ. રસેલ બ્લેલોકના કહેવા પ્રમાણે, આ એમએસજીથી લર્નિંગ ડિસએબિલિટી, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ, લોઉ ગેહરિગ રોગ (જેમાં મગજ અને કરોડરજ્જુના કોષોને નુકસાન થાય છે), હંટિગ્ટન્સ ડિસીઝ થઈ શકે. પ્રયોગશાળામાં પ્રાણીઓ પર ગ્લુટામેટનાં ઇંજેક્શન આપવાથી તેમના મગજના નર્વ કોષોને નુકસાન પહોંચ્યું હતું. તેનાથી તમને આંચકીઓ, ચક્કર આવી શકે. બાળકોનાં વર્તન તો બદલાય જ સાથે મોટી ઉંમરની વ્યક્તિને પણ હાઇપરએક્ટિવિટીને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે. જેમને એમએસજીની એલર્જી હોય તેનું તો મોત પણ થઈ શકે.
ડૉ. રસેલ બ્લેલોક મુજબ, જ્યારે વધુ પડતું એમએસજી લેવામાં આવે ત્યારે કાર્ડિઆક અર્હાઇથમિયા (હૃદયના ધબકારા અનિયમિત થવા)ની સ્થિતિ થાય છે. એમાંય જ્યારે મેગ્નેશિયમનો સંગ્રહ ઓછો હોય ત્યારે (જેમ કે એથ્લેટમાં) ત્યારે ઓછા પ્રમાણમાં એમએસજી લો તો પણ કાર્ડિયાક અર્હાઇથમિયા ઉત્પન્ન થાય અને મોત પણ નિપજી શકે. આ સિવાય, એમએસજી લેનારને, ભૂખ ન લાગવી, પાચનની ક્રિયામાં ગરબડ થવી, સ્થૂળતામાં વધારો, આંખને નુકસાન, માથાનો દુખાવો, વધુ પડતો થાક, વિસ્મૃતિ, નિરાશા જેવી આરોગ્ય સંબંધી હેરાનગતિઓ થઈ શકે છે.
કેટલાક લોકો એમ કહે છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ તો એમએસજીને ખાવા માટે સલામત ગણ્યું છે પણ આવા લોકો સિફતપૂર્વક ભૂલી જાય છે કે એફડીએ પણ જો અને તોની રીતે તેને સલામત ગણે છે. ઉપરાંત તે એમ તો કહે જ છે કે તેનાથી ટૂંકા ગાળાનાં રિએક્શન આવી શકે જેમ કે હાથ-પગમાં ખાલી ચડી જવી, પેટમાં બળતરા થવી, ઝણઝણાટી થવી, મોઢું તણાવું, છાતીમાં દુખાવો થવો, માથું દુખવું, ઉલટી થવી, હૃદયના ધબકારા  વધી જવા, તંદ્રા, નબળાઈ, ખૂબ પરસેવો થવો.
તો કેવી રીતે ખબર પડે કે તમે જે બહારથી પેકેજ્ડ ફૂડ લાવ્યા તેમાં એમએસજી છે કે નહીં. આવાં ખાદ્ય પદાર્થો બનાવનારા હોંશિયાર હોય છે. તેઓ એમએસજી લખવાથી બચે છે. વળી, ફૂડ બનાવતી વખતે કે તે બન્યું હોય ત્યારથી તમે ખરીદો કે ઘરે લાવીને ફ્રિજ વગેરેમાં મૂકો ત્યાં સુધીમાં તેમાં એમએસજી બની ગયું  હોવાની શક્યતા છે. એટલે પ્રોસેસ્ડ ફૂડ ખરીદો તો તેમાં સામાન્ય રીતે એમએસજી છે જ તેવું માની લેવું. તાજો ખોરાક લેવો. ઘરમાં બનેલો ખોરાક લેવો. (મમ્મીઓએ ખાસ યાદ રાખવું. થોડી મહેનત થશે પરંતુ ઘરમાં બનેલો ખોરાક બાળકોને આપશો તો તેનું આરોગ્ય અને ભવિષ્ય સુધરશે.) રેસ્ટોરન્ટમાં બને ત્યાં સુધી ખોરાક લેવાનું ટાળવું. જવું જ પડે તેમ હોય તો ત્યાં પૂછી શકાય કે એમએસજી વગરની કઈ ચીજો છે. હવે તમને ખબર પડી જ ગઈ છે કે ચાઈનીઝ અને અમેરિકન પ્રકારના, સ્ટોર કરેલા, પ્રોસેસ કરેલા, પેકેટમાં આવતા ખાદ્ય પદાર્થોમાં એમએસજી હોવાની શક્યતા છે. (અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનીઝ ફૂડનો ચસકો લાગી ગયો હતો, તેથી તેઓ પણ એમએસજી પાછળ ગાંડા થઈ ગયા, પરંતુ ધીમે ધીમે સત્ય સમજાઈ રહ્યું છે.)
એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે જો એમએસજી આટલું ખરાબ હોય તો ચીન અને જાપાનના લોકો તો ભરપૂર તેને ખાય છે. તેમને કેમ કંઈ થતું નથી? (નેસ્લેનું પીઆર કેમ્પેઇન ચાલશે તો આવા અનેક સવાલો કેટલાક અખબારોમાં અને ન્યૂઝ ચેનલોમાં આવવા લાગવાના) એનો જવાબ એ છે કે દરેકની સંસ્કૃતિ જેમ અલગ હોય છે તેમ પચાવવાની તાસીર અલગ હોય છે. ચીનાઓ તો વાંદા-ગરોળી-ઉંદર ખાય છે. તમે તે ખાઈ શકવાના? ખાશો તો પચાવી શકવાના? અગાઉ કહ્યું તેમ મજૂર સૂકો રોટલો- ડુંગળી ને મરચા ખાય તો તેને કંઈ ન થાય કારણ કે તે એટલી મહેનત કરે છે કે તેને તે પચી જાય છે. આપણું ખાણું ઘણા વિદેશીઓને બહુ મસાલેદાર- તીખું- સ્પાઇસી લાગે છે. તેમને તે માફક આવતું નથી. એમ, આ એમએસજીવાળા ખાદ્ય પદાર્થો ટેસ્ટી લાગે, પરંતુ અંતે તે હિતકર નથી હોતા. એમએસજીવાળા જ શું કામ, ઉપર કહ્યું તેમ પેકેજ્ડ, પ્રોસેસ્ડ અને સ્ટોર્ડ ફૂડ, જંક ફૂડ આ બધા હિતકર નથી જ.
(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૧૩/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

15 June 2015

ધર્મ–અધ્યાત્મ



ધર્મ–અધ્યાત્મ

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી
[48.] દેશની વર્તમાન કરુણતાનાં મુળ જ આપણી કહેવાતી આધ્યાત્મીક પરલોકપરાયણતા છે. એક બાજુ, બે ટંકના રોટલા માટે તનતોડ શ્રમ કરી, જીવન વેંઢારતી વીરાટ જનતા છે; જેને અન્ય કશું ભાન જ નથી, તેમ એવું વીચારવાની ફુરસદ પણ નથી. તો બીજી બાજુ આ કારુણ્યને જેઓ દુર કરી શકે તેમ છે, તેઓ ત્રીજું નેત્ર ખોલવાની અને આત્મા–પરમાત્માનો સાક્ષાત્કાર કરી, કહેવાતા બ્રહ્માનન્દની ખોજમાં પડ્યા છે. અને એવી ખોજમાં ખરેખર મોજ છે; કારણ કે વીસમી સદીના આ સાધુબાવાઓ કોઈ ત્યાગ કે સેવાની વાત કરતા જ નથી. પરીણામે ઈન્દ્રીયોનો આનન્દ એ જ વાસ્તવમાં તેઓનો બ્રહ્માનન્દ બની ગયો છે. સમાજ અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરુઢીઓથી મરણતોલ શોષાઈ રહ્યો છે ત્યારે એને ઉગારવાનું કોઈને સુઝતું નથી અને આત્મા–પરમાત્માને નામે લોકો નવી અન્ધશ્રદ્ધાઓ, નવા વહેમો ઉભા કરી, શોષણ તથા લુંટની પ્રક્રીયાને બળવત્તર બનાવી રહ્યા છે. આધ્યાત્મીક કહેવાતી પ્રવૃત્તી આખરે તો એક પ્રકારનું માનસીક આશ્વાસન છે; જે દ્વારા ‘અમે કંઈક મહાન કાર્ય કરી રહ્યા છીએ’ એવો માનવીનો અહમ્ સંતોષાય છે અને છતાં એ માટે કશો ભોગ આપવો પડતો નથી.
લગભગ અઢી હજાર વર્ષ પુર્વે તથાગત બુદ્ધે એવો ઉપદેશ આપેલો, જો આવા લોકોએ બે કાન પણ બન્ધ ન કર્યા હોય તો સાંભળવા જેવો છે કે, ‘પરમાત્માની ચીન્તા ન કરો ! એ છે યા નહીં એવી ખોજ માંડી વાળો અને આ નજર સામે જ જે સાક્ષાત્ માનવી દેખાય છે, એનાં દુ:ખદર્દોનો પાર નથી, તેની યાતનાઓ–વેદનાઓ દુર કરવામાં લાગી જાઓ !’ પરન્તુ એ કાર્ય કપરું છે અને એમાં મહાન હોવાનો લાભ તો છે નહીં, પછી આ સુખીયા, સ્વાર્થપરસ્ત લોક એમાં શા માટે પડે ? એ કરતાં સંસાર મીથ્યા છે, માયા છે, એવી એવી વાતો હાંકી, એ જ સંસારની મોજમજા માણવી શું ખોટી ? 
[49.] આપણો ધર્મ માણસને શીખવે છે કે : ‘ઈશ્વર બધું જ જાણે–જુએ છે, એના દરબારમાં ન્યાય છે, સજારુપે નરક છે, સારા બદલારુપે સ્વર્ગ છે, કર્મનો બદલો મળ્યા વીના રહેતો નથી, બીજા જન્મેય તમારે કર્યાં ભોગવવાનાં જ છે’.. ઈત્યાદી. હવે આવા ધાર્મીક શીક્ષણથી જો માણસો સદાચારી બની જતા હોત તો, આજે આ દેશમાં આટઆટલાં ભ્રષ્ટાચાર, કૌભાંડો, જુઠાણાં, શોષણ, અન્યાય, ક્રુરતા, સ્વાર્થ, લુંટાલુંટ–ઝુંટાઝુંટ તથા લોલુપતા ન જ પ્રવર્તતાં હોત. મતલબ કે, ધર્મના પ્રભાવથી બાળક સદ્વર્તન નથી સ્વીકારતું; કારણ કે ધર્મની દલીલો જ અતાર્કીક તથા અસત્યમુલક હોય છે. ભગવાનમાં માનનારો માણસ ખુદ પણ ભગવાનથી ભાગ્યે જ ડરતો હોય છે ! ટુંકમાં, અમુક સદાચાર ધાર્મીક ઉપદેશ છે – એમ કહેવાથી એનું મુલ્ય સ્થાપીત નથી જ થઈ શકતું અને સ્વીકારાતું પણ નથી. માટે સાચો તથા ઉત્તમ માર્ગ તો એ જ કે સદાચાર કે જીવનમુલ્યોનું સ્વકીય તથા વાસ્તવીક મુલ્ય જ બાળકના ચીત્તમાં પ્રગટાવવું જોઈએ. તો ઝટ દઈને એને ગળે ઉતરી જશે. શીક્ષણનો આ સીદ્ધાંત છે.
[50.] ધર્મ મનુષ્યને કેટલી હદે હૃદયહીન, બુદ્ધીહીન, મુર્ખ, તથા માનવતાહીન બનાવી દે છે એનો આવો હૃદયવેધક પુરાવો અગાઉ અન્ય ભાગ્યે જ મેં અનુભવ્યો હશે. હું લગભગ ભાંગી પડ્યો. જગવીખ્યાત લેખક–ચીન્તક ટૉલસ્ટૉયે એમની વીશ્વશ્રેષ્ઠ નવલકથા ‘યુદ્ધ અને શાન્તી’માં કંઈક એવી મતલબનું લખ્યું છે કે માનવી દુષ્ટ છે એ માનવજાત માટે કોઈ મોટી સમસ્યા નથી; પરન્તુ ખરી, ગંભીર તથા અટળ સમસ્યા તો એ છે કે માનવજાતની મોટી બહુમતી મુર્ખ છે. ટૉલસ્ટૉયનું આ તારણ સમ્પુર્ણ સત્ય છે. દુષ્ટતાની દવા શક્ય છે, વાલીયો ભીલ ક્યારેક કવી વાલ્મીકી બની જઈ શકે છે; પરન્તુ મુર્ખતા બાબતે તો આપણા પુર્વજ મનીષીઓએ પણ હતાશાભર્યા ઉદ્ગાર જ કાઢયા છે કે ‘મુર્ખસ્ય ઔષધમ્ નાસ્તી’– મુર્ખાની કોઈ દવા નથી ! આપણા કોઈ ભક્તકવીએ પણ બરાબર આવી જ બોધક પંક્તી લલકારી કે ‘મુરખને જ્ઞાન કદી નવ થાય !’ દુષ્ટને એની દુષ્ટતાનું ભાન કરાવી શકાય છે, જેથી તેની સુધરવાની તક રહે છે. દુષ્ટમાં ખુદમાંય દુષ્ટતાને સમજવા જેટલી સમજણ કે બુદ્ધી અચુક હોય જ; કારણ કે બુદ્ધી વીના દુષ્ટ કૃત્ય થઈ શકતું નથી. જ્યારે મુર્ખતા એ જ્યાં બુદ્ધીના અભાવની જ અવસ્થા છે, ત્યાં સુધારાની શક્યતા જ ક્યાં રહે ? મુર્ખ નર સમજી શકતો જ નથી કે પોતે મુર્ખ છે. એને મન તો એની મુર્ખતા એ જ દુનીયાનું શ્રેષ્ઠ ડહાપણ છે. અને ઘણા ધાર્મીક કર્મકાંડ એ દુનીયાની આવી શ્રેષ્ઠતમ મુર્ખતા છે.
 [51.] આ એકવીસમી સદીમાંય સંખ્યાબન્ધ રાષ્ટ્રો પોતાને ‘ધાર્મીક રાજ્ય’ જાહેર કરતા હોય અને અન્ય કેટલાંક વળી એવી ઉમેદ સેવી રહ્યા હોય, ત્યારે ત્યાંની પ્રજાઓની તો દયા જ ખાવી રહી. સંકુચીત, બન્ધીયાર ધર્મ પ્રજાસ્વાતંત્ર્યનો મોટામાં મોટો શત્રુ છે; કારણ કે ધર્મો સદાય સરમુખત્યારો અને ફાસીવાદને આધારે જ ફાલતાફળતા રહ્યા છે. તદનુસાર એ લોકોએ સમજવું જોઈએ કે ધર્મના મોટા ભાગના આદેશો તથા વીધીનીષેધો તત્કાલીન, કામચલાઉ તેમ જ કાલસાપેક્ષ હોય છે; કારણ કે તમામ ધર્મો પ્રાચીન કાળમાં જ ઉદ્ભવ્યા છે. એને સર્વકાલીન સત્ય માની જડવત્ વળગી રહેવાથી તે જુથની તેમ જ માનવજાતની પ્રગતીને ભારે હાની પહોંચે છે. ધર્મો બહુધા બળને આશરે ટકે છે અને ફેલાય છે; એથી ધર્મના ધુરન્ધરો સર્વપ્રથમ અનુયાયીઓની તેમ જ સમ્બન્ધીતોની જબાન કાપી નાખે છે. વાસ્તવમાં ધાર્મીક જને તો એવું આત્મગૌરવ કેળવવું જોઈએ કે એકાદ ચલચીત્રથી યા પુસ્તકથી ખંડીત કે ભયભીત થાય, એવો નીર્બળ કાંઈ અમારો સમ્પ્રદાય નથી જ !  ‘અભીવ્યક્તી સ્વાતંત્ર્ય’ પરત્વે લોકશાહી સરકારોએ સમુદાર બનવું જોઈએ અને પ્રસ્તુત સ્વાતંત્ર્યને રુંધતાં પરીબળો સામે કડક હાથે કામ લેવું જોઈએ.
[52.] કોને ધર્મ કહેવાય અને કોને અધર્મ, એની સ્પષ્ટ વ્યાખ્યા તો કમ સે કમ એક સેક્યુલર રાજ્યમાં હવે કરી દેવી જ ઘટે. ‘સેક્યુલર’ એટલે સાવ લાગણીહીન એવું ‘ધર્મનીરપેક્ષ’ શાસન નહીં; એ ‘બીનમજહબી’ રાજ્ય હોવું જોઈએ : માણસ પહેલો અને ધર્મ પછી. માણસના સુખશાન્તી ને સલામતીની આડે ધર્મ આવી શકે નહીં. ધર્મ વ્યક્તીગત હોય, જાહેર નહીં.
[53.] આપણી સામાજીક વ્યવસ્થામાં ક્યાંય લોકશાહી નથી. વર્ણાશ્રમ ધર્મ ઉપર રચાયેલ અન્યાયી સમાજરચનાએ જન્મને કારણે ઉંચનીચના ભેદ કરી, માનવી–માનવી વચ્ચે અભેદ્ય દીવાલ ઉભી કરી છે. સામાજીક સુધારાની વાત કરવાની હીમ્મત કોઈ કરે તો એ બરદાસ્ત કરવાની કોઈ સમાજની તૈયારી નથી. વધુ કરુણતા તો એ છે કે આ ધર્મના ચાલતા પાખંડો, જ્ઞાતી તથા પેટાજ્ઞાતીની પ્રથાઓ, અંદરોઅંદરની; પણ અલગતાવાદની અને ઉંચનીચની ભાવનાનાં ગુણગાન ગાતાં આપણા શીક્ષીતોય થાકતા નથી. મન્દીર, મસ્જીદ, કથાવાર્તાઓ તેમ જ ધર્મના જલસાઓ માટે લાખ્ખો રુપીયા વગરમાગ્યે મળશે; પરન્તુ કેળવણી, તબીબી, અને સાર્વજનીક સગવડો માટે આ જ લોકો સમાજસેવકોને લાચાર બનાવી દે છે. શીક્ષણકાર્ય ઉપર પણ જ્યારે ધર્મની છાપ ઠોકી બેસાડવામાં આવે છે, ત્યારે આ શીક્ષણ લેતા નવયુવાનો શી રીતે વૈજ્ઞાનીક વીચારો ઝીલતા થાય ?
[54.] સાધનસમ્પન્ન શીક્ષીતો પ્રજાને આધ્યાત્મીકતાનો વણમાગ્યો ઉપદેશ આપવા નીકળી પડે છે. ભણેલાની પાછળપાછળ અજ્ઞાન પ્રજા પણ પંડીતો, સાધુઓ, બાપુઓ પ્રત્યે આશાની મીટ માંડતી થઈ જાય છે. દરેક સ્થળે ચમત્કારનો દાવો કરનારાઓએ પ્રજાને ઘેરી લીધી છે. આવાં બધાં દુષણોમાં ઉગતા યુવાનો સીધી કે આડકતરી રીતે ફસાતા જાય છે. સ્વરાજ્ય પહેલાંની ખુમારી આજે નષ્ટ થઈ છે. શું આપણે સ્વરાજ્ય માટે લાયક જ ન હતા ? ગુલામી અને સ્વતંત્રતા વચ્ચેનો ભેદ પ્રજા ભુલવા લાગી છે. દેશ વેરાન થઈ જાય, બળીને ખાક થઈ જાય તે પહેલાં દેશના યુવકો, શીક્ષણકારો, બૌદ્ધીકો, પત્રકારો, સામાજીક કાર્યકરો આપણી આ કચડાયેલી પ્રજા તરફ નજર નાંખે, તો જ તેમાંથી જીવવાનો પ્રાણવાયુ મળશે.
રમણ પાઠક  ‘વાચસ્પતી

શ્રી ગુણવંત વૈદ્યની બે અછાંદસ કાવ્ય રચનાઓ

શ્રી ગુણવંત વૈદ્યની બે અછાંદસ કાવ્ય રચનાઓ 

ઉદાસી માનવ !
જમીનથી ઊંચે
સુસવાટાભર્યા પવનમાં
બેફામ ફંગોળાઈ તૂટું તૂટું થતી
એક વૃક્ષની ડાળને મજબુતાઈથી પગની આંટીમાં રાખીને બેઠેલા
પેલા પારેવાંનો સ્વશક્તિથી ઊડી શકવાની કાબેલિયત
ઉપરનો અનન્ય ભરોસો જોઈને તારા
સ્વકાંડામાં સંકલ્પીત કૌવત ભરીને
નૈરાશ્ય કાઢી
યશસ્વી થા.

========

શરાબની બોટલના બુચ આકારની એમની એક અછાંદસ રચના

નશો.

નશો
પણ કેવો?
શીશીનું ટીપેટીપું
ગટગટાવો ને પછી તો
ખુલ્લી આંખે પ્રજ્ઞા ઊંઘે, અંધારા રસ્તા,
ચક્રભ્રમણમાં જગ ભમે પણ ઘર તો આઘે, ને
હોઠચાટુડી બેલગામી નિર્લજ્જ જીહવાને જરા પણ
બે આંખની શરમ નૈ …..!!!! આ તે કેવો નશો ? હેં ..?
હવે તો બુચ જ માર એ શીશીને, ઓ ઘમંડી !!
ને …ઉતારી દે ‘હું’ નો નશો, પછી…
પ્રજ્ઞાશીશી ખોલીને ચડાવી દે
બે પેગ સમજદારીનો નશો
ને ચક્રીભ્રમણ છોડી,
બંધ રસ્તા ખોલી
ઘરની કેડીએ
ડગ માંડ..
કારીગર..
ઊઠ !

ગુણવંત વૈદ્ય.

=====================

શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ તાજી હાઈકુ રચનાઓ 

અવલંબન

જતાં, અંધારે, દીવી

સ્વપ્રકાશી થૈ.

====

પોકળ વાંસે

સરગમ મધુરી

તૃપ્તિ બેહદ !

=======

વન ભટકે

મૃગ સોડમ કાજે,

નાભિ વિસરી?

ગુણવંત વૈદ્ય.

ખરો શિક્ષિત કોણ ?


shikshit
ખરો શિક્ષિત કોણ ?
* અનેક વિકલ્પો વચ્ચે સ્વસ્થ રહી શકે તે.
* વિવિધ શકયતાઓ વચ્ચે જેનો આત્મવિશ્વાસ ડગી જતો નથી તે.

મૌલા નામની ગઝલમાં એ ખૂદાને કહે છે,

મૌલા નામની ગઝલમાં એ ખૂદાને કહે છે,

“બચે નિર્દોષનાં કતલથી દુનિયા
તું  ખંજરને  કલમ  કરી  દે
મૌલા”

કેવી ઉમદા કલ્પના કરી છે, સપનાબહેને? અને પછી કરગરીને કહે છે,

“ફરી સપનાએ હાથ ઉઠાવ્યાં છે
દુઆમાં, તું અસર કરી દે
મૌલા”
 

બીજી એક ગઝલમાં તેઓ કહે છે,

“રહેશે    દ્વાર  ખૂલાં   સદા   તારી  પ્રતીક્ષામાં
તું મન ચાહે બેધડક આવજે દિલથી વચન
આપું”
 

છે ને “મેરા ઘર ખૂલા હૈ, ખૂલાહી રહેગા, તુમારે લિયે…”? 

સપનાબહેન માને છે કે “પ્રેમ સૌથી મોટી લાગણી છે.. અને વિશ્વ એકકુટુંબ છે, તો જીવૉ અને જીવવા દોપ્રેમથી લોકોને જીતો તલવારથી નહીં, સૌથીમોટો ધર્મ માનવતાનો છે.” 

સપનાબહેન પાસેથી આપણને હજીપણ વધારે સાહિત્ય મળતું રહે એવી શુભેચ્છા સાથે આ લેખ અહીં સમાપ્ત કરૂં છું.

-પી. કે. દાવડા,ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા . 


દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી